Translate

લેબલ kerala સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ kerala સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 15 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૪)

          એ પછીના દિવસે મુન્નારને વિદાય આપી ઠેકડી જવા તૈયાર થયાં. મુંબઈથી જે બધું બે દિવસમાં જોવાનું આયોજન કરી આવ્યો હતો તે હવે અડધા દિવસમાં જોવાનું હતું અને પછી ઠેકડી પહોંચવાનું હતું.પણ ઘણી વાર આયોજનવાળી યોજના કરતાં અણધારી ઘટના વિશેષ આનંદદાયી અને અવિસ્મરણીય બની રહે એવું થતું હોય છે અને અહિ એમજ બન્યું.સહેલાણીઓના ધાડાં જ્યાં ઉમટતાં હોય છે એવી બધી મુન્નારની પ્રખ્યાત જગાઓ જોઈ જેવીકે ઇકો પોઇન્ટ,બ્લોસમ ગાર્ડન,મડુપટ્ટી ડેમ,પોઠેન્મેડુ લેક વગેરે.પણ એક દિવસ પહેલાં પેલાં પહાડની ટોચે જોયેલાં ચા-કોફીના બગીચા,પેલું ગણેશ મંદિર અને એલેવુર લેક જેવી મજાતો ક્યાંય ન આવી!

          એ પછી તો ઠેકડી ગયાં.ત્યાં પણ સ્ટર્લિંગ રીસોર્ટમાં જ રોકાણ કરવાનું હતું.અહિ મુન્નાર જેવી ભવ્યતા નહોતી પણ સગવડ અને સૌંદર્યની અહિ પણ કમી નહોતી.અહિ હોટલેની રૂમ આખી લાકડાની બનેલી હતી અને તેમાં રહેવાની પણ એક અલગ મજા આવી.વળી અહિ સ્વિમીંગ પુલ હતો તેમાં બે દિવસ દરમ્યાન બે-ત્રણ વાર સ્વિમિંગ કરવાની મજા પણ માણી.જે દિવસે પહોંચ્યા એ જ દિવસે સાંજે કેરળના કેટલાક ભાગમાં ફેલિન વાવાઝોડાની અસર થઈ હતી જેથી ઠેકડીમાં પણ મૂસળધાર વરસાદ વરસ્યો!જે સાવ અણધાર્યું અને ઓચિંતુ હતું! પણ અમારો કાર્યક્રમ આ વરસાદને લીધે જરાયે ખોરવાયો નહોતો જાણે કેરળે અમારા જેવા મોંઘેરા મહેમાનોની સગવડ સાચવવા જ,અમે ઠેકડી અમારી હોટલે પહોંચી ગયાં એ બાદ જ વરસાદ વરસાવ્યો!મોડી સાંજે અમે કેરળના અતિ-વિખ્યાત એવા કથકલી લોકનાટ્ય- નૃત્યની મજા માણી. આપણાં ગુજરાતની ભવાઈ અને કેરળનાં કથકલી વચ્ચે ઘણું ઘણું સામ્ય છે.કથકલીમાં પણ પાંચ તત્વોનો સમાવેશ હોય છે : નાટ્ય એટલેકે અભિનય, નૃત્ય, સંગીત, સાહિત્ય અને વસ્ત્રપરિધાન કે મેક અપ. ખાસ પ્રકારની આયુર્વેદિક માટીમાંથી પાંચ રંગો તૈયાર કરાય છે જે કથકલી કલાકારો પોતાના મોઢે ચોપડે છે. રંગોનું પણ ખાસ મહત્વ હોય છે.જેમકે નાયક (કૃષ્ણ કે અર્જુન કે ઇન્દ્રનો પુત્ર) લીલા રંગનો મેક અપ લગાડે. ખલનાયક (રાવણ કે કંસ) કાળું મહોરૂ ધારણ કરે વગેરે. દસથી પંદર કિલો વજન ધરાવતો ખાસ પ્રકારનો ઘાઘરા જેવો વેશ કથકલી કલાકારે પહેરવો પડે છે.તેને તૈયાર થતાં જ બે-ત્રણ કલાક થઈ જાય અને એ માટે તેણે અન્ય ત્રણ ચાર સહાયકોની મદદ લેવી જ પડે.આટલા ભારે વસ્ત્રો અને ભપકાદાર મેક અપ બાદ આખી આખી રાત સુધી મંદિર કે જાહેર સ્થળે કથકલી ભજવાય તેમાં કલાકારો ઉત્સાહ ભેર પોતાનો ભાગ ભજવે. મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય.કલાકારોએ અહિ બોલવાનું ન હોય માત્ર હાવભાવ, હાથ અને આંગળીની વિવિધ મુદ્રાઓ અને નૃત્ય દ્વારા પોતાનો ભાગ ભજવવાનો.મોટે ભાગે કથકલીની વાર્તા ધાર્મિક હોય.રામાયણ ,મહાભારત કે શ્રીમદ ભાગવતના અંશો તેમાં રજૂ થાય. નૃત્યનાટીકાની  જેમ મંચ પર ગાનારા અને સંગીત વાદ્યો વગાડનારા કલાકારો જુદા બેઠા હોય. સ્ત્રી પાત્રો પણ આપણી ગુજરાતની ભવાઈની જેમ અહિ પુરુષો જ ભજવે.                               

          બીજે દિવસે ઠેકડીમાં આવેલ પેરિયાર નેશનલ પાર્કની મુલાકાત લીધી.અહિં ઉંચા વિશાળ વૃક્ષો વચ્ચે પથરાયેલા જંગલમાં ચાલવાની મજા આવી.પેરિયાર સરોવરમાં પણ નૌકા વિહારનો આનંદ માણ્યો.અહિં એલેપીના બેકવોટર્સ જેટલી મજા ન આવી પણ અહિની વિશેષતા હતી સરોવર વચ્ચે થોડે થોડે અંતરે ગોઠવેલા હોય તેવા લાગતાં, ઝાડનાં થડનાં પાન કે ડાળીઓ વગરનાં ઠૂઠાં!આવા અસંખ્ય ઠૂઠાં પેરિયાર સરોવરને અનોખું સૌદર્ય પ્રદાન કરી રહ્યાં હતાં.એ ઠૂઠાંમાંના કેટલાક પર વિદેશી બગલા જેવાં પક્ષીઓએ માળા બાંધ્યા હતાં તેમાંથી આ પંખીઓ સરોવરમાં ડૂબકી મારી માછલી પકડી ફરી માળામાં જઈ પોતાનાં બચ્ચાને ખવડાવતાં હતાં એ દ્રષ્ય જોવાની ખૂબ મજા પડી.


          પાછા ફર્યાં બાદ ઠેકડીના આયુર્વેદિક બગીચામાં ફર્યાં અને તેજાના-મરીમસાલાની ખરીદી કરી.સાંજે બજારમાં અન્ય ચીજ-વસ્તુઓ-ખાવાપીવાની સામગ્રી તેમજ ભેટસોગાદો ખરીદ્યા અને કેરળની એ છેલ્લી સાંજે થાનસીર પૂછીપૂછી અમને ‘ચેલ્લારકોવીલ’ નામની અદભૂત જગાએ લઈ આવ્યો.

          અહિ અમે મિનિ-ટ્રીકીંગ કરી પહાડની ટોચ જેવા ભાગે ગયાં જ્યાંથી કેરળ-આંધ્રપ્રદેશ અને તામિળનાડુ ત્રણે રાજ્યોની સરહદ દેખાતી હતી.અહિથી એક સુંદર જળધોધ પણ દ્રષ્યમાન થતો હતો.અમારી કેરળની છેલ્લી સાંજ અમે આ સુંદર જગાએ વિતાવી અને પાછા હોટલ આવી સામાન વગેરે બાંધવા માંડ્યો.

          એ પછીની સવારે તો ઠેકડીથી વહેલા કોચી આવવા માટે નિકળી ગયાં અને રસ્તામાં રબરની ખેતી જોઈ.લાંબા ઝાડના થડ પર જમીન પાસે કોપરાની કાછલી જેવી વાડકી બાંધી હોય અને પ્લાસ્ટીકનું કવર વાડકીની ઉપર તરફ એ રીતે વીંટાળેલું હોય કે વરસાદનું પાણી કે અન્ય કચરો તેમાં ન પડે અને ઝાડમાંથી નિકળતો રબરનો રસ વાડકીમાં જ એકઠો થાય!         

 


 



          પછી તો વિમાનમાં બેસી ફરી મુંબઈ આવી ગયાં.વિમાનમાંથી કેરળની ભૂમિના,બેકવોટર્સનાં,ત્યાંના મંદિરો અને મકાનોનાં છેલ્લાં દર્શન કર્યાં અને મન જાણે આ બધાંથી દૂર થવાની એક અગમ્ય લાગણીથી ભરાઈ ગયું.ખેર ચલતે રહેનેકા નામ ઝિંદગી હૈ!

          કેરળ પ્રવાસમાં સૌંદર્ય તો માણ્યું જ પણ સાથે સાથે કંઈ કેટલુંયે જાણ્યું,જોયું અને મનના કચકડામાં કાયમ માટે કેદ કરી લીધું!જીવન ભર એ મધુર સ્મૃતિઓ બની સચવાઈ રહેશે!

 (સંપૂર્ણ) 

રવિવાર, 8 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - 3)

           ચારેક કલાકની મુસાફરી બાદ મુન્નાર પહોંચાય એમ હતું.મુન્નાર હવા ખાવાનાં સ્થળ તરીકે પ્રખ્યાત છે અને તે ડુંગરાળ પ્રદેશમાં ટોચે આવેલું હોવાથી રસ્તો ગોળાકારે ઉપર ચડતો હતો તો ક્યારેક વાંકોચૂંકો થઈ આગળ વધતો હતો. માર્ગમાં એકાદ બે સરસ મજાનાં જળધોધ જોવા મળ્યાં. ત્રણેક કલાક મુસાફરી બાદ એક જગાએ થાનસીરે ગાડી રોકી અને ત્યાં હાથી સવારી થતી હોવાનું જણાવ્યું.મેં મારી પત્ની તથા પુત્રીએ એક હાથી પર તો મારી બંને બહેનોએ બીજા હાથી પર બેસી આ અદભૂત અનુભવની મજા માણી. મુન્નાર તરફ પહોંચવામાં હજી વાર હતી. મને આવી મુસાફરીમાં કોઈ તકલીફ પડતી નથી.પણ મારા અને મારી સૌથી મોટી બહેન સિવાયના ત્રણ સભ્યોને પેટમાં ગડબડ શરૂ થઈ અને ઉલટી થવા માંડી. સાંજ પડી ગઈ હતી અને અંધારૂ થઈ ગયું હતું.ઉંચાઈ વધતી ગઈ તેમ તેમ ઠંડી પણ વર્તાવા માંડી હતી.પહેલી વાર એવું જોયું કે પોણા સાતે સાંજે તો કાળો ડિબાંગ અંધકાર છવાઈ ગયો હતો અને સાત વાગે તો ચંદ્ર દર્શન થઈ ગયાં!અમારે જ્યાં ઉતારો કરવાનો હતો તે સ્ટર્લિંગ રીસોર્ટ તો મુન્નારના મુખ્ય શહેરથી પણ બાવીસેક કિલોમીટર દૂર વધુ ઉંચાઈએ હતી.
           આખરે અમે થાકીને લોથપોથ થઈ સ્ટર્લિંગ પહોંચ્યા.પણ એ દિવસે દેવદિવાળી હતી તેથી સ્ટર્લિંગનું આંગણું સુંદર મજાની મોટી વર્તુળાકાર રંગોળીથી સુશોભિત હતું અને આંગણે દિવા પણ ઝળહળી રહ્યાં હતાં.રીસેપ્શન પાસે હોલની મધ્યમાં પણ ઉંચો ધાતુનો દિપક પ્રજ્વલિત કરાયો હતો.થાક ત્યાંનું વાતાવરણ જોઈ અડધો તો ઉતરી ગયો અને અડધો રૂમમાં પહોંચી ગરમ પાણીથી સ્નાન કરી ઉતારી દીધો. ત્યાંની હોટલમાં ખાવાનું મોંઘું પણ સ્વાદિષ્ટ હતું. રાતે ઉંઘ પણ ઘસઘસાટ આવી.
           બીજે દિવસે સવારે ઉઠતાં વેંત સરસ મજાની મોટી કાચની બારીમાંથી બહારનાં સુંદર કુદરતી દ્રષ્યે મનને તાજગીથી અને સ્ફૂર્તિથી ભરી દીધું.તૈયાર થઈ ચાનાસ્તો પતાવી બહાર આવ્યાં ત્યારે ખબર પડી કે કેરળભરમાં બે દિવસની વાહનોની હડતાળ છે એટલે હોટલ કે તેની આસપાસનાં વિસ્તાર સિવાય ક્યાંય ફરવા જઈ શકાશે નહિ.આ સાંભળી અન્ય કોઈ સ્થળે હોત તો બધી મજા મરી જાત, પણ આ જગાને અહિની આબોહવાની તાસીર હતી કે અમારા મૂડમાં ઝાઝું પરિવર્તન આવ્યું નહિ.મેં થાનસીરને બોલાવ્યો અને અમે બે જણ ચાલીને બે કિલોમીટર દૂર આવેલાં એ.ટી.એમ. મશીન સુધી પહોંચી ગયાં. વાહન હોટલની બહાર લઈ જતાં થાનસીરનો જીવ ચાલતો નહોતો કારણ નવી નક્કોર ગાડીને કોઈ તોફાની તત્વો મળી જાય અને નુકસાન પહોંચાડે તે પરવડે તેમ નહોતું. આથી અમે ચાલીને ગયાં.પણ વાહનોની હડતાળને લીધે એ.ટી.એમ મશીનમાં પૈસા ખલાસ થઈ ગયાં હતાં અને તે પૂરવા કોઈ બે દિવસ આવી શકે એમ નહોતું! અમે પાછા ફર્યાં.રસ્તામાં મારી પત્ની, દિકરી અને બહેનો મળ્યાં. એક જગાએ અડધો કલાક બેસી અમે આસપાસની લીલીચાનાં બગીચાને જોવાની મજા લીધી તેમજ અન્ય કુદરતી સુંદરતા માણી. ફરી હોટલે પાછાં ફર્યાં. બગીચાની લીલીછમ ઘાસની ચાદર પર મૂકેલા, ચાર પુખ્ત વ્યક્તિઓ સૂઈ શકે એવડા મોટા ગોળાકાર સોફા પર સૂતા સૂતા હું બપોરના ખુશનુમા વાતાવરણમાં છૂટા છવાયા વાદળો ભર્યા ભૂરા આકાશ સામે તાકી રહ્યો હતો. ત્યાં પરિવારજનોએ જમવા જવાનું સૂચન કર્યું અને મેં એ વધાવી લીધું.સ્ટર્લિંગમાં જ જમ્યાબાદ ફરી બગીચામાં આવી આરામ ફરમાવ્યો.પત્ની અને બહેનોએ અન્ય સહેલાણી સ્ત્રીઓ સાથે હોટલ દ્વારા આયોજિત રસોઈ શીખવાના સેશનમાં પેસ્ટ્રી અને કેક બનાવતાં શીખી અને મેં અને મારી દિકરીએ તે ધરાઈને ખાધાંયે ખરાં! સાંજે નજીકનાં એક જળધોધ સુધી ચાલતાં ફરવા ગયાં અને ત્યાં પગ પલાળવાની અને ફોટા પાડવાની મજા માણી.અમદાવાદથી આવેલ એક વયોવૃદ્ધ દંપતિ સાથે પરિચય કેળવાયો અને પછીતો તેઓ પોતાની ગાડીમાં અમને સ્ટર્લિંગ સુધી મૂકી ગયાં.સાંજ પડતાં વાહનોની સ્થાનિક અવરજવર સહેજ ખુલી હતી.પણ બીજે દૂર ફરવા જઈ શકાય એમ નહોતું. આખો દિવસ આરામમાં વિતાવ્યા બાદ બીજી રાત પણ સરસ વિતી.
                                           
           મૂળ કાર્યક્રમ મુન્નારમાં બે દિવસ અને પછી ઠેકડી ખાતે ત્રણ દિવસ વિતાવવાનો હતો.પણ વાહનોની હડતાળના કારણે તેમાં ફેરફાર જરૂરી બન્યો જે અમારા માટે સારો અને ફાયદાકારી જ નિવડ્યો.મુન્નારમાં આબોહવા અને જોવાલાયક સ્થળ વધુ પ્રમાણમાં અને વધુ સારા હોવાને લીધે અમારા માટે આ ફેરફાર આશિર્વાદ સમાન બની રહ્યો. ત્રીજે દિવસે સવારે હોટલ બહાર થોડી સ્થાનિક જીપો જાણે અમારા માટે જ આવીને ઉભી રહી.વાહન વ્યવહાર તો હજી મુખ્ય શહેર ભણી શરૂ થયો નહોતો પણ આ જીપો અલગ દિશામાં પહાડો વચ્ચે ખાનગી રસ્તાઓ પરથી ચા-કોફીના બગીચા જોવા લઈ જવા આવી હતી. ખાડા-ટેકરા વાળા અતિ અઘરાં રસ્તે જીપ ચલાવી કેસરી લૂંગી પહેરેલો એ યુવાન ડ્રાઈવર અમને સ્વર્ગમાં લઈ આવ્યો હોય તેવી અનુભૂતિ થઈ.ગાઢ ધૂમ્મસ વચ્ચે કડકડતી ઠંડી સાથે અહિ આવ્યા બાદ પાછા ફરવાનું મન જ ન થાય.’કોલુમુક્કલાઈ’ નામનાં આ સ્થળે આવેલ વિશ્વના સૌથી વધુ ઉંચાઈએ આવેલ ચા-કોફીના બગીચા જોયાં અને આ અવિસ્મરણીય અનુભવ બાદ પાછાં ફરતાં ત્યાંના સ્થાનિક શાળાએથી છૂટેલાં બાળકોને હાથ હલાવી સ્મિત કરતાં પાછાં ફરતાં હતાં એ વેળાએ મારૂં ધ્યાન એક મંદિર પર ગયું અને મેં જીપ થોભાવી ત્યાં મંદિરની બહાર ગણપતિની કાળી પ્રતિમા સામે હાથ જોડી પ્રાર્થના કરી.ગજબની અનુભૂતિ થઈ મને એ વેળાએ.આસપાસ પ્રાકૃતિક સૌંદર્ય ખોબલે ખોબલે વેરાયેલું હતું.તેનું ધરાઈને પાન કર્યા બાદ જીપવાળો અમને 'એલેવુર લેક' નામનાં તળાવ પાસે લઈ આવ્યો.

 

 


આ જગાએ પથરાયેલી કુદરતી સુંદરતાનું વર્ણન કરવા પણ શબ્દો ઓછા પડે.ઉંચા નિલગીરી વૃક્ષો,લીલું સ્વચ્છ પાણી અને ઝાડ પરથી ખરેલાં પત્તાથી ઘેરાયેલી ભૂમિ પર બેસી મનુષ્ય કોઈ અન્ય જ વિશ્વમાં આવી ગયો હોય તેવું ભાસે!અમે ખાસ્સો અડધો-પોણો કલાક અહિ આરામથી બેસીને વિતાવ્યો.થાનસીર અને જીપવાળાએ અમને ઉઠાડ્યા ન હોત તો મને લાગે છે અમે તો રાતે પણ અહિ જ સૂઈ જાત!ખેર સમયનું ચક્ર તો ફરતું જ રહે છે.જીપવાળાનો તેની ઘૂંટણ સુધી ઉંચે ચડાવેલી લૂંગીની લાક્ષણિક અદામાં ફોટો પાડ્યા બાદ નિયત કર્યા હતાં તે કરતાં પચાસ રૂપિયા વધુની ખાસ ટીપ આપી વિદાય કર્યો અને સ્ટર્લિંગ પાછા ફર્યાં.અહિ મોડી સાંજે ગરબા-દાંડિયા કાર્યક્રમનું આયોજન કર્યું હતું તેમાં થાકી જઈએ એટલી હદે અમે સૌ ગરબે ઘૂમ્યાં!કેરળનીદક્ષિણ ભારતીય ભૂમિ પર મુંબઈના ગુજરાતીઓએ ગુજરાતની ઓળખસમા ગરબાની બોલાવેલી એ રમઝટ અમને કાયમ યાદ રહેશે! ત્રીજી રાત પણ ખૂબ સારી રીતે વિતી.
        

(ક્રમશ:)

રવિવાર, 1 જૂન, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૨)


ઘેરથી પૂર્વાયોજન કર્યાં મુજબ કેરળનાં અમારા બીજા દિવસે મેં કુમારકોમ અને અલેપી ફરવા જવાનું નક્કી કર્યું હતું.રસ્તામાં જો પેલા મેગેઝીનમાં જેમના વિશે માહિતી હતી તેમાનાં કોઈ મંદિર આવે તો અમને દર્શન કરાવવાની મેં થાનસીરને ભલામણ કરી.તેણે હકારમાં માથું ધુણાવ્યું. અને તે અમને વાઈકોમ નામની જગાએ પ્રખ્યાત એવા શિવમંદિરમાં લઈ આવ્યો. કેરળના મોટા ભાગનાં મંદિરોમાં પુરુષોએ શરીરનાં ઉપરના ભાગે કંઈ પણ પહેર્યા વગર જ પ્રવેશ કરવો પડે છે.એ નિયમને અનુસરતાં મેં પણ ખમીસ કાઢીને શિવલિંગના દર્શન કર્યાં વિશાળ મંદિરના પ્રાંગણમાં કોઈ ઉત્સવ ચાલતો હોઈ ભીડ હતી.અહિં લાંબી દંતશૂળ ધરાવતાં પ્રશિક્ષીત હાથી જોવા મળ્યાં જેને ખાસ ઉત્સવો કે પ્રસંગોએ શણગારીને આખા શહેરમાં ફેરવાય છે તેમજ હાથીઓ વચ્ચે સ્પર્ધાઓ પણ યોજાય છે.સમય વધુ ન હોવાથી ઝડપથી દર્શન પતાવી અમે આગળ વધ્યાં.
કેરળમાં વિશ્વની સૌથી વિશાળ બેકવોટર્સ નામે ઓળખાતી અજાયબ માનવ વસવાટ ધરાવતી કુદરતી જળવસાહત જોવા મળે છે.બેકવોટર્સ એટલે નદીની બાજુમાં તેના પ્રવાહને લીધે બંધિયાર પાણી અને તેની વચ્ચે થોડી ઘણી જમીન.અહિ પણ પાણીની વચ્ચે એક આખી નાનકડી દુનિયા વસે છે.શાળાએ બાળકો હોડીમાં બેસીને જાય તો સવારે પીવાનું પાણી ભરવા ઘરની સ્ત્રી પણ પોતાનું નાનકડું હોડકું લઈ નિકળી પડે.દવાખાનું પણ તરતી હોડી અને પાણીની વચ્ચે આખું મોટું સ્ટેડિયમ પણ ખરૂં! અહિં જાતજાતની હોડી તમે ભાડે કરી બેકવોટર્સ માં નૌકાવિહારની તદ્દન અનોખી અને અદભૂત અનુભૂતિ કરી શકો છો.હોડી નાનકડી બે વ્યક્તિઓ જ બેસી શકે એવડી પણ હોય અને સો માણસોનો કાફલો પણ સમાવી શકે એવી દ્વિમાળી પણ હોય,સાદી છાપરા વગરની પણ હોય અને આખી વાતાનુકૂલિત હરતી ફરતી હોટલસમી પણ હોય. અમે શિકારા જેવી માથે છાપરૂં ધરાવતી પણ પ્રમાણમાં ખુલ્લી એવી એક હોડી પસંદ કરી.તેમાં પાંચ ખુરશીઓ અને આગળના ભાગમાં સરસ ગાદી ગોઠવેલી હતી.આરામથી બેઠાબેઠા તો, ઘડીક ગાદી પર આખું શરીર લંબાવી અમે આ નદીયાત્રા ધરાઈ ધરાઈને પાંચ કલાક માણી.નાસ્તો પણ કર્યો. આસપાસનું નદીની વચ્ચો વચ્ચ વસવાટ કરતાં લોકોની દૈનિક ક્રિયાઓ નિહાળી વિસ્મયપૂર્વક આ સાવ નોખા અનુભવને અમે જીવ્યાં! વચ્ચે પાછી એેક ટપરી જેવી હોટલમાં ચા પીવા પણ રોકાયાં. ત્યાં હોટલચલાવતા યુવાને એક બાજ પક્ષી પાળ્યું હતું.તેને એ પ્રવાસીઓના ખભે બેસાડી ઓર એક અપૂર્વ અનુભવની મજા માણવાની તક પૂરી પાડતો.મેં અને મારી બહેને પણ ખભે આ બાજ પક્ષી ખભે બેસાડી તેની સાથે ફોટા પડાવ્યાં ને તેના મખમલી પીંછા પર મેં તો હાથ પણ ફેરવ્યો! હોટલ માલિકની પત્ની હોટલની ઓરડી પાછળ ખુલ્લી જગામાં આઈસબોક્સમાં ગોઠવેલી મૃત માછલીઓના શરીર પર બરફનો ભૂક્કો પાથરી રહી હતી. નૌકાવિહાર, બાજના સામીપ્ય બાદ મારી ત્રણ વર્ષની દિકરી માટે આ ફરી એક નવો તદ્દન જુદો જ આશ્ચર્યકારક નઝારો હતો. તેના ચહેરા પરના સુંદર હાવભાવ જોઈ પેલી સ્ત્રીએ તેને તેડી લીધી ને સાવ નજીકથી માછલીઓ બતાવી.ચાપાણી પતાવ્યા બાદ અમે ફરી હોડીમાં ગોઠવાયા અને શરૂ થયો નૌકાવિહારનો મધ્યાંતર પછીનો બીજો તબક્કો. વર્ષના ચોક્કસ દિવસોએ અહિં હોડીઓની સ્પર્ધા યોજાય છે જેમાં સેંકડો લોકો ખાસ પ્રકારની લાંબી સાંકડી હોડીઓમાં બેસી ભાગ લે છે.આવી એક હોડીમાં એક સાથે એકમેકની પાછળ કુલ સો એક જણ બેસી હલેસાં મારી હોડી શક્ય એટલી ઝડપે દોડાવે અને જે હોડી સૌથી વધુ ઝડપે નિયત સ્થળે પહેલી પહોંચી જાય તે વિજેતા ઘોષિત થાય. આ સ્પર્ધાનું ધાર્મિક મહત્વ પણ હોય છે અને તે જોવા હજારો લોકો બેકવોટર્સ પાસે તેમજ તેની વચ્ચે આવેલા સ્ટેડિયમમાં જમા થાય છે.અમે આવી એક બે ખાલી હોડીઓ જોઈ અને તે જોઈ પણ અમે રોમાંચિત થઈ ઉઠ્યાં.અમારી હોડી ચલાવનાર અહિનાં સ્થાનિક રહેવાસી અન્નાએ અમને આ બધી રસપ્રદ માહિતી ઉત્સાહભેર કહી સંભળાવી.
પછી અમે એક ફાઈવ સ્ટાર હોટલ જોઈ જે પાણીની વચ્ચોવચ્ચ ખાસા મોટા વિસ્તારમાં પથરાયેલી હતી. અન્નાએ જણાવ્યું થોડા વખત અગાઉ શાહરૂખ ખાન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તેમજ તેમનો પરિવાર અહિં થોડા દિવસ રહ્યાં હતાં.એ હોટલના દરેક રૂમની બહારની ઓસરી જેવો ભાગ સીધો બેકવોટર્સ પાસે ખુલતો હતો.સુંદર લાગતું હતું એ આખી હોટલનું બેકવોટર્સ વચ્ચે રચાતું ચિત્ર!
પછી તો અમે ગોળ તરાપામાં માછીમારી કરતાં આંધ્રપ્રદેશથી અહિ આવેલા માછીમારો પણ જોયાં અને બેકવોટર્સની બીજી બાજુ લીલાછમ ખેતરો પણ દીઠાં.અમે બતક વગેરે પક્ષીઓ પણ તરતાં દીઠાં તો પાણી પર તરતી લીલા રંગના ફૂલો જેવી લાગતી વનસ્પતિ પણ દીઠી.આસપાસ અલ્પ કે વિપુલ સંખ્યામાં અલગ અલગ પ્રકારની હોડીઓમાં અમારી જેમજ બેકવોટર્સની સહેલગાહ માણી રહેલા સહેલાણીઓ પણ દીઠા અને હોડી બનાવી રહેલાં કે અન્ય કામોમાં વ્યસ્ત બેકવોટર્સ પર જ રહેતાં સ્થાનિક લોકો પણ દીઠાં.
ખૂબ મનભાવી અને આનંદદાયી એવા આ એલેપીના બેકવોટર્સમાં નૌકાવિહારના અનુભવ બાદ અમે ત્યાંના એક દરિયાકાંઠે ગયાં જ્યાં સૂર્યાસ્ત જોવાની મજા માણી.પ્રમાણમાં ચોખ્ખા એવા આ બીચ પર ઠીક ઠીક ભીડ હતી.અન્ય દરિયાકાંઠાઓની જેમજ અહિં પણ લોકો ઘોડેસવારી,ઉંટસવારી,ચકડોળ વગેરેની મજા માણી રહ્યાં હતાં.પણ અમે માત્ર દરિયાકાંઠાની લીસ્સી રેતી પર બેસવાનું પસંદ કર્યું અને મેં અને મારી નાનકડી દિકરીએ રેતીમાં હાથ-પગ ઝબોળી રેતીના કિલ્લા બનાવ્યાં અને દરિયાનાં પાણીમાં ગયા વગર ધરાઈને દરિયાકાંઠાના વાતાવરણને માણ્યું.
ત્યાંથી અમે ગયાં રાતવાસા માટે ફોર્ટ કોચી વિસ્તારમાં આવેલાં અમારા બીજા હોમસ્ટે 'અલાન્સ ઇન્ન' ભણી. 'અલાન્સ ઇન્ન'માં એક યુવા દંપતિ ત્રણ ઓરડા ધરાવતાં વિશાળ ઘરનું માલિક અને અમારું યજમાન હતું. તેમણે પણ અમારી સારી એવી સરભરા કરી.અહિં 'થોમસ ઇન્ન' જેવી અલાયદા માળે રૂમ્સની સગવડ નહોતી અને ઘરની બહાર વરંડામાં સમારકામ પણ ચાલી રહેલું હોવાને કારણે આગલી રાત જેટલી મજા ન આવી.અહિં નજીકમાં ગઈ કાલ જેવી શુદ્ધ શાકાહારી હોટલ ન હોવાને લીધે જમવામાં પણ ખૂબ મજા ન આવી. વળી એક રૂમ, યજમાન દંપતિના રૂમની પડખે જ હોવાથી તેમની બિનશાકાહારી રસોઈ-તેલમસાલાની વાસ મારી બહેનથી સહન થતી નહોતી આથી થોડી તકલીફ પડી પણ રાત ઝડપથી પસાર થઈ ગઈ.
સવારે જો કે અલાન્સ ઇન્નના વરંડાનું દ્રષ્ય સારૂં હતું. આસપાસ તેમણે સારાએવા ઝાડછોડ રોપ્યાં હતાં અને તેઓ વરંડામાં બગીચા જેવું બનાવી રહ્યાં હતાં.ચા-સાથે બ્રેડટોસ્ટનો નાસ્તો કરતાં હતાં ત્યાંજ લાલ પૂંછડી ધરાવતી સરપબામણી કે સાપની માસીના દર્શન થયાં અને મને અને મારી દિકરીને તેનું નિરીક્ષણ પાડવાની અને તેના ફોટા પાડવાની મજા પડી ગઈ.ગામડામાં એવું કહેવાય છે કે જે છોકરી સરપબામણીની લાલ પૂંછડીને અડી લે તેના હાથે ખૂબ સરસ રોટલા કે રોટલી બને છે!મેં મારી પત્ની અને બહેનોને એમ કરવા જણાવ્યું પણ તેઓ ટાપટીપમાંથી ઉંચા આવે તો ને! અને મારી દિકરી તો સરપબામણીને જોઈ ત્યારથી અડવા ઉંચીનીચી થઈ રહી હતી પણ પાછો તેને ડર એટલો જ લાગે અને એ નાનું પ્રાણી પણ અતિ ચપળ એટલે એક જગાએ ઉભું થોડું રહેવાનું?
‘અલાન્સ ઇન્ન’ ને આવજો કહી અમે મુન્નાર જતાં પહેલાં ફોર્ટ કોચી વિસ્તારમાં ઘણાં ચર્ચ આવેલાં છે તે જોયાં અને કેરળનું આકર્ષણ ગણાતી વિશાળ ચાઈનીઝ ફિશિંગ નેટથી થતી માછીમારી જોઈ. લાકડાના ચારેક થાંભલાઓ વચ્ચે શંકુ આકારે મોટી માછલી પકડવાની જાળ ભરાવેલી હોય જેના એક છેડે ભરાવેલું દોરડું ઢીલું કરો અને દરિયા તરફ જાઓ એટલે જાળ પાણીમાં ઉતરે અને એ દોરડું પાછું ખેચી જાળ પાણીની બહાર કાઢો એટલે જાળના શંકુ આકારને લીધે જાળમાં સપડાયેલી  માછલીઓ આપોઆપ વચ્ચેનાં ભાગમાંથી એક વાસણ માં ઠાલવી લેવાય. આ રીતે વિશિષ્ટ રીતે થતી માછીમારી જોવા વિદેશીઓના ટોળેટોળા દરિયા કાંઠે ઉભા રહે.મને પણ એ જોવામાં ભારે રસ પડ્યો. ત્યારબાદ એક સંગ્રહાલય અને સિનેગોગ તરીકે ઓળખાતા અતિ જૂના પણ ખૂબ સારી રીતે જળવાયેલા જ્યુઈશ ધર્મસ્થળની મુલાકાત લીધી. થોડી ઘણી ચીજ્વસ્તુઓની ખરીદી કરી અને પછી એક વિશાળ મંદિરમાં ગયાં જ્યાં એક જ મૂર્તિની દિવસના જુદે જુદે સમયે ત્રણ અલગ અલગ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. સવારે એક રંગના,બપોરે બીજા રંગના અને સાંજે ત્રીજા રંગના વસ્ત્રોમાં માતાજીની મૂર્તિની પૂજા થાય.લાલ વસ્ત્રોમાં લક્ષ્મીજી તરીકે,સફેદ વસ્ત્રોમાં સરસ્વતી તરીકે અને જાંબલી કે ગુલાબી વસ્ત્રોમાં દુર્ગા તરીકે રોજ મંદિરમાં એક્જ મૂર્તિની અર્ચના-આરાધના કરવામાં આવે. અહિં પણ મેં પરંપરા અનુસાર શર્ટ કાઢીને માતાજીનાં દર્શન કર્યાં. ભદ્રકાળીની તેમજ પાર્વતીની અન્ય મૂર્તિઓ ધરાવતાં દેરા તથા એક જૂની વાવ નાં પણ આ મંદિરમાં દર્શન કર્યાં. અમે ગયાં એ દિવસે કોઈ ઉત્સવ ચાલતો હતો એટલે દક્ષિણ ભારતીય ભાષામાં શાસ્ત્રીય સંગીત સાથે લાઉડસ્પીકરમાં માતાજીના સ્તુતિ-સ્તવનનું પઠન થઈ રહ્યું હતું જે વાતાવરણને અનેરા ભક્તિભાવથી ભરી દેતું હતું. અહિંથી દર્શન કર્યા બાદ રસ્તામાં એક શુદ્ધ શાકાહારી હોટલમાં જમ્યાં અને પછી બપોરની નિદ્રા ખેંચતા ખેંચતા મુન્નાર તરફ અમારી યાત્રા આગળ વધારી.
(ક્રમશ:)

શુક્રવાર, 30 મે, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૧)

         બગીચાની લીલીછમ ઘાસની ચાદર પર મૂકેલા, ચાર પુખ્ત વ્યક્તિઓ સૂઈ શકે એવડા મોટા ગોળાકાર સોફા પર સૂતા સૂતા હું બપોરના ખુશનુમા વાતાવરણમાં છૂટા છવાયા વાદળો ભર્યા ભૂરા આકાશ સામે તાકી રહ્યો હતો.શાંતિભરી આવી સુખદ ક્ષણો સ્વપ્નવત ભાસે છે.એ માણી રહ્યા હોવ ત્યારે ઘડીભર તમને લાગે જાણે આખું જગત થંભી ગયું છે.મને કંઈક આવી જ અનુભૂતિ થઈ રહી હતી કેરળના મુન્નાર ખાતે આવેલે સ્ટર્લિંગ રીસોર્ટના હોટલના આંગણામાં તેમણે બનાવેલા બગીચાના એ વિશાળ ગોળાકાર સોફા પર સૂતા સૂતા.માત્ર વાદળો ગતિમય છે એવું લાગતું હતું. કેરળમાં એ જ દિવસથી વાહનોની રાજ્યવ્યાપી હડતાળ હતી.આથી વાદળો સાથે આમ જુઓ તો ઘણું બધું ખરા અર્થમાં થંભી ગયું હતું. હું મુન્નારની સ્વચ્છ હવા શ્વાસોમાં ભરી ત્યાંના શાંત અને સુંદર વાતાવરણને માણવાનીએ અનુભૂતિનું આકંઠ પાન કરી રહ્યો હતો. પણ મોટે ભાગે આપણે દૂરની ભૂમિ પર મર્યાદિત સમય માટે ફરવા ગયા હોઇએ ત્યારે આ રીતે શાંત ચિત્તે આરામ ફરમાવતાં હોતાં નથી. તો હું કેમ આમ કરી રહ્યો હતો? જરા માંડીને વાત કરું.

આજના સ્પર્ધાત્મક યાંત્રિક યુગમાં, અતિ વ્યસ્ત જીવનમાં સમય તેજ ગતિએ કેમ દોડ્યો જાય છે તેનો ખ્યાલ નથી આવતો. તમે તમારા પરિવાર સાથે પણ કેટલો ગુણવત્તાભર્યો સમય પસાર કરો છો તે તમારી વ્યસ્તતા પર નિર્ભર છે. પણ જો તમે તમારા કંટાળાભર્યા નિરસ જીવનમાં તાજગી લાવવા ઇચ્છતા હોવ અને પરિવાર સાથે પણ ગુણવત્તાસભર સમય પસાર કરવા ચાહતા હોવ તો પ્રવાસ જેવું ઉત્તમ સાધન બીજું કોઈ નથી.

આથીજ મેં નિર્ણય કર્યો છે કે દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રવાસ સપરિવાર દૂરના કોઈક અજાણ્યા પ્રદેશમાં કરવો.ભારત એટલે વિધવિધ સંસ્કૃતિઓ,ભાષાઓ,રીતીરિવાજો અને પરંપરાઓનો દેશ.અહિં આપણા દેશની ભૂમિ પર જોવાના એટલા બધા રસપ્રદ સ્થળો છે કે બધે ફરી રહેવા કદાચ એક આયખું ઓછું પડે!૨૯ રાજ્યોમાં પ્રવાસ માણવા લાયક સ્થળોની લાંબી યાદી બનાવવા બેસીએ તો આખું એક પુસ્તક લખાય! હું મારા પ્રવાસ અભિયાનમાં અત્યાર સુધી નવ જુદા જુદા રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યો છું.છતાં હજી ઘણું ભ્રમણ કરવાનું બાકી છે અને હવે તો વિદેશ પ્રવાસની પણ ઇચ્છા જાગી છે!તેને પણ મારા 'બકેટ્લિસ્ટ'માં વર્ષથી સમાવી લેવી છે!

બે મહિના અગાઉ મેં કેરળ રાજ્યનો પ્રવાસ ખેડ્યો અને ત્યાંના અદભૂત અનુભવોની વાત પ્રવાસ વર્ણન થકી છેડવી છે. સાતેક દિવસમાં આખા એક રાજ્યના બધાં સ્થળોનો પ્રવાસતો કઈ રીતે શક્ય બને? પણ જેટલો પ્રવાસ કર્યો તેને સંપૂર્ણ રીતે માણવા મર્યાદિત સ્થળો પસંદ કરી પૂરેપૂરું આયોજન બે-એક મહિના અગાઉથી શરૂ કરી દીધું  હતું અને વિમાનની ટિકિટો,હોટલ-હોમ સ્ટે,ભાડાનું વાહન બધી વ્યવસ્થા ઇન્ટરનેટની મદદથી કરી લીધી હતી.

આખરે દિવસ પણ આવી પહોંચ્યો અને સૌ પ્રથમ અમે પહોંચ્યા કેરળના પ્રવેશદ્વાર સમા ગણાતા કોચી શહેરમાં જે કોચીન તરીકે પણ ઓળખાય છે.દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ હોય છે,પોતાના આગવા લક્ષણ,પોતાની વિશિષ્ટ છાંટ હોય છે.કોચીન હવાઈમથકના નળિયા વાળા લાલ રંગના છાપરા આવી અનોખી ભાત ધરાવતા હતા જેણે અહિંની ભૂમિ પર ઉતરતાં જ અહિંની હવા અને અહિંના વાતાવરણની ખુશ્બો અમારા જહનમાં ભરી દઈ અમારા ઉત્સાહમાં વધારો કર્યો અને અમે એક નવા પ્રદેશની ભૂમિ પર પ્રથમ વાર પગ મૂકતા અનુભવાતી તાજગીનો અનુભવ કર્યો. એરપોર્ટની બહાર નિકળતાં જ સામે થાનસીર અમે પહેલેથી મુંબઈથી જ બુક કરેલી સફેદ નવી નક્કોર ઇન્ડીગો કાર સાથે અમારૂં સ્વાગત કરવા અને અમને કેરળદર્શન કરાવવા આતુરતાપૂર્વક અમારી રાહ જોતો ઉભો હતો.અમે સામાન સાથે ગાડીમાં ગોઠવાયા અને સૌ પ્રથમ આ ભૂમિ પર મેં તે અમને કોઈ મંદિર લઈ જાય એવું સૂચન કર્યું.તેણે મનમાં ત્યાંના આસપાસના મંદિરોની યાદી ચકાસી લઈ અમને એક શિવમંદિરનું સૂચન કર્યું અને મેં તે સહર્ષ વધાવી લીધું.લગભગ સાડા ચારે સાંજે અમે કેરળના એ ‘અલુવા શિવ મંદિર’ જઈ પહોંચ્યા જે ત્યાંની એક નદીના કાંઠે આવેલું હતું.એ પોણા પાંચે ખુલવાનું હતું આથી મેં ગાડીમાંથી ઉતરી આસપાસ થોડું ભ્રમણ કર્યું મંદિરનું છાપરૂ પણ એરપોર્ટના નળીયા વાળા છાપરા જેવું જ પણ રાખોડી રંગનું હતું અને મંદિરમાં શિવલિંગ વચ્ચે એક નાનકડી ઝૂંપડી જેવી ઓરડીમાં હતું જેની આસપાસ વિશાળ ખુલ્લું ચોરસાકાર ચોગાન હતું.મંદિરની ઓરડી સામે મોટો કાળા પથ્થરમાંથી બનાવેલો પોઠીયો હતો જેના ગળામાં ઘણીબધી ધાતુની ઘૂઘરીઓવાળી માળાઓ પહેરાવેલી હતી.સામે મોટો ધાતુનો થાંભલો હતો જેના પર ટોચ સુધી ગોળાકારે અનેક દિવીઓ જડેલી હતી.તે પ્રગટાવતા હશે ત્યારે કેટલુ સુંદર દ્રશ્ય સર્જાતું હશે તેનો વિચાર કરતો હતો ત્યાં એક યુવાને ત્યાંની સ્થાનિક કન્નડ ભાષામાં મને જૂતા વિશાળ ચોગાનની પણ બહાર કાઢી મંદિર નજીક જવા સૂચવ્યું.તેની ભાષા તો મને સમજાતી નહોતી પણ તેના કહેવાનો અર્થ સમજી જતાં મેં દૂર જઈ જૂતા ત્યાં કાઢી ફરી વિશાળ ચોગાનની મધ્યે આવેલ ઓરડી તરફ પ્રયાણ કર્યું.

ખાલી એવા મંદિરની એ કુટીર પાસે પોણા પાંચે તો સારી એવી ભીડ જમા થઈ ગઈ હતી.મહારાજે આવી અંધારિયા એવા મંદિરના ગર્ભગૃહની મધ્યે આવેલા શિવલિંગ પર દુધનો અને પુષ્પોનો અભિષેક કર્યો.શિવલિંગની આસપાસ સુંદર દિવાઓની હારનું અજવાળું કંઈક અનોખું સુંદર દ્રષ્ય સર્જી રહ્યું.થોડી ક્ષણોમાં તો આરતી જેવું કંઈક ગાઈ મહારાજે મંદિર ફરી બંધ પણ કરી દીધું.

દર્શન બાદ અમે કોચીની ચોપાટી જેવા ગણાતા વિસ્તાર ‘મરીન ડ્રાઈવ’ ફરવા જવાનું નક્કી કર્યું.મંદિરની જેમ આ વિસ્તારની માહિતી પણ મારી પાસે નહોતી કે નહોતું એ મારા પૂર્વાયોજનમાં સમાવિષ્ટ પણ તમે જ્યારે કોઈ નવા પ્રદેશમાં પ્રવાસે જાવ ત્યારે ત્યાંના સ્થાનિક ભોમિયા એવા કોઈકમાં વિશ્વાસ મૂકી ત્યાંના દર્શનીય સ્થળોએ ફરવા જાવ તો ચોક્કસ એ અનુભવ સુખદ તેમજ આશ્ચર્યકારક બને રહે છે. ક્યારેક પ્રવાસમાં બધું ચોકઠામાં ગોઠવેલું હોય એ પ્રમાણે થાય તો ઝાઝી મજા આવતી નથી.

અજાણી ભૂમિ પર અલગ ભાષા બોલતા લોકો વચ્ચે સમી સાંજે ચાલવાની અને ત્યાં પ્રોમીનેડ પર ગોઠવેલા બાંકડે બેસી સમુદ્રની લહેરો સાથે રમત રમતા રમતા તેમાં ડૂબી જતા સૂરજને જોવાની મજા પડી.ચા-નાસ્તો આઈસ્ક્રીમ વગેરે પતાવી મારી દિકરીના નામનાં અક્ષરોનાં મણકા પરોવી તૈયાર કરેલી હાથે બાંધવાની પટ્ટી ખરીદી.એ વેચનારી ગરીબ બાઈઓ ત્યાંની સ્થાનિક વતની નહોતી.તેમના આસપાસ રમી રહેલાં મેલાંઘેલાં પણ વ્હાલા લાગે એવા બાળકોને તે રાજસ્થાની ભાષામાં બૂમો પાડી તોફાન ન કરવા સમજાવતી હતી.તેમને પાંચેક રૂપિયા વધુ આપી ફરી પ્રોમીનેડ પર ચાલતા ચાલતા ગાડી પાસે આવ્યા અને કોચીના એર્નાકુલમ વિસ્તારની ભીડભરી સડકો પર વાહનોના ટ્રાફીક વચ્ચેથી માર્ગ કરતી અમારી કાર ‘કોચુપારામ્બીલ’ નામની જગાએ આવેલ અમારા પહેલાં હોમ-સ્ટે ભણી રવાના થઈ.

હોમ સ્ટે એટલે શું એ પહેલી વાર કેરળના પ્રવાસ વખતે જાણ્યું.આ એક રસપ્રદ વસ્તુ છે.તમારી પાસે મોટું ઘર હોય કે બંગલો હોય તેનો કેટલોક ભાગ તમે બહારના પ્રદેશથી ફરવા આવતાઅ સહેલાણીઓને ભાડે આપો અને તેમને મહેમાનગતિનો પણ અનુભવ કરાવો અને તેની સ્મૃતિમાં તમારા પ્રદેશની મીઠી યાદો સહિત કાયમ માટે જડાઈ જાવ! જેમ અમારી સ્મૃતિમાં થોમસ પરિવાર અને અલાન પરિવારે સ્થાન બનાવી લીધું! પ્રથમ રાત અમે 'થોમસ ઇન્ન'માં થોમસ પરિવારના બંગલામાં પહેલા માળે અમને ફાળવાયેલા બે અલાયદાં ખંડોમાં વિતાવી.રાતે ખાવા માટે શ્રીમાન થોમસે સૂચવેલી જગાએ જ ગયાં અને ત્યાંનું સ્વાદિષ્ટ ખાવાનું માણ્યું.રાતે ખાધા પછી લાંબો આંટો માર્યો અને કોચીના એ શાંત ધનાઢય વિસ્તારમાં લટાર મારી. થોમસ પરિવારનાં બંગલા જેવા જ ઘણાં બધાં બંગલા એ વિસ્તારમાં હતાં.બધે હોમ-સ્ટે પ્રાપ્ય હતાં.હોમ સ્ટે નો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ત્યાં ઘર જેવું વાતાવરણ મળી રહે, અડધી રાતે પણ તમને કોઈક વસ્તુની જરૂર હોય તો તે તમને આસાનીથી પ્રાપ્ત થઈ રહે અને તેનું ભાડું પણ હોટલ કરતાં ઓછું હોય.

આંટો મારતા મારતા ત્યાંના જનજીવનની ઝાંખી લેવાનો પ્રયાસ કર્યો. ત્યાંની શેરીઓ,દુકાનો વગેરે પણ જોયાં અને એક નવા શહેરની સડકો પર ચાલવાનો ખુશનુમા અનુભવ માણ્યો. લટાર માર્યા બાદ અમે ઘસઘસાટ ઉંઘી ગયાં.સવારે છ વાગે તો આંખ ખુલી ગઈ અને ખંડ બહાર આવી જોયું તો ખાસ્સું અજવાળું પથરાઈ ગયેલું જોવા મળ્યું.

આજુબાજુ નજર ફેરવી તો થોમસ પરિવારના બંગલાની આસપાસ સારી એવી લીલોતરી જોવા મળી.તેમનાં આંગણામાં મોટું જંગલી પ્રકારનાં લીંબુનું એક,આંબાનું એક તેમજ પપૈયાનાં બે એમ થોડાંઘણાં ઝાડ તેમજ નાનાનાના સુશોભનનાં છોડ હતાં.પહેલાં માળે અગાશીમાં લાલમાટીનાં થોડાં સુશોભનનાં કુંજા ગોઠવેલાં હતાં.બહાર ઓસરીમાં વાંસની સરસ આરામદાયી ખુરશીઓ પાથરેલી હતી તેના પર અમે બેઠાં અને સામે કાચની ટીપોય પર પડેલ મેગેઝીન પર મારૂં ધ્યાન ગયું.તેમાં કેરળના મંદિરોની સચિત્ર સુંદર માહિતી આપી હતી.એકાદ-બે મંદિરના નામ અને વિગતો નોંધી લઈ મેં તેમના વિશે થાનસીરને પૂછવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં શ્રીમાન થોમસ અમને દક્ષિણ ભારતીય શૈલીનાં સવારના નાસ્તા માટે આમંત્રવા આવ્યાં.અમે બ્રશ-સ્નાન ઇત્યાદિ પતાવી ઇડલી-સંભાર અને તાજાં સ્વાદિષ્ટ પપૈયાનો નાસ્તો કર્યો-ચા પીધી અને પછી મારી પત્ની તથા બહેનો સામાન પેક કરે ત્યાં સુધી મેં શ્રીમાન થોમસ સાથે તેમના વ્યવસાય અને હોમ-સ્ટે વિષય ઉપર ચર્ચા કરી,તેમનાં ભાડાનાં પૈસા ચૂકવ્યાં અને અમે તેમના પરિવારની વિદાય લીધી.

(ક્રમશ:)