Translate

શુક્રવાર, 30 મે, 2014

અમારો કેરળ પ્રવાસ (ભાગ - ૧)

         બગીચાની લીલીછમ ઘાસની ચાદર પર મૂકેલા, ચાર પુખ્ત વ્યક્તિઓ સૂઈ શકે એવડા મોટા ગોળાકાર સોફા પર સૂતા સૂતા હું બપોરના ખુશનુમા વાતાવરણમાં છૂટા છવાયા વાદળો ભર્યા ભૂરા આકાશ સામે તાકી રહ્યો હતો.શાંતિભરી આવી સુખદ ક્ષણો સ્વપ્નવત ભાસે છે.એ માણી રહ્યા હોવ ત્યારે ઘડીભર તમને લાગે જાણે આખું જગત થંભી ગયું છે.મને કંઈક આવી જ અનુભૂતિ થઈ રહી હતી કેરળના મુન્નાર ખાતે આવેલે સ્ટર્લિંગ રીસોર્ટના હોટલના આંગણામાં તેમણે બનાવેલા બગીચાના એ વિશાળ ગોળાકાર સોફા પર સૂતા સૂતા.માત્ર વાદળો ગતિમય છે એવું લાગતું હતું. કેરળમાં એ જ દિવસથી વાહનોની રાજ્યવ્યાપી હડતાળ હતી.આથી વાદળો સાથે આમ જુઓ તો ઘણું બધું ખરા અર્થમાં થંભી ગયું હતું. હું મુન્નારની સ્વચ્છ હવા શ્વાસોમાં ભરી ત્યાંના શાંત અને સુંદર વાતાવરણને માણવાનીએ અનુભૂતિનું આકંઠ પાન કરી રહ્યો હતો. પણ મોટે ભાગે આપણે દૂરની ભૂમિ પર મર્યાદિત સમય માટે ફરવા ગયા હોઇએ ત્યારે આ રીતે શાંત ચિત્તે આરામ ફરમાવતાં હોતાં નથી. તો હું કેમ આમ કરી રહ્યો હતો? જરા માંડીને વાત કરું.

આજના સ્પર્ધાત્મક યાંત્રિક યુગમાં, અતિ વ્યસ્ત જીવનમાં સમય તેજ ગતિએ કેમ દોડ્યો જાય છે તેનો ખ્યાલ નથી આવતો. તમે તમારા પરિવાર સાથે પણ કેટલો ગુણવત્તાભર્યો સમય પસાર કરો છો તે તમારી વ્યસ્તતા પર નિર્ભર છે. પણ જો તમે તમારા કંટાળાભર્યા નિરસ જીવનમાં તાજગી લાવવા ઇચ્છતા હોવ અને પરિવાર સાથે પણ ગુણવત્તાસભર સમય પસાર કરવા ચાહતા હોવ તો પ્રવાસ જેવું ઉત્તમ સાધન બીજું કોઈ નથી.

આથીજ મેં નિર્ણય કર્યો છે કે દર વર્ષે ઓછામાં ઓછો એક પ્રવાસ સપરિવાર દૂરના કોઈક અજાણ્યા પ્રદેશમાં કરવો.ભારત એટલે વિધવિધ સંસ્કૃતિઓ,ભાષાઓ,રીતીરિવાજો અને પરંપરાઓનો દેશ.અહિં આપણા દેશની ભૂમિ પર જોવાના એટલા બધા રસપ્રદ સ્થળો છે કે બધે ફરી રહેવા કદાચ એક આયખું ઓછું પડે!૨૯ રાજ્યોમાં પ્રવાસ માણવા લાયક સ્થળોની લાંબી યાદી બનાવવા બેસીએ તો આખું એક પુસ્તક લખાય! હું મારા પ્રવાસ અભિયાનમાં અત્યાર સુધી નવ જુદા જુદા રાજ્યોનો પ્રવાસ ખેડી ચૂક્યો છું.છતાં હજી ઘણું ભ્રમણ કરવાનું બાકી છે અને હવે તો વિદેશ પ્રવાસની પણ ઇચ્છા જાગી છે!તેને પણ મારા 'બકેટ્લિસ્ટ'માં વર્ષથી સમાવી લેવી છે!

બે મહિના અગાઉ મેં કેરળ રાજ્યનો પ્રવાસ ખેડ્યો અને ત્યાંના અદભૂત અનુભવોની વાત પ્રવાસ વર્ણન થકી છેડવી છે. સાતેક દિવસમાં આખા એક રાજ્યના બધાં સ્થળોનો પ્રવાસતો કઈ રીતે શક્ય બને? પણ જેટલો પ્રવાસ કર્યો તેને સંપૂર્ણ રીતે માણવા મર્યાદિત સ્થળો પસંદ કરી પૂરેપૂરું આયોજન બે-એક મહિના અગાઉથી શરૂ કરી દીધું  હતું અને વિમાનની ટિકિટો,હોટલ-હોમ સ્ટે,ભાડાનું વાહન બધી વ્યવસ્થા ઇન્ટરનેટની મદદથી કરી લીધી હતી.

આખરે દિવસ પણ આવી પહોંચ્યો અને સૌ પ્રથમ અમે પહોંચ્યા કેરળના પ્રવેશદ્વાર સમા ગણાતા કોચી શહેરમાં જે કોચીન તરીકે પણ ઓળખાય છે.દરેક પ્રદેશની પોતાની એક આગવી ઓળખ હોય છે,પોતાના આગવા લક્ષણ,પોતાની વિશિષ્ટ છાંટ હોય છે.કોચીન હવાઈમથકના નળિયા વાળા લાલ રંગના છાપરા આવી અનોખી ભાત ધરાવતા હતા જેણે અહિંની ભૂમિ પર ઉતરતાં જ અહિંની હવા અને અહિંના વાતાવરણની ખુશ્બો અમારા જહનમાં ભરી દઈ અમારા ઉત્સાહમાં વધારો કર્યો અને અમે એક નવા પ્રદેશની ભૂમિ પર પ્રથમ વાર પગ મૂકતા અનુભવાતી તાજગીનો અનુભવ કર્યો. એરપોર્ટની બહાર નિકળતાં જ સામે થાનસીર અમે પહેલેથી મુંબઈથી જ બુક કરેલી સફેદ નવી નક્કોર ઇન્ડીગો કાર સાથે અમારૂં સ્વાગત કરવા અને અમને કેરળદર્શન કરાવવા આતુરતાપૂર્વક અમારી રાહ જોતો ઉભો હતો.અમે સામાન સાથે ગાડીમાં ગોઠવાયા અને સૌ પ્રથમ આ ભૂમિ પર મેં તે અમને કોઈ મંદિર લઈ જાય એવું સૂચન કર્યું.તેણે મનમાં ત્યાંના આસપાસના મંદિરોની યાદી ચકાસી લઈ અમને એક શિવમંદિરનું સૂચન કર્યું અને મેં તે સહર્ષ વધાવી લીધું.લગભગ સાડા ચારે સાંજે અમે કેરળના એ ‘અલુવા શિવ મંદિર’ જઈ પહોંચ્યા જે ત્યાંની એક નદીના કાંઠે આવેલું હતું.એ પોણા પાંચે ખુલવાનું હતું આથી મેં ગાડીમાંથી ઉતરી આસપાસ થોડું ભ્રમણ કર્યું મંદિરનું છાપરૂ પણ એરપોર્ટના નળીયા વાળા છાપરા જેવું જ પણ રાખોડી રંગનું હતું અને મંદિરમાં શિવલિંગ વચ્ચે એક નાનકડી ઝૂંપડી જેવી ઓરડીમાં હતું જેની આસપાસ વિશાળ ખુલ્લું ચોરસાકાર ચોગાન હતું.મંદિરની ઓરડી સામે મોટો કાળા પથ્થરમાંથી બનાવેલો પોઠીયો હતો જેના ગળામાં ઘણીબધી ધાતુની ઘૂઘરીઓવાળી માળાઓ પહેરાવેલી હતી.સામે મોટો ધાતુનો થાંભલો હતો જેના પર ટોચ સુધી ગોળાકારે અનેક દિવીઓ જડેલી હતી.તે પ્રગટાવતા હશે ત્યારે કેટલુ સુંદર દ્રશ્ય સર્જાતું હશે તેનો વિચાર કરતો હતો ત્યાં એક યુવાને ત્યાંની સ્થાનિક કન્નડ ભાષામાં મને જૂતા વિશાળ ચોગાનની પણ બહાર કાઢી મંદિર નજીક જવા સૂચવ્યું.તેની ભાષા તો મને સમજાતી નહોતી પણ તેના કહેવાનો અર્થ સમજી જતાં મેં દૂર જઈ જૂતા ત્યાં કાઢી ફરી વિશાળ ચોગાનની મધ્યે આવેલ ઓરડી તરફ પ્રયાણ કર્યું.

ખાલી એવા મંદિરની એ કુટીર પાસે પોણા પાંચે તો સારી એવી ભીડ જમા થઈ ગઈ હતી.મહારાજે આવી અંધારિયા એવા મંદિરના ગર્ભગૃહની મધ્યે આવેલા શિવલિંગ પર દુધનો અને પુષ્પોનો અભિષેક કર્યો.શિવલિંગની આસપાસ સુંદર દિવાઓની હારનું અજવાળું કંઈક અનોખું સુંદર દ્રષ્ય સર્જી રહ્યું.થોડી ક્ષણોમાં તો આરતી જેવું કંઈક ગાઈ મહારાજે મંદિર ફરી બંધ પણ કરી દીધું.

દર્શન બાદ અમે કોચીની ચોપાટી જેવા ગણાતા વિસ્તાર ‘મરીન ડ્રાઈવ’ ફરવા જવાનું નક્કી કર્યું.મંદિરની જેમ આ વિસ્તારની માહિતી પણ મારી પાસે નહોતી કે નહોતું એ મારા પૂર્વાયોજનમાં સમાવિષ્ટ પણ તમે જ્યારે કોઈ નવા પ્રદેશમાં પ્રવાસે જાવ ત્યારે ત્યાંના સ્થાનિક ભોમિયા એવા કોઈકમાં વિશ્વાસ મૂકી ત્યાંના દર્શનીય સ્થળોએ ફરવા જાવ તો ચોક્કસ એ અનુભવ સુખદ તેમજ આશ્ચર્યકારક બને રહે છે. ક્યારેક પ્રવાસમાં બધું ચોકઠામાં ગોઠવેલું હોય એ પ્રમાણે થાય તો ઝાઝી મજા આવતી નથી.

અજાણી ભૂમિ પર અલગ ભાષા બોલતા લોકો વચ્ચે સમી સાંજે ચાલવાની અને ત્યાં પ્રોમીનેડ પર ગોઠવેલા બાંકડે બેસી સમુદ્રની લહેરો સાથે રમત રમતા રમતા તેમાં ડૂબી જતા સૂરજને જોવાની મજા પડી.ચા-નાસ્તો આઈસ્ક્રીમ વગેરે પતાવી મારી દિકરીના નામનાં અક્ષરોનાં મણકા પરોવી તૈયાર કરેલી હાથે બાંધવાની પટ્ટી ખરીદી.એ વેચનારી ગરીબ બાઈઓ ત્યાંની સ્થાનિક વતની નહોતી.તેમના આસપાસ રમી રહેલાં મેલાંઘેલાં પણ વ્હાલા લાગે એવા બાળકોને તે રાજસ્થાની ભાષામાં બૂમો પાડી તોફાન ન કરવા સમજાવતી હતી.તેમને પાંચેક રૂપિયા વધુ આપી ફરી પ્રોમીનેડ પર ચાલતા ચાલતા ગાડી પાસે આવ્યા અને કોચીના એર્નાકુલમ વિસ્તારની ભીડભરી સડકો પર વાહનોના ટ્રાફીક વચ્ચેથી માર્ગ કરતી અમારી કાર ‘કોચુપારામ્બીલ’ નામની જગાએ આવેલ અમારા પહેલાં હોમ-સ્ટે ભણી રવાના થઈ.

હોમ સ્ટે એટલે શું એ પહેલી વાર કેરળના પ્રવાસ વખતે જાણ્યું.આ એક રસપ્રદ વસ્તુ છે.તમારી પાસે મોટું ઘર હોય કે બંગલો હોય તેનો કેટલોક ભાગ તમે બહારના પ્રદેશથી ફરવા આવતાઅ સહેલાણીઓને ભાડે આપો અને તેમને મહેમાનગતિનો પણ અનુભવ કરાવો અને તેની સ્મૃતિમાં તમારા પ્રદેશની મીઠી યાદો સહિત કાયમ માટે જડાઈ જાવ! જેમ અમારી સ્મૃતિમાં થોમસ પરિવાર અને અલાન પરિવારે સ્થાન બનાવી લીધું! પ્રથમ રાત અમે 'થોમસ ઇન્ન'માં થોમસ પરિવારના બંગલામાં પહેલા માળે અમને ફાળવાયેલા બે અલાયદાં ખંડોમાં વિતાવી.રાતે ખાવા માટે શ્રીમાન થોમસે સૂચવેલી જગાએ જ ગયાં અને ત્યાંનું સ્વાદિષ્ટ ખાવાનું માણ્યું.રાતે ખાધા પછી લાંબો આંટો માર્યો અને કોચીના એ શાંત ધનાઢય વિસ્તારમાં લટાર મારી. થોમસ પરિવારનાં બંગલા જેવા જ ઘણાં બધાં બંગલા એ વિસ્તારમાં હતાં.બધે હોમ-સ્ટે પ્રાપ્ય હતાં.હોમ સ્ટે નો સૌથી મોટો ફાયદો એ છે કે તમને ત્યાં ઘર જેવું વાતાવરણ મળી રહે, અડધી રાતે પણ તમને કોઈક વસ્તુની જરૂર હોય તો તે તમને આસાનીથી પ્રાપ્ત થઈ રહે અને તેનું ભાડું પણ હોટલ કરતાં ઓછું હોય.

આંટો મારતા મારતા ત્યાંના જનજીવનની ઝાંખી લેવાનો પ્રયાસ કર્યો. ત્યાંની શેરીઓ,દુકાનો વગેરે પણ જોયાં અને એક નવા શહેરની સડકો પર ચાલવાનો ખુશનુમા અનુભવ માણ્યો. લટાર માર્યા બાદ અમે ઘસઘસાટ ઉંઘી ગયાં.સવારે છ વાગે તો આંખ ખુલી ગઈ અને ખંડ બહાર આવી જોયું તો ખાસ્સું અજવાળું પથરાઈ ગયેલું જોવા મળ્યું.

આજુબાજુ નજર ફેરવી તો થોમસ પરિવારના બંગલાની આસપાસ સારી એવી લીલોતરી જોવા મળી.તેમનાં આંગણામાં મોટું જંગલી પ્રકારનાં લીંબુનું એક,આંબાનું એક તેમજ પપૈયાનાં બે એમ થોડાંઘણાં ઝાડ તેમજ નાનાનાના સુશોભનનાં છોડ હતાં.પહેલાં માળે અગાશીમાં લાલમાટીનાં થોડાં સુશોભનનાં કુંજા ગોઠવેલાં હતાં.બહાર ઓસરીમાં વાંસની સરસ આરામદાયી ખુરશીઓ પાથરેલી હતી તેના પર અમે બેઠાં અને સામે કાચની ટીપોય પર પડેલ મેગેઝીન પર મારૂં ધ્યાન ગયું.તેમાં કેરળના મંદિરોની સચિત્ર સુંદર માહિતી આપી હતી.એકાદ-બે મંદિરના નામ અને વિગતો નોંધી લઈ મેં તેમના વિશે થાનસીરને પૂછવાનું નક્કી કર્યું. થોડી જ વારમાં શ્રીમાન થોમસ અમને દક્ષિણ ભારતીય શૈલીનાં સવારના નાસ્તા માટે આમંત્રવા આવ્યાં.અમે બ્રશ-સ્નાન ઇત્યાદિ પતાવી ઇડલી-સંભાર અને તાજાં સ્વાદિષ્ટ પપૈયાનો નાસ્તો કર્યો-ચા પીધી અને પછી મારી પત્ની તથા બહેનો સામાન પેક કરે ત્યાં સુધી મેં શ્રીમાન થોમસ સાથે તેમના વ્યવસાય અને હોમ-સ્ટે વિષય ઉપર ચર્ચા કરી,તેમનાં ભાડાનાં પૈસા ચૂકવ્યાં અને અમે તેમના પરિવારની વિદાય લીધી.

(ક્રમશ:)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો