મારા મિત્ર દર્શન દોડિયા(@DarshanDodia)એ થોડા દિવસો પહેલાં ઓબામાની ભારતની મુલાકાતને લગતાં ખૂબ મજાના, રમૂજી છતાં વિચારપ્રેરક ટ્વીટ્સ ટ્વીટર (http://www.twitter.com/) ઉપર કર્યા હતાં:
* ભગવાનના નામે આપણે હ્રદય ચોખ્ખું કરીએ છીએ,તહેવારોના નામે આપણે આપણા ઘર સ્વચ્છ કરીએ છીએ અને 'ઓબામા'ના નામે આપણે આપણું શહેર ચોખ્ખું કરીએ છીએ!
* છેવટે કોલાબાની કાયાપલટ થઈ ખરી!ઝાડછોડ વવાયા,શેરીઓ સ્વચ્છ કરાઈ,ભંગાર-કાટમાળ દૂર કરાયો,રસ્તાઓ પરના ડિવાઈડર્સ ફરી રંગાયા.થેન્ક યુ @ઓબામા!
* ઓબામાએ દર વર્ષે એક વાર ભારત યાત્રાએ આવવું જોઈએ.આ રીતે તો સરકાર સુરક્ષાને લઈને ખડે પગે સજાગ રહેશે!
ભલે આ રમૂજી લાગતું હોય પણ આપણે એવાં જ છીએ! પેલી કહેવત છે ને : 'આગ લાગે ત્યારે જ કૂવો ખોદવા બેસીએ.' તેને આપણે જાણે અનુસરતા હોઈએ છીએ.આપણે કામ મોટે ભાગે પાછું ઠેલીએ છીએ.આપણો સ્વભાવ જ બેદરકારીભર્યો થઈ ગયો છે.આપણે મોટે ભાગે દરેક વસ્તુને ગણકારતાં જ નથી.મોટા ભાગની ચીજોની આપણને પડી હોતી નથી.
બીજી એક બાબત એ છે કે આપણે કોઈ જોતું હોય ત્યારે જ કામ યોગ્ય રીતે કરીએ છીએ.ઓફિસમાં ઘણાં લોકો મેનેજર કે સુપરવાઈઝર ધ્યાન આપતો હોય તો જ કામ વ્યવસ્થિત રીતે કરે છે નહિંતર તેઓ કામચોરી કરે છે.મેં ક્યાંક વાંચ્યું હતું : ગુણવત્તા જ્યારે કોઈ જોઈ ન રહ્યું હોય ત્યારે પણ તમારો શ્રેષ્ઠ દેખાવ જાળવી રાખવામાં છે.
ઓબામા આવી રહ્યા હોવાને કારણે આપણે શહેરને ચોખ્ખુંચણાક બનાવી દીધું.જો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કે કોઈ મોટા નેતા આવવાના હોય તો તે સ્થળ ચકાચક બનાવી દેવાય છે,રોડની મરામત કરી દેવામાં આવે છે.આસપાસની જગાએ સુશોભીકરણ કરી તેને સુંદર બનાવી દેવાય છે.આવો દેખાડો શા માટે?આવું વલણ શા માટે?ફક્ત V.I.P.ઓ આવવાના હોય ત્યારે જ નહિં પણ હંમેશા આપણી આસપાસની વસ્તુઓ સારી રીતે ન રાખી શકાય?જાળવી શકાય?
આપણી બીજી એક ખાસિયત એ છે કે આપણે ઘેલાં છીએ!આપણે ખૂબ જલ્દી અંજાઈ જઈએ છીએ.સેલીબ્રીટી(ખ્યાતનામ વ્યક્તિ)ને આપણે દેવની જેમ પૂજીએ છીએ.તેમને આપણે અતિ નમ્ર બની જઈ ખૂબ માન આપીએ છીએ (અને ક્યારેક આપણી સૌથી વધુ દરકાર કરનારી વ્યક્તિનું માન આપણે બિલકુલ જાળવતા હોતા નથી)આપણે સ્વમાન જાળવતાં શીખવું જોઇએ.આપણાંથી મોટા હોદ્દાની કે લાયકાત ધરાવતી વ્યક્તિ આગળ ક્યારેક આપણે આપણી જાતને તુચ્છ ગણી સ્વમાન જાળવતા નથી.પણ આપણે દરેક વ્યક્તિને સમાન સમ્માન અને આદર આપતા શીખવું જોઈએ.
સમાજમાં ઘણો દંભ પ્રવર્તે છે અને આપણે પોતાની ખરી જાતને ભૂલી જઈ જીવતા હોઈએ છીએ. ઇશ્વરને પ્રાર્થના કે આ વૃુતિમાંથી બહાર કાઢી અમને સાચી અને સારી રીતે જીવતાં શીખવ.
લેબલ obama સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ obama સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
રવિવાર, 14 નવેમ્બર, 2010
ઓબામા ભારતમાં...
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)