Translate

શનિવાર, 27 નવેમ્બર, 2010

વાંચન : એક ઉમદા અને ઉત્તમ શોખ

થોડા સમય અગાઉ મધૂવન પૂર્તિની અપૂર્વભાઈ લિખિત આંખમાં પીળુ કટારમાં વાંચે ગુજરાત શીર્ષક હેઠળ સરસ લેખ વાંચ્યો અને વાંચનને આટલી હદે પ્રોત્સાહન આપતા મોદી સાહેબ પ્રત્યે વધુ એક વાર માન ઉપજ્યું.


મને કોઈ મારા શોખ વિષે પૂછે તો પ્રથમ નામ 'વાંચન' નું આપું.હું દ્યઢપણે માનું છું કે સારું વાંચન તમારા વ્યક્તિત્વ પર ખૂબ ઉંડી અને સારી અસર કરે છે.

જ્યારે આપણે ફિકશન એટલે કે કલ્પિત નવલકથા કે નવલિકા,ટૂંકી વાર્તા વાંચીએ ત્યારે આપણે એક જુદાં જ વિશ્વમાં પહોંચી જતા હોઈએ છીએ - કલ્પનાજગતમાં. વાંચન તમને જકડી લઈ શકવાની જાદૂઈ તાકાત ધરાવે છે.વાંચન તમને ખુશીના સર્વોચ્ચ શિખરે લઈ જવાથી માંડી દુ:ખની ઉંડી ગર્તામાં લઈ જવાનો અહેસાસ કરાવી શકે છે.તમે નવલકથા વાંચો ત્યારે તેના પાત્રો સાથે હસો છો અને તેમના રડવા સાથે આંસુ પણ વહાવો છો.તમે જાણે એ નવલકથા કે કલ્પનાજગતનાં જ એક પાત્ર બની જાઓ છો.ઘણી વાર વાંચતી વખતે મારા રૂંવાડા ઉભા થઈ જતા મેં અનુભવ્યા છે.કોઈક સારી વાર્તા કે વાત વાંચીએ એટલે ત્યારે જ એ આપણાં કોઈ સંવેદનશીલ સહ્રદયી મિત્ર કે સગાને પણ વંચાવવાની અદમ્ય ઇચ્છા આપણને થઈ આવે છે ખરૂં ને?તમે જેટલો સમય વાંચનના કલ્પના જગતમાં વિહરતા હોવ એટલી ક્ષણો પૂરતા તમે તમારા સઘળાં ટેન્શન-ચિંતાઓથી મુક્ત થઈ જાઓ છો. કેટલીક વાર તો સમયનું ભાન પણ ભૂલી બેસો છો. રસપ્રદ નવલકથાનાં પાનાં એક પછી એક વંચાતા જ જાય અને આવી રીતે એકી બેઠકે નવલકથા વાંચી જનારા કેટલાંક મિત્રોને પણ હું ઓળખું છું.તમે ઘણી વાર વાંચનના બંધાણી થઈ જાઓ છો.

નોન-ફિકશન એટલે કે વાસ્તવિક કે વિચારાત્મક, સ્વમદદ કે વ્યક્તિત્વ વિકાસ માટેનું વાંચન પણ તમારા સંપૂર્ણ જીવનને બદલી દઈ શકે છે.આવું વાંચન તમારા ચરિત્ર અને વ્યક્તિત્વનું ઘડતર કરી શકે છે.આવા વાંચનથી તમારો જીવન જીવવાનો દ્રષ્ટીકોણ - અભિગમ હકારાત્મક થઈ જાય છે,તમે આશાવાદી બની જાઓ છો. સારા પુસ્તકો તમારા સૌથી શ્રેષ્ઠ મિત્રો છે અને તે તમને કઈ રીતે સુખી અને સફળ થવું તે શીખવી શકે છે.મારા કોલેજ કાળ દરમ્યાન મેં વાંચેલા આવા ઘણાં પ્રેરણાત્મક પુસ્તકોની અસર મેં પ્રત્યક્ષ અનુભવી છે.આવાં પુસ્તકો રોગીઓને પણ માનસિક રોગમાંથી મુક્તિ અપાવી શકે છે અને તેના સતત વાંચનથી તમે વ્યક્તિગત લક્ષ્યાંકો બનાવી તેનેસફળતાપૂર્વક પાર પાડતા શીખો છો. સારૂં વાંચન તમને દુનિયા સામે કઈ રીતે ઝઝૂમવું અને આવનારી વિકટ પરિસ્થિતીનો કઈ રીતે સામનો કરવો,પ્રતિકૂળ સંજોગોમાં કઈ રીતે ટકી રહેવું એ શીખવે છે.સારા વાંચનથી તમારો દ્રષ્ટિકોણ બહોળો થાય છે.

વાંચનની શરૂઆત બાળપણથી થવી જોઈએ.તો એ આગળ જતા ટેવ કે શોખ બની શકે.જો બાળક સારી વાર્તાઓ વાંચશે તો તેને સારા સંસ્કાર મળશે અને તે મોટો થઈ એક સારો મનુષ્ય બની શકશે.તે સર્જનાત્મક,વિચારશીલ અને સાચો નિર્ણયકર્તા બની શકશે.ઈસપની બાળવાર્તાઓ,જાતકકથાઓ કે પંચતંત્રની પ્રાણી કથાઓ બાળક માટે રસપ્રદ તો બની જ રહે છે તદુપરાંત તેમને જીવન સાચી અને સારી રીતે જીવવાના બોધપાઠ પણ નાની વયથી જ શીખવે છે.સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગર્ભવતી સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન સારા પુસ્તકો વાંચે તો તેની સારી અસર આવનારા સંતાન પર પડે છે અને તે હોંશિયાર અને સારા ગુણો ધરાવનારું બને છે. માતાપિતાઓ તમારા બાળકોને ખૂબ વંચાવો.તેમને એકાદ નવી વિડીઓગેમ કે રમકડાને બદલે સારા પુસ્તકોની ભેટ આપો.આપણે સૌ જાણીએ છીએ કે બાળકોને વાર્તાઓ સાંભળવી કેટલી ગમતી હોય છે તો પછી આ વાર્તાઓ લખતાવાંચતા શીખ્યા બાદ તેઓ પોતે વાંચે એવું ન કરી શઈએ?

વ્રુદ્ધજનોને પણ વાંચન ગમે છે.ક્યારેક તેઓ સમય પસાર કરવા ખાતર વાંચતા હોય છે. તમારા દાદાદાદી કે ઘરડા સગાને તમે ભાગવત ગીતા કે બીજા કોઈક ધાર્મિક પુસ્તકો વાંચતા જોયા હશે.જ્યારે તેમના સંતાનો તેમને જાકારો આપે ત્યારે પુસ્તકો જ વયોવ્રુદ્ધ વ્યક્તિઓનો સહારો,તેમના મિત્રો બની રહેતા હોય છે.

સારુ વાંચન તમારા આત્મવિષ્વાસને દ્રઢ બનાવે છે.એ તમને બહારની દુનિયામાં કઈ રીતે વર્તવું,કઈ રીતે ઇન્ટરવ્યૂઝમાં તમારી જાતને રજૂ કરવી,ગ્રુપ ડીસ્કશન્સ કે ડીબેટ્સમાં કઈ રીતે સહભાગી થવું એ બધું પણ શીખવે છે.વધુ વાંચીને તમે ફક્ત તમારો શબ્દભંડોળ જ નથી વધારતા પણ એ દ્વારા તમને વાતચીતના વધુ વિષયો મળે છે,તમે બીજાઓ સાથે ચર્ચાવિચારણા કરી શકો છો.અખબારનું નિયમિત વાંચન પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.એનાથી તમે વર્તમાનના વ્હેણ સાથે તાલ મિલાવી શકો છો.તમે સમાચાર વાંચી સજાગ રહેતા અને બીજાએ કરેલી ભૂલોમાંથી પાઠ શીખી શકો છો.આજકાલ વર્તમાનપત્રોમાં ફક્ત સમાચાર જ નહિં પણ મહાન વ્યક્તિઓના ઇન્ટરવ્યૂઝ,આધ્યાત્મિક કે પ્રેરણાત્મક લેખો,સ્પર્ધાઓ અને અનેક રસથી ભરપૂર કટારો છપાય છે.મને રોજ એક ગુજરાતી અને એક અંગ્રેજી છાપું વાંચવા જોઈએ જ છે! છાપા સાથે આવતી પૂર્તિઓ આખું અઠવાડિયું મને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સરસ કંપની આપે છે! ટ્રેનમાં સરખા ઉભા રહેવાની પણ જગા ન હોય તેવી સ્થિતીમાં પણ ગડી વાળેલું અખબાર તો હાથ ઉપર-નીચે-ડાબે-જમણે જ્યાં જગા મળે ત્યાં પકડી કે ફેરવી વાંચીજ શકાય! વાંચનનો આવો ગાંડો શોખ કેળવો તો પણ એમાં ખોટું નથી જ..!

3 ટિપ્પણીઓ:

  1. સર,

    હું તમારી સાથે પૂરેપૂરો સહમત થાઉં છું કારણ મેં પણ વાંચનના પ્રભાવને અનુભવ્યો છે.જો તમે એનો યોગ્ય સદુપયોગ કરો તો વાંચન તમને બહારના જગત સામે વધુ ખુલ્લા બનાવે છે.
    તમને મારી ઘણી ઘણી શુભેચ્છાઓ.તમારા બ્લોગ્સ ખૂબ સરસ હોય છે.સદાય લખતા રહેજો.

    રોહિત શર્મા (પુણે)

    જવાબ આપોકાઢી નાખો
  2. મારે કહેવું જ જોઈએ કે બ્લોગે ને બ્લોગે તમારી કટાર વધુ સારી થતી જાય છે!
    ભલે હું પુસ્તકો વધુ વાંચતો નથી પણ રોજ અખબાર વાંચુ છું.
    બ્લોગ્સ લખતા રહેજો.

    સત્યેન્દ્ર (નાગપુર)

    જવાબ આપોકાઢી નાખો
  3. હું પણ તમારી જેમ જ ટ્રેનમાં ઓફિસ જતી વખતે છાપું સાથે રાખું છું અને વાંચું છું.સામે વાળાના મોઢા સામે જોયા કરી સમય બરબાદ કરવા કરતાં એ ઘણું સારું છે! રજાને દિવસે સવારે ઘરે ચા પીતાં પીતાં છપું વાંચું ત્યારે મારી મમ્મી મને ઘણું ખીજાય છે પણ મને ચા પીતા પીતા છાપું વાંચવું ખૂબ ગમે છે.
    સાંજે ઓફિસેથી ઘેર પાછા ફરતી વખતે મને છાપામાં આવતી સુડોકુ અને કાકુરો જેવી રમતો રમવી ગમે છે.ઘણી વાર મારા મિત્રો કે ક્યારેક આજુબાજુમાં બેઠેલ સહપ્રવાસી પણ તેમાં જોડાઈ જતા હોય છે.આ રમતો રમવાથી તમારી તાર્કિક શક્તિ સુધરે છે અને ગણિત પણ સારું થાય છે.
    - વિરલ શાહ(મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો