આજ દિવાળી, આજ દિવાળી,
દિવાળી નું મેરીયું ,....
ફટ ફટ ફટ ફટ ફૂટે ફટકા ,
ધન ન ન ધૂમ, ધન ન ન ન ન ધૂમ..
થાય ધડાકા ...
સ ર ર , સ ર ર ફૂટતી ફૂલ ઝ ડીયું,
દિવાળી નું મેરીયું...
સહુ વાચક મિત્રોને દિવાળી નિમિત્તે શુભકામના અને આવતાં નુતન વર્ષ નિમિત્તે અભિનંદન...
મિત્રો,
ઉપર લખેલું દિવાળી -ગીત મને મારા માં એ હું સાવ નાની હતી ત્યારે શીખવેલું, ત્યારે નાંનાં નાનાં છોકરાંઓ દિવાળી ને દિવસે શેરડી ના સાંઠા ઉપર કોડિયું બાંધી, કપાસ મૂકી, પ્રગટાવતા અને દિવાળીનું મેરીયું, દિવાળીનું મેરીયું કહી શેરી માં ઘૂમતા....
દિવાળી ની વાત કરવી એટલે એ તો બહુ જ મોટો, ના ના , વિશાળ વિષય કહેવાય.. દિવાળી એટલે વીતેલા વર્ષ નું સરવૈયું... જીવન ના આનંદ અને આત્માના ઉજાસનું પર્વ...બ્રહ્માંડમાં થી ... અવકાશમાંથી પણ કાળીચૌદશ ની વિશેષ કાળરાત્રીએ પ્રગટેલા દીપની આભા , ઉજાસ પામી શકાય.. આપણાં આત્માના દીપને પ્રગટાવી વિશ્વ ને ઉજાસ આપનારા ઉર્જસ્રોતમાં મેળવવાનું પર્વ, એટલે દિપાવલી પર્વ..
દિવાળી એટલે, જાતજાતના કોડિયા, દિપક પ્રગટાવવા, પહેલાના જમાનામાં શુદ્ધ ઘી તેલ ના દીપ પ્રગટાવવામાં આવતાં, પર્યાવરણ સંરક્ષણ નો દેકારો કરવાની જરૂર જ નહોતી.. આજે મીણબત્તીઓ પણ મૂકી દેવાય છે.
ફૂલ, પાન ના હાર- તોરણ બંધાતા..
નવરાત્રી જાય એટલે તરત જ દિવાળીની તૈયારીઓ શરુ થઇ જતી... પહેલું કામ તાંબા -પિત્તળના વાસણો મન્જાવવાનું થતું. છાજલીઓ ઉપરથી મસમોટા તાંબા પિત્તળના વાસણો ઉતારીને તેને સોના જેવા ચકચકાટ કરાતા.. તેને માટે આંબલી અને નાળીયેરના છુન્છા અને ઈંટના પત્થરનો ભૂકો વપરાતો. મારવાડણો વાસણો માંજવા આવતી... પાછા તે વાસણોને મંજાઇ જાય એટલે લુછી ને તડકે સુકવતા. ઘરની છાજલી પર સજાવેલા સોના જેવા ચળકતા વાસણો તે ઘરની શાન ગણાતી . તે જોઇને ઘર કેવું સુખી છે તે મપાતું. હવે તો આ વાસણો એન્ટીક સંગ્રહાલયોમાં જોવા મળે છે.
જાતજાતની ભાતભાતની રંગોળી પુરવામાં આવતી...જો કે રંગોળી તો આજે પણ પુરીએ છીએ. રંગોળી પૂરવાની કલા વહુને સાસરામાં ખાસ સ્થાન અપાવતી, વહુ, દિયર, નણંદ, દેરાણી - જેઠાણી બધા સાથે મળીને રંગોળી પૂરતા, કૌટુંબિક ભાવના . વધતી... .. ફેમીલી બોન્ડ મજબુત થતું, રંગોળી ને ગાય, કુતરાથી બચાવવા તેની ઉપર પાટલા મુકવામાં આવતાં. કે પછી, કાથીના ખાટલા મુકતા. કોઈ અટકચાળા વળી કોઈએ પોણી રાત મહેનત કરીને પૂરેલી રંગોળી ને ચુપચાપ બગાડી પણ જતું ! ! અને રંગોળી બનાવનારના મોઢેથી ખુબ સ્વસ્તી વચન સાંભળવા મળતા. ...!
દિવાળી એટલે સેવ, સુંવાળી , મઠીયા, ઘૂઘરા, ચકરી, ચેવડો, મગસ, મોહનથાળ, કાજુ કતલી, ચોળાફળી ...વગેરે વગેરે ઢગલાબંધ મીઠાઈઓ..ફરસાણ ...ઘરમાં બનતા... શેરી મહોલ્લા, પોળ,ફળિયાના લોકો એકબીજાને આ બધું બનાવવામાં મદદ કરતાં.
( પહેલાના જમાનામાં આ બધી વાનગીઓ સામાન્ય રીતે દિવાળીમાં જ ખવાતી, આજના જમાનાની જેમ ઠેર ઠેર વેચાતી પણ નહોતી મળતી અને બહારથી લવાતી પણ નહોતી.. રોજ રોજ ખવાતી નહીં એટલે એનું મહત્વ ઘણું હતું. ).
પૂજા ઉપરાંત ટોટકા પણ નિભાવતા. કાળી ચૌદશને દિવસે માથા ધોવાના, સાંજે કકળાટ કાઢવાનો - અડદના વડા અને પૂરી ચાર રસ્તે જઈને મૂકી આવવાના, પાછું વાળીને નહીં જોવાનું.... વગેરે વગેરે...
હનુમાનજી ને તેલ ચડાવવાનું...શ્રીફળ વધેરવાનું...
ફટાકડામાં તારામંડળ, બપોરિયા, (રંગીન દીવાસળી) સાપ, ચકરડી, લૂમ, બોમ્બ, જલેબી, કોઠી .... ક્યારેક વળી હવાઈઓ ઉડીને કાકાના ધોતિયામાં પણ ઘુસી જતી....અને યુવાનીયાઓને જોણું થતું તો કાકાને ભારે થતી....કોઈ વાર આ મુદ્દે લડાઈ ઝઘડાઓ પણ થતાં...
ગુજરાતમાં દિવાળી પછીના દિવસને બેસતું વર્ષ ગણે છે.. દિવાળીની રાત મહત્વની. બેસતા વર્ષ ને દિવસે વહેલી સવારે નાનાં નાનાં છોકરાંઓ સબરસ એટલે કે મીઠુ લઈને આવતાં.. તે ચુપચાપ લઇ લેવાનું, જે આપવું હોય તે આપીને ,એટલે કે ૪ આના, દસ પૈસા કે જે મન થાય તે આપીને ચપટી મીઠુ ખરીદી લેવાનું.. શુકન ગણતા . પછી વહેલા દેવ દર્શન અને પછી તરત ઘરના -કુટુંબના વડીલોના આશીર્વાદ લેવાના... લોકો સવારથી દોડતા હોય..નવા નવા કપડાં.પહેર્યા હોય..લોકો હારણ દોરણ દોડતા હોય..
અગીયારશથી માંડીને લાભ પાંચમ સુધીના દિવસો અતિ શુભ મનાય છે. કહે છે કે જેણે દિવાળી જોઈ તો જોઈ... કોને ખબર આવતા વર્ષે કોઈ ક્યાં હશે ? એટલે સહુ દિવાળી નિમિત્તે એકબીજાને ખુબ પ્રેમથી મળે, સ્નેહમિલનો યોજાય... પાછલું બધું ભૂલીને નવા વર્ષે નવેસરથી એકડો ઘૂંટવાનો નિર્ધાર કરે.
અને બાળકો માટે તો સૌથી મહત્વનું, દિવાળીની બોણી મળતી તે ...! પહેલાં તો એક રૂ . કે બહુ બહુ તો બે રૂ, ની બોણી મળતી... તેમાં સહુ ખુશ... વેપારી વર્ગ સિવાય ગિફ્ટો આપવાનો કંઈ રીવાજ થોડો હતો ?
મને કોઈ પૂછે , દિવાળીની યાદો.... તો કહીશ કે આજથી વર્ષો પહેલાં મારા ઘરમાં એટલે કે નડિયાદમાં અમારા ઘરમાં દિવાળી માણી છે તેવી ક્યારે ય નથી માણી..મને હજુયે નડિયાદના નારણદેવ ના મંદિરની દીપમાળ યાદ છે, આજે પણ અંબિકા માતાના મંદિરના દર્શન યાદ છે..ડભાણ ભાગોળે આવેલા સાઠોદરા નાગરના હાટકેશ્વર મંદિરમાં બેસતા વર્ષે સવારના છ વાગતામાં યોજાતું સ્નેહમિલન અને પ્રાર્થના યાદ છે...દાદા -દાદી, માં -પપ્પા , કાકા - કાકીના આશીર્વાદ અને નાનાં ભાઈના વહાલભરી દિવાળી એ જ ખરી દિવાળી.. ઘરના બધા જ સભ્યો સાથે મળીને માણેલો દિવાળીનો આનંદ આજે પણ હૈયે સ્વર્ગ જેવો જ વસેલો છે. તેને ઝૂરું છું..કાશ સમય પાછો આવે અને ફરી તે દિવાળી માણવા મળે...પણ મને પણ ખબર છે કે સમય પાછો નહીં આગળ વધે છે..
આજના વૈશ્વિકરણના જમાનામાં બાળકો પોતાની કારકિર્દી ઘડવા પરદેશ ઉડી જાય છે , ત્યારે ઘર, બાળકો વગર સુના માળા જેવું ભાસે છે, એટલે જ કહું છું કે આજની ઘડી રળિયામણી. કાલની કોને ખબર છે ? .ચાલો આજે આપણે સહુ આજની ઘડીને માણીએ અને આજે આપણે સહુ સાથે છીએ તે ઘડીને દિવાળી મનાવીએ..મતભેદોને મનભેદો ના બનવા દઈએ, કોઈને સાથ આપીએ, સહારો દઈએ, નીતિમત્તાના મૂલ્યોનું જતન કરીએ, હૈયાના આનંદને આત્માના ઉજાસના પર્વમાં બદલી નાખીએ કે ઘેર ઘેર દીપ પ્રગટે, અને સહુના આત્માનો ઉજાસ દિપાવલી બનીને બ્રહ્માંડમાં છવાય ..... અસ્તુ..
મૈત્રેયી મહેતા,
mainakimehta@yahoo.co.in
શુભ દિવાળી, નુતન વર્ષાભિનંદન .....
શનિવાર, 6 નવેમ્બર, 2010
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો