Translate

રવિવાર, 31 ઑક્ટોબર, 2010

સ્વિમીંગ (ગોલ્ડન જ્યુબિલી સ્પેશ્યલ)

[
વ્હાલા વાચકમિત્રો,


આજે ‘બ્લોગને ઝરૂખેથી…’ની ગોલ્ડન જ્યુબિલી છે એટલે કે આજે આ કટારનો પચાસમો લેખ તમારી સમક્ષ રજૂ કરતા એક ખૂબ આનંદની લાગણી અનુભવી રહ્યો છું.આ કટારમાં આપણા જીવનમાં, આપણી આસપાસ બનતા બનાવો કે કંઈક ખાસ હોય કે હ્રદયને સ્પર્શી ગઈ હોય એવી વાત આપણે બીજાઓ સાથે શેર કરીએ છીએ.’આપણે’ એટલા માટે લખ્યું છે કારણ મહિનામાં એક બ્લોગ તમારામાંના એક વાચકનો હોય છે, જે ગેસ્ટ બ્લોગ તરીકે અહિં છપાય છે.મને ખૂબ સારું લાગે છે જ્યારે તમે પણ અહિં કંઈક લખી તમારી ભાવનાઓ, તમારા વિચારો બ્લોગના માધ્યમથી બીજાઓ સાથે શેર કરો છો. અહિં છપાયા બાદ દરેક બ્લોગ http://blognezarookhethee.blogspot.com પર પણ પબ્લિશ કરવામાં આવે છે જે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના લાખો લોકો સુધી પહોંચે છે.


શનિવારે જન્મભૂમિની ‘મહેક’ પૂર્તિમાં છેલ્લા સાત વર્ષથી નિયમિત રજૂ થતી મારી કટાર 'ઇન્ટરનેટ કોર્નર' (જેના પાંચ પુસ્તકો કથાકોર્નર,મહેક,કરંડિયો,આભૂષણ અને ઝરૂખો ગૂર્જર ગ્રંથરત્ન દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યા છે) જેટલો જ પ્રેમ તમે મારી આ કટારને પણ આપ્યો છે એ વાતની મને બેહદ ખુશી છે અને એ માટે હું તમારા સૌનો આભાર માનું એટલો ઓછો છે.બસ, આ કટાર વાંચતા-વંચાવતા રહેજો, તમારા વિચાર - અભિપ્રાય મારી સાથે અને બીજા વાચકો સાથે આ કટારના માધ્યમથી શેર કરતા રહેજો એવી નમ્ર વિનંતી સાથે તમને સૌને હ્રદયપૂર્વકના વંદન!

- વિકાસ ઘનશ્યામ નાયક

]
 
છેલ્લાં ઘણાં સમયથી મારી એક અતિ મનપસંદ પ્રવ્રુત્તિ હું મિસ કરું છું - સ્વિમીંગ. મારા ઘર નજીક આવેલ કાંદિવલીના સ્વિમીંગ પુલમાં ત્રણેક વર્ષ નિયમિત તર્યા બાદ જાણે મને એની આદત પડી ગઈ હતી.પણ મુંબઈમાં પાણીની ઉદભવેલી તંગીને કારણે બી.એમ.સી એ બધાં જ સ્વિમીંગ પુલ બંધ કરાવી દીધા અને મારી આ મનપસંદ પ્રવ્રુત્તિ પર અનિચ્છાએ બ્રેક લાગી ગઈ.મેં સ્વિમીંગ કંઈ ફક્ત કસરત કે શરીર સ્નાયુબદ્ધ બનાવવાના આશયથી જ નહોતું શરૂ કર્યુ. પણ આ એક એવી પ્રવ્રુત્તિ હતી જે મારા મનને સાચો આનંદ આપતી હતી, આપે છે! સ્વિમીંગ એક ઉમદા શોખ છે.


ઉનાળા દરમ્યાન સ્વિમીંગથી વધુ સારી કસરત બીજી કઈ હોઈ શકે?શિયાળામાં આમેય ઠંડી હોય અને ઉપરથી સ્વિમીંગ પુલનું ઠંડુ પાણી જો સંપર્કમાં આવે તો તબિયત બગડવાની શક્યતાને કારણે સ્વિમીંગ થોડો સમય બંધ થઈ જાય, પણ ફરી ચોમાસામાં સ્વિમીંગની મજા જ કંઈક ઓર હોય છે! ચોમાસામાં સ્વિમીંગ એટલે ઉપર-નીચે આજુબાજુ બધે પાણી જ પાણી! ચોમાસુ શરૂ થતા પહેલા પણ સાંજે જ્યારે વાતાવરણ વાદળિયું હોય અને સંધ્યા ખિલવાને કારણે આકાશમાં કેસરી,પીળા અને લાલ જેવા રંગોની મનમોહક રંગોળી રચાઈ હોય એ વખતે સ્વિમીંગની આહલાદક મજા તો ત્યારે જેણે સ્વિમીંગ કર્યુ હોય તે જ અનુભવી શકે!અને પછી ધીમે ધીમે વર્ષાના છાંટણા શરૂ થાય.પહેલા આછાં આછાં અને નાના નાના અને ધીરે ધીરે તેમનું કદ વધતું જાય અને પછી જ્યારે વરસાદ પૂર જોશમાં શરૂ થઈ જાય ત્યારે તમે સ્વિમીંગ પુલમાં જ હોવ તો સ્વર્ગીય સુખ જેવી અનુભૂતિ થાય!

યોગામાં જેમ વિવિધ વિવિધ યોગાસનો હોય છે તેમ સ્વિમીંગ પણ જુદી જુદી રીતે કરી શકાય છે: દેડકાની જેમ (ફ્રોગ સ્ટાઈલ), પતંગિયાની જેમ(બટરફ્લાય સ્ટાઈલ), પાણીમાં અંદર/નીચે તળિયે(અન્ડરવોટર), ઉંધા (બેક સ્ટ્રોક) વગેરે વગેરે.ઉંધા એટલેકે પાણીને પથારી બનાવી આંખો આકાશ તરફ રહે એમ તરવું મને સૌથી વધુ પસંદ છે.આ રીતે તરતી વખતે તમે બન્ને હાથ એક સાથે માથા પરથી શરૂ કરી કમર તરફ લાવી હળવા ઝટકા સાથે આગળ વધતા તરી શકો અથવા એક હાથ માથાથી કમર તરફ અને બીજો કમરથી માથા સુધી લઈ જઈ તરી શકો.આંખો આકાશ તરફ હોવાથી તમે ઉપરનું દ્રષ્ય જોતા જોતા તરી શકો. મને આ રીતે પાણીની પથારી પર ઉંધા સૂતા સૂતા શાંતિથી તર્યા કરવું બેહદ પસંદ છે.મને આ રીતે તરતી વેળાએ કુદરત સાથે પ્રત્યક્ષ જોડાયાની લાગણીનો અનુભવ થાય છે - આકાશ નિરખતા, વાદળાં કે ઉપર ઉડતાં પંખીઓ સાથે કે ક્યારેક વિમાન સાથે સ્પર્ધા કરતા, તેમની સાથે વાતચીત કરતા કરતા હું પણ કુદરતનો જ એક અંશ હોઉં એવી લાગણી મને થાય છે...ક્યારેક તો પેલા વાણિયા નામના જંતુ (બાળકો જેને 'હેલિકોપ્ટર' તરીકે બોલાવતા હોય છે) પણ મારી સાથે કે બાજુમાં ઉડે અને હું તેની સાથે પણ વાત કરું! બેક સ્ટ્રોકની આ સ્ટાઈલ એક જાતના મુક્તપણાનો પણ અહેસાસ કરાવે છે.થોડી ક્ષણો માટે દુન્યવી ચિંતાઓ, પરેશાનીઓથી આઝાદીનો અનુભવ તમે ચોક્કસ કરી શકો છો આ સ્ટાઈલમાં તરીને. આ પ્રકારે સ્વિમીંગ કરતી વખતે એમ પણ લાગે કે જાણે સમગ્ર ધરાની ગતિ ધીમી પડી ગઈ છે. પણ જ્યારે પુલમાં બીજું પણ કોઈ આ જ સ્ટાઈલની મજા માણી રહ્યું હોય તમારી વિરુદ્ધ દિશામાં અને તમારી જ સીધી રેખામાં,અને એ તમને ભટકાય ત્યારે તમે પાછા એ સ્વપ્નવત સ્થિતીમાંથી ભાનમાં આવી જાઓ છો.(પાછા પ્રુથવી પર તો કહેવાય નહિં કારણ તમે પાણીમાં હોવ છો !)અને ત્યારે જો યોગ્ય સંતુલન તરત જાળવી ન લો તો ડૂબી જવાના પૂરા ચાન્સીસ!

સ્વિમીંગ સાથે જ ડાઈવિંગ અને જંપિંગ પણ સંકળાયેલા છે.ડાઈવિંગ એટલે પાણીમાં એ રીતે ધુબાકો મારવો કે તમારું માથું પહેલા પાણીમાં પ્રવેશે અને આખું શરીર પછી. જ્યારે જંપિંગમાં આનાથી ઉંધુ એટલે કે કૂદકો મારતી વખતે પહેલા તમારા પગ પાણીમાં જાય અને છેલ્લે માથુ.મેં એકાદ માળ જેટલી ઉંચાઈએ થી ડાઈવ મારવાની મજા ઘણી વાર અનુભવી છે.આ રીતે પાણીમાં કૂદવું ખૂબ રોમાંચકારક છતાં ભયજનક, પણ મજેદાર હોય છે!જ્યારે એક-બે માળ જેટલી ઉંચાઈએ તમે ડાઈવ બોર્ડ પર ઉભા હોવ ત્યારે ભયનું લખલખું તમારા શરીરમાંથી પસાર થયા વિના રહે નહિં પણ એક વાર હિંમત કરી કૂદી પડો ત્યારે તમને તો આ સાહસ બદલ ગૌરવ મિશ્રિત હર્ષની લાગણી થાય જ પણ તમને ડાઈવ કરી,પાણીમાં પડતા જોનારને પણ ચોક્કસ મજા પડે છે!ડાઈવ બોર્ડ પર થી હાથ ઉંચા કરી શરીર ધનુષાકારે વાળી તમે તીર છૂટે એમ પાણીની દિશામાં જંપ લાવો છો અને ક્ષણવારમાં જ ધબાક કરતા અવાજ સાથે પાણીની છોળો ઉડે છે.તમે જેટલી વધુ ઉંચાઈએ થી કૂદો છો,પાણીમાં એટલા વધુ ઉંડા જઈ પહોંચો છો અને ત્યાં પાણીમાં ઉંડે ઉંડે થોડી ક્ષણો માટે તો તમે સમય,સ્થળ,દિશા વગેરે બધાનું ભાન ગુમાવી બેસો છો!પણ જલ્દી જ પાછા સામાન્ય સ્થિતીમાં આવી જઈ તમારે પાણીની સપાટી તરફ પ્રયાણ કરી ઉપર આવતા રહેવું પડે છે,બીજો ધુબાકો મારવા!ખરેખર આ એક ખૂબ મજાનો અનુભવ છે!

અન્ડરવોટર સ્વિમીંગમાં પણ જુદા જ પ્રકારની મજા આવે છે.માછલીઓ સતત પાણીની અંદર રહીને જેવું અનુભવતી હશે તેવો અનુભવ તમે અન્ડરવોટર સ્વિમીંગ વખતે કરી શકો. આ પ્રકારે તરવા માટે ખાસ પ્રકારના પાણીની નીચે પહેરી તમે ચોખ્ખુ જોઈ શકો તેવા ગોગલ પણ બજારમાં મળે છે. મારે હજી સ્વિમીંગની આ રીત બરાબર શીખવાની બાકી છે.

આપણા શહેરી જીવનની દોડધામમાં આપણે મનપસંદ શોખ કે પોતાના સ્વાસ્થ્ય માટેય થોડો ઘણો સમય ફાળવી શક્તા નથી પણ આપણે સ્વિમીંગ જેવી કોઇ પ્રવૃત્તિ માં જોતરાઈ શરીર અને મન બન્ને ને થોડો ચેન્જ આપવો જ જોઈએ.સુખથી જીવવાનો એ સાચો અને સરળ ઉપાય છે.

1 ટિપ્પણી:

  1. ખરેખર ખૂબ સારી પ્રવૃત્તિ છે સ્વિમીંગ. હું પણ થોડા સમય અગાઉ જ સ્વિમીંગ શીખ્યો છું અને હવે નિયમિત તેને એન્જોય કરું છું.

    - દેવેન્દ્ર પુરબિયા (બેંગ્લોર)

    જવાબ આપોકાઢી નાખો