Translate

રવિવાર, 5 ડિસેમ્બર, 2010

ગેસ્ટબ્લોગ - જૂની પેઢીએ યાદ રાખવા જેવી વાત

                                                                             
                                                                                     ગેસ્ટબ્લોગર  - લતા બક્ષી

ઘણી વાર જિંદગીમાં મૂલ્ય વાત નાના પ્રસંગથી એક્દમ સચોટ રીતે ઉભરી આવે છે.હમણાં હું ને મારા પતિ તેમના માટે શર્ટ લેવા એક આધુનિ ક મોલમાં ગયા.ત્યાં એક શોપમાં મને જે પ્રકારના શર્ટ જોઈતા હતા તે વિષે એક કાઉન્ટર સંભાળી રહેલા યુવાનને જણાવ્યું. થોડી શોધ પછી તેણે મને કહ્યું - મેડમ, આ ઓલ્ડ ડીઝાઈન છે,હવે નહિં મળે. મેં એ યુવાનને બહુ જ સાહજિકતાથી જણાવ્યું કે મે પણ તો ઓલ્ડ છીએ ને?! હું ને મારા પતિ ૬૦થી ઉપરની વયના છીએ.મારા ઉત્તર બાદ તે યુવાને નવીન અને રમૂજભરી દ્રષ્ટીથી મારી સામે જોયું!!



એવું છે ને કે પેઢીભેદ કે વિચારભેદ મોટી વયના નાગરિકો કદાચ તેમના અસંતોષ ને ઉપેક્ષાને કારણે સેવતા હોય છે.માત્ર નજર બદલવાની જરૂર છે.મારા અનુભવના એકબે તારણ છે - પૂછ્યા સિવાય મત ન આપવો. નવયુવાન પેઢીને સદા આલોચનાપૂર્વક અને ટીકાપાત્ર રીતે ન મૂલવવી.જે પસંદગીની સ્વત્રંતતા - ફ્રીડમ ઓફ ચોઈસ - આપણને નથી મળી તે એમને મળે એવી સગવડ આપવી.

આ સંદર્ભમાં મારી દિકરીની બહેનપણીએ પ્રથમ વાર ત્રણ કલાકની મુલાકાત બાદ મારી હાજરીમાં તેને જણાવ્યું – “Your mummy is cool!” (યોર મમ્મી ઈઝ કુલ - તારી માતા 'કુલ' એટલે કે આજના જનરેશનની ભાષામાં - બહુ સારી છે) ત્યારે આ પ્રશંસા મારે માટે આનંદમય બની રહી.

મેં બાવીસ વરસના ગાળા બાદ પુન: ભણવાનુ શરૂ કર્યુ. પચીસ છત્રો ના સમુહમાં બાવીસની વય ૧૮-૨૦ વરસ હતી. અમે ત્રણ બેતાળીસ વરસના હતા. સત્ર ને પહેલે દિવસે સર્વ તૈયારી કરી હું જવા નીકળી ત્યારે મેં મારી આશંકા મારા દીકરાને જણાવી કે આ સમુહ માં એકરસ કેમ થઈ શકાશે? ત્યા રે રાહુલે મને કહ્યું કે " Be yourself.” (બી યોર સેલ્ફ - તમે જેવા છો તેવા જ બની રહો) આ સૂત્રે મારો અભ્યાસ કાળ અતિ સરળ માહિતી સભર બનાવ્યો.એ સમયે મને સમજાયુ કે મનના બારણા ખુલ્લા રાખવા અતિ મહત્વનું છે. દરેક જ્ણ પોતાના કથન કરતાં વર્તન દ્વારા દાખલો બેસાડે તો તે વધુ સચોટ રહેશે. કહેવાય છે કે “ You can not demand respect, you command respect. “ (યુ કેન નોટ ડીમાન્ડ રિસપેક્ટ, યુ કમાન્ડ રિસપેક્ટ - તમે માન છિનવી શક્તા નથી તે કમાવું પડે છે.)

ઘણી વાર સાંભળવા મળે છે - અમારો જમાનો, અમારા જમાનાનો ડ્રેસ, અમારા જમાનાનું ફલાણું અને અમારા જમાનાનું ઢીંકણું - જમાનો મારા-તમારો કે કોઈનો નથી. સમય કોઈનો સગો નથી. આપણે સમયની સર્વોપરિતા સ્વીકારીને તે અનુસાર પોતાને તે માળખામાં બંધબેસતુ કરીએ તો કોઈ કડવાશ ન રહે. કોઇ અસંતોષ ન રહે.

યુવાયુવતીમાં થનગનાટ છે. વણખેડી ભૂમિ ખેડવાની ધગશ છે, સાહસ છે, સાથે સાથે ભવિષ્ય ની સલામતી અંગે સજાગતા છે. એક અગમ્ય અજાણ પરિબળ વિશે ચિંતા છે.

રખે એમ માનતા કે આ વિચારો વરિષ્ઠ નાગરિકોને ઉતારી પાડવા માટે છે.આ નાગરિકો તેમના અનુભવ વડે ભવિષ્યની સફરના ભયસ્થાનો અંગે સૂચના કરી શકે છે. યુવાનીનુ કોઈ દુસાહસ આખી જિંદગી ભાર રૂપ બનાવી દે તેવા પ્રસંગ વિશે માર્ગદર્શન આપે છે. આ છતાં પણ તેમનું બાળ ક કોઈ કૃત્ય કરે તો હંમેશા તેની સાથે રહે છે. અને તેને પીઠબળ આપે છે. એ યાદ રાખવું અગત્યનું છે કે બાળકોનો ઉપયોગ પોતાના અધૂરા રહી ગયેલા સપના સાકાર કરવા કદાપિ ન કરશો.

- લતા બક્ષી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો