Translate

શનિવાર, 21 જુલાઈ, 2012

ગ્રાહકસેવા

આજે અગ્રણી કંપનીઓ ગ્રાહકસેવા માટે કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં શું ખરેખર ગ્રાહકોની સેવા કરી તેમને સંતોષવામાં સફળ થાય છે ખરી? એ વિષે વાત કરવી છે.


તાજેતરમાં જ થયેલાં ત્રણ-ચાર અનુભવોએ મને આ બ્લોગ લખવા પ્રેર્યો.

ભારતની એક અગ્રગણ્ય કંપની પાસેથી વોટર પ્યુરીફાયર ખરીદ્યુ. પહેલી વાર ખરીદ્યુ, ત્યારે તો કંપનીનો માણસ ઘેર આવી બધુ બરાબર સમજાવી ગયો. એ પછી પણ બે-ત્રણ વાર, તેમની દર બે-ત્રણ મહિને બદલવી પડતી કાર્બન ફિલ્ટર કીટ વેચવા, તેમના માણસ ફોન કર્યાના બે-ત્રણ દિવસમાં જ હોમ ડીલીવરી કરી ગયા, પણ બે-એક મહિના બાદ જ્યારે તેની કાર્બન ફિલ્મ બદલવાનો પ્રસંગ આવ્યો ત્યારે એકાદ મહિના સુધી સતત દર બીજા ત્રીજા દિવસે તેમની ગ્રાહકો માટેની હેલ્પલાઈન પર ફોન કર્યા છતા, દર વખતે જવાબ મળે –“ આગામી ત્રણ-ચાર દિવસમાં અમે કોઈક એકશન લઈશું, અમારો માણસ તમારે ત્યાં મોકલીશું.” પણ પછી સામેથી કોઈ જવાબ કે પ્રતિક્રિયા નહિં. આખરે એકાદ મહિના બાદ મારી બહેન અને પત્ની એ જાતે જ સંશોધન કરી પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યો! પણ કંપની તરફથી કોઈ ન આવ્યું. શું આવડી મોટી કંપનીનું આવુ, માલ વેચ્યા પહેલા અને પછીનું જુદું જુદું તેમજ બેપરવાઈ ભર્યું વલણ યોગ્ય ગણાય?

એક અગ્રણી બેન્ક ની ક્રેડીટ કાર્ડ હેલ્પલાઈન પર ફોન કર્યા બાદ પૂરી પચીસ મિનિટની રાહ જોયા બાદ તેના કર્મચારી સાથે વાત થઈ શકી. આટલી બધી રાહ એક ગ્રાહકને જોવડાવવી શું વ્યાજબી ગણાય? કંપનીએ કાંતો ફોન લાઈન્સ તેમજ તેમના કર્મચારી ગણની સંખ્યા વધારવી જોઇએ અથવા વધુ સમય લાગવાનો હોય તો સામેથી ગ્રાહકને ફોન કરવાની વ્યવસ્થા જેવી સુવિધા પૂરી પાડવી જોઇએ.

એક અગ્રણી બેન્કની ફોન-હેલ્પલાઈનમાં આઈ.વી.આર. (ઇન્ટરેક્ટીવ વોઈસ રીસ્પોન્સ) મેનુમાં તેમનાં કર્મચારીઓ સુધી પહોંચવાનો એટલે કે તેમની સાથે સીધી વાતચીત કરી શકવાનો કોઈ વિકલ્પ જ તેમણે (જાણી જોઈને) રાખ્યો નથી.આ ખૂબ ત્રાસદાયક બાબત બની રહે છે.તમારી કેટલીક સમસ્યાઓ સામે વાળાને સીધી વાતચીત કરીને જ સમજાવી શકો એમ હોવ ત્યારે આ બેન્કની હેલ્પલાઈન તેમણે કદાચ કરોડો રૂપિયા ખર્ચી બનાવી હોવા છતાં નકામી બની રહે છે.

આજ કાલ ઇન્ટરનેટનો પ્રભાવ પણ ખૂબ વધ્યો છે અને મને તેની તાકાત નો પરચો તાજેતરમાં જ મળી ગયો. મને ઓનલાઈન શોપિંગ કરવું ગમે છે અને ઓનલાઈન ઓર્ડર કરેલી વસ્તુની સમયસર ડીલીવરી મળે ત્યારે સારું પણ લાગે છે.આજકાલ તો રેલેવેના પાસથી માંડી શાકભાજી-અનાજ અને કપડાંથી માંડી બાળકોનાણ રમકડાં સુધીની બધી જ ચીજ વસ્તુઓ તમે ઘેરબેઠાં ઓનલાઈન શોપિંગ કરી મેળવી શકો છો.

મારી દિકરી નમ્યાના ડાઈપર્સથી માંડી તેના રમકડાં સુધીની અનેક વસ્તુઓમેં ઓનલાઈન મંગાવી છે.એક ખાસ બાળકોની ચીજવસ્તુઓ વેચતી વેબસાઈટ પરથી મેં નમ્યા માટે ચાર ફ્રોક-રૂમાલ વગેરે કપડાંનો ઓર્ડર નોંધાવ્યો પણ ઓર્ડરનાં એકાદ મહિના વીતી જવા બાદ પણ મને આ ચીજવસ્તુઓની ડીલીવરી મળી નહિં.

જે વેબસાઈટ પરથી મેં કપડા ખરીદ્યા હતાં તેની ઇન્ટરનેટ-વેબ પર પણ હાજરી સારી રીતે મોજૂદ હતી. મેં ફેસબૂક પર આ વેબસાઈટનો પ્રોફાઈલ હતો તે પેજ પર જઈ મારી ફરિયાદ તેમની વોલ પર લખી નાંખી. ત્યાર બાદ ટ્વીટર પર જઈ ત્યાં પણ તેમના પ્રોફાઈલ પર ટ્વીટ દ્વારા મારા કપડાની ડીલીવરી એક મહિના કરતા પણ વધુ સમય વીતી જવા છતાં ન મળ્યાની ફરિયાદ કરી અને બીજા જ દિવસે બંને જગાએથી તેમનો પ્રતિભાવ મળ્યો અને ત્રણ દિવસમાં જ મને બધાં કપડાની ડીલીવરી મળી ગઈ. આ છે ઇન્ટરનેટનો પ્રભાવ અને તેની તાકાત! ગ્રાહક સેવા અને ફરિયાદ નિવારણનું એક ઉત્તમ માધ્યમ બની શકે છે ઇન્ટરનેટ.

બધીજ કંપનીઓનો ગ્રાહક સેવાનો દાવો ખોટો હોય છે એવું નથી.કેટલીક કંપનીઓના સારા અનુભવ પણ મને થયાં છે. નવું એલ.સી.ડી. ટી.વી ખરીદવા એક ઇલેક્ટ્રીક ઉપકરણો વેચતી અગ્રગણ્ય ચેન સ્ટોર્સ ધરાવતી દુકાનમાં ગયો. ત્યાં એક્ષચેન્જ ઓફરમાં એક ટી.વી. ખરીદ્યું. હવે તે સમયે મને મારા ઘરે જૂનું ટી.વી. હતું, એ ફ્લેટ સ્ક્રીન ધરાવતું હતું કે નહિં એ વિશે ખબર ન હતી. તેમણે મને ખાતરી આપી કે જો મારું જૂનું ટી.વી. ફ્લેટ સ્ક્રીન હશે તો તેઓ પાંચસો રૂપિયા ચેક દ્વારા અઠવાડિયામાં પાછાં મોકલી આપશે અને તેમણે ખરેખર એ વચન પાળ્યું.

તમે બહારગામ ફરવા જાવ ત્યારે,કેટલીક હોટલ્સ તમને એરપોર્ટ કે સ્ટેશન પરથી તેમને ત્યાં લઈ આવવા ગાડી મોકલી આપે છે કે તમે તેમને ત્યાં પહોંચો કે તરત કોમ્પ્લીમેન્ટરી વેલકમ ડ્રીંક આપે છે. આ સારી ગ્રાહકસેવાનું ઉદાહરણ છે.

આજે સ્પર્ધાત્મક્તાના જમાનામાં કંપનીઓએ ધંધો ટકાવી રાખવા અને બજારમાં ટકી રહેવા માટે થઈને પણ ઘણી વાર ઉત્તમ ગ્રાહકસેવા આપવી જ પડે છે.જેમકે કેટલીક બેન્કોએ ચેક તમારા ઘરેથી લઈ જવા કે બીજી કેટલીક સેવા ઘેરબેઠાં પૂરી પાડવાની શરૂઆત કરી છે.ગમે ત્યારે પૈસા ઉપાડી શકો એ માટે એ.ટી.એમ જેવી સુવિધા પણ શ્રેષ્ઠ ગ્રાહકસેવાનું જ ઉદાહરણ નથી? હવે તમારે એક બેન્કના ખાતામાંથી બીજી બેન્કના ખાતામાં પૈસા મેળવવા 'રીસીવ ફન્ડ્સ' જેવી સુવિધા પણ સારી ગ્રાહક સેવાનો જ દાખલો છે.

સારી ગ્રાહકસેવા પૂરી પાડી તમે ફક્ત ગ્રાહક ને જ ખુશ નથી કરતાં પણ તમારા ધંધાનો નફો અને વ્યાપ વધારી તમારા પોતાને માટે ફાયદો સુનિશ્ચિત કરતાં હોવ છો.ખુશ થયેલો ગ્રાહક પોતે તો વારંવાર તમારી પાસે આવશે જ અને પોતાની સાથે અન્ય ગ્રાહકોને પણ ખેંચી લાવશે. આજના યુગમાં ધંધાને ટકાવી રાખવા સારામાં સારી ગ્રાહકસેવા પૂરી પાડવી અનિવાર્ય બની રહે છે.

રવિવાર, 8 જુલાઈ, 2012

અનોખી રીતે વર્ષગાંઠની ઉજવણી

૨૫મી જૂને મારી દિકરી નમ્યાનો બીજો જન્મદિવસ હતો. ગયા વર્ષે તેની પહેલી વર્ષગાંઠ ચાલીના બધા બાળકોને તેમજ મારા કેટલાક ઓફિસના મિત્રોને ઘેર આમંત્રી તેમની વચ્ચે નમ્યા દ્વારા ‘હમતુમ’ની બેબી વાળી મોટો એકડો ધરાવતી કેક કાપી હર્ષોલ્લાસપૂર્વક ઉજવેલી. ચાલીના બધા બાળકોને જ્ઞાનવર્ધક રમકડા-ગેમ્સ-પુસ્તકો વગેરેની ભેટ આપીને સંતોષની લાગણીનો અનુભવ કર્યો હતો.પણ આ વર્ષે મેં કંઈક નોખું કરવાનો વિચાર કર્યો.


વિચાર આવ્યો કે ચાલીના જે બાળકોને ભેટસોગાદો આપી એ બધાં તો, તેમના સામાન્ય થી સુખી સ્થિતીના ગણી શકાય એવા પરિવારો સાથે રહીને ઉછરી રહ્યાં છે પણ આ જગતમાં,આપણાં દેશમાં,આપણા શહેરમાં એવા કેટલાંયે બાળકો છે જેને માથે માબાપનું છત્ર નથી,જેમના કોઈ ભાઈ-બહેન કે પરિવાર નથી. આ વખતે આવા બાળકો સાથે ભેળવી,તેમની વચ્ચે નમ્યા દ્વારા કેક કપાવડાવી તેની બીજી વર્ષગાંઠ યાદગાર બનાવવાનો વિચાર આવ્યો અને તરત એ મેં અમલમાં મૂકવાનો નિર્ણય પણ કરી લીધો.સદનસીબે મારી પત્ની અને અન્ય પરિવારજનોએ પણ મારા આ વિચારને વધાવી લઈ મને એ દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો.

સારું કાર્ય કરવા માત્ર એક વિચાર પૂરતો છે.તે માટેના અનેક રસ્તા આપોઆપ ખુલી રહે છે,સારા વિચારને અમલમાં મૂકવા માટેની અનેક દિશાઓ મળી રહે છે.એ માટેના સાધન-સામગ્રી-સ્રોતો આપોઆપ ઉભા થઈ જાય છે. જરૂર છે માત્ર એક સારા વિચારની અને તેને માટે પહેલ કરવાની.

આજનો યુગ માહિતીનો યુગ છે. તમારે જે વિશે માહિતી મેળવવી હોય તે હાથવગી હોય છે. ગૂગલ કે તેના જેવી બીજી અનેક વેબસાઈટ્સ તમને તમારી આસપાસના વિસ્તારોની સચોટ માહિતીનો ખડકલો તમારી સમક્ષ આશ્ચર્ય પમાડે એટલી હદે ક્ષણવારમા ઉભો કરી દે છે.મેં ઇન્ટરનેટ પર ક્યારેક ‘www.AskMe.com’ નામની વેબસાઈટ અને તેમની ટેલિફોન હેલ્પલાઈન વિષે વાંચ્યું હતું તેનો નંબર ડાયલ કરી, હું રહું છું તેવા મલાડની આસપાસના વિસ્તારમાં આવેલા અનાથ આશ્રમ અંગે માહિતી માગી અને તેમણે મને એસ.એમ.એસ દ્વારા મલાડના જ પાંચ-દસ અનાથાલયોની માહિતી, સંપર્ક વિગતો સહિત તરત જ મોકલી આપી. મેં દયાવિહાર નામના મલાડ પશ્ચિમમાં સ્થિત દયા વિહાર નામનાં એક ઓર્ફનેજનો નંબર જોડ્યો અને ત્યાંના સંચાલક શ્રીમાન જહોન ચાકો સાથે વાતચીત કરી.તેમણે મને તરત મારી દિકરીનો જન્મદિવસ તેમના ઘરમાં રહેતા વીસ બાળકો સાથે ઉજવવાની પરવાનગી આપી દીધી. મેં ત્યાંના બાળકોની ઉંમર,અભ્યાસ,જરૂરિયાત વગેરે જેવી પ્રાથમિક માહિતી મેળવી લીધી.બારેક બાળકો ચોથા-પાંચમાં ધોરણમાં અભ્યાસ કરતાં હતાં.પાંચેક બાળકો પહેલા- બીજાધોરણમાં ભણતા કે તેથી પણ નાની વયના હતાં અને ત્રણ બાળકો જુનિયર કોલેજમાં અભ્યાસ કરનારાં હતાં.મેં ઉંમર મુજબ તેમના માટે શાળા-અભ્યાસમાં મદદ કરે એવી ‘કિટ’ ભેટ આપવા બનાવડાવી. સરસ મજાની કેક ઓનલાઈન ઓર્ડર કરી દીધી.સમોસા અને વેફરની વ્યવસ્થા મારી બહેનને સોંપી દીધી.

નમ્યાના જન્મદિવસે સાંજે ઓફિસથી જલ્દી ઘેર આવી ગયો. ગિફ્ટ્સના પેકેટ તૈયાર કરાવ્યા હતા તે ચકાસી લીધા અને મારા પરિવારના સભ્યો તથા અમારા એક પાડોશી દંપતિ - નમ્યાના ફેવરીટ સંતરુદાદા અને કિનુબા સહિત કુલ આઠ જણનો અમારો કાફલો ઉપડ્યો દયા વિહાર જવા,ગિફ્ટ્સ,કેક,નાસ્તો વગેરે બધું સાથે લઈને.

દયા વિહાર આશ્રમ મલાડની સામાન્ય ભીડભાડથી ખાસ્સો દૂર માર્વે-આક્સા તરફ જતા રસ્તા પર વચ્ચે આવેલો છે.ખૂબ શાંત અને લીલોતરીભરી જગાએ આવેલ આ આશ્રમ એટલે આમતો એક મોટું મકાન જ ગણીલો.અમે પહોંચ્યા કે તરત બે છોકરાઓ સસ્મિત અમારું સ્વાગત કરવા ગેટ પર દોડી આવ્યા.સલીમ અને ડેનિયલ.એક મુસ્લિમ અને બીજો ખ્રિસ્તી પણ અહિં જાણે જાતિવાદના ભેદભાવ જેવી કોઈ બાબતનું અસ્તિત્વ જ નહોતું.ચાકો પરિવારનું આ ઘર અઢારેક નિરાધાર બાળકોનું નિવાસ સ્થાન હતું જેમાં તેઓ પોતાના પંડના બે બાળકો સાથે જ વસવાટ કરી, બધાં બાળકોને પોતાના પેટ-જણ્યા બાળકોની જેમજ ઉછેરે છે.મને વિચાર આવ્યો આમને જીવતા જાગતા ભગવાન જ ગણી શકાય! આજે જમાનો એવો છે જ્યાં કેટલાક પરિવારોમાં સગા માબાપ કે અન્ય પરિવારજનો પણ કેટલાક લોકોને ભારરૂપ લાગતા હોય છે અને કેટલાયે યુવા દંપતિઓ DINK (ડબલ ઇન્કમ નો કીડ્સ) - અર્થાત પતિપત્ની બંને કમાતા હોય પણ તેમને સંતાનની પળોજણ ન ગમતી હોવાથી સંતાન પેદા થવા દેતા નથી,આવા યુગમાં પારકા અને જેમાંના કેટલાકનાં માબાપ કોણ છે,તે કઈ જાતિના છે એ વિષે કોઈ જ ખબર ન હોવા છતાં તેમને પોતાના સંતાનોની જેમજ પોતાના પેટ જણ્યા બે દિકરાઓ સાથે ઉછેરવા, એ માટે ભગવાન જેવડું જિગર જોઇએ.આ ખરેખર સામાન્ય માણસનું કામ નહિં.ચાકો પરિવાર ઇશ્વરીય કાર્ય જ કરી રહ્યાં છે.અમે એક જ વહાલસોયી નમ્યાના નખરાંથીજ ઘણી વાર તો એટલા કંટાળી જઈએ છીએ કે ન પૂછો વાત! જ્યારે અહિં તો એક ડઝન કરતાંયે વધુ દસથી નીચેની ઉંમરના અને બાકીના તેથી થોડી વધુ વયના એમ કુલ વીસેક બાળકોને એક છત નીચે ચાકો પરિવાર પ્રેમ અને હર્ષપૂર્વક ઉછેરે છે,તેમને ભણાવે ગણાવે છે.

અમે તેમના મુખ્ય ખંડમાં ગોઠવાયા એટલે તરત બધાં બાળકો આવીને અમારી સામે પલાંઠી વાળી કતાર બદ્ધ બેસી ગયાં. નમ્યા આટલા બધાં બાળકોને જોઈ ખુશ થઈ ગઈ.શ્રીમાન જહોન ચાકો તો કોઈક કામસર બહાર ગામ ગયા હતા પણ શ્રીમતી મારિયા ચાકોએ અમારું સુંદર સ્મિત સાથે સ્વાગત કર્યું અને બાળકોને પ્રાર્થના કરવા જણાવ્યું. અમને ગેટ પર લેવા આવેલ સલિમ ઉભો થઈ નમ્યાનું નામ બોલી અમારો આભાર માની પ્રાર્થના ગાવા લાગ્યો અને પછી તો બધાં બાળકો એમાં જોડાયાં.ઘડીક ઉભા થાય તો ઘડીક ફરી બેસી જાય.એક સાથે બધાં પોતપોતાનો ડાબો હાથ ઉંચો કરી ગાતા ગાતા ઉભા થાય, ફરી નીચે બેસી જાય.અભિનય સહિત આ રીતે પ્રાર્થના અને એક બે બીજા ગીતો તેમણે સાથે મળી અમારી સમક્ષ રજૂ કર્યા. આ પૂર્વ આયોજિત નહોતું. અમને સરસ સરપ્રાઈઝ મળી. નમ્યા પણ તાળીઓ પાડી બાળકોનું આ પરફોર્મન્સ માણી રહી.

ત્યાર બાદ અમે બધા બાળકો વચ્ચે, નમ્યા પાસે કેક કપાવડાવી. બધા બાળકોએ ધરાઈને કેક સાથે નાસ્તો ખાધો. નમ્યા અને બધાં બાળકો ખૂબ ખુશ જણાતાં હતાં.તે બાળકોના ચહેરા પર ખુશી જોઈ અમને સૌને પરમ સંતોષ અને કંઈક સારુ કર્યાની લાગણીનો અનુભવ થયો.

નાસ્તાનો કાર્યક્રમ પતી ગયા બાદ હું ધમાલ વાળા ગીતોની એક સી.ડી. લઈ ગયો હતો તે ત્યાં વગાડી અને પંદર વીસ મિનિટ અમે બધા સાથે મળી ખૂબ નાચ્યા! ઘડીક નમ્યાને તો ઘડીક બીજા કોઈ બાળકને તેડીને નાચવા છતાં મને થાક ન લાગ્યો!

ડાન્સનું સેશન પતી ગયા બાદ મેં બધા બાળકોને ગિફ્ટ પેકેટ્સ વહેંચી દીધા અને તેમને ખૂબ સારી રીતે ભણીગણી મોટા માણસ બનવા શુભેચ્છા પાઠવી.તેમણે ફરી એક પ્રાર્થના અને એક-બે ગીત આંગિક અભિનય સહિત એક સૂરમાં ,એક સાથે રજૂ કર્યા અને અમે ગળગળા થઈ ત્યાંથી વિદાય લીધી.

એક બાળક વિષે મારિયા મેડમે વાત કરી તે મારા મગજમાં સતત ઘૂમરાઈ રહી હતી. તે બાળક ત્રણેક વર્ષનું હતું અને બે દિવસ પહેલા જ તેની માતા તેને દયા વિહારના ગેટ પર મૂકી ગાયબ થઈ ગઈ હતી. એ બાળકના ચહેરા પર જે પારાવાર ઉદાસી અને નિરાશા હતાં તે અવર્ણનીય અને હ્રદયદ્રાવક હતાં. મને આશા છે કદાચ નમ્યાના જન્મદિવસની ઉજવણીએ તે બાળકના દુ:ખમાં આંશિક ઘટાડો કર્યો હોય અને તે થોડી ક્ષણો માટે પણ ખુશ થયું હોય તો મારો આ પ્રયાસ લેખે લાગે. ફરી એક વાર મધર મેરી ના સાક્ષાત અવતાર સમા મારિયા મેડમને ધન્યવાદ આપી, તેમને બિરદાવી અને સૌ બાળકોને વારંવાર આવજો કરી ફરી મળવાનો બોલ આપી અમે ત્યાંથી વિદાય લીધી.

નમ્યાનો બર્થ ડે આ અનોખી રીતે ઉજવી ખરેખર ખૂબ ખુશી થઈ અને મારી પત્ની તથા અન્ય સૌએ આજ રીતે ભવિષ્યમાં પણ નમ્યાના દરેક બર્થ ડે ઉજવવા વિનંતી કરી!

Photo album link for Namyaa's B'day pics at Daya Vihar : http://www.facebook.com/media/set/?set=a.3877998042879.153946.1666613300&type=1&l=10ea3a853d

Video link's for Namyaa's B'day pics at Daya Vihar : http://youtu.be/a5uJjd--Cwk
 and
http://www.facebook.com/photo.php?fbid=390774514305622&set=a.367470689969338.76579.100001192302042&type=1#!/photo.php?v=3878158886900

રવિવાર, 1 જુલાઈ, 2012

ગેસ્ટ બ્લોગ : પ્રત્યેક મહિલા માટે અનિવાર્ય -'સ્વરક્ષા'

- ઇલાક્ષી મર્ચન્ટ


કોઈ પણ ઉંમરની સ્ત્રીઓએ અનેકવાર અનેક રીતની અવહેલના સહન કરવી પડે છે. જેમાં જાતિય હુમલો મુખ્યત્વે હોય છે કોઈપણ ઉંમરની મહિલાને ખભેથી ધક્કો મારનાર મહાનુભાવો આમ કરવું એ એમનો જન્મસિધ્ધ અધિકાર છે એમ માને છે.

મહિલાઓ આવો ધક્કો સહન કર્યા પછી સિસકારો બોલાવે કે કંઈ બોલે તો પણ આવા લોકો ને કંઈ અસર થતી નથી. આતો એક નાનકડી વાત છે, પણ હમણાં બોરિવલી ના એક ગિર્દીભર્યા વિસ્તારમાં બપોરે ચાર વાગ્યા પછી ક્લાસમાં જતી એક ટિનએજર છોકરીની સામે લુંગી પહેરેલો દાઢીવાળો માણસ આવી ગયો. અચાનક એ છોકરી જોરજોરથી રડવા લાગી. એની પાછળ ચાલતી મહિલા એની પાસે દોડી આવી એટલે પેલો બુઢ્ઢો રફુચકકર થઈ ગયો. મહિલાએ છોકરીને પાણી પિવડાવીને શાંત પાડી અને શું થયુ તે પુછ્યુ. જે જવાબ મળ્યો એ ચોકાવનારો હતો.

એ બુઢ્ઢાએ છોકરીને એવો સવાલ કર્યો હતો કે "પ્યાર કરને કે કિતને પૈસે લેતી હૈ?"

જિદગીમા આવા શબ્દો ક્યારેય ન સાંભળ્યા હોય એવી ટીનેજર છોકરી આવે વખતે રડવા માંડે એ સ્વભાવિક છે.

પત્રકાર તરીકે મેં એક સ્થાનિક નેતાને આ વાત કરી તો એમણે બેદરકારીથી જવાબ આપ્યો "હમ ક્યા કર સકતે હૈ? સભી કે પીછે તો નહી ઘૂમ સકતે?"

આવા વખતે મહિલા ભલે કોઈ પણ ઉંમરની હોય, તેણે પોતાનો સ્વબચાવ કરવા માટે સજ્જ રહેવું જોઈએ. ભલે કરાટેના દાવપેચ ન આવડતા હોય, પણ હાથ-પગથી મારી શકાય , સેંડલ કાઢીને પણ સામનો કરી શકાય સાથે જો પાણી ભરેલી બોટલ હોય તો એ પણ કામ આવી જાય!

આવા વખતે રડવાથી મહિલા ગભરાઈ ગઈ છે એમ માનીને મવાલીમાં હિંમત વધી જશે અને એ પરેશાન કરશે.

આવા વખતે બુમાબુમ કરવાથી પણ મદદ મળી શકે છે. તમાશા ને તેડુ ન હોય એમ માનીને ભેગા થનાર લોકોનું ટોળુ જોઈને પણ મવાલી ગભરાઈને નાસી જશે.

માત્ર મહિલામાં હિંમતનો અભાવ ન હોવો જોઇએ. આવા વખતે એક - નેતાની ટિપ્પણી પણ સાંભળવા જેવી છે, જેમાં નેતાજીએ અભિમાનથી જાહેર કર્યુ કે,”શું કરે? આજની મહિલાઓના વસ્ત્રો જ એવા હોય છે કે પુરુષો ઉશ્કેરાઈ જાય...” એટલે કે હવે મહિલાઓ એ ક્યા વસ્ત્રો પહેરવા એ આ નેતાજી નક્કી કરશે.

આવા નેતાઓ જાણતા નહી હોય કે સાડી પહેરેલી અને બુરખા પહેરેલી મહીલાઓ ઉપર પણ જાતિય હુમલા થાય છે. બધીજ બાબતોમા મહિલાઓનો વાંક કાઢવાની જરૂર નથી.છતાં મહિલાઓ પણ સાવચેત રહે,એકલી ન નીકળે અને આવો કપરો સમય આવે તો હિંમતથી તેનો સામનો કરે.

- ઇલાક્ષી મર્ચન્ટ

રવિવાર, 24 જૂન, 2012

આજે પણ…

આમ તો હું બહુ કવિતાઓ નથી લખતો પણ મને સરળ અને સારા કાવ્યો વાંચવા ગમે છે. ક્યારેક કોઈક વિચાર કવિતા રૂપે લખી પણ નાંખુ છતાં કાવ્યની એક શિસ્ત,તેના પ્રાસ,તેની લઢણ,તેના છંદ વગેરે તેમજ તેના એક ચોક્કસ ચોકઠામાં લખવું મને અઘરૂં લાગતું હોવાથી મોટે ભાગે હું કાવ્યાત્મક વિચાર જ્યારે લખું ત્યારે અછાંદસ રૂપે જ લખતો હોઉં છું.


એક વાર મને ટ્રેનમાં ઓફિસ જતી વખતે વાંદ્રા પાસે, પુલ પરથી હાર્બર લાઈનની ટ્રેન પસાર થતી જોઈ કેટલાક વિચાર આવ્યા અને મેં એક કાવ્ય લખી નાંખ્યું અને થોડા સમય અગાઉ કાંદિવલી ખાતે પ્રગતિ મિત્ર મંડળ આયોજિત નવોદિત કવિઓ માટેની સ્પર્ધામાં આ કાવ્યને તૃતિય પારિતોષિક એનાયત થયું ત્યારે મને બેહદ ખુશીની લાગણી થઈ. આ કાવ્ય આજે 'બ્લોગને ઝરૂખેથી'માં રજૂ કરું છું.

આજે પણ…

તો શું થઈ ગયું હું બત્રીસ વર્ષનો થઈ ગયો?

આજે પણ મને બાળસહજ અચરજ સાથે પુલ પરથી પસાર થતી ગાડી જોઈ મલકવું ગમે છે...

અને ઉનાળાની બળબળતી બપોરે બંને હાથ તથા મોઢું બગાડીને પણ ફળોના રાજા ગણાતી કેરી ચૂસવી ગમે છે!

બસ કે ગાડીમાં પ્રવાસ કરતી વખતે બારીવાળી સીટ પર બેસી બહારના દ્રષ્યને જોવું ગમે છે...

આજે પણ રસ્તામાં મચ્છરોનો નાશ કરવા ધૂમાડાવાળો પાઈપ લઈને ધૂમાડો છાંટે એટલે તેમાં અદ્રષ્ય થઈ જવાનું મન થઈ જાય છે!

આજે પણ બાળક હતો ત્યારે જેમ શાળાએ જવાનો કંટાળો આવતો એમ ક્યારેક ઓફિસે જવાનો કંટાળો આવે છે!

આજે પણ વરસાદની મોસમમાં આકાશમાં સપ્તરંગી મેઘધનુષ જોઈને મન આનંદથી વિભોર થઈ જાય છે!

આજે પણ મને ટી.વી. પર કાર્ટૂન ફિલ્મો જોવી ગમે છે અને તેમાંયે ડોનાલ્ડ ડક અને ટોમ એન્ડ જેરી તો મારા મોસ્ટ ફેવરીટ કાર્ટૂન્સ છે!

આજે પણ મને અખબારોમાં આવતી બાળપૂર્તિઓ વાંચવી અને તેમાં આવતી રમતો માણવી ગમે છે!

આજે પણ મને બાળકો ગલીમાં પકડાપકડી,થપ્પો,સાંકળી,લંગડી કે ગોટી રમી રહ્યા હોય ત્યારે તેમની સાથે જોડાઈ જવાનું મન થાય છે!

આજે એક બાળકનો બાપ બની ચૂક્યો હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એવી ઇચ્છા છે કે મારામાં રહેલું બાળક સદાય જીવંત રહે!

- વિકાસ ઘનશ્યામ નાયક

રવિવાર, 17 જૂન, 2012

હેપ્પી ફાધર્સ ડે...!

પિતા અને પુત્રનો સંબંધ અનોખો હોય છે.તેઓ એકબીજાને પ્રેમ કરતા હોય છે, એકબીજાને મનથી માન પણ આપતા હોય છે પણ છતાં તેમના સંબંધમાં એક તણાવ જોવા મળતો હોય છે. કદાચ આ મારો અંગત અભિપ્રાય હોઈ શકે છે પણ મારા પોતાના દાખલા સહિત મેં બીજા એવાં ઘણાં નજીકના ઉદાહરણ જોયાં છે જ્યાં બાપ-બેટા વચ્ચેના સંબંધો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના અનુપમ ખેર - શાહરૂખ વચ્ચે દર્શાવાયા હતાં એટલાં સરળ, સુંવાળા અને શત પ્રતિશત મતભેદ વગરના નથી હોતાં.


કેટફીશ નામની માછલીની જાતિના પિતા સજીવોમાં સર્વશ્રેષ્ઠ પિતાનું બિરૂદ પામેલ છે કારણ તે છ મહિના કરતાં પણ વધુ સમય સુધી પોતાના મોઢામાં માદાએ મૂકેલા ઇંડા સાચવી રાખે છે જ્યાં સુધી તેમાંથી બચ્ચા બહાર ન આવી જાય અને તેઓ તરતા શીખી બહારના વિશ્વનો સામનો કરવા જેટલા પુખ્ત ન થઈ જાય. તે કંઈ પણ ખાધાપીધા સિવાય આ અવસ્થા દરમ્યાન સમુદ્રને તળિયે પડી રહે છે. ખરું જોતા, માનવ જાતમાં પણ પિતા, કદાચ કેટ ફિશ જેટલો વધુ પડતો ત્યાગી-વૈરાગી બનીને નહિં પણ પોતાના સંતાનોનું પ્રેમપૂર્વક, જતનપૂર્વક ભરણપોષણ તો કરે જ છે. તે પોતાના મોજશોખનો ઘણી વાર ત્યાગ કરી દે છે જેથી તેના સંતાનની કોઈ ઇચ્છા અધૂરી ન રહી જાય કે પોતાના સંતાનને સારામાં સારી સુખસુવિધા કે ઉચ્ચ કોટિના શિક્ષણ મળી રહે. ભાગ્યે જ કોઈ પિતા એવો હશે જે પોતાના સંતાનને પ્રેમ ન કરતો હોય કે તેની નાની મોટી દરેક અભિલાષા પૂર્ણ કરવાનો પ્રયાસ ન કરતો હોય. હા,કદાચ મા જેટલા ઋજુ સ્વભાવનો ન હોવાને કારણે, ગુસ્સા કે ઉગ્ર સ્વભાવને લીધે તે ભલે ક્યારેક આકરો ભાસે, પણ દરેક પિતા પોતાના સંતાનને શ્રેષ્ઠ બાળપણ પૂરું પાડી તે ઉત્તમ કોટિના માનવી બને એવા પ્રયત્ન હ્રદયથી કરતો જ હોય છે. કયો પિતા બાળકને પોતાને ખભે બેસાડી ઘૂમ્યો નહિં હોય કે કયો પિતા બાળકને પીઠ પર બેસાડી તેના માટે ઘોડો નહિં બન્યો હોય?! પુત્ર હોય કે પુત્રી,પિતાને મન તે કાળજાના કટકા સમાન જ હોય છે (હા, કદાચ પુત્ર-પુત્રી બંને હોય તો તેને પુત્રી વિશેષ વ્હાલી લાગતી હોઈ શકે!) ક્યારેક પિતા ગુસ્સામાં હાથ ઉગામી બેસે કે આકરા એવા બેચાર શબ્દો દ્વારા સંતાનનું દિલ દુભવી શકે પણ બેશક એ સંતાનના ભલા માટે જ. દિલથી તો તે પોતાના સંતાનનું ભલુ જ ઇચ્છતો હોય છે. સંતાનનો સારામાં સારો ઉછેર કરી શકે એ માટે પિતા રાતદિવસ તનતોડ મહેનત કરી સારું કમાવા પ્રયત્ન કરે છે અને ભલે માને ત્યાગની મૂર્તિ ગણવામાં આવતી હોય છતાં બાપ પણ અનેક ગમતી ચીજ વસ્તુઓ કે શોખ-આદતોનો ત્યાગ કરી તેની ગણતરીઓ માંડતો નથી.

ક્યાંક ખૂબ સરસ વાત વાંચેલી કે પિતા માટે સૌથી ધન્ય ક્ષણ કઈ હોય છે?જ્યારે તેનું નાનકડું વહાલસોયું સંતાન તેની નાનકડી આંગળીઓ વડે તેનો હાથ પકડી તેની છાતી પર નિરાંતે સૂઈ ગયું હોય! બાપ જ આંગળી પકડી બાળકને પ્રથમ વાર બહારના જગતમાં પગરણ મંડાવે છે, પહેલી વાર બેન્કમાં લઈ જાય છે, વ્યવહારુ જ્ઞાન આપે છે, દુનિયામાં સમસ્યાઓ સામે લડતા, પ્રતિકૂળ સંજોગો સામે ઝઝૂમતા શિખવે છે.

સંતાન નાનું હોય ત્યાં સુધી પિતા જ તેના સુપરહીરો હોય છે!મમ્મી જે જિદ પૂરી ન કરે તે જિદ પપ્પા પાસે પૂરી કરાવતાં સંતાનને વાર લાગતી નથી.તો પછી જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ પિતા પુત્રના સંબંધોનું સ્વરૂપ શા માટે બદલાતું જતું હશે? અને કદાચ પિતા પુત્રી વચ્ચેના સંબંધમાં એટલું અંતર નથી વધી જતું જેટલું પિતા પુત્ર વચ્ચેના સંબંધમાં જોવા મળે છે.શું આ પાછળ પુરુષપ્રધાન સમાજને કારણે પુરુષમાં વિકસીત થતો પુરુષ-સહજ અહમ (મેલ-ઇગો) જવાબદાર હશે? જુવાન પુત્રને તેના પિતા સાથે દિલ ખોલીને વાત કરી શક્તો નથી.તેને ક્યારેક પિતા જૂનવાણી લાગે છે તો ક્યારેક વધુ પડતા મરજાદી કે કડક.જનરેશન ગેપ કદાચ પોતાનું કામ કરતો હશે આ પાછળ?સૌમ્ય જોશીના નાટક વેલકમ જિંદગીમાં પિતા-પુત્રના આવા સંબંધોની વાત ખૂબ સુંદર રીતે રજૂ થયેલી.આ નાટક મને ખાસ્સુ સ્પર્શી ગયેલું.

જુવાન દિકરાએ સમજવું જોઇએ કે બાપ ભલે આકરો હોય તોયે મનથી તો તેના સંતાનને ચાહતો જ હોય છે.એ ભલે ને ગમે તેટલો મોટો બની જાય કે વધુ કમાવા માંડે તો પણ તેણે એ ભૂલવું ન જોઇએ કે તેનું અસ્તિત્વ માત્ર તેના પિતાને જ આભારી છે.તે લાખ કોશિશ કરીને પણ એ હકીકતથી વેગળો નહિં થઈ શકે કે તે પિતાના ડી.એન.એ નો જ અંશ છે! તો બીજે પક્ષે બાપે પણ ક્યારેક પોતાના અહમથી વેગળા થઈ દિકરાના વિશ્વને,દિકરાની લાગણીઓને સમજવા જોઇએ.તેની સાથે સખત મિજાજના વડીલ બની નહિં પણ એક દોસ્ત બની વર્તવું જોઇએ. બાપ બેટા વચ્ચે મતભેદ થાય એ ચાલે પણ મનભેદ થવો જોઇએ નહિં.કદાચ બાપ ગુસ્સામાં બે શબ્દો બોલી દે તો દિકરાએ તે મન પર લેવુ જોઇએ નહિં અને કદાચ દિકરો ગમે તેમ બોલી નાંખે તો બાપે મોટા મને તેને ન સાંભળ્યું કરી નાંખવું જોઇએ પણ તકરાર તેમની વચ્ચેના અંતરને એટલા દૂર ન કરી નાંખવી જોઇએ કે તેઓ એક છત નીચે ન રહી શકે.

ઘરડા બાપને દિકરાની જરૂર વયસ્ક વયે જ સૌથી વધુ પડતી હોય છે અને ત્યારે જ દિકરાને પણ ઋણ ચૂકવવાનો મોકો મળતો હોય છે જે તેણે બિલકુલ જતો કરવો જોઇએ નહિં. જુવાન દિકરાના સંતાનનું સંતાન એટલે કે મુદ્દલ પરનું વ્યાજ તો પિતાને મન પોતાના સગા દિકરાથીયે વિશેષ વહાલું હોય છે.સામે પક્ષે પૌત્ર કે પૌત્રીના સ્વસ્થ અને યોગ્ય ઉછેર માટે તેને દાદા-દાદીનો પ્રેમ મળવો અનિવાર્ય છે.દાદા-દાદીને આ સૌભાગ્યથી વંચિત રાખનાર કપૂત દિકરાને તો એ પાપની સજા મળ્યા વગર રહેતી જ નથી.

છેલ્લે મારા મનની એક વાત આજે આ બ્લોગ થકી મારા પપ્પાને તેમજ મારા જેવા કેટલાયે જુવાન પુત્રોના પિતાઓને પહોંચાડવા ઇચ્છુ છું.ક્યારેક તમને તમારા જુવાન પુત્રના વાણી કે વર્તન દ્વારા આઘાત લાગે તો એટલું યાદ રાખજો કે તે મનથી તો તમને ચાહે જ છે,તમને ખૂબ માન આપે જ છે.તેને તમારું નાનકડું વહાલસોયું બાળક ગણી માફ કરી દેશો જેની આંગળી પકડી એક દિવસ તમે જ તેને આ જગતમાં ડગ માંડતા શિખવાડેલું!

મારા પપ્પાને અને જગતનાં દરેક પિતાઓને આજના આ બ્લોગ થકી 'હેપ્પી ફાધર્સ ડે...!'

રવિવાર, 10 જૂન, 2012

ગેસ્ટ બ્લોગ : “દુનિયા અમારી”

                                                     - નીતિન. વિ. મહેતા.         

કવિ શ્રી ભાનુપ્રસાદ પંડ્યાના કાવ્યની એક પંક્તિ છે:


” દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, પણ કલરવની દુનિયા અમારી,
વાટે રખડ્યાની મોજ છીનવી લીધી ને તોય પગરવની દુનિયા અમારી”

આ પંક્તિઓમાં શારીરિક રીતે અક્ષમ લોકોનો ઉદગાર છે, ઉણપ છે છતાં જીવન જીવવાની ખુમારી છે કલરવની કે પગરવની દુનિયા અમારી કહેનાર પ્રજ્ઞાચક્ષુ કે શારીરિક વિકલાંગ વ્યક્તિ પોતાના અસ્તિત્વ ને પ્રસ્થાપિત કરવાના મનોરથ સેવે છે. સામાન્ય માનવીઓથી ભલે અલગ તો ય સમાજનુ અવિભાજ્ય અંગ છે. એક સરખા સામાજીક દરજ્જાના તેઓ પણ હકદાર છે.

આ લખનાર ગેસ્ટ બ્લોગરે 1984માં ઓસ્ટ્રેલિયા ખાતે ભરાયેલ એક આંતરરાષ્ટ્રિય પરષિદમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં એક પેપર રજુ કર્યું હતું તેનો વિષય હતો વિકલાંગોનું પુનર્વસન (રીહેબિલિટેશન) આ પુનર્વસન વિના અપંગોનો વિકાસ અશક્ય છે. એ પેપરનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે:

પુનર્વસનનના ત્રણ પ્રકાર છે 1) શાર્રીરિક પુનર્વસન, 2) આર્થિક પુનર્વસન અને 3) સામાજીક પુનર્વસન.

શારીરિક પુનર્વસન એ પાયાની જરૂરિયત છે આજે નાના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે આ અભિયાન અત્યંત આવકાર્ય છે. સારા સમાચાર એ છે કે 2014ની સાલ સુધીમાં ભારત પોલિયો મુક્ત થઈ જશે જેઓ પોલિયોના રોગનો ભોગ બન્યા છે અથવા આકસ્મિક રીતે અપંગ બની ગયા છે તેમને સારવાર અને તેમના પરિવારજનો ને યોગ્ય સહાય મળી રહે તે જરૂરી છે વળી આધુનિક વિજ્ઞાને જે કંઈ શોધ કરી છે તે વિકલાંગો માટે બહુ આશીર્વાદ બની રહી છે. કૃત્રિમ અંગ ઉપાંગો દ્વારા પણ વ્યક્તિ તેમના રોજીંદા કાર્યો સહજ રીતે કરે , જરૂર છે માત્ર તેમનામાં રહેલી લઘુતાગ્રંથીને દૂર કરી પ્રોત્સાહિત કરવાની.અપંગ બાળકને પણ સામાન્ય બાળક્ની જેમ યોગ્ય શિક્ષણ મળી રહે એ જોવાની જવાબદારી માતાપિતાની છે . બીજું આર્થિક પુનર્વસન એટલે આર્થિક રીતે પગભર થવું સરકારી કે બીન સરકારી સંસ્થાઓમાં આજે બે થી ત્રણ ટકા જેટ્લી નોકરીની જગ્યા અનામત રાખવામાં આવે છે તેમાં ય, જો વિકલાંગ વ્યક્તિ વધુ ભણેલી હોય તો તેને પણ સામાન્ય માનવીઓની જેમ પ્રોમોશનનો અધિકાર હોવો ઘટે. આવા અપંગ લોકો પણ પોતાને અને પરિવારજનોને મદદ રૂપ થઈ સ્વાવલંબી બની શકે છે

ત્રીજું અને અતિ મહત્વનું છે સામાજીક પુનર્વસન સમાજે અપંગત્વને કારણે તેમની ઉપેક્ષા કરવાને બદલે તેમની પાસેથી પણ અપેક્ષા રાખવી જોઈએ જેથી કરીને પોતાની ખોડને લીધે કોઈ પણ જવાબદારીઓમાંથી તેઓ છટકી ન શકે વિકલાંગોએ પણ પોતાની ક્ષમતા મુજબ યતકિંચીત ફાળો આપવો જોઈએ માત્ર બધા જ લાભોને લઈ બેસી રહેવાને બદલે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરી સમાજમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું આવશ્યક છે.

આ બ્લોગ દ્વારા હું લોકોને એ જણાવવામાંગું છું કે વિકલાંગોને દયા ભાવનાની નહીં, પણ પ્રેમ, સહાનુભુતિ તથા હુંફની જરૂર છે તેમની સાથે સામાન્ય લોકો જેવો જ વ્યવહાર કરવાની વિનંતિ છે. સાથે વિકલાંગોને પણ આગ્રહભરી વિનંતિ છે કે તેમણે અન્યો ઉપર આધાર રાખવાને બદલે સ્વાવલંબી અને આત્મનિર્ભર થવું. ક્યારેય દયાની યાચના ન કરવી. મનોબળને દ્ર્ઢ કરી “સ્વ”માં આત્મવિશ્વાસનો સંચાર કરવો અને સદાય “આઈ કેન એન્ડ આઈ વિલ” નો જ અભિગમ રાખવો.

- નીતિન. વિ. મહેતા. , અંધેરી