Translate

સોમવાર, 2 નવેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૧)

આજે હું તમારા બધા સમક્ષ મારા જીવનનાં એક અતિ અવિસ્મરણીય, રોમાંચક અને સાહસિક અનુભવનું વર્ણન કરીશ.આ અનુભવ એટલે મેં માણેલી મહારાષ્ટ્રના અહમદનગરની સરહદ પાસે આવેલ હરિશ્ચન્દ્ર ગઢ નામની એક અતિ સુંદર અને રમણીય જગાની બે દિવસ-એક રાત સુધી ચાલેલી (ઓવરનાઈટ) ટ્રેક.(ટ્રેક એટલે પહાડ પર કે પર્વતીય માર્ગ પર પગે ચાલીને કરેલી યાત્રા)આ ટ્રેકમાં મને એટલી મજા આવી કે બે દિવસ સુધી હું એક તદ્દન નવી જ અનોખી દુનિયામાં પહોંચી ગયો - મુંબઈ શહેરની આ ધાંધલધમાલ ભરેલી જિંદગીથી ખાસ્સો દૂર!ત્યાં મોબાઈલ નેટ્વર્કનું કવરેજ પણ ન હોવાને લીધે જાણે સામાન્ય જનજીવન સાથેનો મારો સંપર્ક જ એ બે દિવસ સુધી તૂટી ગયો.






મારા આ ટ્રેક પ્રવાસની શરૂઆત થઈ શનિવારની એ વહેલી સવારે.હું મારા ઓફિસના સહકર્મચારી મિત્રો આદિત્ય અને સ્વપ્નિલને દાદર સ્ટેશને મળ્યો અને ત્યાંથી અમે સાથે લોકલ ટ્રેનમાં કલ્યાણ ગયા જ્યાં સ્વપ્નિલનો મિત્ર મયુરેશ અમારી સાથે જોડાયો.અમે ચારે એ માલશેજ ઘાટવાળા રસ્તે થઈને જનારી એસ.ટી. બસ પકડી અને લગભગ અઢી કલાકની આરામદાયક મુસાફરી કરી અમે ખૂબી ફાંટા નામની જગાએ પહોંચ્યા.અહિં પુણેથી એક ટ્રેકિંગ ગ્રુપ આવવાનું હતું જેની સાથે અમારે જોડાઈ જવાનું હતું. અમે મુંબઈથી ફક્ત ચાર અને તેઓ પુણેનાં સોથીયે વધારે!અમે જલ્દી પહોંચી ગયા હતા એટલે અમે તેઓ આવે ત્યાં સુધી આસપાસનાં લીલાંછમ ખેતરોમાં ટહેલવાનું નક્કી કર્યું. ખુલ્લી વિશાળ જગ્યામાં ડાંગરનાં ખેતરો, એક નાનકડું સુંદર તળાવ , ઘણુંબધું કૂણુંકૂણું ઘાસ અને લીલાંલીલાં ઝાડીઝાંખરા વચ્ચે મેં તો અહિંથી જ પ્રક્રુતિને ભરપેટ માણવાનું શરુ કરી દીધું.

મેં ઘણાં બધાં ફોટા પાડ્યાં અને આસપાસમાં કરચલા,તેમનાં નાનકડાં કાણાવાળાં ઘર, તળાવમાં દૂરના ડુંગરનુ પ્રતિબિંબ, સુંદર કલશોર કરતાં કેટલાક ક્યારેય મુંબઈમાં ન જોયેલાં પંખીઓ વગેરે જોયાં. મયુરેશે લગભગ એક-દોઢ મીટર લાંબો એક કાળો કોબ્રા સાપ જોયો! મેં એ સાંભળી ધણો રોમાંચ અનુભવ્યો પણ બદ્દનસીબે એ મને જોવા ન મળ્યો મને લાગ્યું કાશ હું એ ક્ષણો દરમ્યાન મયુરેશ સાથે હોત! (મેં કદાચ એ સાપનો ફોટો પાડવાનો પણ ચોક્કસ પ્રયત્ન કર્યો હોત !)







અમે થોડા સમય બાદ પાછા ફર્યા અને ટપરી (નાનકડી દુકાન) જેવા એક સ્થળે થોડો ચા-નાસ્તો કર્યો. લો ! ભગવાને મારા મનની વાત સાંભળી લીધી! ચા-પાણી કરતાં બેઠાં હતાં ત્યાં જ અમારી સામેથી એક બીજો સાપ પસાર થયો. ભલે તે થોડા સમય પહેલાં મયુરેશે જોયેલા કાળા કોબ્રા જેટલો લાંબો અને મોટો નહોતો પણ મારી હ્દય પ્રૂર્વકની સાપ જોવાની ઈરછા ફળીભૂત થઈ! આ એક નાનકડો તપખીરીયા રંગનો સાપ હતો જે ધીરેધીરે અટકી ને ચાલતો હતો જેથી અમે સૌ તેને સ્પષ્ટ પણે જોઈ શકીએ! (છતાં તેની આ ધીમી ઝડપ સામાન્ય ઝડ્પની સરખામણીએ તો વધુ જ હતી!) મારે ફોટો પાડવો હતો પણ ડિજીટલ કેમેરામાંની બેટરી ચાર્જ કરવા મૂકી હતી ને ચાર્જરમાંથી બેટરી કાઢી કેમેરો તૈયાર કરું એ પહેલાં તો સાપ ત્યાંની નજીકની ઝાડીમાં ગાયબ થઈ ગયો. અમે થોડી વધુ વાર ત્યાં રોકાયા, વાતો કરી ,થોડો ધણો નાસ્તો કર્યો અને ત્યાં પૂણેની ગેન્ગ આવી પહોંચી. અમે ઉત્સાહ અને હર્ષભેર તેમનું સ્વાગત કર્યુ તેઓ પણ અમને પહેલી જ વાર જોઈ -મળી રહ્યાં હતાં છતાં તેમણે અમને ઊષ્માભેર આવકાર્યા અને તેમના ગ્રુપમાં ભેળવી દીધા. તેઓ બસમાં આવ્યા હતાં અને અમે પણ તેમની બસમાં બેસી થોડા વધુ આગળ ગયાં તેઓ કર્ણ પ્રિય મરાઠી ગીતો ગાઈ રહ્યા હતા. જે મેં ભરપૂર માણ્યા મેં પણ એકાદ બે હિન્દી ફિલ્મી ગીતો ગાયાં ત્યાં અમારી ટ્રેકનુ ઉદગમ સ્થાન આવી ગયું! એ હતું નાનકડું એક ગામ "ખિરેશ્વર' જ્યાંથી અમારી બે દિવસીય અવિસ્મરણીય ટ્રેક-યાત્રા નો પ્રારંભ થવાનો હતો!






અમે ત્યાં ખુશનુમા વાતાવરણને શ્વાસમાં ભરીને આજુબાજુ થોડું ફર્યા એક નાનકડાં ઘર પાસે બધાં એકઠાં થયાં અને અમારું ઔપચારીક પરિચય સત્ર શરુ થયું ત્યારબાદ અમે ત્યાં જ બપોરનું ભોજન લીધું. ભોજનમાં અમે પેટભરીને ભાત અને સ્વાદિષ્ટ પિઠલ(પીળા રંગની જાડ્ડી દાળ જેવી એક મહારાષ્ટ્રિયન વાનગી) તેમજ લીલા મરચાંની ચટની પેટભરીને ખાધા! એકબીજાનાં નીતનવા અનુભવો સાંભળતા સાંભળતા સમૂહ ભોજન લેવાની ખૂબ મજા પડી! જ્યારે અમે આ ધર (કે હોટેલ જે કહો તે!) તરફ આવેલાં ત્યારે વાતાવરણ ચોખ્ખું હતું પણ અમે જમી રહ્યાં એંટલામાં જ ત્યાં વાદળા અમારું જાણે સ્વાગત કરવાં જમીન પર ઉતરી આવ્યાં! (અહીં આ સ્થળે આ એક સામાન્ય ઘટના હતી કારણ આ સ્થળ ખાસ્સી ઊંચાઈએ હતું) એ વાદળા જાણે અમને બોલાવવા આવ્યાં કે ચાલો અમારી સાથે આ પાસેના પહાડ પર ! (જ્યાં અમે પછીના ૧૦-૧૨ કલાક સુધી ટ્રેક- ચઢાણ કર્યુ) વાતાવરણનું આ પરિવર્તન એટલું સુંદર અને મોહક હતું કે એ હુ શબ્દો માં કદાચ નહિં વર્ણવી શકું. છેવટે અમે અમારી હરિશ્વંદ્ર્ગઢની ટ્રેક શરૂ કરી લગભગ ૪ વાગ્યે સાંજે - ભારે ઉત્સાહ અને ઉંમગભેર - અમારા ભીરુ વાદળોની સાથે!




(ટ્રેકની મજેદાર માહિતી અને શ્વાસ થંભાવી દે એવા સાહસિક અનુભવની વધુ વાતો આવતાં બ્લોગમાં! ત્યાં સુધી આ..વ..જો !)

સોમવાર, 26 ઑક્ટોબર, 2009

બે દ્રશ્યો

(ગેસ્ટ બ્લોગ - સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ દ્વારા)
રોજ સાંજે પાંચ-સાડાપાંચ વાગે મારી બાલ્કનીમાંથી એક હ્રદયસ્પર્શી દ્રષ્ય જોવાની ટેવ પડી ગઈ છે. મને આ દ્રષ્ય જોઈ જીવનનાં પડકારોને ઝીલવાની પ્રેરણા મળે છે.

રેલ્વે ટ્રેક ક્રોસ કરીને એક અપંગ વ્યક્તિ માટેની વ્હીલચેર જેવી સાઇકલ પોતાના નાજુક હાથથી હેન્ડલવડે ચલાવતી એક ૧૧-૧૨ વર્ષની સુઘડ અને સૌમ્ય એવી એક બાળાને હું રોજ જોઉં છું.સાથે તેનો ૮-૯ વર્ષની ઉંમરનો લાગતો ભાઈ સાઇકલની ગતિ સાથે તાલ મિલાવી દોડતો જોવા મળે.બન્ને અવનવી વાતોમાં એવા મશગૂલ હોય અને તેમ છતાં રસ્તા પરની ટ્રાફીક-ગીર્દી પ્રત્યે સંપૂર્ણ સાવધાન હોય.મને લાગે છે તે બાળા પોલિયોગ્રસ્ત છે છતાં તેના ચહેરા પર કોઈ દુ:ખ, લાચારી કે હિનતાનાં ભાવ નથી જોવા મળ્યા.ઉલટું તેના ચહેરા પર સંયોગો સામે લડવાની ખુમારી, હિંમત અને વિશ્વાસ ભરપૂર છલકે છે.સાથે ભાઈની પણ બહેન પ્રત્યે દરકાર,કાળજી,વાત્સલ્ય વગેરે લાગણીઓ સ્પષ્ટપણે છલકાઈ આવે છે.આવું વિરલ દ્રષ્ય જોઇને તેમનાં જન્મદાતા - વડીલો દ્વારા સંયોગોને સમજવાનાં ને સ્વીકારવાનાં સંસ્કાર આ બાળકોને આપવા બદલ તેમને સલામી આપવાનું મન થાય છે.

જ્યારે એનાથી તદ્દન વિપરીત દ્રષ્ય મારા પાડોશીને ત્યાં મેં જોયું.તેમની બે પુત્રીઓની વર્તણૂંક - વાણીની તુમાખી - પરસ્પર ચીડ - અસંતોષ જોઈ સવાલ થાય છે કે કહેવાતા શિક્ષિત મા-બાપ તેમનાં સંતાનોને સંતોષ-આત્મવિશ્વાસ-લાગણીના સંસ્કાર આપવામાં જરૂર ઉણા ઉતર્યા છે.

સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ

ગુરુવાર, 22 ઑક્ટોબર, 2009

મદદ કર્યાનો એક અનુભવ...

રોજની જેમ જ એ સાંજે પણ મેં ચર્ચગેટથી મલાડ જવા માટે લોકલ પકડી ગર્દી અને ગરમીથી ત્રસ્ત મેં અને મારા જેવા બીજા ઘણાં મલાડ ઉતરનારાં ઉતારુઓએ મલાડ સ્ટેશન પર પગ મૂકતા હાશકારો અનુભવ્યો. ટ્રેન બોરીવલી જવા આગળ વધી અને હું મલાડ સ્ટેશન પર, માણસોની ભીડ વચ્ચે માર્ગ કરતો ઘેર જલ્દી પહોંચવા માટે આગળ વધ્યો. સ્ટેશન માસ્તર ની ઓફિસ પાસે લોકો ટોળેવળીને ઉભા હતા. કુતૂહલપૂર્વક મેં ડોકિયું કર્યું તો જોવા મળ્યું કે સોળ-સત્તર વર્ષની ઉંમરનો એક યુવાન બેભાન અવસ્થામાં પડ્યો હતો જમીન પર . લોકોની ખૂબ ખરાબ આદત હોય છે ટોળે વળીને તમાશો જોયા કરવાની. બે -ચાર જણાં બબડી રહ્યાં હતાં , 'ફિટ આવી હશે', 'ભૂખ્યાં પેટે ચક્કર આવી ગયા હશે', 'ટ્રેનમાંથી પડી ગયો કે શું?' વગેરે વગેરે. બીજા બે-ચાર જણ વણમાગી સલાહ આપ્યાં કરતાં હતાં કે 'કાંદો લાવો ને સૂંઘાડો' કે ' ચપ્પલ સૂંઘાડો' વગેરે. પણ કોઈ કંઈ કરી રહ્યું ન હતું . હું સીધો સ્ટેશન બહાર દોડ્યો અને નજીકમાં જ શાક વાળા ભૈયાના ટોપલામાંથી એક કાંદો ઉપાડી ફરી ઘટના સ્થળે આવી પહોંચ્યો. પણ મેં જોયું કે હવે અહીં કોઈ નહોતું. ટોળુ પણ ગાયબ અને પેલો બેહોશ યુવાન પણ ગાયબ. મેં સ્ટેશન માસ્તરની ઓફિસમાં બેઠેલ એક માણસને પૂછ્યું કે થોડીવાર પહેલા અહીં એક યુવાન બેભાન પડેલો હતો તે ક્યાં ગયો? તેણે રૂક્ષતાથી પૂછ્યું, "તુમ્હારા ક્યા લગતા હૈ?" મેં જવાબ આપ્યો,"મેરા કુછ નહી લગતા હૈ! મગર મૈ ઉસકો સૂંઘાને કે લિયે કાંદા લે કે આયા હું." તરત તેણે ઈશારો કર્યો કે ઓફિસમાં અંદર એક રૂમમાં છે એ યુવાન..” હું અંદર ગયો.
બે ચાર પોલિસવાળા અને બીજા બે-ચાર માણસો એ યુવાનને ઢંઢોળવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં ત્યાં એ હોંશમાં આવી ગયો. પણ હજી જાણે એ તંદ્રાવસ્થામાં જ હતો ઉભો થયો અને પાછો અશક્તિ ને કારણે ઢળી પડ્યો. મેં પેલા માણસો સમક્ષ કાંદો ધર્યો. તેમાંના એકે કાંદો તોડીને યુવાનને તે સૂંઘાડવાનો પ્રયત્ન કર્યો. પણ હવે અશક્તિ હોવા છતાં યુવાન ભાનમાં હતો. તેણે કાંદો ઝૂંટવી લઇ તેનો ઘા કરી દીઘો! પોલીસે એને પૂછ્યું , "તું ભૂખા હૈ ક્યા? " પેલાએ હકારમાં માથું ધૂણાવ્યું મેં તરત કહ્યું , "ચલ મેં તુજે કુછ ખિલાતા હું" પણ યુવાને તો જાણે એ સાભળ્યું ન સાંભળ્યું. પોલીસે તેને ધકેલતા કહ્યું , "જા સાહબ તુજે કુછ ખિલાતે હૈ".
એક બીજા યુવાન પોલિસના ખભાનો અને મારો સહારો લઇ લથડિયાં ખાતો તે યુવાન બહાર આવ્યો અને તેને ચા-નાસ્તાના સ્ટોલ પર લઇ આવ્યાં . મેં તેના માટે એક વડાપાવનો ઓર્ડર આપ્યો અને તેને પાણી પીવડાવ્યું . ત્યાં પેલા યુવાન પોલિસે કહ્યું ,"ખાલી પેટ દારૂ પિયા હૈ ઇસ લિયે ઈસકા યે હાલ હુઆ" મને એ સાંભળી ઝટકો લાગ્યો. ખબર નહિ કેમ પણ મને એમ લાગ્યું કે એક દારૂડિયા માટે મેં શા માટે આટલી દોડધામ કરી? મને આમ પણ એવા લોકો પ્રત્યે સખત અણગમો છે જે દારૂ પીને કાબૂમાં રહેતાં નથી અને પ્રાણીની જેમ વર્તન કરે છે કે પછી ઉલ્ટી વગેરે કરી ગંદકી તો કરે જ છે પણ બીજાને માટેય તકલીફ ઉભી કરે છે . પેલો યુવાન હજી બરાબર હોંશમાં ન હતો. વડા પાવ પણ હજી તેણે એક કટકોયે ખાધું ન હોતું ને તેના હાથમાંથી નીચે પડી ગયું. મને તેની દશા જોઈ એક નકારાત્મક અગમ્ય લાગણી થઈ. ન ગમ્યુ

પર્યાવરણ માટે કંઈક કરીએ...

આપણે બધાંએ આપણાં પર્યાવરણની જાળવણી કરવા અને તેનું સંવર્ધન કરવા આપણાંથી બનતા બધાં પ્રયત્નો કરવાં જોઈએ જો આપણે આપણાં પરિસર વિશે થોડાં વધું સજાગ બનીને અને તેનું થોડું વધું ધ્યાન રાખીએ તો એ પણ આપણી પ્રુથ્વી તેમજ પર્યાવરણ ને બચાવવામાં ઘણું મદદરૂપ સાબિત થઈ શકે છે. હું જ્યારે રસ્તા પર ચાલતી વખતે લોકોને ગમે ત્યાં થૂંકતા જોઉં ત્યારે મને ખૂબ દુ;ખ થાય છે અને ગુસ્સો પણ આવે છે. લોકો બે ધ્યાન પણે, બે ફિકરાઈથી કચરો ગમે ત્યાં રસ્તા પર , જાહેર સ્થળો એ કે લોકલ ટ્રેઈનમાં અને શક્ય એ દરેક જગાએ નાંખી ગંદકી કરે છે. અને ફક્ત અગ્ન્યાની કે નિરક્ષર લોકો જ આવું વર્તન કરતાં હોય એવું નથી! આ વાત મને ખેદ પહોચાડે છે, હું જ્યારે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે કે રસ્તા પર કોઈને આમ બેફામ ગંદકી કરતાં પકડું ત્યારે તેની સામે મોઢું બગાડું છું.! અને સામેવાળી વ્યક્તિ ને ક્ષોભનો અનુભવ કરાવવાનો પ્રયત્ન કરું છું. ( રખે ને એની સામેવાળા પર કંઈક અસર થાય ને એ આમ ગંદકી કરવાનું બંધ કરી દે!) મને એ વ્યક્તિઅને આમ જાહેર સ્થળે કે ખુલ્લામાં એમ ન કરવા સમજાવવાની એક અદમ્ય ઉત્કઠા થઈ આવે છે મને મન થાય છે એમ પૂચવાનું કે "શું તમે તમારા પોતાના ધરમા આમ કચરો ગમે ત્યાં નાંખીને ગંદકી કરો છો?" જો એ વ્યક્તિ કહે "ના" તો હું પૂછીશ કે " પછી અહીં શા માટે ?)
અને જો કદાચ એ વ્યક્તિ નફ્ફટાઈથી કહે "હા" તો હું કહીશ કે "તો તમને શરમ આવવી જોઈએ! આવડા મોટા ઢાંઢાં થઈને એટલી સમજ નથી કે કચરો ક્યાં નાંખવો જોઈએ?" પણ આ બધું મારા કલ્પના જગતમાં જ ચાલે છે! હું ભગવાનને પ્રાર્થના કરુ છુ કે મને એટલી હિંમત આપકે હું લોકોને જાહેરમાં આ પ્રમાણે કહેવાની ને સાચી રીતે વર્તવાનું સમજાવી શકું .

જો હું લાંબા પ્રવાસે કે પિકનિક માં કે કોઈ યાત્રાએ જાઉં છું તો ત્યાં એક મોટો થેલો કે કોથળી લઈ જાઉં છું અને મારી સાથેના લોકોને કચરો એમાંજ નાંખવા વિનંતી કરું છું કે પછી તેમને કચરો મને આપી દેવા કહું છું હું કહું છું ,"તમે તમારો કચરો મને આપી દેશો તો ચાલશે પણ મહેરબાની કરીને કચરો બહાર ગમે ત્યાં ફેંકશો નહિ. "ભારતમાં મોટા ભાગના શહેરો માં અને ગામડાંઓમાં લોકોને એવો ખોટો ખ્યાલ છે કે ચાલતીટ્રેનમાંથી તેઓ કચરો બહાર નાંખી દે એ યોગ્ય છે. રેલવેના પાટા પર ગંદકી કરો તો કોને નુકશાન થવાનું છે? પણ આ ખોટું છે. જો તેઓ પ્લાસ્ટીક ની થેલી કે ગમે તેવો કચરો ચાલતી ટ્રેઈનમાંથી ગમે ત્યાં ફેંકે તો એનો નાશ થઈ શકતો નથી જે પર્યાવરણ પર વિનાશક અસર પહોંચાડી શકે છે. મુંબઈમાં ૨૫ મી જુલાઈએ મીઠી નદીમાં પૂરને કારણે સર્જાયેલી વિનાશક અને ભયંકર પરિસ્થિતી નું એક કારણ તેમાં ભરાયેલ પ્લાસ્ટિક ની થેલીઓ . હોવાનું પણ એક તારણ આવ્યું હતું . શું આપણે જાહેરમાં થૂંકવાની કે ગમે ત્યાં કચરો ફેંકી, ગંદકી કરવાની ખરાબ અસરોથી વાકેફ છીએ? એનાથી રોગચાળો ફેલાઈ શકે છે. એનાથી ઉંદરો, વાંદા અને એવાં બીજા નિરુપદ્રવી અને રોગચાળો ફેલાવનારા જીવો ની સંખ્યા વધે છે જેનાથી પ્લેગ, સ્વાઈનફ્લુ જેવી મહામારીઓ ઝડપથી અને સહેલાઈથી પ્રસરે છે. એ તમારા શહેર,પરાં ,રાજ્ય કે દેશને પણ એક ગંદી જગા તરીકે ચિતરી તેની છાપ બગાડી શકે છે.
આપણે બધાં એ થોડાં વધુ જવાબદારી પૂર્વક વર્તવું જોઈએ . આપણે ફક્ત આપણાં શહેરને જ સ્વરછ રાખવવાનાં પ્રયત્નો ન કરવાં જોઈએ પણ આમ છો ચોક ખોટું કરતાં અટકાવવા જોઈએ જો આપણે પોતે પણ ગમે ત્યાં થૂંકવાનું કે રસ્તા પર કે ચાલુ ટ્રેનમાંથી ગમે ત્યાં કચરો નાંખવાનું બંધ કરી દઈશું તો એ પણ આપણે આપણાં શહેર અને દેશને સ્વરછ રાખવા અને જીવવા માટે એક વધું સારી જગાનું નિર્માણ કરવાના ભગીરથ કાર્ય માં ફાળો નોંધાવ્યા બરાબર ગણાશે તો ચાલો આપણે સૌ મળીને મુંબઈને અને ભારત ને સ્વરછ અને આરોગ્યપ્રદ બનાવવાના પ્રયત્નો કરીએ!

કમેન્ટસ:
સૂરજ બંગેરા : ખૂબ સુંદર બ્લોગ: વાંચી ને મજા આવી પિકનિક જતી વખતે સાથે એક કોથળી રાખવાની યુક્તિ ઉતમ છે.! હું પોતે પણ એમ કરવા પ્ર્યત્ન કરીશ સપ્ટેબર ૧૦,૨૦૦૭

જયેશ જોશી: હું ધારુ છું કે ભારત માં ખૂબ સમસ્યા શિક્ષણ ના અભાવની છે. લોકોમાં ખોટું કરવાની સજા મળવાનો ડર પણ નથી. મ્યુનિસિપાલ્ટીમાં આ વિશે કાર્ય કરવાની વ્યવસ્થિત અને લાંબા ગાળા સુધી ઝુંબેશ ચલાવવાની આ માટે સતત પ્રયત્નો ચાલુ રાખવાની વૃતિનો અભાવ જોવા મળે છે. કેટલીક વાર રસ્તા પર કચરો ન નાંખવા 'Clean Up' ડ્રાઈવ કે ગમે ત્યાં ન થૂંકવા માટે લોકોને પકડી ને સજા કરવા માટે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે પણ થોડા દિવસ માટે. હમણાં જ મેં જૂહુ બીચની મુલાકાત લીધી ત્યારે બીચ પર મને કચરો નાંખવા માટે ક્યાંય કચરા ટોપલી જ લાંબા અંતર સુધી જોવા ન મળી ફેરીયાઓને બીચ પર દૂર ખસેડી ને મ્યુનિસિપાલ્ટીએ સારું કામ કર્યુ પણ દરિયાકિનારે ક્યાંય કચરા ટોપલી ન મૂકીને તેમણે કરેલી ભૂલ બદલ દરિયા કિનારેથી કચરો દૂર કરવા પાછળ થી તેમણે કોન્ટ્રાકરો ને રોકીને પૈસાના પાણી કરવા પડે છે! મ્યુનિસિપાલ્ટીએ ટી વી,અખબારો વગેરે જેવાં સશક્ત માધ્યમો નો ઉપયોગ કરી જાહેર કેમ્પેઈન્સ ચલાવવા જોઈએ અને તેને લાંબા સમય સુધી ફોલો અપ કરવા જોઈએ એટલે બ્લોગમાં ચર્ચેલ સમસ્યા માટે થોડે ઘણે અંશે નાગરિકો તો થોડે ઘણે અંશે સરકાર પણ જવાબદાર છે.

સુનિલ કુમાર મૌર્ય : વિકાસભાઇ તમે બિલકુલ સાચા છો: લોકોમાં તેઓ જે ખોટું કરી રહ્યા છો એ વિશે જાગ્રુતિ આવવી જ જોઈએ ખોટુ કરનારા લોકોને પકડી ને સજા કરવી જોઈએ અને તેમને પાઠ ભણાવવા જોઈએ જાહેરમા,ટ્રેનમાં કે રસ્તા પર થૂંકતા લોકો ખરેખર ગુસ્સો ઉપજાવે છે. પરિસર સ્વરછ રાખવાં આપણે લોકોમાં જાગ્રુતિ ફેલાવવી જ જોઈએ

નિશિકાંત: હાય વિકાસ, તારા તરફથી આવો સુંદર બ્લોગ વાંચી ખૂબ આનંદ થયો , ખરી સમસ્યા શિક્ષણના અભાવની છે . મને A P J અબ્દુલકલામ નું વક્તવ્ય યાદ આવે છે જેમાં તેમણે કહ્યું હતું જ્યાં લોકો શિક્ષણ મેળવે છે, આર્થિક રીતે સધ્ધર થઈ જાય છે, ત્યારે તેઓ સાહજિક રીતેજ પર્યાવરણનું જતન કરવા લાગે છે. તમે ભારતના એક સાવ સામાન્ય નાગરિકતા પરિપ્રેક્ષ્યમાં પરિસ્થિતીને મૂલવો આપણે થોડાં વધું આર્થિક રીતે સ્થિર વર્ગમાં (ઉચ્ચમાધ્યમ વર્ગમાં) સ્થાન ધરાવીએ છીએ અને આપણાંથી બનતા બધાંજ પ્રયત્નો આપણે કરવાં જોઈએ ભારતમાં આજે લાખો લોકો એવા છે , જેઓ રોજ"દો વક્ત કી રોટી " મેળવવામાં પણ અસફળ રહે છે. તેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો જેવી કે ખોરાક અને રહેઠાણ મેળવવાના પ્રયત્નોમાં જ એટલાં ડૂબેલાં હોય છે કે તેમને પર્યાવરણ ની સમસ્યાઓ વિશે વિચારવાનો સમય જ નથી. હું ધારુ છું કે તેમને આ માટે સજા ફટકારવી કે ગુનાહિત અનુભવ કરાવવો એ વધુ પડતું છે. હા જો આવો ફર્સ્ર્ટ કલાસમાં મુસાફરી કરતાં હોઈએ અને આવી હરકત કરતાં હોઈએ તો સજા થવી યોગ્ય છે . પૂરતાં અને યોગ્ય શિક્ષણ દ્રારા ઘણાં સંકટો ટાળી શકાય છે

અનામ:- હા ;તમે બિલકુલ સાચા છો . પણ મુશ્કેલી એ છે કે આપણે બધાં ફક્ત મનમાં સમજીએ છીએ , સમસમી જઈએ છીએ પણ ખોટું કરનાર સામે અવાજ ઉઠાવતાં નથી હવે સમય છે આગળ વધવાનો અને ફક્ત મનમાં જ અનુભવ કરવાનો પણ આવાં લોકોને ઠપકો આપવવાનો, તેમને સજા અપાવવાનો પ્રયત્ન કરવાનો.

ગેસ્ટ બ્લોગ ૧ - NAVRAS नवरस نورس נברס

NAVRAS (नवरस)(SANSKRIT, HINDI AND URDU) IS THE AESTHETIC EXPERIENCE OF THE NINE BASIC EMOTIONS OR TASTES (RASAS)(रस), VIZ., SENSITIVE (PERCEPTION OF LOVE)(शृंगार), COMIC (हास्य), HEROIC (वीर), FURIOUS (रौद्र), APPREHENSIVE (वीभत्स), COMPASSIONATE (करुना), HORRIFIC (भयानक), MARVELOUS (अद्भुत), AND CALMED (शांत).

નવરસ એ નવ મૂળભૂત લાગણીઓ કે રસ નો કલાત્મક અનુભવ છે જેમાં સંવેદનાત્મક (પ્રેમની અનુભૂતિ) શ્રુંગાર, હાસ્ય, વીર, રૌદ્ર, બીભત્સ,કરુણા ,ભયાનક, અદ્દભૂત અને શાંત રસનો સમાવેશ થાય છે.
ડો. નવરસ જાત આફ્રીદી ( A Researcher in Indo-Judaic Studies and Medieval & Modern Indian History with focus on Pathans/Pakhtuns/Pashtuns, and Member, Advisory Team, The Ten Lost Tribes Challenge:Expeditions of Discovery [http://info.jpost.com/C008/Supplements/TenTribesChallenge/Aafreedi.html] ) નો બ્લોગ ‘નવરસ દ્રારા નવરસ‘ આજે આપણે 'બ્લોગ ને ઝરૂખેથી...' માં ગેસ્ટ બ્લોગ તરીકે જોઇશું.
નવરસનો સૌ પ્રથમ ઉલ્લેખ નાટ્યશાસ્ત્રમાં જોવા મળ્યો હતો, જે ઈ.સ બીજી સદી જેટલું જૂનું છે. નાટ્યશાસ્ત્ર મોટે રંગભૂમિના નિર્માતાઓ, દિગ્દર્શકો તેમજ કલાકારો માટે ગ્રંથ જેવું છે, જેમાં ન્રુત્ય અને સંગીત સહિત નાટક ના બધાં જ પાસાઓનો સમાવેશ થાય છે.


આજના યુગની મોટા ભાગની સંગીતની શબ્દાવલિ નાટ્યશાસ્ત્રમાંથી ઉતરી આવી છે. નાટ્યશાસ્ત્ર સદીઓથી ઘણાં જુદાં જુદાં વિષયો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે. નાટ્યશાસ્ત્રમાં જણાવ્યા મુજબ નાટક એ દુનિયામાં ચાલતી બધીજ પ્રકિયાઓ, ઘટનાઓ - અદાઓની નકલ છે. જેમાં મોટે ભાગે લાગણીઓ કે ભાવનું વિશેષ મહત્વ હોય છે. જે નાટ્કનાં જુદાં જુદાં પાત્રો તેમની ભૂમિકા ભજવતી વેળાએ અનુભવે છે - રજૂ કરે છે. સોળમી સદીમાં, (ઈ સ ૧૫૮૦-૧૬૨૭) બીજાપુરના સુલતાન ઈબ્રાહિમ આદિલ શાહ બીજાનાં ૫૯ દખ્ખણી ગીતોના એક નોંધનીય સંગ્રહ 'કિતાબી નવરસ’માં કાવ્ય પંક્તિ સ્વરૂપે નવરસનો ઉલ્લેખ જોવા મળે છે. આ સંગ્રહમાનાં ગીતો હિન્દુ દેવી -દેવતાઓ ને સમર્પિત કરવામાં આવ્યા છે અને દરેક ગીત પહેલાં , તેને કયા રાગ અને રાગિણીમાં ગાવું તેનો ઉલ્લેખ છે. આ સંગ્રહમાં મુસ્લિમ ધર્મગુરૂ મુહમ્મદ, હજરત બંદા નવાજ, ગુલબર્ગના સૂફીસંત અને બીજા મુસ્લિમ સંતોને સમર્પિત કરાયેલા ગીતો પણ છે.
આ રાજા ના દરબારી- કવિ ઝુહુરીના મત મુજબ રાજા એ નવરસનો પરિચય આપવા માટે જ ' કિતાબી નવરસ' ની રચના કરી હતી જે ભારતીય કલાજગત અને સાહિત્યમાં વિશેષ સ્થાન પામ્યું છે. આ કિતાબ પહેલાં અહિંના લોકો ફ્ક્ત પર્શિયન સંસ્કૃતિથીજ પરિચિત હતાં . 'કિતાબી નવરસ' દ્વારા તેમને સાહિત્ય અને કલાના નવરસો નો પરિચય થયો. સુલતાન ઈબ્રાહીમ આદિલશાહ બીજાએ તેમની સંગીતમય પરિકલ્પના ને સાકાર કરવા ‘નવરસપુર’ નામના એક નગરની પણ સ્થાપના કરી હતી . આ નગરની રચના ફક્ત કલાકારો, ચિત્રકારો, શિલ્પકારો, સંગીતકારો, ગાયકો, નટો, કવિઓ, બજાણીયાઓ અને આવાં બીજા સર્જનાત્મક શક્તિ ધરાવતા લોકો માટે જ કરવામાં આવી હતી.
નવરસ સૂર જુગ સરોગુણનુઈયુ સરસ્વતી માતા
ઈબ્રાહિમ પર સદા ભયી દુતિ…
('હે માતા સરસ્વતી! તમે ઈબ્રાહિમને આર્શીવાદ આપ્યા છે તેથી તેનું સર્જન 'નવરસ' અમર થાવ…)

કમેન્ટ્સ:
----------
લીરાન : હાય નવરસ! હું લીરાન છું એક ચાઈનીઝ નાગરિક. તમને શુભેચ્છાઓ! તમારો બ્લોગ વાંચી ખુબ આનંદ થયો લીરાન. માર્ચ ૨૮,૨૦૦૯

સુભાષ : હાય , હુ સુભાષ છું. તમારી વાત ધણી રસપ્રદ હતી . આવી જ બીજી પણ સુંદર મજાની વાતો (તમારા બ્લોગ પર) પોસ્ટ કરતાં રહેજો. માર્ચ ૨૯,૨૦૦૯

સોનિયા : હાય નવરસ, ખૂબ રસપ્રદ વાંચન. તમારા નામનો અર્થ ઘણો સુંદર છે અને પોતાના નામે આખું એક નગર હોય એ કેટલી મજાની ને સુંદર વાત છે! મારે એ નગરની મુલાકાત લેવી પડશે!

વિકાસ નાયક: રસપ્રદ અને જ્ઞાનવર્ધક બ્લોગ ! હું સાહિત્યના નવરસના નામો શોધી રહ્યો હતો અને તેમાનાં બે મને જડતાં નહોતા. તમારાં બ્લોગ પરથી મને એ બે રસના નામ પણ મળી ગયા ! તમારો આભાર! મારા બ્લોગ પણ http://vikasgnayak.blogspot.com વેબ-એડ્રેસ પર વાંચજો

હરપ્રિત સિંધ: ફક્ત એક બાબત નોંધનીય છે કે ભરત મુનિના નાટ્યશાસ્ત્રમાં નવરસ નહિં , પરંતુ ફક્ત આઠ રસનો જ ઉલ્લેખ છે. નવમા રસ - ‘શાંત રસ' કાશ્મીરના શૈવ(પંથી) અભિનવગુપ્તા એ શોધ્યો હતો . શ્રી ગુપ્તાએ પોતાનાં વકતવ્ય આનંદવર્ધમના ધવન્યલોકમાં લોકનામાં શાંતરસનો પરિચય આપ્યો હતો.હાર્વર્ડ ઓરિયેન્ટલ શ્રેણી દ્રારા પ્રકાશિત થયેલ ઈન્ગેલ્સના અનુવાદોમાં તમે આ વિશે વાંચી શકો છો ! મને લાગ્યું તમારા નામના મૂળની સાચી માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તેથી મેં આ કમેન્ટ લખી છે.

ગેસ્ટ બ્લોગ વેબ-એડ્રેસ : http://navrasaafreedi.blogspot.com/2007/03/navras-by-navras.html

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2009

શેરબજાર,સેન્સેક્સ અને શેરોમાં ટ્રેડીંગ-રોકાણ વિશે...

આજકાલ ફરી, પુન: તેજીને માર્ગે વળેલાં શેરબજાર અને સેન્સેક્સ ચર્ચા માં છે. મુંબઈ શેરબજારનાં નિર્દેશાંક સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ના સૂચકાંક 'નિફ્ટી' રોજબરોજ નવી નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે. ૨૧૦૦૦ જેટલી ઊંચાઈ ને સ્પર્શ્યા બાદ સેન્સેક્સ ૭૦૦૦ જેટલો નીચો પણ જઈ આવ્યો છતાં ફરી આજે ૧૬૦૦૦ અંક ના સ્તર ને સ્પર્શવામાં તેને દોઢેક વર્ષ જેટલો સમય લાગ્યો. છતાં હવે ફરી જો સેન્સેક્સ થોડાં મહિનાઓમાં જ ફરી તેની સૌથી વધુ ઊંચાઈનો રેકોર્ડ બ્રેક કરી વધુ ઊંચો જાય તો નવાઈ નહિં પામતાં કારણ ભારત એક સુપર - પાવર રાષ્ટ્ર બનશે જ, ૧૦-૨૦ વર્ષનાં ગાળામાં જે રીતે વૈશ્વિક આર્થિક મંદી ના ભરડામાં ભારત ફસાયા વિના આર્થિક વ્રુધ્ધિ નો દર ટકાવી શક્યું અને બીજા દેશો કરતાં અતિ ઝડ્પથી ફરી તેજી ના માર્ગે આગળ વધવા લાગ્યું છે એ જોતાં આ શક્યતા નકારી શકાય નહી.દસ વર્ષ કરતાં પણ ઓછા સમય ગાળામાં સેન્સેક્સ ૩૦૦૦-૪૦૦૦ ના સ્તરે થી ૨૧૦૦૦ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી શક્યો અને ફરી ૭૦૦૦ જેટલો નીચો થઈ આજે ફરી ૧૬૦૦૦ જેટલા સ્તરે પહોચ્યો છે આ બધું જાણ્યા -વાંચ્યા પછી હજી તમે શેર અને શેરબજારો વિશે કંઈ જ ન જાણતા હોવ તો આ બ્લોગ પૂર્ણ થયાં બાદ તમારે ચોક્કસ તેનો અભ્યાસ શરૂ કરી દેવો જોઈએ અને સક્રિય થઈ જવું જોઈએ. નહિતર તમે ટૂંકા સમય ગાળા માં અને ચતુરાઈ પૂર્વક પૈસા કમાવવાની એક સુવર્ણ તક ગુમાવી બેસશો!

લોકો શેરબજારથી ડરે છે કારણ કે તેઓ માને છે (અને મોટે ભાગે એ સાચું પણ છે) કે એ સટ્ટો છે, જુગાર છે. સાચું. બજારમાં એવા કેટલાક મોટા ખેલાડી બેઠા હોય છે જે આખો દિવસ અને બારેમાસ મોટા મોટા ખેલ ખેલતા હોય છે.કરોડોના શેરની લે-વેચ કરીને તેઓ માર્કેટ ને ધ્રુજાવી શકે છે. પણ જો તમે શેરબજારમાં રોકાણ કઈ રીતે કરવું તેના પાઠ બરાબર શીખી લીધા હોય તો બજારમાં ચાલતાં ખેલની નકારાત્મક અસર તમારા પર થઈ શકે નહી ઉલટાનું એ તમને તમારા રૂપિયા અનેક ગણા વધું કરવાનો માર્ગ પૂરો પાડી શકે! એ પણ કદાચ પૈસા કમાવાના બીજા સાધનો કરતાં ટૂંકા ગાળામાં! આ પણ એક સત્ય છે. ચોક્કસ શેરબજાર માં ખતરો છે. આએક 'રિસ્કી બિઝનેસ' છે પણ 'High Risk High Gain'(ઉંચુ જોખમ ઉંચુ વળતર) એ નાણાં બજારાનો મંત્ર છે! જો તમે સાવધાની પૂર્વક, જ્ઞાન મેળવી લીધાં બાદ ઉત્સાહથી શેરબજારમાં રોકાણ કરશો, ફક્ત આંધળુકિયા કરીને 'ટિપ્સ' પર ધ્યાન આપીને કે રઘવાયા થઈ ને શેરબજર નું કામકાજ નહિ કરો તો, ચોક્કસ શેરબજારમાં સારું એવું કમાઈ શકવાની અઢળક તકો પડેલી છે. શેરબજારમાં કમાઈને જ વોરન બફેટ અને રાકેશ ઝૂનઝૂનવાલા જેવા ચતુર રોકાણકારો, કરોડો રૂપિયા કમાઈ શક્યા છે. તેમણે શેરબજારમાં કમાવા માટેનાં નુસખાં કે કેટલાક મૂળભૂત નિયમો વારંવાર લોકોને સમજાવ્યા છે. હું ૧૦૦ ટ્કા માનું છું કે જો આ નિયમો સાચી રીતે અનુસરવામાં આવે તો તમને શેરબજારમાંથી સારું એવું કમાઈ શકતા કોઈ રોકી શકશે નહિ!
નિયમ-૧ હંમેશા એક ચોક્કસ લક્ષ્યાંક રાખો. અને તમે ખરીદેલા શેર એ લક્ષ્યાંક પૂરુ થતાં જ ચોક્કસ પણે વેચી નાંખો. ઘણાં લોકો લાલચ માં ફસાઈને ખરીદેલ શેર યોગ્ય સમયે વેચી જ શકતા નથી અને કમાવાની સુવર્ણ તક ગુમાવી બેસે છે. તેઓ એવી આશા રાખે છે કે તેમણે ખરીદેલ શેરનો ભાવ ઊંચે ને નીચે જ જતો રહેશે. ઘણી વાર તમારો લક્ષ્યાંક નિર્ધારીત કરેલ ભાવ આવી જાય તેમ છતાં તમે શેર વેચો નહિ અને પછી એ શેરનો ભાવ ગગડવાનું શરૂ થઈ જાય અને અતિ નીચા ભાવે પણ તમે શેર વેચવાનો નિર્ણય લઈ શકતા નથી. આ એક વિષચક્ર સમાન છે. એટલે એમાં ફસાવાને બદલે ચોક્કસ લક્ષ્યાંક રાકો અને એ ભાવ આવતા જ તમારા શેર વેચી દો. ઘણીવાર એવું યે બને કે તમે લક્ષ્યાંક નક્કી કરેલ ભાવમાં શેર વેચ્યા બાદ ભાવ હજી વધું ઘણો ઉચો જાય પણ ત્યારે જીવ ન બાળશો કારણે કે તમે તો તમારા લક્ષ્યાંક જેટલું કમાયા જ છો. તમે કંઈ ગુમાવ્યું નથી અને સંતોષી નર સદા સુખી! બીજાં અનેક એવા શેર બજારમાં મળી રહેશે જે તમને ફરી રોકાણની તક આપશે અને તમે વધુ કમાઈ શકશો.

નિયમ-૨ કયારેય 'ડે ટ્રેડીંગ' ના રવાડે ચડશો નહિં ('ડે ટ્રેડીંગ' એટલે સવારે શેર ખરીદી બપોરે વેચી નાંખવા કે સવારે વેચી બપોરે પાછા ખરીદી લેવા) (ફક્ત એક અપવાદ: જ્યારે તમારો લક્ષ્યાંક એક જ દિવસમાં સિધ્ધ થઈ જાય. એટલે કે જો તમે એક ચોક્કસ શેર કેટલીક સખ્યામાં ખરીદી હજાર રૂપિયા કમાવાનું લક્ષ્ય રાખ્યું હોય અને એકજ દિવસમાં શેરનો ભાવ એટલો વધી જાય કે તમે - તેને એજ દિવસે વેચી હજાર રૂપિયા કમાઈ શકો એમ હોવ તો તમે એમ કરી શકો છો) હંમેશા લાંબા સમય માટે રોકાણ કરતાં શીખો.

નિયમ-૩ હંમેશા સારા શેરોમાં જ રોકાણ કરો. તમે જે શેરોમાં નાણાં રોકવાનું નક્કી કર્યુ તે કંપનીનો અને તેના શેરના ભાવનો ઈતિહાસ જોઈ જાવ, તેનો બરાબર અભ્યાસ કરી લો. ક્યારેય 'ટિપ' પર ભરોસો કરતાં નહિ. રોકાણ કર્યા પહેલા તમારું ઘરકામ બરાબર કરી જજો.

નિયમ-૪ જે શેરનો ભાવ તેની વર્ષની સર્વોચ્ચ સપાટીએ કે તેના જીવનકાળની સર્વોચ્ચ સપાટી એ હોય ત્યારે તેમાં પૈસા રોકશો નહિ. ઉલ્ટું એ તો સમય છે આ શેર વેચવાનો (જો તમારું લક્ષ્યાંક સિદ્ધ થઈ ચૂક્યું હોય તો) જો તમારી પાસે નાણાં પડ્યા હોય અને તમારે એ રોકવા જ હોય તો જે દિવસે શેરબજારમાં મોટું ગાબડું પડે ત્યારે ફંડામેન્ટલી મજબૂત શેરો ખરીદો. અથવા જે શેરના ભાવ વર્ષના તેના સૌથી નીચા સ્તરે હોય કે તેના જીવનકાળના સૌથી નીચા સ્તરે હોય, છતાં તે કંપની ઘણી સારી હોય તો એ કંપનીના શેરમાં તમારાં નાણાં રોકી દો. (આનો અર્થ એવો નથી કે ગમે તેવી ફાલતું કંપનીનો પણ ભાવ જો વર્ષનો સૌથી નીચા સ્તરે હોય તો તેમાં રોકાણ કરી દેવું!)

નિયમ-૫ કોઈ શેરમાં બોનસ મળ્યું હોય કે શેરમાં વિભાજન(સ્પ્લીટ) થયું હોય ત્યારે ભાવ એક્સ-બોનસ કે એક્સ-સ્પ્લીટ થયાં બાદ તેમાં રોકાણ કરો. (જ્યારે કોઈ કંપની ૧:૨ નું બોનસ જાહેર કરે અને તેના શેરનો ભાવ ૩૦ રૂપિયા હોય તો બોનસ મળ્યા બાદ તે કંપનીના શેરનો ભાવ ૨૦ રૂ. થઈ જશે અને તમારી પાસેના શેરની સંખ્યા બે માંથી ત્રણ થઈ જશે. જો દસ રૂપિયાની બેઇઝ પ્રાઈઝ ધરાવતો શેર. રૂ ૧ માં સ્પ્લીટ થવાનો હોય અને તેનો ભાવ હજાર રૂપિયા હોય તો શેરવિભાજન પ્રક્રિયા બાદ તેનો ભાવ ૧૦૦ રૂ. થઈ જાય છે આવે વખતે આ શેર ખરીદી લેવા જોઈએ . તાજેતર માં જ
શ્ની અષ્ટવિનાયક સિનેવિઝનના શેરનું રૂ ૧૦ માંથી રૂ ૧ માં વિભાજન થતાં તેનો ભાવ ૭૦૦માંથી રૂ ૭૦ થઈ હાલમાં રૂ ૬૫ ની આસપાસ છે આ ભાવે આ શેર ખરીદી શકાય

નિયમ-૬ જે દિવસે શેરબજારમાં ખૂબ મોટો ઘટાડો નોધાય ( જેમકે સેન્સેક્સ ૪૦૦ થી ૬૦૦ અંક ઘટી જાય કે નિફ્ટી ૧૫૦-૨૦૦ અંક ઘટી જાય ત્યારે સારીસારી કંપનીના શેર આખ બંધકરીને લઈ લેવા. (સેન્સેક્સ અને નિફ્ટી નિર્દેશાંકોમાં સમાવિષ્ટ શેરો રોકાણ માટે ઉત્તમ ગણાય. દાત: લાર્સન એન્ડ ટુબ્રો, એસીસી, એસ.બી.આઈ ,યુનિટેક, સુઝલોન વગેરે)

નિયમ-૭ જો તમે સારી કંપનીના શેર ખરીદ્યા હોય અને તેનો ભાવ ઘટી જાય (મોટે ભાગે એમ બનતું જ હોય છે!) તો હિમત ન હારશો. ધીરજના ફળ મીઠાં આવે વખતે શેર વેચી નાખવાને બદલે ડર રાખ્યાં વગર જો નાણાંની વ્યવસ્થા હોય તો બીજા થોડાં એજ કંપનીના વધુ થોડાં શેર નીચા ભાવે ખરીદી લો અને તમારો ભાવ સરેરાશ (એવરેજ) કરી નાંખો. શેર સારી કંપનીનો હોઈ તેનો ભાવ ચોક્કસ તમારા ખરીદ ભાવ કરતાં ઊંચે જશે જ. પણ આને માટે તમારે ધીરજ ધરવી પડશે.યાદ રાખો 'સમય બડા હી બલવાન'.

નિયમ- ૮ એક વાર રોકાણ કરવાનું શરૂ કર્યા બાદ, બજારનો , તમે રોકાણ કર્યુ છે તે કંપની નો સતત અભ્યાસ કરતાં રહો (આનો અર્થ એ નથી કે દિવસમાં પાંચ વાર તમે એ શેરનો ભાવ ચકાસ્યા કરો!) (લાંબા ગાળા માટે રોકાણનો નિયમ તો યાદ રાખવાનો જ છે!)

નિયમ- ૯ જો બજારના ભાવિ અંગે અનિશ્નિતતા જણાય તો તમારી પાસે ના શેર થોડાં થોડાં કરીને વેચો કે નવા શેર થોડાં થોડાં કરીને ખરીદતાં જાવ. આમ કરવાનો ફાયદો એ છે કે જો બજાર ઉંચુ ઉંચુ જ જતું રહે તો તમે વધુ સારો ભાવ કમાઈ શકો અને નીચું નીચું પડ્યા કરે તો તમારી ખોટ ઘટાડી શકો . બજાર નીચું જવાનું શરૂ કરે અને તમે થોડાં શેર ખરીદ્યા હોય તો બજાર હજી વધુ નીચુ ગયે તમને બીજા વધુ શેર ખરીદવાની તક રહે છે પણ જો કદાચ અચાનક બજાર પાછું વધવાનું ચાલું કરી દે તો તમે જે નીચા ભાવે ખરીદી કરી હતી તે ભાવે એટલા શેર તો તમારી પાસે આવી ગયા! આમ, તમે બજારની ગમે તેવી સ્થિતીમાં તમારી ખરીદ શક્તિ કરતાં ત્રીજા ભાગનાં શેરની ખરીદી કરી શકો .જેથી બજાર વધુ નીચું ગયે તમને વધુ ખરીદી ની તક મળે અને ઊંચુ જતું રહે તો કમસેકમ ત્રીજા ભાગનાં શેરમાંથી તો તમે કમાણી કરી શકો!

નિયમ-૧૦ ધૈર્યવાન બનો . ઇશ્વરમાં અને સમય માં શ્નધ્ધા રાખો અને શેરબજાર માં વિશ્વાસ રાખો . અને અંર્ગ્રેજીમાં કહે છે ને તેમ, રોકાણ કર્યા બાદ 'Keep Your Fingers Crossed...!'

તમને મારી શુભકામનાઓ! સાચું અને સારું રોકાણ કરો ખૂબ ખૂબ કમાઓ!

(નોધ: આ બ્લોગ માં દર્શાવેલ વિચારો લેખકના પોતાના છે,આ તેમનાં અંગત મંતવ્યો છે.)

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

ઢૂંઢીયા માતા

પ્રકૃતિનો હું પ્રેમી અને પ્રકૃતિનાં દરેક સુંદર સ્વરૂપ ને હું ખૂબ ચાહું. તેમાંનો એક વરસાદ! (હા....!હું વરસાદને પણ પ્રકૃતિ નું એક 'સુંદર' સ્વરૂપ' ગણું છું) મને વર્ષાની ઝડીઓ ખૂબ ગમે છે અને વરસાદ પડવાનો હોય ત્યારનું વાતાવરણ .....પ્રથમ વરસાદ ગરમીથી તપ્ત ધરાને ભીંજવે ત્યારે માટીમાંથી ઉદ્દભવતી ભીની સોડમ માદક ભાસે છે. મને વાદળાં ખૂબ ગમે છે, મેઘધનુષ્ય પણ અતિ પ્રિય છે અને ખીલેલી એ સોનેરી સંધ્યા (વર્ષાઋતુ પહેલાંની સાંજ જેમાં પીળાશપડતાં કેસરી રંગનુ સામ્રાજ્ય ફેલાઈ જાય છે ત્યારે અમે સંધ્યા 'ખીલી' એમ કહીએ!) અને સુસવાટાભેર વાતા પવન જે ચોમાસા ને સાથે લઇ આવે છે...આ બધું મને અનહદ પ્રિય છે.

આમ છતાં કેટલાંક એવા પણ લોકો હોય છે જેમને વર્ષાઋતુ સમયે વાતાવરણમાં એક પ્રકારની ઉદાસીનતા કે ગ્લાનિનો અનુભવ થાય છે તો વળી કેટલાક બીજા ચોખલિયાઓને વરસાદમાં રસ્તા પર ,ઘરોમાં બધે જે પાણી-પાણી થઇ જતું હોય છે, તે નથી ગમતું. કાદવ તો જોકે મને પોતાનેય પસંદ નથી! જ્યાં જાઓ ત્યાં છ્ત્રી કે રેઇનકોટ લઇ જવાં, ઘણાંને ભારરૂપ લાગે છે આમ છ્તાં ઉનાળાની ભંયકર ગરમી થી ત્રાહીમામ પોકારી રહેલું ભાગ્યેજ કોઈ હશે, જે ન ઇચ્છે કે વર્ષાઋતુ નું જલ્દીમાં જલ્દી આગમન થાય! બધાં કાળઝાળ ગરમીમાંથી મુક્તિ ઇચ્છે છે. દર વર્ષે શિયાળામા વધુ ને વધુ ઠંડી અને ઉનાળામાં વધુ ને વધુ ગરમી પડ્તાં જાય છે.ચોમાસામાં આ હિસાબે વર્ષા પણ વધુ ને વધુ પડવી જોઈએ તેમ છતાં આ વર્ષે વરસાદની અનિયમિતતા એવી તો રહી છે કે દેશભરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતી નું નિર્માણ થયું છે. હમણાં જ વર્તમાનપત્રોમાં તસ્વીરો સાથે પાણીના પીપડાંઓમાં વર્ષાને રીઝવતા દ્સ-બાર સાધુઓના પ્રાર્થના-યજ્ઞના અહેવાલ વાંચ્યા અને મને વર્ષાઋતુ તેમજ વરસાદ ને રીઝવવા માટે કરાતા પ્રયત્નો સાથે જોડાયેલી એક બાળપણની યાદ તાજી થઇ ગઈ!

અમારા પાડોશમાં આજથી વીસેક વર્ષ પહેલાં એક વૃધ્ધા પોતાના પરિવાર સાથે રહેતાં જેમને લોકો 'પ્રભામાસી' કહી સંબોધતાં. તેઓ સ્વભાવે ખૂબ કડક અને આખાબોલા. તોફાન કે ઘોંઘાટ મચાવતાં બાળકોને તતડાવી મૂકે અને તેથી બધાં તેમનાથી ખૂબ ડરે! પણ પ્રભામાસીએ જ અમને વારસાદ ને રીઝવવાની એક પરંપરાગત રૂઢી થી પરિચિત કરાવ્યાં હતાં એ રૂઢી આજે વીસેક વર્ષ બાદ પણ મારા સ્મૃતિપટ પર તાજી છે. મે મહિનો આવે અને અમારી શાળામાં વેકેશન ચાલતું હોય ત્યારે એકાદ બપોરે પ્રભામાસી અમને બાળકોને ભેગા કરે અને થોડી લાલ માટી લઇ આવવાની સૂચના આપે. થોડું પાણી, બે સફેદ નાની ગોળ કાંકરીઓ અને થોડું પાણી આ બધું લઇ અમે એક ગોળાકારમાં બેસીએ. આ માટી અને પાણી નો ઉપયોગ કરી પ્રભામાસી તૈયાર કરે એક બેઠી દડીની માતાજીની મૂર્તિ, જેમનું નામ ' ઢૂંઢીયા માતા’. ઢૂંઢીયા માતા એટલે વરસાદના દેવી. પ્રભામાસી કંઈ મોટા કારીગર નહોતા એટલે માટીની, બેઠેલા દેવીની એ મૂર્તિ કંઈ મહાન શિલ્પસમી સુંદર કે સુર્દઢ આકારવાળી ન બનતી. આમ છતાં એ મૂર્તિ ખૂબ પ્યારી અને દૈવી લાગતી. બે સફેદ મોટી ગોળ કાંકરી ને ઢૂંઢીયા માતાની આંખો તરીકે બેસાડવામાં આવતી. ઉપસેલું નાક અને નાનકડાં ખાડા દ્રારા મોં બનાવી ઢૂંઢીયા માતાનું મુખ તેમજ નાનકડા બે હાથ અને નાનકડા બે પગ પ્રભામાસી પળવાર માં બનાવી કાઢતાં. ઢૂંઢીયા માતા ને પથ્થરની એક લાદી પર બેસાડી એકાદ ભીંત ને ટેકે આરૂઢ કરાવવામાં આવતાં . તેમને સુંદર મજાની લાલ-લીલી ચુંદડી ઓઢાડાતી અને પ્રભામાસી ઢૂંઢીયા માતા ને કંકુનો સરસ ચાંદલોય કરતા અને ચોખાનાં થોડા દાણાં ચઢાવતાં. અમે બધાં બાળકો કૂતુહલ પૂર્વક આ ઢૂંઢીયા માતા ના નિર્માણ અને સ્થાપનાની વિધી નિહાળતાં. મારા ઘરની બરાબર સામે ઢૂંઢીયા માતા બિરાજમાન કરાવવામાં આવતાં. માન્યતા એવી હતી કે રોજ ઢૂંઢીયા માતાની આ મૂર્તિ પર એકાદ લોટો પાણી બધાએ ચઢાવવું. જો ઢૂંઢીયામાતા રીઝે તો વરસાદ જલ્દી અને સારા પ્રમાણમાં આવે. આખરે 'ઢૂંઢીયા માતા' વરસાદના દેવી હતા ને! દિવસમાં બે-ચાર વખત અમે નિયમિત રીતે ઢૂંઢીયામાતા પર જલાભિષેક કરી તેમને વરસાદ જલ્દી મોકલવા રીઝવતાં, પ્રાર્થના કરતાં. અમારે બાળકો ને આ એક રમત જેવુ હતું. અમને ખૂબ મજા પડતી. ધીમે ધીમે ઢૂંઢીયામાતાનું માટીમાંથી બનાવેલું શરીર અભિષેક દ્રારા ચઢાવાયેલા પાણીમાં ક્ષીણ થતું જતું. દિવસો વીતતા તેમના માથા પર ચઢાવતાં પાણીમાં તેમનાં નાનકડા હાથ-પગ અને શરીર ઓંગળતાં જતાં. છેવટે ઢૂંઢીયામાતા સંપૂર્ણ ઓગળી જાય એ પહેલાં વર્ષારાણી અચૂક આવી ચઢતાં અને ઢૂંઢીયામાતાનાં છેલ્લા બચેલાં અવશેષ તેમજ ચુંદડી, વર્ષા ના એ જલમાં વહી જતાં. આમ કુદરતી રીતે જ ઢૂંઢીયામાતાનું વિસર્જન થઈ જતું. મને હજી એ યાદ છે કે કઈ રીતે હું વરસાદની ઝડીઓમાં પલળતા ઢૂંઢીયામાતાની મૂર્તિ ને મારા ઘરની બારીમાંથી એકીટશે જોઈ રહેતો. છેવટે ઢૂંઢીયામાતાનું આખું શરીર ઓગળી જતાં પેલી ચુંદડી જ પથ્થરની લાદી પર બાકી રહેતી. થોડાં સમય બાદ એ પણ વર્ષાની ધારાઓથી બનતાં જલપ્રવાહો માં દૂર દૂર વહી જતી. શરૂઆતનાં કેટલાક વર્ષો સુધી પ્રભામાસી ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવતાં. પછી મેં તેમની આ પરંપરા નો વારસો સંભાળી લીધો અને યુવાન થયો ત્યાં સુંધી કેટલાક વર્ષો સુંધી મેં નિયમિત રીતે ઢૂંઢીયામાતાની મૂર્તિ બનાવવી ચાલુ રાખી. એ તો ખબર નથી ઢૂંઢીયામાતા જ વરસાદ ને જલ્દી અને સારા પ્રમાણ માં લાવતા કે નહીં, પણ અમે બધાં બાળકો ચોક્કસપણે એમ જ માનતાં અને શ્નધ્ધા તેમજ ભાવપૂર્વક ઢૂંઢીયામાતા ને માથે પાણી ચઢાવવાની વીધી ઉત્સાહપૂર્વક પાળતાં.

આજના કોમ્પ્યુટર ગેમ્સ રમતાં બાળકો આવી પ્રવૃત્તિ કરી શકે ખરાં? આજે ભણવાનું તેમજ ઈતર પ્રવ્રુતિઓનું મહત્વ પણ એટલી હદે વધી ગયું છે કે બાળકોને સમય જ ક્યાં મળે છે? હું વિચારું છું આ વર્ષે હું ફરી પાછા ઢુંઢીયામાતા બનાવું. આ બ્લોગ લખી તરત આ વિચાર ને અમલમાં મૂકીશ એમ નક્કી કરું છું કારણ આ વર્ષે વરસાદ પાછો ખેંચાયો છે અને પાણીકાપના તેમજ દુકાળ ના ભણકારા વાગી રહ્યાં છે એવામાં જો ઢૂંઢીયામાતા ભરપૂર વરસાદ ફરી પાછો લઈ આવવાની મહેરબાની કરે તો કેટલું સારું !