આજે હું તમારા બધા સમક્ષ મારા જીવનનાં એક અતિ અવિસ્મરણીય, રોમાંચક અને સાહસિક અનુભવનું વર્ણન કરીશ.આ અનુભવ એટલે મેં માણેલી મહારાષ્ટ્રના અહમદનગરની સરહદ પાસે આવેલ હરિશ્ચન્દ્ર ગઢ નામની એક અતિ સુંદર અને રમણીય જગાની બે દિવસ-એક રાત સુધી ચાલેલી (ઓવરનાઈટ) ટ્રેક.(ટ્રેક એટલે પહાડ પર કે પર્વતીય માર્ગ પર પગે ચાલીને કરેલી યાત્રા)આ ટ્રેકમાં મને એટલી મજા આવી કે બે દિવસ સુધી હું એક તદ્દન નવી જ અનોખી દુનિયામાં પહોંચી ગયો - મુંબઈ શહેરની આ ધાંધલધમાલ ભરેલી જિંદગીથી ખાસ્સો દૂર!ત્યાં મોબાઈલ નેટ્વર્કનું કવરેજ પણ ન હોવાને લીધે જાણે સામાન્ય જનજીવન સાથેનો મારો સંપર્ક જ એ બે દિવસ સુધી તૂટી ગયો.
મારા આ ટ્રેક પ્રવાસની શરૂઆત થઈ શનિવારની એ વહેલી સવારે.હું મારા ઓફિસના સહકર્મચારી મિત્રો આદિત્ય અને સ્વપ્નિલને દાદર સ્ટેશને મળ્યો અને ત્યાંથી અમે સાથે લોકલ ટ્રેનમાં કલ્યાણ ગયા જ્યાં સ્વપ્નિલનો મિત્ર મયુરેશ અમારી સાથે જોડાયો.અમે ચારે એ માલશેજ ઘાટવાળા રસ્તે થઈને જનારી એસ.ટી. બસ પકડી અને લગભગ અઢી કલાકની આરામદાયક મુસાફરી કરી અમે ખૂબી ફાંટા નામની જગાએ પહોંચ્યા.અહિં પુણેથી એક ટ્રેકિંગ ગ્રુપ આવવાનું હતું જેની સાથે અમારે જોડાઈ જવાનું હતું. અમે મુંબઈથી ફક્ત ચાર અને તેઓ પુણેનાં સોથીયે વધારે!અમે જલ્દી પહોંચી ગયા હતા એટલે અમે તેઓ આવે ત્યાં સુધી આસપાસનાં લીલાંછમ ખેતરોમાં ટહેલવાનું નક્કી કર્યું. ખુલ્લી વિશાળ જગ્યામાં ડાંગરનાં ખેતરો, એક નાનકડું સુંદર તળાવ , ઘણુંબધું કૂણુંકૂણું ઘાસ અને લીલાંલીલાં ઝાડીઝાંખરા વચ્ચે મેં તો અહિંથી જ પ્રક્રુતિને ભરપેટ માણવાનું શરુ કરી દીધું.
મેં ઘણાં બધાં ફોટા પાડ્યાં અને આસપાસમાં કરચલા,તેમનાં નાનકડાં કાણાવાળાં ઘર, તળાવમાં દૂરના ડુંગરનુ પ્રતિબિંબ, સુંદર કલશોર કરતાં કેટલાક ક્યારેય મુંબઈમાં ન જોયેલાં પંખીઓ વગેરે જોયાં. મયુરેશે લગભગ એક-દોઢ મીટર લાંબો એક કાળો કોબ્રા સાપ જોયો! મેં એ સાંભળી ધણો રોમાંચ અનુભવ્યો પણ બદ્દનસીબે એ મને જોવા ન મળ્યો મને લાગ્યું કાશ હું એ ક્ષણો દરમ્યાન મયુરેશ સાથે હોત! (મેં કદાચ એ સાપનો ફોટો પાડવાનો પણ ચોક્કસ પ્રયત્ન કર્યો હોત !)
અમે થોડા સમય બાદ પાછા ફર્યા અને ટપરી (નાનકડી દુકાન) જેવા એક સ્થળે થોડો ચા-નાસ્તો કર્યો. લો ! ભગવાને મારા મનની વાત સાંભળી લીધી! ચા-પાણી કરતાં બેઠાં હતાં ત્યાં જ અમારી સામેથી એક બીજો સાપ પસાર થયો. ભલે તે થોડા સમય પહેલાં મયુરેશે જોયેલા કાળા કોબ્રા જેટલો લાંબો અને મોટો નહોતો પણ મારી હ્દય પ્રૂર્વકની સાપ જોવાની ઈરછા ફળીભૂત થઈ! આ એક નાનકડો તપખીરીયા રંગનો સાપ હતો જે ધીરેધીરે અટકી ને ચાલતો હતો જેથી અમે સૌ તેને સ્પષ્ટ પણે જોઈ શકીએ! (છતાં તેની આ ધીમી ઝડપ સામાન્ય ઝડ્પની સરખામણીએ તો વધુ જ હતી!) મારે ફોટો પાડવો હતો પણ ડિજીટલ કેમેરામાંની બેટરી ચાર્જ કરવા મૂકી હતી ને ચાર્જરમાંથી બેટરી કાઢી કેમેરો તૈયાર કરું એ પહેલાં તો સાપ ત્યાંની નજીકની ઝાડીમાં ગાયબ થઈ ગયો. અમે થોડી વધુ વાર ત્યાં રોકાયા, વાતો કરી ,થોડો ધણો નાસ્તો કર્યો અને ત્યાં પૂણેની ગેન્ગ આવી પહોંચી. અમે ઉત્સાહ અને હર્ષભેર તેમનું સ્વાગત કર્યુ તેઓ પણ અમને પહેલી જ વાર જોઈ -મળી રહ્યાં હતાં છતાં તેમણે અમને ઊષ્માભેર આવકાર્યા અને તેમના ગ્રુપમાં ભેળવી દીધા. તેઓ બસમાં આવ્યા હતાં અને અમે પણ તેમની બસમાં બેસી થોડા વધુ આગળ ગયાં તેઓ કર્ણ પ્રિય મરાઠી ગીતો ગાઈ રહ્યા હતા. જે મેં ભરપૂર માણ્યા મેં પણ એકાદ બે હિન્દી ફિલ્મી ગીતો ગાયાં ત્યાં અમારી ટ્રેકનુ ઉદગમ સ્થાન આવી ગયું! એ હતું નાનકડું એક ગામ "ખિરેશ્વર' જ્યાંથી અમારી બે દિવસીય અવિસ્મરણીય ટ્રેક-યાત્રા નો પ્રારંભ થવાનો હતો!
અમે ત્યાં ખુશનુમા વાતાવરણને શ્વાસમાં ભરીને આજુબાજુ થોડું ફર્યા એક નાનકડાં ઘર પાસે બધાં એકઠાં થયાં અને અમારું ઔપચારીક પરિચય સત્ર શરુ થયું ત્યારબાદ અમે ત્યાં જ બપોરનું ભોજન લીધું. ભોજનમાં અમે પેટભરીને ભાત અને સ્વાદિષ્ટ પિઠલ(પીળા રંગની જાડ્ડી દાળ જેવી એક મહારાષ્ટ્રિયન વાનગી) તેમજ લીલા મરચાંની ચટની પેટભરીને ખાધા! એકબીજાનાં નીતનવા અનુભવો સાંભળતા સાંભળતા સમૂહ ભોજન લેવાની ખૂબ મજા પડી! જ્યારે અમે આ ધર (કે હોટેલ જે કહો તે!) તરફ આવેલાં ત્યારે વાતાવરણ ચોખ્ખું હતું પણ અમે જમી રહ્યાં એંટલામાં જ ત્યાં વાદળા અમારું જાણે સ્વાગત કરવાં જમીન પર ઉતરી આવ્યાં! (અહીં આ સ્થળે આ એક સામાન્ય ઘટના હતી કારણ આ સ્થળ ખાસ્સી ઊંચાઈએ હતું) એ વાદળા જાણે અમને બોલાવવા આવ્યાં કે ચાલો અમારી સાથે આ પાસેના પહાડ પર ! (જ્યાં અમે પછીના ૧૦-૧૨ કલાક સુધી ટ્રેક- ચઢાણ કર્યુ) વાતાવરણનું આ પરિવર્તન એટલું સુંદર અને મોહક હતું કે એ હુ શબ્દો માં કદાચ નહિં વર્ણવી શકું. છેવટે અમે અમારી હરિશ્વંદ્ર્ગઢની ટ્રેક શરૂ કરી લગભગ ૪ વાગ્યે સાંજે - ભારે ઉત્સાહ અને ઉંમગભેર - અમારા ભીરુ વાદળોની સાથે!
(ટ્રેકની મજેદાર માહિતી અને શ્વાસ થંભાવી દે એવા સાહસિક અનુભવની વધુ વાતો આવતાં બ્લોગમાં! ત્યાં સુધી આ..વ..જો !)
સોમવાર, 2 નવેમ્બર, 2009
હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૧)
લેબલ્સ:
"Harishchandra Gadh",
adventure,
climate,
clouds,
environment,
green,
mountains,
Trek,
Trekking
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
લાગે છે ખૂબ સુંદર ટ્રેક હતી આ! ફોટા પણ ઘણાં સુંદર છે!
જવાબ આપોકાઢી નાખો- દેવેન્દ્ર પુરબિયા
ફોટા ખૂબ સુંદર છે. ખાસ કરીને છેલ્લો ફોટો. પણ ટ્રેકનું શું ? મને એ વિશે વાંચવાની ઈતેજારી છે! મારે પણ ટૂંક સમય માં હરિશ્વંદ્ર્ગઢ જવું છે!
જવાબ આપોકાઢી નાખો- જેરોન જેકબ
હેય વિકાસ, આ બ્લોગ વાંચીને ખૂબ સારું લાગ્યું ધણા સુંદર ફોટા સાથે ખૂબ સરસ વર્ણન કર્યુ છે તે. આ પ્રકારે લખતો રહેજે અને મને જાણ કરતો રહેજે નવા બ્લોગ વિશે!
જવાબ આપોકાઢી નાખો- સત્યેન્દ્ર