Translate

ગુરુવાર, 26 નવેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૪)

ગુફામાં વિતાવેલી એ રાત કેટલી ઝડપથી વિતી ગઈ અને છતાંયે એ થોડા સમય માટે માણેલી નિદ્રા કેટલી મીઠી હતી! હું લગભગ સાડા આઠ વાગે ઉઠ્યો જ્યારે મોટા ભાગનાં ટ્રેકર્સ મિત્રો ઉઠીને ફ્રેશ થઈ ચૂક્યા હતાં.અમારે સવારે મહરાષ્ટ્રના દ્વિતીય ઉચ્ચ ગણાતા શિખર પાસે, 'કોંકણ કડા' નામની જગાએ જવાનું હતું.અમે બધા તૈયાર થઈ નિકળી પડ્યા સવારની ખુશનુમા તાજી હવાને શ્વાસમાં ભરતાં અને સુર્યના સુકોમળ તડકાને અંગ પર ઝીલતાં કોંકણ કડા જવા!


માર્ગમાં અપાર હરિયાળી અને સુંદરતા વેરાયેલાં હતાં. માર્ગ મુશ્કેલ ન હતો.(ખરૂં પૂછો તો રાત્રે અમે પસાર કરેલા માર્ગ જેવો જ આ માર્ગ હતો પણ રાત્રે ઘોર અંધારાને કારણે ભયાનક ભાસી રહેલો માર્ગ અમને અત્યારે અજવાળામાં બધું જોઈ શકવાને કારણે સાવ સરળ લાગી રહ્યો હતો!) માર્ગમાં ઠેરઠેર ઝાડીઝાંખરા વચ્ચે આવતા હતાં, જે હાથ વડે ખસેડી અમે ઊંચીનીચી ટેકરીઓ પરથી પસાર થતાં આગળ વધતા હતાં.માર્ગમાં કેટલીક જગાએ અમને મધમાખીઓ મળી અને તેમનાં ગણગણાટ સહિત તેઓ થોડા અંતર સુધી અમારી સાથે આગળ આવતી અને ફરી ગાયબ થઈ જતી.

અમને ડર લાગ્યો પણ કોઈનેય એકેય મધમાખી કરડી નહિં. શહેરમાં ક્યારેય ન જોયા હોય એવા કેટલાય રંગબેરંગી ફૂલો અમે માર્ગમાં જોયાં.કેટલાક આતિ સૂક્ષ્મ તો કેટલાક ઘણી બધી પાંખડીઓવાળા.એ પુષ્પોનું મધ ચૂસી રહેલાં કંઈકેટલાયે જંતુઓ પણ માર્ગમાં જોવા મળ્યા.મને કંઈક નવું જોઉં એ તરત બીજા ને 'wow' કહી દેખાડવાની આદત! અહિ મારું 'wow' 'wow' અટકતું જ નહોતું! સૌએ કેટલાંય મનમોહક ફોટા પાડ્યા.માર્ગમાં કેટલીક નાની નાની નદીઓ પણ આવી.અડધો-પોણો કલાક ચાલ્યા બાદ અમે 'કોંકણ કડા' પહોંચ્યા.આ એક અતિ રમણીય જગા હતી જે જમીનથી લગભગ ૩૮૦૦ ફૂટની ઉંચાઈએ આવેલી હતી.ત્યાંથી જે દ્રષ્ય જોવા મળ્યુ એ શ્વાસ થંભાવી દેનારું હતું. તેની અપાર સુંદરતાના વર્ણન માટે શબ્દો ઓછા પડે. ઉંચાઈથી ડર લાગતો હોય તેવી વ્યક્તિનું તો ત્યાં કામ જ નહિં. અમે બધાએ પર્વતની ધાર પર સૂઈ જઈ નીચે દેખાતા પ્રદેશનાં દર્શન કર્યા જેથી અમે નિર્ભયપણે અને નજીકથી તેમજ સ્પષ્ટપણે ખીણનું સૌંદર્ય માણી શકીએ. અમે જે જગાએ હતા તેની સામે સહ્યાદ્રીની પર્વતમાળા દ્રષ્ટીમાન થઈ રહી હતી.ડાબી બાજુના પહાડ પરથી નાનાનાના જળધોધ ખાસ્સા અંતરને કારણે સફેદ લટકતી દોરી જેવા દેખાઈ રહ્યાં હતાં જ્યારે જમણી બાજુએ સારા એવા અંતર સુધી સપાટ મેદાન જેવો પ્રદેશ હતો.જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લીલોતરી જ લીલોતરી પથરાયેલી હતી.આ જગાની એક લાક્ષણિકતા એ હતી કે અહિંથી તમે કંઈક વજનમાં હલકી વસ્તુ ઉપરથી નીચે નાંખો તો તે નીચે પડી જવાને બદલે ફરી હવામાં ઉપર આવે!ગુરુત્વાકર્ષણનો નિયમ અહિં ખોટો સાબિત થતો હતો!અમે કેટલાંય ફૂલો અને પાંદડા નીચે નાંખ્યા જે હવામાં તરતા તરતા ફરી પાછા ઉપર આવી પડતા જોઈ અમે ખૂબ નવાઈ પામ્યા!કેટલાક મિત્રોએ આ ઘટનાને કેમેરામાં વિડીઓ ફિલ્મ તરીકે ઝીલી પણ લીધી!

બીજી એક વિચિત્ર વસ્તુ એ જોવા મળી કે વાદળા છેક અમારી નજીક સુધી આવતાં પણ પર્વતની ધારથી અમુક ચોક્કસ અંતર સુધી જ! ત્યાંથી એ પાછા ફરી જતાં.તેઓ અમને સ્પર્શ કરી શકે એમ અમારી પાસે ન આવતા.આ ઘટનાઓ પાછળ ચોક્કસ કોઈક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોવું જોઇએ પણ તેમણે અમને આશ્ચર્યચકિત કરી મૂક્યા એ ચોક્કસ!અહિં પ્રક્રુતિ સાથે અમે અમારા પણ પોતાના તેમજ સમૂહમાં અનેક ફોટાં પાડયાં.અહિં સારો એવો સમય પસાર કરી અમે ફરી ગુફા તરત જવા ચાલવું શરૂ કર્યું.અમે ગુફામાં પહોંચ્યા ત્યારે અમારી સાથે કોંકણ કડા ન આવેલા મિત્રો તેમજ આવી ને જલ્દી પરત ફરેલા કેટલાક મિત્રો બધા માટે ખીચડી રાંધી રહ્યાં હતાં.કેટલાક લોકો હોય છે જ એવા સેવાભાવી! તેમને બીજાને માટે ખાવાનું બનાવી આપવું, બીજાની સેવા કરવી કે બીજાને મદદ કરવું ખૂબ ગમતું હોય છે અને તેઓ નિસ્વાર્થ ભાવે તેમની આ ફરજ નિભાવતા હોય છે.મારે આજુબાજુ ફરી ક્યાંક મંદિર હોય તો ભગવાનનાં દર્શન કરવા હતા એટલે મેં બીજા ચાર-પાંચ મિત્રોને તૈયાર કર્યા અને અમે નિકળી પડ્યા આસપાસ કોઇ મંદિરની શોધમાં.
અમને થોડે જ દૂર એક સુંદર પુરાણું શિવ અને ગણેશ મંદિર મળી ગયું જેની આસપાસ કુદરતી સુંદરતા ખોબે ખોબે વેરાયેલી હતી.જાંબલી અને પીળા રંગનાં નાનાનાના પુષ્પો અને લીલાછમ ઝાડીઝાંખરાથી ઘેરાયેલા એ મંદિરમાં એક વર્ષો જૂનું શિવલિંગ, મોટો પથ્થરનો પોઠિયો અને કેસરી સિંદૂર રંગી ગણેશ મૂર્તિ હતાં. અમે દર્શન કરી મંદિરના પરિસરમાં લટાર મારી રહ્યાં હતાં ત્યાં ફરવા નીકળેલું બીજું એક ગ્રુપ અમારી પાસે આવી તેમણે જેની મુલાકાત લીધી હતી એવી એક નજીકમાં જ આવેલી બીજી ગુફા વિષે વાત કરવા લાગ્યું.તેમના કહેવા મુજબ અંધારી એવી તે ગુફા પાણીથી ભરેલી હતી અને તેમાં વચ્ચોવચ્ચ એક મોટું આદમકાય શિવલિંગ હતું. અમે અમારી જિજ્ઞાસા રોકી ન શક્યા અને તરત એ ગુફા અને શિવલિંગના દર્શનાર્થે રવાના થઈ ગયા.આ જગાની મુલાકાત મારા હરિશ્ચંદ્ર ગઢનાં આ ટ્રેક પ્રવાસનો સૌથી યાદગાર અનુભવ બની રહી.

(એ યાદગાર અનુભવ તથા પરત યાત્રાનું રોચક વર્ણન આવતા અઠવાડિયાના આ ટ્રેક સિરીઝનાં અંતિમ બ્લોગમાં..ત્યાં સુધી આવજો!)

(ક્રમશ:)

2 ટિપ્પણીઓ:

  1. વિકાસ, તે આ બ્લોગ ભારે ઉત્સાહથી લખ્યાં છે. મને એ વાંચતી વખતે જાણે હું કોઇ સાહસિક નવલકથા વાંચતો હોઉં એવો અનુભવ થયો. મને મારી શાળાનાં દિવસો યાદ આવી ગયાં. તારા આ હરિશ્ચંદ્ર ગઢના ટ્રેક પ્રવાસનું વર્ણન જકડી લેનારું હતું.

    જયેશ જોશી

    જવાબ આપોકાઢી નાખો
  2. ખૂબ સરસ બ્લોગ છે. મને ખૂબ ગમ્યો. અભિનંદન!

    - હિમાંશુ ચાંદે

    જવાબ આપોકાઢી નાખો