Translate

લેબલ green સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ green સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, 11 ડિસેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૫)

ગુફામાં એક મોટું આદમકાય શિવલિંગ હતું જેની ઉંચાઈ અંદાજે ૮-૯ ફીટ હશે.વિશેષતા એ હતી કે આ શિવલિંગ આખું પાણીમાં ડૂબેલું હતું, ફક્ત તેની ટોચ પાણી બહાર ડોકાઈ રહી હતી. શિવલિંગની આજુબાજુ ચાર સ્તંભ હતાં જેમાંથી ફક્ત એક આખો અને સારી સ્થિતીમાં હતો.બાકીનાં ત્રણ સ્તંભ તૂટી ગયેલી હાલતમાં ઉપરથી લટકી રહ્યાં હતાં.

ગુફામાં અંધારું હતું.તેમાં ભરાયેલા પાણીમાં સાપ કે બીજ કોઈ જીવજંતુ હોવાની શક્યતા પણ હતી. ડર લાગે એવી પરિથિતી છતાં અમને શું સુઝ્યું અને કોણ જાણે ક્યાંથી અમારામાં હિંમત આવી ને અમે ચારી મિત્રોએ ટી-શર્ટ કાઢી નાંખ્યા અને ડૂબકી લગાવી અંધારી ગુફાનાં પાણીમાં અને તરીને પહોંચી ગયા શિવલિંગ પાસે. જળ તો હતું જ, અમે શિવલિંગ પર જળાભિષેક કર્યો. યોગાનુયોગ એ દિવસે એકાદશી હતી. મારા મિત્ર સ્વપ્નિલને સંગીતનું સારુ જ્ઞાન હોઈ, તેણે તેનાં મધુર સ્વરમાં ત્યાં જ કમરસુધીના પાણીમાં ઉભા ઉભા શિવસ્ત્રોત ગાયું.ઠંડા પાણીમાં થોડી વધુ વાર અમે શિવલિંગની આજુબાજુ તર્યા અને ત્યારબાદ ગુફાની બહાર આવ્યા.

આ ગુફા નજીક બીજો પણ એક મજેદાર અનુભવ થયો. ગુફા બહાર ઝરણામાં પગ બોળીને બેઠાં ત્યારે કેટલીક 'સકર ફીશ' તરીકે ઓળખાતી નાની નાની માછલીઓ મારા પગ ને મફત 'પેડીક્યોર' આપવા લાગી. એ અનુભવ પણ અતિ યાદગાર હતો.સુંવાળી નાજુક માછલીઓ મારા પાણીમાં ડૂબેલાં પગ પરથી કંઈક ખેંચવા ચૂસવા કે શોષવા મથી રહી હતી અને ત્યારે મે પગ પર અનુભવેલી ઝણઝણાટી અને સંવેદના હું શબ્દમાં નહિં વર્ણવી શકું! આમે પાછા ફરી બધાને શિવલિંગ વાળા પ્રસંગની વાત કહી અને પેટ ભરીને ખિચડી ખાધી. પછી શરૂ થયો અમારો પાછા ફરવાનો પ્રવાસ.



પરત ફરવાનો પ્રવાસ પણ અતિ રસપ્રદ અને રોમાંચક બની રહ્યો. એ દિવસ ખૂબ સરસ હતો. ઝરમર ઝરમર વરસાદ અમને પલાળી રહ્યો હતો. ગઈ રાતે અંધારામાં ન જોઇ શકાયેલ કુદરતના વૈવિધ્યભર્યાં સૌંદર્યનું ભરપેટ પાન કરતાં કરતાં અમે પર્વત પરથી ઉતરવાની શરૂઆત કરી.પીળા, સફેદ, ગુલાબી, જંબલી, લાયલેક અને સ્યાન જેવા અંગ્રેજી તેમજ અનેક વિવિધ રંગનાં અસંખ્ય પુષ્પો, લીલુંછમ ઘાસ, લીલ, વહેતું સ્વચ્છ પાણી, ખડકો, જાતજાતનાં ઝાડપાન, ક્યારેય ન સાંભળ્યા હોય એવા પંખીઓના કલરવ, પતંગિયાં અને વાણિયા, મધમાખીઓ, વિવિધ પ્રકારનાં થોર વગેરે વગેરે...આ બધાંએ અમારી હરિશચંદ્ર ગઢની પરત યાત્રા પણ અવિસ્મરણીય બનાવી મૂકી. બે અઢી કલાકના ઉતરાણ બાદ અમે એક મેદાન જેવા પ્રદેશ પાસે થાક ખાવા થોભ્યા.અહિંથી વાદળા-આચ્છાદિત લીલાછમ પહાડોનું મનમોહક દર્શન કરી અમારી આંખો ધન્યતા અનુભવી રહી.અચાનક અમારી આંખ સામે સાત રંગી પટ્ટો ફરતો દેખાયો.થોડી જ ક્ષણોમાં એ રંગીન ધનુષાકાર પટ્ટો એક દિશામાંથી બીજી દિશામાં પ્રયાણ કરી ગાયબ થઈ ગયો! સ્થિર અર્ધવર્તુળાકાર મેઘધનુષ તો ઘણી વાર જોયેલું પણ ફરતું વર્તુળાકાર ઈન્દ્રધનુષ આજે પહેલી વાર જોવા મળ્યું.થોડી થોડી વર્ષા શરૂ થઈ અને તેની સાથે અમે પણ અમારી યાત્રા ફરી શરૂ કરી.

હવે ગઈ કાલે પસાર કરેલા પેલા અતિ મુશ્કેલ ભાગ ફરી પાછા માર્ગમાં આવ્યા.અમે ફરી ૭-૮ ના જૂથમાં વહેંચાઈ ગયા હતા. અહિં બનેલી એક ઘટના હું જીવનમાં ક્યારેય નહિં ભૂલી શકું.એક લપસણો સીધ ઢોળાવવાળો ભીનો ખડકનો પટ્ટો આવ્યો જે એવા ખૂણે હતો કે ત્યાંથી જો તમારો પગ જરા જેટલો ખસે અને તમે સંતુલન ગુમાવો તો જઈ પહોંચો સીધા ઉંડી ખીણમાં.અમારા જૂથમાંથી મારા એક મિત્રે તો આ પટ્ટો સાવધાનીપૂર્વક પસાર કરી નાંખ્યો અને મારો વારો ત્રીજો હતો.વચ્ચે બીજા નંબરે પૂણેનો એક ટ્રેકર મિત્ર હતો જે આ લપસણા ખડકનાં મધ્ય ભાગ સુધી પહોંચ્યો અને તેનો પગ લપસ્યો.અમે તેના લપસવાનો અવાજ સાંભળ્યો અને મેં તો મારી સગી આંખે તેને મ્રુત્યુથી બે ડગલા છેટે જોયો. પણ રામ રાખે તેને કોણ ચાખે? પગ લપસતા તેણે સંતુલન ગુમાવ્યુ અને તે પડવા જતો હતો ત્યાં તેની પીઠ પર લટકાવેલી બેક્પેક (ભારે ટ્રેકિંગ બેગ) ખડક પરનાં ઝાડીઝાંખરામાં ભરાઈ ગઈ અને તે ઘડીના છટ્ઠા ભાગમાં પોતાની જાતને સંભાળી શક્યો અને લપસીને ઉંડી ખીણમાં પડતા પડતા બચી ગયો.તેણે ચોક્કસ સવારે ભગવાનની પ્રાર્થના કરી હશે! અમારા બધાનાં શ્વાસ બે ઘડી થંભી ગયાં. બચી ગયેલા એ યુવાનનાં મુખ પર જે હાવભાવ હતા તે ડરના હતા કે ઇશ્વરનો લાખ લાખ આભાર માનતા એ અમે નક્કી કરી શક્યા નહિં. એ પટ્ટો પસાર કરી ચુકેલા મારા મિત્રે પછા ફરી ફસાઈ ગયેલા મિત્રને સંતુલન જાળવવામાં મદદ કરી અને એ તેને હેમખેમ આગળ લઈ ગયો. અમારા બધાનો શ્વાસ હેઠો બેઠો! પછી તો થોડી વાર સુધી કોઈ કંઈ બોલ્યુ જ નહિં. અમે બધાંએ ચૂપચાપ એ પટ્ટો ઓળંગી શાંતિપૂર્વક આગળ ચાલ્યા કર્યું.
થોડે આગળ બીજી એક ટેકરી જેવો ભાગ આવ્યો જ્યાં થઈને પાણી નીચે વહી જતું હતું, જથ્થામાં નહિં પણ થોડું થોડું. તેથી જ અહિં ઠેરઠેર લીલ બાઝેલી હતી. આવા ભાગ પર ચાલવું ઘણુ મુશ્કેલ બની રહેતું હોય છે, લપસીને ગબડી પડવાનાં ભયને લીધે. આ ભાગ થોડા સમય પૂર્વે પસાર કરેલા પટ્ટા જેવો ડરામણો નહોતો અને કદાચ એટલે જ હું મારા વિચારોમાં ખોવાઈ ચાલ્યે જતો હતો.ત્યાં અચાનક સમગ્ર પૃથ્વી જાણે એક ગોળ ચક્કર ફરી ગઈ. ધડાક..! મોટો અવાજ પણ થયો. મને પહેલાં તો કંઈ સમજાયુ જ નહિં કે શુ બની ગયું પણ થોડી ક્ષણો બાદ જ્યારે હું કંઈ સમજી શકું એવી સ્થિતીમાં આવ્યો ત્યારે મે અનુભવ્યું કે હું ભોંય પર પટકાયો હતો અને અત્યારે મારા પગ ઉપર હતાં અને માથુ નીચે! સદનસીબે એ જગા ખતરનાક નહોતી જ્યાં એક પગલું ખસે કે તમે સીધા ખીણમાં જઈ પહોંચો! છતાંયે પહાડ જેવી જગાએ પગ લપસતા ગબડી પડવુ પણ કંઈ ઓછું જોખમી અને ભયજનક નથી જ! એ મને પૂછો! મારી બેકપેક એક બાજુ હતી, કેમેરાનું પાઉચ બીજી બાજુ અને હું પોતે ત્રીજી બાજુ! પણ મારા પર પણ મારા પુણેવાલા મિત્રની જેમજ ઇશ્વરની સદકૃપા ઉતરી અને મને પણ ઝાઝી ઈજા ન પહોંચી. મુશ્કેલી વખતે તમારાં અંગો ઘણી વાર કાર્યરત થઈ તમને બચાવી લેતા હોય છે.જેમ મારા હાથે મને વધુ ગબડતા રોકી લીધો અને હું ભયમાંથી ઉગરી ગયો.મારા બીજા મિત્રોએ મને પગલું ખોટી જગાએ અને ખોટી રીતે મૂકવા બદલ ખૂબ ધમકાવ્યો પણ મને સમજાયું જ નહિં કે મારી ભૂલ ક્યાં થઈ હતી.સાવધાની પૂર્વક ઉભા થઈ મે મારે વસ્તુઓ સમેટી લીધી અને ફરી આગળ વધવું શરૂ કર્યું પણ હવે મારા મનમાં એક ડર બેસી ગયો હતો. આગળનું દરેક ડગલું મે અતિ સાવધાનીપૂર્વક અને એક પ્રકારનાં ભય સાથે ભર્યું. ગઈ કાલે આજ માર્ગેથી પસાર થતી વેળાએ મારા મનમાં બિલકુલ ડર નહોતો પણ એક વાર પડ્યા પછી હવે પરિસ્થિતિ જૂદી હતી. છેવટે ચાર-પાંચ કલાકની પદયાત્રા બાદ અમે પર્વતની તળેટીએ પહોંચ્યા.અહિં હવે શરૂ થતાં જંગલ પ્રદેશમાં થઈ બે એક કલાકમાં અમારે ખિરેશ્વર પહોંચવાનું હતું જ્યાંથી ગઈ કાલે અમે અમારી આ અદભૂત યાત્રા આરંભી હતી. અમે બધા ખૂબ ખૂબ થાકી ગયા હતાં. ગઈ કાલે જ્યારે આ જંગલમાં થઈ ને જ અમે ટ્રેક આરંભી ત્યારે અમે બધા કંઈક તદ્દન જૂદી જ લાગણીઓ અનુભવી રહ્યાં હતાં - સ્ફૂર્તિ અને ઉત્સાહથી થનગનતાં! અને અત્યારે?!


અંધારૂ થવાની પણ શરૂઆત થઈ ચૂકી હતી.અંધારૂ સંપૂર્ણ છવાઈ જાય એ પહેલાં આ જંગલમાંથી બહાર નિકળી જવા અમે સૌએ ઝડપ વધારી.પણ સમય જાણે અમારી સાથે સ્પર્ધા કરી રહ્યો! ક્ષણ પ્રતિક્ષણ અંધારૂ વધતું ચાલ્યું અને અમે જંગલ પુરેપુરૂ વટાવીએ એ પહેલા ગાઢ અંધકાર ફેલાઈ ગયો. એ પછીનો અડધો કલાક અમારે ટોર્ચનો ઉપયોગ કરી ચાલવું પડ્યું. છેવટે અમે ખિરેશ્વરની પેલી નાનકડી હોટેલમાં પહોંચી ગયા જ્યાં વાળુ અમારી રાહ જોઈ રહ્યું હતું!

અમારી હરિશચંદ્ર ગઢની આ અવિસ્મરણીય ટ્રેક પૂરી થઈ ગઈ! જીવનભર યાદ રહી જાય એવો યાદગાર અનુભવ! (એટલું મોડું થઈ ગયું હતું કે ખૂબી-ફાટા સુધી તો અમે પુણેરી મિત્રોની બસમાં પહોંચી ગયાં પણ ત્યાંથી મુંબઈ પાછા ફરવા માટે એસ.ટી. બસ ન મળતા અમારે એક ફૂલોથી ભરેલા ખટારામાં ગુણીઓ પર બેસી મુંબઈ પાછા આવવું પડ્યું.એ પણ એક યાદગાર અનુભવ હતો! કલ્યાણ સ્ટેશન પહોંચ્યા રાત્રે બાર ચાલીસે. ત્યાંથીયે દાદરની છેલ્લી લોકલ નિકળી ગયેલી. છતાં છેવટે અમે બધા હેમખેમ પોતપોતાના ઘેર પહોંચી ગયાં.)
કેટલાંક અનુભવો જીવનનાં મૂલ્યવાન આભૂષણ સમાન બની જાય છે,સારે નરસે પ્રસંગે તેમને યાદ કરી તમે પ્રસન્ન થઈ જાઓ છો. આવો જ એક મહામૂલો યાદગાર અનુભવ બની રહી અમારી આ હરિશચંદ્ર ગઢની ટ્રેક!

સમાપ્ત.

ગુરુવાર, 26 નવેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૪)

ગુફામાં વિતાવેલી એ રાત કેટલી ઝડપથી વિતી ગઈ અને છતાંયે એ થોડા સમય માટે માણેલી નિદ્રા કેટલી મીઠી હતી! હું લગભગ સાડા આઠ વાગે ઉઠ્યો જ્યારે મોટા ભાગનાં ટ્રેકર્સ મિત્રો ઉઠીને ફ્રેશ થઈ ચૂક્યા હતાં.અમારે સવારે મહરાષ્ટ્રના દ્વિતીય ઉચ્ચ ગણાતા શિખર પાસે, 'કોંકણ કડા' નામની જગાએ જવાનું હતું.અમે બધા તૈયાર થઈ નિકળી પડ્યા સવારની ખુશનુમા તાજી હવાને શ્વાસમાં ભરતાં અને સુર્યના સુકોમળ તડકાને અંગ પર ઝીલતાં કોંકણ કડા જવા!






માર્ગમાં અપાર હરિયાળી અને સુંદરતા વેરાયેલાં હતાં. માર્ગ મુશ્કેલ ન હતો.(ખરૂં પૂછો તો રાત્રે અમે પસાર કરેલા માર્ગ જેવો જ આ માર્ગ હતો પણ રાત્રે ઘોર અંધારાને કારણે ભયાનક ભાસી રહેલો માર્ગ અમને અત્યારે અજવાળામાં બધું જોઈ શકવાને કારણે સાવ સરળ લાગી રહ્યો હતો!) માર્ગમાં ઠેરઠેર ઝાડીઝાંખરા વચ્ચે આવતા હતાં, જે હાથ વડે ખસેડી અમે ઊંચીનીચી ટેકરીઓ પરથી પસાર થતાં આગળ વધતા હતાં.માર્ગમાં કેટલીક જગાએ અમને મધમાખીઓ મળી અને તેમનાં ગણગણાટ સહિત તેઓ થોડા અંતર સુધી અમારી સાથે આગળ આવતી અને ફરી ગાયબ થઈ જતી.

અમને ડર લાગ્યો પણ કોઈનેય એકેય મધમાખી કરડી નહિં. શહેરમાં ક્યારેય ન જોયા હોય એવા કેટલાય રંગબેરંગી ફૂલો અમે માર્ગમાં જોયાં.કેટલાક આતિ સૂક્ષ્મ તો કેટલાક ઘણી બધી પાંખડીઓવાળા.એ પુષ્પોનું મધ ચૂસી રહેલાં કંઈકેટલાયે જંતુઓ પણ માર્ગમાં જોવા મળ્યા.મને કંઈક નવું જોઉં એ તરત બીજા ને 'wow' કહી દેખાડવાની આદત! અહિ મારું 'wow' 'wow' અટકતું જ નહોતું! સૌએ કેટલાંય મનમોહક ફોટા પાડ્યા.માર્ગમાં કેટલીક નાની નાની નદીઓ પણ આવી.અડધો-પોણો કલાક ચાલ્યા બાદ અમે 'કોંકણ કડા' પહોંચ્યા.



આ એક અતિ રમણીય જગા હતી જે જમીનથી લગભગ ૩૮૦૦ ફૂટની ઉંચાઈએ આવેલી હતી.ત્યાંથી જે દ્રષ્ય જોવા મળ્યુ એ શ્વાસ થંભાવી દેનારું હતું. તેની અપાર સુંદરતાના વર્ણન માટે શબ્દો ઓછા પડે. ઉંચાઈથી ડર લાગતો હોય તેવી વ્યક્તિનું તો ત્યાં કામ જ નહિં. અમે બધાએ પર્વતની ધાર પર સૂઈ જઈ નીચે દેખાતા પ્રદેશનાં દર્શન કર્યા જેથી અમે નિર્ભયપણે અને નજીકથી તેમજ સ્પષ્ટપણે ખીણનું સૌંદર્ય માણી શકીએ. અમે જે જગાએ હતા તેની સામે સહ્યાદ્રીની પર્વતમાળા દ્રષ્ટીમાન થઈ રહી હતી.ડાબી બાજુના પહાડ પરથી નાનાનાના જળધોધ ખાસ્સા અંતરને કારણે સફેદ લટકતી દોરી જેવા દેખાઈ રહ્યાં હતાં જ્યારે જમણી બાજુએ સારા એવા અંતર સુધી સપાટ મેદાન જેવો પ્રદેશ હતો.જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી લીલોતરી જ લીલોતરી પથરાયેલી હતી.



આ જગાની એક લાક્ષણિકતા એ હતી કે અહિંથી તમે કંઈક વજનમાં હલકી વસ્તુ ઉપરથી નીચે નાંખો તો તે નીચે પડી જવાને બદલે ફરી હવામાં ઉપર આવે!ગુરુત્વાકર્ષણનો નિયમ અહિં ખોટો સાબિત થતો હતો!અમે કેટલાંય ફૂલો અને પાંદડા નીચે નાંખ્યા જે હવામાં તરતા તરતા ફરી પાછા ઉપર આવી પડતા જોઈ અમે ખૂબ નવાઈ પામ્યા!કેટલાક મિત્રોએ આ ઘટનાને કેમેરામાં વિડીઓ ફિલ્મ તરીકે ઝીલી પણ લીધી!

બીજી એક વિચિત્ર વસ્તુ એ જોવા મળી કે વાદળા છેક અમારી નજીક સુધી આવતાં પણ પર્વતની ધારથી અમુક ચોક્કસ અંતર સુધી જ! ત્યાંથી એ પાછા ફરી જતાં.તેઓ અમને સ્પર્શ કરી શકે એમ અમારી પાસે ન આવતા.



આ ઘટનાઓ પાછળ ચોક્કસ કોઈક વૈજ્ઞાનિક કારણ જવાબદાર હોવું જોઇએ પણ તેમણે અમને આશ્ચર્યચકિત કરી મૂક્યા એ ચોક્કસ!અહિં પ્રક્રુતિ સાથે અમે અમારા પણ પોતાના તેમજ સમૂહમાં અનેક ફોટાં પાડયાં.અહિં સારો એવો સમય પસાર કરી અમે ફરી ગુફા તરત જવા ચાલવું શરૂ કર્યું.



અમે ગુફામાં પહોંચ્યા ત્યારે અમારી સાથે કોંકણ કડા ન આવેલા મિત્રો તેમજ આવી ને જલ્દી પરત ફરેલા કેટલાક મિત્રો બધા માટે ખીચડી રાંધી રહ્યાં હતાં.કેટલાક લોકો હોય છે જ એવા સેવાભાવી! તેમને બીજાને માટે ખાવાનું બનાવી આપવું, બીજાની સેવા કરવી કે બીજાને મદદ કરવું ખૂબ ગમતું હોય છે અને તેઓ નિસ્વાર્થ ભાવે તેમની આ ફરજ નિભાવતા હોય છે.



મારે આજુબાજુ ફરી ક્યાંક મંદિર હોય તો ભગવાનનાં દર્શન કરવા હતા એટલે મેં બીજા ચાર-પાંચ મિત્રોને તૈયાર કર્યા અને અમે નિકળી પડ્યા આસપાસ કોઇ મંદિરની શોધમાં.
અમને થોડે જ દૂર એક સુંદર પુરાણું શિવ અને ગણેશ મંદિર મળી ગયું જેની આસપાસ કુદરતી સુંદરતા ખોબે ખોબે વેરાયેલી હતી.જાંબલી અને પીળા રંગનાં નાનાનાના પુષ્પો અને લીલાછમ ઝાડીઝાંખરાથી ઘેરાયેલા એ મંદિરમાં એક વર્ષો જૂનું શિવલિંગ, મોટો પથ્થરનો પોઠિયો અને કેસરી સિંદૂર રંગી ગણેશ મૂર્તિ હતાં. અમે દર્શન કરી મંદિરના પરિસરમાં લટાર મારી રહ્યાં હતાં ત્યાં ફરવા નીકળેલું બીજું એક ગ્રુપ અમારી પાસે આવી તેમણે જેની મુલાકાત લીધી હતી એવી એક નજીકમાં જ આવેલી બીજી ગુફા વિષે વાત કરવા લાગ્યું.તેમના કહેવા મુજબ અંધારી એવી તે ગુફા પાણીથી ભરેલી હતી અને તેમાં વચ્ચોવચ્ચ એક મોટું આદમકાય શિવલિંગ હતું. અમે અમારી જિજ્ઞાસા રોકી ન શક્યા અને તરત એ ગુફા અને શિવલિંગના દર્શનાર્થે રવાના થઈ ગયા.



આ જગાની મુલાકાત મારા હરિશ્ચંદ્ર ગઢનાં આ ટ્રેક પ્રવાસનો સૌથી યાદગાર અનુભવ બની રહી.

(એ યાદગાર અનુભવ તથા પરત યાત્રાનું રોચક વર્ણન આવતા અઠવાડિયાના આ ટ્રેક સિરીઝનાં અંતિમ બ્લોગમાં..ત્યાં સુધી આવજો!)

(ક્રમશ:)

ગુરુવાર, 19 નવેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-3)

આ જગાનો પ્રભાવ એટલો સરસ હતો કે અમે બધાં ખૂબ સારી લાગણી અનુભવી રહ્યાં,અમારો બધો થાક ઉતરી ગયો અને અમે તાજામાજા થઈ આગળના પ્રવાસ માટે તૈયાર થઈ ગયાં.અમે ફરી ચાલવું શરૂ કર્યું અને લગભગ સાડાસાત વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા અમારા બીજા 'પડાવ' પર.લગભગ સંપૂર્ણ કહી શકાય એવું અંધારું ફેલાઈ ગયું હતું.વરસાદ થોડો થોડો પડતો હતો - અટકતો હતો.વાદળાં અમારી આસપાસ રમી રહ્યાં હતાં (કે અમે વાદળાંની વચ્ચે રમી રહ્યાં હતાં!)મેં મશ્કરીમાં કહ્યું,"આપણે વાદળાંઓની વચ્ચે છીએ તો ચંદ્ર પણ અહિં ક્યાંક આજુબાજુમાં જ હોવો જોઇએ!" અને લો! ખરેખર ચાંદામામા ડોકાયા નજીકના જ આકાશમાં.રૂપેરી અને અદભૂત સૌંદર્ય મઢ્યો ચંદ્ર ખરેખર દીપી રહ્યો હતો એ આકાશમાં!અને હજી અમે બધાં તેનાં બરાબર દર્શન કરી શકીએ એ પહેલા તો તે ગાઢ ધુમ્મસ પાછળ ફરી લપાઈ ગયો!જાણે અમારી સાથે સંતાકૂકડી ન રમી રહ્યો હોય!



અમે થોડી વાર આરામ કર્યો. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને શરૂ થયો અમારા ટ્રેકનો ત્રીજો તબક્કો.

અમારા ટ્રેકનો ત્રીજો તબક્કો સૌથી વધુ રોમાંચક અને થોડો ભયજનક પણ હતો ! ભયજનક કારણકે અહીં ૭ વાગ્યાની આસપાસ જ રાત પડી ગઈ હતી અને એટલું અંધારું ફેલાઈ ગયેલું કે બાજુમાં ઉભેલા માણસનો ચહેરો પણ તમે જોઈ ન શકો. એટલે જ અમે ટોર્ચ કાઢી હતી ભય લાગવાનું બીજું કારણ એ હતું કે અમે જંગલમાં હતાં , પહાડ પર જ્યાં કોઈપણ પ્રાણી કે અજાણ્યું પશુ અમને માર્ગમાં મળી જઈ શકે એમ હતું!



અમારામાંના દરેક પાસે ટોર્ચ ન હતી એટલે અમે જૂથમા ચાલી રહ્યાં હતાં. જેની પાસે ટોર્ચ હતી એ તે જૂથનો આગેવાન! ત્રીજા તબક્કાનો માર્ગ ખૂબ મુશ્કેલ ન હતો (એ અમને બીજા દિવસે અજવાળામાં એ જ માર્ગે પાછા ફરતી વખતે સમજાયું!) પણ અંધારાએ જાણે અમને પજવવાનું નક્કી કર્યુ હતું! માર્ગના પહેલાં બે તબક્કામાં જેમ ફક્ત બે જૂથ હતાં, તેમ હવે ન હતું અને આ ઘણાં નાના મોટાં જૂથો વચ્ચેનું અંતર પણ સરખું ન હતુ. કેટલાક લોકો ખૂબ આગળ નીકળી ગયાં હતાં તો કેટલાંક ખૂબ પાછળ રહી ગયાં હતાં.


કેટલાંક સ્થળોએ તો લાઈન લાગી હતી! કારણ અંધારું ખૂબ હતું અને આ જગાઓ ખૂબ લપસણી હતી અને તેથી દરેક પગલું ખૂબ સંભાળીને મૂકવાની ફરજ પડતી હતી તો કેટલીક જગાઓએ ફક્ત બે-ત્ર્ણ જણાં રહી જતાં અન્ય ટ્રેકર્સ ન દેખાતાં તેમજ તેમનો અવાજ સુધ્ધા ન સંભળાતાં ડરના માર્યા, એ બે-ત્ર્ણ જણે, બીજા સભ્યો તેમની સાથે ન થઈ જાય ત્યાં સુધી એ જ જગાએ ઊભા રહેવું પડતું ! માર્ગ ઘણી ઊંચીનીચી ટેકરીઓ ભર્યો હતો જેમાં ઘણી જગાએ ગીચ ઝાડી આવતી તો કેટલીક જગાઓએ ખળખળ વહેતાં ઝરણાં અમારાં પગ પલાળી જતાં! એ ઝરણાનું ઠંડુ પાણી જ્યારે પગને સ્પર્શતું ત્યારે જે અનુભવ થતો એનો આનંદ કદાચ શબ્દોમાં નહિ વર્ણાવી શકાય! રાતની નિરવ શાંતીમાં ખળખળ વહેતાં ઝરણાંના પાણીનો ધ્વની પણ અતિ કર્ણપ્રિય સૂર રેલાવી રહ્યો હતો. સુંદર મજાની રાતમાં વરસાદ જાણે ઘડીક થંભી ફરી પાછો અમારી ખબર કાઢવાં આવી જતો કે અમે બધાં સુરક્ષિત તો છીએ ને ?



ઝાડીઝાંખરામાંથી પસાર થતી વખતે મને ખૂબ મજા પડતી! આ ડાળી-ઝાડી-ઝાંખરા માર્ગમાં એવી રીતે પથરાયેલાં હતાં કે તમારે આગળ વધવા બંને હાથનો ઉપયોગ કરી તેમને દૂર કરવા પડે ત્યારે જ આગળનો રસ્તો સાફ થાય! મને એ કરતી વેળાએ એવુ લાગી રહ્યું હતું જાણે હોલિવુડની કોઈ ફિલ્મનો હીરો હોઉં!(જુરાસિક પાર્ક યાદ છે? તેમાં આવાં ધણાં દ્રશ્યો હતાં!).ખબર નહિં કેમ પણ મને જરાયે ડર નહોતો લાગી રહ્યો, સાંજે પણ નહિં અને અત્યારે ઘોર અંધારી રાતે પણ નહિં! આજુબાજુ ચાલી રહેલાં માંરા કેટલાક ટ્રેકર મિત્રોની સ્થિતી એવી ન હતી. તેમની વાતચીતના કેટલાક અંશો સાંભળી તેમજ ટોર્ચની લાઈટમાં જેમનાં ચહેરા જોવા મળ્યાં તે પરથી હું અનુમાન લગાવી શક્યો કે તેઓ ડરી ગયાં હતાં! પણ મને ભય લાગી રહ્યો ન હતો ! હું તો એક સાચા પ્રકૃતિ પ્રેમીની જેમ આ રોમાંચક રાત્રિ- સફરને પેટ ભરીને માણી રહ્યો હતો.
માર્ગમાં મેં ઘણાં નવા મિત્રો બનાવ્યાં. નવાઈની વાત એ હતી કે અંધારા ને કારણે હું આ નવા મિત્રોના ચહેરા પણ જોઈ શકતો નહ્તો! ફક્ત એકબીજાનો અવાજ અમે સાંભળી શકતાં આવી જ એક મિત્ર બની અશ્વિનિ. અશ્વિનિ ખૂબજ બહાદુર હતી અને તેને આ પૂર્વે ઘણાં ટ્રેકસનો અનુભવ હતો. તે અમારા જૂથને ઘણી વાર દોરતી અને જેને ચાલવામાં -આગળ વધવામાં મુશ્કેલી પડી રહી હોય, તેને યોગ્ય ટિપ્સ તેમ જ પોતાન હાથનો આધાર આપી આગળ ધપવામાં મદદ કરતી. અશ્વિનિનો અવાજ તો મધુર હતો જ પણ બીજે દિવસે અજવાળામાં માલૂમ પડ્યું કે તે દેખાવે પણ સુંદર હતી!


હું ગાવાનો શોખીન છું અને મોટે ભાગે કંઈ ને કંઈ ગણગણતો રહેતો હોઉ છું (કેટલીક વારતો અચાનક જ ગાવાનું શરૂ કરી દેવા બદલ મારા મિત્રો મને ટોકતા પણ હોય છે!) પણ આ ટ્રેકમાં મારાં ઘણાં નવાં મિત્રો મારી સાથે ગાવામાં જોડાઈ જતાં!(અશ્વિની પણ બે-ચાર ગીતો મારી સાથે ગાવા લાગી હતી!) કેટલીક જગાઓએ મેં મારા મોબાઈલ પર સ્ટોર કરેલાં સુમધુર ગીતો પણ વગાડ્યાં જે મેં અને મારી સાથે ચાલી રહેલા મારા ટ્રેકર્સ મિત્રોએ મનભરીને માણ્યાં! કેટલાંક ગીતો આસપાસના વાતાવરણને તે સમયે એટલાં અનુરૂપ હતાં કે તે આજુબાજુની સુંદરતાં અને એ સમયના મૂડનો બરાબર પડધો પાડી રહ્યાં! આમ અમારી ટ્રેક યાત્રા સંગીતમય અને રસપ્રદ પણ બની રહી! ઘણાં ટ્રેકર્સ વારંવાર પડી જતાં કેટલાક આખેઆખાં નીચે બેસી જઈ આગળ સરકતાં અને કેટલાક માટે તો ફક્ત ચાલવું પણ જાણે થાકનાં કારણે અશક્ય બની રહ્યું!



પણ અમે બધાં આ રાત્રિ-યાત્રા માણી રહ્યાં હતાં એ ચોક્કસ!ઘણી વાર એવું બન્યું કે આગળ પહોંચી ગયેલાં કોઇક જૂથે કલાકેક સુધી પાછળ આવી રહેલા બીજા જૂથની રાહ જોવી પડી હોય.પણ આ સમયનો પહેલા જૂથનાં સભ્યો સદુપયોગ કરતાં એક બીજા સાથે વાતચીત કરી ઓળખાણ વધારવામાં.આખાં ટ્રેક પ્રવાસ-ચઢાણમાં ખૂબ મજા આવી.અત્યાર સુધીમાં અમે લગભગ ૯ ટેકરીઓ અને ૪-૫ ઝરણાં પાર કર્યા હતાં.



છેવટે અમે એક સપાટ મેદાન જેવાં પ્રદેશમાં પહોંચી ગયાં અને અમને ખ્યાલ આવી ગયો કે અમારું અંતિમ લક્ષ્ય - એ ગુફા જેમાં અમારે બધાએ સાથે રાત વિતાવવાની હતી (જેટલી રાત બાકી હતી એ!) એ હવે નજીકમાં જ હતી.લગભગ અઢી વાગે રાતે અમે ગુફામાં પહોંચ્યાં.ગુફા ખૂબ મોટી ન હતી પણ અમે બધાં (લગભગ ૪૦ જણ) એમાં સમાઈ જઈ શકીએ એટલી જગા એમાં ચોક્કસ હતી!અમે બધાં ગોઠવાઈ જવામાં વ્યસ્ત થઈ ગયાં જ્યારે ટ્રેકીંગ જૂથનાં મુખ્ય સભ્યો અમારા બધાં માટે રાતનું જમણ રાંધવામાં વ્યસ્ત થઈ ગયાં.તેઓ કેટલાં ઉત્સાહી અને શક્તિથી સભર હતાં!



અમારામાંના મોટા ભાગનાં ટ્રેકર્સ તો થાકીને ઠૂસ થઈ ગયાં હતાં અને રાહ જોઇ રહ્યાં હતાં કે ક્યારે ખાઈને સીધું લંબાવી દઈએ જમીન પર બિછાવેલી ચટાઈ પર!ટ્રેક-ડી ગ્રુપનાં મુખ્ય સભ્યોને દાદ આપવી પડે તેઓ આટલે ઉંચે સુધી પોર્ટેબલ સગડી લઈ આવ્યા હતાં અને ઘડી ભરમાં અમારા માટે તૈયાર હતું કાંદા-બટાટાનું શાક, રોટલી અને સુપ! ભૂખ એવી લાગેલી કે અમે તૂટી પડ્યાં ખોરાક પર! સાથે મળીને રાતનું એ સ્વાદિષ્ટ જમણ હરિશ્ચંદ્ર ગઢની એ ગુફામાં લેવાનો લ્હાવો અમે પેટ ભરીને માણ્યો - ત્યાં પેટાવેલી કેટલીક મીણબત્તીઓ તેમજ ટોર્ચીસનાં પ્રકાશમાં!



રાત્રિ ભોજન પતાવ્યાં બાદ લગભગ સાડાત્રણ-ચાર વાગે અમે સુઈ ગયાં. અમે બધાં જે રીતે એ ગુફામાં ગોઠવાઈ ગયેલાં એ જોવા લાયક દ્રષ્ય હતું! બધાં પોતાની સાથે જ ચટાઈ,ઓઢવાની ચાદર કે તૈયાર સ્લીપીંગ બેગ્સ લાવ્યાં હતાં તેનાં પર પડતાંવેત ઉંઘી ગયાં.અને આટલા કપરાં ચઢાણ અને આટલી વિકટ યાત્રા પછી થોડાં જ કલાકની પણ એ મીઠી નિદ્રા પણ અમે ખૂબ માણી!

(બીજા દિવસે સવારે કોંકણ કડા નામની સુંદર જગાએ વિતાવેલી કેટલીક મજેદાર ક્ષણો તેમજ પરત યાત્રાનું રોચક વર્ણન આ ટ્રેક સિરીઝનાં આવતા બ્લોગમાં...ત્યાં સુધી ટાટા!)