Translate

મંગળવાર, 10 નવેમ્બર, 2009

હરિશ્ચન્દ્ર ગઢની ટ્રેક-સફરે...(ભાગ-૨)

અમે અમારી હરિશ્વંદ્ર્ગઢની ટ્રેક શરૂ કરી લગભગ ૪ વાગ્યે સાંજે - ભારે ઉત્સાહ અને ઉંમગભેર - અમારા ભીરુ વાદળોની સાથે! વાતાવરણ મનમોહક હતું અને અમે બધાં ભારે ઉત્સાહિત અને પ્રફુલ્લિત હતાં.ધગશ અને શક્તિ સાથે અમે ત્રણ જૂથમાં ટ્રેકની શરૂઆત કરી.પહેલાં જૂથમાં સૌથી વધુ તરવરિયા અને અનુભવી ટ્રેકર્સ હતાં જેઓ સૌથી વધુ ઝડપે આગળ વધી રહ્યાં હતાં,બીજા જૂથમાં મારો અને મારા મુંબઈવાસી મિત્રોનો સમાવેશ થતો હતો તેમજ ત્રીજા અને છેલ્લા જૂથમાં ધીમે ચાલનારાં પણ ઉત્સાહમાં જરાય પાછાં ન પડે તેવા ટ્રેકર્સનો સમાવેશ થતો હતો.

આ પ્રમાણે જૂથમાં અને એક સાથે ન ચાલવું ઘણી વાર ટ્રેકમાં જરૂરી બની જાય છે કારણ પગદંડી સમાન માર્ગ એટલો સાંકડો હોય કે બધાં એક સાથે ચાલી જ ન શકે.અમે કુલ ૪૦ જણ હતાં આ ટ્રેકમાં - જેમાં ૨૫ યુવાનો અને ૧૫ યુવતિઓ હતાં. એક તો ૪૦ વર્ષથી પણ વધુ વયનાં મહિલા પણ અમારી સાથે હતાં જેમનાં સ્ફૂર્તિ અને ધગશ કાબેલેતારિફ હતાં.તેમણે આ અતિ મુશ્કેલ અને વિકટ ટ્રેક પર આવવાનું નક્કી કર્યું એ જ આશ્ચર્યકારક હતું!



લગભગ અડધો કલાક ચાલ્યા હોઇશું ત્યારબાદ જંગલ શરૂ થયું.ચારેબાજુ લીલોતરી હતી અને ઝરમર ઝરમર વરસાદ પણ પડી રહ્યો હતો.અમારો માર્ગ અમે વચ્ચે આવતાં ઝાડીઝાંખરા,ઝાડ્પાન તેમજ ડાળીઓ દૂર કરતાં કરતાં કાપી રહ્યાં હતાં.મને એવો અનુભવ થઈ રહ્યો હતો જાણે હું ખરેખર નિસર્ગનાં ખોળામાં રમી રહ્યો હોઉં!માર્ગની ભૂમિ સપાટ કે સીધી નહોતી.માર્ગમાં નાનામોટા અનેક પત્થરો પરથી પસાર થઈ અમે આગળ વધી રહ્યાં હતાં.(ઇશ્વરકૃપાથી એ પત્થરો મોટા હોવા છતાં ગોળમટોળ અને ચપટાં હતાં, અણીદાર કે ખરબચડાં નહિં!) લગભગ દોઢ કલાક સુધી અમે આ જંગલ જેવા માર્ગ પર ચાલતા તો ઘડીક ઉપર ચઢતાં આગળ ધપતાં રહ્યાં.આખાં માર્ગમાં વનરાજી ખૂબ મોહક રીતે પથરાયેલી જોવા મળી. પીળાં રંગનાં નાનાંનાનાં ફૂલો આખા માર્ગમાં ઠેરઠેર પથરાયેલાં જોવા મળ્યાં.મારા જૂથે દોઢ કલાક દરમ્યાન ફક્ત એક વાર વિરામ લીધો હતો એક અતિ સુંદર જગાએ જ્યાં રોકાઈ અમે ઘણાંબધાં ફોટા પાડ્યાં.અમારા માર્ગમાંનું જંગલ અતિ સુંદર, ગાઢ અને ઉંડું હતું. ટ્રેકનાં એ સમયગાળા દરમ્યાન જંગલમાં જે વાતાવરણ અને પરિસર જોયાં અને અનુભવ્યાં તેની સ્મૃતિ મારા માનસપટ પર હજી એવીને એવીજ અંકાયેલી છે!



દોઢ-બે કલાક ચાલ્યા બાદ અમારો પ્રથમ પડાવ આવ્યો જ્યાં અમારે ત્રણે જૂથોએ ભેગા થવાનું હતું.પહેલું જૂથ તો અમારી પહેલાં ત્યાં પહોંચી જ ગયું હતું અને અમારા ત્યાં પહોંચ્યા બાદ થોડી જ વારમાં છેલ્લું જૂથ પણ ત્યાં આવી પહોંચ્યું. અમે બધાંએ ત્યાં થોડો આરામ કર્યો, ફોટા પાડ્યાં અને એકબીજા સાથે વાતચીત કરી.વાતાવરણ ધૂમ્મસ ભર્યું અને ધૂંધળું હતું.વરસાદ પણ પડી રહ્યો હતો.






હવે અમારી ટ્રેકનો મુશ્કેલ તબક્કો શરૂ થયો.માર્ગમાં આગળ ભીનાં ખડક આવ્યાં જે વરસાદનાં પાણીથી ભીનાં તો થયા જ હતાં પણ તેમણે લપસણી લીલનાં વાધા પણ પહેર્યા હતાં!કેટલાક ખડકો તો સીધા પણ હતાં જેમનાં પરથી ચાલીને જતી વખતે પકડવા માટે આજુબાજુમાં કંઈ આધાર માટે પણ મળે તેમ નહોતું.તેમનાં પર ઉભા રહેવું કે તેમનાં પરથી પસાર થવું અતિ વિકટ હતું.અમારે બધાએ ખૂબ સાવધાનીપૂર્વક અને એકબીજાની મદદ લઈને આ ખડક પસાર કરવા પડ્યા.પણ અહિં અમને 'ટીમવર્ક' ના પાઠ શિખવા મળ્યાં અને બધાં એકબીજાને ખૂબ સારી રીતે મદદ કરી રહ્યાં હતાં.મુંબઈ અને પુણે ના ટ્રેકર્સ જેવો કોઇ ભેદ રહ્યો નહિં!

અમે બધાંએ એક્બીજાને હાથ આપી, ખડક પર પગલાં કઈ રીતે મુકવા અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશે યોગ્ય ટીપ્સ આપી એ મુશ્કેલ પટ્ટો પસાર કર્યો. અમારા જૂથે ખડક પસાર કરતી વેળાએ દોરડાંનો ઉપયોગ કર્યો નહોતો પણ પહેલાં જૂથ પાસે ટ્રેકમાં મદદરૂપ થઈ શકે એવું દોરડું હતું જેનો ઉપયોગ કેટલાક લોકો એ કર્યો પણ ખરો.આગળ બીજા ૩-૪ ઠેકાણે પગથિયાં આવ્યા અને કેટલીક જગાઓએ લોખંડની રેલિંગ પણ હતી જેનો આધાર લઈ વ્યક્તિ આગળ વધી શકે પણ આ રેલિંગ જે જગાઓએ હતી તે પણ ભયમુક્ત તો નહોતી જ.ફક્ત રેલિંગના કારણે વ્યક્તિ નો ડર સહેજ ઓછો ચોક્કસ થઈ જાય. પણ આવી રેલિંગ સમગ્ર માર્ગમાં બધાં જ ભયજનક સ્થાનો પાસે ન હતી.અમારામાંના કેટ્લાક વારંવાર પડી જતાં ફરી ઉભા થઈ આગળ ચાલતાં ફરી પડી જતાં અને ફરી ઉભા થઈ આગળ વધતાં.કેટલાકે તો પોતાની જાતને આવી મુશ્કેલ ટ્રેક પર આવવા માટે ગાળો પણ આપી!(પણ મને ખાતરી છે તેઓ એ વખતે ગંભીર નહોતાં!)

કેટલાક તો રડી પણ પડ્યા(છોકરીઓ જ તો વળી!) એવી જગાઓએ જ્યાં માર્ગ એટલો સાંકડો અને સીધો ઢોળાવવાળો હતો કે તમારો પગ સહેજ આડોઅવળો થયો કે તમે બીજીજ ક્ષણે ખીણમાં જઈ પહોંચો એમ હતું!એ ખીણ એટલી ભયંકર હતી કે આ લખતી વખતે હું જ્યારે એ વિશે યાદ કરું છું ત્યારે આ ક્ષણે પણ મારા શરીરમાંથી રોમાંચની એક લહેર પસાર થઈ જાય છે! અને આવી તો કંઈ કેટલીય જગાઓ અમે પસાર કરી આ ટ્રેક દરમ્યાન!આખરે અમે એવા એક સપાટ મેદાન જેવા પ્રદેશ પર પહોંચી ગયા જ્યાંથી નીચે દેખાઈ રહેલું દ્રશ્ય હ્રદયંગમ અને અપાર અપાર સુંદર હતું.અહિંથી આખી સહ્યાદ્રીની હારમાળા દેખાઈ રહી હતી.(હવે આ જરા અતિશયોક્તિ થઈ!)અને કુદરતી સૌંદર્ય ... ન પૂછો વાત!હું એ શબ્દોમાં નહિં વર્ણવી શકું.એ સાંજનો આકાશનો એ મનભાવન રંગ કદાચ મેં આ પહેલા કદિયે નિહાળ્યો નહોતો!વિખરાયેલા વાદળાં જાણે એ નૈસર્ગિક અપ્રતિમ સુંદર ચિત્રની શોભા વધારી રહ્યાં હતાં!





આ જગાનો પ્રભાવ એટલો સરસ હતો કે અમે બધાં ખૂબ સારી લાગણી અનુભવી રહ્યાં,અમારો બધો થાક ઉતરી ગયો અને અમે તાજામાજા થઈ આગળના પ્રવાસ માટે તૈયાર થઈ ગયાં.અમે ફરી ચાલવું શરૂ કર્યું અને લગભગ સાડાસાત વાગ્યાની આસપાસ અમે પહોંચ્યા અમારા બીજા 'પડાવ' પર.લગભગ સંપૂર્ણ કહી શકાય એવું અંધારું ફેલાઈ ગયું હતું.વરસાદ થોડો થોડો પડતો હતો - અટકતો હતો.વાદળાં અમારી આસપાસ રમી રહ્યાં હતાં (કે અમે વાદળાંની વચ્ચે રમી રહ્યાં હતાં!)મેં મશ્કરીમાં કહ્યું,"આપણે વાદળાંઓની વચ્ચે છીએ તો ચંદ્ર પણ અહિં ક્યાંક આજુબાજુમાં જ હોવો જોઇએ!" અને લો! ખરેખર ચાંદામામા ડોકાયા નજીકના જ આકાશમાં.રૂપેરી અને અદભૂત સૌંદર્ય મઢ્યો ચંદ્ર ખરેખર દીપી રહ્યો હતો એ આકાશમાં!અને હજી અમે બધાં તેનાં બરાબર દર્શન કરી શકીએ એ પહેલા તો તે ગાઢ ધુમ્મસ પાછળ ફરી લપાઈ ગયો!જાણે અમારી સાથે સંતાકૂકડી ન રમી રહ્યો હોય!

અમે થોડી વાર આરામ કર્યો. બધાએ પોતપોતાની ટોર્ચ કાઢી અને શરૂ થયો અમારા ટ્રેકનો ત્રીજો તબક્કો.

(રાત્રિનાં ટ્રેક-પ્રવાસનું વર્ણન થોડાં વધુ ફોટા સાથે હવે પછીનાં બ્લોગમાં! ત્યાં સુધી રાહ જુઓ!!!)

3 ટિપ્પણીઓ:

  1. ખૂબ સુંદર ફોટા છે!અદભૂત વર્ણન પણ છે!તારા શબ્દો જાણે કાવ્યાત્મક છે...

    - સૂરજ બંગેરા(મુંબઈ)

    જવાબ આપોકાઢી નાખો
  2. અદભૂત ટ્રેક...અપ્રતિમ કુદરતી સુંદરતા...ફોટા પણ સુંદર રીતે પાડ્યા છે...

    - દેવેન્દ્ર પૂરબિયા(બેંગલોર)

    જવાબ આપોકાઢી નાખો
  3. અદભૂત! અદભૂત ફોટા! વૈવિધ્યભર્યું આંખ સામે ચિત્ર ખડું કરી દેનાર વર્ણન...હું જાણે વાંચતા વાંચતા ખરેખર ત્યાં પહોંચી ગઈ!દરેક વખતે જ્યારે મને નિસર્ગની નિકટતા માણવાનું મન થાય છે ત્યારે ત્યારે હું તમારો બ્લોગ વાંચવા બેસી જાઉં છું અને તમારા સુંદર ફોટાઓ જોવા લાગું છું.એ મારી ચિંતાઓ હણી લે છે અને મને ખૂબ શાંતિનો અનુભવ થાય છે.તમારા આ પ્રવાસ પછી તમે બ્લોગ લખવાનું ઓછું કરી નાંખ્યું લાગે છે. તમારે વધુ બ્લોગ્સ લખવાં જોઇએ.
    - મીરા મેનન(કોલકાતા)

    જવાબ આપોકાઢી નાખો