Translate

સોમવાર, 26 ઑક્ટોબર, 2009

બે દ્રશ્યો

(ગેસ્ટ બ્લોગ - સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ દ્વારા)
રોજ સાંજે પાંચ-સાડાપાંચ વાગે મારી બાલ્કનીમાંથી એક હ્રદયસ્પર્શી દ્રષ્ય જોવાની ટેવ પડી ગઈ છે. મને આ દ્રષ્ય જોઈ જીવનનાં પડકારોને ઝીલવાની પ્રેરણા મળે છે.

રેલ્વે ટ્રેક ક્રોસ કરીને એક અપંગ વ્યક્તિ માટેની વ્હીલચેર જેવી સાઇકલ પોતાના નાજુક હાથથી હેન્ડલવડે ચલાવતી એક ૧૧-૧૨ વર્ષની સુઘડ અને સૌમ્ય એવી એક બાળાને હું રોજ જોઉં છું.સાથે તેનો ૮-૯ વર્ષની ઉંમરનો લાગતો ભાઈ સાઇકલની ગતિ સાથે તાલ મિલાવી દોડતો જોવા મળે.બન્ને અવનવી વાતોમાં એવા મશગૂલ હોય અને તેમ છતાં રસ્તા પરની ટ્રાફીક-ગીર્દી પ્રત્યે સંપૂર્ણ સાવધાન હોય.મને લાગે છે તે બાળા પોલિયોગ્રસ્ત છે છતાં તેના ચહેરા પર કોઈ દુ:ખ, લાચારી કે હિનતાનાં ભાવ નથી જોવા મળ્યા.ઉલટું તેના ચહેરા પર સંયોગો સામે લડવાની ખુમારી, હિંમત અને વિશ્વાસ ભરપૂર છલકે છે.સાથે ભાઈની પણ બહેન પ્રત્યે દરકાર,કાળજી,વાત્સલ્ય વગેરે લાગણીઓ સ્પષ્ટપણે છલકાઈ આવે છે.આવું વિરલ દ્રષ્ય જોઇને તેમનાં જન્મદાતા - વડીલો દ્વારા સંયોગોને સમજવાનાં ને સ્વીકારવાનાં સંસ્કાર આ બાળકોને આપવા બદલ તેમને સલામી આપવાનું મન થાય છે.

જ્યારે એનાથી તદ્દન વિપરીત દ્રષ્ય મારા પાડોશીને ત્યાં મેં જોયું.તેમની બે પુત્રીઓની વર્તણૂંક - વાણીની તુમાખી - પરસ્પર ચીડ - અસંતોષ જોઈ સવાલ થાય છે કે કહેવાતા શિક્ષિત મા-બાપ તેમનાં સંતાનોને સંતોષ-આત્મવિશ્વાસ-લાગણીના સંસ્કાર આપવામાં જરૂર ઉણા ઉતર્યા છે.

સુલોચના ભણશાલી, ચૂનાભટ્ટી - મુંબઈ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો