Translate

ગુરુવાર, 17 મે, 2018

ગુજરાતી ફિલ્મ - રેવા


નવેમ્બર ૨૦૧૭માં ગુજરાતી ફિલ્મ 'લવની ભવાઈ' વિશે એક બ્લોગપોસ્ટમાં લખ્યું હતું. ગત અઠવાડિયે સુંદર ફિલ્મે ૨૫ અઠવાડિયા સળંગ ચાલી રજત જયંતિ પૂરી કરી. છે એટલી મજાની ફિલ્મ! દસ-બાર વર્ષ પછી રજત જયંતિ પૂરી કરવાનું બહુમાન મેળવનાર આ ગુજરાતી ફિલ્મ લવની ભવાઈની આખી ટીમને હાર્દિક અભિનંદન! લવની ભવાઈ બાદ આવેલી અન્ય એક ગુજરાતી ફિલ્મ 'ચલ મન જીતવા જઈએ' પણ ટેક્નિકલી એક મજબૂત ફિલ્મ હતી અને પણ મને ગમેલી.
સારી ફિલ્મની ખૂબી હોય છે કે તેની ભાષા કોઈ પણ હોય - હિન્દી,અંગ્રેજી,મરાઠી કે ગુજરાતી પણ તમે તેની સાથે કનેક્ટ થઈ શકો છો,તેને માણી શકો છો. બસ શરત એટલી છે કે તે બધાં ખાતાઓમાં શ્રેષ્ઠ હોવી ઘટે - ફિલ્માંકન,સંગીત,સંકલન,દિગ્દર્શન,પટકથા વગેરે વગેરે. હવે વટથી કહી શકાય કે ગુજરાતી ફિલ્મોનો યુગ ફરી આવ્યો છે! દર મહિને - બે મહિને સારી ગુજરાતી ફિલ્મ રજૂ થાય છે અને હિટ પણ જાય છે.
ગત માસે રિલિઝ થયેલી વધુ એક ગુજરાતી ફિલ્મ 'રેવા' થોડી મોડી જોઈ  પણ મને અનહદ ગમી. હ્રદયસ્પર્શી અને વિચારશીલ એવી ફિલ્મ મૂળ ધ્રુવ ભટ્ટ લિખિત ગુજરાતી નવલકથા 'તત્વમસી' પર આધારીત છે. નવલકથા તો  મેં વાંચી નહોતી પણ ફિલ્મ જોયા બાદ તરત ઓનલાઈન ઓર્ડર કરી દીધી છે. જેના પર આધારીત કૃતિ આટલી સરસ છે તે મૂળ નવલકથા તો કેટલી રસપ્રદ હશે!
રેવા જોતા જોતા મને બે-ત્રણ સારી હિન્દી ફિલ્મોની યાદ આવી ગઈ. એક હતી શાહરુખ ખાન અભિનીત સવદેશ તો બીજી હતી આમિર ખાન અભિનીત લગાન.  રેવા જોતા જોતા ક્યાંય કચાશ લાગે. એમાં કેટલાક દ્રષ્યો તો એટલી સુંદર રીતે શૂટ કરાયા છે કે જે તમારા મન પર અમીટ છાપ છોડી જાય. ફિલ્મના મોટા ભાગનાં ગીતો પણ જેણે લખ્યાં છે અને પટકથા સહ-લેખક તરીકેની પણ ફરજ બજાવનાર ફિલ્મનો મુખ્ય અભિનેતા ચેતન ધનાણી ફિલ્મનો હીરો છે તો 'રેવા' એટલે કે નર્મદા નદી પણ જાણે ફિલ્મનું એક મુખ્ય પાત્ર બની રહે છે જેની મુખ્ય ધરીની આસપાસ ફિલ્મની વાર્તા પરિક્રમા કરે છે. ફિલ્મમાં નર્મદા મૈયાની પરિક્રમા - પરકમ્મા પણ એક મુખ્ય અંશ - મુદ્દો છે જેના વિશે ઘણાંને ફિલ્મ દ્વારા જાણવા મળ્યું હશે. દિવસે નર્મદા તરીકે ઓળખાતી નદીનું રાતનું સ્વરૂપ રેવા તરીકે ઓળખાય છે એવી માહિતી પણ ફિલ્મના એક ડાયલોગ દ્વારા મળે છે.
ફિલ્મની હીરોઈન મોનલ ગજ્જર ખુબ સુંદર લાગે છે અને તે ભારતીય પરંપરાગત વસ્ત્રોમાં ખુબ શોભે છે. અન્ય સહાયક અભિનેત્રીઓમાં રુપા બોરગાઓકર અને સેજલ શાહ પણ નોંધપાત્ર રહે છે. યતિન કાર્યેકર, દયા શંકર પાંડે જેવા હિન્દી ફિલ્મો-ટીવીના કલાકારો પણ ફિલ્મને વધુ જોવાલાયક બનાવે છે. તો પ્રશાંત બારોટ,મુનિ ઝા,અભિનય બેન્કર,અતુલ મહાલે,ફિરોઝ ભગત જેવા કલાકારો નો અભિનય ફિલ્મને વધુ માણવાલાયક બનાવે છે. મારા મિત્ર ગુજરાતી ફિલ્મોના સુપરહીટ હીરો મલ્હાર ઠાકર અને 'વ્હાલા' મનોજ શાહ અતિથિ ભુમિકામાં સરપ્રાઈઝ પેકેજ સમા બની રહ્યાં! ફિલ્મના સંવાદોમાં આદિવાસી ભાષાનો પ્રયોગ,વસ્ત્ર પરિભૂષા  માણવા ગમે એવા છે.
 રાહુલ ભોલે અને વિનિત કનોજિયાના નામ મેં તો ફિલ્મના દિગ્દર્શક તરીકે પહેલી વાર સાંભળ્યા,પણ તેમણે ફિલ્મ ચિત્રીત કરવામાં જે મહેનત ઉઠાવી છે તે પ્રશંસનીય છે અને ફિલ્મની દરેક ક્ષણોમાં એ આબાદ ઝીલાય છે. સંગીત અને સિનેમેટોગ્રાફી ફિલ્મને વધુ ઉંચા સ્તરે લઈ જાય છે.  ફિલ્મ માટે પસંદ કરાયેલા લોકેશન્સ - જંગલ, ગામડાં, પહાડ, ઘાટ, નદી, મંદીરો વગેરે અતિ નયનરમ્ય છે. મેં ક્યાંક વાંચ્યું કે ફિલ્મની ટુકડીએ અમુક દ્રષ્યોનું ફિલ્માંકન કરવા અનેક રાતો જંગલમાં અને નદી કિનારે સૂમસામ વિસ્તારમાં વિતાવી હતી પણ તેમની મહેનત લેખે લાગી છે. કેટલાક દ્રષ્યો સંમોહક અસર ઉભી કરે છે જેમ કે નર્મદા મૈયાને જે રીતે બિત્તુબંગાની જોડી તીર-કામઠાનો ઉપયોગ કરી સાડી ઓઢાડે છે, નદી વાંકાચૂકા રસ્તે ભેડાઘાટ પાસેથી પસાર થતાં યાત્રીઓને નૌકા વિહાર કરાવે છે, કાલીમાતાના દર્શન માટે હીરો ગુફાઓમાં જાય છે, બિત્તુબંગાની જોડી ખંડિત થાય છે, હીરો પોતાની પરકમ્મા પ્રારંભે છે, રેવામા પોતે નાનકડી બાળકી સ્વરૂપે આવી તેને વિરલ અનુભૂતિ કરાવે છે અને તેનો જાન બચાવે છે વગેરે. છેલ્લે એક દ્રષ્ય જ્યારે હીરો તેની માતા સમાન રેવા મૈયાના ખોળે પોતાનું ખોળિયું જાણે સમર્પિત કરી દેતો હોય તેમ આકાશ ભણી તાકતા નદીના પાણી પર સૂઈ જાય છે તે મારા માટે તો ફિલ્મની સર્વશ્રેષ્ઠ ક્ષણ બની રહી જેમાં ભૂરા રંગના પ્રભાવે મારા મન પર એવી ભૂરકી નાંખી કે દ્રષ્ય માનસપટ પરથી કલાકો સુધી હટતું નહોતું!
ફિલ્મના નિર્માતા પરેશ વોરા અને ફિલ્મ સાથે સંકળાયેલા દરેકે દરેક કસબી-કલાકારો અને અન્ય ટીમ મેમ્બર્સને સલામ, સલામ, સલામ! મોટા પડદે જોવા લાયક ફિલ્મ હજી જોઇ હોય અને સારી ફિલ્મો જોવાનો શોખ ધરાવતા હોવ તો અચૂક રેવા ફિલ્મ જોવાની તક ઝડપી લેશો.

શનિવાર, 12 મે, 2018

બળબળતા ઉનાળામાં અબોલ પશુઓની સેવા

ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આપણે ગરમીથી બચવાના અનેક ઉપાયો કરી લઈએ છીએ - જેમ કે એર કન્ડિશન્ડ ઓરડામાં ભરાઈ રહેવું,ઠંડુ ઠંડુ પાણી જ્યારે જોઇએ ત્યારે અને જેટલી માત્રામાં જોઇએ એટલું પીવું, આઈસ્ક્રીમ ખાવો, સુતરાઉ કપડા પહેરવા વગેરે વગેરે. પણ વિચાર કરો નદી-નાળા સુકાઈ જાય, પાણીની કમી હોય ત્યારે રસ્તે રઝળતાં કે માત્ર કુદરતી સ્રોતો પર આધાર રાખનારાં પશુ-પંખીઓ કાળઝાળ ગરમીથી બચવા શું કરે?
૧૨મી એપ્રિલ ૨૦૧૮ના દિવસે મારી મુંબઈ - વાંદ્રાના બી.કે.સી. વિસ્તારમાં આવેલી ઓફિસમાં સાંજે પાંચેક વાગે મને મારી ઓફિસના સિક્યુરીટી ગાર્ડ તરફથી ફોન આવ્યો  કે  ઓફિસના ગેટ પાસે એક મોટી સમડી જમીન પર પડી ગઈ છે અને તેને મદદની જરૂર છે. મેં તેને સૂચના આપી કે હું યોગ્ય વ્યક્તિ કે સંસ્થાનો સંપર્ક કરું ત્યાં સુધી તેને એક ખાલી ખોખામાં ઉપાડીને મૂકી રાખે. તેણે તેમ કર્યું અને મેં બર્ડ-એનિમલ હેલ્પલાઈન સંસ્થાનો સંપર્ક કર્યો ૮૬૫૫૩૭૦૦૦૫ નંબર પર. તરત સંસ્થા સાથે સંકળાયેલા સોનલ બહેને મને પ્રતિભાવ આપ્યો કે તેઓ કોઇકને મારી ઓફિસ સુધી મોકલી આપશે અને મારે પક્ષીને જે આવે તેને સોંપી દેવું. બદલામાં એક પણ પૈસાની અપેક્ષા રાખ્યા વગર સંસ્થા સાથે સંકળાયેલા અબોલ પશુઓના સેવક યુવામિત્રો અને  કાર્યકરો જે - તે જગાએ મદદની જરૂર હોય તેવા પ્રાણી કે પક્ષી પાસે નિસ્વાર્થ ભાવે પહોંચી જાય છે અને તેમને બચાવી લે છે. મારી ઓફિસ સુધી દોઢેક કલાકમાં એક યુવા કાર્યકર મિત્ર સાંજે પેલી સમડીને બચાવવા આવી પહોંચ્યો અને જે ખોખામાં સમડીને મૂકી રાખી હતી તે સાથે તેને સારવાર અર્થે લઈ ગયો. પ્રાથમિક દ્રષ્ટીએ જોતા તેણે જણાવ્યું કે સમડીને ઉનાળાની સખત ગરમીને કારણે પાણી પીવા મળતા ડીહાયડ્રેશનને કારણે ગળે શોષ પડ્યો હશે અને ચક્કર આવતા તે જમીન પર પડી ગઈ હશે.
                ઉનાળાની શેકી નાખે તેવી ભયંકર ગરમીમાં મોટા ભાગના પશુ-પક્ષીઓ આવી સમસ્યાનો શિકાર બને છે. તેમને પીવાનું પાણી ઓછું મળે છે કે ક્યારેક તો કલાકો સુધી મળતું નથી. તેઓ તો ફરીયાદ કરવા પણ કોને જાય? સમસ્યાનો કંઈક અંશે હલ લાવવાનું બીડું ઝડપ્યું છે મુંબઈના કાંદિવલીમાં રહેતા ૭૧ વર્ષના જીવદયા પ્રેમી ધનસુખલાલ વિઠ્ઠલજી મહેતાએ. તેઓ પોતાના ઘરનાં પૈસામાં તેમને લોકો તરફથી દાનમાં મળતી રકમ ઉમેરી પશુ-પંખીઓ માટે પાણીના માટી-સિમેન્ટ કે પ્લાસ્ટીકના કૂંડા બનાવે છે અને મફતમાં તેનું વિતરણ કરે છે.
રીટાયર્ડ એવા ધનસુખભાઈનું માનવું છે કે મૂર્તિપૂજા કરતા લોકો જીવ-પૂજા (અર્થાત અન્ય જરૂરિયાતમંદ મનુષ્યો કે અબોલ પશુ-પંખીઓની સેવા) કરતાં થાય તો પૃથ્વી પરથી ઘણું દુ: ઓછું થઈ જાય. છેલ્લાં ૩૫ વર્ષથી તેઓ સમજ સેવા-કાર્ય સાથે સંકળાયેલા છે. વર્ષો પહેલા તેમણે એક કૂતરાને ફીનાઈલ વાળું પાણી પી જતાં તરફડીને મરી જતા જોયું ત્યારથી તેમને અબોલ પશુ-પક્ષીઓની તૃષા છિપાવવા કંઈક કરવાનો વિચાર આવ્યો.આજે ઘણાં વર્ષોથી તેઓ પોતાને ખર્ચે રંગબેરંગી ફરફરીયા છપાવે છે અને દુકાનોમાં, મંદીરોમાં કે જાહેર જગાએ તેને લગાડવા કહે છે જેમાં સમજ સેવાની પ્રેરણા આપતા સંદેશાઓ લખેલા હોય છે.
                વખતે પણ તેમણે સિમેન્ટના લગભગ દોઢસો,પ્લાસ્ટીકના બસ્સો અને માટેના ત્રણસો જેટલાં કૂંડા પશુપક્ષીઓની તરસ છિપાવવા બનાવડાવ્યાં છે અને તેઓ લોકોને મફતમાં લઈ જવા તથા પોતપોતાના ઘરની આસપાસ કે યોગ્ય સ્થળે મૂકવા વિનંતી કરે છે. તમારે પણ જો આવું કુંડૂ જોઇતું હોય તો તમે સ્થળોએથી તે પ્રાપ્ત કરી શકો છો : મલાડ રેલવે સ્ટેશન બહાર પશ્ચિમ તરફ આવેલ મોટું જૈન દેરાસર ; બોરિવલીના સાંઈબાબા નગર - સાંઈબાબા રોડ પર પંચરત્ન બિલ્ડીંગ ખાતે રહેતા હસમુખભાઇ શાહના નિવાસસ્થાન, કાંદિવલી પૂર્વમાં ચિલ્ડ્રન્સ એકેડેમી સ્કૂલની ગલીમાં અશોક ચક્રવર્તિ ક્રોસ રોડ પાસે શાંત મનોર બિલ્ડીંગમાં ધનસુખભાઈના નિવાસસ્થાનેથી.
                ધનસુખભાઈ એ લાખો રુપિયાનું દાન એકઠું કરી ગુજરાતના ધોરાજી પાસે આવેલા જામ કંદોણા ગામમાં ૧૮૦૦ ગાયો માટે ગૌશાળા બંધાવી ઘણું ઉમદા કાર્ય કર્યું છે, આ જ ગામમાં તેમણે ૪૦૦ જેટલા લીમડાના વૃક્ષો રોપાવ્યાં છે તેમજ દહાણુ પાસે આવેલા વૃદ્ધાશ્રમ તેમજ માનસિક રીતે અસ્થિર લોકોના આશ્રમ સાથે પણ તેઓ સંકળાયેલા છે અને જીવસેવાનું ઉદાહરણીય અને અનુકરણીય કામ તેઓ કરે છે. ઘરની બહાર નીકળે એટલે પાર્લે-જી બિસ્કીટના પાકીટ્સ તેમની પાસે હોય જ જે તેઓ રસ્તે ભિખ માગતા બાળકો કે મૂગા પશુઓને ખવડાવે છે. ક્યારેક તેઓ પોતાની ઘેર રાખેલા પશુઓ માટેના સ્ટીલના પાણીના કૂંડામાં સાકર ભેળવે છે જેથી પશુઓને પણ શરબત જેવું પાણી પીધાનો આનંદ અને સંતોષ પ્રાપ્ત થાય!
               ધનસુખભાઈ મહેતાનો તમે ૮૧૦૮૮૩૬૯૪૯ આ નંબર પર સંપર્ક કરી શકો છો.
               બીજી એક વાત સાથે આજનો બ્લોગ લેખ પૂરો કરીશ. થોડા મહિના અગાઉ પણ રસ્તે ચાલતા મને એક ચામાચિડીયાનું બચ્ચું દિવસ દરમ્યાન એક ઝાડ નીચે પડેલું મદદ માટે હવાતિયા મારતું નજરે પડ્યું. રસ્તા વચ્ચે તેને કઈ રીતે મદદ કરવી? ચામાચિડીયાને દિવસે દેખાતું નથી અને આ તો વળી નાનકડું બચ્ચું. જો હું ઓફિસ જવામાં મોડું થશે એમ વિચારી તેને હતું ત્યાંનુ ત્યાં મૂકી ચાલ્યો જાત તો કાગડો કે અન્ય પંખી તેને હેરાન કરત અથવા મારી નાખત કે પછે તે કોઈના પગ નીચે આવી કચડાઈ મરત આથી મેં તેની મદદ કરવાનો નિર્ણય કર્યો. બાજુમાં એક મોટી ઓફિસના બિલ્ડીંગનો ગેટ હતો અને તેના સિક્યુરીટી ગાર્ડને મેં એકાદ ખાલી ખોખાની વ્યવસ્થા કરી આપવા વિનંતી કરી પણ તેણે નિસહાયતા દર્શાવી. હવે શું કરવું? તરત મને વિચાર સ્ફૂર્યો. મારી ઓફિસની બેગમાં પ્લાસ્ટીકના ડબ્બામાં સૂકો નાસ્તો હતો તે મેં એક કોથળીમાં ખાલી કરી નાખ્યો અને ડબ્બો લૂછી ચોખ્ખો કરી બાજુમાં પડેલી સળી અને ચમચીની મદદથી ચામાચિડીયાના બચ્ચાને ડબ્બામાં મૂકી દીધું. પછી ઓફિસ જઈ બર્ડ - એનિમલ હેલ્પલાઈનને ફોન કર્યો અને તેના કાર્યકર્તા થોડી વાર રહીને ચામાચિડીયાના બચ્ચાને લઈ ગયાં. તેઓ પશુ-પંખીને લોઅર પરેલ ખાતે આવેલી પ્રાણીઓની હોસ્પિટલમાં લઈ જાય છે અને યોગ્ય સારવાર બાદ તેને તેના કુદરતી રહેઠાણમાં મુક્ત મુકી દે છે. આ પ્રસંગ શેર કરવાનો આશય એટલો કે જો તમે પશુ-પંખીઓની ખરા હ્રદયથી મદદ કરવા ઇચ્છતા હશો તો માર્ગ અને સાધન ઘણાં જડી આવશે. બસ યાદ રાખવાની જરૂર છે કે ધનસુખભાઈના કહ્યાં પ્રમાણે જીવ સેવા એ જ પ્રભુ સેવા છે.
           

શનિવાર, 5 મે, 2018

વેકેશનમાં મામા ને ઘેર...

       વેકેશન અને મામાનાં ઘર વચ્ચે એક અનેરો સંબંધ છે. પ્રસંગોપાત મામાને ઘેર જવાનું તો બનતું હશે પણ વેકેશન પડે એટલે મામાનું ઘર અચૂક યાદ આવે. મારાં બંને સંતાનો હાલ તેમનાં મામાને ઘેર મહેસાણામાં વેકેશનની મજા અને ઉનાળાની ગરમી માણી રહ્યાં છે અને હું પણ એક પ્રસંગે હાજરી આપવા મારા મામા ને ઘેર સૂરત આવ્યો છું અને વેકેશન તો નહીં પરંતુ નિરાંતની કેટલીક સુખમય પળો માણી રહ્યો છું. આ બ્લોગ લખતી વેળા એ વિચારો ના વમળ મનમાં જાગ્યા છે. સમય વિતતો જાય છે અને પરિવર્તનનું ચક્ર ફરતું ફરતું ઘણું બધું બદલી નાખતું રહે છે.
       મામાના ઘેર જમવામાં ગુંદાનું શાક બનાવવાની તૈયારી થઈ રહી છે. આ ગુંદા જોઈ ઘણી બધી જૂની યાદો તાજા થઈ જાય છે. ત્રણેક દાયકા અગાઉ મારા બચપણમાં વેકેશનમાં જોયેલી, માણેલી ઘટના અને બાબતો ગુંદા યાદ અપાવી જાય છે. ત્યારે ઉનાળાની ગરમી વેકેશન સાથે અથાણા, કેરી, પત્તાની રમતો, બટાટાની કાતરી, ખીચીયા પાપડ, નવો વેપાર, ચૂરણ, પેપ્સી અને આવું તો કઇંક લઈ આવતી. ક્યાં ગાયબ થઈ ગયું આ બધું? 
          રાઇ અને મેથીના પીળા કુરિયા ઉકળતા તેલમાં લાલ મરચાં સાથે પડોશમાં રહેતાં એક માસી પાસે મમ્મી ખાસ રીતે મિશ્ર કરાવતી અને તેમાં હળદરમાં પલાડેલા લીલી કાચી કેરીના પીળા કટકા નાખી અથાણું બનાવાતું જે કાચ ની બરણીમાં ભરી આખું વર્ષ ખાવા માટે વપરાતું. આ આખી પ્રક્રિયા જોવાની ખૂબ મજા પડતી. હળદરમાં પલાડેલા કાચી કેરીનાં એ કટકા તડકે સૂકાવા મૂક્યા હોય ત્યારે ચોરીને ખાવાની મજા આજના બાળકો ક્યાંથી માણી શકવાના જ્યારે બેડેકરનાં ઇન્સ્ટન્ટ અથાણાંનો વપરાશ આપણને કોઠે પડી ગયો છે. કેરીનાંએ પીળાં કટકાનો તીવ્ર સ્વાદ હજી મારી દાઢમાં સચવાયો છે. 
     ગુંદામાંથી દસ્તા વડે તેને તોડીને તેનાં ચીકણા બી કાઢવાની ક્રિયા પણ એટલી જ મજેદાર રહેતી. આ ગુંદા અને કરંદાનું અથાણું પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. 
       બટાટા બાફી ગરમ ગરમ પાણીમાં નાંખી તેની છાલ ઉતારવાનું કામ પરાણે મમ્મી પાસેથી આંચકી લેતાં અને પછી તેમાંથી સળી આકારની કાતરી કે ખાસ પ્રકારની છીણી પર છોલી કાણા કાણાવાળી બટાટાની કાચી વેફર તૈયાર કરવાની ક્રિયા જોવાની મજા પણ અનોખી હતી. પછી એને ઉકળતા તેલમાં તળાય ત્યારે થતો છમ્મ કરતો અવાજ હજી કાનમાં ગુંજે છે. આજે બાળકોને જે ખૂબ ભાવે છે તેવી મૅકડોનાલ્ડ ની ફ્રેંચ ફ્રાઈસ કદાચ આ બટાટા ની કાતરીનું જ બદલાયેલું સ્વરુપ છે. 
      ખીચીયા પાપડ બનાવવા ખાસ પ્રકારનું મશિન વપરાતું જેમાં લીસ્સા બે સફેદ ગોળાકાર ડિશ જેવા ભાગ પર તેલ લગાડી વચ્ચે લોટનું ગુલ્લું મૂકી ઉપર દંડા જેવાં હાથાથી દબાણ આપવાનું એટલે ગુલ્લાંમાંથી સરસ મજાનો ગોળાકાર કાચો પાપડ તૈયાર થઈ જાય. તડકામાં જૂની સાડી છાપરા કે ચારપાઇ પર પાથરી તેના પર આ ગોળાકાર કાચા પાપડ કતાર બદ્ધ સૂકાવા મૂકાય. આવા દ્રશ્યો હવે ભાગ્યે જ જોવા મળે છે. 
         કેરી, ચૂરણ અને કેસરી રંગ ની ઓરેન્જ ફ્લેવર વાળી કે કાળાશ પડતા રંગ ની કાલાખટ્ટા ફ્લેવર વાળી પેપ્સીની મજા જોકે હજી ઉનાળામાં આજના બાળકો પણ માણતાં જોવા મળે છે ખરા ક્યારેક. પેપ્સી ત્યારે ચાર આનામાં મળતી અને હવે તો પાવલી નું ચલણ જ બંધ થઇ ગયું છે. પત્તાની રમતો, નવો વેપાર કે અન્ય એ જમાનાની રમતોનું સ્થાન હવે મોબાઈલ દ્વારા છીનવી લેવાયું છે.
            વિચાર આવે છે કે જ્યારે આજ નાં બાળકો મોટા થશે ત્યારે સમય ચક્રએ કેવું પરિવર્તન આણ્યું હશે? ત્યારે આજ નાં મોટાં થયેલાં બાળકો પાસે પણ વેકેશનમાં માણેલી સુખદ સ્મૃતિઓનો કેવોક ખજાનો હશે? આશા રાખીએ કે ત્યારે પણ વેકેશન અને મામાનું ઘર મનમાં આવા જ સ્પંદનો જગાડી શકે!

ગેસ્ટ બ્લોગ : માનવતાની મ્હેક


                                                         - નીતિન વિ મહેતા.      

જાણીતા લેખક અને ચિંતક સ્વ. હરિભાઈ કોઠારીએ એક વાર પોતાના પ્રવચન દરમિયાન કહ્યું હતું કે, “યોગી ના થવાય તો કાંઈ નહિ, પણ ઉપયોગી અવશ્ય થાજો.” ગહન સાધના કર્યા પછી, યોગી તો થઈ શકાય છે, પરંતુ બહુ ઓછા આ ક્ષેત્રે સફળ થાય છે. માટે યોગી થવું આમ ઘણું અઘરું છે.જ્યારે માણસ તરીકે કોઈને ઉપયોગી થવું આસાન છે. માનવતાની મ્હેંક ફેલાવવાનો આ જ તો સરળ માર્ગ છે.
                                   માનવીની આશા અપેક્ષાઓનો કોઈ અંત નથી. દરેક વ્યક્તિનું જીવન સંઘર્ષમય હોય છે. ક્યાંક ને ક્યાંક તેને અભાવો ને ઓછપોનો સામનો કરવો પડે છે. કશુંક ખૂટે ત્યારે કોઈની પાસેથી સહાયની આશા બળવત્તર બને છે. માત્ર આર્થિક રીતે જ મદદર રૂપ થવું, મહત્વનું નથી, પણ બીજી અનેક રીતે માણસ માણસને ઉપયોગી થઈ શકે છે, શરત ફક્ત એટલી જ કે તેમાં શુધ્ધ ભાવના અને નિઃસ્વારથી સ્વભાવ હોવો જરૂરી છે.
                                    ભાવનગરના પ્રસિધ્ધ શાયર નાઝીર દેખૈયાનો એક શેર છે,
                                 “ હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
                                 હું માગું ને તું આપી દે  એ વાત મને મંજુર નાથી”
અહી એવી ખુમારી છે કે ભગવાનની પાસે પણ માગવું નથી અપેક્ષા એ છે કે માગ્યા વિના મળી જાય, પણ આ ખુમારી વધુ ટકતી નથી. હતાશ થએલા માનવને તો આખરે ઈશ્વરને ચરણે નમવું પડે છે. એક  સામાન્ય ઉક્તિ છે કે પ્રભુ, બધું સારુ જ કરશે . આ આસ્થાનું પ્રતીક છે.
                                  માણસને માણસમાં વિશ્વાસ છે તેને ખાત્રી છે કે ક્યાંકથી તો સહાય મળશે જ સ્વજન, મિત્ર, કે કોઈ અજાણી વ્યક્તિ, સામાજિક કાર્યકર કે સંસ્થા મદદે  આવશે. લાગણીને ઠેસ ન પ્હોંચે એમ સમસ્યાનો ઉકેલ મળી જાય છે. સામે સહાય લેનાર વ્યક્તિ ઋણ ચૂકવવાની જવાબદારી નિભાવે તે વ્યવહારિક છે, જ્યારે કેટલાક તેમાં છળ કપટ કરે છે, જે યોગ્ય નથી. આવી વ્યક્તિ ક્ષમાને ક્યારે ય  લાયક નથી. એમ કહેવાય છે કે અંગત પાસેથી અપેક્ષા રાખવી એ ગુનો નથી, પણ અપેક્ષા માટે અંગત બનવું એ ગુનો છે.
                                   સ્વના અહંકારને ઓગાળી અન્યને ઉપયોગી થવું યોગ્ય છે. કોઈના પર કરેલા ઉપકારનો ઢંઢેરો પીટવો, જરા પણ ઉચિત નથી. કોઈ પ્રજ્ઞાચક્ષુને રસ્તો ઓળંગવામાં મદદ કરવી એ નૈતિક ફરજ છે, જે દયા ભાવનાથી પર હોવી જોઈએ અને તેમાં ઉપકાર કર્યાની ગંધ ન હોય તો આ કરેલી સહાય તેની સાત્વિકતાની  ચરમ સીમાએ છે, તે નિઃશંક બાબત છે.
                                   ભૂલા પડેલાને માર્ગ ચીંધવો, દુઃખીને માનસિક હૂંફ આપવી કે કોઈના ખાલીપણાને ઉત્સાહથી છલોછલ છલકાવી દેવામાં જ ઉપયોગી થવાની સાર્થકતા છે. જેની ઝોળી ખાલી છે, તે લાયક છે તેને આપવામાં સાર છે,પરંતુ જેની પાસે ઘણું હોવા છતાં યાચના કરે, તેની તો ઉપેક્ષા જ કરવી રહી.
                                    કવિ મકરંદ દવેની પંક્તિ છે,
                  “ પોતાની વાંસળી પોતે બજાવીએ, રેલાવી દઈએ સૂર
                    ઝીલનારો એને ઝીલી લેશે ભલે, પાસે જ હોય કે દૂર”
                                   વિનોબા ભાવેએ  ત્યાગ અને દાન વચ્ચેનો ભેદ સમજાવતા કહ્યું હતું કે ત્યાગીને ભોગવવું એ જ માનવ ધર્મ છે. સુપાત્રને કરેલું દાન યોગ્ય છે, કુપાત્રને આપેલું વ્યર્થ છે.કેટલાકને દાન કર્યા પછી પ્રસિધ્ધિની ભૂખ હોય છે, તો કોઈને મન ગુપ્ત દાનનું મહત્વ છે. રચનાત્મક કાર્યોમાં પોતાનો યથા શક્તિ ફાળો આપવાનું જે સદભાગ્ય તેમને મળ્યું છે, તે માટે તેઓ આનંદ અને સંતોષની લાગણી અનુભવે છે.
                                   અન્યનું છીનવી લેવું, એ વિકૃતિ છે, પોતાની પાસે થોડું રાખી બીજાને આપવું, એ પકૃતિ છે, પણ પોતાની પાસે હોય, તેની વધારે જરૂર જેને હોય, તેને આપી દેવું, એ સંસ્કૃતિની નિશાની છે. સમર્પણની આવી ભાવના એ જ તો માણસનું શ્રેષ્ઠ આભૂષણ છે.
                                  આખરે તો ઉપયોગી થવું એટલે, ફળદ્રુપ ભૂમિ ઉપર વરસવું, નહીં કે અફાટ રણમાં.
                      .                                                                           
નીતિન વિ મહેતા.