Translate

રવિવાર, 24 ફેબ્રુઆરી, 2013

ગેસ્ટ બ્લોગ : પંગુતાએ કંઈ શ્રાપ નથી

- શરદ દોશી


સૃષ્ટિ એક અજબગજબનું સ્થાન છે. જાતજાતની અજાયબી જોતા થાકો જ નહી! કુદરતના અજબગજબ સર્જન સમા માનવમાં પણ અનેક વિવિધતા દેખાય છે. શરીરની રચનાનું મેકેનિઝમ તો દંગ કરી દે તેવું હોય છે અને એમા ઘણાંને બધા અંગ નથી પણ હોતા. હાથ નથી, આંખમાં ખામી, બહેરાશ, પોલીઓ વગેરે વગેરે. અપંગપણું, અપૂર્ણતા આવા માણસને અન્ય સામાન્ય માણસથી જુદો પાડે છે.

એક વાર એક ભિખારી જંગલમાં બેઠો બેઠો ઇશ્વરને ગાળો આપતો હતો કે, “હે ઇશ્વર તે મને કશુ જ આપ્યું નથી.” ત્યાંથી એક ફકીર પસાર થતા હતા. તેમણે આ સાંભળ્યું. તેમણે ઉભા રહી તે ભિખારીને કહ્યું ,”તુ તારી એક આંખ આપ, હું તને પાંચ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના.” ફકીર કહે,”બન્ને પગ આપ, વીસ હજાર રૂપિયા આપું.” ભિખારી કહે “ના”. ફકીર દરેક અંગ પૈસાથી મુલવતો ગયો. તેની કિંમત લાખોમાં થતી હતી. અંતે ફકીર બોલ્યો, “ઇશ્વરે આટલી બધી સંપત્તિ આપી છે તો ગાળો કેમ ભાંડે છે?” પણ વાસ્તવિક જીવનમાં જ્યારે એકાદ અંગ રૂપી સંપત્તિ ન હોય અથવા ઉણપ વાળી હોય તો ?

Life is Worth Living. જીવન જીવવા જેવું છે. મધુર છે. ખૂબ અનુભવવા જેવું છે. આ માણસનો સ્વભાવ છે. કોઇ પણ વાતાવરણમાં એ સમન્વય કરી સમાન રહેવા માંગે છે. પાછળ રહેવું ગમતું નથી. તે વાતાવરણને પોતાનું બનાવવા માંગે છે. એવું કહેવાય છે કે એક ઈન્દ્રિયમાં ઉણપ હોય તો એની ખોટ બીજી ઈન્દ્રિયો પૂરી પાડે છે, તેમની સતેજતા વધી જાય છે. હેલન કેલર, સ્વ. પટોડી નવાબ, રૂઝવેલ્ટ બીથોવન, પંડિત સુખલાલજી, ક્રિકેટર ચંદ્રશેખર - એમનાં કાર્યો અને સિધ્ધીઓ પ્રેરણાદાયી છે. એમનાં જીવનસંગ્રામ તેમને બીજાથી અલગ પાડે છે.

વિકસિત દેશોમાં અપંગો માટે ખાસ કાળજી ને ટ્રેનિંગ આપવામાં આવે છે. ત્યાં જાગ્રુતિ છે. ત્યાં વિમાનમથકોમાં અપંગો માટે જુદા શૌચાલયો ફરજીયાત છે. આપણે ત્યાં જાગ્રુતિનું પ્રમાણ ઓછું છે. આપણે ત્યાં ગત જન્મનાં કર્મને લીધે થયું એમ સ્વીકારી લેવામાં આવે છે. આથી કાળજી લેવામાં ઉપેક્ષા થાય છે. આ આપણું દુર્ભાગ્ય છે. એમના માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલાં પૈસાનો યોગ્ય ઉપયોગ થતો નથી.

આજે અપંગ લોકોને સમાજની હૂંફ, પ્રેમ, કાળજી મળે તો તેઓ વધારે સારી રીતે સંઘર્ષ કરી શકે અને સંઘર્ષમાં સગવડતા ઊભી થાય, જેથી સંઘર્ષ થોડો હળવો બને. અપંગ છે તેથી શુ? તેમને પણ જીવન જીવવાનો અધિકાર છે. તેઓ વધું સારૂં જીવે એ આવશ્યક છે. અકસ્માતે ઉણપ મળી છે એને પૂર્વગ્રહરહિત સમાજનો સાથ-સહકાર જોઇએ છે.

ઘણાં લોકો અકસ્માતથી અપંગ બને છે.દા.ત. દાઝવાથી, ટ્રેનના પાટા ઓળંગતા, બેફામ બાઇક, મોટર ચલાવતાં, તેમજ અનેક રીતે થતાં અકસ્માતો, ખોટા સાહસથી પડી જવાથી વગેરે. આ વિશે થોડી કાળજી લેવાય અને એવા પ્રસંગો ઓછા બને તો કુટુંબનો અને સમાજનો બોજો ઓછો થઈ શકે. હેલમેટ પહેરી બાઇક ચલાવાય તો સારૂં જ છે.

૧૯૮૧નું વર્ષ International Year for Disabled Person (IYDP) તરીકે ઉજવાયું હતું. એને ઘણો સમય પસાર થઈ ગયો છે. ભારત સરકાર આવું વર્ષ જાહેર કરે અને હિતનાં કાર્ય ને બળ પૂરૂં પાડે.

અપંગોને જીવવા માટે પ્રભુ નવું બળ ને શક્તિ આપે. અપંગો જીવનને શ્રાપ ન ગણે. નદીકિનારે ઉભેલી હોડીમાં બેસે, ઈશ્વરને પ્રાર્થના જરૂર કરે પણ હલેસા પણ મારે. બંધાયેલી હોડી છોડવાનું ભૂલે નહી.


‘મૂકમ કરોતી વાચાલમ પંગૂમ લંઘયતે ગિરીમ

યત્ક્રુપા તમ હમ વંદે પરમાનન્દ માધવમ ‘

શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

આપણી આસપાસનાં પરિસર વિશેની કેટલીક રસપ્રદ વાતો

કરોડો વર્ષ પહેલાં આપણી પ્રુથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ. એ જીવ તો નરી આંખે દેખાય પણ નહિ તેવો એક કોષી સજીવ હતો અને પછી કાળક્રમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા બીજા સજીવો અસ્તિત્વમાં આવ્યા. માણસ તો કેટલાંયે વર્ષો બાદ જન્મ્યો. મનુષ્ય પાસે એવું અમોઘ,અપૂર્વ અને અજોડ શસ્ત્ર હતું જેની મદદથી તે બીજા સર્વે સજીવો કરતાં ચડિયાતો અને શ્રેષ્ઠ સાબિત થયો - બુદ્ધિ, મગજ, મન. પણ સાથે જ તેનામાં અન્ય જીવોમાં જોવા ન મળતી હોય એવી પણ કેટલીક લાગણીઓ ભગવાને મૂકી - લાલચ,સ્વાર્થ,વેરઝેર લેવાની વૃત્તિ વગેરે. તેની વધુને વધુ પ્રાપ્ત કરવાની એષણા બળવત્તર બનતી ચાલી અને તેમ તેમ તે કુદરત પ્રત્યે, અન્ય સજીવો પ્રત્યે બેપરવા થતો ચાલ્યો. કેટલાક સજીવોનું તો તેણે નિકંદન કાઢી નાંખ્યું અને કેટલાક સજીવોને આજે મનુષ્યે દુર્લભ જીવોની યાદીમાં મૂકી દીધાં છે.


કુદરત સજીવોની એક સાંકળ રચી છે જેમાં એક સજીવના અસ્તિત્વનો આધાર બીજા સજીવની સંખ્યા કે અન્ય કેટલાક પરિબળો પર રહે છે. પણ પ્રગતિ પાછળની આંધળી દોટમાં મનુષ્ય ક્યાંક ક્યાંક આ જૈવિક સાંકળ તોડવા કે તેને નુકસાન પહોંચાડવા પાછળ જવાબદાર બન્યો છે.

કેટલીક સંસ્થાઓએ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનનું બીડું ઝડપ્યું છે અને તેમણે મનુષ્યે પ્રકૃતિને કરેલા મસમોટા નુકસાનની થોડે ઘણે અંશે ભરપાઈ કરવાનું ભગીરથ સત્કાર્ય હાથે ધર્યું છે. આવીજ એક સંસ્થા છે B.N.H.S. (બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાઈટી) (શિવસેના વાળાઓએ અહિં પણ ‘બોમ્બે’ નું ‘મુંબઈ’ કરવા દબાણ કરી આ સંસ્થાની હેડઓફિસ માં તેનું નામ લખ્યું હતું તેના અક્ષરો પર કાળો રંગ લગાડી તેમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો! રે મનુષ્ય!) આ બી.એન.એચ.એસ સંસ્થાનું વાર્ષિક કોર્પોરેટ સભ્યપદ હું જ્યાં કામ કરું છું એ કંપનીએ લીધું છે. અમારી ઓફિસમાં અમે એક 'ગો ગ્રીન' જૂથ બનાવ્યું છે જે પર્યાવરણની જાળવણી અને તેના સંવર્ધનને લગતા પગલા લે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. આવા જ એક કાર્યક્રમમાં અમે બી.એન.એચ.એસના એક નિષ્ણાત પ્રાણીવિદ કૌસ્તુભ ભગત ને થોડા મહિના અગાઉ 'વિશ્વ પ્રાણી દિવસ' નિમિત્તે અતિથિ વક્તા તરીકે આમંત્રિત કર્યા અને તેમણે એકાદ કલાક જે ચર્ચા અમારા સૌ સાથે કરી અને આપણી આસપાસના સજીવો વિષે જે અસામાન્ય અને રસપ્રદ માહિતી પૂરી પાડી તે હું આપ સૌ સાથે આજના બ્લોગ થકી વહેંચીશ.

આજકાલ આપણી આસપાસ કોયલ પક્ષીના મધુર ટહુકા વધુ પ્રમાણમાં સાંભળવા મળે છે.શું આ બાબતનો કોઈ ચોક્કસ અર્થ હોઈ શકે ખરો? કોઈ કલ્પના ખરી? આપણી આસપાસના વિસ્તારમાં કચરો સાફ કરવા વાળા રજા ઉપર હોવા જોઇએ અથવા આપણી આસપાસના વિસ્તારમાં ગંદકી વધી રહી છે. નવાઈ લાગી ને? હા! હવે આ હકીકતનું સાચું કારણ જાણીએ. કોયલ એક અતિ આળસુ પંખી છે અને તે કદી પોતે માળો બાંધી તેમાં ઈંડા મૂકતી નથી. તેના ઈંડા કાગડાના ઈંડાને મળતા આવતા હોવાથી કોયલબેન કાગડાના ઈંડા ભેગા પોતાના ઈંડા ભેળવી દે છે! હવે કાગડો ભલા એમ શાને કરવા દે? મૈત્રેયીબેન મહેતાના થોડા સમય અગાઉ લખાયેલા ગેસ્ટબ્લોગમાં તેમણે જણાવ્યા મુજબ કાગડો એક ચતુર પક્ષી છે. પણ કોયલબેલડું સાથે મળી કાગડા સાથે કપટ કરે છે. પોતાના મધુર સ્વરથી કોયલ નર કાગડા સામે બેસી કુ ઉ ઉ....કુ ઉ ઉ… કરે છે એટલે કાગડાને એમ લાગે છે કે કોયલ ઇંડા મૂકવા આવી છે અને તે ઉડીને સામે બેઠેલ કોયલને ચાંચ મારી ભગાડી મૂકવા પ્રયત્ન કરે છે અને નર કોયલ ચતુરાઈ પૂર્વક થોડે દૂર ઉડી બેસી જાય છે.કાગડો તેનો પીછો કરે છે અને આ બાજુ કોયલબેન ખાલી પડેલા કાગડાના માળામાં કાગડાના ઇંડા ભેગા પોતાના ઇંડા મૂકી દે છે. દેખાવમાં બિલકુલ સરખા લાગતા ઇંડામાં કાગડો ઇંડાઓ વચ્ચે ભેદ પારખી શકતો નથી.આમ આળસુ કોયલ માળો બાંધવાની અને ઇંડા સેવવાની પળોજણમાંથી બચી જાય છે!

હવે જ્યાં કચરો અને ગંદકી વધે ત્યાં તેના પર નભતા અન્ય ચકલી, કબૂતર અને સમડી જેવા પંખીઓની સંખ્યા પણ વધે. થોડા સમય અગાઉ વધતા જતા શહેરીકરણ અને મોબાઈલ ટાવરોની સંખ્યાને લીધે ચકલીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયેલો નોંધાયો હતો. પણ આજકાલ ફરી ચકલીઓ દેખા દેવા માંડી છે. વધતી જતી ગંદકી અને કચરો આનું કારણ હોઈ શકે છે!

બીજી એક રસપ્રદ વાત કૌસ્તુભે એ કરી કે પ્રાણી-પંખીઓને કુદરતી ઘટનાઓની જાણ અગાઉથી થઈ જતી હોય છે. આથી કેટલાક પ્રદેશોમાં લોકો જે તે વર્ષે વરસાદ કેટલો પડશે તેની આગોતરી માહિતી, કાગડો પોતાનો માળો કેટલી ઉંચાઈ પર બાંધે છે તેના પરથી મેળવતા હોય છે. કાગડાને આ અંગે અંદેશો આવી જતો હોય છે આથી જે વર્ષે વરસાદ વધુ પડવાનો હોય તે વર્ષે તે પોતાનો માળો ખૂબ ઉંચે ઝાડ પર બાંધે છે!

પંખીઓ સાથે કૌસ્તુભે બે હાથની હથેળીઓ ભેગી કરો ત્યારે બને, એટલા કદનું, વિશ્વનું સૌથી મોટું પતંગિયું બોરિવલીના નેશનલ પાર્કમાં જોવામાં આવ્યું હોવાની અને પતંગિયા જેવા જ દેખાતા પણ અલગ પ્રજાતિના ફૂદા એટલે કે ‘મોથ’ અને તેમની વચ્ચેના મૂળ ફરકોની રસપ્રદ ચર્ચા કરી.

ઘેર બેઠાં કચરાને એક માટલામાં ભરીને કુદરતી ખાતર બનાવતા તો તેણે શિખવ્યું જ અને એવી ઉપયોગી માહિતી પણ આપી કે જ્યાં સુધી નોન-વેજ ખોરાકનો કચરો આ માટલામાં ન નાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી બિલકુલ વાસ પણ આવશે નહિ! પોણા ભાગનું માટલું ભીના અને સૂકા કચરાથી ભરાઈ જાય એટલે તેમાં પા ભાગ માટી ઉમેરી થોડા દિવસ રાખી મૂકવાનું. ખાતર તૈયાર! તમારા ઘરે બનાવેલા બગીચા કે બાલ્કનીમાં ઉગાડેલા છોડ-વેલા માટે આ ઉત્તમ ખોરાક છે.

ગરોળી અને તિતિઘોડા જેવા ડર ઉપજાવનારા જીવો પ્રત્યે લોકો સૂગ ધરાવે છે અને તેમને તરત મારી નાંખે છે આથી તેમના વિશે વધુ માહિતી મેળવવા મેં કૌસ્તુભને પૂછ્યું કે શું આ જીવો ઝેરી કે મનુષ્યને નુકસાનકર્તા હોય છે? જવાબ મળ્યો "ના". બહુજ ઓછી પ્રકારની ગરોળી કે ઘો ઝેરી હોય છે જે વિદેશના જંગલોમાં જ જોવા મળે છે. આપણા ઘરની ભીંત પર જોવા મળતી ગરોળી ઝેરી હોતી નથી. લીલા રંગનો કૂદાકૂદ કરતો તિતિઘોડો પણ બિનઝેરી હોય છે.

જંતુભક્ષી વનસ્પતિ વિશે પણ અતિ રસપ્રદ માહિતી કૌસ્તુભે અમને પ્રશ્ન કરીને આપી કે શા માટે આ વનસ્પતિ નાના કીટકોનું ભક્ષણ કરે છે? જવાબ એ છે કે તે એવા પ્રદેશમાં ઉગે છે જ્યાંની જમીનમાં તેની વ્રુદ્ધિ માટે જરૂરી પોષક તત્વો હાજર હોતા નથી આથી કુદરતે તેને જીવડાંઓને પોતાના પ્રત્યે આકર્ષિત કરી તેમનું ભક્ષણ કરી જવાની ખાસિયત,લાયકાત કે ક્ષમતા જે કહો તે, આપી. જેથી તે આ જીવોને આરોગી તેમનાં શરીરમાંથી એ જરૂરી પોષક તત્વો મેળવી લે!

આ અને આવી બીજી અનેક વાતો જાણવા તમે પણ B.N.H.S. નું સભ્ય પદ લઈ શકો છો અથવા તેમના દ્વારા નિયમિત બોરિવલીના નેશનલ પાર્ક કે ગોરેગાવ અથવા થાણે વિસ્તારમાં યોજાતી નેચર ટ્રેલ્સમાં ભાગ લઈ શકો છો. બાળકોને નિસર્ગમાં રસ લેતા કરવા આ એક ઉત્તમ વિકલ્પ છે. તેઓ ફોર્ટની તેમની હેડ ઓફિસ પાસે તો પ્રાણી-પંખી-જંતુઓનું આખું સંગ્રહાલય ધરાવે છે. વિદેશથી શિયાળામાં મુંબઈ આવતા ફ્લેમિંગો પંખી જોવાનો કાર્યક્રમ કે પુણેમાં વર્ષમાં એક જ વાર ખીલતા ખાસ ફૂલોની ભૂમિનો પ્રવાસ કે દેશ વિદેશના નેશનલ પાર્ક્સની વ્યવસ્થિત ગાઈડેડ ટૂર તેઓ અવારનવાર યોજે છે.પર્યાવરણની જાળવણી અને સંવર્ધનની દિશામાં ઘણું મહત્વનું યોગદાન આપનારી આ સંસ્થાનો સંપર્ક 2282 1811 આ નંબર પર કરી શકાય છે અથવા તેમની વેબસાઈટ 'www.bnhs.org' ની મુલાકાત લઈ તેમના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો.

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

દ્રૌપદી અને દામિની

હું તને દામિની કહું કે નિર્ભયા? તારું સાચું નામ તો જાહેર જ નથી થયું ને! જો કે તને અહિં મળી આનંદ થયો એમ નહિ કહું કારણ તારે તો હજી ઘણું જીવવાનું હતું, તારા જેવી ઝિંદાદિલ યુવતિ પૃથ્વી પર ઘણું પરિવર્તન લાવી શકી હોત... ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે બીજાઓનું દુ:ખ,તેમની શારીરિક પીડા કંઈક અંશે ઓછી કરી શકે એ માટે જ તે ફિઝિઓથેરાપીસ્ટ બનવાનું પસંદ કર્યું હતું.પણ પેલાં છ નરપિશાચોએ તને અસહ્ય પીડાના સાગરમાં ડૂબાડી દઈ તારા પર અમાનૂષી અત્યાચાર ગૂજાર્યો. તારા જેવી આશાભરી યુવતિનું અકાળે મોત નિપજાવી ફરી અસતરૂપી રાક્ષસે સત ઉપર જાણે વિજય મેળવ્યો છે...


તે મને ઓળખી કે નહિ?હું મહાભારતની દ્રૌપદી. હું તો થોડી આખાબોલી હતી અને મેં કૌરવોનું અપમાન કરેલું તેનો બદલો વાળવા ભરસભામાં દુશાસને મારા ચીર ખેંચવાનો પ્રયાસ કર્યો પણ તેં તો તે કોઈનું અપમાન પણ કર્યું નહોતું તો તને કઈ ભૂલની સજા મળી એ વિચારે હું ઉદ્વિગ્ન થઈ જાઉં છું. અને મારા સદનસીબે મારા પરમસખા ક્રુષ્ણ યથાસમયે હાજર થઈ મારી લાજ બચાવી પણ કમનસીબે ઘોર કળિયુગની ૧૬ડિસેમ્બરની એ કાળ રાત્રિએ તારો મિત્ર તારી સાથે હોવા છતાં એ પેલાં છ-છ નરાધમોના દુષ્ક્રુત્યથી તને બચાવી શક્યો નહિ.

હું પ્રાચીન ભારતની કે કહો કે મહાભારતની પાંચાલી અને તું અર્વાચીન યુગના, આજના દિશાવિહીન ભારતની એક બદનસીબ યુવતિ. ભલે આપણી વચ્ચે હજારો વર્ષોનું અંતર હશે પણ ભારતીય સ્ત્રીની, મારા સમયની સ્થિતી કરતા આજના વૈશ્વિકરણનો ડંકો બજાવતા સમયની સ્થિતીમાં ઝાઝું પરિવર્તન નથી આવ્યું. કે પછી એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે પુરૂષ પ્રધાન સમાજના આજના પુરૂષની સ્ત્રી પ્રત્યે જોવાની દ્રષ્ટીમાં બિલ્કુલ ફેર નથી આવ્યો.મસમોટી કંપનીની ચેરમેન આજે અનેક નારીઓ બની હોવા છતાં મોટા ભાગના ભારતીય પુરૂષો હજી તેને પગની જૂતી જ ગણે છે કે પછી માત્ર એક ભોગવવાનું સાધન.

ભારતનો આજનો સમાજ દંભી છે.એક તરફ સ્ત્રીશક્તિને દેવી તરીકે લક્ષ્મી,સરસ્વતી,દુર્ગા વગેરે અનેક રૂપે તેને પૂજે છે પણ જ્યારે ઘરની દિકરી,પત્ની,માતા કે બહારની અન્ય કોઈ સ્ત્રીને સન્માન તો દૂરની વાત રહી પણ પૂરું માન સુદ્ધા પ્રાપ્ત થતું નથી. પુત્રજન્મે પેંડા વહેંચતો સમાજ પુત્રી જન્મે ત્યારે એટલો ખુશ નથી થતો.આજે પણ 'પુત્રવતી ભવ...' ના જ આશિષ ગર્ભવતી સ્ત્રીને અપાય છે.પુત્ર અને પુત્રી વચ્ચે વિદ્યા કે કોઈ પણ અન્ય વસ્તુમાં પ્રાધાન્ય પુત્રને જ અપાય છે. પુત્ર રાતે મોડો પાછો ઘેર આવેતો તેની વધુ પૂછ્પરછ કરાતી નથી પણ પુત્રી કોઈ યુવક સાથે વાત સુદ્ધા કરે તો તેના પ્રત્યે લાલ આંખ કરાય છે.

હદ તો ત્યારે થાય છે જ્યારે બળાત્કારની ઘટના બને તેની દોષી પણ સ્ત્રીને ઠેરવવાની ચેષ્ટા થાય છે. સ્ત્રી ટૂંકા કપડા પહેરે છે કે અભદ્ર વસ્ત્રપરિધાન કરે ત્યારે બળાત્કાર થાય છે!સ્ત્રી મોડી રાત સુધી ઘરની બહાર ફરે ત્યારે બળાત્કાર થાય છે.મોડી રાત સુધી બહાર ભટકી બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે છતાં તેના મોડી રાત સુધી બહાર ભટકવા અંગે કોઈ પ્રશ્ન કે વાંધો નથી ઉઠાવાતો.બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે તો તેના પર પાબંદી લગાવો ને રાતે અમુક સમય બાદ બહાર નિકળવા પર! સ્ત્રીસમાનતાની ફક્ત વાતો જ થાય છે.

સાચું કહું, તારા પર થયેલા અમાનુષી અત્યાચાર બદલ વિરોધ નોંધાવવા સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી ત્યારે મને ખુબ ખુશી થઈ હતી અને એક આશા બંધાઈ હતી કે હવે પરિવર્તન આવશે.પણ મને લાગે છે મારી આ આશા ઠગારી જ નિવડવાની.પોલીસો એ નક્કર પગલા લેવાની જગાએ ઉલટો એ નિર્દોષ યુવક-યુવતિઓ પર લાઠીચાર્જ કરી તેમનો રોષ શમાવી દેવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહિ પણ ત્યારે આ દેશના સર્વોચ્ચ વડા એવા મનમોહન સિંહ તેમના નામમાં આવતા સિંહ શબ્દને સાર્થક કરી શકે એવું ગુનેગારો વિરુદ્ધ કંઈક બોલવું તો દૂર રહ્યું પણ જનતાને બાંહેધરી આપતા બે શબ્દો બોલવા પણ જનતા સમક્ષ ન આવ્યા કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિનું આસન શોભાવતા હોવા છતાં જનતાને હૈયાધરણાંના બે શબ્દો પણ ન કહી શક્યા? અરે તેમના સગા પુત્રે તો આંદોલનકારી યુવતિઓનું તેમને 'ડેન્ટેડ અને પેઈન્ટેડ' કહી અપમાન કર્યું ત્યારે તેને ઠપકાના બે શબ્દ પણ તે ન કહી શક્યા અને તેમની દિકરીએ જાહેર માફી માગી આ બંને પિતાપુત્રની લાજ રાખી. ગાંધીજીતો અન્યાય સામે જીવનના અંત સુધી ઝઝૂમ્યા હતા ને? તો તેમની જ અટક ધરાવતા ભારતના સૌથી વગદાર કુટુંબનું એક પણ સભ્ય તારી તરફેણમાં તુ જીવિત હતી ત્યાં સુધી કે રસ્તા પર ધસી આવેલા લોકોને શાંત કરવા બે શબ્દો પણ બોલવા જાહેરમાં ન આવ્યું. અરે આ બધા તો ન બોલ્યા એનું ગાણું હું ગાઈ રહી છું પણ જે બોલ્યા તેમણે તો કેવો બફાટ કર્યો! ગોડમેન ગણાતા આસારામ બાપુએ તો તને જ દોષી ઠેરવી!તે નરાધમો ને ભાઈ કહ્યા હોત કે બે ચાર મંત્રો ભણ્યા હોત તો તું એ અત્યાચારમાંથી બચી ગઈ હોત અને આજે જીવતી હોત આવી મૂર્ખતાભરી વાત કરનારના લાખો અનુયાયીઓ કઈ રીતે હોઈ શકે?આંધ્રના એક નેતાએ કહ્યું આપણા દેશને આઝાદી રસ્તા પર અડધી રાતે રખડવા નથી મળી.તો અન્ય એક નેતાએ તો કહ્યું બળાત્કાર 'ઇન્ડિયા'માં જ થાય છે અને ભારતમાં નહિ!તેમનું તો માનવું એમ પણ છે કે સ્ત્રીએ ઘરમાં પૂરાઈ રહી પતિ અને અન્યોની સેવા જ કરવી જોઇએ તેમાં જ ધર્મ છે!

હવે ભલા જ્યાં સુધી ભારત આવા ઉલ્લુઓના ભરડામાં ફસાયેલો હશે,જ્યાં સુધી કેટલાયે ગુનેગારો અને બળાત્કારીઓ જ તેના સંસદના સભ્યો બની ભોળી (કે મૂર્ખ) પ્રજા પર રાજ કરતાં હશે ત્યાં સુધી કેવી રીતે બળાત્કાર કે અન્ય ગુનાઓનું પ્રમાણ ઘટી શકે?

કેટલાક અન્ય પ્રશ્નો પણ મને મૂંઝવે છે. ભારતમાં અદ્યતન હોસ્પિટલો હોવા છતાં તને સિંગાપોર શા માટે લઈ જવામાં આવી? તારા કેસની સુનવણી બંધ બારણે શા માટે? અરે, તે કોઈ ભૂલ કરી જ નથી અને હવે તો તું પ્રુથ્વી પર પણ નથી,છતાં તારી ઓળખ છતી ન કરવાનું કોઈ કારણ?રાજકારણની મેલી રમત મારા સમયમાં પણ રમાતી અને આજે પણ એટલીજ પ્રવર્તમાન છે.

આ પ્રશ્નો છે જેના ઉત્તર કદાચ ભોળી એવી તું નહિ જાણતી હોય પણ જો એ કોઈ ભડવીર ઉઠાવે. તો તારું અપમ્રુત્યુ એળે નહિ જાય...બળાત્કારની એરણ પર ચડેલી તારી બલિ ફોગટ નહિ જાય.. પ્રજાએ હવે સમજી લેવું પડશે કે લોકશાહીના અમોઘ શસ્ત્રનો તેમણે સદબુદ્ધીપૂર્વક ઉપયોગ કરી ચારિત્ર્યવાન અને લાયક નેતા ચૂંટવાના છે.સ્વાર્થી ન બની અન્યોના પ્રશ્નોને ઉકેલવામાં પણ રસ લેવાનો છે,જરૂર પડ્યે જરૂરિયાતમંદને યોગ્ય મદદ કરવાની છે.પુત્ર-પુત્રી વચ્ચે ભેદભાવ ન કરતાં,પુત્રીને પણ બધાં હક અને છૂટ-સ્વતંત્રતા આપવાના છે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે,પુત્રને સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટીએ જોતા શિખવવાનું છે,નારીને સન્માન આપતાં શિખવવાનું છે... અને એક નવા સુંદર સમાજની રચના કરવાની છે.

ચાલ નિર્ભયા, તું અને હું દ્રૌપદી સાથે મળી ફરી મારા પરમસખા શ્રીક્રુષ્ણને યાદ કરીએ અને નવા ઉજ્જવળ ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેમને વિનવીએ...એ આ વખતે પણ મને નિરાશ નહિ જ કરે એવી મને ખાતરી છે!


રવિવાર, 27 જાન્યુઆરી, 2013

મુંબઈ મેરેથોન ૨૦૧૩

૨૦મી જાન્યુઆરી ૨૦૧૩ - આ એક એવો, વર્ષમાં ભાગ્યેજ એક બે વાર આવતો દિવસ (કે રાત?!) હતો જ્યારે પોણા ચારે એલાર્મ વાગ્યું અને હું તરત પથારીમાંથી ઉભો થઈ ગયો.ખરૂં જોતા તો આખી રાત ઉંઘ જ નહોતી આવી.જે થોડી ક્ષણો નિદ્રામાં વિતાવી તે દરમ્યાન પણ મેરેથોન અને દોડવાના જ સ્વપ્ન આવ્યા હતાં! હા,મેં મુંબઈ મેરેથોનમાં ભાગ લીધો હતો અને હું પહેલી વાર એક સાથે ૨૧કિલોમીટર દોડવાનો હતો!


વહેલી સવારે પોણા પાંચે મલાડ સ્ટેશનેથી વાંદ્રા જવા મુંબઈ લોકલ પકડી ત્યારે તેમાં ઘણાં મારા જેવા ઉત્સાહી હાફ-મેરેથોન રનર્સ જોવા મળ્યાં.આટલી ઠંડી રવિવારની સવારે શોર્ટ્સ અને ટીશર્ટ જેવા સ્પોર્ટ્સ માટેના વસ્ત્રોમાં સજ્જ! છાતી પર તેમનો મેરેથોન દોડ ક્રમાંક દર્શાવતી બીબ પહેરેલા એ દરેકના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.

હાફ મેરેથોન એટલે ૨૧.૦૯૭૫ કિલોમીટર અથવા ૧૩.૧૦૯૪ માઈલ્સ નું અંતર. ફુલ મેરેથોન દોડનારે ૪૨.૧૯૫ કિલોમીટર અથવા ૨૬.૨૨ માઈલ્સ જેટલું અંતર દોડીને કાપવાનું હોય છે.દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા રવિવારે યોજાતા સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ મુંબઈ મેરેથોનમાં ડ્રીમ રનની છ કિલોમીટર તેમજ ડિફરન્ટલી એબલ્ડ ઉત્સાહીઓ માટે ૨ કિલોમીટરની વ્હીલચેર અને વયસ્કો માટે સિનિયર સીટીઝનની ૪.૩કિલોમીટરની શ્રેણીઓ પણ રાખવામાં આવે છે.

મારી રેસ સવારે ૫:૪૦ વાગે વાંદ્રાથી શરૂ થઈ,અંધારામાં.પણ શરૂઆતમાંજ છ-સાત કિલોમીટર સુધીનું અંતર રાજીવગાંધી વાંદ્રા-વરલી સી-લિંક પર થઈને કાપવાનું હતું મજા આવી.આજુબાજુમાં અનેક બીજા હાફ મેરેથોનર્સ દોડી કે ચાલી રહ્યાં હતાં.વચ્ચે પાણી અને એનર્જી ડ્રિન્ક્સના સ્ટોલ્સ નિયમિત અંતરે ગોઠવેલા હતાં.મેં મારું આઈપોડ પહેરી લીધું હતું અને મારા મનપસંદ ગીતો સાંભળતા સાંભળતા હું દોડી રહ્યો હતો.માર્ગમાં એક બે જૂના મિત્રો અને કલીગ્સ મળી ગયાં પણ દોડતા દોડતા જ તેમને હાય-હેલો કરી આગેકૂચ ચાલુ રાખી.સી-લિન્ક પૂરી કર્યા બાદ ડાબે ફંટાઈ દોડવાનું હતું.અહિં દોડવાનું શરૂ કર્યું ત્યારે એક પેસ સેટ થઈ ગયેલો. દોડવાની મજા આવી રહી હતી.વહેલી સવાર,ચોક્ખી તાજી હવા,રસ્તા પર ઝીરો ટ્રાફીક,આસપાસ માત્ર અને માત્ર દોડી રહેલી સેંકડો ઉત્સાહી લોકો અને આટલી વહેલી સવારે પણ અમને દોડનારાઓને બિરદાવવા આવેલા અત્યુત્સાહી લોકો! તેમના હસતા ચહેરા અને અમારા માટે તેમના દ્વારા પડાઈ રહેલી તાળીઓ અને પ્રોત્સાહક સૂત્રોચ્ચારો અમને દોડવાનુ નવું જોમ પૂરું પાડતા હતાં.સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ વાળાઓનું આયોજન કહેવું પડે બાકી! આખા માર્ગ પર યોગ્ય જગાએ પાણી અને એનર્જી પીણાના સ્ટોલ્સ થોડે થોડે અંતરે ગોઠવેલા.ચાલીસ હજાર જેટલા કુલ દોડનારાઓની વ્યવસ્થા સાચવવી એ કંઈ જેવી તેવી વાત નથી.પણ આ આખા કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન દસ વર્ષથી કરવા માટે તેમને ચોક્કસ ધન્યવાદ આપવા ઘટે! હેટ્સ ઓફ! માર્ગમાં બંગલા પણ આવ્યા અને ઝૂંપડપટ્ટી પણ,મુકેશ અંબાણીનું અબજો રૂપિયાનું બિલ્ડીંગ પણ આવ્યું અને હોસ્પિટલો પણ! વરલી સી ફેસ, હાજીઅલીની દરગાહ, મહાલક્ષ્મી અને બાબુલનાથના મંદિર પણ આવ્યા અને ચોપાટી પણ આવી! મારી આજુબાજુ યુવાનો પણ દોડી રહ્યા હતા અને યુવતિઓ પણ. એક સિત્તેરેક વર્ષના સરદારજી દાદા પણ ૨૧ કિલોમીટર દોડ્યા અને એક પૂજારી કાકા પણ લાલ ધોતિયા-શ્વેત ઝભ્ભા સાથે રનીંગ શૂઝમાં લગભગ મારી સાથે જ દોડતા હતા આખા માર્ગમાં! બીજી એક અસાધારણ ઘટના જોવા મળી એ હતી હજારેકથીયે વધુ પોલીસ ભાઈબહેનોની માર્ગ પર હાજરી. આખા રૂટ પર લોકોની સુરક્ષા અર્થે મુંબઈ પોલીસ ખડે પગે હાજર હતી. મોટા ભાગના તેઓના મુખ પર આશ્ચર્યના ભાવ જોવા મળતા હતાં.તેઓ વિચારતા હશે શા માટે આટલા બધા આમ આદમી અને ઔરતો આટલું લાંબુ અંતર દોડતા હશે?! પણ તેઓ માંના મોટા ભાગના સ્મિત સાથે દોડવીરોનો ઉત્સાહ વધારતા હતાં. દીલ્હી પોલીસ પણ મુંબઈ પોલીસ પાસેથી કંઈક શીખે તો સારૂં! હું દોડતા દોડતા આ બધી મજા માણી રહ્યો હતો - અવનવા દ્રષ્યો જોવાની, હવામાં એક અલગ સુગંધ અને તાજગી અનુભવવાની અને બીજા અનેક ઉત્સાહી દોડવીરો સાથે તાલ મિલાવી દોડવાની! વરલી સી ફેસ પાસે ત્રણ રનીંગ ટ્રેક્સ બનાવ્યા હતાં. બે પર હાફ મેરેથોનર્સ અને એક પર ફુલ મેરેથોનર્સ.દરેક દોડનારના ચહેરા પર એક અનેરા જોમ અને ખુશી જોવા મળી રહ્યા હતા.કેટલાક લોકો પગમાં ખાલી ચડી જતા,સ્પ્રેન આવતા કે ગળે પાણીનો શોષ પડતા બાજુએ બેસી જઈ કે મેડિકલ સ્ટોલ્સ પર રીલીફ સ્પ્રે છંટાવી ફરી આગળ વધતા હતા.પણ સૌથી યાદગાર અને મનને પ્રસન્નતાથી ભરી દેનાર દ્રષ્ય હતું રસ્તાની બંને બાજુએ ઉભા રહી દોડનારાને બિરદાવી રહેલા અને તેમનો ઉત્સાહ વધારતા પ્રેમાળ મુંબઈગરાઓનું! "રન મુંબઈ રન!","રન ઇન્ડિયા રન","કમોન બોય્સ..કમોન ગર્લ્સ","યુ હેવ ડન ઇટ","કીપ રનીંગ..." જેવા સૂત્રો તેઓ મોટે મોટેથી ઉચ્ચારી રહ્યા હતા,સતત તાળી પાડી અમારૂં અભિવાદન કરી રહ્યા હતાં.એક મરાઠી આન્ટી જલેબી ભરેલું બોક્સ લઈ ઉભેલા તો કોઈ વળી પ્રસાદ,કોઈ બિસ્કીટ્સની પ્લેટ લઈ ઉભેલું તો કોઈ હોમમેડ ચોક્લેટ્સ. કેટલાક લોકો ઘેરથી કાર્ડબોર્ડ્સ લાવેલા,તેના પર સંદેશાઓ લખી.બાળકો તેમના મમ્મી પપ્પા અને દાદાદાદી સાથે આ બધો નજારો જોઈ આનંદિત થતા હતાં.

એક વાત મને ન ગમી એ હતી દોડનારાઓનું સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ.મુંબઈ આપણું પોતાનું શહેર છે.તેને આપણે ગંદુ કેવી રીતે કરી શકીએ? દોડતા દોડતા ચોક્કસ પુષ્કળ પાણી પીવું પડે.પણ પાણી પી લીધા બાદ ખાલી પ્લાસ્ટીક બોટલને રસ્તા પર નાખી દેવાની? કેટલાક તો બાજુમાં જવાની તસ્દી પણ લીધા વિના ખાલી બોટલનો ઘા કરતા જોવા મળ્યા. એક ઘરડા કાકાના માથામાં એક આવી ફેંકાયેલી બોટલ વાગતા વાગતા રહી ગઈ.મેં એ દ્રષ્ય જોયું અને મને એ જરાયે ન ગમ્યું.રસ્તાની બંને બાજુએ પ્લાસ્ટીકની ખાલી વોટર બોટલ્સના ખડકલા થઈ ગયેલા.કેટલાક લોકો સંતરા અને કેળાની છાલ કે ચોકલેટ્સ અને બિસ્કીટના રેપર્સ પણ રસ્તામાં ગમે તેમ નાંખી આગળ દોડતા હતા.મુંબઈગરાઓની સ્વચ્છતા પ્રત્યે આવી બેદરકારી એ એક માત્ર મને ન ગમેલી બાબત હતી મુંબઈ મેરેથોન ૨૦૧૩ની! આવતા વર્ષે હું આશા રાખું છું કે આ અંગે આયોજકો કંઈક નક્કર પગલા લે.

એક અતિ મહત્વનો પાઠ આ હાફ મેરેથોને મને શિખવ્યો એ છે પહાડ જેવડી લાગતી મુસીબતથી પણ, જરાય ગભરાયા વિના તેનો સામનો કરવો.૨૧ કિલોમીટર દોડવું એ કંઈ ખાવાનો ખેલ નથી અને આટલું લાંબુ દોડવું તો દૂર હું ક્યારેય એકીસાથે ચાલ્યો પણ નહિં હોઉં.પણ મારે આ એક પડકાર ઝીલવો હતો અને મારી પાસે સમય હતો આથી બે-એક મહિના અગાઉથી મેં મારી જાતને આ પડકાર ઝીલવા સજ્જ કરવા માંડી.રોજના દોઢબે કિલોમીટર ચાલવાથી શરૂઆત કરી.પછી અંતર વધતું ગયું. એકાદ વાર તો દિવસના બાર-પંદર કિલોમીટર એકસામટા ચાલ્યો હોઈશ.વચ્ચેવચ્ચે થોડું દોડી પણ લેવાનું. આ માટે અલાયદો સમય પણ ફાળવ્યો નહોતો.પ્રેક્ટીસને મારા રૂટીનમાં ગોઠવી દીધી હતી. સ્પોર્ટ્સના કપડા અને શૂઝ પહેરી સવારના ઓફિસ જતા પહેલા ચાલવા કે દોડવાની પ્રેક્ટીસ કરતો કે સાંજે ઓફિસથી ઘેર પાછા ફરતી વખતે. ચાલવાનું ક્યાં? બગીચા કે પછી કોઈ ખાસ જગાએ નહિ પણ હાઈવે પર ચાલવા માટે જે ખાસ સર્વિસ રોડ બનાવ્યો હોય ત્યાં, સરકારે મસમોટા ખર્ચે બનાવેલા સ્કાયવોક્સ પર (ચાલો કોઈકે તો તેમનો સદુપયોગ કર્યો!) કે ઓફિસને રસ્તે બી.કે.સી વિસ્તારના વિશાળ ફૂટપાથ્સ પર! આ પ્રેક્ટીસે મને ચાલવાની આદત પાડી દીધી. નાવ આઈ એન્જોય વોકીંગ વેરી મચ! અને આમ બે એક મહિનાની પ્રેક્ટીસ બાદ ૨૧કિલોમીટરનું લાંબુ અંતર વિના કોઈ મુશ્કેલી હું આસાનીથી દોડી શક્યો અને એ પણ નક્કી કરેલા ત્રણ કલાક કરતા ઓછા સમયના લક્ષ્યાંકની સિદ્ધી સાથે!

સોમવાર, 21 જાન્યુઆરી, 2013

ગેસ્ટ બ્લોગ : 'મા તે મા બીજા બધા વગડાના વા'

- ડો. કિશોરી કામદાર


'મા તે મા બીજા બધા વગડાના વા' આ કહેવત ખૂબ જ સાચી છે. મારો સ્વ અનુભવ લખું છું.

૧૯૮૯ ની સાલમાં અમે (હું અને મારા પતિ) યુરોપ ફરવા ગયા હતાં. લંડનમાં ફરી રહ્યા બાદ છેલ્લે અમે પેરિસ આવ્યા. બીજે દિવસે લંડન પાછા જવાનાં હતાં. એ રાતે મળસ્કાનાં સમયે સ્વપ્નામાં મને મારાં દિકરાનો સાદ સંભળાયો. “મોમ, પ્લીઝ હેલ્પ મી, પ્લીઝ હેલ્પ મી...” હું સ્વપ્નામાંથી સફાળી જાગી ગઈ. મારાં પતિ ભર ઊંઘમાં હતાં. મેં તેમને ડિસ્ટર્બ કર્યાં નહીં, પણ મારું માનું હૈયું વિચારે ચડ્યું. શું હશે ? એનું એમ.એસ. નું ફોર્મ બરાબર ભર્યું છે. પૈસાનો કોઇ પ્રોબ્લેમ નથી, એને શું મદદની જરૂર પડી હશે ? વિચારોની હારમાળા મારા મનને અજંપ બનાવી રહી.મારાં પતિદેવ જાગ્યાં એટલે મેં વિગતવાર સ્વપ્ન વર્ણવ્યું અને કહ્યું મારે પાછા ભારત વહેલામાં વહેલી તકે જવું છે. અમે લંડનથી અમેરિકા જવાનાં હતાં. મેં અમેરિકા જવા માટે સાફ ના જણાવી અને ડો. સાહેબ (મારા પતિ) એકલા અમેરિકા ગયા અને હું પાછી ઈંડિયા આવી ! મારો દિકરો મને રિસીવ કરવા આવ્યો હતો. મને જોઇને તે બોલ્યો, “મમ્મા તું આવી ગઈ એ બહું સારૂં થયું. હું ખૂબજ ગંભીર રીતે માંદો પડી ગયો હતો. મારે .કે.ઈ.એમ. હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું” મારો પુત્ર કે.ઈ.એમ. માં જ તબીબીશાસ્ત્રનું ભણતો હતો.

મેં તેને પૂછ્યું,” શું થયું હતું?” તેણે કહ્યું, “સખત વાવાઝોડામાં માંડ માંડ ઘરે આવ્યો. બહારનું ખાવામાં આવ્યું હોય કે કેમ? કારણ ખબર નથી. પણ નાડી ધીમી ચાલી રહી હતી. ગંભીર ડિહાયડ્રેશન હતું. મેં તને ખૂબજ યાદ કરી. હું તને મળી શકીશ કે નહીં? એવો પણ એક વિચાર મને આવી ગયો! પણ તારા આશિષથી હું સારો થઈ ગયો.”

ભારતમાં મુસીબતનો સામનો કરી રહેલ દિકરાનો સાદ પેરિસમાં રહેલ માએ સાંભળ્યો! આને દિકરા પ્રત્યેના પ્રેમનું પ્રૂફ ગણવું કે ટેલીપથી?


- ડો. કિશોરી કામદાર

રવિવાર, 6 જાન્યુઆરી, 2013

વર્ષ ૨૦૧૩નું બકેટ લીસ્ટ

નવા વર્ષ ૨૦૧૩નો આ પ્રથમ બ્લોગ છે તો પહેલા તમને મારા સૌ વાચક મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવી દઉં. આપ સૌ માટે આ નવું વર્ષ ખૂબ શુભકારક, સુખી અને સમ્રુદ્ધ તેમજ સંતોષદાયી અને કલ્યાણકારી બની રહે એવી અભ્યર્થના! સૌ સાથે પ્રાર્થના કરીએ કે આ વર્ષમાં વિતેલા વર્ષ જેટલા ખરાબ સમાચારો વાંચવા ન મળે,સર્વે ને ઇશ્વર સદબુદ્ધિ આપે અને ગુનાખોરીનું પ્રમાણ તદ્દન ઘટી જાય...


દરેક નવું વર્ષ વિતેલા વર્ષ કરતાં ઝડપથી પૂરું થતું હોય એવું આપણને લાગતું હોય છે.અને દરેક વિતતા દિવસ સાથે આપણા આયુષ્યનો એક એક દિવસ ઘટતો જાય છે. તો આ વર્ષે ચાલો વધુમાં વધુ જીવી લેવાનો પ્રયત્ન કરીએ.

મારા બધાં જ ઓફીસના ટીમ મેમ્બર્સને મેં આ વખતે એક એક નાનકડી ડાયરી આપી છે અને તેમને આ વર્ષ માટેના નાના મોટા ધ્યેયો તેમાં લખવા જણાવ્યું છે. એક મિત્રના બ્લોગ પર 'બકેટ લીસ્ટ'નો કન્સેપ્ટ વાંચી મને આમ કરવાની પ્રેરણા મળી. બકેટ લીસ્ટ એટલે તમને જે અરમાન પૂરા કરવાની ઇચ્છા હોય તેની યાદી. મારે વિદેશ યાત્રા કરવી છે, લગ્ન કરવા છે, પોતાનું નવું ઘર ખરીદવું છે, પ્રમોશન મેળવવું છે, માતા કે પિતા બનવું છે, તાજ મહેલ જોવો છે, સ્વિત્ઝરલેન્ડમાં બરફ વચ્ચે રોપવે ની મજા માણવી છે, માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે વગેરે વગેરે. આ યાદી ઘણી લાંબી પણ હોઈ શકે છે કે સાવ ટૂંકી પણ. દરેક જણ પોતાને માટે પોતાના આગવા ધ્યેયો પોતાની ઉંમર,અગ્રિમતા,સંજોગો વગેરે ધ્યાનમાં રાખીને નક્કી કરી શકે છે. પણ એ બધાં ધ્યેયો સિદ્ધ કરી શકાય એવા હોવા જોઇએ.’મારે પ્લુટો ના ગ્રહની યાત્રા કરવી છે’ કે ‘રાતોરાત કરોડપતિ બની જવું છે’ એવા શેખચિલ્લી-છાપ ધ્યેયો ન ચાલે! બીજું આ એક વર્ષમાં વ્યવહારિક રીતે જેટલા શક્ય બની શકવાના હોય તેટલા જ ધ્યેય નક્કી કરવા અને નોંધી લેવા. વર્ષમાં ત્રણ કે ચાર વાર તેની સમીક્ષા કરવી અને જે સિદ્ધ થઈ ગયા હોય તેવા ધ્યેયો પર છેકો મારો અને જુઓ કેવી ગર્વની આનંદમિશ્રીત લાગણી અનુભવાય છે! વર્ષ ૨૦૧૩ની ૩૧મી ડિસેમ્બરે ધ્યેયોની આ યાદી ચકાસી લેવી. જો બધા ધ્યેય તમે પામી લીધા હશે તો જે આનંદ અનુભવાશે તેની કોઈ સીમા નહિ હોય! અને જો વ્યાજબી કારણો સર કેટલાક ધ્યેય બાકી પણ રહી જાય તો અફસોસ નહિ કરવાનો! વર્ષ ૨૦૧૪ આવવાનું જ છે ને! નિશાનચૂક માફ, નહિ માફ નીચું નિશાન. તમે એટલીસ્ટ ધ્યેય નક્કી તો કર્યા! એ સફળતા માટેનું પ્રથમ પગથિયુ છે.

થોડા દિવસો અગાઉ એક ઇમેલ મળ્યો જેમાં કોઈકે ખૂબ સરસ અને ઉપયોગી એવું ફાઈનાન્સિયલ બકેટ લીસ્ટ મોકલ્યું હતું. એ પણ મને આજના મોંઘવારીના અને અનિશ્ચિતતાના યુગમાં ખૂબ જરૂરી લાગ્યું. વર્ષાન્તે મારી કુલ બચત કેટલી હોવી જોઇએ? શેરબજારમાં રોકેલા નાણાંપર કેટલા ટકાનું વળતર કમાવું છે? લોનનો કેટલો બોજો વર્ષાન્તે હળવો થશે? નિવૃત્તિ સમયના પૂર્વનિયોજિત ભંડોળમાં આ વર્ષે હું કેટલા નાણાં રોકી શકીશ? કયા મોટા કે નાના ખર્ચા અનિવાર્ય હશે? કેટલી રકમ મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકીશ? કેટલી રકમ મેડિકલ કે હેલ્થ વિમામાં રોકીશ? વગેરે વગેરે જેવા આર્થિક બાબતોને લગતા પ્રશ્નો સામે ચાર ચાર ખાના અને જાન્યુઆરી,અપ્રિલ,ઓગષ્ટ અને ડિસેમ્બરમાં આ યાદી ની સમીક્ષા કરવાની અને જરૂરી આયોજન કરવાનું. આ આઈડિયા પણ મને ગમ્યો!

મોબાઈલની રીમાઈન્ડર સુવિધાનો લાભ લઈ નિયત તારીખો માટે એલાર્મ સેટ કરી દેવાનું એટલે આ બકેટ લીસ્ટ્સની સમીક્ષા ચૂકી ન જવાય!

હું આશા રાખું છું કે આ નવા વર્ષમાં તમે બધાં પણ મારી જેમ આવા બકેટ લીસ્ટ્સ બનાવો અને ઇશ્વરને પ્રાર્થના કરીએ કે આપણા સૌના મનોરથો સિદ્ધ થાય અને બકેટ લીસ્ટની બધી આઈટમ્સ આપણે છેકી શકીએ! ઓલ ધ બેસ્ટ!!

સોમવાર, 31 ડિસેમ્બર, 2012

તમસો મા જ્યોતિર્ગમય...

જગતમાં અપાર સુંદરતા છે. રંગીન પુષ્પો જુઓ કે પાંખો ફફડાવતા ચંચળ પતંગિયા, જંગલોની અને પાકથી લહેરાતા ખેતરોની લીલોતરી જુઓ કે અફાટ રણ કે ઉત્તુંગ શિખરો ધરાવતા કે હિમાચ્છાદિત પર્વતો,સૂર્યોદય કે સૂર્યાસ્ત સમયે આકાશમાં રચાતી રંગલીલા જુઓ કે ચોમાસામાં જોવા મળતું મેઘધનુષ,રંગબેરંગી નાના મોટા જીવજંતુઓ જુઓ કે કલશોર કરી ઉડાઉડ કરતાં નાના મોટા પંખીઓ,તહેવારો દરમ્યાન કરાતી રોશની,રંગોળી કે અવનવા ઝાકઝમાળ વસ્ત્રપરિધાન જુઓ કે કુદરતી નદી,ઝરણાં,સમુદ્રો,મહાસાગર કે માનવ સર્જિત સરોવર,તળાવ કે બાગબગીચાઓનું સૌંદર્ય જુઓ. વાંચતા પણ મન પ્રસન્ન થઈ ગયું ને? ભગવાનનો લાખ લાખ આભાર માનો કે આ બધું તમે જોઈ શકો છો, જોઈને માણી શકો છો. કારણ ભગવાને તમને બે મહામૂલ્ય રત્નો આપ્યા છે - નેત્રરત્નો...


હવે કલ્પના કરો કે તમારી આંખ સામે પાટા બાંધી દેવાયા છે,એવી સજ્જડ રીતે કે પ્રકાશનું નાનું સરખું એક કિરણ પણ તેમાં ન પ્રવેશી શકે.તમને શું દેખાશે?માત્ર એક જ રંગ - કાળો. અંધારપટનું સામ્રાજ્ય છવાઈ જશે તમારા નેત્રવિહિન જગતમાં. ઉપર જણાવેલી કે અન્ય કોઈ પણ સુંદર વસ્તુ તમે ક્યારેય જોઈ શકશો નહિં. જન્મથી અંધકારનો અભિશાપ લઈ જન્મનાર વ્યક્તિએ તો આ બધી સુંદર વસ્તુઓની માત્ર કલ્પના જ કરવી રહી અને એ કલ્પના પણ કેવી હશે તે આપણાં જેવા દ્રષ્ટી ધરાવતા મનુષ્ય માટે અકલ્પનીય છે.તો એવી વ્યક્તિ જેણે એક વાર આ બધું જોઈ લીધા બાદ કોઈ રોગ કે સંજોગવશ દ્રષ્ટી ગુમાવી દીધી હોય તેના માટે આ બધુ ફરી ન જોઈ શકવાની વેદના કેટલી દુષ્કર અને દુ:ખદાયી હશે તે સમજી શકાય એવી વાત છે.

પણ આપણે આ અંગે કંઈક કરી શકીએ તેમ છીએ. નેત્રદાન દ્વારા.

મ્રુત્યુ બાદ આંખો પણ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય અને તેનો કોઈ ઉપયોગ ન થતા તે વેડફાઈ જાય છે. લાશ માટે આંખો કોઈ ઉપયોગની રહેતી નથી.આથી જો મૃત્યુ બાદ ચાર-પાંચ કલાકમાં આંખો નિષ્ણાત ડોક્ટર દ્વારા કાઢી લેવાય તો એક વ્યક્તિની બે આંખો દ્વારા છ દ્રષ્ટીવિહીન આંખો જોતી થઈ શકે. હા! છ દ્રષ્ટીવિહીન આંખો. અહિં છપવામાં કોઈ ભૂલ નથી થઈ. કઈ રીતે? આવો વૈજ્ઞાનિક ઢબે સમજીએ.

આપણી આંખોમાં કીકી ઉપર એક અતિ પાતળો પડદો હોય છે. જેને કોર્નિયા કહે છે. તે કાચ જેવો પારદર્શક હોય છે. તે ક્યારેક ધૂંધળો થઈ જાય તો વ્યક્તિને ધૂંધળું દેખાવા લાગે જેને આપણે મોતિયો આવ્યો એમ કહીએ છીએ. જ્યારે કોઈ કારણ સર આ કોર્નિયા અપારદર્શક બની જાય કે તેને નુકસાન પહોંચે ત્યારે વ્યક્તિ આંશિક કે સંપૂર્ણ રીતે જોવાની શક્તિ ગુમાવી બેસે છે, અંધ બની જાય છે. પણ જો નેત્રદાન દ્વારા મળેલી આંખના કોર્નિયાનો યોગ્ય ઉપયોગ થાય તો તબીબ બે આંખોના કોર્નિયા ત્રણ ભાગમાં કાપી અન્ય છ આંખોને જોતી કરી શકે છે. આમ જો સંપૂર્ણ અંધ એવી વ્યક્તિને એક આંખે જોતી કરવામાં આવે તો મૃત વ્યક્તિના બે નેત્રો દ્વારા કુલ છ અંધ વ્યક્તિ દ્રષ્ટી પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પામી શકે.

વિશ્વમાં લગભગ ચાર કરોડ દ્રષ્ટીવિહીન મનુષ્ય છે જેમાંથી એક કરોડ જેટલાં ભારતમાં છે.આમાંથી ૨૫ લાખ લોકો કોર્નિયાની પારદર્શકતા ગુમાવવાથી દ્રષ્ટી ખોઈ બેઠાં છે.એ લોકોની કોર્નિયા જો બીજી મૃત વ્યક્તિના સારા કોર્નિયાથી બદલી શકાય તો તેઓ ફરી દેખતા થઈ શકે. કૃત્રિમ કોર્નિયા હજી સુધી શોધી શકાયો નથી તેથી માનવ કોર્નિયાનો ઉપયોગ એકમાત્ર ઉપાય છે.કોર્નિયાનું આયુષ્ય ૧૫૦ વર્ષ હોવાથી રોપાયેલા કોર્નિયા ફરી ઉપયોગમાં લઈ શકાય છે. ભારતમાં દર વર્ષે બે કરોડ લોકો મૃત્યુ પામે છે પણ ફક્ત પાંચહજાર મૃતદેહોની આંખો જ દાનમાં મળે છે.બાકીની આંખો અગન કે દફન દ્વારા વેડફાઈ જાય છે. જો દરેક વ્યક્તિ પોતાના મૃત્યુ પૂર્વે પોતાના ચક્ષુ દાનમાં આપી દેવા માટે રજિસ્ટ્રેશન કરાવે તો માત્ર ૧૧ દિવસમાં ભારતના તમામ અંધજનોને દ્રષ્ટી મળી શકે.

આપણે જીવતેજીવ અન્ય કોઈ દાનપુણ્યનું કાર્ય કર્યું હોય કે ન કર્યું હોય પણ નેત્ર દાનનું મહાદાન મૃત્યુ બાદ ચોક્કસ કરીને અઢળક પુણ્ય કમાઈ શકીએ. આમાં કોઇ નુકસાન થતું નથી.

જીવતે જીવ આપણે નેત્રદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકીએ છીએ અથવા આપણી આવી ઇચ્છા આપણા પરિવારજનો તેમજ મિત્રો સમક્ષ વ્યક્ત કરી શકીએ છીએ.આપણા ફેમિલી ડોક્ટરને પણ આ અંગે જાણ કરી શકીએ છીએ. મૃત્યુ બાદ પરિવાર જનો નેત્રદાન સ્વીકરતી સંસ્થાનો સંપર્ક કરી પરવાનગી આપતા ફોર્મ પર સહી કરી આપે એટલે માત્ર પંદર મિનિટમાં શસ્ત્રક્રિયા દ્વારા ચક્ષુ મૃતકના દેહમાંથી કાઢી લેવાય છે. તેનાથી ચહેરો બિલકુલ વિકૃત થતો નથી.ચશ્મા કે મોતિયો ધરાવતી વ્યક્તિ પણ નેત્રદાન કરી શકે છે.મારા વ્રુદ્ધ ગામે રહેતા ફોઈ મુંબઈ આવેલા, તેમને નેત્રદાન વિશે વાત કરી તો કહે જો આંખો દાનમાં આપી દઈએ તો આવતા જન્મે અંધાપો આવે. તર્ક વિનાની આ દલીલ સાંભળી પહેલા તો હસવું આવ્યું. પછી મેં તેમને સમજાવ્યું કે તેઓ જે ભજન ગાતા "કાલ કોણે દીઠી છે..." તે ન્યાયે આવતી કાલે શું થવાનું છે તેની જો આપણને ખબર ન હોય તો આવતા ભવની અટકળો કરવાનો કોઈ અર્થ? નશ્વર દેહ સાથે બળી કે દટાઈને નષ્ટ થઈ જવા કરતા બે આંખો દ્વારા જો અન્ય છ નેત્રવિહીન વ્યક્તિઓ જોવાનું સુખ પામી શકવાની હોય તો એનાથી રૂડૂં બીજું કંઈ ન હોઈ શકે એમ હું આખરે તેમને મનાવી શક્યો! હવે તે નેત્રદાન કરે છે કે નહિં તે તો રામ જાણે પણ મેં અને મારા પિતાએ નિર્ધાર કર્યો છે કે અમે ચોક્કસ નેત્ર દાન કરવાના છીએ.

હવે થોડી ઉપયોગી માહિતી આપી દ ઉં.જો તમારે કોઈ સ્વજનનાં નેત્રોનું દાન કરવું હોય તો ટોલ ફ્રી નંબર ૧૯૧૯ ઉપર ફોન કરી મ્રુત્યુના ચાર કલાકની અંદર જાણ કરવી જેથી નિષ્ણાત ડોક્ટર તમારા ઘેર આવી વિનામૂલ્યે મ્રુતકની આંખો સંભાળીને લઈ જશે અને નજીકની ચક્ષુબેન્કમાં જમા કરી દેશે.ત્યાંથી એ આંખો સમયસર અને જરૂરિયાત મુજબ કેટલીક ચોક્કસ નિયત હોસ્પિટલમાં મોકલી આપવામાં આવશે જ્યાં જરૂરિયાતમંદની આંખોમાં ઓપરેશન દ્વારા કોર્નિયા વિનામૂલ્યે બેસાડવામાં આવશે અને આમ તે આંખો મ્રુત્યુ બાદ પણ આ જગતને જોતી રહેશે!

આંખને કાઢ્યા પછી તેની આંકણી કરવામાં આવે છે અને તેની પર અનેક પ્રક્રિયાઓ કરી તેની યોગ્યતા માપ્યા પછી જ તેને ડોક્ટરને પહોંચાડવામાં આવે છે.જે કોર્નિયા કોઈ કારણસર આરોપણ માટે વાપરી ન શકાય તેમ હોય તેને અમૂલ્ય અભ્યાસ અને શોધખોળ (રિસર્ચ) માટે ઉપયોગમાં લેવામાં આવે છે.આમ નેત્રદાન ક્યારેય એળે જતું નથી.

તમે જો કાંદિવલી કે તેની આસપાસ રહેતા હોવ તો ત્યાં સ્થિત નેત્રદાન જાગ્રુતિ કેન્દ્રમાં મૂળરાજભાઈ કાપડીઆને મળી શકો જેમણે પોતાનું જીવન નેત્રદાન પ્રવૃત્તિને સમર્પિત કરી દીધું છે. તેમનો ૯૩૨૨૨૩૭૩૨૩ નંબર પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકશો. અહિં નેત્રદાન માટે રજિસ્ટર કરવાનો એક ફાયદો એ પણ છે કે તેઓ તમને એક ‘Eye Donor’નું ટેટૂ શરીર પર વિનામૂલ્યે કરાવી આપવાની સવલત આપે છે. ટેટૂ હોય તો માણસ હોસ્પિટલમાં હોય તો ડોકટરની કે ઘેર હોય તો પરિવારજનોની નજરે ટેટૂ ચડે અને નેત્રદાન યાદ આવે. નેત્રદાનની પ્રવ્રુત્તિમાં મૂળરાજભાઈને કાંદિવલીના ડો. દિલીપ રાયચૂરા અને બિગ બોસ બ્યુટી પાર્લરના હરીશ ભાટીયા તેમજ અન્યોનો અમૂલ્ય સહકાર પણ મળ્યો છે જેના થઈ નેત્રદાનની પ્રવ્રુત્તિને સારો વેગ મળ્યો છે.

વર્ષ ૨૦૧૨ની વિદાય વેળાએ અથવા વર્ષ ૨૦૧૩ને વધાવતી વેળાએ નેત્રદાનનો સુસંકલ્પ કરવાનો અવસર ગુમાવવા જેવો નથી!