Translate

રવિવાર, 3 ફેબ્રુઆરી, 2013

દ્રૌપદી અને દામિની

હું તને દામિની કહું કે નિર્ભયા? તારું સાચું નામ તો જાહેર જ નથી થયું ને! જો કે તને અહિં મળી આનંદ થયો એમ નહિ કહું કારણ તારે તો હજી ઘણું જીવવાનું હતું, તારા જેવી ઝિંદાદિલ યુવતિ પૃથ્વી પર ઘણું પરિવર્તન લાવી શકી હોત... ઘણાં ઓછાં લોકોને ખબર હશે કે બીજાઓનું દુ:ખ,તેમની શારીરિક પીડા કંઈક અંશે ઓછી કરી શકે એ માટે જ તે ફિઝિઓથેરાપીસ્ટ બનવાનું પસંદ કર્યું હતું.પણ પેલાં છ નરપિશાચોએ તને અસહ્ય પીડાના સાગરમાં ડૂબાડી દઈ તારા પર અમાનૂષી અત્યાચાર ગૂજાર્યો. તારા જેવી આશાભરી યુવતિનું અકાળે મોત નિપજાવી ફરી અસતરૂપી રાક્ષસે સત ઉપર જાણે વિજય મેળવ્યો છે...


તે મને ઓળખી કે નહિ?હું મહાભારતની દ્રૌપદી. હું તો થોડી આખાબોલી હતી અને મેં કૌરવોનું અપમાન કરેલું તેનો બદલો વાળવા ભરસભામાં દુશાસને મારા ચીર ખેંચવાનો પ્રયાસ કર્યો પણ તેં તો તે કોઈનું અપમાન પણ કર્યું નહોતું તો તને કઈ ભૂલની સજા મળી એ વિચારે હું ઉદ્વિગ્ન થઈ જાઉં છું. અને મારા સદનસીબે મારા પરમસખા ક્રુષ્ણ યથાસમયે હાજર થઈ મારી લાજ બચાવી પણ કમનસીબે ઘોર કળિયુગની ૧૬ડિસેમ્બરની એ કાળ રાત્રિએ તારો મિત્ર તારી સાથે હોવા છતાં એ પેલાં છ-છ નરાધમોના દુષ્ક્રુત્યથી તને બચાવી શક્યો નહિ.

હું પ્રાચીન ભારતની કે કહો કે મહાભારતની પાંચાલી અને તું અર્વાચીન યુગના, આજના દિશાવિહીન ભારતની એક બદનસીબ યુવતિ. ભલે આપણી વચ્ચે હજારો વર્ષોનું અંતર હશે પણ ભારતીય સ્ત્રીની, મારા સમયની સ્થિતી કરતા આજના વૈશ્વિકરણનો ડંકો બજાવતા સમયની સ્થિતીમાં ઝાઝું પરિવર્તન નથી આવ્યું. કે પછી એમ કહેવું વધારે યોગ્ય રહેશે કે પુરૂષ પ્રધાન સમાજના આજના પુરૂષની સ્ત્રી પ્રત્યે જોવાની દ્રષ્ટીમાં બિલ્કુલ ફેર નથી આવ્યો.મસમોટી કંપનીની ચેરમેન આજે અનેક નારીઓ બની હોવા છતાં મોટા ભાગના ભારતીય પુરૂષો હજી તેને પગની જૂતી જ ગણે છે કે પછી માત્ર એક ભોગવવાનું સાધન.

ભારતનો આજનો સમાજ દંભી છે.એક તરફ સ્ત્રીશક્તિને દેવી તરીકે લક્ષ્મી,સરસ્વતી,દુર્ગા વગેરે અનેક રૂપે તેને પૂજે છે પણ જ્યારે ઘરની દિકરી,પત્ની,માતા કે બહારની અન્ય કોઈ સ્ત્રીને સન્માન તો દૂરની વાત રહી પણ પૂરું માન સુદ્ધા પ્રાપ્ત થતું નથી. પુત્રજન્મે પેંડા વહેંચતો સમાજ પુત્રી જન્મે ત્યારે એટલો ખુશ નથી થતો.આજે પણ 'પુત્રવતી ભવ...' ના જ આશિષ ગર્ભવતી સ્ત્રીને અપાય છે.પુત્ર અને પુત્રી વચ્ચે વિદ્યા કે કોઈ પણ અન્ય વસ્તુમાં પ્રાધાન્ય પુત્રને જ અપાય છે. પુત્ર રાતે મોડો પાછો ઘેર આવેતો તેની વધુ પૂછ્પરછ કરાતી નથી પણ પુત્રી કોઈ યુવક સાથે વાત સુદ્ધા કરે તો તેના પ્રત્યે લાલ આંખ કરાય છે.

હદ તો ત્યારે થાય છે જ્યારે બળાત્કારની ઘટના બને તેની દોષી પણ સ્ત્રીને ઠેરવવાની ચેષ્ટા થાય છે. સ્ત્રી ટૂંકા કપડા પહેરે છે કે અભદ્ર વસ્ત્રપરિધાન કરે ત્યારે બળાત્કાર થાય છે!સ્ત્રી મોડી રાત સુધી ઘરની બહાર ફરે ત્યારે બળાત્કાર થાય છે.મોડી રાત સુધી બહાર ભટકી બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે છતાં તેના મોડી રાત સુધી બહાર ભટકવા અંગે કોઈ પ્રશ્ન કે વાંધો નથી ઉઠાવાતો.બળાત્કાર કરનાર પુરૂષ જ હોય છે તો તેના પર પાબંદી લગાવો ને રાતે અમુક સમય બાદ બહાર નિકળવા પર! સ્ત્રીસમાનતાની ફક્ત વાતો જ થાય છે.

સાચું કહું, તારા પર થયેલા અમાનુષી અત્યાચાર બદલ વિરોધ નોંધાવવા સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી ત્યારે મને ખુબ ખુશી થઈ હતી અને એક આશા બંધાઈ હતી કે હવે પરિવર્તન આવશે.પણ મને લાગે છે મારી આ આશા ઠગારી જ નિવડવાની.પોલીસો એ નક્કર પગલા લેવાની જગાએ ઉલટો એ નિર્દોષ યુવક-યુવતિઓ પર લાઠીચાર્જ કરી તેમનો રોષ શમાવી દેવાનો પ્રયાસ કર્યો. આટલું જ નહિ પણ ત્યારે આ દેશના સર્વોચ્ચ વડા એવા મનમોહન સિંહ તેમના નામમાં આવતા સિંહ શબ્દને સાર્થક કરી શકે એવું ગુનેગારો વિરુદ્ધ કંઈક બોલવું તો દૂર રહ્યું પણ જનતાને બાંહેધરી આપતા બે શબ્દો બોલવા પણ જનતા સમક્ષ ન આવ્યા કે પ્રણવ મુખર્જી રાષ્ટ્રપતિનું આસન શોભાવતા હોવા છતાં જનતાને હૈયાધરણાંના બે શબ્દો પણ ન કહી શક્યા? અરે તેમના સગા પુત્રે તો આંદોલનકારી યુવતિઓનું તેમને 'ડેન્ટેડ અને પેઈન્ટેડ' કહી અપમાન કર્યું ત્યારે તેને ઠપકાના બે શબ્દ પણ તે ન કહી શક્યા અને તેમની દિકરીએ જાહેર માફી માગી આ બંને પિતાપુત્રની લાજ રાખી. ગાંધીજીતો અન્યાય સામે જીવનના અંત સુધી ઝઝૂમ્યા હતા ને? તો તેમની જ અટક ધરાવતા ભારતના સૌથી વગદાર કુટુંબનું એક પણ સભ્ય તારી તરફેણમાં તુ જીવિત હતી ત્યાં સુધી કે રસ્તા પર ધસી આવેલા લોકોને શાંત કરવા બે શબ્દો પણ બોલવા જાહેરમાં ન આવ્યું. અરે આ બધા તો ન બોલ્યા એનું ગાણું હું ગાઈ રહી છું પણ જે બોલ્યા તેમણે તો કેવો બફાટ કર્યો! ગોડમેન ગણાતા આસારામ બાપુએ તો તને જ દોષી ઠેરવી!તે નરાધમો ને ભાઈ કહ્યા હોત કે બે ચાર મંત્રો ભણ્યા હોત તો તું એ અત્યાચારમાંથી બચી ગઈ હોત અને આજે જીવતી હોત આવી મૂર્ખતાભરી વાત કરનારના લાખો અનુયાયીઓ કઈ રીતે હોઈ શકે?આંધ્રના એક નેતાએ કહ્યું આપણા દેશને આઝાદી રસ્તા પર અડધી રાતે રખડવા નથી મળી.તો અન્ય એક નેતાએ તો કહ્યું બળાત્કાર 'ઇન્ડિયા'માં જ થાય છે અને ભારતમાં નહિ!તેમનું તો માનવું એમ પણ છે કે સ્ત્રીએ ઘરમાં પૂરાઈ રહી પતિ અને અન્યોની સેવા જ કરવી જોઇએ તેમાં જ ધર્મ છે!

હવે ભલા જ્યાં સુધી ભારત આવા ઉલ્લુઓના ભરડામાં ફસાયેલો હશે,જ્યાં સુધી કેટલાયે ગુનેગારો અને બળાત્કારીઓ જ તેના સંસદના સભ્યો બની ભોળી (કે મૂર્ખ) પ્રજા પર રાજ કરતાં હશે ત્યાં સુધી કેવી રીતે બળાત્કાર કે અન્ય ગુનાઓનું પ્રમાણ ઘટી શકે?

કેટલાક અન્ય પ્રશ્નો પણ મને મૂંઝવે છે. ભારતમાં અદ્યતન હોસ્પિટલો હોવા છતાં તને સિંગાપોર શા માટે લઈ જવામાં આવી? તારા કેસની સુનવણી બંધ બારણે શા માટે? અરે, તે કોઈ ભૂલ કરી જ નથી અને હવે તો તું પ્રુથ્વી પર પણ નથી,છતાં તારી ઓળખ છતી ન કરવાનું કોઈ કારણ?રાજકારણની મેલી રમત મારા સમયમાં પણ રમાતી અને આજે પણ એટલીજ પ્રવર્તમાન છે.

આ પ્રશ્નો છે જેના ઉત્તર કદાચ ભોળી એવી તું નહિ જાણતી હોય પણ જો એ કોઈ ભડવીર ઉઠાવે. તો તારું અપમ્રુત્યુ એળે નહિ જાય...બળાત્કારની એરણ પર ચડેલી તારી બલિ ફોગટ નહિ જાય.. પ્રજાએ હવે સમજી લેવું પડશે કે લોકશાહીના અમોઘ શસ્ત્રનો તેમણે સદબુદ્ધીપૂર્વક ઉપયોગ કરી ચારિત્ર્યવાન અને લાયક નેતા ચૂંટવાના છે.સ્વાર્થી ન બની અન્યોના પ્રશ્નોને ઉકેલવામાં પણ રસ લેવાનો છે,જરૂર પડ્યે જરૂરિયાતમંદને યોગ્ય મદદ કરવાની છે.પુત્ર-પુત્રી વચ્ચે ભેદભાવ ન કરતાં,પુત્રીને પણ બધાં હક અને છૂટ-સ્વતંત્રતા આપવાના છે જેથી તેનો યોગ્ય વિકાસ થઈ શકે,પુત્રને સ્ત્રીઓ પ્રત્યે માનની દ્રષ્ટીએ જોતા શિખવવાનું છે,નારીને સન્માન આપતાં શિખવવાનું છે... અને એક નવા સુંદર સમાજની રચના કરવાની છે.

ચાલ નિર્ભયા, તું અને હું દ્રૌપદી સાથે મળી ફરી મારા પરમસખા શ્રીક્રુષ્ણને યાદ કરીએ અને નવા ઉજ્જવળ ભારતનું સ્વપ્ન સાકાર કરવા તેમને વિનવીએ...એ આ વખતે પણ મને નિરાશ નહિ જ કરે એવી મને ખાતરી છે!


3 ટિપ્પણીઓ:

  1. Dear Vikasbhai,
    'દ્રૌપદી અને દામિની' બ્લોગમાં બળાત્કાર વિષે ની છણાવટ તટસ્થ અને વિચાર પ્રેરક રહી. સામાન્ય જનતાથી લઈને સમાજવિજ્ઞાનીઓ ને મૂંઝવતા પ્રશ્નો મૂકી, ધધૂપપૂ ઓ એ કરેલા બફાટ અને નારી ને જ દોષ આપવાની માનસિકતા (victimising the victim) ને આવરી લઇ તમે આખા મુદ્દા નું સુપેરે વિહંગાવલોકન કરાવ્યું. પણ એક શિક્ષક કે સમાજશાસ્ત્રી તરીકે, મને સમસ્યા જેટલો જ રસ સમસ્યાના સમાધાન માં છે . વર્મા કમિટી એ આપેલા 10 સૂચનો વિષે ની માહિતી અને તે વિષેની મુદ્દાસર છણાવટ પણ તમારી કોલમ દ્વારાવાચકો સુધી પહોંચે એવી આશા છે.
    ખેવના દેસાઈ, સાંતાક્રુઝ (પ), મુંબઈ

    જવાબ આપોકાઢી નાખો
  2. અન્ય અંગ્રેજી અખબારોની જેમ જ તમે 'દ્રૌપદી અને દામિની' માં ટાંકેલ R.S.S.ના અધ્યક્ષનું વિધાન Out of Context હતું. મૂળ ભાષણને પૂરેપૂરું સાંભળ્યા કે વાંચ્યા વિના તમારે કોઈના વિધાન લખવા જોઇએ નહિ.
    - ડો. ભરત પાલન (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  3. ડો. સાહેબ, પ્રતિભાવ આપવા બદલ આભાર. મારા મતે R.S.S.ના અધ્યક્ષનું વિધાન રેપના સંદર્ભે જ કરાયેલું અને મારા મતે તે આ ચર્ચા વેળા બિલકુલ Out of Context નહોતું. તેઓ ભારત અને ઇન્ડિયા શબ્દો દ્વારા પશ્ચિમી સંસ્ક્રુતિને બળાત્કાર જેવી ઘટના માટે જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં,જે મારા મતે યોગ્ય નથી.બ્લોગમાં જેના મુખેથી આખી વાત મેં લખી હતી તે દ્રૌપદી પર પણ તેના દિયર દુશાસને બળાત્કારનો પ્રયત્ન કરેલો તે ઘટના (મહા)ભારતમાં જ બનેલી જે વખતે કદાચ 'ઇન્ડિયા' નામ પણ આપણા દેશને મળ્યું નહોતું.આમ બળાત્કાર પુરુષની વિક્રુત માનસિક્તાને કારણે ઉદભવે છે જેનો આધાર તે કયા દેશનો કે કયા દેશમાં છે તેના પર રહેલો નથી. લોકશાહીમાં કોઈને પણ પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર છે અને તે વિચારો વિશે ટીકા-ટીપ્પણી કરવાનો પણ બધાંને હક્ક છે.મેં વિશે મારો અંગત અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને મારા બ્લોગ વિશે તમે જે ફીડબેક શેર કર્યો તેને પણ હું રીસ્પેક્ટ આપું છું.
    - વિકાસ ઘનશ્યામ નાયક

    જવાબ આપોકાઢી નાખો