Translate

શનિવાર, 9 ફેબ્રુઆરી, 2013

આપણી આસપાસનાં પરિસર વિશેની કેટલીક રસપ્રદ વાતો

કરોડો વર્ષ પહેલાં આપણી પ્રુથ્વી પર પ્રથમ જીવની ઉત્પત્તિ થઈ. એ જીવ તો નરી આંખે દેખાય પણ નહિ તેવો એક કોષી સજીવ હતો અને પછી કાળક્રમે ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા બીજા સજીવો અસ્તિત્વમાં આવ્યા. માણસ તો કેટલાંયે વર્ષો બાદ જન્મ્યો. મનુષ્ય પાસે એવું અમોઘ,અપૂર્વ અને અજોડ શસ્ત્ર હતું જેની મદદથી તે બીજા સર્વે સજીવો કરતાં ચડિયાતો અને શ્રેષ્ઠ સાબિત થયો - બુદ્ધિ, મગજ, મન. પણ સાથે જ તેનામાં અન્ય જીવોમાં જોવા ન મળતી હોય એવી પણ કેટલીક લાગણીઓ ભગવાને મૂકી - લાલચ,સ્વાર્થ,વેરઝેર લેવાની વૃત્તિ વગેરે. તેની વધુને વધુ પ્રાપ્ત કરવાની એષણા બળવત્તર બનતી ચાલી અને તેમ તેમ તે કુદરત પ્રત્યે, અન્ય સજીવો પ્રત્યે બેપરવા થતો ચાલ્યો. કેટલાક સજીવોનું તો તેણે નિકંદન કાઢી નાંખ્યું અને કેટલાક સજીવોને આજે મનુષ્યે દુર્લભ જીવોની યાદીમાં મૂકી દીધાં છે.


કુદરત સજીવોની એક સાંકળ રચી છે જેમાં એક સજીવના અસ્તિત્વનો આધાર બીજા સજીવની સંખ્યા કે અન્ય કેટલાક પરિબળો પર રહે છે. પણ પ્રગતિ પાછળની આંધળી દોટમાં મનુષ્ય ક્યાંક ક્યાંક આ જૈવિક સાંકળ તોડવા કે તેને નુકસાન પહોંચાડવા પાછળ જવાબદાર બન્યો છે.

કેટલીક સંસ્થાઓએ પર્યાવરણની જાળવણી અને સંવર્ધનનું બીડું ઝડપ્યું છે અને તેમણે મનુષ્યે પ્રકૃતિને કરેલા મસમોટા નુકસાનની થોડે ઘણે અંશે ભરપાઈ કરવાનું ભગીરથ સત્કાર્ય હાથે ધર્યું છે. આવીજ એક સંસ્થા છે B.N.H.S. (બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાઈટી) (શિવસેના વાળાઓએ અહિં પણ ‘બોમ્બે’ નું ‘મુંબઈ’ કરવા દબાણ કરી આ સંસ્થાની હેડઓફિસ માં તેનું નામ લખ્યું હતું તેના અક્ષરો પર કાળો રંગ લગાડી તેમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો! રે મનુષ્ય!) આ બી.એન.એચ.એસ સંસ્થાનું વાર્ષિક કોર્પોરેટ સભ્યપદ હું જ્યાં કામ કરું છું એ કંપનીએ લીધું છે. અમારી ઓફિસમાં અમે એક 'ગો ગ્રીન' જૂથ બનાવ્યું છે જે પર્યાવરણની જાળવણી અને તેના સંવર્ધનને લગતા પગલા લે છે, આ પ્રકારના કાર્યક્રમો યોજે છે. આવા જ એક કાર્યક્રમમાં અમે બી.એન.એચ.એસના એક નિષ્ણાત પ્રાણીવિદ કૌસ્તુભ ભગત ને થોડા મહિના અગાઉ 'વિશ્વ પ્રાણી દિવસ' નિમિત્તે અતિથિ વક્તા તરીકે આમંત્રિત કર્યા અને તેમણે એકાદ કલાક જે ચર્ચા અમારા સૌ સાથે કરી અને આપણી આસપાસના સજીવો વિષે જે અસામાન્ય અને રસપ્રદ માહિતી પૂરી પાડી તે હું આપ સૌ સાથે આજના બ્લોગ થકી વહેંચીશ.

આજકાલ આપણી આસપાસ કોયલ પક્ષીના મધુર ટહુકા વધુ પ્રમાણમાં સાંભળવા મળે છે.શું આ બાબતનો કોઈ ચોક્કસ અર્થ હોઈ શકે ખરો? કોઈ કલ્પના ખરી? આપણી આસપાસના વિસ્તારમાં કચરો સાફ કરવા વાળા રજા ઉપર હોવા જોઇએ અથવા આપણી આસપાસના વિસ્તારમાં ગંદકી વધી રહી છે. નવાઈ લાગી ને? હા! હવે આ હકીકતનું સાચું કારણ જાણીએ. કોયલ એક અતિ આળસુ પંખી છે અને તે કદી પોતે માળો બાંધી તેમાં ઈંડા મૂકતી નથી. તેના ઈંડા કાગડાના ઈંડાને મળતા આવતા હોવાથી કોયલબેન કાગડાના ઈંડા ભેગા પોતાના ઈંડા ભેળવી દે છે! હવે કાગડો ભલા એમ શાને કરવા દે? મૈત્રેયીબેન મહેતાના થોડા સમય અગાઉ લખાયેલા ગેસ્ટબ્લોગમાં તેમણે જણાવ્યા મુજબ કાગડો એક ચતુર પક્ષી છે. પણ કોયલબેલડું સાથે મળી કાગડા સાથે કપટ કરે છે. પોતાના મધુર સ્વરથી કોયલ નર કાગડા સામે બેસી કુ ઉ ઉ....કુ ઉ ઉ… કરે છે એટલે કાગડાને એમ લાગે છે કે કોયલ ઇંડા મૂકવા આવી છે અને તે ઉડીને સામે બેઠેલ કોયલને ચાંચ મારી ભગાડી મૂકવા પ્રયત્ન કરે છે અને નર કોયલ ચતુરાઈ પૂર્વક થોડે દૂર ઉડી બેસી જાય છે.કાગડો તેનો પીછો કરે છે અને આ બાજુ કોયલબેન ખાલી પડેલા કાગડાના માળામાં કાગડાના ઇંડા ભેગા પોતાના ઇંડા મૂકી દે છે. દેખાવમાં બિલકુલ સરખા લાગતા ઇંડામાં કાગડો ઇંડાઓ વચ્ચે ભેદ પારખી શકતો નથી.આમ આળસુ કોયલ માળો બાંધવાની અને ઇંડા સેવવાની પળોજણમાંથી બચી જાય છે!

હવે જ્યાં કચરો અને ગંદકી વધે ત્યાં તેના પર નભતા અન્ય ચકલી, કબૂતર અને સમડી જેવા પંખીઓની સંખ્યા પણ વધે. થોડા સમય અગાઉ વધતા જતા શહેરીકરણ અને મોબાઈલ ટાવરોની સંખ્યાને લીધે ચકલીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો થયેલો નોંધાયો હતો. પણ આજકાલ ફરી ચકલીઓ દેખા દેવા માંડી છે. વધતી જતી ગંદકી અને કચરો આનું કારણ હોઈ શકે છે!

બીજી એક રસપ્રદ વાત કૌસ્તુભે એ કરી કે પ્રાણી-પંખીઓને કુદરતી ઘટનાઓની જાણ અગાઉથી થઈ જતી હોય છે. આથી કેટલાક પ્રદેશોમાં લોકો જે તે વર્ષે વરસાદ કેટલો પડશે તેની આગોતરી માહિતી, કાગડો પોતાનો માળો કેટલી ઉંચાઈ પર બાંધે છે તેના પરથી મેળવતા હોય છે. કાગડાને આ અંગે અંદેશો આવી જતો હોય છે આથી જે વર્ષે વરસાદ વધુ પડવાનો હોય તે વર્ષે તે પોતાનો માળો ખૂબ ઉંચે ઝાડ પર બાંધે છે!

પંખીઓ સાથે કૌસ્તુભે બે હાથની હથેળીઓ ભેગી કરો ત્યારે બને, એટલા કદનું, વિશ્વનું સૌથી મોટું પતંગિયું બોરિવલીના નેશનલ પાર્કમાં જોવામાં આવ્યું હોવાની અને પતંગિયા જેવા જ દેખાતા પણ અલગ પ્રજાતિના ફૂદા એટલે કે ‘મોથ’ અને તેમની વચ્ચેના મૂળ ફરકોની રસપ્રદ ચર્ચા કરી.

ઘેર બેઠાં કચરાને એક માટલામાં ભરીને કુદરતી ખાતર બનાવતા તો તેણે શિખવ્યું જ અને એવી ઉપયોગી માહિતી પણ આપી કે જ્યાં સુધી નોન-વેજ ખોરાકનો કચરો આ માટલામાં ન નાખવામાં આવે ત્યાં સુધી તેમાંથી બિલકુલ વાસ પણ આવશે નહિ! પોણા ભાગનું માટલું ભીના અને સૂકા કચરાથી ભરાઈ જાય એટલે તેમાં પા ભાગ માટી ઉમેરી થોડા દિવસ રાખી મૂકવાનું. ખાતર તૈયાર! તમારા ઘરે બનાવેલા બગીચા કે બાલ્કનીમાં ઉગાડેલા છોડ-વેલા માટે આ ઉત્તમ ખોરાક છે.

ગરોળી અને તિતિઘોડા જેવા ડર ઉપજાવનારા જીવો પ્રત્યે લોકો સૂગ ધરાવે છે અને તેમને તરત મારી નાંખે છે આથી તેમના વિશે વધુ માહિતી મેળવવા મેં કૌસ્તુભને પૂછ્યું કે શું આ જીવો ઝેરી કે મનુષ્યને નુકસાનકર્તા હોય છે? જવાબ મળ્યો "ના". બહુજ ઓછી પ્રકારની ગરોળી કે ઘો ઝેરી હોય છે જે વિદેશના જંગલોમાં જ જોવા મળે છે. આપણા ઘરની ભીંત પર જોવા મળતી ગરોળી ઝેરી હોતી નથી. લીલા રંગનો કૂદાકૂદ કરતો તિતિઘોડો પણ બિનઝેરી હોય છે.

જંતુભક્ષી વનસ્પતિ વિશે પણ અતિ રસપ્રદ માહિતી કૌસ્તુભે અમને પ્રશ્ન કરીને આપી કે શા માટે આ વનસ્પતિ નાના કીટકોનું ભક્ષણ કરે છે? જવાબ એ છે કે તે એવા પ્રદેશમાં ઉગે છે જ્યાંની જમીનમાં તેની વ્રુદ્ધિ માટે જરૂરી પોષક તત્વો હાજર હોતા નથી આથી કુદરતે તેને જીવડાંઓને પોતાના પ્રત્યે આકર્ષિત કરી તેમનું ભક્ષણ કરી જવાની ખાસિયત,લાયકાત કે ક્ષમતા જે કહો તે, આપી. જેથી તે આ જીવોને આરોગી તેમનાં શરીરમાંથી એ જરૂરી પોષક તત્વો મેળવી લે!

આ અને આવી બીજી અનેક વાતો જાણવા તમે પણ B.N.H.S. નું સભ્ય પદ લઈ શકો છો અથવા તેમના દ્વારા નિયમિત બોરિવલીના નેશનલ પાર્ક કે ગોરેગાવ અથવા થાણે વિસ્તારમાં યોજાતી નેચર ટ્રેલ્સમાં ભાગ લઈ શકો છો. બાળકોને નિસર્ગમાં રસ લેતા કરવા આ એક ઉત્તમ વિકલ્પ છે. તેઓ ફોર્ટની તેમની હેડ ઓફિસ પાસે તો પ્રાણી-પંખી-જંતુઓનું આખું સંગ્રહાલય ધરાવે છે. વિદેશથી શિયાળામાં મુંબઈ આવતા ફ્લેમિંગો પંખી જોવાનો કાર્યક્રમ કે પુણેમાં વર્ષમાં એક જ વાર ખીલતા ખાસ ફૂલોની ભૂમિનો પ્રવાસ કે દેશ વિદેશના નેશનલ પાર્ક્સની વ્યવસ્થિત ગાઈડેડ ટૂર તેઓ અવારનવાર યોજે છે.પર્યાવરણની જાળવણી અને સંવર્ધનની દિશામાં ઘણું મહત્વનું યોગદાન આપનારી આ સંસ્થાનો સંપર્ક 2282 1811 આ નંબર પર કરી શકાય છે અથવા તેમની વેબસાઈટ 'www.bnhs.org' ની મુલાકાત લઈ તેમના વિશે તમે વધુ માહિતી મેળવી શકો છો.

1 ટિપ્પણી:

  1. પ્રકૃતિ સાથે શાંતિપૂર્ણ સહ અસ્તિત્વ ધરાવવા માટે તમે આટલા સજાગ અને ચિંતિત છો એ પ્રશંસનીય બાબત છે.હવે સમય આવી ગયો છે જ્યારે આપણે સૌએ જવાબદાર નાગરિક બની ઘરના કચરાનો યોગ્ય નિકાલ કરવો જોઇએ. તેમાંથી આપણે ખાતર બનાવી શકીએ અને આપણા ઘરને આંગણે કે ટેરેસ પર કે બાલ્કનીમાં આપણે શાકભાજી ઉગાડવા જોઇએ અને ચકલી જેવા પક્ષીઓ માટે રહેઠાણ બનાવવા જોઇએ.
    મને લાગે છે આ બધું બાળકોના શળાના અભ્યાસક્રમ નો જ ભાગ હોવું જોઇએ. 'મરાઠી વિજ્ઞાન પરિષદ' નામની બીજી પણ એક સંસ્થા B.N.H.S. ની જેમ જ આ દિશામાં ઘણું સારૂં કામ કરી રહી છે.
    - ડો. ભરત પાલન (ઇમેલ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો