Translate

સોમવાર, 18 જાન્યુઆરી, 2021

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - 3)

       દરેક જણે જીવનના અંતે જ્યાં જવાનું જ છે અને એ ઘડીએ તે પોતે તે જગાને જોઈ શકવાનો નથી એવી જગા એટલે સ્મશાન. સ્મશાન મુક્તિ અપાવનારું સ્થાન હોવા છતાં તેનું નામ સાંભળતા જ ભલભલાના હાંજા ગગડી જાય. આ શબ્દ જ મનમાં એક ભય જન્માવનારું, નકારાત્મક ચિત્ર ઉભું કરે. પણ જામનગરમાં આવેલા માણેકબાઈ સુખધામ નામના આદર્શ સ્મશાને મારા મનમાં રહેલી સ્મશાનની આ નકારાત્મક છબી બદલી નાખી!


વિશાળ પ્રાંગણમાં એક બાજુએ ભવ્ય રથ જેવી જણાતી શબવાહિની ઉભેલી જોવા મળે. સુંદર પ્રવેશદ્વાર કોઈ ભવ્ય મંદિરનો ગેટ હોય એવું જણાય. તેના પર ભગવાન મહાવીર, વિષ્ણુ, મહાદેવ, મા ગાયત્રી અને બુદ્ધની પ્રતિમા ટોચ પર બેસાડેલી જોવા મળે. નીચે બીજા સ્તરે મા લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા નીચે બે હાથીઓના મસ્તક સૂંઢ ફેલાવી આવનાર ડાઘુઓ કે મુલાકાતીઓનું સ્વાગત કરતા દેખાય. અહીં 'સોનાપુરી' અક્ષરો અંકિત થયેલા દેખાય. આ પ્રવેશદ્વારમાં થઈ અંદર પ્રવેશો એટલે ડાબી બાજુએ ભીંત પર રામાયણના પ્રસંગો કતારબદ્ધ ચિત્રિત કરેલા જોવા મળે, જેની નીચે મૃત્યુનો મર્મ સમજાવતા સુવાક્ય પણ લખેલા વાંચવા મળે. બસો - એક મીટર ચાલતા ચાલતા આ ચિત્રો પૂરા થાય, ત્યાં મહાદેવનું નાનું મંદિર અને આસપાસ અન્ય દેવી દેવતાઓના દહેરા. તેનાથી થોડે આગળ વિદ્યુત સંચાલિત સ્મશાન ગૃહ અને ત્યાંથી થોડે જમણે આગળ મધ્યમાં ગોળાકારે સંસારચક્ર દર્શાવતું વર્તુળાકાર શિલ્પ જોવા મળે. તેની પાછળ અગ્નિદાહ આપી શકાય તેવી લોખંડની પરંપરાગત પાંચ - છ ભઠ્ઠીઓ. ત્યાંથી પાછા બહાર નીકળવાના માર્ગે ફરી ડાબી બાજુએ હિન્દુ ધર્મના જાણીતા સંતોના યાદગાર જીવન પ્રસંગો દર્શાવતા શિલ્પ ઝૂંપડી જેવા સ્થાનકમાં બેસાડેલા જોવા મળે. આ આખા અંગ્રેજી 'યુ' આકારના પટ્ટા વચ્ચે નાનો બગીચો અને અન્ય દહેરા અને બેસવાના બાંકડાં તેમજ સ્મશાનની ઓફિસ આવેલા છે. આ આખી જગા એક મુલાકાત લેવા લાયક પ્રવાસન સ્થળ સમી લાગે. ક્યાંય સ્મશાનની ભયાનકતા, ઉદાસી કે નકારાત્મકતા અનુભવવા ના મળે.

    સચિન માંકડ નામના યુવાને જામનગરના આ સુવિખ્યાત સ્મશાન "સોનાપુરી" અને ત્યાં નિસ્વાર્થ સેવા આપતા લોકો પર સુંદર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ "ધ ફાઈનલ પુશ" બનાવી છે જે યૂ ટ્યૂબ પર સારા એવા વ્યૂ અને લાઇક પામી છે. ( https://youtu.be/Rc4GF6lmdGY)

  અમારા યજમાન વિનોદભાઈ મુંગ્રાનો અમે આટલી અદ્ભુત જગાની મુલાકાતે લઈ આવવા બદલ આભાર વ્યક્ત કર્યો. સૂરતનું જમણ અને કાશીનું મરણ પ્રખ્યાત છે. કદાચ એટલે જ આવા અજોડ સ્મશાનને લીધે જામનગરને 'છોટા કાશી'નું બિરુદ મળ્યું હશે?

   સોનાપુરી સ્મશાનમાંથી બહાર નીકળ્યા ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી. વિનોદભાઈ અહીંથી અમને તેમના ગામડે આવેલા ઘેર લઈ ગયા, જ્યાં અમારે 'વાળુ' કરવાનું હતું. પત્રકારોને હોટલમાં મુલાકાત આપી પપ્પા પણ મૂકેશભાઈ સાથે અહીં જ આવવાના હતા. સાતેક જ વાગવા છતાં અંધારું ગાઢ જામી ચૂક્યું હતું. તમરાં ના અવાજ સંભળાઈ રહ્યા હતા. મુંગ્રાભાઈઓનું ઘર ગામોમાં જોવા મળતા ઘરો જેવું જ મોટું હતું. તેના વિશાળ આંગણામાં મુંગ્રાભાઈઓના મમ્મી ચૂલા પર અમારા માટે રોટલા ટીપી રહ્યા હતા. તેમની સાથે, સામે ખાટલા પર બેસી મેં અને બહેને થોડી મજેદાર વાતો કરી. પછી અમે ધાબે જઈ કાળાડીબાંગ આકાશમાં ચમકતા તારાઓ જોવાની મજા માણી. મુંગ્રાભાઈઓના પપ્પા અમારી સાથે હતા, જે ધાબા બાદ અમને તેમના ઘરની બહાર આવેલી વાડીમાં લઈ ગયા. આમ તો અંધારું થઈ ગયું હોવાથી કંઈ ઝાઝું દેખાવાનું નહોતું, છતાં તેમણે જાણ્યું કે મને કુદરતી વસ્તુઓ, ઝાડપાન વગેરે ગમે છે એટલે ખાસ એ મને અહીં લઈ આવ્યા અને તેમણે મને તેમની વાડીમાં ઉગાડેલા આંબા, પપૈયાનાં ઝાડ, દૂધી - તૂરિયાં વગેરેના વેલા અને રીંગણ - બટાટા - લસણ વગેરે શાકભાજીના છોડ બતાવ્યાં. ત્યારબાદ વિનોદભાઈ અમને તેમના બે - ત્રણ વર્ષ અગાઉ જ બનાવેલા તેમના કુળદેવીના મંદિરે લઈ ગયા. અહીં તેમના એક કુટુંબ-રક્ષક દેવનું પણ સ્થાનક એ જ મંદિરમાં બનાવેલું હતું જેના દર્શન કરતી વેળાએ આજે પણ મુંગ્રાભાઈઓની વહુઓ લાજ કાઢે છે. આ કુટુંબ-રક્ષક દેવે તેમના પૂર્વજો ની પોતાના પ્રાણની આહુતિ આપી રક્ષા કરી હતી, તેથી આજે પણ તેમના કુળના દરેક જણ તેમની રોજ પૂજા કરે છે અને દરેક સારા કામ કરતા પહેલા તેમનું સ્મરણ કરે છે. મંદિર દર્શન કર્યા બાદ અમે ફરી ઘેર આવ્યા. થોડી જ વારમાં પપ્પા પણ અહીં આવી પહોંચ્યા. અમે બધાંએ સાથે બેસી ભોજન લીધું. બા એ બનાવેલા સ્વાદિષ્ટ રોટલા, રીંગણાંનો ઓળો, લસણની ચટણી, ખાસ પ્રકારના અથાણાં, મસાલા, પાપડ, ખીચડી અને કઢી. ટેસડો પડી ગયો! ભોજન પૂરું કરીએ ત્યાં સુધીમાં આખા ગામમાં ખબર પહોંચી ગયા હતા કે 'તારક મહેતા ના નટુ કાકા' મુંગ્રાભાઈઓના ઘેર પધાર્યા છે એટલે સૌ ભેળાં થયાં! સૌ સાથે સુરક્ષિતતા જાળવી પપ્પાએ ફોટા પડાવ્યા અને પછી અમે મુંગ્રાભાઈઓની વિદાય લીધી.

    અગાઉ નવાનગર તરીકે ઓળખાતા, કાઠિયાવાડનું ઘરેણું ગણાતા અને

દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા કે જામસાહેબના નામ પરથી જેનું નામ પડ્યું છે એવા મંદિરો અને તળાવોના નગર કહી શકાય એવા જામનગરની મુલાકાત યાદગાર રહી.

   બીજે દિવસે બપોરે અમારે ટ્રેનમાં અમદાવાદ આવવાનું હતું પણ ત્યાં કરફ્યુ જાહેર થઈ ગયો હોવાથી અમે યાત્રા વીરમગામ સુધી ટૂંકાવવી પડી. ત્યાંથી હું તો જેમને ઓળખતો પણ નહોતો એવા મારા સસરાજીના મિત્ર ધર્મેન્દ્રભાઈ પટેલે અમને મહેસાણા પહોંચાડવાની બાંહેધરી લીધી અને રાત્રે દસ વાગે પટેલ સાહેબનો યુવાન પુત્ર પુનિત તેના મિત્ર નિરવ સાથે અમને તેમની મોટી ગાડીમાં જાતે ડ્રાઇવ કરી મહેસાણા મૂકવા આવ્યો. તેઓ કોઈ અમને જાણતા નહોતા કે અગાઉ ક્યારેય મળ્યા નહોતા છતાં જરૂર પડ્યે મિત્રના પડખે ઉભા રહેવાની તેમની આ પહેલ અમને સ્પર્શી ગઈ. રસ્તામાં અલકમલકની વાતો કરતાં અમે દોઢેક કલાકમાં મહેસાણા આવી પહોંચ્યા. હ્રદયથી માનેલો અમારો આભાર સ્વીકારી તેઓ રાત્રે જ ફરી વિરમગામ જવા રવાના થયા.

બીજે દિવસે સવારે અમે મહેસાણાથી અમારે ગામ ઊંઢાઈ અને આસપાસના ગામોમાં આવેલા અમારા કુળદેવી, ઈષ્ટદેવના અને અન્ય કેટલાક મંદિરોના દર્શને જઈ આવ્યાં અને અમારી આ ગુજરાત યાત્રા પૂરી થઈ.

- વિકાસ ઘનશ્યામ નાયક

(સંપૂર્ણ)  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો