Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

નવા વર્ષની શુભકામના

      નવા વર્ષના આ શુભ પ્રસંગે સ્વ. કુન્દનિકા કાપડીયાની સુંદર પ્રેરણાત્મક પ્રાર્થનાથી આ નવલ વર્ષને આવકારીએ અને તેમાંથી મળતી શીખનું રોજે રોજ પાલન કરીએ...

મને શીખવ હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા

# * # * # * #

કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી.

પણ તું મારી વ્યથા જાણે છે.

મારી સાથે કોઇ બોલનાર હોય કે ન હોય

પણ હું તારી સાથે તો વાત કરી શકું

તને સમયની કાંઇ કમી નથી

તું નિરાંતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું.

બીજું કોઇ મને ચાહે કે ન ચાહે

તું તો મને ચાહે જ છે.

મને હિમ્મત આપ, ભગવાન!

શોકની આ ગલીમાંથી પસાર કરી મને

જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઇ જા.

મારે માટે તેં જે નિર્માણ કર્યું હોય, તે આનંદથી સ્વીકારી શકું

એવા સમર્પણભાવમાં મને લઇ જા.

મારી પીડાઓને વાગોળવામાંથી,

મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ.

હું મારા દુઃખમાં રાચવા લાગું

અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું –

એવું બને તે પહેલાં

મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ,

મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર.

– કુન્દનિકા કાપડીયા


    જેમના સર્જનનો હું હ્રદયના ઊંડાણથી આદર કરું છું એવા મારા મનપસંદ સર્જક કુન્દનિકા કાપડીયા ગત વર્ષમાં ઈશ્વરની પરમ સમીપે પહોંચી ગયા. તેમના નામ આગળ 'સ્વ.' લખવું પડે છે એ વાતનું અતિ દુઃખ છે તો સાથે અફસોસ અને પારાવાર પસ્તાવો તેમને રૂબરૂમાં ન મળી શક્યાનો. ઘણી બાબતો આપણે હ્રદયથી ઈચ્છતા હોઈએ છીએ, પણ તેમને અગ્રતા આપતાં નથી કે કહો ને આપી શકતા નથી. પણ સમય વહેતો જ રહે છે અને જો યોગ્ય સમયે આપણે તે ઈચ્છા પૂરી ન કરી શક્યા તો આપણી પાસે રહી જાય છે જીવન ભરનો પસ્તાવો. સમય પાછો ફરવાનો નથી અને નથી આવવાની પાછી હાથમાંથી સરી ગયેલી તક. એક સંકલ્પ લઈએ નવા વર્ષમાં કે સમય અને તક ને સરી જવા નહીં દઈએ અને યોગ્ય અગ્રતા આપી મન અને હ્રદય જે કામના કરે છે તેને પૂરી કરવાના સંનિષ્ઠ પ્રયાસ કરીશું.

   હકારાત્મકતા જો કોઈ સિક્કાની એક બાજુ ગણીએ તો નકારાત્મકતા પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પણ તેને નજરઅંદાજ કરતા શીખવાનું છે. સુંદર ફ્લેમિંગો પક્ષીને કદાચ તમે ખાતાં જોયું હશે તો તમને ખ્યાલ હશે કઈ રીતે કાદવમાં ભીની માટીમાંથી કઈ રીતે તે માત્ર પોતાના પેટને માટે યોગ્ય હોય એવો ખોરાક તારવી લે છે અને તે જ ખાય છે. બસ, આ રીતે નકારાત્મકતા વચ્ચે ઘેરાયેલા હોઈએ ત્યારે પણ તેમાંથી કોઇક સારી અને ગ્રહણ કરવાલાયક વાત શોધવાની દૃષ્ટિ કેળવીએ. એ ચોક્કસ મળી આવશે. તેને અપનાવીએ, સરાહીએ. જીવન ચોક્ક્સ સુંદર બની રહેશે.

  ત્રીજી ને છેલ્લી વાત. અન્યો માટે પણ વિચારતાં શીખીએ. સ્વકેન્દ્રીય વિચારસરણીની સંકુચિતતામાંથી ધીમે ધીમે મુક્ત થઈ, અન્યના મુખ પર સ્મિત લાવીશું કે અન્યનું દુઃખ દૂર કરી, તેના અંધકારમાં રોશની પ્રગટાવીશું તો તેમાંથી મળતાં આનંદ અને પરમ સંતોષની લાગણી એવી હશે જે જીવનમાં બીજી કોઈ બાબત નહીં આપી શકે.

  ઈશ્વરને સહિયારી પ્રાર્થના કરીએ કે પ્રારંભ થયેલું નવું વર્ષ આપણાં સૌના જીવનમાં પ્રકાશ, સુખ, સમૃદ્ધિ, શાંતિ, સારું આરોગ્ય અને સંતોષ આપનારું બની રહે... નૂતન વર્ષાભિનંદન. 

# * # * # * # * # * # * # * # * # * # * #

ગેસ્ટ બ્લોગ : નવા વર્ષના વધામણાં  

---------------------------------------------

દિવાળીની વિદાય અને નવા વર્ષના પ્રારંભનો તખ્તો ગોઠવાઈ ચૂક્યોછે તે જાણી દિવાળી પોતાની વિદાયની તૈયારી શરુ કરે છે, તેને ખ્યાલ છે કે સૂર્યદેવ તેની વિદાયની પ્રતીક્ષામાં છે. નવા વર્ષના પ્રારંભના પ્રથમ દિને પૃથ્વીવાસીઓને અનોખી ભેટ આપવા, પોતાના રથમાં સવાર થઇ, સજ્જ થઇ, અશ્વોની લગામ પોતાના હાથમાં રાખી, પ્રાતઃકાળની પ્રતીક્ષા કરી રહ્યા છે. 

દિવાળીની વિદાયની છેલ્લી રાત્રી અને નવા વર્ષના પ્રારંભનો પ્રથમ દિવસ. વિદાય અને પ્રારંભ વચ્ચે જે સમય બચ્યો છે, ત્યારે દિવાળી સમય ગુમાવ્યા વગર મળેલી તકને ઝડપી, સસ્મિત વદને સૂર્યદેવને બે હાથ જોડી વંદન કરી કહે છે મારે વિદાય લેતા પહેલા કંઈક કહેવું છે જો આપ અનુમતિ આપો તો. ત્યારે સૂર્યદેવે તેની તરફ અમીદ્રષ્ટિ નાખી પ્રસન્ન ચિત્તે કહ્યું, "કહો દેવી!" અને બન્ને વચ્ચે પ્રસન્નતા પૂર્વક શબ્દોની આપલે થાય છે ત્યારે દિવાળીની કથની સાંભળી, તેની વ્યથાને સમજી તેમ જ તેની વ્યથાને દૂર કરવા, હકારાત્મકતા સાથે ખુશ થઈને કહે છે, "તથાસ્તુઃ" અને હાથ ઉંચો કરીને સસ્મિત વદને વિદાય આપતા કહે છે, આવતા વર્ષે આજ રીતે ફરી મળીશું. 

    દિવાળી પણ જે રીતે આવી હતી, રુમઝુમ કરતી, તે જ રીતે આનંદવિભોર થઇ, સૂર્યદેવ તરફ અહોભાવ વ્યક્ત કરતા, હસ્ત ઉંચો કરીને, ફરી મળીશું કહેતા, અંધકારમાં વિલીન થઇ જાય છે. 

      મોં સૂઝણું થયું - મળસ્કુ થયું, આછો આછો ઉજાસ પથરાયો, પંખીઓનો કલરવ પ્રારંભ થતાં સૌ તંદ્રામાંથી જાગી ઉઠ્યા. ગામને પાદરે આવેલ

 મંદિરમાં નવા વર્ષના પ્રારંભને વધાવવા પૂજારીએ શંખનાદના સૂરને વહેતો કર્યો, પોતાના હર્ષને પ્રગટ કરવા ઘંટનાદને ગુંજતો કર્યો, ભક્તિ ગીતો અને સુગંધમય અગરબત્તીના ધૂપથી વાતાવરણ ભક્તિમય અને સુગંધિત બની ગયું, તેમજ હૃદયસ્પર્શી ટહુકાઓ દ્વારા કોયલે પણ સૂર પુરાવ્યો. સૌ પ્રજાજનો વહેલી સવારે મંદિરમાં જઈ દેવના દર્શન-અર્ચન કરી, આશીર્વાદ લઇ નવા વર્ષને વધાવવા અને તેનો જય જયકાર કરવા, સૂર્યદેવની પ્રતીક્ષામાં થનગની રહ્યા છે. ત્યાં તો અશ્વોની ધણધણાટીનો અવાજ આવ્યો, સહુએ તે દિશામાં નજર કરતા જોયું કે સૂર્યદેવ રથમાં સવાર થઇ આવી પહોંચ્યા છે. ત્યારે ફરી શંખનાદ અને ઘંટનાદ થયો, સૌએ બે હાથ જોડી શીશ નમાવી આવકાર આપ્યો અને જયઘોષ કર્યો. 

   ત્યાં તો આકાશનાં ભાથામાંથી તીર છૂટયું એવાં સંદેશ સાથે કે હે પૃથ્વીવાસીઓ દિવાળીએ મને બધી જ વાત કરી છે. ત્યાં તો બીજું તીર આવ્યું, તેમાં એવો સંદેશ હતો કે તમારા પર આવેલ દુઃખ અને સંકટ આ વર્ષના પ્રારંભમાં જ દૂર થઇ જશે, તેની ખાતરી આપું છું અને ત્યાં તો ત્રીજા તીરમાંથી સુગંધિત પુષ્પોની વર્ષા થઇ. સૌ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને આનંદથી એકબીજાને ભેટી નવા વર્ષની શુભકામના વ્યક્ત કરવા લાગ્યા. એક નવી ઉમ્મીદ સાથે સૂર્યદેવ તરફ મીટ માંડી અહોભાવ વ્યક્ત કરવા શીશ નમાવી, આશીર્વાદ લઇ, સૌએ એકબીજાને વધામણાં આપી, નવા વર્ષના શ્રી ગણેશ કર્યા. 

 - વસુમતી બિપિન મહેતા


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો