Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

પોસ્ટઓફિસમાં એકાઉન્ટ ખોલવાનો સુખદ અનુભવ

     જ્યાં કોઈ પણ શબ્દ આગળ 'સરકારી' એવું વિશેષણ લાગે એટલે આપણાં મનમાં એ શબ્દ જે સંસ્થા કે સેવા માટે વપરાયો હોય તેની ગુણવત્તા અંગે શંકા જાગે. પછી એ સરકારી શાળા હોય, સરકારી હોસ્પિટલ હોય કે પછી સરકારી કચેરી. પણ હવે પરિવર્તનનો પવન ખરેખર ફૂંકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના થયા બાદ સરકારી હોસ્પિટલમાં જ દાખલ થયા અને સાજા થઈ થોડાં દિવસો અગાઉ જ ઘેર ગયા એ બાબત આ પરિવર્તનની સાબિતી છે.

     મને આજે સરકારી પોસ્ટઓફિસમાં આ પરિવર્તન બાબતની પ્રતીતિ કરાવતો સુખદ, આશ્ચર્ય પમાડતો અનુભવ થયો. થોડાં વર્ષ અગાઉ મેં એક બ્લોગમાં પોસ્ટઓફિસમાં થયેલ ત્રાસદાયક અનુભવની વાત લખી હતી જ્યારે મારું એન. એસ. સી. સર્ટીફિકેટ ખોવાઈ ગયા બાદ મહેનતની કમાણીના પોતાના જ રૂપિયા પાછા મેળવતા જે હાલાકી ભોગવવી પડી તેની વાત કરેલી. એ પછી મારી દીકરી નમ્યા માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલ્યું તેને લઈને પણ જ્યારે તેમાં પૈસા જમા કરાવવાનું થાય ત્યારે થયેલા કંટાળાજનક અનુભવોની વાત પણ મેં કરી હતી. મેં અનેક વાર તપાસ કરી હતી કે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ઓનલાઇન કઈ રીતે ટ્રાન્સફર કરી જમા કરી શકાય જેથી પોસ્ટ ઓફિસ સુધી લાંબા થયા વગર આ કામ પાર પાડી શકાય. આ પાછળ જવાબદાર બીજું પણ એક કારણ એ જ હતું કે જ્યારે જ્યારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા જાવ ત્યારે ત્યાં લાંબી કતાર હોય, એક ધક્કે તમારૂં કામ પતે જ નહીં. છતાં મને - કમને વર્ષમાં એક - બે વાર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા જમા કરવા જવું જ પડતું. માર્ચ ૨૦૨૦માં લોક ડાઉન જાહેર થયું અને બેન્ક, પોસ્ટ ઓફિસ વગેરે જવાનું બંધ જ થઈ ગયું. સાત-આઠ મહિના બાદ હવે જ્યારે જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે ત્યારે આજે મેં ધર નજીક આવેલી પોસ્ટઓફિસની મુલાકાત લીધી. ત્યાં જઈ પાંચ-દસ મિનિટ રાહ તો જોવી જ પડી કોઈ મારી સાથે વાત કરી મને અટેન્ડ કરે એ માટે, પણ પછી જે બન્યું એ મારા માટે સુખદ આંચકા સમાન હતું!

   મેં પૂછ્યું કે આટલા સમય બાદ હવે કોઈ નવી પ્રોસેસ શરૂ થઈ છે જેના દ્વારા રકમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવી શકાય?

   પોસ્ટ ઓફિસના યુવાન કર્મચારીએ બે - ત્રણ મિનિટમાં એક નવી પ્રોસેસ સમજાવી જેના દ્વારા એ થઈ શકે એમ હતું. મારી અપેક્ષા એવી હતી કે સીધું મારા બેન્ક ખાતામાંથી હું રકમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી શકું પણ એ શક્ય નહોતું. નવી પ્રોસેસ મુજબ મારે પોસ્ટઓફિસમાં જ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનું હતું. એ થઈ ગયા બાદ પોસ્ટઓફિસની મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહે અને નવું પોસ્ટઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ એ એપ સાથે જોડી દેવાનું, કોઈ પણ બેન્ક એકાઉન્ટમાંથી પોસ્ટ ઓફિસના નવા ખોલેલા સેવિંગ્સ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દેવાની અને ત્યાંથી પોસ્ટઓફિસની મોબાઇલ એપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ઓનલાઈન સહેલાઈથી ટ્રાન્સફર થઈ જાય. લાંબી જણાતી આ પ્રક્રિયા થોડી જટિલ લાગે, પણ એક વાર બધું સેટ થઈ જાય પછી લાઈફ આસાન!

   હવે સરકારી પોસ્ટઓફિસમાંથી આ પ્રક્રિયા પાર પાડવાની એટલે એવો વિચાર આવે કે ચાર - પાંચ ધક્કા તો પાક્કા! પણ પોસ્ટઓફિસના પેલા યુવાન કર્મચારીએ માત્ર દસ મિનિટમાં મારૂં સેવિંગ્સ એકાઉન્ટ ખોલી નાખ્યું! મારી પાસે મારાં અને નમ્યાનાં પેન અને આધાર કાર્ડ સાથે હતાં એટલે આ થઈ શક્યું. ફિંગર પ્રિન્ટના આધાર ઑથેન્ટિકેશન સાથે જ મારૂં એકાઉન્ટ ખુલી ગયું અને તેની વિગતો દર્શાવતું પ્લાસ્ટિક કાર્ડ મારા હાથમાં આવી ગયું અને આ બધું માત્ર દસ મિનિટમાં બની ગયું એ હકીકતે મને આનંદવિભોર બનાવી મૂક્યો. ગ્રાહકને 'વાહ!' બોલાવી દે એવો સુખદ અનુભવ હતો આ! પછી તો ઉપર જણાવેલ અન્ય ફોર્માલિટી પતાવી દીધી અને કરી દીધી રકમ ઓનલાઈન ટ્રાન્સફર મારી દીકરીના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં!

  ટેકનોલોજી હરણફાળ ભરતી આગળ ધપી રહી હોય ત્યારે આજના સમયની એ જરૂરિયાત છે કે આપણે સૌ અને સરકાર પણ પાછળ ન રહી જાય. લોકડાઉન દરમ્યાન સરકાર તો પાછળ નથી રહી ગઈ એમ જણાય છે. તમે પણ સમય અને ટેકનોલોજી સાથે તાલ મેળવી રહ્યા છો ને?

  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો