Translate

Monday, January 18, 2021

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - ર)


        જામનગરની ભૂમિ પર પહેલી વાર પગ મૂક્યો. બપોરે બારેક વાગે ગાડીએ અમને સ્ટેશન પર ઉતાર્યા. રોકાણ અમારે અહીંની નંદા કમ્ફર્ટ ઇન હોટેલમાં કરવાનું હતું પણ હિતેશ ભાઈએ તેમના અન્ય એક મિત્ર મુકેશભાઈ મુંગ્રાને અમારી કાળજી લેવાનું કામ સોંપી દીધું હતું. એટલે ગાડી જામનગર સ્ટેશન પહોંચી એ પહેલાં મુકેશભાઈ તેમના અન્ય એક મિત્ર સાથે અમને હોટલ લઈ જવા પહોંચી ચૂક્યા હતા. હોટલ નજીક જ હતી. ફ્રેશ થયા બાદ, જમી અમે સૌ પહેલાં જે કામ માટે આવ્યા હતાં તે માટે રવાના થયા - ખોડિયાર મા ના દર્શને.

મુકેશભાઈના બે ભાઈઓ અને અન્ય એક મિત્ર આખો દિવસ અમારી સાથે બલ્કે એમ કહું કે અમારી સેવામાં રહ્યા - તો યોગ્ય ગણાશે. એક ગાડીમાં પપ્પા અને મુકેશભાઈ સાથે અન્ય બે જણ અને બીજી ગાડીમાં વિનોદભાઈ મુંગ્રા, અમને સ્ટેશન પર લેવા આવ્યા હતા એ ભાઈ અને હું અને મારી બહેન એમ અમે આઠ જણ બે ગાડીઓમાં બેસી સિક્કા ગામે આવેલા ખોડિયાર મા ના મંદિરે જવા રવાના થયા. માર્ગમાં ગુજરાતના અમે વણ ખેડેલા વિસ્તારોની ચર્ચા મુખ્ય વિષય રહ્યો. જામનગરની ઝાંખી મેળવતા અવનવી વાતો કરતા અમે બપોરના ચારેક વાગે મંદિર પહોંચી ગયા. મગર નું વાહન ધરાવતા ખોડિયાર મા આ શાંત અને સુંદર મંદિરમાં બિરાજ્યા છે તેમની ભાવવાહી ચહેરો ધરાવતી મૂર્તિના દર્શન કરી સારું લાગ્યું. અહીં મંદિરના પરિસરમાં અનેક બાળકોની તસવીરો લગાડેલી જોવા મળી. જેમને ઘેર પારણું ના બંધાતું હોય તેઓ અહીં શ્રદ્ધા થી દર્શન કરવા આવતા હશે અને મા ખોડિયાર તેમની સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા પૂરી કરતા હશે એટલે એ સંતાનનો ફોટો અહીં ભક્તો લગાડતાં હશે એમ જણાયું. અન્ય એક સ્થળે એક મંદિરમાં અસંખ્ય ઘંટ - ઘંટડી તો બીજા એક મંદિરમાં અનેક લાલ - લીલી બંગડીઓ અને હજી વધુ એક મંદિરમાં લાલ - કાળા ધાગા લોકોએ શ્રદ્ધા પૂર્વક બાંધ્યા હોવાનું યાદ આવ્યું. મંદિરના પ્રાંગણમાં મહાદેવ અને બે મુખ ધરાવતા દેવીના દહેરા હતાં ત્યાં દર્શન કર્યા. 

જાજરમાન આધેડ વયના હીરા બા ના પણ આ મંદિરમાં જ દર્શન કર્યા જેમને ગામ લોકો સાક્ષાત ખોડિયાર મા નું જીવતું જાગતું સ્વરૂપ માને છે. તેઓ ખૂબ ઓછું બોલતા પણ તેમની છબી અને રુઆબ પ્રભાવક લાગ્યા. તેમણે અમને રોજ માતાજી, ઈષ્ટદેવ સહિત પૂર્વજો ને પણ સ્મરી એક દીવો કરવાનું અને પક્ષીને ચણ નાખવાનું સૂચન કર્યું. મંદિર બહાર બીજા એક કક્ષમાં ખોડીયાર મા ની છ બહેનો અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિ ના દર્શન કર્યા અને પછી અમે ત્યાંથી વિદાય લીધી. પપ્પાની હોટલ પર પત્રકારો સાથે મુલાકાત હતી. લોકડાઉન અને મોટી બીમારીમાંથી સાજા થયા બાદ નવ મહિના બાદ આજે પપ્પા માતાજી ના આશિર્વાદ લઈ મિડીયા સાથે વાતચીત કરવાના હતા એટલે એ થોડા ઉત્સાહમાં હતા. તે મુકેશભાઈ સાથે ગાડીમાં હોટલ રવાના થયા. 

મને પણ જામનગર માં મજા આવી રહી હતી. સમય હતો અને મને ફરવાનો શોખ એટલે વિનોદભાઈ મને અને બહેનને જામનગરના થોડા જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ ગયા. અહીં એક પક્ષીઓનું અભયારણ્ય છે પણ કોરોનાને કારણે તે પ્રવાસીઓ માટે બંધ હતું એટલે ત્યાં ન જઈ શકાયું. વિનોદ ભાઈ અમને જામનગર ની સૌથી પ્રખ્યાત જગાઓમાંની એક એવી જગાએ લઈ આવ્યા. એ હતું રણમલ મ્યુઝિયમ જે સરોવરની વચ્ચે સ્થિત હતું અને જેના સુધી પહોંચવાના આઠ પુલ સરોવર પર બાંધેલા હતાં. સમયને અભાવે અમે એ મ્યુઝિયમ ની મુલાકાત તો ન લઈ શક્યા પણ બહાર થી તે અતિ ભવ્ય અને આ શહેરના ઐતિહાસીક વારસાના પ્રતીક સમું જણાયું. અહીં અમે હનુમાનજીના એક ખાસ મંદિરની મુલાકાત લીધી જેમાં વર્ષ ૧૯૬૪થી એટલે કે છેલ્લાં છપ્પન વર્ષથી રાત-દિવસ સતત અને અખંડ રામધૂન ગવાતી રહી છે. "શ્રી રામ જય રામ જય જય રામ" ધૂન સતત રાગ અને લય માં ગવાતી રહે, ભક્તો બદલાતા રહે, સાથે હાર્મોનિયમ અને તબલા ની સંગત પણ અન્ય ભક્તો આપતા રહે. આ અનુભવ હું પ્રથમ વાર કરી રહ્યો હતો જ્યાં સતત છપ્પન વર્ષથી ઈશ્વર સ્મરણ થઈ રહ્યું હોય - આ વિચાર જ મને અતિ રોમાંચક લાગી રહ્યો હતો. વાતાવરણ અતિ પવિત્ર અને ભક્તિ ભાવ ભર્યું લાગી રહ્યું હતું. અહીં દર્શન કર્યા બાદ અમે બહાર સહેજ ચાલીને બજાર જેવા વિસ્તાર તરફ ગયા અને એક અલગ જ પ્રકારની 'બજરંગ ચા' નામની ટપરી જેવી દુકાનમાં નાનકડાં કપમાં મીઠી ચા નો આસ્વાદ કર્યો! બે - ત્રણ છોકરા રાહદારીઓને સાદ પાડી પાડી ચા પીવા બોલાવતા હતા. પહેલા ખાસ આકારના પ્લાસ્ટિકના લોટામાં પાણી પીવાનું અને પછી અતિ નાનકડાં એવા કપમાં ચા! 

અહીં ઉભા ઉભા અમે ચા પીધી અને શહેરી અને ગ્રામ જીવનની તુલના કરતી વાતો કરી. પછી અહીંની એક પ્રખ્યાત દુકાનેથી ફરસાણ વગેરે ખરીદ્યા અને ત્યાંથી અમે ગયા એક એવી જગાએ જ્યાં જતા ભલભલા ના હાંજા ગગડી જાય! સ્મશાને! થોડું વિચિત્ર લાગે કે સ્મશાન તો કંઈ મુલાકાત લેવાની જગા ગણાય? પણ વિનોદભાઈએ જણાવ્યું કે આ સ્મશાનની વાત જ કંઈક નોખી છે. ઘણાં લોકો જામનગર ખાસ આ સ્મશાનની મુલાકાત લેવા જ આવતા હોય છે. મને અતિ કુતૂહલ થયું અને થોડા નકારાત્મક અને ડરના ભાવની પણ લાગણી અનુભવાઈ. પણ છેવટે અમે આવી પહોંચ્યા શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલિત માણેકબાઈ સુખધામ નામના આદર્શ સ્મશાને!

(ક્રમશ:)  

No comments:

Post a Comment