Translate

સોમવાર, 18 જાન્યુઆરી, 2021

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - ૧)

      મારામાં આસ્તિકતા, ઈશ્વરમાં અપાર શ્રદ્ધા વગેરે ગુણો માતાપિતા તરફથી વારસામાં આવ્યાં છે. પપ્પા કેન્સર જેવી મહામારીમાંથી, કોરોના-કાળ કહી શકાય એવા કપરા સમયમાં ઉગરી શક્યા એમાં ઈશ્વરની સદ્કૃપા સો ટકા ખરી. આથી તેમની રેડીએશન - કેમોથેરાપી સારવાર પત્યાને ત્રણ અઠવાડિયા થયા ત્યારબાદ અમે ઈશ્વરનો આભાર માનવા ગુજરાત જવાનો પ્લાન - જે પહેલેથી બનાવેલો હતો - અમલમાં મૂક્યો. ટિકિટ એડવાન્સમાં બુક કરી રાખી હતી. મને ખાત્રી નહોતી કે જઈ જ શકાશે, પણ પપ્પા પહેલેથી જવા માટે ઉત્સુક અને પોઝીટીવ હતા. આમ તો અમારા કુળદેવી - ઈષ્ટદેવના દર્શને આખો પરિવાર જ જાય, પણ કોરોનાના કેર વચ્ચે પપ્પાએ અમારા ત્રણ જણની જ, એટલે કે તેમની, મારી અને મારી બહેન તેજલની ટિકિટ કઢાવી હતી. પહેલા અમારે જવાનું હતું જામનગર - ખોડીયાર મા ના ધામે. પછી ત્યાંથી અમારા કુળદેવી ભુવનેશ્વરી મા ના દર્શને ગુંજા ગામ અને અમારા મૂળ વતન ઊંઢાઈમાં આવેલા અમારા ઈષ્ટદેવ લાખેશ્વર મહાદેવના મંદિર.

  પપ્પાના એક હિતેચ્છુ મિત્ર એવા હિતેશ કવરવાલા જામનગર - ખોડીયાર મા ના પરમ ભક્ત અને તેમને થયેલા અંગત પરચા બાદ પપ્પાના કેન્સર સમાચાર સાંભળી તેમણે પપ્પા માટે ખોડીયાર મા ની, સાજા થયા બાદ દર્શને આવવાની માનતા રાખી. તેમના ભાવ ને જોઈ પપ્પાએ પણ સાજા થયા બાદ પોતે જામનગર જઈ માતાજી ના દર્શન કરવાનું નક્કી કર્યું અને આ આખો પ્લાન બન્યો.

     પપ્પાએ એવો પ્લાન બનાવ્યો હતો કે જામનગર બાદ અમદાવાદ આવવું અને ત્યાંથી અંબાજી ધામ (જ્યાં મારા ફોઈ અને તેમની દીકરી રહે છે), ગુંજા-ઊંઢાઈ વગેરે જવું. પછી અમદાવાદથી જ પાંચેક દિવસ બાદ મુંબઈ પરત ફરવાની ટિકિટ બુક કરાવી હતી. જવાનો દિવસ હતો લાભપાંચમનો. દિવાળીમાં અમદાવાદવાસીઓએ કોરોનાની દરકાર કરી નહીં અને સરકારે આપેલી છૂટનો ગેર ફાયદો કહો તો એમ - એના કારણે કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો અને નવા વર્ષના સપરમા દહાડે જ ત્યાંની બધી હોસ્પિટલ નવા કોરોના કેસોથી ઉભરાવા માંડી. કરફ્યુ લાદવામાં આવશે એવા સમાચાર સાંભળવામાં આવ્યા. પપ્પા હજી મોટી બીમારીમાંથી ઉભા જ થયા હતા એવામાં, આવી ગંભીર પરિસ્થિતિમાં અમે ગુજરાત જઈ શકીશું કે કેમ એ સામે જ પ્રશ્નાર્થ ઉભો થયો. મેં ખૂબ બધી ચકાસણી કરી, ત્યાં વસતા અમારા કુટુંબીજનો અને સગા - સ્નેહીઓ સાથે ચર્ચા મસલત કરી. અને જવાનો કાર્યક્રમ ભારે કાળજી રાખવાનું નક્કી કરી યથાવત રાખ્યો. જામનગરમાં કે અંબાજીમાં ત્યારે પરિસ્થિતિ વધુ વણસી નહોતી. આથી અમદાવાદ કદાચ નહીં જઈએ જો ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હશે તો, એમ ધારી પ્લાન મુજબ ગુજરાત જવાનું મોકૂફ ન રાખ્યું. અંબાજીમાં પપ્પા જ્યારે જ્યારે દર્શનાર્થે જાય ત્યારે સારી એવી ભીડ તેમને જોવા ભેગી થઈ જતી હોય છે અને પછી ટોળાને કાબૂમાં લેવું મુશ્કેલ થઈ જાય, કોઈને કોરોના હોય તો અણધારી મુસીબત ઉભી થાય એવા ડર થી અંબાજી જવાનું રદ કરી એક દિવસ નો કાર્યક્રમ ટૂંકાવી દીધો.

    લાભપાંચમની રાતે બોરીવલી સ્ટેશનથી જામનગર જવા માટે ટ્રેન પકડી. લોકડાઉન બાદ, લગભગ આઠેક મહિના પછી ટ્રેન પકડવા સ્ટેશન જવાનો પ્રસંગ ઊભો થયો હતો. ઘણું અજબ લાગતું હતું. બધાં માસ્ક પહેરેલ નજરે ચડતા હતાં. જો કે ગર્દી તો સ્ટેશન પર હતી જ. વિરાર જતી ટ્રેનો પણ કંઈ ખાલી તો નહોતી જ. વિચાર આવ્યો કે શું ખરેખર સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન બંધ છે? ટ્રેનમાં ભીડ જોતા તો એવું લાગતું નહોતું. ઘણું બધું સાંભળ્યું હતું - સ્ટેશન પર જવાનો એક જ માર્ગ ખુલ્લો છે, ત્યાં ઘણું સખત ચેકીંગ છે, અતિશય વહેલા પહોંચી જવું જોઈએ જેથી હાડમારી ના થાય વગેરે. પણ આમાંથી કંઈ જ સાચું જણાયું નહીં. સ્વયંસંચાલિત દાદરા અને લિફ્ટ બંધ હતી એટલે સામાન ઉંચકી એ પ્લેટફોર્મ સુધી જવું પડયું જેના પરથી ટ્રેન પકડવાની હતી - એટલું જ. બીજી કોઈ ખાસ તકલીફ પડી નહીં. ટ્રેન સમયસર આવી. પહેલી વાર હું ફર્સ્ટ એ. સી. - કેબીન કોચમાં સફર કરી રહ્યો હતો. આ કોચમાં ચાર જણનો સમાવેશ થઈ શકે. અમારા ત્રણ સિવાય એક યુવાન અમારી સાથે હતો જેના પિતાને બપોરે અમદાવાદમાં અચાનક કોરોના માલૂમ પડતાં, એ તાત્કાલિક ત્યાં જઈ રહ્યો હતો. યુવાનના પિતા ખૂબ ઉદાર વૃત્તિ ધરાવતા વેપારી હતાં અને કોરોનાના શરૂઆતના સમયમાં તેમણે ગુજરાતના વડાલી ગામે, સેંકડો ગરીબોને રોજ ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરી હતી. આ સાંભળી પપ્પાએ એ યુવાનને ખાતરી આપી કે આવા સખાવતી વૃત્તિ ધરાવતા પરોપકારી સજ્જનને ઈશ્વર જરૂર સારું કરી દેશે.

તેના મમ્મી પણ આ જ ટ્રેનમાં પણ બીજા કોચમાં સાથે હતાં. રાતે અમે બધાએ થોડી વાર વાતો કરી, પછી અમે થોડું જમ્યા અને સૂઈ ગયા. ઉંઘ સારી આવી.

   સવાર પડી. પેલો યુવાન અમદાવાદ ઉતરી ગયો હતો. આથી કોચમાં હવે અમે ત્રણ જ હતાં. હસમુખ ચહેરો ધરાવતા રેલ કર્મચારી અમને થોડી થોડી વારે કોઈ ચીજ વસ્તુ જોઈએ છે કે એવી પૃચ્છા કરી જતા. સવારે સાડા નવે રાજકોટ સ્ટેશન આવવાનું હતું, જ્યાં હિતેશભાઈના પરિચિત અને પપ્પાના એક ચાહક મિત્ર એવા જાદુગર પાશા અમારા માટે ચા - નાસ્તો લઈને આવવાના હતા. અહીં ટ્રેન દસ - પંદર મિનિટ થોભવાની હતી. અમે ફ્રેશ થઈ રાજકોટ આવે તેની રાહ જોઈ રહ્યા. ગુજરાતના ઘણાં વિસ્તારોની હજી મારે મુલાકાત લેવાની બાકી છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર વગેરે તેમાં આવી જાય. અહીં વિશે ઘણું સાંભળ્યું છે અને સાંભળ્યા બાદ મને જલ્દી થી જલ્દી આ પ્રદેશોની મુલાકાત લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી છે. ઈશ્વરને પણ જ્યાંનું આતિથ્ય માણવાનું ગમે એવું કહેવાય છે એવા આ પ્રદેશોમાંના એક રાજકોટની આતિથ્ય સત્કારની સુંદર ભાવનાનો અહીં ટ્રેનમાં અનુભવ થયો. ધીરેશ ભોજાણી નામના આ સજ્જન જાદુગર પાશા નામે પ્રખ્યાત છે. સુઘડ, એકવડો બાંધો ધરાવતા આ વ્યક્તિએ અન્ય ત્રણ - ચાર વ્યક્તિઓ સાથે રાજકોટ સ્ટેશન આવતા જ અમારા કોચમાં પ્રવેશ કર્યો. મને પહેલા તો ફાળ પડી, થોડો ડર લાગ્યો. પણ પછી તેમનો પ્રેમ ભાવ, હસમુખા મોઢા પરનું સ્મિત અને અગાઉ અમને ક્યારેય મળ્યા પણ ન હોવા છતાં અમારા માટે અછો અછો વાના કરવાની ભાવના વગેરે એ મને જીતી લીધો! તેઓ પપ્પાના ભારે મોટા ચાહક છે અને સાથે તેમનો પુત્ર અને અન્ય એક - બે સ્નેહી જનો હતા. પપ્પા ને મળીને તેઓ સૌ ધન્યતા અનુભવી રહ્યા અને હું અને મારી બહેન જાદુગર પાશા અને તેમના ભાવ - લાગણી વગેરે જોઈને અભિભૂત થઈ ગયા. તેમણે પશ્ચિમ બંગાળ જઈ જાદુ વિદ્યાનો ખાસ અભ્યાસ કર્યો હતો અને ઘણાં વર્ષો સુધી જાદુ ના ખેલ - શો વગેરે કર્યા છે. આ જાણી હું પ્રભાવિત થયો. ત્યાં બેઠા બેઠા તેમણે અમને અચરજ ભરી એક બે જાદુ ની કરતબ દેખાડી. આજ ના સમયની માગ પ્રમાણે તેમણે ડિજિટલ જાદુના પાઠ પણ ભણ્યા છે અને અમને એક ડિજિટલ જાદુ નો નમૂનો પણ દેખાડ્યો. એક રૂપિયાનો ગોળ સિક્કો તેમના હાથમાંથી ફરતો ફરતો મોબાઈલ સ્ક્રીન પર ડિજિટલ રૂપ ધરી ફરતો દેખાયો અને ત્યાંથી ફરી હાથમાં આવે ત્યારે ફરી તેનું ભૌતિક રૂપ જોઈ અમે અચંબો પામ્યાં! તેમણે પપ્પાની રંગલો તરીકે ગુજરાતી રંગભૂમિને આજીવન આપેલી સેવા ને કારણે તેમનું પોતાનું દિલ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા તરીકે કઈ રીતે તેમના સૌ પરિવાર જનોના દિલ જીતી લીધા હતા તેની વાત કરી. તેઓ પોતે પણ એક જાદુગર - કલાકાર હતા એટલે એ રીતે પણ તે પપ્પા સાથે એક અનોખું જોડાણ અનુભવતા હતા. અમારા માટે તેઓ બે થેલી ભરી ગરમા ગરમ ફાફડા, જલેબી, સેવ ખમણી, ખાંડવી, સલાડ, પાપડી, અઠવાડિયા થી પણ વધુ સમય ચાલે એટલા ઘેર બનાવેલ થેપલાં, થર્મોસ ભરી ચા અને પાણીની બે મોટી બોટલ લઈ આવ્યાં હતાં - માત્ર પ્રેમભાવથી પ્રેરાઈને. મને વિચાર આવ્યો કે આપણે મુંબઈવાસીઓ પોતાની જાતને અતિ વ્યવહારુ - પ્રેક્ટીકલ ગણાવી પોતાના મિત્રો કે પરિવારજનોની પણ પરોણાગત કે સેવા કરવાનો મોકો આવે ત્યારે ક્યારેક ખરું કારણ આગળ ધરી તો ક્યારેક બહાનું કાઢી પીછેહઠ કરતા હોઈએ છીએ જ્યારે અહીં અમે જેમને ઓળખતા પણ નહોતા એવા એક વ્યક્તિ અમારાં માટે સામેથી આટલી બધી ખાદ્ય સામગ્રી લઈ અમને પ્રેમથી મળવા આવ્યા હતાં! દસ પંદર મિનિટની અમારી આ મુલાકાત અતિ યાદગાર બની રહી. તેમના ગયા પછી અમે ધરાઈ ને નાસ્તો કર્યો અને આ પ્રસંગ અંગે ચર્ચા કરી. બાર - સાડા બારે જામનગર આવવાનું હતું. ત્યાં બીજા એક સજ્જન જામનગર સ્ટેશને અમને સત્કારવા અને ગુજરાતની આ ભૂમિની મહેમાનગતિનો સુખદ અનુભવ કરાવવા રાહ જોઈ ઉભા હતા!

(ક્રમશ:)  


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો