Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

ફેસબુક પર જન્મદિવસની શુભેચ્છા

     સોશિયલ મિડીયા એક એવું માધ્યમ છે જેને તમે ચાહી શકો, ધિક્કારી શકો પણ તેને નજરઅંદાજ કરી શકો નહીં. ઘણાંને તેનું એવું વળગણ હોય છે કે તેના વગર ચાલે જ નહીં. રાત્રે સૂતા પહેલા, છેલ્લું કામ મોબાઈલ પર સોશિયલ મિડીયા પર સ્ટેટસ ચેક કરવાનું જ હોય અને સવારે સૌથી પહેલાં ઉઠતાં વેત મોબાઈલ હાથમાં! કદાચ એલાર્મ ઘડિયાળનો જમાનો તો ક્યારનો પૂરો જ થઈ ગયો છે, એટલે મોબાઈલ પરનું એલાર્મ જ આપણી સવાર પાડે છે અને ઉઠતાં વેત ઘણાં ખરાં સૌથી પહેલાં સોશિયલ મિડીયા પર મેસેજ ચેક કરવાનું કામ કરે છે.

  સોશિયલ મિડીયા એટલે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ વગેરે. અહીં સંદેશાઓનો મહાસાગર જોવા મળે. સ્ક્રીન સ્ક્રોલ કર્યા જ કરો, કર્યા જ કરો, સંદેશાઓનો અંત જ ન આવે. પહેલાં સારા કે માઠાં પ્રસંગે કાગળ - પત્ર લખાતાં, આમંત્રણ કંકોત્રી મોકલી કે રૂબરૂ પાઠવાતાં. આજે સમય બદલાયો છે. હવે ઉઠમણાનાં સમાચાર પણ ફેસબુક કે વ્હોટ્સ એપ પર મળે છે અને શુભ પ્રસંગનું આમંત્રણ પણ ત્યાં જ પતાવવામાં આવે છે. જન્મદિવસે તો શુભકામનાઓનો રીતસરનો ધોધ જ વહે છે એમ કહી શકાય.

  ખાસ કરીને ફેસબુકમાં જન્મદિવસને લગતાં બે નિરીક્ષણ વિશે વિચાર કર્યો અને એ બાબતની તમારી સાથે ચર્ચા માંડવાનું મન થયું. ફેસબુકનું એક અતિ ઉપયોગી ફિચર છે - તમારા મિત્રોના જન્મદિવસની તમને યાદ અપાવવાનું. રોજ સવારે ફેસબુક તમારી સામે લાંબીલચક યાદી રજૂ કરી આપે તમારા ફેસબુક મિત્રોની જેમનો જન્મદિવસ હોય. આ એક ખૂબ સારું અને ઉપયોગી ફિચર છે જે તમને સંબંધ જાળવી રાખવામાં મદદ કરે છે. પણ અહીં જ એક સમસ્યા મને રોજ અકળાવે છે. એક જ વ્યક્તિનાં બે, ત્રણ કે ક્યારેક તો પાંચ કે છ અકાઉન્ટ - પ્રોફાઈલ હોય. કયા અકાઉન્ટ પર આપણે વિશ કરવું? કયું અકાઉન્ટ એક્ટિવ અને લેટેસ્ટ હશે તેની અટકળ કરતાં બધાં અકાઉન્ટ એક પછી એક તપાસો, તો દરેક પર થોડાંઘણાં લોકો એ વિશ કર્યું હોય! લોકો શા માટે જૂના અકાઉન્ટ ડીલીટ કરવાની તસ્દી નહીં લેતા હોય? કદાચ નવો ફોન લો, ત્યારે જૂના અકાઉન્ટની વિગતો યાદ નહીં રહેતી હોય? કે પછી અન્ય કોઈ કારણસર જાણી જોઇને તેઓ મલ્ટીપલ અકાઉન્ટ બનાવતા હશે? ફેસબુક તો કદાચ જાણી જોઇને મલ્ટીપલ અકાઉન્ટ બનાવવા દેતું હોય, જેથી એ પોતાના પ્લેટફોર્મ પર કુલ અકાઉન્ટનો વધુ મોટો આંકડો રજૂ કરી શકે, પણ લોકો કયા કારણોસર પોતાના એક કરતાં વધુ અકાઉન્ટ બનાવતાં કે રહેવા દેતાં હશે?

    ફેસબુક પર જન્મદિવસને લગતું બીજું એક સરસ ફિચર છે તમને શુભકામના સંદેશ લખવા સુંદર બેકગ્રાઉન્ડ ટેમ્પ્લેટ પૂરું પાડવાનું. રંગબેરંગી કાર્ડના વિવિધ વિકલ્પો એ દર્શાવે, તમને ગમે એ ઓપ્શન પસંદ કરી, તેના પર તમારો પર્સનલ મનગમતો સંદેશ લખી મોકલી આપો તમારી શુભકામના! તાજેતરમાં તો વઘુ એક રસપ્રદ ફિચર ઉમેર્યું છે ફેસબુકે - તમારાં જે મિત્રનો જન્મદિવસ હોય તેની સાથેની તમારી ફેસબુક પર પ્રસ્તુત તસવીરો પૈકીની સૌથી સારી કે વધુ લાઈક્સ પામેલી તસવીરો તમને જન્મદિવસના રીમાઈન્ડર સાથે દર્શાવવાનું. તમે એ તસવીર કે તસવીરો ફરી શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો અને સાથે તમારી જૂની યાદો ફરી તાજી કરી શકો.

    છેલ્લા કેટલાક સમયથી જન્મદિવસને લગતું અન્ય એક ફિચર પણ હું નિયમિત જોતો. જન્મદિવસના સંદેશ સાથે, તમારા એ મિત્રે પસંદ કરેલી એક એન. જી. ઓ. ચેરીટી સંસ્થાને તમે નાનીમોટી રકમ દાન કરી શકો. મેં પણ મારા ગત સપ્તાહે ગયેલા જન્મદિવસે આવી એક સંસ્થા ફેસબુકે પૂરી પાડેલી યાદીમાંથી પસંદ કરી મારા મિત્રોને તેઓ આ સંસ્થાને ઓનલાઈન દાન કરી શકે એવો વિકલ્પ આપ્યો હતો. શુભસંદેશાઓ તો સેંકડો આવ્યાં અને ધણાં એ આ દાન કરવાના વિકલ્પને લાઈક્સ પણ આપ્યાં, પણ પાંચ હજારનાં લક્ષ્યાંક સામે ત્રણસો રૂપિયા જેટલી રકમ જ જમા થઈ શકી (એ પણ મારા ઘરનાં ને ઘરનાં જ!) કદાચ આ નવું ફિચર પ્રચલિત થતાં વાર લાગશે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો