Translate

સોમવાર, 11 જાન્યુઆરી, 2021

નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - ૨ - ૪)

       દોઢેક મહિના અગાઉ આ જ શિર્ષક સાથે બ્લોગ પોસ્ટ લખી હતી જેમાં મારા પિતા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નટુકાકાની તબિયત અને શસ્ત્રક્રિયા અંગે વાત કરી હતી. આ શસ્ત્રક્રિયા દ્વારા તેમના ગળા પાસે આવેલી પેરોટીડ ગ્રંથિની આસપાસ બનેલી દસેક ગાંઠ સફળતાથી દૂર કરવામાં આવી હતી અને આ ગાંઠ આગળ પૃથક્કરણ માટે મોકલી હતી ત્યાં સુધીની વાત એ બ્લોગ લેખમાં કરી હતી. ત્યારબાદ એ ગાંઠોનો બાયોપ્સી રીપોર્ટ આવ્યો જેમાં જાણવા મળ્યું કે તે ગાંઠોમાંની પાંચ-છ 'એક્ટીવ' હતી જેનો સીધોસાદો અર્થ થાય કે તે શરીરમાં ફરી પાછી સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ પેરોટીડ ગ્રંથિનું 'કેન્સર' ગણી શકાય. આંખ પર ફરી ફરી થયેલી ગાંઠ આ બિમારીનો પહેલો તબક્કો ગણીએ તો શરીરની અંદર ફેલાઈને પેરોટીડ ગ્રંથિ સુધી પહોંચી તેને તમે બીજો તબક્કો કહી શકો. શસ્ત્રક્રિયા દ્વારા હાજર એટલી બધી ગાંઠો તો દૂર કરી દીધી પણ હવે એ શરીરમાં ફરી ન સર્જાય અને બિમારી વધુ આગળ ન પ્રસરે એ માટે સર્જરી કરનાર ડોક્ટર યોગેન છેડાએ રેડિયેશન થેરાપી કરવી પડશે એવું સૂચન કર્યું.



   'કેન્સર' એટલે કેન્સલ એવું કોઈક જગાએ સાંભળ્યાનું યાદ છે. આ બિમારી અંગે મારા મનમાં પણ અતિ નકારાત્મક અને ભયંકર ચિત્ર દોરાયેલું હતું. પણ છેલ્લા દોઢેક મહિનામાં પપ્પાની સફળ સારવાર બાદ આ ચિત્ર કંઈક અંશે બદલાયું છે અને આ અંગે થોડી સાચી માહિતી અને હકારાત્મકતા ફેલાવવા, આ આખી સારવાર યાત્રા બ્લોગના માધ્યમથી ફેલાવવાનું નક્કી કર્યું. ઘનશ્યામ નાયક એટલે કે તમારા સૌના પ્રિય નટુકાકા હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તે ફરી પાછા રૂપેરી પડદે દેખાશે. ભારોભાર હકારાત્મકતા અને જીજિવિશાને કારણે જ તે દસકા અગાઉ હ્રદયની બાયપાસ સર્જરી બાદ ફરી વાર જિંદગીને 'યેસ' કહી એક નવી ઈનિંગની શરૂઆત કરશે.

       રેડિયેશન માટે તપાસ કરી, બોરિવલીની કેન્સર હોસ્પિટલ એચ. સી. જી. માં જઈ ડો. ભાવિન વિસરીયાને મળ્યા. તેમણે પપ્પાના રીપોર્ટસ્ અને સર્જરી થયેલ ભાગનું નિરીક્ષણ કરી રેડિયેશનના ત્રીસ સેશન્સ સૂચવ્યા. રેડિયેશન વધુ અસરકારક બની રહે એ માટે અને બિમારીના સંપૂર્ણ ઈલાજ માટે કેમોથેરાપીના નિષ્ણાત ડો. વિજય શરણાગતને મળવા સૂચવ્યું. આ દરેક પગલે મારા મનમાં થોડી નકારાત્મકતા પેદા થતી હતી. પણ પપ્પાનો અભિગમ અતિ સકારાત્મક હતો. દરેક આવનાર પડકાર માટે તે જાણે એક યોદ્ધાની જેમ તૈયાર હતા. કેમોથેરાપીના પણ પાંચ કે છ સેશન લેવા પડશે એમ નક્કી થયું. પેરોટીડ ગ્રંથિનું 'કેન્સર'  વધુ પ્રચલિત ન હોવાથી તેના અંગે વધુ સંશોધન સાહિત્ય ઉપલબ્ધ નથી એવું ડોક્ટરે જણાવ્યા બાદ મારી ચિંતામાં થોડો વધારો થયો હતો અને હું આ બધી ટ્રીટમેન્ટ થોડી ટાળવાનો પ્રયત્ન કરતો હતો પણ સામે છેડે પપ્પા બધી ટ્રીટમેન્ટ બને એટલી ઝડપથી લેવા અને પૂરી કરી નાંખવા જાણે અધીરા થયા હતા.

  આખરે સર્જરીના ત્રણેક સપ્તાહ બાદ શરૂ  થઈ નવી એક સફર - રેડિયેશન અને કેમોથેરાપી ટ્રીટમેન્ટની.

(ક્રમશઃ)

—------—————

નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - 3)

    કેન્સર એટલે નકામા કે હાનિકારક કોષોની અસામાન્ય વૃદ્ધિ. શરીરમાં આ વૃદ્ધિ થવા માંડે એટલે શરીર તેની સામે લડી તેનો નાશ કરવાના પ્રયત્ન કરે પણ આ વૃદ્ધિ એટલી ઝડપી અને શક્તિશાળી હોય કે શરીર પણ તેની સામે લડવા અસમર્થ બની જાય અને ઘણી વાર વ્યક્તિને ખબર પડે ત્યારે કેન્સર ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચી ચૂક્યું હોય જે ઘણું મોડું ગણાય. પણ પપ્પાના કેસમાં સદનસીબે ગાલ પર, કાન પાસે સોજો દેખાતા અને થોડો દુખાવો થતાં જ તેમણે તપાસ કરાવી અને સર્જરી દ્વારા ગાંઠો કાઢી નાખવામાં આવી. હવે આ ગાંઠો કાઢ્યા બાદ ફરી તેમની ચકાસણી કરાઈ જેમાં તે 'એક્ટિવ' હોવાનું માલુમ પડયું અને તેમને રેડીએશન સૂચવાયુ. બોરીવલીની એચ. સી. જી. હોસ્પિટલમાં ત્રીસ સેશન્સ લેવાનું નિદાન થયું. રોજ હું અથવા બહેન પપ્પાને મોટે ભાગે સવારે ત્યાં લઈ જતાં. રીક્ષા વાળા ભરત ભાઈ મલાડ પૂર્વમાં રહે, તે પપ્પા ને બીજે પણ ક્યાંક લાંબે જવાનું હોય તો લઈ જાય. એટલે એમની જ રીક્ષા મહિના માટે બાંધી દીધી. રોજ સવારે ભરત ભાઈ હાજર થઈ જાય અને હું અથવા બહેન તેજલ પપ્પાને એચ. સી. જી. હોસ્પિટલ લઈ જઈએ. આ વેળા કોઈ નકારાત્મકતા ન અનુભવાય. પહેલી વાર હોસ્પિટલમાં ગયા ત્યારે તો અડધો સ્ટાફ ભેગો થઈ ગયો અને નટુકાકા સાથે બધાએ ધરાઈ ને ફોટા પડાવ્યા! રેડીએશન વખતે દર્દીએ ખાસ પ્રકારનું બખતર જેવું પ્લાસ્ટિક જેવા પદાર્થનું બનેલું જેકેટ પહેરવું પડે જે દર્દીના શરીરનું માપ લઈ ખાસ તેના માટે જ તૈયાર કરાય. રેડીએશન એક એવા પ્રકારની પ્રક્રિયા છે જે શરીરના કેન્સરગ્રસ્ત ભાગ પર ચોક્કસ પ્રકારના કિરણો છોડી ત્યાંના કોષોને ખતમ કરી દે છે, જેથી કેન્સર ફરી ન થાય. અહીં ખરાબ ભેગા સારા કોષો પણ નાશ પામે, અને જે ભાગ પર રેડીએશન કરવામાં આવે તે કાળો પડી જાય જે ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ ત્રણ ચાર સપ્તાહ માં ફરી સામાન્ય થઈ જાય. રેડીએશનની અન્ય આડ અસર તરીકે ચાંદા પણ પડે, ભૂખ પણ ઓછી થઈ જાય. પણ પપ્પાની ઉંમર વધુ અને તે કલાકાર હોવાથી ચહેરા પર બને એટલી ઓછી અસર પહોંચે એવી જ ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ ડોક્ટર સાહેબે સૂચવી હતી. એચ. સી. જી. હોસ્પિટલનો સ્ટાફ પણ ભારે કાબેલ અને તેઓ પપ્પાને બને એટલી ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખતા. ગ્રાઉંડ ફલોર ની પણ બે માળ નીચે, લોઅર બેસમેન્ટમાં રેડીએશન અપાય. તે અપાય ત્યાં બધાને પ્રવેશ પણ ન મળે, કારણ આ આખી પ્રક્રિયા અતિ વધુ સુરક્ષા માંગી લે તેવી હોય છે. સામાન્ય માણસ જો આવા રેડીએશનથી પ્રભાવિત થાય તો એ તેના માટે જોખમી અને ઘાતક પુરવાર થઈ શકે છે. એટલે હોસ્પિટલે પણ આ બાબતે ખૂબ સાવધ અને સચેત રહેવું પડે છે. એમાં પાછો કોરોનાનો કેર. એટલે રેડીએશન આપનાર અને હેન્ડલ કરનાર આખા સ્ટાફ માંથી કોઈનાં ચહેરા અમે જોવા પામ્યા નથી! તેઓ પી. પી.ઈ. સ્યૂટ માં જ હોય.

રેડીએશન ખંડની બહાર મોનિટર મૂક્યા હોય તેમાં અંદરની બધી ગતિવિધિ આપણે બહાર બેઠાં જોઈ શકીએ. આમ તો રેડીએશનનું મશીન સીટી સ્કેન કે એમ. આર. આઈ. સ્કેન માટે વપરાતાં મશીન જેવું જ હોય. પણ તેનાથી થોડું મોટું અને રોબોટની જેમ તે ત્રણેક હાથ ધરાવતું હોય. દર્દી બેડ પર સૂઈ જાય પછી બેડ ઓપરેટરના નિયંત્રણ મુજબ મશીનની અંદર તરફ જાય અને ત્રણે દિશામાંથી પેલા મશીનના હાથ ઉંચા નીચા જઈ, શરીરના અસરગ્રસ્ત ભાગ પર કિરણોનો મારો ચલાવે. રેડીએશન ખંડની અંદર દર્દી સિવાય કોઈ ન હોય. બધું બહારથી મોનિટર અને કંટ્રોલ થાય. ઓપરેટર ચાંપ દાબે, એટલે દરવાજા પરની ઈન્ડિકેટર લાઇટ લાલ થઈ જાય, જે સૂચવે કે રેડીએશન શરૂ થઈ ચૂક્યું છે કે ચાલુ છે. એ લાઇટ ગ્રીન થાય એટલે સ્ટાફ અંદર જઈ દર્દીની સ્થિતી બદલી શકે અથવા તેને બેડ પર ચડાવી કે ઉતરાવી શકે. રેડીએશન માત્ર એક કે બે મિનિટ જેટલું ચાલે, પણ એ ચાર પાંચ કે વધુ વાર અપાય. સમગ્ર પ્રક્રિયા પાંચ - દસ મિનિટમાં તો પૂરી થઈ જાય. અહીં અમને ક્યાંય ડર જેવું ન લાગતું . હોસ્પિટલમાં સ્વચ્છતા પણ સારી એવી જળવાતી.

  ત્રીસેક સેશન દરમ્યાન ઘણાં અન્ય દર્દીઓ જોયા. અહીં તો બધાં કેન્સર ગ્રસ્ત દર્દીઓ જ જોવા મળે. એક નાનકડી દસેક વર્ષની છોકરીને જોઈ મને જબરો આંચકો લાગેલો. એટલી જ ઉંમરની છોકરીનો પિતા હોઈ, હું તેના માતાપિતાની મન : સ્થિતી સમજી શકતો હતો, પણ તેઓ ભારે સ્વસ્થ હતાં. છેલ્લાં ત્રણેક સેશન બાકી હતાં ત્યારે તો એક સાવ નાનું એકાદ - બે વર્ષનું બાળક

રેડીએશન માટે આવવાનું હતું અને અન્યો હેરાન ન થાય એટલે બધાંના સમયના સ્લોટ બદલી નાખવામાં આવ્યાં હતાં. અન્ય કેટલાક દર્દીઓને કેમોથેરાપીની આડ અસરને કારણે એવી સ્થિતી માં જોયા કે તેમના માથા અને ભ્રમર પરનાં વાળ જતાં રહ્યાં હોય. પણ તેમના ચહેરા પર સ્મિત જોઈ મને ખૂબ સારું લાગતું. આ આખી પ્રક્રિયા માંથી પસાર થઈ કદાચ હું, પપ્પા અને બહેન ઘણું શીખ્યા છીએ અને વધુ મજબૂત અને હકારાત્મક બન્યાં છીએ.

  શરૂઆતના પંદરેક સેશન સુધી તો પપ્પાને પણ ખાસ કોઈ અસર કે આડ અસર નો અનુભવ થયો નહોતો, પણ પછી આ સેશન તેમને થોડાં આકરાં લાગતા, જો કે તે તો એવી જ તૈયારી માં રહેતાં કે ક્યારે ત્રીસે ત્રીસ સેશન જલ્દી પૂરા થઈ જાય. સોમ થી શુક્ર સુધી પાંચ સેશન સળંગ લેવાના રહેતા અને પછી મશીનને પણ મેન્ટેનન્સ માટે વીકેન્ડ દરમ્યાન બંધ રાખવું પડે એટલે વચ્ચે બે દિવસ આરામ. દોઢ મહિને ત્રીસ સેશન પૂરા થાય. સપ્તાહમાં વચ્ચે એક વાર સાંજે જવું પડે જેથી રેડીએશન નિષ્ણાત ડોક્ટરને ફોલો અપ માટે મળી શકાય. તેમણે પપ્પાને વચન આપ્યું હતું કે દિવાળી સુધીમાં રેડીએશન પતાવી તેઓ તેમને ફરી તારક મહેતામાં કામે ચડવા તૈયાર કરી દેશે! અને પાંચમી નવેમ્બરે પપ્પાના ત્રીસ રેડીએશન પૂરા થઈ ગયાં.

  રેડીએશન દરમ્યાન જ સપ્તાહમાં એક વાર લેખે કેમો થેરાપીના કુલ પાંચ સેશન પણ થયાં, તેની વાત આવતાં સપ્તાહે.

(ક્રમશ :) 

-----—-----------—-------—


નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - ૪)

   કેન્સર વિશે જેમ આપણાં સૌનાં મનમાં જેમ એક અતિ ભયાનક ચિત્ર દોરાયેલું છે તેમ જ તેની સારવાર માટે વપરાતી કેમોથેરાપી વિશે પણ કદાચ આપણે સૌ એવી જ ડરામણી છબી મનમાં ધરાવતા હોઈએ છીએ. હું પણ એવું ધારતો હતો કે કેમોથેરાપીમાં વિજળીના કરંટ જેવું કંઈક અપાતું હશે. દર્દીના વાળ ઉતરી જાય, તે સાવ દુર્બળ અને નિરાશ થઈ જાય એ ટ્રીટમેન્ટ કેવી પીડાદાયક હોતી હશે એવો વિચાર આવે. ઓક્ટોબર મહિનામાં પપ્પાને કેમોથેરાપીના પાંચ સેશન્સ અપાયા તેના પ્રત્યક્ષ સાક્ષી બન્યા બાદ હું કહું છું કે કેમોથેરાપી એટલી ભયંકર અને ડરામણી નથી હોતી જેટલી હું પહેલાં તેને ધારતો હતો. કેમોથેરાપી ઈન્જેક્શન દ્વારા અપાય છે. કેન્સરના પ્રકાર, તબક્કા, દર્દીની ઉંમર વગેરે ઘણાં પરિબળો ને ધ્યાન માં રાખી કેમોથેરાપીના કેટલાં સેશન્સ, કઈ દવા ઈન્જેક્શનમાં આપવાની અને કેટલા પ્રમાણમાં તે નક્કી કરાય છે. પપ્પાની છોત્તેર વર્ષની ઉંમર અને તેમના વ્યવસાયને ધ્યાનમાં રાખીને ડોક્ટરે દવાનો અતિ હળવો ડોઝ પ્રિસ્ક્રાઈબ કર્યો હતો. તેમણે પહેલી અપોઈન્ટમેન્ટ વખતે જ અમને સમજાવ્યું હતું કે પપ્પાને કેમોથેરાપીનો એવો ડોઝ પ્રિસ્ક્રાઈબ કર્યો હતો કે જેનાથી તેમના માથા પરનાં વાળ નહીં ઉતરે કે તેમને એની વધુ આડઅસર નહીં થાય. તેમની ભૂખ ઓછી થઈ શકે છે અને તેમનું વજન ઉતરી શકે છે એ પ્રમાણે બન્યું પણ આના ઉપાય તરીકે પપ્પાને મલ્ટીવિટામીન દવા શરૂ કરી દેવામાં આવી હતી.

કેમોથેરાપીના પાંચ સેશન્સ બોરિવલીનાં મંડપેશ્વર નર્સિંગહોમમાં થયા જે અમારા માટે એક હકારાત્મક અનુભવ બની રહ્યો. આ એક નાનકડી હોસ્પિટલ છે જે કેન્સરના દર્દીઓની કેમોથેરાપી સારવાર માટે જાણીતી છે. એક કેમોથેરાપી માટેનો વોર્ડ જ્યાં ત્રણ દર્દીઓ સમાવાઈ શકાય અને એ સિવાય એક ત્રણ-ચાર બેડ ધરાવતો સામાન્ય વોર્ડ અને સાથે અલગ અલગ ત્રણ-ચાર ખાનગી એ. સી. - નોન એ. સી. પ્રકારના રૂમ. આમાંથી પપ્પા માટે અમે એક એ. સી. રૂમ બુક કરી રાખ્યો હતો જ્યાં પપ્પાનાં પાંચે કેમોથેરાપી સેશન થયાં. આ રૂમમાં અમને હોસ્પિટલમાં છીએ એવી લાગણી ન થતી. અમે ઘેર જ છીએ એવું લાગતું કે કદાચ કોઈક ગમતી હોટલનાં રૂમમાં સવારે ચેક-ઈન કરી મોડી બપોરે ચેક-આઉટ કરતાં હોઈએ એવું લાગતું. સવારે નર્સિંગહોમમાં પહોંચી પહેલાં લોહીનો અને અન્ય એકાદ - બે ટેસ્ટ થાય. તેનાં રીપોર્ટસ્ એકાદ - બે કલાક પછી આવે. એ દરમિયાન, અમારો એ રૂમ સ્વચ્છ કરી અમારાં માટે તૈયાર રખાયો હોય એમાં અમે બાપ-દીકરો ગોઠવાઈ જઈએ. પપ્પા મૌશીને અમારા માટે કમ-શક્કર ચા બનાવવાનું કહી દે. એ પી લીધાં પછી પપ્પા વાયરલેસ સ્પીકર પર ગુજરાતી ભજન, ગીત કે પછી જૂનાં હિન્દી ફિલ્મી ગીત વગાડે, જે હું પણ માણું. ત્યાં થોડી વારમાં ડોક્ટર રાઉન્ડ પર નીકળ્યા હોય, એ પપ્પાને તપાસી લે. પાછલાં અઠવાડિયામાં તબિયતની સ્થિતિની સમીક્ષા કરી, સવારે આપેલ ટેસ્ટનાં રીપોર્ટસ્ તપાસી નર્સ અને આસિસ્ટન્ટ ડોક્ટરને જરૂરી સૂચના વગેરે આપી રવાના થાય. પછી નર્સ કે આસિસ્ટન્ટ ડોક્ટર કેમોથેરાપી શરૂ કરી દે. એમાં હાથમાં સોય ખોસી તેના દ્વારા દવાનો ડોઝ અપાય. પહેલો નાનો ડોઝ પૂરો થાય એટલે હું નજીકની હોટલમાંથી હળવું ખાવાનું ઓર્ડર કરી દઉં. એ આવે એટલે અમે ખાઈ લઈએ. પછી બીજો અને ત્રીજો ડોઝ આપવામાં આવે, જે પૂરા થયે અમે ઘરે પાછા ફરવાની તૈયારી કરીએ. વચ્ચે વચ્ચે હું દવા લઈ આવવાનું કે કેમોથેરાપી માટેનું સંમતિ પત્ર, એડમિશન ફોર્મ ભરવાની વગેરે ઔપચારિકતા પતાવું - સાથે સાથે ઓફિસનું થોડું કામ પણ પતાવું. પછી મૌશી એ ચા બનાવી દીધી હોય તો એ પી, બિલીંગ વગેરે પતાવી અમે ઘેર પાછા ફરીએ. આ હતો અમારો પાંચ કેમોથેરાપી સેશન્સનો ક્રમ. પાછા ફરતી વખતે દર વખતે મારી અને પપ્પા વચ્ચે રકઝક થાય. એ કહે મારે થોડું ચાલવું છે અને પછી રીક્ષા પકડવી છે અને હું ચિડાઈ ને કહું કે કેમોથેરાપી લીધા પછી ચાલવાનો અભરખો ન રખાય! નબળાઈ વર્તાઈ અને ચક્કર આવી પડી ગયા તો પાછા મારે હોસ્પિટલ ભેગા કરવા પડશે. પણ એ માને બેનાં? બાપ-દીકરા વચ્ચે આવી નાની - મોટી તકરાર ચાલતી જ રહેવાની. બંને પુરૂષ અને બંનેના ઈગો ટકરાય! તેમની તબિયત ને કારણે મારે ચૂપ થઈ જવું પડે.

   પહેલું કેમોથેરાપી સેશન થયું એ પછી બીજા જ દિવસે પપ્પાને ખૂબ ભારે ઝાડાં થઈ ગયા હતા અને અમને લાગેલું કે એ કેમોથેરાપીની જ આડ અસર હશે. એક તો ખોરાક ઓછો થઈ ગયેલો, વજન ઘટી ગયેલું એમાં ઝાડાં. પપ્પા એટલા અશક્ત થઈ ગયા હતા કે અમે થોડાં ડરી ગયા હતાં. બે દિવસ દવા વગેરે લીધાં છતાં ઝાડાં બંધ ન થાય. પછી પપ્પાને લાગ્યું કે આ પેચોટી ખસી જવાની સમસ્યા છે અને તેમણે ફીઝિયોથેરાપી આપવા આવતા ડોક્ટર ને વાત કરી. યોગાનુયોગ તેમની મમ્મી પેચોટી પાછી યથાસ્થાને લાવવાની વિદ્યા જાણતા હતા. તેમને ત્યાં ફીઝિયોથેરાપી આપતા ડોક્ટર પોતે પપ્પાને લઈ ગયા અને એ વિધિ બાદ તરત પપ્પાને સારું થઈ ગયું. અમારા બધાં માટે આ અતિ નવાઈ જનક ઘટના હતી. બીજા કે ત્રીજા કેમોથેરાપી સેશન વખતે, દવાના ચડાવેલ બાટલા માંથી શરીરમાં જતી દવાની ઝડપ ખૂબ ઓછી જણાતા, ઘંટડી વગાડી નર્સને બોલાવી તેની આનાકાની છતાં, તેની પાસે આ ઝડપ વધારાવી. પણ એ પછી તો અચાનક તેમને અસ્વસ્થતા અનુભવાઈ અને બોલતી વખતે જીભ થોથવાવા માંડી. થોડી વાર માટે હું પણ ડરી ગયો. પણ પછી બધું ફરી ઠીક થઈ ગયું.

  કેમોથેરાપીનું છેલ્લું અને પાંચમું સેશન પત્યું ત્યારે તો લેબ ટેક્નિશિયન, વોર્ડ બોય્ઝ, મૌશી વગેરે બધાં તેમના પ્રિય નટુકાકા સાથે ફોટા પડાવી ગયા. રિસેપ્શન પર બેસતા આન્ટીની આંખમાં પાણી જોઈ હું પણ થોડો ગળગળો થઈ ગયો. આ અને આવા હજારો ચાહકોની પ્રાર્થના અને શુભેચ્છાઓ ને લીધે જ નટુકાકા કેન્સર જેવી મોટી બિમારીને માત આપી હવે પૂરેપૂરા સ્વસ્થ છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો