" જનની જણજે વીર પૂત,
કાં દાતા કાં શૂર,
નહીંતર રહેજે વાંઝણી,
મત ગુમાવીશ નૂર... "
આ ગુજરાતી દુહો ખૂબ જ પ્રચલિત છે અને ઘણું બધું કહીં જાય છે. વીરતાના અમી, બાળકને મા પાય. કહે છે ને કે બહાદુરી કંઈ બજારમાં ના મળે. એ માટે માતાએ બાળકને નાનપણમાં શૌર્યરસના ધાવણ પાયાં હોય. પિતાએ કે શિક્ષકોએ વીરગાથાઓ સંભળાવી હોય, બહેને રાખડીમાં વીરરસ સીંચ્યો હોય ત્યારે એક વીર સપૂત પાકે. છત્રપતિ શિવાજીને એમના માતા જીજાબાઈએ નાનપણમાં હાલરડાંમાં વીરરસના પાન કરાવ્યા હતા. ઇતિહાસની એ વાતો આજે પણ આપણને પ્રેરણા આપે છે. જીવનના નવ રસમાંના એક વીરરસને પરિપૂર્ણ કરતાં કેટકેટલા ચરિત્રો અને જીવનકથાઓ વિષે આપણે જાણીએ છીએ. જેમ કે મહારાણા પ્રતાપ હોય કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, રાનડે હોય કે ગોખલે હોય, લાલ-બાલ ને પાલ હોય કે શહીદે આઝમ ભગતસિંહ હોય... કે પછી અસંખ્ય નામી અનામી વીર સપૂતો હોય જેમણે દેશની આઝાદી કાજે પોતાના પ્રાણની આહૂતિ આપી હોય.
એના અનુસંધાનમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાહેબનો ઉલ્લેખ કેમ ભૂલી શકાય??? એમની કલમે જાણે મડદામાં પણ પ્રાણ ફૂંક્યા અને આઝાદી પ્રાપ્ત કરવાનો જુવાળ ઘેર ઘેર જાગ્યો. કવિવર રવિન્દ્રનાથ ટાગોર હોય કે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હોય. કવિ પ્રદીપજીને પણ કેમ ભૂલાય? અને આઝાદીના રણશિંગા ફૂંકતા અને આબાલવૃદ્ધ સહુમાં દેશદાઝની ચિનગારી પ્રગટાવતા ભાટચારણો પણ એટલા જ વંદનીય છે.
દેશ કે સમાજ માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા શહીદોના માનમાં ગામેગામ પાળિયા કે ખાંભીઓ આપણે સહુએ જોયા છે અને તે તરફથી પસાર થતાં મનોમન આપણે તેમની ચેતનાને નમન પણ કરીએ છીએ. પાટનગર દિલ્હીમાં આવેલ અમર જવાન જ્યોતિ હોય કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક હોય, તે આપણા મનમાં વીરતાની ઉદ્દાત્ત અને ઉન્નત ભાવના જન્માવે છે અને એ અમર શહીદોના માનમાં અને તેમની યાદમાં આપણી આંખોમાં પાણી પણ લાવે છે.
ચાલો આગામી પ્રજાસત્તાક દિને એવા અમર વીર શહીદોને નમન કરીએ અને ભારતીય લશ્કરના જાંબાઝ સિપાહીઓને સલામ કરીએ.
દોસ્તો, એ વીર સપૂતોને યાદ કરીને આપણે પણ દેશ કાજે કે સમાજ કાજે કોઈ બહાદુરીભર્યું કાર્ય કરવાની પ્રેરણા લઈએ અને તે માટે સુસજ્જ રહીએ. જરૂર પડે કે વિપદા આવી પડે ત્યારે પોતાના જીવની પરવા ના કરતાં, પોતાની ફરજ બજાવી જાણીએ અને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડીએ એવા સંસ્કાર કેળવીએ. જુઓને , ૨૦૨૦ની સાલમાં સમગ્ર વિશ્વ પર ત્રાટકેલા કોરોના વાયરસને ડામવા આપણા આરોગ્યકર્મીઓ દિવસ-રાત એક કરી જ રહ્યા છે ને.. તે સહુ પણ વીર નાગરિકો જ છે.
દેશભરમાં કોઈ ને કોઈ સમયે, વિપદા કે મુશ્કેલીને વખતે અદમ્ય સાહસ અને શૌર્ય દાખવનારા નોંધપાત્ર સાહસિક બાળકોને ભારત સરકાર અને ભારતીય બાલ કલ્યાણ સમિતિ (ICCW) દર વર્ષે ૨૬ મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને પુરસ્કાર આપે છે. ૧૯૫૭થી છ થી અઢાર વર્ષની વયના બહાદુર બાળકોને આ પુરસ્કાર આપવાની શરૂઆત થઇ. સૌ પ્રથમ સત્તાવાર રાષ્ટ્રીય શૌર્ય પુરસ્કાર હરિશ્ચંદ્ર તેમ જ અન્ય એક બાળકને ૪થી ફેબ્રુઆરી ૧૯૫૮ના રોજ એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કારમાં એક ચંદ્રક , પ્રમાણપત્ર અને વીસ હજાર રૂપિયાનું રોકડ ઈનામ આપવામાં આવે છે. તે ઉપરાંત પુરસ્કાર વિજેતા બાળકોને શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી નાણાંકીય સહાય પણ કરવામાં આવે છે. અને ખાસ તો એ સહુ બાળકોને ૨૬ મી જાન્યુઆરીના દિવસે પ્રજાસત્તાક દિનની પરેડમાં ખાસ સજાવેલ હાથી પર બેસાડીને શાનદાર રીતે સામેલ કરવામાં આવે છે. પોતાના ઘર, કુટુંબ, સમાજ કે દેશ માટે અદમ્ય સાહસ, શૌર્યવીરતા દાખવનારા આ બાળકોની આંખોની ચમક અને ગર્વથી ઉન્નત મસ્તક જોઈને સહુને આનંદ અને ગૌરવ થાય છે.
આ પુરસ્કારમાં પહેલા ૧) ભારત પુરસ્કાર ૨) ગીતા ચોપરા પુરસ્કાર 3) સંજય ચોપરા પુરસ્કાર ૪) બાપુ ગૈધાની પુરસ્કાર અને ૫) સામાન્ય રાષ્ટ્રીય શૌર્ય પુરસ્કાર અપાતા.
હવે તેમાં પાંચ નવા પુરસ્કારો ઉમેરવામાં આવ્યા છે: ૧) માર્કંડેય પુરસ્કાર ૨) ધ્રુવ પુરસ્કાર 3) અભિમન્યુ પુરસ્કાર ૪) પ્રહલ્લાદ પુરસ્કાર અને ૫) શ્રવણ પુરસ્કાર.
સામાન્ય રીતે ૧૪મી નવેમ્બર એટલે કે બાલદિને આ પુરસ્કારોની ઘોષણા કરવામાં આવે છે અને પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પ્રધાનમંત્રીના વરદ હસ્તે આ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. તે પૂર્વે રાષ્ટ્રપતિ આ બાળકોના માનમાં સ્વાગત સમારંભનું આયોજન કરે છે.
આ તો થઇ ભારત સરકાર તરફથી અપાતા બાળ પુરસ્કારોની વાત. પરંતુ તે ઉપરાંત ૧) નેશનલ ચાઈલ્ડ એવોર્ડ ૨) પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 3) રાષ્ટ્રપતિ કોવિંદ પુરસ્કાર ૪) બાફ્ટા પુરસ્કાર તેમ જ ૫) ચાઈલ્ડ પ્રોડિજી પુરસ્કાર દ્વારા પણ અગ્રગણ્ય બાળકોનું સન્માન કરવામાં આવે છે.
આદર્શ અને પ્રેરણાદાયક નાના નાના ઉદાહરણરૂપ કાર્યો દ્વારા આપણા જીવનને સાર્થક બનાવીએ. આપણા ઘર-કુટુંબને, પાસ-પડોશને કે ગામ-શહેરને કે દેશ માટે કાંઈ કરી છૂટીએ અને આત્મસંતોષના પુરસ્કાર થકી જીવન ઉજાળીએ.
જય હિન્દ!
- મૈત્રેયી મહેતા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો