મને કોઈ પૂછે કે તમારા ઘરનો કયો ભાગ તમને સૌથી વધુ ગમે તો હું કહીશ બારી! ફ્રેન્ચ વિન્ડોનું સૌથી સારું પાસું તેની મોટી સાઇઝ છે. મોટી બારી! જેટલી મોટી બારી એટલું એમાંથી દેખાતું દ્રશ્ય મોટું. મારા ઘરમાં બે મોટી ફ્રેન્ચ બારીઓ છે, જે મને બેહદ પ્રિય છે. બારી બહાર મૂકવામાં આવતી ગ્રીલ કે જાળી મને જેલ જેવી લાગે છે એટલે મેં એ પણ નખાવી નથી. બહારના વિશ્વને મારા ઘર સાથે જોડતી બારી આગળ મને કોઈ પ્રકારનો અવરોધ ન ગમે. આ બંને બારી બહાર મેં કતારબદ્ધ છોડના કૂંડા મૂક્યા છે જેમાં ઉગાડેલા છોડ - વેલ મને મારા સંતાનો જેટલા જ વ્હાલા છે.
એક બારી બહાર સામેના બિલ્ડીંગનું દર્શન થાય છે જ્યારે બીજી બારી બહાર એસ. વી. રોડ અને તેના પર અવિરત પસાર થતા વાહનોનું. મને આ બીજી બારી વધુ પ્રિય છે. જોકે એનું બીજું પણ એક કારણ છે અને એ છે મારી આ બારી અને એસ. વી. રોડ વચ્ચે ઊભેલું સુંદર ઝાડ. મારી બારી બહાર આ ઝાડની ઘટા અને ટોપનું સુંદર દર્શન થાય છે અને છેલ્લાં થોડાં દિવસથી તેની મુલાકાતે અવનવા પહેલા મેં ક્યારેય ન જોયેલા પક્ષીઓ નિયમિત આવે છે જેને જોઈ મારું મન અપ્રતિમ પ્રસન્નતા અનુભવે છે.
આ ઝાડ છે ઉંબરનું , જેની માહિતી મને આપી મારા નેચર વર્લ્ડ વોટ્સ એપ ગ્રૂપનાં મિત્ર બોટનીસ્ટ ઉષામા અને પ્રકૃતિ પ્રેમી શોભાજીએ. તે ગુલાર નામે પણ ઓળખાય છે અને તેનું અંગ્રેજી નામ છે Ficus Racemosa - ફિકસ રેસમોસા. તેને ટેટાં જેવા ફળો આવતાં હોવાથી તેનો સમાવેશ 'ફિગ' શ્રેણીનાં વૃક્ષોમાં કરાયો છે. આ ઝાડ પર ઉગતા ટેટાં કદાચ પક્ષીજગતમાં ખાસ્સા પ્રિય હશે એટલે જ મારી બારી બહારનું આ ઝાડ અતિ ઘટાદાર ન હોવા છતાં તેની મુલાકાતે પાંચ - છ નવાં જ પ્રકારનાં પંખીઓ નિયમિત આવે છે અને તેમણે એ ટેટાં - ફળો ખાઈ જઈ ઝાડને હવે મોટે ભાગે ફળ વગરનું કરી મૂક્યું છે. સામાન્ય રીતે પહેલાં ફૂલ ઊગે અને પછી તેમાંથી ફળ પાકે, પણ ઉંબર ને આવતાં ફળો ગુચ્છામાં તેની ડાળી કે થડ પર ઉગે અને ફૂલ તેના લીલા રંગના ફળની અંદર હોય. પરાગનયન ખાસ પ્રકારની ભમરી (wasp - વાસ્પ) - આ જંતુ દ્વારા થાય, આ પ્રકૃતિની વિસ્મય પમાડનારી અકળ અને અદ્ભુત લીલા છે.
ખિસકોલીઓતો અહીં આ ઝાડ પર મોટી સંખ્યામાં દોડાદોડ કરતી જોવા મળે જ પણ કબૂતર - કાગડા - ચકલી - કાબર - બુલબુલ જેવા પંખીઓ યે તેના પર જોવા મળે. ઘણાં પતંગિયા અને વાણિયા કે ભમરી જેવા જંતુઓ પણ દેખા દે જોકે તેમની નવાઈ ના લાગે. આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મેં એક મોટું ચામાચિડિયું બરાબર મારી બારી બહાર, સામે થોડું દૂર લટકતું જોયું! કાળી પાંખો અને બદામી રંગનું મોટા ઉંદર જેવું શરીર ધરાવતું આ ફ્રૂટ બેટ તરીકે ઓળખાતું પ્રાણી તમને ઠેર ઠેર જોવા મળતું નથી. મારી બારી બહાર ઝાડની ડાળી પર ઊંધુ લટકી એ ચામાચિડિયું ટેટાં જેવા ફળ મજેદાર રીતે આરોગી રહ્યું હતું. તેની પાંખો સાથે જોડાયેલા હાથ વડે જ ફળ તોડી તે તેના મોઢામાં પધરાવતું હતું અને ઊંધું જ લટકી બટક બટક ખાઈ રહ્યું હતું! કોઈ જીવને આમ ઊંધો લટકી ખોરાક ખાતા જોવાનો આ મારો પહેલો અનુભવ હતો. ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ દિશામાં તેના મોઢામાંથી ખોરાક પેટ સુધી ઉપર પહોંચતો શી રીતે હશે! મેં અમી, નમ્યા અને હિતાર્થને પણ ફળ આરોગતો આ અવનવો જીવ જોવા બૂમ પાડી અને એ દિવસે તે ચામાચિડિયાએ ધરાઈને ફળો ખાધા અને અમે એને ધરાઈને જોયું. બીજે દિવસે તો વળી એ ચામાચિડિયું તેના કોઈક દોસ્ત કે સાથીને પણ સાથે તેડી લાવ્યું. બન્ને જણે ધરાઈને કલાકો સુધી ઊંધા જ લટકી ફળો ખાધા અને પછી તેઓ પોતાને ઘેર પાછાં ઉડી ગયાં. આ ક્રમ ચાર - પાંચ દિવસ ચાલ્યો. હવે છેલ્લાં થોડાં દિવસથી ચામાચિડિયા દેખાયા નથી.
જે દિવસે ચામાચિડિયું પહેલી વાર દેખાયું હતું તેના બીજે દિવસે સવારે અન્ય એક ચકલી કરતાં થોડું મોટું પણ કાબર કરતાં સહેજ નાનું એવું બેઠી દડીનું રંગબેરંગી પક્ષી જોવા મળ્યું. હું તેને પ્રથમ વાર જોતા રાજીના રેડ થઈ ગયો! લીલું શરીર, લાલ માથું, કાળી આંખોની ફરતે પીળા રંગનો પટ્ટો અને ટૂંકી પૂંછડી અને ટૂંકી જાડી ચાંચ ધરાવતું આ પંખી કંસારો તરીકે ઓળખાય છે એ ગૂગલ પરથી માલૂમ પડયું. પહેલા તો તેનો નાનો વિડિયો નેચર વર્લ્ડ ગ્રૂપ પર પોસ્ટ કર્યો એટલે શોભાજી અને રમેશજીનો તરત ઉત્તર આવ્યો કે એ કોપરસ્મિથ બાર્બેટ તરીકે ઓળખાતું સુંદર નાનકડું પંખી છે. કંસારો પણ ચામાચિડિયાની જેમ તેના જોડીદાર ભેગો આવ્યો હતો. આ નાનકડાં પક્ષીને પણ ટેટાં ફળ તોડી મજાથી ખાતું જોવાનો અમને જલસો પડી ગયો. આ પંખી તો હવે અહીં રોજ આવે છે. તેનો ઘેરો સાદ પણ ક્યારેક સાંભળવા મળે છે.
ત્રીજું એક અસામાન્ય પક્ષી અહીં ક્યારેક ક્યારેક જોવા મળે છે એ છે ચકલી કરતાં પણ અડધાં કદનું સુંદર લીલા રંગનું પંખી. તેની સોય જેવી અણીદાર કાળી ચાંચ વડે તે આ ઝાડના ફળ ખાતું તો ક્યારેય જોવા મળ્યું નથી પણ તેને ય આ ઝાડ નક્કી ખૂબ ગમતું હોવું જોઈએ એટલે જ એ એકાંતરે મને અહીં એક ડાળે થી બીજી ડાળે કૂદાકૂદ કરતું જોવા મળી જાય છે!
આ સિવાય પણ સફેદ રંગની એકાદ બે પટ્ટી ધરાવતું કાળું પક્ષી પણ અવારનવાર ગુલારની મુલાકાત લેવા આવી ચડે છે. ઉંબરના આ ઝાડને લીધે પ્રકૃતિ આટલી હદે મને અને મારા પરિવારને માણવા મળે છે તે માટે તેનો આભાર માનું એટલો ઓછો.
થોડા સમય અગાઉ અમારા બિલ્ડીંગમાં ચોર આવ્યો હતો અને તે આ ઝાડ પરથી ચડી અમારા એક પાડોશીના ઘરની બારીમાંથી કંઈક ચોરતા પકડાઇ ગયેલો અને ભાગી છૂટયો હતો, ત્યારે આ ઝાડ કાપવાની વાત થઈ હતી જેનો મેં વિરોધ નોંધાવ્યો હતો. મુંબઈ જેવા મહાનગરમાં આમ પણ વૃક્ષો ઓછાં છે અને જો આ રીતે તેમને એક યા બીજા કારણ સર કાપવા માંડીએ તો અજાણતા કુદરતને અને આવા ઝાડ પર નભતી અનેક પ્રજાતિઓને આપણે ખૂબ મોટું નુકસાન પહોંચાડી બેસીશું.
છેલ્લે ઉંબરના ઝાડ વિશેની અન્ય કેટલીક રસપ્રદ માહિતી સાથે આ લેખ પૂરો કરું. ઉંબરનાં ટેટાં કાચા લીલા હોય છે અને પાકે ત્યારે લાલ રંગના થાય છે પણ પક્ષીઓને તે એટલા ભાવે છે કે તે લાલ થાય એ પહેલાં જ તેઓ તેમને ખાઈ જાય છે! આ ટેટાંમાંથી કેટલીક જગાએ લોકો સ્વાદિષ્ટ શાક પણ બનાવે છે. તેના ફળ અને ઝાડની છાલ માંથી બનતો બામ જખમ પર જલ્દી રૂઝ લાવે છે અને અકસીર સાબિત થાય છે. આ ઝાડનું લાકડું પવિત્ર ગણાય છે અને તે હવન કાર્યમાં વપરાય છે તેમજ તેના પાન અને ડાળીઓ ધાર્મિક પૂજા વિધિ વગેરેમાં વપરાય છે. આ ઝાડ આપણાં દેશમાં ઘણી જગાઓએ ઉગે છે. કાચા પાકા તો તેના ફળ પક્ષીઓને ભાવે જ છે પણ જો કદાચ તે પાકી ને સડી જાય તો હજારોની સંખ્યામાં કીડા આકર્ષે છે. ઘણાં પ્રદેશોમાં આ ઝાડનાં ટેટાં કાચા અથવા અન્ય ખાદ્ય પદાર્થ સાથે ભેળવી મોજથી ખવાય છે. તેનો રસ પણ લિજ્જતદાર પીણું બનાવે છે. પેટની બીમારી અને ડાયાબિટીસ માટે તે અકસીર દવા ગણાય છે. આ ઝાડનાં ફળ, પાન અને ખાલ - એમ દરેક ભાગ ઔષધિય ગુણો ધરાવે છે અને આયુર્વેદમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આર. પી. એન. સિન્હા દ્વારા લિખિત પુસ્તક 'અવર ટ્રીઝ' માંથી આ માહિતી શેર કરવા બદલ શોભાજીનો ખૂબ ખૂબ આભાર!