Translate

રવિવાર, 17 એપ્રિલ, 2011

જીવો અને જીવવા દો...

આજે છાપામાં બે એવાં સમાચાર ઉપરાઉપરી વાંચવામાં આવ્યા કે હચમચી જવાયું. છ મહિનાના દીપડાના બચ્ચાનું તાડોબા પાસે લાકડી અને લોખંડના સળિયા મારવાથી મોત નિપજ્યું. આ સમાચાર સાથે તે દીપડાના બચ્ચાની લોહીલુહાણ હાલતમાં રહેલી લાશની તસ્વીર જોઈ પોચા હ્રદયના માણસનું હૈયું તો થોડી ક્ષણો માટે ધડકવાનું ચૂકી જાય. બીજા સમાચાર એવા હતાં કે એક યુવાને રાતે એક કૂતરાને પોતાના ઘરમાં પૂરી દઈ ઢોર માર માર્યો. કૂતરાની ચીસો સાંભળી પાડોશીઓએ પોલિસમાં ફરિયાદ તો કરી પણ પોલિસ આવે એ પહેલા તે ઘાતકી યુવાને કૂતરાના શરીરને ત્રણ ટુકડામાં કાપી નાંખ્યું હતું. આજ પ્રકારની બીજી એક ખબર પણ થોડા સમય અગાઉ વાંચવામાં આવી હતી. એક દારૂડિયા ગુજરાતી માણસે, રોજ રાતે તે દારૂ પીને મોડેથી પોતાના ઘેર પાછો ફરતો ત્યારે તેની સામે ભસતી એક કૂતરીને ઘરમાં પૂરી દઈ એટલી બેરહેમીથી મારી કે તે કૂતરીની એક આંખ ફૂટી ગઈ અને તે કોમામાં સરી પડી.

આવા સમાચાર વાંચીને આપણને આટલી કંપારી છૂટે છે તો વિચારો આ અમાનવીય અત્યાચાર જ્યારે આ અબોલ પશુઓ પર ગુજારવામાં આવ્યો હશે ત્યારે તેમની શી સ્થિતી થઈ હશે?

પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓનો દુરૂપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરતો આવ્યો છે.પણ મૂંગા પ્રાણીઓ તેમના પર થતા અત્યાચાર સહન કરતા આવ્યાં છે.પણ જ્યારે માણસ હદ પાર વગરની ક્રૂરતા આચરી અન્ય સજીવો પર અમાનુષી અત્યાચાર કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું મનુષ્યને ભગવાનનો પણ ડર નહિં લાગતો હોય? કોઈ ભલે તેના આવા હિચકારા કૃત્યનું સાક્ષી ન હોય પણ તેનો અંતરાત્મા અને ઇશ્વર તો બધું જોતા જ હોય છે.

આ પૃથ્વી પર માનવ પહેલાં અન્ય જીવસ્રુષ્ટિની રચના થઈ હતી અને માત્ર બુધ્હિને કારણે મનુષ્ય બીજા જીવો કરતાં જુદો પડ્યો અને ઉત્ક્રાંતિ દ્વારા તેણે શ્રેષ્ઠ જીવન જીવવાની સિદ્ધી હાંસલ કરી પણ તેણે એ હકીકત ભૂલવી ન જોઇએ કે પૃથ્વી પર કંઈ તેના એકલાનો અધિકાર નથી.અન્ય જીવો પણ અહિં વસવાટનો એટલો જ હક ધરાવે છે જેટલો મનુષ્ય.આથી મનુષ્યે વિવેક્બુદ્ધિ વાપરી અન્ય જીવોના અસ્તિત્વને પણ સાદર સ્વીકારવું જ રહ્યું. આજકાલ દીપડા તથા અન્ય પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસી આવ્યા હોવાની ખબરો ઘણી વાર અખબારોમાં વાંચવા મળે છે.પણ અહિં નોંધવું રહ્યું કે આ કિસ્સાઓમાં પ્રાણીઓએ મનુષ્યના વિસ્તારમાં નહિં પણ મનુષ્યોની વન્ય વિસ્તારમાં ઘૂસણખોરીને પગલે આવા બનાવો બનવા પામે છે.મનુષ્ય વસ્તિ અને મોંઘવારી વધતા તથા જગાની અછતના પગલે જંગલની હદમાં રહેવા માંડ્યો છે અને પછી તે વન્ય પશુઓ આકર્ષાય એ પ્રકારનું જીવન જીવી દીપડા જેવા રાની પશુઓને પોતાના રહેઠાણ સુધી આમંત્રે ત્યારે વાંક કોનો કાઢવો?

બધાં મનુષ્યો પ્રાણીઓ સાથે આવી જ રીતે વર્તે છે એવું નથી.પોતાના સંતાનની જેમજ કૂતરા,બિલાડી કે ઘોડા જેવા પ્રાણીઓને પાળનારા લોકો પણ અસંખ્ય છે.ઘણાં પોતાના ઘરમાં પંખી,કાચબા કે માછલી ઉછેરીને પણ પ્રકૃતિ સાથે એક જાતનું જોડાણ બનાવે છે,જાળવે છે.તો ગાયો માટે ગમાણ બંધાવનારા,કબૂતરોને ચણ નાંખનારા અને પંખી-પ્રાણીઓ માટે ઘર બાંધનારાઓની પણ કમી નથી.ગયા મહિને જ મેં વિશ્વ ચકલી દિન નિમિત્તે જે બ્લોગ લખ્યો હતો તેના અનેક સારા પ્રતિભાવ મળ્યા અને એક ભાઈએ આ બ્લોગ વાંચી ચકલી રહી શકે તેવા ૨૫ તૈયાર ઘર પણ ખરીદ્યા.ઉનાળામાં આપણે પંખીઓની તરસ છીપાવવા એકાદ વાસણમાં કે કૂંડામાં પાણી ભરી પંખીઓ મુક્ત રીતે એ પી શકે એવી જગાએ રાખવા જોઈએ.પ્રાણીઓ કે પંખીઓ માટે રાહત કાર્યની પ્રવૃત્તિ જ્યાં પણ ચાલી રહી હોય તેમાં પોતાનાથી બની શકે એટલી નાણાંકિય કે પોતે પ્રત્યક્ષ સહભાગી થઈ મદદ કરવી જોઈએ. મૂગા પ્રાણીઓ પર જ્યાં પણ અને જ્યારે કોઈ અત્યાચાર થતો નજરે ચડે કે તરત તે અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને તેની જાણ પોલિસ કે યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને કરવી જોઈએ.સાપ દેખાય કે બીજા કોઈ પ્રકારનું જંતુ કે અજાણ્યું જાનવર દેખાય તો તરત તેને મારી નાંખવાનો વિચાર કરવો જોઈએ નહિં અને કોઈ આમ કરી રહ્યું હોય તો તેને અટકાવવું જોઈએ.સાપ કે કોઈ પણ પ્રાણી તેમના પર હૂમલો ન થાય કે તેમને મનુષ્ય તરફથી કોઈ પ્રકારનો ભય ન જણાય ત્યાં સુધી મનુષ્ય પર હૂમલો કરતા નથી.આ વાત યાદ રાખો.આપણને મનુષ્યો ને પૃથ્વી પર રહેવાનો જેટલો હક છે તેટલો જ હક બીજા બધા જીવો ને પણ છે.ઘર આંગણે ઝાડછોડ વાવી ને પણ તમે તમારું નાનકડું યોગદાન અન્ય જીવોના સંવર્ધન માટે નોંધાવી શકો છો.

છેલ્લે ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ટાંકીને આ બ્લોગ પૂરો કરું છું:

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

…અને બીજી પણ એક સરસ મજાની ગુજરાતી કવિતાના ચોક્કસ શબ્દો યાદ નથી પણ તેનો ભાવાર્થ કંઈક આ મુજબ છે:

વિશાળે જગ વિસ્તારે નથી માનવ એકલો
પ્રાણીઓ ને પંખીઓ છે ફૂલો ને છે વનસ્પતિ...

રવિવાર, 10 એપ્રિલ, 2011

વેલ ડન ટીમ ઇન્ડિયા !

                     વર્લ્ડકપની ફાઈનલ મેચ હોય, શ્રીલંકા જેવી સબળી ટીમ સામે ટક્કર હોય, ભારત ટોસ હારી જાય અને તેણે દ્વિતીય સ્થાને બેટીંગ સ્વીકારવી પડે, ૨૭૫ રનનો ઉંચો લક્ષ્યાંક જીતવા માટે હાંસલ કરવાનો હોય અને મેચમાં આપણા પક્ષની બેટીંગ શરૂ જ થતામાં બીજા જ દડે વિરેન્દ્ર સેહવાગની વિકેટ પડે, જેના પર તે કદાચ પોતાની ૧૦૦મી સદી પૂરી કરી સૌથી વધુ રન બનાવશે એવી અપેક્ષા હોય તેવા ક્રિકેટના 'ગોડ' ગણાતા આપણાં સૌના ચહીતા મહારાષ્ટ્રીયન... ઉપ્સ… સોરી તેને ખોટું લાગી જશે તેને આમ રાજ્યના નામે બોલાવીશું તો, ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય સચીન તેંડુલકર માત્ર ૧૮ રને આઉટ થઈ જાય ત્યારે કલ્પના કરી શકાય છે કે ભારત માટે ૨૦૧૧નો આ વિશ્વ કપ જીતવો કેટલું દુષ્કર કાર્ય હશે! પણ એમ બન્યું! ભારત પૂરા ૨૮ વર્ષ પછી વિશ્વ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કરી શક્યું! ૨જી એપ્રિલનો ૨૦૧૧નો શનિવાર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. માત્ર એકલ દોકલ ખેલાડીના સારા પ્રદર્શનને લીધે નહિં,પણ પૂરી ટીમના શ્રેષ્ઠ દેખાવને લીધે ભારત વિશ્વકપ જીત્યું તેથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. લાખો ક્રિકેટરસિક દેશભક્તોની પ્રાર્થનાઓ,હવન-યજ્ઞ,બાધા આખડીઓ વગેરેનો પણ ભલે ભારત જેવા શ્રદ્ધાળુઓના દેશના વિજયમાં ફાળો રહ્યો હશે પણ એમાં કોઈ બેમત નથી કે ભારતની આખી ટીમ આ જીતને લાયક છે અને તે માટે આખી ટીમે શ્રેષ્ઠ ટીમવર્કનો દાખલો બેસાડી આ મહામૂલી સિદ્ધી મેળવી છે!


આવડી મોટી મેચ હોય અને તેની સાથે વાદ-વિવાદ ન સંકળાય એ કેમ બને? મેચ પહેલાં,મેચ દરમ્યાન અને મેચ બાદ એમ આ વિશ્વકપ ફાઈનલ સાથે દરેક તબક્કે વાદ વિવાદ સંકળાયા. મેચ પહેલા આતંકવાદી હૂમલાનો તોળાતો ભય તેમજ મેચના ત્રણ કલાક પહેલાં જ આવા હૂમલાની ધમકી,મેચનું જીવંત પ્રસારણ કરવા કેટલીક ટી.વી.ચેનલો પર બંધીનો વિવાદ તો મેચ શરૂ થતાં પહેલા ટોસ બે વાર કરવો પડ્યો એ બાબતો ચર્ચાસ્પદ રહી તો મેચ ચાલુ હતી એ દરમ્યાન આખી મેચ ફિક્સ હોવાના એસ.એમ.એસ અને ટ્વીટ્સ પણ વહેતા થયાં. તો મેચ બાદ પણ વિજેતા ભારતીય ટીમને અપાયેલી વિશ્વકપની ટ્રોફી નકલી હોવાના અહેવાલે તો હદ કરી નાંખી. આઈ.સી.સી ના વડા શરદ પવારના ખુલાસા મુજબ તેઓ વાનખેડેમાં વ્યવસ્થા વગેરેમાં એટલા વ્યસ્ત હતાં કે કસ્ટમ ડ્યુટી ભરવાનું તે સાવ ભૂલી જ ગયાં! પણ ભારતીય ટીમને અપાયેલી ટ્રોફી તો તેમના કહેવા મુજબ સાચી જ હતી! ભારતના રાષ્ટ્રપતિ અને પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભા પાટીલે તો મેચ સ્ટેડિયમમાં ખાસ સ્થાને બેસીને જોઈ પણ મુંબઈના પ્રથમ નાગરિક શ્રદ્ધા જાધવ, તેમને બીજા કેટલાંક ખાસ અતિથીઓની જેમ વી.વી. આઈ.પી પાસ ન ફાળવાતાં મેચ જોવા સ્ટેડિયમમાં ન પધાર્યાં. અમિતાભ બચ્ચને આખી મેચ ટી.વી. પર જોવાનું ટાળ્યું હતું તો ફરહાન અખતરે પણ મેચ ખાસ ખૂણે ગોઠવાઈને ગ્લાસ એક ખાસ ખૂણે ગોઠવીને જોઈ હતી! પ્રીતી ઝિંટાએ તેની લકી, ભારતના ધ્વજના ત્રણ રંગ ધરાવતી બંગડીઓ પહેરી ભારતીય ટીમને ચિયર કરી હતી. ભારતની છેલ્લી બે મેચો વખતે હું ઘેર મોડો પહોંચી કેટલીક અંતિમ ઓવરો જ જોઈ શક્યો હતો પણ આ બંને મેચ ભારત જીતી ગયેલું આથી મેં નક્કી કર્યું કે ભારત જીતે એ માટે ફાઈનલ મેચ પણ મારે ઘેર ન જોવી, બહાર ફરવા જતા રહેવું અને છેલ્લી કેટલીક ઓવર બાકી હોય ત્યારે ઘેર પાછા ફરી મેચ જોવી! અને ખરેખર આ મેચ પણ ભારત જીતી પણ ગયું!

આ વિશ્વકપમાં ઘણાં અપસેટ્સ પણ જોવા મળ્યાં જેમકે સતત છેલ્લા ત્રણ વિશ્વકપ જીતેલું ઓસ્ટ્રેલિયા આ વખતે ક્વાર્ટર ફાઈનલમાં જ બહાર ફેંકાઈ ગયું.તો બીજી સબળી ટીમ દક્ષિણ આફ્રિકાના પણ આવાં જ ભૂંડા હાલ થયાં.પ્રથમ વખત ત્રણ એશિયાઈ દેશો સેમિફાઈનલ સ્તરે પહોંચ્યા અને સર્વપ્રથમ વાર જ બે એશિયાએ દેશો વચ્ચે ફાઈનલમાં ટક્કર થઈ! ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ પણ અતિ હાઈ પ્રોફાઈલ બની રહી અને રસાકસી અને રોમાંચને મામલે બિલકુલ કમ ન રહી.ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓએ સાથે બેસીને આ મેચ નિહાળી હતી અને મોહાલી આખું ક્રિકેટજ્વરમાં સપડાઈ ગયેલું! આ સેમિફાઈનલમાં ભારતના વિજયે ભારતીયોમાં જે આનંદનું મોજું પ્રસરાવી દીધું હતું તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.જાણે કોઈ યુદ્ધમાં ભારત જીતી ન ગયું હોય!

અને ફાઈનલ જીત્યા બાદ પણ આખા ભારતની સડકો પર ક્રિકેટચાહકો, સિને કલાકારો તેમના પરિવાર , મિત્રો સહિત ઉતરી પડ્યા અને આખી રાત હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ આખા દેશમાં છવાયેલું રહ્યું.એ રાતે પોલિસે મદિરાપાન કરનારની ધરપકડના કાયદા પર પણ થોડીઘણી છૂટ મૂકી હતી અને દેશભરની સડકો પર લોકો પોતાના વાહનોમાં બારી પર કે વાહનની ઉપર ભારતીય તિરંગો લહેરાવી આનંદની ચિચિયારીઓ પાડતા જોવા મળ્યા અને ટ્રાફિક જામ આખી રાત રસ્તાઓ પર બની રહ્યું! આપણી ટીમના ખેલાડીઓ પણ કેટલાં ભાવુક થઈ ગયેલા કેમેરામાં ઝીલાયાં! યુવરાજ,હરભજન અને વિરેન્દ્ર સેહવાગ રીતસર રડી પડ્યાં તો ધોની એ ૨૦૦૭ ના ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ટ્રોફી સ્વીકરતી વખતે સ્લીવલેસ જર્સી પહેરવાની પરંપરા જ આ વખતે વિશ્વકપ સ્વીકરતી વખતે પણ જાળવી! સચિન પણ હર્ષઘેલો થઈ ગયો અને તેણે સ્ટેડિયમમાં ચકરાવો લેતી વેળાએ કેમેરાની પરવા કર્યા વગર શેમ્પેનની ચુસ્કીઓ ભરી! અન્ય ખેલાડીઓએ સચિનને ઘડીભરમાટે ઉંચકી પણ લીધો અને તેમણે આ વિશ્વકપ સચિનને સમર્પિત કર્યો. સચિન માટે આ પ્રથમ અને તેણે જાહેર કર્યા મુજબ છેલ્લો વર્લ્ડકપ હતો! આ વિશ્વકપ મેળવ્યા બાદ ધોનીએ માથે બોડુ કરાવ્યું તો રૈના, હરભજન,નેહરા અને બીજા મોટા ભાગના ખેલાડીઓએ ધર્મસ્થળોની મુલાકાત લીધી.

ઇનામોની તો જાણે વિશ્વકપ માટેની ભારતીય ટીમ પર વર્ષા વરસી! કરોડપતિ ક્રિકેટરોની સંપત્તિમાં આ વિશ્વકપ જીત્યા બાદ અનેકગણો વધારો થઈ જશે એમાં કોઈ શંકા નથી.

બીજી થોડી આ વિશ્વ કપની બાબતો પણ ખાસ રહી જેમકે પ્રથમ વાર વર્લ્ડકપ યજમાન દેશ જીતી ગયો. પ્રથમ વાર ત્રણ એશિયાઈ દેશો સેમિફાઈનલ અને બે એશિયાઈ દેશો ફાઈનલ મેચ રમ્યાં. ભારત પ્રથમ વાર વર્લ્ડકપ જીત્યું એ દિવસે ૧૯૮૩ની સાલમાં ૨૫મી જૂન નો શનિવારનો દિવસ હતો અને આ વર્ષે ૨૦૧૧માં પણ ફાઈનલ યોગાનુયોગે બીજી એપ્રિલના શનિવારે જ રમાઈ અને ભારત બીજી વાર વિશ્વ વિજેતા બન્યું! વિશ્વકપની આ ફાઈનલ મેચમાં ધોની અને ગૌતમ ગંભીર બંને ભલે સદી પૂરી ન કરી શક્યાં અને ધોની અણનમ ૯૧ રન બનાવી શક્યો જ્યારે ગંભીર ૯૭ રન પર આઉટ થઈ ગયો, પણ આ મેચમાં જ ધોનીએ તેની કારકિર્દીના ૬૦૦૦ રન પૂરા કર્યાં જ્યારે ગંભીરે તેણી કારકિર્દીના ૪૦૦૦ રન પૂરા કર્યાં.

કટોકટીભરી પરિસ્થિતિમાં ધીરજ જાળવી શ્રેષ્ઠ ટીમવર્કનો દાખલો બેસાડી ભારતે આ મેચમાં વિજય મેળવ્યો જે ૨૮ વર્ષ પછી ભારતને ક્રિકેટના વિશ્વમાં એક અનેરી સિદ્ધી અપાવનારી ઘટના બની રહ્યું છે અને ૧૯૮૩થી અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટની યાદગાર પળોમાં લોર્ડ્ઝની ગેલેરી ખાતે પ્રુડેન્શિયલ વર્લ્ડકપ સ્વીકારતા કપિલ દેવની તસવીરો અને ફૂટેજ રજૂ થતાં હવે એમાં ધોની અને ટીમની વિજયની ક્ષણોનો પણ સમાવેશ થશે!

વેલ ડન ટીમ ઇન્ડિયા! બ્રેવો ટીમ ઇન્ડિયા ! જીયો ટીમ ઇન્ડિયા!

શનિવાર, 2 એપ્રિલ, 2011

આજકાલના સમાચાર

આજકાલ છાપામાં નિરાશાજનક અને નકારાત્મક ખબરો વધુ વાંચવા મળે છે.ક્યારેક એવો વિચાર પણ આવી જાય છે કે શું છાપાઓનો હવે આજ તો વ્યવસાય નથી રહ્યો ને? - નકારાત્મક પ્રકારના સમાચાર જ હાઈલાઈટ કરવાના? જો એમ જ હોય તો પૂરો વાંક પ્રિન્ટમિડિયાનો જ કાઢવો યોગ્ય નથી. તેઓ એ જ પીરસે છે જે પ્રજા આચરે છે, જે બધું આજકાલ વાસ્તવમાં બની રહ્યું છે અને જે પ્રજાને વાંચવું ગમે છે. ખેર આજે માણસ જાત અને તેના સ્વભાવ અને આજના યુગમાં તેની બદલાયેલી જીવન જીવવાની રીત વિષે વાતચીત કરવી છે.


થોડા સમય પહેલા વાંદ્રા સ્ટેશનની પૂર્વ બાજુએ ગરીબનગર નામની ઝૂંપડપટ્ટીમાં લાગેલી ભીષણ આગના સમાચારો છાપાઓમાં ખૂબ ચર્ચાસ્પદ બન્યા હતાં.મારી ઓફિસ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવી હોવાથી, જે સાંજે એ આગ લાગી ત્યારે વાંદ્રા સ્ટેશન થઈને જ મારો રોજનો રસ્તો હોવાથી, મેં એ ભયંકર આગ પ્રત્યક્ષ જોઈ હતી અને મારા જીવનમાં જોયેલી એ સૌથી મોટી આગ હતી. પણ એને હું વિનાશક કહું કે નહિં એ અંગે આજે પણ હું અવઢવમાં છું. કારણ જણાવું.ગરીબ નગર નામની આ ઝૂંપડપટ્ટીમાં એ આગ દરમ્યાન બે હજારથી વધુ ઝૂંપડા બળીને રાખ થઈ ગયાં. ઝૂંપડા એટલે પાછા એકલદોકલ જર્જરિત એકલું ઘર હોય તેવાં ઘરોનો સમૂહ નહિં,પરંતુ ચાર-પાંચ માળની પતરા કે પાકી ઇંટોની બનેલી ઉંચી ઇમારતો (બિલ્ડીંગ્સ?). એ બધી ઇમારતો આ અગન જ્વાળાઓમાં બળીને સફાચટ્ટ થઈ ગઈ. આ ઇમારતોના દાદરા એટલા સાંકડા અને નાના કે ચોથા માળેથી સામાન્ય સંજોગોમાં પણ ઉતરવું હોય તો અતિ સાચવીને નીચે ઉતરવું પડે જ્યારી અહિં તો વિકરાળ આગ જેવી પરિસ્થિતીમાંયે બે હજાર ઝૂંપડામાં રહેનાર કે કામ કરનાર (ઝૂંપડાઓમાં અનેક કારખાના કે ફેક્ટરીઓ પણ હતાં) દસેક હજાર કરતાં પણ વધુ લોકો ચમત્કારિક રીતે સફળતાપૂર્વક પોતપોતાના ઝૂંપડાઓમાથી નીચે ઉતરી ગયા અને એકોએક જણ બચી ગયા.ભગવાનની કેવી મહેર? એક પણ મૃત્યુ આ ત્રણ ચાર કલાક સુધી, ત્રીસ કરતાંયે વધુ અગ્નિશામક બંબાવાળાઓથી પણ કાબૂમાં ન આવેલી આગ દરમ્યાન ન નોંધાયું. ભારત ના લોકો કદાચ ઇશ્વરને જાપાનના લોકોથી વધુ પ્રિય હશે! એટલે જ ભૂકંપ અને સુનામી દરમ્યાન હજારોના પ્રાણ ભગવાને હરી લીધા પણ વાંદ્રાની ગરીબનગરની ઝૂંપડપટ્ટીની એ માનવસર્જિત હોનારતમાં એક પણ જાન ન ગઈ! કે પછી સાચા અર્થમાં આ દુર્ઘટના 'માનવસર્જિત' હોવાથી ઇશ્વરને તેની જાણ જ નહિં હોય! આથી તે એક પણ પ્રાણ લેતા ચૂકી ગયો. આ સમગ્ર આગકાંડ પૂર્વનિયોજિત હતું એવું મારું માનવું છે.અને એમાં અસર પામેલા દરેકને સરકારે પચ્ચીસ હજાર રૂપિયાની મદદ જાહેર કરી છે.સરકારને ક્યાં રૂપિયા પોતાના ખિસ્સામાંથી કાઢવા છે? તેની તિજોરી તો મારા-તમારા જેવા નિયમિત અને પ્રમાણિક કરદાતા નાગરિકોના પસીનાની કમાઈમાંથી વસૂલેલા ટેક્સના રૂપિયાથી ભરેલી છે એ તેણે ખાલી કરવાની છે.અને કોને મદદ? જેઓએ પોતાના ઘર ગેરકાયદેસર જમીન પર ગેરકાનૂની રીતે બાંધ્યા હતાં તેમને.વોટબેન્ક પોલિટીક્સ કે પછી બીજું કોઈ ષડયંત્ર જે કંઈ પણ આ દુર્ઘટના પાછળ હશે તે થોડા સમય બાદ ભૂલાઈ જશે અને બળી ગયા એ ઝૂંપડા ફરી પાછા તેમને જગાએ ઉભા થઈ જશે.

કેવા કાવાદાવાઓ રચી જાણે છે માણસ. અને તે સમજે છે કે તેનાથી ચતુર બીજું કોઈ નથી.તે ખોટું કરશે તો કોઈ જોનાર, પકડનાર નથી.પણ ઉપર વાળો બધું જોતો હોય છે અને તે જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે.સુનામી જેવો તમાચો કે ધરતીકંપ જેવી લપડાક પળવારમાં માનવે વર્ષોની મહેનતથી બનાવેલ સર્જનનો સર્વનાશ કરી નાંખે છે.

બીજા એક અતિ ચર્ચાસ્પદ બનેલ સમાચાર હતાં અરૂણા શાનબાગ નામક એક નર્સના જેમના વિષે મેં એકાદ વર્ષ અગાઉ પણ અહિં 'બળાત્કર' વિષય પરના બ્લોગમાં લખ્યું હતું. તેમને યુથેનેશિયા આપવું જોઈએ કે નહિં એ અંગે અનેક લોકોએ પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા અને એ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પોતાનો ફેંસલો પણ સુણાવ્યો જેની ચર્ચા ફરી ક્યારેક જુદા બ્લોગ થકી કરીશું,પણ અહિં મારે માનવ સ્વભાવની જ વાત કરવી છે. આજથી સાડત્રીસ વર્ષ પહેલા સોહનલાલ વાલ્મિકી નામના નરાધમ વિકૃત નરપિશાચ વોર્ડબોયે સોળ વર્ષની નર્સ અરૂણા શાનબાગ પર દુષ્ક્રુત્ય આચર્યું. તેને સજા થઈ માત્ર સાત વર્ષની અને અરૂણા બિચારા હજી સબડે છે એક વેજિટેબલ જેવું જીવન જીવી(?). સાડત્રીસ મિનિટ પણ આપણે એકધારું એક જગાએ બેસી કંટાળી જતા હોઈએ છીએ જ્યારે આ બાઈ છેલ્લા સાડત્રીસ વર્ષથી કોમામાં, કે.ઈ.એમ. હોસ્પિટલની એક ઓરડીમાં એક જ બેડ પર પેલા રાક્ષસના દુષ્ક્રુત્યની સજા ભોગવી રહી છે ન મરીને,ન જીવીને.અને મેં વાંચ્યું કે એ રાક્ષસ સાત જ વર્ષની સજા ભોગવ્યા બાદ જેલમાંથી છૂટીને દિલ્હી ચાલી ગયો અને નામ બદલીને આજે પણ ત્યાં કોઈક હોસ્પિટલમાં વોર્ડબોય તરીકે નોકરી કરે છે.માણસને આટલું હિચકારૂં કૃત્ય કરતા ઇશ્વરનો જરા જેટલો પણ ડર નહિં લાગતો હોય? આવી વ્યક્તિને તો પ્રજાએ મળીને જ ભરપૂર માર મારી પૂરો કરી નાંખવો જોઇએ જેથી સમાજમાં એક દાખલો બેસે અને બીજું કોઈ આવું કૃત્ય કરવાનું વિચારે પણ નહિં.

ગયા સપ્તાહમાં જ બીજા પણ એક સમાચાર વાંચવામાં આવ્યા જેનાથી મને રોષનિશ્રિત નિરાશાની લાગણી થઈ.પાંચ વર્ષ પહેલાં મુંબઈના એક શ્રીમંત મિલમાલિકના પુત્રે વહેલી સવારે દારૂના નશામાં પોતાની ગાડીમાં પચાસેક વર્ષની મહિલાને લિફ્ટ આપી અને પછી ગાડીમાં જ તેના પર બળાત્કાર ગુજાર્યો.બીજા દિવસે તે મહિલાએ પોલિસ કેસ નોંધાવ્યો અને આ નબીરાની ધરપકડ થઈ પણ મહિના માસમાં જ તે વગ અને પૈસાના જોરે જામીન પર છૂટી ગયો અને ત્યાર બાદ તે મહિલા ત્રણ વર્ષ સુધી એવી ગાયબ થઈ ગઈ હતી કે તેનું પગેરું પોલિસ પણ શોધી શકી નહોતી. ક્યાં ગઈ હતી એ બાઈ ? શું તેને કોઈએ ધાકધમકી આપી ડરાવી હશે? અને હવે આ ઘટનાના પાંચ વર્ષ પછી પુરાવાના અભાવે અભિષેક કાસલિવાલ નિર્દોષ સાબિત થઈ છૂટી ગયો છે.ફરી પાછો તે મુંબઈની સડકો પર દારૂ પીને ગાડી ચલાવશે અને કોઈક શિકાર હાથમાં આવ્યો તો તેની પણ પેલી બાઈ જેવી જ દુર્દશા કરશે.

ક્યારે માણસ ડરશે આવા ગુનાઓ કરવાથી? દરેક મનુષ્ય બીજા મનુષ્યનો વિચાર કરી શું ન જીવી શકે? આવો દિવસ ક્યારે ઉગશે?

રવિવાર, 27 માર્ચ, 2011

ગેસ્ટ બ્લોગ : 'સ્મિત......એક ઝરણું'

ગેસ્ટ બ્લોગર : કિશોર દવે

પ્રત્યેક વ્યક્તિએ જીવનમાં સ્મિતનો સંગાથ લીધો હશે જ. અને સ્મિતનું વિશાળ સ્વરૂપ એટલે હાસ્ય- એટલે એમ કહેવાની ઈરછા થાય કે સ્મિત એ કલકલ કરતું ઝરણું છે, અને હાસ્ય તે ખળખળાટ દોડતો નદીનો પ્રવાહ છે.


મનુષ્યને જરા પણ ગમતી વસ્તુ થાય કે -પોતાની પસંદગીની વસ્તુ સામે આવે ત્યારે સ્મિત એ સહજ છે. તેનાં ચહેરાનાં સ્નાયુ સ્મિતનું રૂપ લે છે.સ્ત્રીઓના જીવનમાં એક એવો કરૂણ મંગલ પ્રસંગ આવે છે કે જ્યારે કહેવાય છે કે તેની એક આંખમાં હર્ષનાં આસું વહે છે અને એક આંખમાં વેદનાનું સ્મિત નીતરે છે.તે પ્રસંગ એટલે 'કન્યા વિદાય' ; એ પ્રસંગમાં કન્યાને પોતાનું ધર કે જ્યાં તે ઉછરીને મોટી થઈ છેએ ઘરમાં ભાઈ બહેન- માતા પિતા- દાદા દાદીનો પ્રેમ મળ્યો છે

છોડ્તાં દુ;ખ થાય છે એટલે તે વેદનાનું સ્મિત વેરે છે. અને બીજી બાજુ પોતાના નવજીવનની જ્યાં શરૂઆત થવાની છે.એ જાણી બીજી આંખમાં તેને આવનાર સુખની પ્રતિક્ષાનાં આસું આવે છે - તે હર્ષનાં આસું છે. સ્મિતનાં ઝરણાંની વાત કરીએ તો વિશ્નમાં સાચું સ્મિત જોવું હોય તો તે નિર્દોષ નાના બાળકનું- કે જે સ્મિતમાં જીવન છે- આનંદ છે. નિર્દોષ સ્મિતની તસ્વીરો આપણે જોતાં હોઈએ છીએ ત્યારે એટલો આનંદ આવે છે જાણે કે તે તસ્વીર આપણે જોતા જ રહીએ, તે નિર્દોષ સ્મિતની મઝા માણતા જ રહીએ.

સ્મિત એટલે સાંગોપાંગ શુધ્ધતાનું સ્વરૂપ છે. તેમાં કોઈ ભેળ સેળ નથી પર્વતમાંથી નીકળતા ઝ્રરણાંનું પાણી કેટલું શુધ્ધ હોય છે તે તમે કદી જોયું છે? બસ એવીજ શુધ્ધતા-પારદર્શકતા સ્મિતમાં રહેલી છે.પ્રત્યેક માનવી જ્યારે પોતાની મનપસંદ વસ્તુ જુએ છે-માણે છે ત્યારે તે ખડખડાટ હસે પરંતુ તે કરતાં તે માત્ર મીઠુ સ્મિત હોઠ પર લાવીને સામા માણસાને ખુશ કરી શકે છે. એટલે એનો અર્થ એમ નહી કે માણસોએ કદી હાસ્ય ન કરવું પરંતુ માત્ર જરાક હોઠ મલકાવીને વેરેલું સ્મિત પેલા હાસ્ય કરતાં વધુ કામ કરી શકે -સામી વ્યક્તિ પર સંયમની શુધ્ધતાની છાપ પાડી શકે.

આ સર્વમાં કેટલીક વખતે આપણે જોઈ શકીએ છીએ કે જે માનવી પારદર્શક નથી હોતો તેનાં સ્મિતમાં પણ તે કંજુસાઈ કરે છે અને હોઠ પર સ્મિત લાવે તો પણ તે બનાવટી લાગે છે. એટલે માનવીએ એ પ્રકારનાં સ્મિત પારખવાની પણ કળા શીખવી જોઈએ હાસ્યની પણ એક દુનીયા છે આપણા સિધ્ધ હસ્ત લેખકો શ્રી જ્યોતિન્દ્ર દવે, શ્રી ધનસુખલાલ મહેતા, શ્રી તારક મહેતા વગેરેના હાસ્ય લેખ વાંચશું તો તેમાં પણ સ્મિત જેવુંજ શુધ્ધ અને નિર્દોષ હાસ્ય આપણે માણી શકીશું તેમના પ્રત્યેક લેખમાં કાંઈક એવુંજ તત્વ હોય છે કે તમે એકલાં એકલાં તેમનાં પુસ્તકો વાંચશો તો તમે હસ્યા વિના રહી ન શકો!

માનવીના જીવનમાં જ્યારે દુ;ખની પળો આવે છે- ત્યારે સહજ રીતે માનવી આસું સારે છે દુ;ખનો પ્રભાવ વધારે હોય તો જોરજોરથી રડી પડે છે. ત્યારે તેને સાંત્વન આપી શાંત કરવો પડે છે.માનવ જીવનમાં સુખ અને દુ:ખ એ બંને ત્રાજવાનાં બે પલ્લાં છે.એ પલ્લાંને કેમ સમતોલ રાખવા એ માનવીની ફરજ બની રહે છે. સુખ આવે ત્યારે છકી જવું કે બીજાનું અપમાન કરવું અને દુ:ખ આવે ત્યારે માત્ર એકલા બેસી રૂદન કરવું એ યોગ્ય વર્તન નથી.જીવનમાં સુખની પળોને કઈ રીતે માણવી એ આવડવું પણ ખૂબ જરૂરી છે.કેટલીક વખતે બીજાના મુખ પર સુંદર સ્મિત જોઈને આપણાં ચહેરા પર પણ સ્મિત રેલાઈ આવે છે. સુખ અને સંતોષના નિરાળા સ્મિતની તો વાત જ શી કરવી કારણ સુખ અને સંતોષ હોય ત્યાં શાંતિ અને આબાદી પણ હોય જ!આપણે સૌએ એવાં જ કામ કરવા જોઈએ જેના થકી દરેકના ચહેરા પર સ્મિત રેલાય. જીવનમાં એક ખાસ સ્થાન સ્મિત તથા નિર્ભેળ હાસ્યનું છે.કેટલીક વ્યક્તિઓના ચહેરા પર આવું સ્મિત સદાય ફરકતું જ હોય એટલે ગમે ત્યારે કોઈક તસ્વીરકાર આવી વ્યક્તિનો ફોટો પાડે ત્યારે તેણે કહેવું ન પડે કે 'સ્માઈલ પ્લીઝ...' અને આવી વ્યક્તિનો ફોટો જોતાં તમને તેના સ્મિતમાં પેલાં શુદ્ધ અમ્રુત જેવાં પાણીના કલકલાટ કરતાં ઝરણાંનું પ્રતિબિંબ દેખાશે. ચાલો તો આવું સુંદર સ્મિત આપણે બધાં મોઢા પર ધારણ કરી લઈએ!

- કિશોર દવે

રવિવાર, 20 માર્ચ, 2011

‘વર્લ્ડ સ્પેરો ડે’ અને ‘અર્થ અવર’

આજે બે મહત્વની બાબતોની વાત આ બ્લોગ થકી તમારા સૌ સાથે કરવી છે અને સાથે બે અપીલ પણ.


આવતી કાલે એટલે કે ૨૦મી માર્ચે 'વિશ્વ ચકલી દિવસ' (વર્લ્ડ સ્પેરો ડે) મનાવવામાં આવશે. ચકલી નામના નાનકડા નિર્દોષ પંખીથી ભાગ્યે જ કોઈ અજાણ હશે.આપણા દેશમાં એવું કોઈ બાળક નહિં હોય જેણે 'એક હતો ચકો અને એક હતી ચકી...'ની વાર્તા નહિં સાંભળી હોય કે ‘ચકીબેન ચકીબેન મારી સાથે રમવા આવશો કે નહિં? આવશો કે નહિં? …’ આ ગીત ગાયું નહિં હોય! હવે આ નાનકડા પક્ષીનું દુર્ભાગ્ય ગણો તો દુર્ભાગ્ય કે ઇશ્વરે તેને માનવ વસાહત પાસે જ જીવી શકવાની મર્યાદા આપી.જ્યાં મનુષ્યો વસતા હોય તેની આસપાસ જ આ પક્ષી વસી શકે. પણ સૌથી લુચ્ચા અને સ્વાર્થી મનુષ્યે પોતાની જાતિની પરવા નથી કરી એ આ નાનકડા ખેચરના અસ્તિત્વ ટકાવવાની ચિંતા કરે એવી અપેક્ષા પણ શી રીતે રાખી શકાય? આજે કૂદકે ને ભૂસકે વધતી માનવવસ્તિ અને તે સાથે વધી રહેલા શહેરીકરણ,કહેવાતા વિકાસ અને આધુનિક સિમેન્ટ કોંક્રીટના જંગલ તેમજ મોબાઈલ ટાવરોએ આ નાનકડા જીવનું નિકંદન કાઢી નાંખ્યું છે અને તેની સમગ્ર જાતિનું અસ્તિત્વ આજે ભયમાં આવીને ઉભું છે.

તમે ઇચ્છતા હોવ કે તમારી આવનારી પેઢી આ નાનકડા સુંદર જીવને જોવા પામે તો તમે બસ કાલે 'વર્લ્ડ સ્પેરો ડે'ના દિવસથી નિર્ણય લો કે ચકલી તમારા પરિસરમાં,તમારા ઘરની આસપાસ જીવી શકે એવું વાતાવરણ તમે ઉભું કરશો. ગભરાઈ ન જાવ. આ અઘરું નથી. તમારે ફક્ત થોડા ચોખા તમારા ઘરનાં કે બિલ્ડીંગના પ્રાંગણ કે ટેરેસમાં દરરોજ નાંખવાના છે. મેં પણ ભૂતકાળમાં આવા નિયમો ઘણી વાર લીધા છે પણ શરૂઆતના ૫-૬ દિવસ નિયમિતતા પાળ્યા બાદ ફરી એ નિયમ ભૂલાવી દીધા છે. પણ આજે હું પોતે પણ આ નિર્ણય લઉં છું કે રોજ સવારે ચકલી માટે ચણ નાંખીને જ દિવસની શરૂઆત કરીશ. આ સિવાય પણ બીજી થોડી ઘણી નાની નાની વસ્તુઓ અમલમાં મૂકી આપણે આપણાં પાડોશી ચકલી અને બીજાં પારેવડાંઓ માટે ઘણું કરી શકીએ એમ છે. જેમ કે ઘરને નેવે કે ટેરેસમાં એક વાડકા, રકાબી કે યોગ્ય વાસણમાં પાણી મૂકી પંખીઓને બાથ-ટબ કે પીવાનું પાણી પૂરા પાડી શકીએ.આ સિવાય આજકાલ ઈકોફ્રેન્ડલી લાકડામાંથી બનાવેલ તૈયાર ચકલીઘર મળે છે, તે ખરીદી ઘરને છપરે કે ટેરેસમાં મૂકી શકીએ.આ બધાં સૂચનોમાંથી એકાદ પણ અમલમાં મૂકવાની મારી તમને,મારા વાચકને નમ્ર અપીલ છે.

બીજી વાત કરવાની છે ૨૬મી માર્ચે ઉજવવામાં આવનારા ‘Earth Hour’(પ્રુથ્વીને બચાવવા માટેના કલાક) ની. વિશ્વમાં અનેક દેશો સ્વેચ્છાએ રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન બત્તી બંધ પાળશે. એટલે કે આવતા શનિવારે રાતે આ એક કલાક દરમ્યાન વિશ્વભરમાં અનેક લોકો તેમના ઘરની, ઓફિસોની, શેરીઓની વગેરેની બત્તીઓ કે વિજળીથી ચાલતા તમામ ઉપકરણો બંધ કરી દેશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવતને અનુસરતા આ એક કલાક દરમ્યાન લાખો એકમની વિજળી બચાવવામાં આવશે. એમાં પણ તમે સહયોગ આપો એવી મારી સૌને નમ્ર અપીલ છે. વિજળી બચાવી ગ્લોબલ વોર્મિંગ અંગે જાગ્રુતિ ફેલાવવાના આ અનોખા અભિયાનમાં સહભાગી થઈ તમે પર્યાવરણ બચાવવાના ભગીરથ કાર્યમાં તમારો ફૂલ નહિં તો ફૂલની પાંખડી જેટલો ફાળો નોંધાવી શકો તો એ ય ઘણું છે.અને આ વખતે તો WWF સંસ્થાએ લોકોને એક કલાક બત્તી બંધ રાખવાની સાથે સાથે જ પર્યાવરણલક્ષી કોઈક પહેલ સાથે જોડાઈ એ માટે નક્કર પગલા લેવાનું પણ આહ્વાન આપ્યું છે.આ પહેલમાં સામાન્ય બલ્બ કે ટ્યુબલાઈટની જગાએ CFL લાઈટ્સ વાપરવી,વિજળીની બચત કરનારા સ્ટાર રેટેડ ઉપકરણો જ વાપરવા,કાર્બન એમિશન ઘટાડવું,ગ્રીન બિઝનેસને પ્રોત્સાહન આપવું જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ વિષેની વધુ માહિતી તમે http://www.facebook.com/earthhourindia આ વેબસાઈટ પર મેળવી શકો છો અને અહિં તમે ઉપરોક્ત જણાવ્યાં મુજબના કોઈ એક પગલાંને અનુસરવાની ઓનલાઈન પ્રતિજ્ઞા પણ લઈ શકો છો. તો મારી તમને આ બીજી અપીલ છે શનિવારે ૨૬મી માર્ચે રાતે સાડા આઠથી સાડા નવ દરમ્યાન તમારા ઘરની મેઇન સ્વીચ બંધ કરી સ્વેચ્છએ બત્તીબંધ પાળવાના આ અભિયાનમાં જોડાવાની. માનશો ને મારું આટલું કહ્યું???

બુધવાર, 9 માર્ચ, 2011

ભાગીને લગ્ન

થોડા સમય પહેલાં એક કિસ્સો સાંભળવામાં આવ્યો.એક ગુજરાતી બ્રાહ્મણ યુવક એક જૈન મારવાડી બુકીની છોકરીને ભગાડી ગયો. આ કિસ્સામાં પણ યુવક-યુવતિ ભાગ્યા હતાં તો પરસ્પરની સંમતિથી જ,છતાં કહેવાય એમ કે છોકરો ભગાડી ગયો.હવે છોકરીનો બાપ થોડા બીજા પણ આડા અવળા ધંધા ધરાવતો હતો અને તેણે ધમકી આપી કે તે પોતાની દિકરીને ભગાડી જનાર યુવકને જીવતો નહિં છોડે.પછી એણે ખરેખર એમ કર્યું કે નહિં એતો ખબર નથી પણ આજે આ બ્લોગ થકી આ એક અતિ સંવેદનશીલ મુદ્દો ચર્ચવો છે.


જ્યારે કોઈ યુવક ભોળી અને નાદાન એવી યુવતિને બદ ઇરાદાથી ભગાડી જાય ત્યારે એ તો ચોક્કસ ખોટું જ ગણાય પણ ઘણાં કિસ્સઓમાં માબાપ બન્ને યુવક-યુવતિ એકબીજા માટે યોગ્ય હોય,એકબીજાને પસંદ કરતા હોય અને લગ્ન કરી સાથે જીવન ગુજારવા માગતા હોય તો એમાં ખોટું શું છે?ફક્ત ગ્ન્યાતિ જુદી હોવા જેવી ક્ષુલ્લક બાબતને લીધે અથવા પોતે જ પોતાના સંતાન માટે યોગ્ય સાથીની પસંદગીનો દુરાગ્રહ સેવી માબાપ તેમના સંતાનોનો વિરોધ કરે ત્યારે તે સંતાનો પાસે ભાગી જવા સિવાય બીજો વિકલ્પ બચે છે ખરો?શા માટે આવું જક્કી વલણ અપનાવવું જોઇએ માબાપે.

મારી ઓફિસમાં મારી સાથે જ કામ કરતા એક ઉત્તરભારતીય યુવકની પ્રેમકહાણી સંભળાવું.તમને એમાં ચોક્કસ રસ પડશે.તેને પોતાનાથી તદ્દન ભિન્ન સંસ્કૃતિ ધરાવતી પંજાબી યુવતિ સાથે પ્રેમ થઈ ગયો.સારો અભ્યાસ કર્યા બાદ ભારતની અગ્રગણ્ય કંપનીઓમાં સારા સ્થાને નોકરી કરી પ્રમાણમાં સારો કહી શકાય એવો પગાર ધરાવતા યુવકને પોતાની દિકરી ખરા હ્રદયથી ચાહતી હોવા છતાં માત્ર અલગ ગ્નાતિના હોવાને કારણે માબાપને શામાટે વાંધો હોવો જોઇએ?સંતાનો કંઈ તમારા ચાવી ભરીને મન ફાવે તેમ નચાવી શકો એવાં રમકડાં છે?ઉંમરલાયક થયા પછી તેમને તેમના આગવા સ્વતંત્ર નિર્ણયો લેવાની છૂટ આજના દરેક સમજુ માબાપે આપવી જ જોઇએ.જેમાં યોગ્ય જીવનસાથીની પસંદગીનો નિર્ણય પણ આવી ગયો.હા અહિં નાદાનીમાં કરેલ યુવાનીના જોશમાં વિજાતીય પાત્રના આકર્ષણથી કરેલ ખોટી પસંદગીનો પક્ષ લેવાનો મારો બિલકુલ ઇરાદો નથી.પણ હું મારા ઓફિસના મિત્ર જેવા લાયક અને સમજુ યુવક-યુવતિઓના કિસ્સાઓમાં જ તેમનો પક્ષ લઈ,તેમની પેરવી કરી રહ્યો છું.મારા ઓફિસના મિત્રે બે-ત્રણ વર્ષ સુધી રાહ જોઈ,યુવતિના જૂનવાણી માતાપિતાને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ આખરે તેઓ ન માન્યા અને તેમણે દિકરીની સગાઈ બીજી જગાએ કરી દીધી.હવે મારા ઓફિસના મિત્ર પાસે કોઈ વિકલ્પ બચ્યો જ નહોતો.તે એ પંજાબી યુવતિને તેના શહેરમાંથી ભગાડી ગયો.તેઓ વીસેક દિવસ સાથે રહ્યા.યુવતિના માબાપે ખૂબ ધમપછાડા કર્યા.દિકરી પોતાની સાથે તેમની આનબાનશાન લઈ ગઈ હોય તેમ સમાજના ડરથી દિકરીને પાછી પોતાને ઘેર લઈ આવવા તેમણે શક્ય એટલા બધા પ્રયાસ કરી લીધા.છેવટે તેની માએ મરણપથારીએ હોવાનું નાટક સુદ્ધા કર્યું અને તેઓ દિકરીને છળકપટ પૂર્વક પાછી પોતાને ઘેર લઈ જવામાં સફળ રહ્યાં.પણ એમ કંઈ મારો ઓફિસનો મિત્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો.તેણે યુક્તિ-પ્રયુક્તિ દ્વારા બીજી વાર તે છોકરીને ભગાડી જવામાં સફળતા મેળવી.તેમની પ્રેમકથા કોઈ ફિલ્મી વાર્તાથી બિલકુલ કમ નહોતી!તેમણે સાદાઈથી કોર્ટમાં લગ્ન પણ કરી લીધા અને આજે આ સત્ય ઘટનાના છ મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા બાદ પણ તેઓ સાથે છે અને સુખથી પણ છતાં એક છૂપા ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.શું તેમના અરમાન નહિં હોય મોટા વિધિપૂર્વકના લગ્નનાં?જેમાં બન્ને પક્ષના સગાસંબંધીઓ નાચે-ગાય-મ્હાલે?પણ જિદ્દી રૂઢિચુસ્ત માબાપની નાસમજીને કારણે તેઓ એ સુખથી વંચિત રહી ગયાં.

પ્રાચીન સમયમાં વર્ણવ્યવસ્થા બનાવાયેલી ફક્ત કામની કે વ્યવસાયની વહેંચણી અર્થે પણ તેને આજલગી વળગી રહી સંતાનોને દુ:ખી કરવા અને ક્યારેક તો ઝનૂની બની પોતાની મરજી વિરુદ્ધ જઈ ભાગી ગયેલા સંતાનોનું કાસળ સુદ્ધા કઢાવી નાખવાની નિર્દયતા આચરનાર જક્કી,ક્રૂર અને અમાનવીય માબાપોને તો ભગવાન પણ કઈ રીતે માફ કરી શકે?

ઉપર જે પહેલા યુવાનની વાતથી આજના બ્લોગની શરૂઆત કરી તેની સાથે પણ મારા ઓફિસના મિત્રવાળી ઘટનાનું જ પુનરાવર્તન થયું.અહિં છોકરીના પપ્પા પોતાની વગ વાપરી તેને આ યુવાન પાસેથી પાછી મેળવવામાં સફળ રહ્યા.પણ જ્યારે તેમણે યુવાન સમક્ષ પોતાની દિકરી સાથેના ડિવોર્સ એટલે કે છૂટાછેડાના પેપર્સ પર સહી કરવા ફરમાન કર્યું ત્યારે યુવાને ચાલ ચાલી.તેણે યુવતિના પિતાને પોતાની સહી આપવા એક જગાએ બોલાવ્યા અને છોકરી ઘરમાં એકલી પડી એટલે તેને બીજી વાર તેના ઘેરથી ઉઠાવી લીધી!હજી છોકરીના પપ્પાને ચેન પડતું નથી.પોતાના ઈગોને તે દિકરીના સ્નેહ કરતા વધુ મહત્વ આપે છે કે પછી છોકરો પોતાની દિકરી દ્વારા પોતે એકઠું કરેલું મબલખ કાળું નાણું હડપી જશે એવો તેમને ડર છે,યુવાને તે સસરાની મિલ્કતને હાથ પણ અડાડશે નહિં,એવી ખાતરી આપવા છતાં.જે હોય તે પણ મારા મતે તો તેમણે દિકરીને અને તેની પસંદગીને અપનાવી જ લેવા જોઇએ.


તમે શું માનો છો?