Translate

રવિવાર, 17 એપ્રિલ, 2011

જીવો અને જીવવા દો...

આજે છાપામાં બે એવાં સમાચાર ઉપરાઉપરી વાંચવામાં આવ્યા કે હચમચી જવાયું. છ મહિનાના દીપડાના બચ્ચાનું તાડોબા પાસે લાકડી અને લોખંડના સળિયા મારવાથી મોત નિપજ્યું. આ સમાચાર સાથે તે દીપડાના બચ્ચાની લોહીલુહાણ હાલતમાં રહેલી લાશની તસ્વીર જોઈ પોચા હ્રદયના માણસનું હૈયું તો થોડી ક્ષણો માટે ધડકવાનું ચૂકી જાય. બીજા સમાચાર એવા હતાં કે એક યુવાને રાતે એક કૂતરાને પોતાના ઘરમાં પૂરી દઈ ઢોર માર માર્યો. કૂતરાની ચીસો સાંભળી પાડોશીઓએ પોલિસમાં ફરિયાદ તો કરી પણ પોલિસ આવે એ પહેલા તે ઘાતકી યુવાને કૂતરાના શરીરને ત્રણ ટુકડામાં કાપી નાંખ્યું હતું. આજ પ્રકારની બીજી એક ખબર પણ થોડા સમય અગાઉ વાંચવામાં આવી હતી. એક દારૂડિયા ગુજરાતી માણસે, રોજ રાતે તે દારૂ પીને મોડેથી પોતાના ઘેર પાછો ફરતો ત્યારે તેની સામે ભસતી એક કૂતરીને ઘરમાં પૂરી દઈ એટલી બેરહેમીથી મારી કે તે કૂતરીની એક આંખ ફૂટી ગઈ અને તે કોમામાં સરી પડી.

આવા સમાચાર વાંચીને આપણને આટલી કંપારી છૂટે છે તો વિચારો આ અમાનવીય અત્યાચાર જ્યારે આ અબોલ પશુઓ પર ગુજારવામાં આવ્યો હશે ત્યારે તેમની શી સ્થિતી થઈ હશે?

પ્રાચીન કાળથી માણસ પ્રાણીઓનો દુરૂપયોગ પોતાના અંગત સ્વાર્થ માટે કરતો આવ્યો છે.પણ મૂંગા પ્રાણીઓ તેમના પર થતા અત્યાચાર સહન કરતા આવ્યાં છે.પણ જ્યારે માણસ હદ પાર વગરની ક્રૂરતા આચરી અન્ય સજીવો પર અમાનુષી અત્યાચાર કરે છે ત્યારે પ્રશ્ન થાય કે શું મનુષ્યને ભગવાનનો પણ ડર નહિં લાગતો હોય? કોઈ ભલે તેના આવા હિચકારા કૃત્યનું સાક્ષી ન હોય પણ તેનો અંતરાત્મા અને ઇશ્વર તો બધું જોતા જ હોય છે.

આ પૃથ્વી પર માનવ પહેલાં અન્ય જીવસ્રુષ્ટિની રચના થઈ હતી અને માત્ર બુધ્હિને કારણે મનુષ્ય બીજા જીવો કરતાં જુદો પડ્યો અને ઉત્ક્રાંતિ દ્વારા તેણે શ્રેષ્ઠ જીવન જીવવાની સિદ્ધી હાંસલ કરી પણ તેણે એ હકીકત ભૂલવી ન જોઇએ કે પૃથ્વી પર કંઈ તેના એકલાનો અધિકાર નથી.અન્ય જીવો પણ અહિં વસવાટનો એટલો જ હક ધરાવે છે જેટલો મનુષ્ય.આથી મનુષ્યે વિવેક્બુદ્ધિ વાપરી અન્ય જીવોના અસ્તિત્વને પણ સાદર સ્વીકારવું જ રહ્યું. આજકાલ દીપડા તથા અન્ય પ્રાણીઓ માનવ વસાહતોમાં ઘૂસી આવ્યા હોવાની ખબરો ઘણી વાર અખબારોમાં વાંચવા મળે છે.પણ અહિં નોંધવું રહ્યું કે આ કિસ્સાઓમાં પ્રાણીઓએ મનુષ્યના વિસ્તારમાં નહિં પણ મનુષ્યોની વન્ય વિસ્તારમાં ઘૂસણખોરીને પગલે આવા બનાવો બનવા પામે છે.મનુષ્ય વસ્તિ અને મોંઘવારી વધતા તથા જગાની અછતના પગલે જંગલની હદમાં રહેવા માંડ્યો છે અને પછી તે વન્ય પશુઓ આકર્ષાય એ પ્રકારનું જીવન જીવી દીપડા જેવા રાની પશુઓને પોતાના રહેઠાણ સુધી આમંત્રે ત્યારે વાંક કોનો કાઢવો?

બધાં મનુષ્યો પ્રાણીઓ સાથે આવી જ રીતે વર્તે છે એવું નથી.પોતાના સંતાનની જેમજ કૂતરા,બિલાડી કે ઘોડા જેવા પ્રાણીઓને પાળનારા લોકો પણ અસંખ્ય છે.ઘણાં પોતાના ઘરમાં પંખી,કાચબા કે માછલી ઉછેરીને પણ પ્રકૃતિ સાથે એક જાતનું જોડાણ બનાવે છે,જાળવે છે.તો ગાયો માટે ગમાણ બંધાવનારા,કબૂતરોને ચણ નાંખનારા અને પંખી-પ્રાણીઓ માટે ઘર બાંધનારાઓની પણ કમી નથી.ગયા મહિને જ મેં વિશ્વ ચકલી દિન નિમિત્તે જે બ્લોગ લખ્યો હતો તેના અનેક સારા પ્રતિભાવ મળ્યા અને એક ભાઈએ આ બ્લોગ વાંચી ચકલી રહી શકે તેવા ૨૫ તૈયાર ઘર પણ ખરીદ્યા.ઉનાળામાં આપણે પંખીઓની તરસ છીપાવવા એકાદ વાસણમાં કે કૂંડામાં પાણી ભરી પંખીઓ મુક્ત રીતે એ પી શકે એવી જગાએ રાખવા જોઈએ.પ્રાણીઓ કે પંખીઓ માટે રાહત કાર્યની પ્રવૃત્તિ જ્યાં પણ ચાલી રહી હોય તેમાં પોતાનાથી બની શકે એટલી નાણાંકિય કે પોતે પ્રત્યક્ષ સહભાગી થઈ મદદ કરવી જોઈએ. મૂગા પ્રાણીઓ પર જ્યાં પણ અને જ્યારે કોઈ અત્યાચાર થતો નજરે ચડે કે તરત તે અટકાવવા પ્રયત્ન કરવો જોઈએ અને તેની જાણ પોલિસ કે યોગ્ય વ્યક્તિ કે સંસ્થાને કરવી જોઈએ.સાપ દેખાય કે બીજા કોઈ પ્રકારનું જંતુ કે અજાણ્યું જાનવર દેખાય તો તરત તેને મારી નાંખવાનો વિચાર કરવો જોઈએ નહિં અને કોઈ આમ કરી રહ્યું હોય તો તેને અટકાવવું જોઈએ.સાપ કે કોઈ પણ પ્રાણી તેમના પર હૂમલો ન થાય કે તેમને મનુષ્ય તરફથી કોઈ પ્રકારનો ભય ન જણાય ત્યાં સુધી મનુષ્ય પર હૂમલો કરતા નથી.આ વાત યાદ રાખો.આપણને મનુષ્યો ને પૃથ્વી પર રહેવાનો જેટલો હક છે તેટલો જ હક બીજા બધા જીવો ને પણ છે.ઘર આંગણે ઝાડછોડ વાવી ને પણ તમે તમારું નાનકડું યોગદાન અન્ય જીવોના સંવર્ધન માટે નોંધાવી શકો છો.

છેલ્લે ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ ટાંકીને આ બ્લોગ પૂરો કરું છું:

વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

…અને બીજી પણ એક સરસ મજાની ગુજરાતી કવિતાના ચોક્કસ શબ્દો યાદ નથી પણ તેનો ભાવાર્થ કંઈક આ મુજબ છે:

વિશાળે જગ વિસ્તારે નથી માનવ એકલો
પ્રાણીઓ ને પંખીઓ છે ફૂલો ને છે વનસ્પતિ...

1 ટિપ્પણી:

  1. sharuat kampari karavi gayi ke manas atalo badhu krur kai rite thayi shake chhe? but kadach aaj ni jivan shaili j evi thayi gayi chhe ke loko dar and hatasha ane akrosh sathe jive chhe. janvar ane manas no bhed bhuli janavar sathe janvar jevu vartan kari bese chhe.
    chakali ni vat ave ne hu khush thayi jau chhu. mara ghare roj je ave chhe. me pan ghar banavyu'tu pan rahi nahi. thoda di chokha nakhya ne bhulay javayu. aje blog vachi fari sharuat karish.
    thx dost.

    જવાબ આપોકાઢી નાખો