Translate

Sunday, April 10, 2011

વેલ ડન ટીમ ઇન્ડિયા !

                     વર્લ્ડકપની ફાઈનલ મેચ હોય, શ્રીલંકા જેવી સબળી ટીમ સામે ટક્કર હોય, ભારત ટોસ હારી જાય અને તેણે દ્વિતીય સ્થાને બેટીંગ સ્વીકારવી પડે, ૨૭૫ રનનો ઉંચો લક્ષ્યાંક જીતવા માટે હાંસલ કરવાનો હોય અને મેચમાં આપણા પક્ષની બેટીંગ શરૂ જ થતામાં બીજા જ દડે વિરેન્દ્ર સેહવાગની વિકેટ પડે, જેના પર તે કદાચ પોતાની ૧૦૦મી સદી પૂરી કરી સૌથી વધુ રન બનાવશે એવી અપેક્ષા હોય તેવા ક્રિકેટના 'ગોડ' ગણાતા આપણાં સૌના ચહીતા મહારાષ્ટ્રીયન... ઉપ્સ… સોરી તેને ખોટું લાગી જશે તેને આમ રાજ્યના નામે બોલાવીશું તો, ક્રિકેટના ભગવાન ગણાતા ભારતીય સચીન તેંડુલકર માત્ર ૧૮ રને આઉટ થઈ જાય ત્યારે કલ્પના કરી શકાય છે કે ભારત માટે ૨૦૧૧નો આ વિશ્વ કપ જીતવો કેટલું દુષ્કર કાર્ય હશે! પણ એમ બન્યું! ભારત પૂરા ૨૮ વર્ષ પછી વિશ્વ ચેમ્પિયન બનવાનું પોતાનું સપનું પૂરું કરી શક્યું! ૨જી એપ્રિલનો ૨૦૧૧નો શનિવાર ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. માત્ર એકલ દોકલ ખેલાડીના સારા પ્રદર્શનને લીધે નહિં,પણ પૂરી ટીમના શ્રેષ્ઠ દેખાવને લીધે ભારત વિશ્વકપ જીત્યું તેથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. લાખો ક્રિકેટરસિક દેશભક્તોની પ્રાર્થનાઓ,હવન-યજ્ઞ,બાધા આખડીઓ વગેરેનો પણ ભલે ભારત જેવા શ્રદ્ધાળુઓના દેશના વિજયમાં ફાળો રહ્યો હશે પણ એમાં કોઈ બેમત નથી કે ભારતની આખી ટીમ આ જીતને લાયક છે અને તે માટે આખી ટીમે શ્રેષ્ઠ ટીમવર્કનો દાખલો બેસાડી આ મહામૂલી સિદ્ધી મેળવી છે!


આવડી મોટી મેચ હોય અને તેની સાથે વાદ-વિવાદ ન સંકળાય એ કેમ બને? મેચ પહેલાં,મેચ દરમ્યાન અને મેચ બાદ એમ આ વિશ્વકપ ફાઈનલ સાથે દરેક તબક્કે વાદ વિવાદ સંકળાયા. મેચ પહેલા આતંકવાદી હૂમલાનો તોળાતો ભય તેમજ મેચના ત્રણ કલાક પહેલાં જ આવા હૂમલાની ધમકી,મેચનું જીવંત પ્રસારણ કરવા કેટલીક ટી.વી.ચેનલો પર બંધીનો વિવાદ તો મેચ શરૂ થતાં પહેલા ટોસ બે વાર કરવો પડ્યો એ બાબતો ચર્ચાસ્પદ રહી તો મેચ ચાલુ હતી એ દરમ્યાન આખી મેચ ફિક્સ હોવાના એસ.એમ.એસ અને ટ્વીટ્સ પણ વહેતા થયાં. તો મેચ બાદ પણ વિજેતા ભારતીય ટીમને અપાયેલી વિશ્વકપની ટ્રોફી નકલી હોવાના અહેવાલે તો હદ કરી નાંખી. આઈ.સી.સી ના વડા શરદ પવારના ખુલાસા મુજબ તેઓ વાનખેડેમાં વ્યવસ્થા વગેરેમાં એટલા વ્યસ્ત હતાં કે કસ્ટમ ડ્યુટી ભરવાનું તે સાવ ભૂલી જ ગયાં! પણ ભારતીય ટીમને અપાયેલી ટ્રોફી તો તેમના કહેવા મુજબ સાચી જ હતી! ભારતના રાષ્ટ્રપતિ અને પ્રથમ નાગરિક શ્રીમતી પ્રતિભા પાટીલે તો મેચ સ્ટેડિયમમાં ખાસ સ્થાને બેસીને જોઈ પણ મુંબઈના પ્રથમ નાગરિક શ્રદ્ધા જાધવ, તેમને બીજા કેટલાંક ખાસ અતિથીઓની જેમ વી.વી. આઈ.પી પાસ ન ફાળવાતાં મેચ જોવા સ્ટેડિયમમાં ન પધાર્યાં. અમિતાભ બચ્ચને આખી મેચ ટી.વી. પર જોવાનું ટાળ્યું હતું તો ફરહાન અખતરે પણ મેચ ખાસ ખૂણે ગોઠવાઈને ગ્લાસ એક ખાસ ખૂણે ગોઠવીને જોઈ હતી! પ્રીતી ઝિંટાએ તેની લકી, ભારતના ધ્વજના ત્રણ રંગ ધરાવતી બંગડીઓ પહેરી ભારતીય ટીમને ચિયર કરી હતી. ભારતની છેલ્લી બે મેચો વખતે હું ઘેર મોડો પહોંચી કેટલીક અંતિમ ઓવરો જ જોઈ શક્યો હતો પણ આ બંને મેચ ભારત જીતી ગયેલું આથી મેં નક્કી કર્યું કે ભારત જીતે એ માટે ફાઈનલ મેચ પણ મારે ઘેર ન જોવી, બહાર ફરવા જતા રહેવું અને છેલ્લી કેટલીક ઓવર બાકી હોય ત્યારે ઘેર પાછા ફરી મેચ જોવી! અને ખરેખર આ મેચ પણ ભારત જીતી પણ ગયું!

આ વિશ્વકપમાં ઘણાં અપસેટ્સ પણ જોવા મળ્યાં જેમકે સતત છેલ્લા ત્રણ વિશ્વકપ જીતેલું ઓસ્ટ્રેલિયા આ વખતે ક્વાર્ટર ફાઈનલમાં જ બહાર ફેંકાઈ ગયું.તો બીજી સબળી ટીમ દક્ષિણ આફ્રિકાના પણ આવાં જ ભૂંડા હાલ થયાં.પ્રથમ વખત ત્રણ એશિયાઈ દેશો સેમિફાઈનલ સ્તરે પહોંચ્યા અને સર્વપ્રથમ વાર જ બે એશિયાએ દેશો વચ્ચે ફાઈનલમાં ટક્કર થઈ! ભારત અને પાકિસ્તાન વચ્ચેની સેમિફાઈનલ પણ અતિ હાઈ પ્રોફાઈલ બની રહી અને રસાકસી અને રોમાંચને મામલે બિલકુલ કમ ન રહી.ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રીઓએ સાથે બેસીને આ મેચ નિહાળી હતી અને મોહાલી આખું ક્રિકેટજ્વરમાં સપડાઈ ગયેલું! આ સેમિફાઈનલમાં ભારતના વિજયે ભારતીયોમાં જે આનંદનું મોજું પ્રસરાવી દીધું હતું તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.જાણે કોઈ યુદ્ધમાં ભારત જીતી ન ગયું હોય!

અને ફાઈનલ જીત્યા બાદ પણ આખા ભારતની સડકો પર ક્રિકેટચાહકો, સિને કલાકારો તેમના પરિવાર , મિત્રો સહિત ઉતરી પડ્યા અને આખી રાત હર્ષોલ્લાસ ભર્યું વાતાવરણ આખા દેશમાં છવાયેલું રહ્યું.એ રાતે પોલિસે મદિરાપાન કરનારની ધરપકડના કાયદા પર પણ થોડીઘણી છૂટ મૂકી હતી અને દેશભરની સડકો પર લોકો પોતાના વાહનોમાં બારી પર કે વાહનની ઉપર ભારતીય તિરંગો લહેરાવી આનંદની ચિચિયારીઓ પાડતા જોવા મળ્યા અને ટ્રાફિક જામ આખી રાત રસ્તાઓ પર બની રહ્યું! આપણી ટીમના ખેલાડીઓ પણ કેટલાં ભાવુક થઈ ગયેલા કેમેરામાં ઝીલાયાં! યુવરાજ,હરભજન અને વિરેન્દ્ર સેહવાગ રીતસર રડી પડ્યાં તો ધોની એ ૨૦૦૭ ના ટ્વેન્ટી-ટ્વેન્ટી વર્લ્ડકપની ટ્રોફી સ્વીકરતી વખતે સ્લીવલેસ જર્સી પહેરવાની પરંપરા જ આ વખતે વિશ્વકપ સ્વીકરતી વખતે પણ જાળવી! સચિન પણ હર્ષઘેલો થઈ ગયો અને તેણે સ્ટેડિયમમાં ચકરાવો લેતી વેળાએ કેમેરાની પરવા કર્યા વગર શેમ્પેનની ચુસ્કીઓ ભરી! અન્ય ખેલાડીઓએ સચિનને ઘડીભરમાટે ઉંચકી પણ લીધો અને તેમણે આ વિશ્વકપ સચિનને સમર્પિત કર્યો. સચિન માટે આ પ્રથમ અને તેણે જાહેર કર્યા મુજબ છેલ્લો વર્લ્ડકપ હતો! આ વિશ્વકપ મેળવ્યા બાદ ધોનીએ માથે બોડુ કરાવ્યું તો રૈના, હરભજન,નેહરા અને બીજા મોટા ભાગના ખેલાડીઓએ ધર્મસ્થળોની મુલાકાત લીધી.

ઇનામોની તો જાણે વિશ્વકપ માટેની ભારતીય ટીમ પર વર્ષા વરસી! કરોડપતિ ક્રિકેટરોની સંપત્તિમાં આ વિશ્વકપ જીત્યા બાદ અનેકગણો વધારો થઈ જશે એમાં કોઈ શંકા નથી.

બીજી થોડી આ વિશ્વ કપની બાબતો પણ ખાસ રહી જેમકે પ્રથમ વાર વર્લ્ડકપ યજમાન દેશ જીતી ગયો. પ્રથમ વાર ત્રણ એશિયાઈ દેશો સેમિફાઈનલ અને બે એશિયાઈ દેશો ફાઈનલ મેચ રમ્યાં. ભારત પ્રથમ વાર વર્લ્ડકપ જીત્યું એ દિવસે ૧૯૮૩ની સાલમાં ૨૫મી જૂન નો શનિવારનો દિવસ હતો અને આ વર્ષે ૨૦૧૧માં પણ ફાઈનલ યોગાનુયોગે બીજી એપ્રિલના શનિવારે જ રમાઈ અને ભારત બીજી વાર વિશ્વ વિજેતા બન્યું! વિશ્વકપની આ ફાઈનલ મેચમાં ધોની અને ગૌતમ ગંભીર બંને ભલે સદી પૂરી ન કરી શક્યાં અને ધોની અણનમ ૯૧ રન બનાવી શક્યો જ્યારે ગંભીર ૯૭ રન પર આઉટ થઈ ગયો, પણ આ મેચમાં જ ધોનીએ તેની કારકિર્દીના ૬૦૦૦ રન પૂરા કર્યાં જ્યારે ગંભીરે તેણી કારકિર્દીના ૪૦૦૦ રન પૂરા કર્યાં.

કટોકટીભરી પરિસ્થિતિમાં ધીરજ જાળવી શ્રેષ્ઠ ટીમવર્કનો દાખલો બેસાડી ભારતે આ મેચમાં વિજય મેળવ્યો જે ૨૮ વર્ષ પછી ભારતને ક્રિકેટના વિશ્વમાં એક અનેરી સિદ્ધી અપાવનારી ઘટના બની રહ્યું છે અને ૧૯૮૩થી અત્યાર સુધીમાં ભારતીય ક્રિકેટની યાદગાર પળોમાં લોર્ડ્ઝની ગેલેરી ખાતે પ્રુડેન્શિયલ વર્લ્ડકપ સ્વીકારતા કપિલ દેવની તસવીરો અને ફૂટેજ રજૂ થતાં હવે એમાં ધોની અને ટીમની વિજયની ક્ષણોનો પણ સમાવેશ થશે!

વેલ ડન ટીમ ઇન્ડિયા! બ્રેવો ટીમ ઇન્ડિયા ! જીયો ટીમ ઇન્ડિયા!

No comments:

Post a Comment