Translate

સોમવાર, 18 જાન્યુઆરી, 2021

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - 3)

       દરેક જણે જીવનના અંતે જ્યાં જવાનું જ છે અને એ ઘડીએ તે પોતે તે જગાને જોઈ શકવાનો નથી એવી જગા એટલે સ્મશાન. સ્મશાન મુક્તિ અપાવનારું સ્થાન હોવા છતાં તેનું નામ સાંભળતા જ ભલભલાના હાંજા ગગડી જાય. આ શબ્દ જ મનમાં એક ભય જન્માવનારું, નકારાત્મક ચિત્ર ઉભું કરે. પણ જામનગરમાં આવેલા માણેકબાઈ સુખધામ નામના આદર્શ સ્મશાને મારા મનમાં રહેલી સ્મશાનની આ નકારાત્મક છબી બદલી નાખી!


વિશાળ પ્રાંગણમાં એક બાજુએ ભવ્ય રથ જેવી જણાતી શબવાહિની ઉભેલી જોવા મળે. સુંદર પ્રવેશદ્વાર કોઈ ભવ્ય મંદિરનો ગેટ હોય એવું જણાય. તેના પર ભગવાન મહાવીર, વિષ્ણુ, મહાદેવ, મા ગાયત્રી અને બુદ્ધની પ્રતિમા ટોચ પર બેસાડેલી જોવા મળે. નીચે બીજા સ્તરે મા લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા નીચે બે હાથીઓના મસ્તક સૂંઢ ફેલાવી આવનાર ડાઘુઓ કે મુલાકાતીઓનું સ્વાગત કરતા દેખાય. અહીં 'સોનાપુરી' અક્ષરો અંકિત થયેલા દેખાય. આ પ્રવેશદ્વારમાં થઈ અંદર પ્રવેશો એટલે ડાબી બાજુએ ભીંત પર રામાયણના પ્રસંગો કતારબદ્ધ ચિત્રિત કરેલા જોવા મળે, જેની નીચે મૃત્યુનો મર્મ સમજાવતા સુવાક્ય પણ લખેલા વાંચવા મળે. બસો - એક મીટર ચાલતા ચાલતા આ ચિત્રો પૂરા થાય, ત્યાં મહાદેવનું નાનું મંદિર અને આસપાસ અન્ય દેવી દેવતાઓના દહેરા. તેનાથી થોડે આગળ વિદ્યુત સંચાલિત સ્મશાન ગૃહ અને ત્યાંથી થોડે જમણે આગળ મધ્યમાં ગોળાકારે સંસારચક્ર દર્શાવતું વર્તુળાકાર શિલ્પ જોવા મળે. તેની પાછળ અગ્નિદાહ આપી શકાય તેવી લોખંડની પરંપરાગત પાંચ - છ ભઠ્ઠીઓ. ત્યાંથી પાછા બહાર નીકળવાના માર્ગે ફરી ડાબી બાજુએ હિન્દુ ધર્મના જાણીતા સંતોના યાદગાર જીવન પ્રસંગો દર્શાવતા શિલ્પ ઝૂંપડી જેવા સ્થાનકમાં બેસાડેલા જોવા મળે. આ આખા અંગ્રેજી 'યુ' આકારના પટ્ટા વચ્ચે નાનો બગીચો અને અન્ય દહેરા અને બેસવાના બાંકડાં તેમજ સ્મશાનની ઓફિસ આવેલા છે. આ આખી જગા એક મુલાકાત લેવા લાયક પ્રવાસન સ્થળ સમી લાગે. ક્યાંય સ્મશાનની ભયાનકતા, ઉદાસી કે નકારાત્મકતા અનુભવવા ના મળે.

    સચિન માંકડ નામના યુવાને જામનગરના આ સુવિખ્યાત સ્મશાન "સોનાપુરી" અને ત્યાં નિસ્વાર્થ સેવા આપતા લોકો પર સુંદર ડોક્યુમેન્ટ્રી ફિલ્મ "ધ ફાઈનલ પુશ" બનાવી છે જે યૂ ટ્યૂબ પર સારા એવા વ્યૂ અને લાઇક પામી છે. ( https://youtu.be/Rc4GF6lmdGY)

  અમારા યજમાન વિનોદભાઈ મુંગ્રાનો અમે આટલી અદ્ભુત જગાની મુલાકાતે લઈ આવવા બદલ આભાર વ્યક્ત કર્યો. સૂરતનું જમણ અને કાશીનું મરણ પ્રખ્યાત છે. કદાચ એટલે જ આવા અજોડ સ્મશાનને લીધે જામનગરને 'છોટા કાશી'નું બિરુદ મળ્યું હશે?

   સોનાપુરી સ્મશાનમાંથી બહાર નીકળ્યા ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી. વિનોદભાઈ અહીંથી અમને તેમના ગામડે આવેલા ઘેર લઈ ગયા, જ્યાં અમારે 'વાળુ' કરવાનું હતું. પત્રકારોને હોટલમાં મુલાકાત આપી પપ્પા પણ મૂકેશભાઈ સાથે અહીં જ આવવાના હતા. સાતેક જ વાગવા છતાં અંધારું ગાઢ જામી ચૂક્યું હતું. તમરાં ના અવાજ સંભળાઈ રહ્યા હતા. મુંગ્રાભાઈઓનું ઘર ગામોમાં જોવા મળતા ઘરો જેવું જ મોટું હતું. તેના વિશાળ આંગણામાં મુંગ્રાભાઈઓના મમ્મી ચૂલા પર અમારા માટે રોટલા ટીપી રહ્યા હતા. તેમની સાથે, સામે ખાટલા પર બેસી મેં અને બહેને થોડી મજેદાર વાતો કરી. પછી અમે ધાબે જઈ કાળાડીબાંગ આકાશમાં ચમકતા તારાઓ જોવાની મજા માણી. મુંગ્રાભાઈઓના પપ્પા અમારી સાથે હતા, જે ધાબા બાદ અમને તેમના ઘરની બહાર આવેલી વાડીમાં લઈ ગયા. આમ તો અંધારું થઈ ગયું હોવાથી કંઈ ઝાઝું દેખાવાનું નહોતું, છતાં તેમણે જાણ્યું કે મને કુદરતી વસ્તુઓ, ઝાડપાન વગેરે ગમે છે એટલે ખાસ એ મને અહીં લઈ આવ્યા અને તેમણે મને તેમની વાડીમાં ઉગાડેલા આંબા, પપૈયાનાં ઝાડ, દૂધી - તૂરિયાં વગેરેના વેલા અને રીંગણ - બટાટા - લસણ વગેરે શાકભાજીના છોડ બતાવ્યાં. ત્યારબાદ વિનોદભાઈ અમને તેમના બે - ત્રણ વર્ષ અગાઉ જ બનાવેલા તેમના કુળદેવીના મંદિરે લઈ ગયા. અહીં તેમના એક કુટુંબ-રક્ષક દેવનું પણ સ્થાનક એ જ મંદિરમાં બનાવેલું હતું જેના દર્શન કરતી વેળાએ આજે પણ મુંગ્રાભાઈઓની વહુઓ લાજ કાઢે છે. આ કુટુંબ-રક્ષક દેવે તેમના પૂર્વજો ની પોતાના પ્રાણની આહુતિ આપી રક્ષા કરી હતી, તેથી આજે પણ તેમના કુળના દરેક જણ તેમની રોજ પૂજા કરે છે અને દરેક સારા કામ કરતા પહેલા તેમનું સ્મરણ કરે છે. મંદિર દર્શન કર્યા બાદ અમે ફરી ઘેર આવ્યા. થોડી જ વારમાં પપ્પા પણ અહીં આવી પહોંચ્યા. અમે બધાંએ સાથે બેસી ભોજન લીધું. બા એ બનાવેલા સ્વાદિષ્ટ રોટલા, રીંગણાંનો ઓળો, લસણની ચટણી, ખાસ પ્રકારના અથાણાં, મસાલા, પાપડ, ખીચડી અને કઢી. ટેસડો પડી ગયો! ભોજન પૂરું કરીએ ત્યાં સુધીમાં આખા ગામમાં ખબર પહોંચી ગયા હતા કે 'તારક મહેતા ના નટુ કાકા' મુંગ્રાભાઈઓના ઘેર પધાર્યા છે એટલે સૌ ભેળાં થયાં! સૌ સાથે સુરક્ષિતતા જાળવી પપ્પાએ ફોટા પડાવ્યા અને પછી અમે મુંગ્રાભાઈઓની વિદાય લીધી.

    અગાઉ નવાનગર તરીકે ઓળખાતા, કાઠિયાવાડનું ઘરેણું ગણાતા અને

દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજા કે જામસાહેબના નામ પરથી જેનું નામ પડ્યું છે એવા મંદિરો અને તળાવોના નગર કહી શકાય એવા જામનગરની મુલાકાત યાદગાર રહી.

   બીજે દિવસે બપોરે અમારે ટ્રેનમાં અમદાવાદ આવવાનું હતું પણ ત્યાં કરફ્યુ જાહેર થઈ ગયો હોવાથી અમે યાત્રા વીરમગામ સુધી ટૂંકાવવી પડી. ત્યાંથી હું તો જેમને ઓળખતો પણ નહોતો એવા મારા સસરાજીના મિત્ર ધર્મેન્દ્રભાઈ પટેલે અમને મહેસાણા પહોંચાડવાની બાંહેધરી લીધી અને રાત્રે દસ વાગે પટેલ સાહેબનો યુવાન પુત્ર પુનિત તેના મિત્ર નિરવ સાથે અમને તેમની મોટી ગાડીમાં જાતે ડ્રાઇવ કરી મહેસાણા મૂકવા આવ્યો. તેઓ કોઈ અમને જાણતા નહોતા કે અગાઉ ક્યારેય મળ્યા નહોતા છતાં જરૂર પડ્યે મિત્રના પડખે ઉભા રહેવાની તેમની આ પહેલ અમને સ્પર્શી ગઈ. રસ્તામાં અલકમલકની વાતો કરતાં અમે દોઢેક કલાકમાં મહેસાણા આવી પહોંચ્યા. હ્રદયથી માનેલો અમારો આભાર સ્વીકારી તેઓ રાત્રે જ ફરી વિરમગામ જવા રવાના થયા.

બીજે દિવસે સવારે અમે મહેસાણાથી અમારે ગામ ઊંઢાઈ અને આસપાસના ગામોમાં આવેલા અમારા કુળદેવી, ઈષ્ટદેવના અને અન્ય કેટલાક મંદિરોના દર્શને જઈ આવ્યાં અને અમારી આ ગુજરાત યાત્રા પૂરી થઈ.

- વિકાસ ઘનશ્યામ નાયક

(સંપૂર્ણ)  

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - ર)


        જામનગરની ભૂમિ પર પહેલી વાર પગ મૂક્યો. બપોરે બારેક વાગે ગાડીએ અમને સ્ટેશન પર ઉતાર્યા. રોકાણ અમારે અહીંની નંદા કમ્ફર્ટ ઇન હોટેલમાં કરવાનું હતું પણ હિતેશ ભાઈએ તેમના અન્ય એક મિત્ર મુકેશભાઈ મુંગ્રાને અમારી કાળજી લેવાનું કામ સોંપી દીધું હતું. એટલે ગાડી જામનગર સ્ટેશન પહોંચી એ પહેલાં મુકેશભાઈ તેમના અન્ય એક મિત્ર સાથે અમને હોટલ લઈ જવા પહોંચી ચૂક્યા હતા. હોટલ નજીક જ હતી. ફ્રેશ થયા બાદ, જમી અમે સૌ પહેલાં જે કામ માટે આવ્યા હતાં તે માટે રવાના થયા - ખોડિયાર મા ના દર્શને.

મુકેશભાઈના બે ભાઈઓ અને અન્ય એક મિત્ર આખો દિવસ અમારી સાથે બલ્કે એમ કહું કે અમારી સેવામાં રહ્યા - તો યોગ્ય ગણાશે. એક ગાડીમાં પપ્પા અને મુકેશભાઈ સાથે અન્ય બે જણ અને બીજી ગાડીમાં વિનોદભાઈ મુંગ્રા, અમને સ્ટેશન પર લેવા આવ્યા હતા એ ભાઈ અને હું અને મારી બહેન એમ અમે આઠ જણ બે ગાડીઓમાં બેસી સિક્કા ગામે આવેલા ખોડિયાર મા ના મંદિરે જવા રવાના થયા. માર્ગમાં ગુજરાતના અમે વણ ખેડેલા વિસ્તારોની ચર્ચા મુખ્ય વિષય રહ્યો. જામનગરની ઝાંખી મેળવતા અવનવી વાતો કરતા અમે બપોરના ચારેક વાગે મંદિર પહોંચી ગયા. મગર નું વાહન ધરાવતા ખોડિયાર મા આ શાંત અને સુંદર મંદિરમાં બિરાજ્યા છે તેમની ભાવવાહી ચહેરો ધરાવતી મૂર્તિના દર્શન કરી સારું લાગ્યું. અહીં મંદિરના પરિસરમાં અનેક બાળકોની તસવીરો લગાડેલી જોવા મળી. જેમને ઘેર પારણું ના બંધાતું હોય તેઓ અહીં શ્રદ્ધા થી દર્શન કરવા આવતા હશે અને મા ખોડિયાર તેમની સંતાન પ્રાપ્તિ ની ઈચ્છા પૂરી કરતા હશે એટલે એ સંતાનનો ફોટો અહીં ભક્તો લગાડતાં હશે એમ જણાયું. અન્ય એક સ્થળે એક મંદિરમાં અસંખ્ય ઘંટ - ઘંટડી તો બીજા એક મંદિરમાં અનેક લાલ - લીલી બંગડીઓ અને હજી વધુ એક મંદિરમાં લાલ - કાળા ધાગા લોકોએ શ્રદ્ધા પૂર્વક બાંધ્યા હોવાનું યાદ આવ્યું. મંદિરના પ્રાંગણમાં મહાદેવ અને બે મુખ ધરાવતા દેવીના દહેરા હતાં ત્યાં દર્શન કર્યા. 





જાજરમાન આધેડ વયના હીરા બા ના પણ આ મંદિરમાં જ દર્શન કર્યા જેમને ગામ લોકો સાક્ષાત ખોડિયાર મા નું જીવતું જાગતું સ્વરૂપ માને છે. તેઓ ખૂબ ઓછું બોલતા પણ તેમની છબી અને રુઆબ પ્રભાવક લાગ્યા. તેમણે અમને રોજ માતાજી, ઈષ્ટદેવ સહિત પૂર્વજો ને પણ સ્મરી એક દીવો કરવાનું અને પક્ષીને ચણ નાખવાનું સૂચન કર્યું. મંદિર બહાર બીજા એક કક્ષમાં ખોડીયાર મા ની છ બહેનો અને અન્ય દેવી દેવતાઓની મૂર્તિ ના દર્શન કર્યા અને પછી અમે ત્યાંથી વિદાય લીધી. પપ્પાની હોટલ પર પત્રકારો સાથે મુલાકાત હતી. લોકડાઉન અને મોટી બીમારીમાંથી સાજા થયા બાદ નવ મહિના બાદ આજે પપ્પા માતાજી ના આશિર્વાદ લઈ મિડીયા સાથે વાતચીત કરવાના હતા એટલે એ થોડા ઉત્સાહમાં હતા. તે મુકેશભાઈ સાથે ગાડીમાં હોટલ રવાના થયા. 

મને પણ જામનગર માં મજા આવી રહી હતી. સમય હતો અને મને ફરવાનો શોખ એટલે વિનોદભાઈ મને અને બહેનને જામનગરના થોડા જોવાલાયક સ્થળોની મુલાકાતે લઈ ગયા. અહીં એક પક્ષીઓનું અભયારણ્ય છે પણ કોરોનાને કારણે તે પ્રવાસીઓ માટે બંધ હતું એટલે ત્યાં ન જઈ શકાયું. વિનોદ ભાઈ અમને જામનગર ની સૌથી પ્રખ્યાત જગાઓમાંની એક એવી જગાએ લઈ આવ્યા. એ હતું રણમલ મ્યુઝિયમ જે સરોવરની વચ્ચે સ્થિત હતું અને જેના સુધી પહોંચવાના આઠ પુલ સરોવર પર બાંધેલા હતાં. સમયને અભાવે અમે એ મ્યુઝિયમ ની મુલાકાત તો ન લઈ શક્યા પણ બહાર થી તે અતિ ભવ્ય અને આ શહેરના ઐતિહાસીક વારસાના પ્રતીક સમું જણાયું. અહીં અમે હનુમાનજીના એક ખાસ મંદિરની મુલાકાત લીધી જેમાં વર્ષ ૧૯૬૪થી એટલે કે છેલ્લાં છપ્પન વર્ષથી રાત-દિવસ સતત અને અખંડ રામધૂન ગવાતી રહી છે. 



"શ્રી રામ જય રામ જય જય રામ" ધૂન સતત રાગ અને લય માં ગવાતી રહે, ભક્તો બદલાતા રહે, સાથે હાર્મોનિયમ અને તબલા ની સંગત પણ અન્ય ભક્તો આપતા રહે. આ અનુભવ હું પ્રથમ વાર કરી રહ્યો હતો જ્યાં સતત છપ્પન વર્ષથી ઈશ્વર સ્મરણ થઈ રહ્યું હોય - આ વિચાર જ મને અતિ રોમાંચક લાગી રહ્યો હતો. વાતાવરણ અતિ પવિત્ર અને ભક્તિ ભાવ ભર્યું લાગી રહ્યું હતું. અહીં દર્શન કર્યા બાદ અમે બહાર સહેજ ચાલીને બજાર જેવા વિસ્તાર તરફ ગયા અને એક અલગ જ પ્રકારની 'બજરંગ ચા' નામની ટપરી જેવી દુકાનમાં નાનકડાં કપમાં મીઠી ચા નો આસ્વાદ કર્યો! બે - ત્રણ છોકરા રાહદારીઓને સાદ પાડી પાડી ચા પીવા બોલાવતા હતા. પહેલા ખાસ આકારના પ્લાસ્ટિકના લોટામાં પાણી પીવાનું અને પછી અતિ નાનકડાં એવા કપમાં ચા! 

અહીં ઉભા ઉભા અમે ચા પીધી અને શહેરી અને ગ્રામ જીવનની તુલના કરતી વાતો કરી. પછી અહીંની એક પ્રખ્યાત દુકાનેથી ફરસાણ વગેરે ખરીદ્યા અને ત્યાંથી અમે ગયા એક એવી જગાએ જ્યાં જતા ભલભલા ના હાંજા ગગડી જાય! સ્મશાને! થોડું વિચિત્ર લાગે કે સ્મશાન તો કંઈ મુલાકાત લેવાની જગા ગણાય? પણ વિનોદભાઈએ જણાવ્યું કે આ સ્મશાનની વાત જ કંઈક નોખી છે. ઘણાં લોકો જામનગર ખાસ આ સ્મશાનની મુલાકાત લેવા જ આવતા હોય છે. મને અતિ કુતૂહલ થયું અને થોડા નકારાત્મક અને ડરના ભાવની પણ લાગણી અનુભવાઈ. પણ છેવટે અમે આવી પહોંચ્યા શ્રી સમાજ સેવક મહાવીર દળ સંચાલિત માણેકબાઈ સુખધામ નામના આદર્શ સ્મશાને!

(ક્રમશ:)  

કોરોના કાળમાં ગુજરાતયાત્રા (ભાગ - ૧)

      મારામાં આસ્તિકતા, ઈશ્વરમાં અપાર શ્રદ્ધા વગેરે ગુણો માતાપિતા તરફથી વારસામાં આવ્યાં છે. પપ્પા કેન્સર જેવી મહામારીમાંથી, કોરોના-કાળ કહી શકાય એવા કપરા સમયમાં ઉગરી શક્યા એમાં ઈશ્વરની સદ્કૃપા સો ટકા ખરી. આથી તેમની રેડીએશન - કેમોથેરાપી સારવાર પત્યાને ત્રણ અઠવાડિયા થયા ત્યારબાદ અમે ઈશ્વરનો આભાર માનવા ગુજરાત જવાનો પ્લાન - જે પહેલેથી બનાવેલો હતો - અમલમાં મૂક્યો. ટિકિટ એડવાન્સમાં બુક કરી રાખી હતી. મને ખાત્રી નહોતી કે જઈ જ શકાશે, પણ પપ્પા પહેલેથી જવા માટે ઉત્સુક અને પોઝીટીવ હતા. આમ તો અમારા કુળદેવી - ઈષ્ટદેવના દર્શને આખો પરિવાર જ જાય, પણ કોરોનાના કેર વચ્ચે પપ્પાએ અમારા ત્રણ જણની જ, એટલે કે તેમની, મારી અને મારી બહેન તેજલની ટિકિટ કઢાવી હતી. પહેલા અમારે જવાનું હતું જામનગર - ખોડીયાર મા ના ધામે. પછી ત્યાંથી અમારા કુળદેવી ભુવનેશ્વરી મા ના દર્શને ગુંજા ગામ અને અમારા મૂળ વતન ઊંઢાઈમાં આવેલા અમારા ઈષ્ટદેવ લાખેશ્વર મહાદેવના મંદિર.

  પપ્પાના એક હિતેચ્છુ મિત્ર એવા હિતેશ કવરવાલા જામનગર - ખોડીયાર મા ના પરમ ભક્ત અને તેમને થયેલા અંગત પરચા બાદ પપ્પાના કેન્સર સમાચાર સાંભળી તેમણે પપ્પા માટે ખોડીયાર મા ની, સાજા થયા બાદ દર્શને આવવાની માનતા રાખી. તેમના ભાવ ને જોઈ પપ્પાએ પણ સાજા થયા બાદ પોતે જામનગર જઈ માતાજી ના દર્શન કરવાનું નક્કી કર્યું અને આ આખો પ્લાન બન્યો.

     પપ્પાએ એવો પ્લાન બનાવ્યો હતો કે જામનગર બાદ અમદાવાદ આવવું અને ત્યાંથી અંબાજી ધામ (જ્યાં મારા ફોઈ અને તેમની દીકરી રહે છે), ગુંજા-ઊંઢાઈ વગેરે જવું. પછી અમદાવાદથી જ પાંચેક દિવસ બાદ મુંબઈ પરત ફરવાની ટિકિટ બુક કરાવી હતી. જવાનો દિવસ હતો લાભપાંચમનો. દિવાળીમાં અમદાવાદવાસીઓએ કોરોનાની દરકાર કરી નહીં અને સરકારે આપેલી છૂટનો ગેર ફાયદો કહો તો એમ - એના કારણે કોરોનાએ ફરી ફૂંફાડો માર્યો અને નવા વર્ષના સપરમા દહાડે જ ત્યાંની બધી હોસ્પિટલ નવા કોરોના કેસોથી ઉભરાવા માંડી. કરફ્યુ લાદવામાં આવશે એવા સમાચાર સાંભળવામાં આવ્યા. પપ્પા હજી મોટી બીમારીમાંથી ઉભા જ થયા હતા એવામાં, આવી ગંભીર પરિસ્થિતિમાં અમે ગુજરાત જઈ શકીશું કે કેમ એ સામે જ પ્રશ્નાર્થ ઉભો થયો. મેં ખૂબ બધી ચકાસણી કરી, ત્યાં વસતા અમારા કુટુંબીજનો અને સગા - સ્નેહીઓ સાથે ચર્ચા મસલત કરી. અને જવાનો કાર્યક્રમ ભારે કાળજી રાખવાનું નક્કી કરી યથાવત રાખ્યો. જામનગરમાં કે અંબાજીમાં ત્યારે પરિસ્થિતિ વધુ વણસી નહોતી. આથી અમદાવાદ કદાચ નહીં જઈએ જો ત્યાં પરિસ્થિતિ વધુ ખરાબ હશે તો, એમ ધારી પ્લાન મુજબ ગુજરાત જવાનું મોકૂફ ન રાખ્યું. અંબાજીમાં પપ્પા જ્યારે જ્યારે દર્શનાર્થે જાય ત્યારે સારી એવી ભીડ તેમને જોવા ભેગી થઈ જતી હોય છે અને પછી ટોળાને કાબૂમાં લેવું મુશ્કેલ થઈ જાય, કોઈને કોરોના હોય તો અણધારી મુસીબત ઉભી થાય એવા ડર થી અંબાજી જવાનું રદ કરી એક દિવસ નો કાર્યક્રમ ટૂંકાવી દીધો.

    લાભપાંચમની રાતે બોરીવલી સ્ટેશનથી જામનગર જવા માટે ટ્રેન પકડી. લોકડાઉન બાદ, લગભગ આઠેક મહિના પછી ટ્રેન પકડવા સ્ટેશન જવાનો પ્રસંગ ઊભો થયો હતો. ઘણું અજબ લાગતું હતું. બધાં માસ્ક પહેરેલ નજરે ચડતા હતાં. જો કે ગર્દી તો સ્ટેશન પર હતી જ. વિરાર જતી ટ્રેનો પણ કંઈ ખાલી તો નહોતી જ. વિચાર આવ્યો કે શું ખરેખર સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન બંધ છે? ટ્રેનમાં ભીડ જોતા તો એવું લાગતું નહોતું. ઘણું બધું સાંભળ્યું હતું - સ્ટેશન પર જવાનો એક જ માર્ગ ખુલ્લો છે, ત્યાં ઘણું સખત ચેકીંગ છે, અતિશય વહેલા પહોંચી જવું જોઈએ જેથી હાડમારી ના થાય વગેરે. પણ આમાંથી કંઈ જ સાચું જણાયું નહીં. સ્વયંસંચાલિત દાદરા અને લિફ્ટ બંધ હતી એટલે સામાન ઉંચકી એ પ્લેટફોર્મ સુધી જવું પડયું જેના પરથી ટ્રેન પકડવાની હતી - એટલું જ. બીજી કોઈ ખાસ તકલીફ પડી નહીં. ટ્રેન સમયસર આવી. પહેલી વાર હું ફર્સ્ટ એ. સી. - કેબીન કોચમાં સફર કરી રહ્યો હતો. આ કોચમાં ચાર જણનો સમાવેશ થઈ શકે. અમારા ત્રણ સિવાય એક યુવાન અમારી સાથે હતો જેના પિતાને બપોરે અમદાવાદમાં અચાનક કોરોના માલૂમ પડતાં, એ તાત્કાલિક ત્યાં જઈ રહ્યો હતો. યુવાનના પિતા ખૂબ ઉદાર વૃત્તિ ધરાવતા વેપારી હતાં અને કોરોનાના શરૂઆતના સમયમાં તેમણે ગુજરાતના વડાલી ગામે, સેંકડો ગરીબોને રોજ ભોજન મળી રહે એવી વ્યવસ્થા કરી હતી. આ સાંભળી પપ્પાએ એ યુવાનને ખાતરી આપી કે આવા સખાવતી વૃત્તિ ધરાવતા પરોપકારી સજ્જનને ઈશ્વર જરૂર સારું કરી દેશે.

તેના મમ્મી પણ આ જ ટ્રેનમાં પણ બીજા કોચમાં સાથે હતાં. રાતે અમે બધાએ થોડી વાર વાતો કરી, પછી અમે થોડું જમ્યા અને સૂઈ ગયા. ઉંઘ સારી આવી.

   સવાર પડી. પેલો યુવાન અમદાવાદ ઉતરી ગયો હતો. આથી કોચમાં હવે અમે ત્રણ જ હતાં. હસમુખ ચહેરો ધરાવતા રેલ કર્મચારી અમને થોડી થોડી વારે કોઈ ચીજ વસ્તુ જોઈએ છે કે એવી પૃચ્છા કરી જતા. સવારે સાડા નવે રાજકોટ સ્ટેશન આવવાનું હતું, જ્યાં હિતેશભાઈના પરિચિત અને પપ્પાના એક ચાહક મિત્ર એવા જાદુગર પાશા અમારા માટે ચા - નાસ્તો લઈને આવવાના હતા. અહીં ટ્રેન દસ - પંદર મિનિટ થોભવાની હતી. અમે ફ્રેશ થઈ રાજકોટ આવે તેની રાહ જોઈ રહ્યા. ગુજરાતના ઘણાં વિસ્તારોની હજી મારે મુલાકાત લેવાની બાકી છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર વગેરે તેમાં આવી જાય. અહીં વિશે ઘણું સાંભળ્યું છે અને સાંભળ્યા બાદ મને જલ્દી થી જલ્દી આ પ્રદેશોની મુલાકાત લેવાની તીવ્ર ઈચ્છા થઈ આવી છે. ઈશ્વરને પણ જ્યાંનું આતિથ્ય માણવાનું ગમે એવું કહેવાય છે એવા આ પ્રદેશોમાંના એક રાજકોટની આતિથ્ય સત્કારની સુંદર ભાવનાનો અહીં ટ્રેનમાં અનુભવ થયો. ધીરેશ ભોજાણી નામના આ સજ્જન જાદુગર પાશા નામે પ્રખ્યાત છે. સુઘડ, એકવડો બાંધો ધરાવતા આ વ્યક્તિએ અન્ય ત્રણ - ચાર વ્યક્તિઓ સાથે રાજકોટ સ્ટેશન આવતા જ અમારા કોચમાં પ્રવેશ કર્યો. મને પહેલા તો ફાળ પડી, થોડો ડર લાગ્યો. પણ પછી તેમનો પ્રેમ ભાવ, હસમુખા મોઢા પરનું સ્મિત અને અગાઉ અમને ક્યારેય મળ્યા પણ ન હોવા છતાં અમારા માટે અછો અછો વાના કરવાની ભાવના વગેરે એ મને જીતી લીધો! તેઓ પપ્પાના ભારે મોટા ચાહક છે અને સાથે તેમનો પુત્ર અને અન્ય એક - બે સ્નેહી જનો હતા. પપ્પા ને મળીને તેઓ સૌ ધન્યતા અનુભવી રહ્યા અને હું અને મારી બહેન જાદુગર પાશા અને તેમના ભાવ - લાગણી વગેરે જોઈને અભિભૂત થઈ ગયા. તેમણે પશ્ચિમ બંગાળ જઈ જાદુ વિદ્યાનો ખાસ અભ્યાસ કર્યો હતો અને ઘણાં વર્ષો સુધી જાદુ ના ખેલ - શો વગેરે કર્યા છે. આ જાણી હું પ્રભાવિત થયો. ત્યાં બેઠા બેઠા તેમણે અમને અચરજ ભરી એક બે જાદુ ની કરતબ દેખાડી. આજ ના સમયની માગ પ્રમાણે તેમણે ડિજિટલ જાદુના પાઠ પણ ભણ્યા છે અને અમને એક ડિજિટલ જાદુ નો નમૂનો પણ દેખાડ્યો. એક રૂપિયાનો ગોળ સિક્કો તેમના હાથમાંથી ફરતો ફરતો મોબાઈલ સ્ક્રીન પર ડિજિટલ રૂપ ધરી ફરતો દેખાયો અને ત્યાંથી ફરી હાથમાં આવે ત્યારે ફરી તેનું ભૌતિક રૂપ જોઈ અમે અચંબો પામ્યાં! તેમણે પપ્પાની રંગલો તરીકે ગુજરાતી રંગભૂમિને આજીવન આપેલી સેવા ને કારણે તેમનું પોતાનું દિલ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નટુ કાકા તરીકે કઈ રીતે તેમના સૌ પરિવાર જનોના દિલ જીતી લીધા હતા તેની વાત કરી. તેઓ પોતે પણ એક જાદુગર - કલાકાર હતા એટલે એ રીતે પણ તે પપ્પા સાથે એક અનોખું જોડાણ અનુભવતા હતા. અમારા માટે તેઓ બે થેલી ભરી ગરમા ગરમ ફાફડા, જલેબી, સેવ ખમણી, ખાંડવી, સલાડ, પાપડી, અઠવાડિયા થી પણ વધુ સમય ચાલે એટલા ઘેર બનાવેલ થેપલાં, થર્મોસ ભરી ચા અને પાણીની બે મોટી બોટલ લઈ આવ્યાં હતાં - માત્ર પ્રેમભાવથી પ્રેરાઈને. મને વિચાર આવ્યો કે આપણે મુંબઈવાસીઓ પોતાની જાતને અતિ વ્યવહારુ - પ્રેક્ટીકલ ગણાવી પોતાના મિત્રો કે પરિવારજનોની પણ પરોણાગત કે સેવા કરવાનો મોકો આવે ત્યારે ક્યારેક ખરું કારણ આગળ ધરી તો ક્યારેક બહાનું કાઢી પીછેહઠ કરતા હોઈએ છીએ જ્યારે અહીં અમે જેમને ઓળખતા પણ નહોતા એવા એક વ્યક્તિ અમારાં માટે સામેથી આટલી બધી ખાદ્ય સામગ્રી લઈ અમને પ્રેમથી મળવા આવ્યા હતાં! દસ પંદર મિનિટની અમારી આ મુલાકાત અતિ યાદગાર બની રહી. તેમના ગયા પછી અમે ધરાઈ ને નાસ્તો કર્યો અને આ પ્રસંગ અંગે ચર્ચા કરી. બાર - સાડા બારે જામનગર આવવાનું હતું. ત્યાં બીજા એક સજ્જન જામનગર સ્ટેશને અમને સત્કારવા અને ગુજરાતની આ ભૂમિની મહેમાનગતિનો સુખદ અનુભવ કરાવવા રાહ જોઈ ઉભા હતા!

(ક્રમશ:)  


ગુજરાતી ઓ ટી ટી પ્લેટફોર્મ અને વેબસિરીઝ

      આજકાલ તમે ઘણાં લોકોને એવી વાતચીત કરતાં સાંભળ્યા હશે કે હમણાં કઈ વેબસિરીઝ જોઈ? તેમાં શું સારું હતું, કેટલી ગાળો હતી, કેટલી હિંસા હતી વગેરે. કદાચ તમે પોતે પણ કોઈક વેબસિરીઝ જોઈ હશે. આ વેબસિરીઝ તમારા સુધી કઈ રીતે પહોંચે છે એ જાણો છો? ઓ ટી ટી (ઓવર ધ ટોપ) મિડીયા સર્વિસ દ્વારા. આ ઓવર ધ ટોપ એવી સ્ટ્રીમીંગ મિડીયા સર્વિસ છે જે ઇન્ટરનેટ દ્વારા ગ્રાહકને સીધી પૂરી પાડવામાં આવે છે. ઓ ટી ટી સેવા કેબલ, બ્રોડકાસ્ટ કે ટીવીના સેટેલાઈટ - ડિશ એન્ટિના, સેટ ટોપ બોક્સ જેવા માધ્યમોને અતિક્રમી જઈ સીધી ગ્રાહકના મોબાઈલ કે લેપટોપ પર કન્ટેન્ટ પ્રાપ્ય બનાવે છે. ગ્રાહકે ચોક્કસ ફી ચૂકવી જે તે સર્વિસ પૂરી પાડનાર ઓ ટી ટી પ્લેટફોર્મના સબસ્ક્રાઈબર બનવું પડે છે. પછી તે ગમે તે સમયે, ગમે તેટલી વાર મોબાઈલ કે લેપટોપ પર તે પ્લેટફોર્મ પર પ્રાપ્ય એવી મનોરંજક સામગ્રી માણી શકે છે. ટી વી સિરિયલ ચોક્કસ વારે, ચોક્કસ સમય માટે જ આવે, ફિલ્મ જોવા ચોક્કસ સમયે ચોક્કસ થિયેટરમાં જવું પડે - જેટલી વાર જુઓ એટલી વાર ફરી ટિકિટ લઈને, આ પ્રકારની તમામ મર્યાદાઓથી ઓ ટી ટી પ્લેટફોર્મ મુક્ત છે. ઓ ટી ટી સેવાનો લાભ લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર પર ચોક્કસ વેબસાઈટ દ્વારા કે સ્માર્ટફોન, ટેબ્લેટ જેવા મોબાઈલ ઉપકરણો પર એપ દ્વારા લઈ શકાય છે. 
કોરોના કાળમાં, લોકડાઉન સમયે ઘણાં લોકો માટે ઓ ટી ટી પ્લેટફોર્મ એક માત્ર હાથવગું સાધન હતું જેના દ્વારા તેઓ કલાકો સુધી ઘરમાં બેસી મનગમતું મનોરંજન મેળવી શક્યા છે. હવે તેનો વ્યાપ વધતો જાય છે.
   આવું જ એક ઓ ટી ટી પ્લેટફોર્મ છે સીટી શોર ટીવી. (www.cityshor.Tv) આ પ્લેટફોર્મની ખાસિયત એ છે કે તે સૌ પ્રથમ, માત્ર ગુજરાતી મનોરંજક સામગ્રી પીરસતું અનોખું ઓ ટી ટી પ્લેટફોર્મ છે. અહીં ગુજરાતી વેબસિરીઝ, મૂવીઝ અને ટૂંકી ફિલ્મોનો ખજાનો છે જેમાંની કેટલીક તેમણે પોતે નિર્માણ કરેલી છે તો કેટલીક અન્યો દ્વારા સર્જીત પણ આ માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચી શકી છે. તેમના જ શબ્દોમાં, તેઓ એ પ્રકારના કન્ટેન્ટને સમાવે છે જે ત્રણ વિશેષતાઓ ધરાવતું હોય : માથું - એવું કંઈક જે કોઈ નવી ભૂમિ પર ખેડાણ કરતું હોય અને આપણને ઘટનાઓ નવા પરિપ્રેક્ષ્યમાં નિહાળવાની તક આપે ; હ્રદય - જે હ્રદયમાં લાગણીઓનાં પૂર જન્માવે ; હાથ - જે શ્રેષ્ઠ કૌશલ્ય અને કારીગરીનું પ્રદર્શન કરતું હોય.
  ગુજરાતી ભાષા બચાવવાના અનેક પ્રયાસો જ્યારે આજે થઈ રહ્યાં છે તેવામાં સંપૂર્ણ ગુજરાતી ઓ ટી ટી પ્લેટફોર્મ એક અતિ આવકાર દાયક પહેલ છે જેના દ્વારા સબળ અને આકર્ષક કનટેન્ટથી નવી પેઢી ને ગુજરાતી જોતી અને બોલતી કરી શકાશે. ગુજરાતીમાં સર્જન કરવા માગતા અને ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરના પ્રેક્ષકો સુધી પહોંચવા માગતા સર્જકો માટે પણ આ એક અતિ સશક્ત, સક્ષમ અને સરળ માધ્યમ છે. માત્ર સો રૂપિયા જેવી નજીવી વાર્ષિક ફી ભરી તમે ઘણી રસપ્રદ ગુજરાતી કોમેડી, સસ્પેન્સ, રોમેન્ટિક વેબસિરિઝ અને ટૂંકી ફિલ્મો વર્ષ ભર cityshor.TV પર જોઈ શકો છો.
      થોડાં દિવસ અગાઉ મુંબઈના પી. વી. આર. જુહુ ખાતે એક પ્રિમિયર જોવા જવાનું આમંત્રણ આવ્યું. લગભગ દસ મહિના બાદ થિયેટરમાં બેસી ફિલ્મ જોવાનો મોહ રોકી ના શક્યો અને એ આમંત્રણ સહર્ષ સ્વીકાર્યું!

ફિલ્મ નહોતી જોવાની પણ આ પ્રિમિયર હતો એક સુંદર, હળવી, પારિવારિક મનોરંજક ગુજરાતી વેબસિરિઝ 'તીખ્ખી મીઠ્ઠી લાઈફ'નો. સાત એપિસોડ ધરાવતી આ વેબસિરિઝ સુંદર અને કાબેલ યુવાએક્ટર જીનલ બેલાણીએ લખી છે, પ્રોડયૂસ કરી છે અને પોતાના સક્ષમ અભિનયથી શોભાવી પણ છે! સાથે ભૌમિક સંપટ અને મુનિ ઝા મુખ્ય ભૂમિકામાં છે. બાપ-દીકરાના સંબંધના સમીકરણની સુંદર વાર્તા ધરાવતી આ ગુજરાતી વેબસિરિઝ હળવી અને ફ્રેશ લાગે છે. અન્ય ભાષી ગાળો અને હિંસા પ્રચૂર વેબસિરિઝથી તદ્દન નોખી એવી આપણી માતૃભાષામાં બનેલી 'તીખ્ખી મીઠ્ઠી લાઈફ' પ્રેક્ષણીય છે. દરેક ફ્રેમ જોઈ આંખ ઠરે એવી સિનેમેટોગ્રાફી, અમદાવાદની પોળનું લોકેશન, ત્રણે મુખ્ય કલાકારોનો સક્ષમ અભિનય, કર્ણપ્રિય સંગીત વગેરે અનેક જમા પાસાઓએ તેને માણવા લાયક બનાવી છે. મેં એ સપરિવાર માણી, તમે પણ એ માણી શકો છો ગુજરાતી ઓ ટી ટી પ્લેટફોર્મ સીટીશોર.ટીવી પર.
   સીટીશોર.ટીવીને ગુજરાતી ભાષાની કૃતિઓ માટે નવા દ્વાર ખોલવા બદલ સલામ સાથે અનેક શુભકામનાઓ અને જીનલ બેલાણીને તીખ્ખી મીઠ્ઠી લાઈફની ઝળહળતી સફળતા માટે અઢળક શુભેચ્છાઓ!!!

ગેસ્ટ બ્લોગ : મારા વ્યવસાયિક જીવનનો યાદગાર અનુભવ

     " ઑલ ઇન્ડિયા રેડિયો, સમાચાર મૈત્રેયી મહેતા વાંચે છે . "... જી હા , હું મૈત્રેયી મહેતા , 1989 થી ઓલ ઇન્ડિયા રેડિયોના સમાચાર સેવા વિભાગ, દિલ્હીમાં ગુજરાતી સમાચાર વાચક તરીકે જોડાઈ . અને 2000 ની સાલમા, સમાચાર સેવા વિભાગના વિદેશ પ્રસારણ સેવા વિભાગ હેઠળના ગુજરાતી સમાચાર એકમમાં મારી બદલી થતાં મુંબઈ ગઈ . આમ પદ નિયુક્તિથી સેવા નિવૃત્તિ સુધીમાં અગણિત સમાચાર બુલેટિન્સ તૈયાર કરવાની અને ઓલ ઇન્ડિયા રેડિયોના અધિકૃત સમાચાર વાચક તરીકે પોતાના નામ સહીત માનભેર સમાચારો પ્રસ્તુત કરવાની અણમોલ તક મળી . આ સમગ્ર કાળ દરમ્યાન અનેક યાદગાર પ્રસંગો બન્યા જ હોય ...............અવિસ્મરણીય અનુભવોનો ખજાનો સાંપડ્યો હોય , સ્વાભાવિક છે . 

                  જેમ કે સદગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યા થતાં વિશેષ ફરજ બજાવવાની હોય કે 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી જેવા સવિશેષ દિવસોએ કડક સલામતી વ્યવસ્થા હેઠળ બજાવેલી ફરજ હોય ............એક જમાનામાં વાર્ષિક અંદાજપત્ર રજુ થતું ત્યારે તે ખૂબ ખાનગી રખાતું . એની રજૂઆત માટે અમને સવિશેષ સલામતી વ્યવસ્થા વચ્ચે ખાસ પાસ અને ઓળખપત્રો અપાતા . આકાશવાણી પર બજેટ બુલેટિન વાંચવું તે સૌભાગ્ય ગણાતું અને મારા કાર્યકાળ દરમ્યાન લગભગ લગભગ બધા જ બજેટ બુલેટિન્સ હવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું .  

           મુંબઈમાં તોફાની વરસાદમાં ટ્રેઈનો બંધ થાય ત્યારે જેમ તેમ કરીને સ્ટુડિયો પહોંચવું કે પછી સ્ટુડિયોથી મહામુસીબતે , કોઈ વાર ઘણું ચાલીને ઘરે પરત ફરવું ! ! ! 

              મુંબઈ બૉમ્બ ધડાકા દરમ્યાન પણ અત્યંત સંવેદનશીલ માહોલમાં પણ ફરજ ના ચૂકવી . અરે મુંબઈમાં 26/11 ના કસાબ હુમલા દરમ્યાન પણ બીજે દિવસે કરફ્યુ જેવા માહોલમાં એકલા એકલા ચાલીને બોરીવલી સ્ટેશને પહોંચી ,, છેક સાંજે શરુ થયેલી પહેલી લોકલ ટ્રેઈનમાં ............. આખી ટ્રેઈનમાં કુલ 8 પેસેન્જરમાં એક માત્ર મહિલા પેસેન્જર તરીકે પ્રવાસ કરીને ફરજ બજાવવી ........

      આવા બધા અવનવા અનુભવો છતાં એક યાદગાર , રમૂજી અને અને કદાચ અમારી સમાચાર વાચકોની બિરાદરીમાં કોઈને પણ ના થયો હોય તેવા ખાસમખાસ અનુભવની મારે વાત કરવી છે .   

    બન્યું એવું કે વહેલી સવારના બુલેટિન માટે આકાશવાણીની ગાડી ઘરે લેવા આવતી . તે માટે પરોઢિયે લગભગ સાડા ચાર વાગે હું મારી સોસાયટીના મુખ્ય ગેટ નજીકના બ્લૉક ના ગ્રાઉન્ડફ્લોર ના ફ્લેટની બહાર મુકેલા ઝુલા પર બેઠી બેઠી ઓફિસની ગાડીની રાહ જોતી જોતી ઝૂલતી હતી. ઊંઘ ના આવી જાય એટલા માટે ઝીણું ઝીણું ગણગણતી હતી . એવામાં સોસાયટીના એક સજ્જન બહારગામથી ટેક્સીમાં આવ્યા . સોસાયટીમાં પ્રવેશતા જ મને સફેદ સાડીમાં ઝૂલા પર બેઠી બેઠી ગાતાં જોઈને પોતાની બૅગ -ફેંગ ફેંકીને જીવ લઈને સોસાયટીની બહાર ભાગ્યા .. મને ખ્યાલ આવી ગયો ...... અને હું હસી પડી..... ખડખડાટ .......... એટલે એ તો ઑર ડર્યા .......ધ્રુજવા લાગ્યા ..... પછી તો વૉચમેને એમને સમજાવ્યા કે આ બેન કોઈ ભૂત બૂત નહિ પણ સોસાયટીમાં નવા રહેવા આવ્યા છે...., મારો પરિચય આપ્યો !!! પણ મને ભૂત સમજી બેઠેલા એ સજ્જનનો ભયભીત ચહેરો આજે પણ મને યાદ છે ! ! ! અને આ કિસ્સો એટલો મજેદાર ને રમૂજી છે કે આજે પણ યાદ કરીને અમે હસી હસીને બેવડા વળી જઈએ છીએ ..........હા હા હા હા હાહાઆ વાચક મિત્રો, આપને પણ આ અનુભવ યાદ રહેશે જ ...... મને ખાતરી છે ! 

   - મૈત્રેયી મહેતા  


સોમવાર, 11 જાન્યુઆરી, 2021

નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - ૨ - ૪)

       દોઢેક મહિના અગાઉ આ જ શિર્ષક સાથે બ્લોગ પોસ્ટ લખી હતી જેમાં મારા પિતા ઘનશ્યામ નાયક એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના નટુકાકાની તબિયત અને શસ્ત્રક્રિયા અંગે વાત કરી હતી. આ શસ્ત્રક્રિયા દ્વારા તેમના ગળા પાસે આવેલી પેરોટીડ ગ્રંથિની આસપાસ બનેલી દસેક ગાંઠ સફળતાથી દૂર કરવામાં આવી હતી અને આ ગાંઠ આગળ પૃથક્કરણ માટે મોકલી હતી ત્યાં સુધીની વાત એ બ્લોગ લેખમાં કરી હતી. ત્યારબાદ એ ગાંઠોનો બાયોપ્સી રીપોર્ટ આવ્યો જેમાં જાણવા મળ્યું કે તે ગાંઠોમાંની પાંચ-છ 'એક્ટીવ' હતી જેનો સીધોસાદો અર્થ થાય કે તે શરીરમાં ફરી પાછી સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. બીજા શબ્દોમાં કહીએ તો આ પેરોટીડ ગ્રંથિનું 'કેન્સર' ગણી શકાય. આંખ પર ફરી ફરી થયેલી ગાંઠ આ બિમારીનો પહેલો તબક્કો ગણીએ તો શરીરની અંદર ફેલાઈને પેરોટીડ ગ્રંથિ સુધી પહોંચી તેને તમે બીજો તબક્કો કહી શકો. શસ્ત્રક્રિયા દ્વારા હાજર એટલી બધી ગાંઠો તો દૂર કરી દીધી પણ હવે એ શરીરમાં ફરી ન સર્જાય અને બિમારી વધુ આગળ ન પ્રસરે એ માટે સર્જરી કરનાર ડોક્ટર યોગેન છેડાએ રેડિયેશન થેરાપી કરવી પડશે એવું સૂચન કર્યું.



   'કેન્સર' એટલે કેન્સલ એવું કોઈક જગાએ સાંભળ્યાનું યાદ છે. આ બિમારી અંગે મારા મનમાં પણ અતિ નકારાત્મક અને ભયંકર ચિત્ર દોરાયેલું હતું. પણ છેલ્લા દોઢેક મહિનામાં પપ્પાની સફળ સારવાર બાદ આ ચિત્ર કંઈક અંશે બદલાયું છે અને આ અંગે થોડી સાચી માહિતી અને હકારાત્મકતા ફેલાવવા, આ આખી સારવાર યાત્રા બ્લોગના માધ્યમથી ફેલાવવાનું નક્કી કર્યું. ઘનશ્યામ નાયક એટલે કે તમારા સૌના પ્રિય નટુકાકા હવે સ્વસ્થ છે અને ટૂંક સમયમાં તે ફરી પાછા રૂપેરી પડદે દેખાશે. ભારોભાર હકારાત્મકતા અને જીજિવિશાને કારણે જ તે દસકા અગાઉ હ્રદયની બાયપાસ સર્જરી બાદ ફરી વાર જિંદગીને 'યેસ' કહી એક નવી ઈનિંગની શરૂઆત કરશે.

       રેડિયેશન માટે તપાસ કરી, બોરિવલીની કેન્સર હોસ્પિટલ એચ. સી. જી. માં જઈ ડો. ભાવિન વિસરીયાને મળ્યા. તેમણે પપ્પાના રીપોર્ટસ્ અને સર્જરી થયેલ ભાગનું નિરીક્ષણ કરી રેડિયેશનના ત્રીસ સેશન્સ સૂચવ્યા. રેડિયેશન વધુ અસરકારક બની રહે એ માટે અને બિમારીના સંપૂર્ણ ઈલાજ માટે કેમોથેરાપીના નિષ્ણાત ડો. વિજય શરણાગતને મળવા સૂચવ્યું. આ દરેક પગલે મારા મનમાં થોડી નકારાત્મકતા પેદા થતી હતી. પણ પપ્પાનો અભિગમ અતિ સકારાત્મક હતો. દરેક આવનાર પડકાર માટે તે જાણે એક યોદ્ધાની જેમ તૈયાર હતા. કેમોથેરાપીના પણ પાંચ કે છ સેશન લેવા પડશે એમ નક્કી થયું. પેરોટીડ ગ્રંથિનું 'કેન્સર'  વધુ પ્રચલિત ન હોવાથી તેના અંગે વધુ સંશોધન સાહિત્ય ઉપલબ્ધ નથી એવું ડોક્ટરે જણાવ્યા બાદ મારી ચિંતામાં થોડો વધારો થયો હતો અને હું આ બધી ટ્રીટમેન્ટ થોડી ટાળવાનો પ્રયત્ન કરતો હતો પણ સામે છેડે પપ્પા બધી ટ્રીટમેન્ટ બને એટલી ઝડપથી લેવા અને પૂરી કરી નાંખવા જાણે અધીરા થયા હતા.

  આખરે સર્જરીના ત્રણેક સપ્તાહ બાદ શરૂ  થઈ નવી એક સફર - રેડિયેશન અને કેમોથેરાપી ટ્રીટમેન્ટની.

(ક્રમશઃ)

—------—————

નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - 3)

    કેન્સર એટલે નકામા કે હાનિકારક કોષોની અસામાન્ય વૃદ્ધિ. શરીરમાં આ વૃદ્ધિ થવા માંડે એટલે શરીર તેની સામે લડી તેનો નાશ કરવાના પ્રયત્ન કરે પણ આ વૃદ્ધિ એટલી ઝડપી અને શક્તિશાળી હોય કે શરીર પણ તેની સામે લડવા અસમર્થ બની જાય અને ઘણી વાર વ્યક્તિને ખબર પડે ત્યારે કેન્સર ત્રીજા કે ચોથા તબક્કામાં પહોંચી ચૂક્યું હોય જે ઘણું મોડું ગણાય. પણ પપ્પાના કેસમાં સદનસીબે ગાલ પર, કાન પાસે સોજો દેખાતા અને થોડો દુખાવો થતાં જ તેમણે તપાસ કરાવી અને સર્જરી દ્વારા ગાંઠો કાઢી નાખવામાં આવી. હવે આ ગાંઠો કાઢ્યા બાદ ફરી તેમની ચકાસણી કરાઈ જેમાં તે 'એક્ટિવ' હોવાનું માલુમ પડયું અને તેમને રેડીએશન સૂચવાયુ. બોરીવલીની એચ. સી. જી. હોસ્પિટલમાં ત્રીસ સેશન્સ લેવાનું નિદાન થયું. રોજ હું અથવા બહેન પપ્પાને મોટે ભાગે સવારે ત્યાં લઈ જતાં. રીક્ષા વાળા ભરત ભાઈ મલાડ પૂર્વમાં રહે, તે પપ્પા ને બીજે પણ ક્યાંક લાંબે જવાનું હોય તો લઈ જાય. એટલે એમની જ રીક્ષા મહિના માટે બાંધી દીધી. રોજ સવારે ભરત ભાઈ હાજર થઈ જાય અને હું અથવા બહેન તેજલ પપ્પાને એચ. સી. જી. હોસ્પિટલ લઈ જઈએ. આ વેળા કોઈ નકારાત્મકતા ન અનુભવાય. પહેલી વાર હોસ્પિટલમાં ગયા ત્યારે તો અડધો સ્ટાફ ભેગો થઈ ગયો અને નટુકાકા સાથે બધાએ ધરાઈ ને ફોટા પડાવ્યા! રેડીએશન વખતે દર્દીએ ખાસ પ્રકારનું બખતર જેવું પ્લાસ્ટિક જેવા પદાર્થનું બનેલું જેકેટ પહેરવું પડે જે દર્દીના શરીરનું માપ લઈ ખાસ તેના માટે જ તૈયાર કરાય. રેડીએશન એક એવા પ્રકારની પ્રક્રિયા છે જે શરીરના કેન્સરગ્રસ્ત ભાગ પર ચોક્કસ પ્રકારના કિરણો છોડી ત્યાંના કોષોને ખતમ કરી દે છે, જેથી કેન્સર ફરી ન થાય. અહીં ખરાબ ભેગા સારા કોષો પણ નાશ પામે, અને જે ભાગ પર રેડીએશન કરવામાં આવે તે કાળો પડી જાય જે ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ ત્રણ ચાર સપ્તાહ માં ફરી સામાન્ય થઈ જાય. રેડીએશનની અન્ય આડ અસર તરીકે ચાંદા પણ પડે, ભૂખ પણ ઓછી થઈ જાય. પણ પપ્પાની ઉંમર વધુ અને તે કલાકાર હોવાથી ચહેરા પર બને એટલી ઓછી અસર પહોંચે એવી જ ખાસ પ્રકારની ટ્રીટમેન્ટ ડોક્ટર સાહેબે સૂચવી હતી. એચ. સી. જી. હોસ્પિટલનો સ્ટાફ પણ ભારે કાબેલ અને તેઓ પપ્પાને બને એટલી ઓછી તકલીફ પડે તેનું ધ્યાન રાખતા. ગ્રાઉંડ ફલોર ની પણ બે માળ નીચે, લોઅર બેસમેન્ટમાં રેડીએશન અપાય. તે અપાય ત્યાં બધાને પ્રવેશ પણ ન મળે, કારણ આ આખી પ્રક્રિયા અતિ વધુ સુરક્ષા માંગી લે તેવી હોય છે. સામાન્ય માણસ જો આવા રેડીએશનથી પ્રભાવિત થાય તો એ તેના માટે જોખમી અને ઘાતક પુરવાર થઈ શકે છે. એટલે હોસ્પિટલે પણ આ બાબતે ખૂબ સાવધ અને સચેત રહેવું પડે છે. એમાં પાછો કોરોનાનો કેર. એટલે રેડીએશન આપનાર અને હેન્ડલ કરનાર આખા સ્ટાફ માંથી કોઈનાં ચહેરા અમે જોવા પામ્યા નથી! તેઓ પી. પી.ઈ. સ્યૂટ માં જ હોય.

રેડીએશન ખંડની બહાર મોનિટર મૂક્યા હોય તેમાં અંદરની બધી ગતિવિધિ આપણે બહાર બેઠાં જોઈ શકીએ. આમ તો રેડીએશનનું મશીન સીટી સ્કેન કે એમ. આર. આઈ. સ્કેન માટે વપરાતાં મશીન જેવું જ હોય. પણ તેનાથી થોડું મોટું અને રોબોટની જેમ તે ત્રણેક હાથ ધરાવતું હોય. દર્દી બેડ પર સૂઈ જાય પછી બેડ ઓપરેટરના નિયંત્રણ મુજબ મશીનની અંદર તરફ જાય અને ત્રણે દિશામાંથી પેલા મશીનના હાથ ઉંચા નીચા જઈ, શરીરના અસરગ્રસ્ત ભાગ પર કિરણોનો મારો ચલાવે. રેડીએશન ખંડની અંદર દર્દી સિવાય કોઈ ન હોય. બધું બહારથી મોનિટર અને કંટ્રોલ થાય. ઓપરેટર ચાંપ દાબે, એટલે દરવાજા પરની ઈન્ડિકેટર લાઇટ લાલ થઈ જાય, જે સૂચવે કે રેડીએશન શરૂ થઈ ચૂક્યું છે કે ચાલુ છે. એ લાઇટ ગ્રીન થાય એટલે સ્ટાફ અંદર જઈ દર્દીની સ્થિતી બદલી શકે અથવા તેને બેડ પર ચડાવી કે ઉતરાવી શકે. રેડીએશન માત્ર એક કે બે મિનિટ જેટલું ચાલે, પણ એ ચાર પાંચ કે વધુ વાર અપાય. સમગ્ર પ્રક્રિયા પાંચ - દસ મિનિટમાં તો પૂરી થઈ જાય. અહીં અમને ક્યાંય ડર જેવું ન લાગતું . હોસ્પિટલમાં સ્વચ્છતા પણ સારી એવી જળવાતી.

  ત્રીસેક સેશન દરમ્યાન ઘણાં અન્ય દર્દીઓ જોયા. અહીં તો બધાં કેન્સર ગ્રસ્ત દર્દીઓ જ જોવા મળે. એક નાનકડી દસેક વર્ષની છોકરીને જોઈ મને જબરો આંચકો લાગેલો. એટલી જ ઉંમરની છોકરીનો પિતા હોઈ, હું તેના માતાપિતાની મન : સ્થિતી સમજી શકતો હતો, પણ તેઓ ભારે સ્વસ્થ હતાં. છેલ્લાં ત્રણેક સેશન બાકી હતાં ત્યારે તો એક સાવ નાનું એકાદ - બે વર્ષનું બાળક

રેડીએશન માટે આવવાનું હતું અને અન્યો હેરાન ન થાય એટલે બધાંના સમયના સ્લોટ બદલી નાખવામાં આવ્યાં હતાં. અન્ય કેટલાક દર્દીઓને કેમોથેરાપીની આડ અસરને કારણે એવી સ્થિતી માં જોયા કે તેમના માથા અને ભ્રમર પરનાં વાળ જતાં રહ્યાં હોય. પણ તેમના ચહેરા પર સ્મિત જોઈ મને ખૂબ સારું લાગતું. આ આખી પ્રક્રિયા માંથી પસાર થઈ કદાચ હું, પપ્પા અને બહેન ઘણું શીખ્યા છીએ અને વધુ મજબૂત અને હકારાત્મક બન્યાં છીએ.

  શરૂઆતના પંદરેક સેશન સુધી તો પપ્પાને પણ ખાસ કોઈ અસર કે આડ અસર નો અનુભવ થયો નહોતો, પણ પછી આ સેશન તેમને થોડાં આકરાં લાગતા, જો કે તે તો એવી જ તૈયારી માં રહેતાં કે ક્યારે ત્રીસે ત્રીસ સેશન જલ્દી પૂરા થઈ જાય. સોમ થી શુક્ર સુધી પાંચ સેશન સળંગ લેવાના રહેતા અને પછી મશીનને પણ મેન્ટેનન્સ માટે વીકેન્ડ દરમ્યાન બંધ રાખવું પડે એટલે વચ્ચે બે દિવસ આરામ. દોઢ મહિને ત્રીસ સેશન પૂરા થાય. સપ્તાહમાં વચ્ચે એક વાર સાંજે જવું પડે જેથી રેડીએશન નિષ્ણાત ડોક્ટરને ફોલો અપ માટે મળી શકાય. તેમણે પપ્પાને વચન આપ્યું હતું કે દિવાળી સુધીમાં રેડીએશન પતાવી તેઓ તેમને ફરી તારક મહેતામાં કામે ચડવા તૈયાર કરી દેશે! અને પાંચમી નવેમ્બરે પપ્પાના ત્રીસ રેડીએશન પૂરા થઈ ગયાં.

  રેડીએશન દરમ્યાન જ સપ્તાહમાં એક વાર લેખે કેમો થેરાપીના કુલ પાંચ સેશન પણ થયાં, તેની વાત આવતાં સપ્તાહે.

(ક્રમશ :) 

-----—-----------—-------—


નટુકાકાની તબિયત કેમ છે? (ભાગ - ૪)

   કેન્સર વિશે જેમ આપણાં સૌનાં મનમાં જેમ એક અતિ ભયાનક ચિત્ર દોરાયેલું છે તેમ જ તેની સારવાર માટે વપરાતી કેમોથેરાપી વિશે પણ કદાચ આપણે સૌ એવી જ ડરામણી છબી મનમાં ધરાવતા હોઈએ છીએ. હું પણ એવું ધારતો હતો કે કેમોથેરાપીમાં વિજળીના કરંટ જેવું કંઈક અપાતું હશે. દર્દીના વાળ ઉતરી જાય, તે સાવ દુર્બળ અને નિરાશ થઈ જાય એ ટ્રીટમેન્ટ કેવી પીડાદાયક હોતી હશે એવો વિચાર આવે. ઓક્ટોબર મહિનામાં પપ્પાને કેમોથેરાપીના પાંચ સેશન્સ અપાયા તેના પ્રત્યક્ષ સાક્ષી બન્યા બાદ હું કહું છું કે કેમોથેરાપી એટલી ભયંકર અને ડરામણી નથી હોતી જેટલી હું પહેલાં તેને ધારતો હતો. કેમોથેરાપી ઈન્જેક્શન દ્વારા અપાય છે. કેન્સરના પ્રકાર, તબક્કા, દર્દીની ઉંમર વગેરે ઘણાં પરિબળો ને ધ્યાન માં રાખી કેમોથેરાપીના કેટલાં સેશન્સ, કઈ દવા ઈન્જેક્શનમાં આપવાની અને કેટલા પ્રમાણમાં તે નક્કી કરાય છે. પપ્પાની છોત્તેર વર્ષની ઉંમર અને તેમના વ્યવસાયને ધ્યાનમાં રાખીને ડોક્ટરે દવાનો અતિ હળવો ડોઝ પ્રિસ્ક્રાઈબ કર્યો હતો. તેમણે પહેલી અપોઈન્ટમેન્ટ વખતે જ અમને સમજાવ્યું હતું કે પપ્પાને કેમોથેરાપીનો એવો ડોઝ પ્રિસ્ક્રાઈબ કર્યો હતો કે જેનાથી તેમના માથા પરનાં વાળ નહીં ઉતરે કે તેમને એની વધુ આડઅસર નહીં થાય. તેમની ભૂખ ઓછી થઈ શકે છે અને તેમનું વજન ઉતરી શકે છે એ પ્રમાણે બન્યું પણ આના ઉપાય તરીકે પપ્પાને મલ્ટીવિટામીન દવા શરૂ કરી દેવામાં આવી હતી.

કેમોથેરાપીના પાંચ સેશન્સ બોરિવલીનાં મંડપેશ્વર નર્સિંગહોમમાં થયા જે અમારા માટે એક હકારાત્મક અનુભવ બની રહ્યો. આ એક નાનકડી હોસ્પિટલ છે જે કેન્સરના દર્દીઓની કેમોથેરાપી સારવાર માટે જાણીતી છે. એક કેમોથેરાપી માટેનો વોર્ડ જ્યાં ત્રણ દર્દીઓ સમાવાઈ શકાય અને એ સિવાય એક ત્રણ-ચાર બેડ ધરાવતો સામાન્ય વોર્ડ અને સાથે અલગ અલગ ત્રણ-ચાર ખાનગી એ. સી. - નોન એ. સી. પ્રકારના રૂમ. આમાંથી પપ્પા માટે અમે એક એ. સી. રૂમ બુક કરી રાખ્યો હતો જ્યાં પપ્પાનાં પાંચે કેમોથેરાપી સેશન થયાં. આ રૂમમાં અમને હોસ્પિટલમાં છીએ એવી લાગણી ન થતી. અમે ઘેર જ છીએ એવું લાગતું કે કદાચ કોઈક ગમતી હોટલનાં રૂમમાં સવારે ચેક-ઈન કરી મોડી બપોરે ચેક-આઉટ કરતાં હોઈએ એવું લાગતું. સવારે નર્સિંગહોમમાં પહોંચી પહેલાં લોહીનો અને અન્ય એકાદ - બે ટેસ્ટ થાય. તેનાં રીપોર્ટસ્ એકાદ - બે કલાક પછી આવે. એ દરમિયાન, અમારો એ રૂમ સ્વચ્છ કરી અમારાં માટે તૈયાર રખાયો હોય એમાં અમે બાપ-દીકરો ગોઠવાઈ જઈએ. પપ્પા મૌશીને અમારા માટે કમ-શક્કર ચા બનાવવાનું કહી દે. એ પી લીધાં પછી પપ્પા વાયરલેસ સ્પીકર પર ગુજરાતી ભજન, ગીત કે પછી જૂનાં હિન્દી ફિલ્મી ગીત વગાડે, જે હું પણ માણું. ત્યાં થોડી વારમાં ડોક્ટર રાઉન્ડ પર નીકળ્યા હોય, એ પપ્પાને તપાસી લે. પાછલાં અઠવાડિયામાં તબિયતની સ્થિતિની સમીક્ષા કરી, સવારે આપેલ ટેસ્ટનાં રીપોર્ટસ્ તપાસી નર્સ અને આસિસ્ટન્ટ ડોક્ટરને જરૂરી સૂચના વગેરે આપી રવાના થાય. પછી નર્સ કે આસિસ્ટન્ટ ડોક્ટર કેમોથેરાપી શરૂ કરી દે. એમાં હાથમાં સોય ખોસી તેના દ્વારા દવાનો ડોઝ અપાય. પહેલો નાનો ડોઝ પૂરો થાય એટલે હું નજીકની હોટલમાંથી હળવું ખાવાનું ઓર્ડર કરી દઉં. એ આવે એટલે અમે ખાઈ લઈએ. પછી બીજો અને ત્રીજો ડોઝ આપવામાં આવે, જે પૂરા થયે અમે ઘરે પાછા ફરવાની તૈયારી કરીએ. વચ્ચે વચ્ચે હું દવા લઈ આવવાનું કે કેમોથેરાપી માટેનું સંમતિ પત્ર, એડમિશન ફોર્મ ભરવાની વગેરે ઔપચારિકતા પતાવું - સાથે સાથે ઓફિસનું થોડું કામ પણ પતાવું. પછી મૌશી એ ચા બનાવી દીધી હોય તો એ પી, બિલીંગ વગેરે પતાવી અમે ઘેર પાછા ફરીએ. આ હતો અમારો પાંચ કેમોથેરાપી સેશન્સનો ક્રમ. પાછા ફરતી વખતે દર વખતે મારી અને પપ્પા વચ્ચે રકઝક થાય. એ કહે મારે થોડું ચાલવું છે અને પછી રીક્ષા પકડવી છે અને હું ચિડાઈ ને કહું કે કેમોથેરાપી લીધા પછી ચાલવાનો અભરખો ન રખાય! નબળાઈ વર્તાઈ અને ચક્કર આવી પડી ગયા તો પાછા મારે હોસ્પિટલ ભેગા કરવા પડશે. પણ એ માને બેનાં? બાપ-દીકરા વચ્ચે આવી નાની - મોટી તકરાર ચાલતી જ રહેવાની. બંને પુરૂષ અને બંનેના ઈગો ટકરાય! તેમની તબિયત ને કારણે મારે ચૂપ થઈ જવું પડે.

   પહેલું કેમોથેરાપી સેશન થયું એ પછી બીજા જ દિવસે પપ્પાને ખૂબ ભારે ઝાડાં થઈ ગયા હતા અને અમને લાગેલું કે એ કેમોથેરાપીની જ આડ અસર હશે. એક તો ખોરાક ઓછો થઈ ગયેલો, વજન ઘટી ગયેલું એમાં ઝાડાં. પપ્પા એટલા અશક્ત થઈ ગયા હતા કે અમે થોડાં ડરી ગયા હતાં. બે દિવસ દવા વગેરે લીધાં છતાં ઝાડાં બંધ ન થાય. પછી પપ્પાને લાગ્યું કે આ પેચોટી ખસી જવાની સમસ્યા છે અને તેમણે ફીઝિયોથેરાપી આપવા આવતા ડોક્ટર ને વાત કરી. યોગાનુયોગ તેમની મમ્મી પેચોટી પાછી યથાસ્થાને લાવવાની વિદ્યા જાણતા હતા. તેમને ત્યાં ફીઝિયોથેરાપી આપતા ડોક્ટર પોતે પપ્પાને લઈ ગયા અને એ વિધિ બાદ તરત પપ્પાને સારું થઈ ગયું. અમારા બધાં માટે આ અતિ નવાઈ જનક ઘટના હતી. બીજા કે ત્રીજા કેમોથેરાપી સેશન વખતે, દવાના ચડાવેલ બાટલા માંથી શરીરમાં જતી દવાની ઝડપ ખૂબ ઓછી જણાતા, ઘંટડી વગાડી નર્સને બોલાવી તેની આનાકાની છતાં, તેની પાસે આ ઝડપ વધારાવી. પણ એ પછી તો અચાનક તેમને અસ્વસ્થતા અનુભવાઈ અને બોલતી વખતે જીભ થોથવાવા માંડી. થોડી વાર માટે હું પણ ડરી ગયો. પણ પછી બધું ફરી ઠીક થઈ ગયું.

  કેમોથેરાપીનું છેલ્લું અને પાંચમું સેશન પત્યું ત્યારે તો લેબ ટેક્નિશિયન, વોર્ડ બોય્ઝ, મૌશી વગેરે બધાં તેમના પ્રિય નટુકાકા સાથે ફોટા પડાવી ગયા. રિસેપ્શન પર બેસતા આન્ટીની આંખમાં પાણી જોઈ હું પણ થોડો ગળગળો થઈ ગયો. આ અને આવા હજારો ચાહકોની પ્રાર્થના અને શુભેચ્છાઓ ને લીધે જ નટુકાકા કેન્સર જેવી મોટી બિમારીને માત આપી હવે પૂરેપૂરા સ્વસ્થ છે.



ગેસ્ટ બ્લોગ : ગાંધીજીના આદર્શો

            “ગાંધી તો ગાંધી થઈ ગયો, બીજો નહીં થાશે” આજે આયુષ્યની ઉત્તરાવસ્થામાંઆ વાંચ્યા પછી મન અનાયાસે અતીતમાં સરી પડ્યું. શાળામાં પાઠ્યપુસ્તકમાં ગાંધીજી વિશેના પાઠ ભણવાના આવતા. પરીક્ષામાં પ્રશ્નપત્રોમાં ગાંધી વીશેના સવાલોના તો જે જવાબ આવડતા તે લખતા, ત્યારે અપરિપક્વતાને કારણે ગાંધીજીના જીવન અને કાર્યો વિશેની ઊંડી સમજ ન હતી. જેમ જેમ મોટા થતા ગયા અને ભારતનો ઈતિહાસ ભણતા આ વિભૂતિની એક સ્પષ્ટ છબી મનમાં અંકિત થઈ. સત્ય અહિંસાના અણમોલ શસ્ત્રો વડે જેણે દેશને આઝાદ કર્યો, તે મહાન આત્માને નતમસ્તકે પ્રણામ.   

                             ગયે વર્ષે ગાંધીજીની દોઢસો વર્ષની ઉજવણી કરવામાં આવી, પણ મને તો યાદ આવે છે ગાંધી શતાબ્દિનું એ વર્ષ(૧૯૬૯), જ્યારે કોલેજમાં ગાંધીજીની આત્માકથા “સત્યના પ્રયોગો” અમારે ભણવામાં હતી, એટલે ગાંધી વિશે ઘણું જાણવા મળ્યું. આત્મકથામાં સત્યનું સૌંદર્ય પ્રયોગ દ્વારા પ્રગટ થયુ છે. પોતાના દોષોનું પણ વાચકોને ભાન કરાવ્યું છે, એ જ તો છે ગાંધીના સત્યની પરાકાષ્ટા છે.  

                             યોગાનુયોગ એ જ વર્ષમાં ‘ગાંધીજીના આદર્શો’ એ વિષય પર આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર યોજાએલ ચર્ચાસત્રમાં ભાગ લેવાની તક મળી. એ સમયે યુવાનોની પ્રતિભાને ઉજાગર કરવા રેડિયોના સક્ષમ માધ્યમે મંચ પૂરો પાડ્યો. કોલેજના આચાર્ય ડો. રતિલાલ આડતીયા સાથે બે વિધ્યાર્થી અને બે વિધ્યાર્થીનીમાં મારી પસંદગી થઈ. નાનપણમાં રેડિયો સાંભળવાનો અનહદ શોખ હતો. પહેલી જ વાર રેડિયોના સ્ટુડિયોમાં બેસી બોલવાનો રોમાંચ અનોખો હતો, જેની કલ્પના પણ ન હતી. ત્યાર પછી તો આકાશવાણીના અનેક વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. 

                            આ ચર્ચા દસરમિયાન ગાંધીજીના જીવન વૃતાંતનું ગહન જ્ઞાન પ્રાપ્ત થયું. આજે લાગે છે કે ગાંધીજીનું જીવન તથા કાર્યો એક ચમત્કાર જ છે. તેઓ માત્ર એક વ્યક્તિ જ નહી, બલ્કે એક શાશ્વત વિચાર છે. ગાંધીજીને જેણે જોયા નથી, પણ જાણ્યા છે આવનારી પેઢીને તેમનું જીવન દંતકથા સમું લાગશે. આ દેશની ધરતી પર જનમ લઈ ગાંધીજીએ ગીતાના સંદેશ સંભવામિ યુગે યુગે ને સાર્થક કર્યો છે. સત્ય, અહિંસા અપરિગ્રહના સિધ્ધાંતો તો આજે પણ એટલા જ મહત્વના છે, પરંતુ સવાલ એ જ થાય છે કે શું આપણે ગાંધીજીના મૂલ્યોને જીવનમાં ઉતાર્યા છે? 

                           ગાંધીના સત્યનું મૂલ્ય આંકતાં કવિ શ્રી કરસનદાસ માણેકે લખ્યું સત્યનું   કાવ્ય છો બાપુ કાવ્યનું સત્ય છો તમે. પણ એ શ્વેત સત્ય તરફડતા પારેવાની ચાંચમાંથી છટકી ગયું છે. મુરલી ઠાકુરે નાના હાયકુમા જ જણાવી દીધું છે,

                                                રાજઘાટપે

                                              ફૂલ એકલાં ઝૂરે 

                                              સૌરભ કયાં છે?  

                           મારુ જીવન એ જ મારો સંદેશ કહેનાર બાપુને ફરી અહી અવતાર ધારણ કરો એમ કહેવાનું મન થાય છે, કારણ આજે અત્યંત જરૂર છે તમારી. માટે જ કવિ સુરેન ઠાકર ‘મેહુલ’ના શબ્દોમાં જ ઈશ્વરને પ્રાર્થીએ કે “પ્રભુ બીજો મોહન દેજે, એને કોઈ મોહ ન દેજે.” 

     -  નીતિન વિ મહેતા 


નવા વર્ષની શુભકામના

      નવા વર્ષના આ શુભ પ્રસંગે સ્વ. કુન્દનિકા કાપડીયાની સુંદર પ્રેરણાત્મક પ્રાર્થનાથી આ નવલ વર્ષને આવકારીએ અને તેમાંથી મળતી શીખનું રોજે રોજ પાલન કરીએ...

મને શીખવ હે પ્રભુ,

સંજોગો વિકટ હોય ત્યારે

સુંદર રીતે કેમ જીવવું

તે મને શીખવ.

બધી બાબતો અવળી પડતી હોય ત્યારે,

હાસ્ય અને આનંદ કેમ ન ગુમાવવા

તે મને શીખવ.

પરિસ્થિતિ ગુસ્સો પ્રેરે તેવી હોય ત્યારે

શાંતિ કેમ રાખવી

તે મને શીખવ.

કામ અતિશય મુશ્કેલ લાગતું હોય ત્યારે

ખંતથી તેમાં લાગ્યા કેમ રહેવું

તે મને શીખવ.

– કુન્દનિકા કાપડીયા

# * # * # * #

કયા શબ્દોમાં તને પ્રાર્થના કરવી એ મને સૂઝતું નથી.

પણ તું મારી વ્યથા જાણે છે.

મારી સાથે કોઇ બોલનાર હોય કે ન હોય

પણ હું તારી સાથે તો વાત કરી શકું

તને સમયની કાંઇ કમી નથી

તું નિરાંતે મારી વાત સાંભળશે એની હું ખાતરી રાખી શકું.

બીજું કોઇ મને ચાહે કે ન ચાહે

તું તો મને ચાહે જ છે.

મને હિમ્મત આપ, ભગવાન!

શોકની આ ગલીમાંથી પસાર કરી મને

જિંદગીના સામર્થ્ય અને સભરતા ભણી લઇ જા.

મારે માટે તેં જે નિર્માણ કર્યું હોય, તે આનંદથી સ્વીકારી શકું

એવા સમર્પણભાવમાં મને લઇ જા.

મારી પીડાઓને વાગોળવામાંથી,

મારી જાતની દયા ખાવામાંથી મને બહાર કાઢ.

હું મારા દુઃખમાં રાચવા લાગું

અને તું પ્રકાશની બારી ઉઘાડે તે ભણી નજર ન નાખું –

એવું બને તે પહેલાં

મારા હૃદયના સરોવરમાં તારી મધુર શાંતિનું પદ્મ ખીલવ,

મારી જાતના બંધનમાંથી મને મુક્ત કર.

– કુન્દનિકા કાપડીયા


    જેમના સર્જનનો હું હ્રદયના ઊંડાણથી આદર કરું છું એવા મારા મનપસંદ સર્જક કુન્દનિકા કાપડીયા ગત વર્ષમાં ઈશ્વરની પરમ સમીપે પહોંચી ગયા. તેમના નામ આગળ 'સ્વ.' લખવું પડે છે એ વાતનું અતિ દુઃખ છે તો સાથે અફસોસ અને પારાવાર પસ્તાવો તેમને રૂબરૂમાં ન મળી શક્યાનો. ઘણી બાબતો આપણે હ્રદયથી ઈચ્છતા હોઈએ છીએ, પણ તેમને અગ્રતા આપતાં નથી કે કહો ને આપી શકતા નથી. પણ સમય વહેતો જ રહે છે અને જો યોગ્ય સમયે આપણે તે ઈચ્છા પૂરી ન કરી શક્યા તો આપણી પાસે રહી જાય છે જીવન ભરનો પસ્તાવો. સમય પાછો ફરવાનો નથી અને નથી આવવાની પાછી હાથમાંથી સરી ગયેલી તક. એક સંકલ્પ લઈએ નવા વર્ષમાં કે સમય અને તક ને સરી જવા નહીં દઈએ અને યોગ્ય અગ્રતા આપી મન અને હ્રદય જે કામના કરે છે તેને પૂરી કરવાના સંનિષ્ઠ પ્રયાસ કરીશું.

   હકારાત્મકતા જો કોઈ સિક્કાની એક બાજુ ગણીએ તો નકારાત્મકતા પણ એ જ સિક્કાની બીજી બાજુ છે. પણ તેને નજરઅંદાજ કરતા શીખવાનું છે. સુંદર ફ્લેમિંગો પક્ષીને કદાચ તમે ખાતાં જોયું હશે તો તમને ખ્યાલ હશે કઈ રીતે કાદવમાં ભીની માટીમાંથી કઈ રીતે તે માત્ર પોતાના પેટને માટે યોગ્ય હોય એવો ખોરાક તારવી લે છે અને તે જ ખાય છે. બસ, આ રીતે નકારાત્મકતા વચ્ચે ઘેરાયેલા હોઈએ ત્યારે પણ તેમાંથી કોઇક સારી અને ગ્રહણ કરવાલાયક વાત શોધવાની દૃષ્ટિ કેળવીએ. એ ચોક્કસ મળી આવશે. તેને અપનાવીએ, સરાહીએ. જીવન ચોક્ક્સ સુંદર બની રહેશે.

  ત્રીજી ને છેલ્લી વાત. અન્યો માટે પણ વિચારતાં શીખીએ. સ્વકેન્દ્રીય વિચારસરણીની સંકુચિતતામાંથી ધીમે ધીમે મુક્ત થઈ, અન્યના મુખ પર સ્મિત લાવીશું કે અન્યનું દુઃખ દૂર કરી, તેના અંધકારમાં રોશની પ્રગટાવીશું તો તેમાંથી મળતાં આનંદ અને પરમ સંતોષની લાગણી એવી હશે જે જીવનમાં બીજી કોઈ બાબત નહીં આપી શકે.

  ઈશ્વરને સહિયારી પ્રાર્થના કરીએ કે પ્રારંભ થયેલું નવું વર્ષ આપણાં સૌના જીવનમાં પ્રકાશ, સુખ, સમૃદ્ધિ, શાંતિ, સારું આરોગ્ય અને સંતોષ આપનારું બની રહે... નૂતન વર્ષાભિનંદન. 

# * # * # * # * # * # * # * # * # * # * #

ગેસ્ટ બ્લોગ : નવા વર્ષના વધામણાં  

---------------------------------------------

દિવાળીની વિદાય અને નવા વર્ષના પ્રારંભનો તખ્તો ગોઠવાઈ ચૂક્યોછે તે જાણી દિવાળી પોતાની વિદાયની તૈયારી શરુ કરે છે, તેને ખ્યાલ છે કે સૂર્યદેવ તેની વિદાયની પ્રતીક્ષામાં છે. નવા વર્ષના પ્રારંભના પ્રથમ દિને પૃથ્વીવાસીઓને અનોખી ભેટ આપવા, પોતાના રથમાં સવાર થઇ, સજ્જ થઇ, અશ્વોની લગામ પોતાના હાથમાં રાખી, પ્રાતઃકાળની પ્રતીક્ષા કરી રહ્યા છે. 

દિવાળીની વિદાયની છેલ્લી રાત્રી અને નવા વર્ષના પ્રારંભનો પ્રથમ દિવસ. વિદાય અને પ્રારંભ વચ્ચે જે સમય બચ્યો છે, ત્યારે દિવાળી સમય ગુમાવ્યા વગર મળેલી તકને ઝડપી, સસ્મિત વદને સૂર્યદેવને બે હાથ જોડી વંદન કરી કહે છે મારે વિદાય લેતા પહેલા કંઈક કહેવું છે જો આપ અનુમતિ આપો તો. ત્યારે સૂર્યદેવે તેની તરફ અમીદ્રષ્ટિ નાખી પ્રસન્ન ચિત્તે કહ્યું, "કહો દેવી!" અને બન્ને વચ્ચે પ્રસન્નતા પૂર્વક શબ્દોની આપલે થાય છે ત્યારે દિવાળીની કથની સાંભળી, તેની વ્યથાને સમજી તેમ જ તેની વ્યથાને દૂર કરવા, હકારાત્મકતા સાથે ખુશ થઈને કહે છે, "તથાસ્તુઃ" અને હાથ ઉંચો કરીને સસ્મિત વદને વિદાય આપતા કહે છે, આવતા વર્ષે આજ રીતે ફરી મળીશું. 

    દિવાળી પણ જે રીતે આવી હતી, રુમઝુમ કરતી, તે જ રીતે આનંદવિભોર થઇ, સૂર્યદેવ તરફ અહોભાવ વ્યક્ત કરતા, હસ્ત ઉંચો કરીને, ફરી મળીશું કહેતા, અંધકારમાં વિલીન થઇ જાય છે. 

      મોં સૂઝણું થયું - મળસ્કુ થયું, આછો આછો ઉજાસ પથરાયો, પંખીઓનો કલરવ પ્રારંભ થતાં સૌ તંદ્રામાંથી જાગી ઉઠ્યા. ગામને પાદરે આવેલ

 મંદિરમાં નવા વર્ષના પ્રારંભને વધાવવા પૂજારીએ શંખનાદના સૂરને વહેતો કર્યો, પોતાના હર્ષને પ્રગટ કરવા ઘંટનાદને ગુંજતો કર્યો, ભક્તિ ગીતો અને સુગંધમય અગરબત્તીના ધૂપથી વાતાવરણ ભક્તિમય અને સુગંધિત બની ગયું, તેમજ હૃદયસ્પર્શી ટહુકાઓ દ્વારા કોયલે પણ સૂર પુરાવ્યો. સૌ પ્રજાજનો વહેલી સવારે મંદિરમાં જઈ દેવના દર્શન-અર્ચન કરી, આશીર્વાદ લઇ નવા વર્ષને વધાવવા અને તેનો જય જયકાર કરવા, સૂર્યદેવની પ્રતીક્ષામાં થનગની રહ્યા છે. ત્યાં તો અશ્વોની ધણધણાટીનો અવાજ આવ્યો, સહુએ તે દિશામાં નજર કરતા જોયું કે સૂર્યદેવ રથમાં સવાર થઇ આવી પહોંચ્યા છે. ત્યારે ફરી શંખનાદ અને ઘંટનાદ થયો, સૌએ બે હાથ જોડી શીશ નમાવી આવકાર આપ્યો અને જયઘોષ કર્યો. 

   ત્યાં તો આકાશનાં ભાથામાંથી તીર છૂટયું એવાં સંદેશ સાથે કે હે પૃથ્વીવાસીઓ દિવાળીએ મને બધી જ વાત કરી છે. ત્યાં તો બીજું તીર આવ્યું, તેમાં એવો સંદેશ હતો કે તમારા પર આવેલ દુઃખ અને સંકટ આ વર્ષના પ્રારંભમાં જ દૂર થઇ જશે, તેની ખાતરી આપું છું અને ત્યાં તો ત્રીજા તીરમાંથી સુગંધિત પુષ્પોની વર્ષા થઇ. સૌ ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને આનંદથી એકબીજાને ભેટી નવા વર્ષની શુભકામના વ્યક્ત કરવા લાગ્યા. એક નવી ઉમ્મીદ સાથે સૂર્યદેવ તરફ મીટ માંડી અહોભાવ વ્યક્ત કરવા શીશ નમાવી, આશીર્વાદ લઇ, સૌએ એકબીજાને વધામણાં આપી, નવા વર્ષના શ્રી ગણેશ કર્યા. 

 - વસુમતી બિપિન મહેતા


ગેસ્ટ બ્લૉગ - આવ્યું આનંદ, ઉમંગ અને ઉલ્લાસનું વાવાઝોડું

      નવલા નોરતા આવ્યા, દશેરા આવી અને શરદપૂર્ણિમા પણ આવી. સહુએ આવકારી અને વાજતે ગાજતે વિદાય કરી, પણ મનુષ્યનું મન હજીય ઉદ્વેગમાં રહે છે, ચેન પડતું નથી, યોગ્ય દિશા મળતી નથી, ભયનું સામ્રાજ્ય છે. ધંધાપાણી નથી તેથી પરિવારની ચિંતા સતાવે છે, જીવનના વ્યવહારમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે, મગજ બહેર મારી ગયું છે પણ તેમાંથી નીકળવાનો માર્ગ દેખાતો નથી. 

સત્તા, ધનલાલસા અને તેના મદમાં આવી પોતે જ કરેલી ભૂલનો ભોગ માનવી બન્યો છે. તેણે એવું કૃત્ય કર્યું છે જે માફ કરી શકાય તેમ નથી. માનવના અને સૃષ્ટિના વિનાશમાં તે ભાગીદાર બન્યો, સમજણ આવી પણ મોડી આવી. હવે પશ્ચાતાપની આગમાં શેકાઈ રહ્યો છે, સાથે આંખોમાંથી પશ્ચાતાપના અશ્રુ વહી રહ્યા છે, શરમથી શીશ ઝૂકી ગયું છે અને કરેલા સઘળા પાપોનો એકરાર કરી તેમાંથી મુક્તિ મેળવવા ઇચ્છે છે. 

સંવત ૨૦૭૬નું વર્ષ વિદાય લેવાની તૈયારીમાં છે એટલે આજ વર્ષે મુક્તિ મળે તે માટે તેની પાસે એકજ આશા બચી છે અને તેની નજર તહેવારોની રાણી અને હિન્દૂ ધર્મની પટ્ટરાણી દિવાળી પર છે. 

દિવાળી રુમઝુમ કરતી સૌના આંગણે આવી, કમાડ પર ટકોરા મારે છે અને કમાડ ઉઘડવાની રાહ જોઈ રહી છે. કમાડ ખુલતાની સાથે જ સહુ આશ્ચર્યચકિત થઇ જાય છે, અચંબિત થઇ જાય છે! બોલવાના હોશ નથી! કેટલો દેદીપ્યમાન ચહેરો, ચમકતું ગોરું ગોળ મુખારવિંદ, આંખમાંથી વહેતી સ્નેહની ધારા, બંને હોઠ વચ્ચે રમતિયાળ મુસ્કાન, તેના દર્શન થતાં જ સૌ આભા બની જાય છે. ત્યાં તો અંદરથી અવાજ આવ્યો, "કંકુ - ચોખાથી તેને વધાવો અને વાજતે ગાજતે તેનું સ્વાગત કરો!“

અંદર પ્રવેશતા જ ગૃહમાં અનેરી રોશની પ્રગટી, વાતાવરણ પલટાઈ ગયું, સૌના હૃદયમાં હર્ષ અને ઉમંગનાં દિવા પ્રગટ્યા, ચહેરા પર સંતોષનું સ્મિત ફરી વળ્યું, નવી આશા જાગી, શરીર ચેતનવંતુ બની ગયું. આંખો આભારવશ થઇ ગઇ તેના આગમનથી આનંદ, ઉમંગ અને ઉલ્હાસનું વાવઝોડુ આવ્યું, આ નીરખીને સૌની આખોમાં નવી આશાનો જન્મ થયો. 

ત્યાં તો આકાશવાણી થઇ કે બધું સમજી, જાણી, વિચારીને આવી છું સાથે તમારા પર આવેલ સંકટને દૂર કરવાનું છે એટલે આ દુઃખના સમયને ભૂલી જાવ, સૌ ભેગા મળી ધામધૂમથી આનંદ ઉત્સવ મનાવો, ભયની ગ્રંથિને તોડો, મનમાંથી તેને ઉભી પુછડીએ ભગાડો, મોજ મસ્તી કરો, ગૃહને રોશનીથી ભરી દો, આનંદના દીવડા પ્રગટાવો, આંગણમાં રંગોળી કરો, બારણે લીલા તોરણ બંધાવો, નિતનવા પકવાન અને મીઠાઈ બનાવો, બધી ચિંતા મારાં પર છોડી દો, બસ સૌ નાચો અને ઝૂમો. 

આ આનંદના અવસરે એક ખાસ વાત, આ મહાપર્વમાં દાન ધર્મ યથાશક્તિ જરૂરથી કરજો, દીનદુઃખીયાના આધાર સ્થંભ બનજો, તો કોઈના અશ્રુ પોંછી અને કોઈના ખભે હાથ મૂકી બે સારા શબ્દો કહેજો, આ પણ આપણા આનંદનો એક ભાગ જ છે આવુ અનુપમ દ્રશ્ય નીરખીને તમારા સૌની સાથે તાલ મિલાવીને નાચીશ અને હરખાઈને ઝૂમી ઉઠીશ.

તો મનાવો પૂરા પરિવાર સાથે, સ્નેહીજનો અને મિત્રો સંગ મનાવો દીપાવલી.... અને આતુર નયને નૂતન વર્ષની પ્રતીક્ષા કરજો.... 

પ્રસન્ન રહો -પ્રકૃતિમય રહો, પ્રગતિમય રહો 

દીપાવલીની શુભકામના... 

- બિપિન મહેતા

પોસ્ટઓફિસમાં એકાઉન્ટ ખોલવાનો સુખદ અનુભવ

     જ્યાં કોઈ પણ શબ્દ આગળ 'સરકારી' એવું વિશેષણ લાગે એટલે આપણાં મનમાં એ શબ્દ જે સંસ્થા કે સેવા માટે વપરાયો હોય તેની ગુણવત્તા અંગે શંકા જાગે. પછી એ સરકારી શાળા હોય, સરકારી હોસ્પિટલ હોય કે પછી સરકારી કચેરી. પણ હવે પરિવર્તનનો પવન ખરેખર ફૂંકાઈ રહ્યો છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ કોરોના થયા બાદ સરકારી હોસ્પિટલમાં જ દાખલ થયા અને સાજા થઈ થોડાં દિવસો અગાઉ જ ઘેર ગયા એ બાબત આ પરિવર્તનની સાબિતી છે.

     મને આજે સરકારી પોસ્ટઓફિસમાં આ પરિવર્તન બાબતની પ્રતીતિ કરાવતો સુખદ, આશ્ચર્ય પમાડતો અનુભવ થયો. થોડાં વર્ષ અગાઉ મેં એક બ્લોગમાં પોસ્ટઓફિસમાં થયેલ ત્રાસદાયક અનુભવની વાત લખી હતી જ્યારે મારું એન. એસ. સી. સર્ટીફિકેટ ખોવાઈ ગયા બાદ મહેનતની કમાણીના પોતાના જ રૂપિયા પાછા મેળવતા જે હાલાકી ભોગવવી પડી તેની વાત કરેલી. એ પછી મારી દીકરી નમ્યા માટે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલ્યું તેને લઈને પણ જ્યારે તેમાં પૈસા જમા કરાવવાનું થાય ત્યારે થયેલા કંટાળાજનક અનુભવોની વાત પણ મેં કરી હતી. મેં અનેક વાર તપાસ કરી હતી કે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ઓનલાઇન કઈ રીતે ટ્રાન્સફર કરી જમા કરી શકાય જેથી પોસ્ટ ઓફિસ સુધી લાંબા થયા વગર આ કામ પાર પાડી શકાય. આ પાછળ જવાબદાર બીજું પણ એક કારણ એ જ હતું કે જ્યારે જ્યારે પોસ્ટ ઓફિસમાં પૈસા જમા કરાવવા જાવ ત્યારે ત્યાં લાંબી કતાર હોય, એક ધક્કે તમારૂં કામ પતે જ નહીં. છતાં મને - કમને વર્ષમાં એક - બે વાર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા જમા કરવા જવું જ પડતું. માર્ચ ૨૦૨૦માં લોક ડાઉન જાહેર થયું અને બેન્ક, પોસ્ટ ઓફિસ વગેરે જવાનું બંધ જ થઈ ગયું. સાત-આઠ મહિના બાદ હવે જ્યારે જીવન પૂર્વવત્ થવા માંડ્યું છે ત્યારે આજે મેં ધર નજીક આવેલી પોસ્ટઓફિસની મુલાકાત લીધી. ત્યાં જઈ પાંચ-દસ મિનિટ રાહ તો જોવી જ પડી કોઈ મારી સાથે વાત કરી મને અટેન્ડ કરે એ માટે, પણ પછી જે બન્યું એ મારા માટે સુખદ આંચકા સમાન હતું!

   મેં પૂછ્યું કે આટલા સમય બાદ હવે કોઈ નવી પ્રોસેસ શરૂ થઈ છે જેના દ્વારા રકમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવી શકાય?

   પોસ્ટ ઓફિસના યુવાન કર્મચારીએ બે - ત્રણ મિનિટમાં એક નવી પ્રોસેસ સમજાવી જેના દ્વારા એ થઈ શકે એમ હતું. મારી અપેક્ષા એવી હતી કે સીધું મારા બેન્ક ખાતામાંથી હું રકમ સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરી શકું પણ એ શક્ય નહોતું. નવી પ્રોસેસ મુજબ મારે પોસ્ટઓફિસમાં જ સેવિંગ્સ એકાઉન્ટ ખોલવાનું હતું. એ થઈ ગયા બાદ પોસ્ટઓફિસની મોબાઇલ એપ ડાઉનલોડ કરવાની રહે અને નવું પોસ્ટઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ એ એપ સાથે જોડી દેવાનું, કોઈ પણ બેન્ક એકાઉન્ટમાંથી પોસ્ટ ઓફિસના નવા ખોલેલા સેવિંગ્સ એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી દેવાની અને ત્યાંથી પોસ્ટઓફિસની મોબાઇલ એપ દ્વારા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં પૈસા ઓનલાઈન સહેલાઈથી ટ્રાન્સફર થઈ જાય. લાંબી જણાતી આ પ્રક્રિયા થોડી જટિલ લાગે, પણ એક વાર બધું સેટ થઈ જાય પછી લાઈફ આસાન!

   હવે સરકારી પોસ્ટઓફિસમાંથી આ પ્રક્રિયા પાર પાડવાની એટલે એવો વિચાર આવે કે ચાર - પાંચ ધક્કા તો પાક્કા! પણ પોસ્ટઓફિસના પેલા યુવાન કર્મચારીએ માત્ર દસ મિનિટમાં મારૂં સેવિંગ્સ એકાઉન્ટ ખોલી નાખ્યું! મારી પાસે મારાં અને નમ્યાનાં પેન અને આધાર કાર્ડ સાથે હતાં એટલે આ થઈ શક્યું. ફિંગર પ્રિન્ટના આધાર ઑથેન્ટિકેશન સાથે જ મારૂં એકાઉન્ટ ખુલી ગયું અને તેની વિગતો દર્શાવતું પ્લાસ્ટિક કાર્ડ મારા હાથમાં આવી ગયું અને આ બધું માત્ર દસ મિનિટમાં બની ગયું એ હકીકતે મને આનંદવિભોર બનાવી મૂક્યો. ગ્રાહકને 'વાહ!' બોલાવી દે એવો સુખદ અનુભવ હતો આ! પછી તો ઉપર જણાવેલ અન્ય ફોર્માલિટી પતાવી દીધી અને કરી દીધી રકમ ઓનલાઈન ટ્રાન્સફર મારી દીકરીના સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટમાં!

  ટેકનોલોજી હરણફાળ ભરતી આગળ ધપી રહી હોય ત્યારે આજના સમયની એ જરૂરિયાત છે કે આપણે સૌ અને સરકાર પણ પાછળ ન રહી જાય. લોકડાઉન દરમ્યાન સરકાર તો પાછળ નથી રહી ગઈ એમ જણાય છે. તમે પણ સમય અને ટેકનોલોજી સાથે તાલ મેળવી રહ્યા છો ને?

  

ગેસ્ટ બ્લૉગ - દીપાવલી આવી!

      ભારત વર્ષનો અતિ પ્રિય અને સનાતન હિન્દુ  ધર્માવલંબીઓનો અત્યંત મહત્વપૂર્ણ તહેવાર દીપાવલી  .  રઘુકુળ શિરોમણી શ્રીરામ ,  દશાનનને પરાસ્ત કરીને    અને   14 વર્ષ નો વનવાસ  વિતાવ્યા પછી  અયોધ્યા પરત ફર્યા તેની ખુશીમાં મનાવવામાં આવતો   તહેવાર દીપાવલી , અંતરમાંથી  અનિષ્ટ તત્વો અને અજ્ઞાનના  તિમિરને દૂર કરી ઇષ્ટ અને જ્ઞાનજ્યોત પ્રાજવલ્યનો  તહેવાર  છે  .  અને આ દીપાવલી તો હિન્દૂ સમુદાય માટે અતિ વિશિષ્ઠ  છે.અને ના કેમ હોય ? સદીઓના  વનવાસ પછી શ્રીરામ જન્મભૂમિ સ્થાનક,   વિદેશી આક્રાંતાઓના  અતિક્રમણ બાદ કાયદેસર ધોરણે અને સત્તાવાર   રીતે  યોગ્ય  વ્યવસ્થાપકોના  હાથમાં  આવ્યું  છે    શ્રીરામ જન્મભૂમિ પર  ભવ્યાતિભવ્ય મંદિર  ના નિર્માણ માટે  શિલાન્યાસ વિધિ પણ  થઇ ગઈ છે .. ત્યારે   દીપાવલીની  ભવ્ય   ઉજવણી થાય તે સહજ અને આવશ્યક છે. 

      અરે, નવરાત્રી ગઈ અને હવે દશેરાને વિસમે દિવસે રુમઝુમ કરતી દીપાવલી  આવી પહોંચશે  ! ! !  દીપાવલી તહેવારના આગમનની ખુશી,, અત્યંત ખુશી દરેક જણને  હોય જ ! એ સર્વવિદિત હકીકતનું વિવરણ કરી વાચકમિત્રોને કંટાળો  આપવાનો કોઈ  ઈરાદો નથી જ  . 

           દશેરા  જાય પછી  ઘરની  સાફસફાઈ  હોય કે  નવા ફર્નિચર  કે રાચરચીલાની ખરીદી હોય  , કે રસોડામાં વપરાતા  ઇલેક્ટ્રોનિક  સાધનો  કે વાસણો નું  શોપિંગ  હોય... કબાટો  .. માળીયાની  સફાઈ હોય  કે જાતજાતનું સુશોભન કરવાના  આયોજનો હોય  , નવા કપડાં, મીઠાઈ  ,  નાસ્તા, ફટાકડા ની   ખરીદી  હોય  !   દીપાવલી   નિમિત્તે  અત્યંત આનંદપૂર્વક  થતું જ હોય  ! ગરીબમાં ગરીબ માણસથી  માંડીને સાધનસંપન્ન  શ્રીમંત વર્ગ પોતપોતાની હેસિયત મુજબ ખર્ચ કરે જ ! 

      ચોમાસાના ચાર મહિનાના ભેજયુક્ત વાતાવરણ  બાદ આહલાદક  શરદ ઋતુના  આગમનને પગલે  વિધ વિધ  વાનગીઓ આરોગાવી , એકબીજાને મળવું , સ્નેહમિલનો કે મેળાવડાના  આયોજનો  કરવા।.........ઘરે પધારેલા  મહેમાનોનું  સેવ, સુંવાળી ,  જાડા કે પાતળા  મઠિયા ,  ચોળાફળી, ચકરી , ચેવડા,  ઘૂઘરા ,  મગસ ,  મોહનથાળ  ,  કોપરાપાક , કાજુ કતરી, દૂધીનો હલવો,  વગેરે વગેરે  ઘરે જાતે બનાવેલ વાનગીઓ દ્વારા  સ્વાગત  કરવું।  અનેરા અને આગવા  આનંદ,,  ઉત્સાહ સહીત  ! ફૂલોના હાર,  દીવડા,  રંગોળી,,,,,,,

         દીપાવલીના તહેવાર થકી સહુ કોઈને બે પૈસા વધારે કમાવાની તક મળે,   પછી એ કુંભાર હોય કે માળી  !  દરેક ઋતુ ઋતુ પ્રમાણે વિવિધ વસ્તુઓ વેંચતા  નાના વેપારી હોય કે મોચી હોય કે કંદોઈ હોય... 

                 દીપાવલી એ બાર મહિનાનો તહેવાર લેખાય  . કહે છે ને કાલ  કોણે  દીઠી  ?  કાલની   કોને ખબર છે ?  આવતી દીપાવલી કોણે  દીઠી ???  એટલે દરેકે દરેક દીપાવલીનું આગવું જ મહત્વ  . 

     જો કે  આ વર્ષે   આખું વિશ્વ  કોરોના વાયરસના   મહા  ત્રાસથી   પીડિત  છે   . એ અદ્રશ્ય  વાયરસ કોની પર  કઈ વખતે ત્રાટકશે   એ કોઈ  જાણતું  નથી  . તેથી  હંમેશા    વારંવાર   સાબુ કે સેનિટાઇઝર  વડે   હાથ   ધોવા  ,  બહાર  જતા માસ્ક અવશ્ય  પહેરી , સોશિયલ  ડિસ્ટર્ન્સિંગ    જાળવી  પોતાની અને પોતાના સ્વજનો ની સુરક્ષા  અંગે સાવચેતી અનેસાવધાની      રાખવી  પછી જ દીપાવલી   મનાવવી  . બહારથી ઘરમાં  પાછા ફરીએ ત્યારે   સેનિટાઇઝરથી હાથ  પગ  ધોવા , બને તો સ્નાન કરી લેવું અને કપડા ધોવા જ નાખી દેવા  . વાચકમિત્રો  ,  કોરોના કાળમાં કઈ કેટલાય  જાણીતા  કે અજાણ્યા  લોકોની  વસમી વિદાય   સહેવાનો વારો  આવ્યો !! તેથી જ સાવચેતી  અને સાવધાની સાથે જ  મિલન મુલાકાત , મેળાવડા યોજવા  . જરા જેટલી પણ  બેદરકારી કેટલી ઘાતક અને કરું નીવડે છે  એ આપણે  સહુ જાણીએ  છીએ  .   હા,  જો કે  આ વાત બધા જાણે જ છે  એટલે એકની એક  વાત  વારેવારે   કહેવાનો અર્થ નથી.

આ  દીપાવલી  આપણે જોઈ શક્યાં  તે માત્ર પ્રભુની કૃપા જ કહી શકાય  . તેથી તેની આનંદપૂર્વક  ,  ભક્તિભાવપૂર્ણ  હૃદય    સાથે  પરમ  કૃપાળુ પરમાત્માને સાદર  વંદન  કરીએ  કે સમગ્ર  વિશ્વ પર ત્રાટકેલા  આ કોરોના  પાતકને  સમૂળગું દૂર કરે ,  સહુને  સુખ, આરોગ્ય  અને   આનંદ બક્ષે.  

આપણે  સહુ પણ  પર્યાવરણ રક્ષણ  , આરોગ્ય રક્ષણ  અંગેના  બધા નિયમો અને સલાહ સૂચનો નું પાલન   કરીએ અને સુખી અને નિરોગી રહીએ  .  આ કપરા  કાળમાં  સહુ પ્રત્યે  સહાનુભૂતિ  રાખીએ અને સહુને સહાય અને મદદ કરીએ ...

સર્વે સંતુ નિરામયા  :

દીપાવલી ની શુભકામના ......

નૂતન  વર્ષાભિનંદન  .........

- મૈત્રેયી  મહેતા  

mainakimehta @gmail .com

ફેસબુક પર જન્મદિવસની શુભેચ્છા

     સોશિયલ મિડીયા એક એવું માધ્યમ છે જેને તમે ચાહી શકો, ધિક્કારી શકો પણ તેને નજરઅંદાજ કરી શકો નહીં. ઘણાંને તેનું એવું વળગણ હોય છે કે તેના વગર ચાલે જ નહીં. રાત્રે સૂતા પહેલા, છેલ્લું કામ મોબાઈલ પર સોશિયલ મિડીયા પર સ્ટેટસ ચેક કરવાનું જ હોય અને સવારે સૌથી પહેલાં ઉઠતાં વેત મોબાઈલ હાથમાં! કદાચ એલાર્મ ઘડિયાળનો જમાનો તો ક્યારનો પૂરો જ થઈ ગયો છે, એટલે મોબાઈલ પરનું એલાર્મ જ આપણી સવાર પાડે છે અને ઉઠતાં વેત ઘણાં ખરાં સૌથી પહેલાં સોશિયલ મિડીયા પર મેસેજ ચેક કરવાનું કામ કરે છે.

  સોશિયલ મિડીયા એટલે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ વગેરે. અહીં સંદેશાઓનો મહાસાગર જોવા મળે. સ્ક્રીન સ્ક્રોલ કર્યા જ કરો, કર્યા જ કરો, સંદેશાઓનો અંત જ ન આવે. પહેલાં સારા કે માઠાં પ્રસંગે કાગળ - પત્ર લખાતાં, આમંત્રણ કંકોત્રી મોકલી કે રૂબરૂ પાઠવાતાં. આજે સમય બદલાયો છે. હવે ઉઠમણાનાં સમાચાર પણ ફેસબુક કે વ્હોટ્સ એપ પર મળે છે અને શુભ પ્રસંગનું આમંત્રણ પણ ત્યાં જ પતાવવામાં આવે છે. જન્મદિવસે તો શુભકામનાઓનો રીતસરનો ધોધ જ વહે છે એમ કહી શકાય.

  ખાસ કરીને ફેસબુકમાં જન્મદિવસને લગતાં બે નિરીક્ષણ વિશે વિચાર કર્યો અને એ બાબતની તમારી સાથે ચર્ચા માંડવાનું મન થયું. ફેસબુકનું એક અતિ ઉપયોગી ફિચર છે - તમારા મિત્રોના જન્મદિવસની તમને યાદ અપાવવાનું. રોજ સવારે ફેસબુક તમારી સામે લાંબીલચક યાદી રજૂ કરી આપે તમારા ફેસબુક મિત્રોની જેમનો જન્મદિવસ હોય. આ એક ખૂબ સારું અને ઉપયોગી ફિચર છે જે તમને સંબંધ જાળવી રાખવામાં મદદ કરે છે. પણ અહીં જ એક સમસ્યા મને રોજ અકળાવે છે. એક જ વ્યક્તિનાં બે, ત્રણ કે ક્યારેક તો પાંચ કે છ અકાઉન્ટ - પ્રોફાઈલ હોય. કયા અકાઉન્ટ પર આપણે વિશ કરવું? કયું અકાઉન્ટ એક્ટિવ અને લેટેસ્ટ હશે તેની અટકળ કરતાં બધાં અકાઉન્ટ એક પછી એક તપાસો, તો દરેક પર થોડાંઘણાં લોકો એ વિશ કર્યું હોય! લોકો શા માટે જૂના અકાઉન્ટ ડીલીટ કરવાની તસ્દી નહીં લેતા હોય? કદાચ નવો ફોન લો, ત્યારે જૂના અકાઉન્ટની વિગતો યાદ નહીં રહેતી હોય? કે પછી અન્ય કોઈ કારણસર જાણી જોઇને તેઓ મલ્ટીપલ અકાઉન્ટ બનાવતા હશે? ફેસબુક તો કદાચ જાણી જોઇને મલ્ટીપલ અકાઉન્ટ બનાવવા દેતું હોય, જેથી એ પોતાના પ્લેટફોર્મ પર કુલ અકાઉન્ટનો વધુ મોટો આંકડો રજૂ કરી શકે, પણ લોકો કયા કારણોસર પોતાના એક કરતાં વધુ અકાઉન્ટ બનાવતાં કે રહેવા દેતાં હશે?

    ફેસબુક પર જન્મદિવસને લગતું બીજું એક સરસ ફિચર છે તમને શુભકામના સંદેશ લખવા સુંદર બેકગ્રાઉન્ડ ટેમ્પ્લેટ પૂરું પાડવાનું. રંગબેરંગી કાર્ડના વિવિધ વિકલ્પો એ દર્શાવે, તમને ગમે એ ઓપ્શન પસંદ કરી, તેના પર તમારો પર્સનલ મનગમતો સંદેશ લખી મોકલી આપો તમારી શુભકામના! તાજેતરમાં તો વઘુ એક રસપ્રદ ફિચર ઉમેર્યું છે ફેસબુકે - તમારાં જે મિત્રનો જન્મદિવસ હોય તેની સાથેની તમારી ફેસબુક પર પ્રસ્તુત તસવીરો પૈકીની સૌથી સારી કે વધુ લાઈક્સ પામેલી તસવીરો તમને જન્મદિવસના રીમાઈન્ડર સાથે દર્શાવવાનું. તમે એ તસવીર કે તસવીરો ફરી શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી શકો અને સાથે તમારી જૂની યાદો ફરી તાજી કરી શકો.

    છેલ્લા કેટલાક સમયથી જન્મદિવસને લગતું અન્ય એક ફિચર પણ હું નિયમિત જોતો. જન્મદિવસના સંદેશ સાથે, તમારા એ મિત્રે પસંદ કરેલી એક એન. જી. ઓ. ચેરીટી સંસ્થાને તમે નાનીમોટી રકમ દાન કરી શકો. મેં પણ મારા ગત સપ્તાહે ગયેલા જન્મદિવસે આવી એક સંસ્થા ફેસબુકે પૂરી પાડેલી યાદીમાંથી પસંદ કરી મારા મિત્રોને તેઓ આ સંસ્થાને ઓનલાઈન દાન કરી શકે એવો વિકલ્પ આપ્યો હતો. શુભસંદેશાઓ તો સેંકડો આવ્યાં અને ધણાં એ આ દાન કરવાના વિકલ્પને લાઈક્સ પણ આપ્યાં, પણ પાંચ હજારનાં લક્ષ્યાંક સામે ત્રણસો રૂપિયા જેટલી રકમ જ જમા થઈ શકી (એ પણ મારા ઘરનાં ને ઘરનાં જ!) કદાચ આ નવું ફિચર પ્રચલિત થતાં વાર લાગશે. 

હિન્દુ - મુસ્લિમ એકતા દર્શાવતી એક સુંદર જાહેરખબરનો નિરર્થક વિરોધ અને વિવાદ

    માત્ર ૪૬ સેકંડની એક અતિ સુંદર જાહેરાત જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક કંપનીએ બનાવી અને દર્શાવી. પણ  મૂર્ખ, ધર્મઝનૂની લોકોના ટોળાએ વધુ જોયા - વિચાર્યા વિના હોબાળો મચાવ્યો, એ ટચૂકડી જાહેરખબરમાં નથી એ જોવાનો દાવો કરી વિરોધનો વંટોળ જગાવ્યો. કમનસીબે તનિષ્ક કંપનીએ એ જાહેર ખબર પાછી ખેંચી લેવી પડી.

   જાહેર ખબર કંઈક આવી હતી - ઝગમગાટ ભર્યા સ્ક્રીન પર મુસ્લિમ વયસ્ક ટેબલ પર ચડી ફૂલોના તોરણથી બંગલો સજાવી રહ્યા છે, નાનકડી એક બાળકી તેમની મદદ કરી રહી છે. સફેદ ઝરીવાળી સુંદર સાડી અને ઘરેણાંથી સજ્જ ગર્ભવતી વહુરાણીને સાસુમા સાચવીને બહાર વરંડા તરફ લઈ જઈ રહ્યા છે. વસ્ત્ર પરિધાન સ્પષ્ટ કરે છે કે વહુરાણી હિન્દુ છે અને સાસુમા મુસ્લિમ. તેઓ બહાર જઈ રહ્યા છે ત્યાં માર્ગમાં સામે તૈયારીઓમાં વ્યસ્ત વર હાથમાં ફળો અને અન્ય સામગ્રી લઈ જતાં જતાં વહુ રાણી સામે પ્રેમ ભર્યું સુંદર સ્મિત આપે છે અને સાસુમા ના ચહેરા પર સ્મિત જોઈ વહુરાણી શરમાઈ જાય છે. આગળ નટખટ નણંદ ભાભી માટે આ ખાસ પ્રસંગ નિમિત્તે કોઈક પીણું બનાવી રહેલી દેખાય છે. તેને સ્મિત આપતાં સાસુ વહુ બહાર વરંડામાં પ્રવેશે છે, જ્યાં વહુરાણીના પિયર પક્ષની હિન્દુ સખીઓ - બહેનો અને સસરા પક્ષના મુસ્લિમ સગા વ્હાલા સરસ સ્મિત અને સુંદર સજ્જ થયેલી વહુ રાણીને જોતાં સાનંદાશ્ચર્યના ભાવો વ્યક્ત કરતાં દર્શાવાયા છે. સાસુ હળવેકથી સાચવીને વહુરાણીને ખાસ તેના માટે તૈયાર કરાયેલા ફૂલોથી મઢેલા આસન પર બેસાડે છે અને વહુરાણી ઉપકારથી ગદગદિત ભાવ સાથે પ્રેમથી સાસુમા ને પૂછે છે કે આ રસમ (સીમંતની વિધિ) તો તેમના (ધર્મ) માં થતી કે ઉજવાતી નથી ને? સાસુમા સ્નેહ ભર્યા સ્વરે મમતા પૂર્વક વહુરાણીના માથે હાથ ફેરવતાં અને તેના ગળામાં સોનાનો હાર પહેરાવતા કહે છે કે ભલે તેમના ધર્મમાં કદાચ એ વિધિ નહીં થતી હોય, પણ દીકરીને ખુશ રાખવા કે કરવાની વિધિ તો દરેક ઘરમાં થાય જ છે!

બેકગ્રાઉંડમાં પ્રખ્યાત અભિનેત્રી દિવ્યા દત્તાના સ્વર માં નીચેની પદ્ય પંક્તિઓ સંભળાય છે...

રિશ્તે હૈ કુછ નયે નયે

ધાગે હૈ યે કચ્ચે પક્કે,

અપનેપનસે ઈન્હે સેહલાયેંગે

પ્યાર પિરોતે જાયેંગે

એક સે દુજા સીરા જોડ દેંગે

એક બંધન બૂનતે જાયેંગે...


સંવેદનશીલ હ્રદય ધરાવતી કોઈ પણ વ્યક્તિને આ જાહેર ખબર જોઈ કોઈ નકારાત્મક વિચાર આવે જ નહીં. આંખોને પણ ગમે, એવાં ભવ્ય ઝાકઝમાળ ભર્યા સેટ પર ભારે ખર્ચ કરીને બનાવાયેલ આ સુંદર એડ નો આશય તો છે ભાઈચારા અને એકાત્મતાનો સંદેશ પાઠવવાનો. તેમના ઘરેણાંની આ નવી શ્રેણી નું નામ પણ 'એકત્વમ' એવું આપ્યું છે. પણ આપણાં દેશમાં વર્ષોથી હિન્દુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે એક પ્રકારના વૈમનસ્યની આગ કોઈક ને કોઈક રીતે પ્રજ્વલિત રહી છે કે રાખવામાં આવી છે. આ પાછળ જવાબદાર એવા તત્વો એ જ આટલી સુંદર જાહેરખબરનો વિરોધ નોંધાવ્યો તેને લવ જિહાદ ને પ્રોત્સાહન આપતી હોવાનો બે બુનિયાદ દાવો કરીને અને સારા કારણો સર પ્રખ્યાત બનવાની જગાએ બિનજરૂરી વિવાદને કારણે ચર્ચાસ્પદ બની જતાં સર્જકો એ આ એડ ને પાછી ખેંચી લેવી પડી. જગતના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રની આ

વરવી વાસ્તવિકતા છે.

છેલ્લે આ જાહેર ખબર નો અંત આવે છે એક પંક્તિ દ્વારા...

"એક જો હુએ હમ તો ક્યા ના કર જાયેંગે..."

પણ હમ હિન્દુ મુસ્લિમ કભી એક હોંગે, એ પ્રશ્ન છે. જો એમ થાય તો અહીં જ જન્નત - સ્વર્ગ બની જાય. આ જાહેર ખબર હજી યુ ટ્યૂબ પર જોવા મળે છે. સર્ચ કરો 'તનિષ્ક એડ હિન્દુ મુસ્લિમ' આ મુખ્ય શબ્દો સાથે અને તમને આ જાહેર ખબર ની લિંક મળી જશે.

અહીં જુઓ આ વિડિયો : https://youtu.be/_5n8PdLIEqM

***********************************

ગેસ્ટ બ્લૉગ લખવા આમંત્રણ

-------------------------------------

વાચક મિત્રો, બ્લોગને ઝરૂખેથી... કટારમાં આપના વિચારો ગેસ્ટ બ્લૉગ સ્વરૂપે લખી મોકલવા આપને આમંત્રણ છે. vikas.nayak@gmail.com આ ઈમેલ આઈડી પર કે 9870017704 મોબાઈલ નંબર પર વોટ્સ એપ દ્વારા ગુજરાતીમાં ટાઇપ કરી આપના વિચારો આપ શેર કરી શકો છો.