Translate

રવિવાર, 19 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ર)

          બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થયા ત્યાર બાદ કવયિત્રીઓની બેઠકના શ્રોતા-પ્રેક્ષકો પણ વિદાય થઈ ગયાં હોવાથી ગુરૂકુલના મંચની આસપાસનો વિસ્તાર હવે શાંત અને નિર્જન થઈ ગયો હતો. મેં ત્યાં થોડા આંટા માર્યા અને ત્યાંના સુંદર વાતાવરણને શ્વાસમાં ભર્યું. પપ્પાના થોડાંઘણાં ચાહકોએ ખાસ રોકાઈ તેમની સાથે ફોટા પડાવ્યાં અને ચા-નાસ્તો કર્યા બાદ અમે તલગાજરડામાં આવેલા સ્વામી નારાયણ મંદિર દર્શનાર્થે ગયાં. સ્વામી નારાયણ મંદિરો એક ખાસ વિશિષ્ટ શૈલીનાં,ભવ્ય અને સુંદર હોય છે. અહિં દર્શન કર્યા બાદ પણ મનને એક અજબની શાંતિ મળી. એ મંદિરનાં વહીવટકર્તા સંત મહંતજીને મળી ફરી ગુરૂકુલ પાછા ફર્યાં. ત્યાં અમારી મુલાકાત ચેન્નાઈનાં સંગીતકાર પંડીત એમ. બાલમુરલીક્રુષ્ણ સાથે થઈ. વર્ષો પેહેલા દૂરદર્શન પરથી રજૂ થતાં પ્રખ્યાત 'મિલે સૂર મેરા તુમ્હારા...'માં દરિયા કિનારે સૂરોની રમઝટ રેલાવતા લૂંગીધારી, કપાળે નાનો ચાંલ્લો કરેલા આ ધૂરંધર સંગીતકારની એ લાક્ષણિક છબી આપણને સૌને આજે પણ યાદ છે. અહિં પણ તેઓ તેમના આ ખાસ પોશાકમાં એ જ સ્વરૂપે જોવા મળ્યાં. ગઈ રાતે દક્ષિણના આ મહાન સંગીતકારે ઉત્તરનાં બીજા એક મહાન સંગીતકાર પંડિત અજય ચક્રવર્તી સાથે શાસ્ત્રીય સંગીતની અદભૂત જુગલબંધી કરી હતી જે મેં અને પપ્પાએ ઘેર બેઠાં આસ્થા ચેનલ પર માણી હતી.અને આજે અમે કર્ણાટકી સંગીતનાં પંડિત એવા આ સરસ્વતી ઉપાસક સાથે મહુઆમાં ગોઠડી માંડી રહ્યાં હતાં! તેમની સાથે થોડી ઘણી વાતચીત કર્યાં બાદ રાતનું ભોજન લઈ રહ્યાં હતાં ત્યાં જ હેલનજી અને આશા પારેખજી તૈયાર થઈ તેમનાં રૂમમાંથી બહાર નીકળ્યાં. પપ્પાએ વર્ષો પહેલાં આશાબેન સાથે અનેક નૃત્યનાટિકાનાં કાર્યક્રમ કર્યાં હોવાથી તેઓ એકબીજાને રુબરુ સારી રીતે ઓળખે. મને જાણ થઈ કે આશા બેન પણ મૂળ મહુઆનાં જ વતની અને તેમને આ વતનનાં ગામ માટે ખુબ લગાવ. તેઓ અવારનવાર અહિંની મુલાકત લે અને અહિં તેમણે એક સાર્વજનિક બગીચો પણ બંધાવ્યો છે. આશાબેન અને હેલનજી સાથે ઔપચારીક અભિવાદન બાદ, ભોજન પતાવી લીધા પછી અમે પણ અમજદ અલી ખાન સાહેબનો સંગીત કાર્યક્રમ જીવંત માણવા તલગાજરડાના હનુમાન મંદિર - ચિત્રકૂટધામ ગયાં. પ્રેક્ષકોની ખાસ્સી ભીડ હોવાથી અમને સૌને પાછલાં બારણેથી બાપુનાં ભાવુક અને નિષ્ઠાવાન કાર્યકરો મંદિર-મંચ પાસે લઈ ગયાં.
          અમજદ અલી ખાન સાહેબ સરોદ પરથી કર્ણપ્રિય સૂરોની સૂરાવલિ વહાવી રહ્યા હતા. શ્રોતાઓ મંત્રમુગ્ધ બની સૂરોની એ નદીમાં વહી રહ્યાં હતાં.બાપુ પોતે પણ એકીરસે આ જાદુઈ સંગીત માણી રહ્યા હતા.અમે પણ એ સંગીતની મજા ધરાઈ ધરાઈને માણી.અમજદ અલી સાહેબે જ્યારે સરોદ પરથી 'મુખડાની માયા લાગી રે...' અને 'વૈષ્ણવ જન તો તેને રે કહીએ...' ભજનોની મધુર ધૂન છેડી ત્યારે તો ત્યાં હાજર સૌ એક અજબનું કંપન - સ્પંદન અનુભવી રહ્યાં. એક મુસ્લીમ કલાકાર હનુમાનજીના મંદિરમાં તેમનાં ચરણોમાં બેસી કલાની ઉપાસના કરી રહ્યો હતો - કદાચ બધાં હિન્દુઓને પણ જે ભજન નહિ આવડતા હોય એ તે સરોદ દ્વારા બજાવી લોકોને સંગીતની એક અલગ જ દુનિયામાં વિહાર કરાવી રહ્યો હતો! સાચા કલાકારનો, આપણે જેને નામ આપ્યાં છે એવો કોઈ ધર્મ નથી હોતો,એનો ધર્મ તો એક જ હોય છે - કલા! અમજદ અલી ખાન સાહેબના પત્ની હિન્દુ છે અને તેઓ ખુબ સારા ભરત નાટ્યમના નૃત્યાંગના છે. તેમની બાજુમાં બેસી આ કાર્યક્રમ માણવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું.
          કાર્યક્રમમાંથી પાછા ફરતાં જેવા મંદિરના પાછલા બારણેથી અમારી ગાડી સુધી પહોંચવા બહાર નીકળ્યા કે સેંકડો તકગાજરડા વાસી ગ્રામ્યજનો 'નટુકાકા .. નટુકાકા..'ની હર્ષભરી ચિચિયારીઓ સાથે અમને ઘેરી વળ્યાં. લોકોનો આટલો પ્રેમ (કે ક્રેઝ?!) જોઈ હું એક અજબની લાગણી અનુભવી રહ્યો! બાપુના ભક્ત અનુયાયી એવા એક કાર્યકર્તા ભાઈ સતત અમારી સાથે રહી અમારૂં ધ્યાન રાખતાં હતાં. તેમણે ત્યાં ફરજ પર હાજર પોલીસ જુવાનોની સહાયથી અમને ચાહકોની મેદની વચ્ચેથી ગાડી સુધી સલામત પહોંચાડ્યા. તે ભાઈ છેક ગુરુકુલ સુધી અમને ગાડીમાં મુકવા આવ્યાં અને ફરી તલગાજરડા ત્યાંની વ્યવસ્થા સંભાળવા પાછા પહોંચી ગયા. અમે આ સૌ બાપુ ભક્તિ અનુયાયીઓની સેવા-નિષ્ઠાથી અભિભૂત થઈ ગયાં હતાં.કોઈક ભાવનગરથી તો કોઈક અમદાવાદથી,કોઈક વડોદરાથી તો કોઈક રાજકોટથી માત્ર સેવા માટે, આ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળવા એકાદ અઠવાડિયાથી અહિં હાજર હતું અને ખડે પગે આ સમગ્ર આયોજનનો ભાર સરખો વહેંચી રહ્યું હતું. ગુરુકુલ પાછા ફરી રાતે સરસ નિદ્રા માણી.
          બીજા દિવસે હનુમાન જયંતિની સવારે વહેલા ઉઠી ચિત્રકૂટ ધામ પહોંચી ગયા. હનુમાન જયંતિની એ સુંદર સવારે અસ્મિતા પર્વનું સમાપન થવાનું હતું તેના અંતિમ ચરણ સમાન પારિતોષિક વિતરણ કાર્યક્રમ સાથે.મંદિરમાં હનુમાનજીની પ્રતિમા સામે પડદો હતો. સામે પ્રાંગણમાં હકડેઠઠ ભીડ હતી.પ્રાંગણમાં પ્રથમ પંક્તિમાં કેટલાક ભક્તો હાર્મોનિયમ,તબલા અને મંજીરાના તાલે હનુમાનધૂન નું સૂરમય ગાન માઈક પર કરી રહ્યાં હતાં.સમગ્ર વાતાવરણ ભક્તિ અને પવિત્રતાની અનેરી સુગંધથી તરબતર હતું.મારું મન પણ એ ભક્તિગાનમાં ક્યારે જોડાઈ ગયું તેનો ખ્યાલ જ ન આવ્યો. એ કીર્તન પૂરું થયું અને હનુમાનજીની મૂર્તિ આગળનો પડદો ખોલવામાં આવ્યો. ઘણાં મંદિરોમાં આ રીતે આરતી કે ભગવાનની પૂજાની કોઈક વિધી પડદા પાછળ ચાલુ હોય અને પછી પડદો ખુલતાં ભગવાનની સુંદર મૂર્તિ દ્રષ્યમાન થાય ત્યારે સામે ઉભેલાં સૌ કોઈ ભક્તિભાવ-વિભોર થઈ જતાં હોય છે અને એક અજબની ખુશી અનુભવાય છે. એવી જ આનંદની લાગણી મેં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી મૂર્તિ દ્રષ્યમાન થતા અનુભવી. પપ્પાએ અન્ય પુરસ્કાર વિજેતાઓ સાથે હનુમાનજીની મૂર્તિના ચરણોમાં મંચ પર સ્થાન ગ્રહણ કર્યું. હું મંદિરની બહાર ડાબી બાજુએ સોફા પર બેસી સમગ્ર કાર્યક્રમ નિહાળી રહ્યો હતો.
           હનુમાનજીની આરતી સમાજનાં નીચલા ગણાતા કુળની ત્રણ કન્યાઓને મંચ પર આમંત્રી તેમના દ્વારા કરાવડાવવામાં આવી.આ મને ખુબ ગમ્યું.આપણે ત્યાં મોટે ભાગે સ્ત્રીઓને હનુમાનજીની મૂર્તિને હાથ જોડી પગે લાગવાની પણ મનાઈ કરવામાં આવે છે અને અન્ય કેટલાક ધર્મ-સંપ્રદાયોમાં પણ સ્ત્રીઓને જોવા કે અડવાનો પણ વિરોધ દર્શાવવામાં આવે છે. જ્યારે અહિ મંચ પર ત્રણ બાળકીઓએ હનુમાનજીની આરતી ઉતારી અને એ પણ વણકર સમાજની અને અન્ય નીચા ગણાતાં કુળની, એ મારા મનને ખુબ રૂચ્યું.
          પુરસ્કાર વિતરણ પહેલાં અમેરિકાથી આવેલા એક ગુજરાતી બહેને સુંદર સિતર-વાદન કર્યું. અનોખી અને અતિ નવલ એવી વાત એ હતી કે તેમના સિતારને હનુમાનજીની ગદામાં રાખવામાં આવ્યું હતું અને જ્યારે ગદા ઉંચકી તેને મંચ પર લઈ જઈ તેમાંથી સિતાર બહાર કાઢવામાં આવ્યું ત્યારે મારા સહીત ત્યાં ઉપસ્થિત સૌ કોઈ સાનંદાશ્ચર્યથી આ વ્યવસ્થાનાં મનોમન વખાણ કરી રહ્યું. આ સાંકેતિક ચેષ્ટા દ્વારા સૂચવાયું કે હનુમાનજી પણ સંગીતનાં શોખીન ભગવાન છે અને અન્યાય નાબૂદ કરવા વપરાતી ગદાના શસ્ત્ર જેટલું જ મહત્વ સંગીતના વાદ્ય સિતારનું પણ છે.
          ત્યારબાદ સૌ પ્રથમ કૈલાસ લલિતકલા પુરસ્કાર અપાયો છબિકલા ક્ષેત્રે આજીવન સેવાનાં ઉપલક્ષ્યમાં શ્રી ઝવેરીલાલ મહેતાને જેઓ ૮૭ વર્ષનાં યુવાન છે! તેમની ફોટોસ્ટોરીઝ હું પણ નાનપણથી માણતો આવ્યો છું. મસ્તમજાની હેટ સાથે તેમની આગવી સ્ટાઈલ અને પોષાકમાં પધારેલાં ઝવેરીસાહેબનાં જોશ અને કાર્યનિષ્ઠા એક યુવાનને પણ શરમાવે એવા હતાં! ત્યારબાદ મારા પિતા શ્રી ઘનશ્યામ નાયક 'રંગલો' ને ગુજરાતી લોકનાટ્ય ભવાઈ ક્ષેત્રે તેમના આજીવન યોગદાન માટે નટરાજ પુરસ્કાર અપાયો જે તેમણે તેમની ખાસ ભવાઈ શૈલીમાં સામે બેઠેલી સંગીત મંડળીએ આપેલ હાર્મોનિયમ અને તબલાનાં તાલે સ્ટેજ પર થોડું નાચીને સ્વીકાર્યો! ત્યારબાદ હિન્દી ફિલ્મોનાં જાણીતા હીરો શ્રી જીતેન્દ્રને ભારતીય ફિલ્મોમાં તેમના આજીવન યોગદાન માટે નટરાજ અવોર્ડ અપાયો જેમાંની ધનરાશિ તેમણે બાપુને નમ્રતા સાથે પરત આપી દીધી એમ કહી કે તે સત્કાર્યોમાં વાપરવામાં આવે. પછી સુશ્રી હેલન અને સુશ્રી આશા પારેખને નૃત્ય અને ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયાં.સંગીત ક્ષેત્રે તેમની નોંધનીય સેવા બદલ હનુમંત અવોર્ડ ઉસ્તાદ અમજદ અલી ખન અને પં.એમ.બાલમુરલીક્રુષ્ણને અપાયાં.અસ્મિતા પર્વનાં પ્રથમ દિવસે તલગાજરડાના રામવાડી ખાતે લાઈવ તાલવાદ્ય-પરકશનનો કાર્યક્રમ આપનાર શ્રી શિવમણિને પણ સંગીત ક્ષેત્રે યોગદાન બદલ હનુમંત અવોર્ડ અપાયો જે લેવા તેઓ હાજર રહી શક્યા નહોતા.ટી.વી.ક્ષેત્રનો નટરાજ અવોર્ડ શ્રી અંજન શ્રીવાસ્તવને અર્પણ કરાયો અને છેલ્લો નટરાજ અવોર્ડ અભિનય ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં સ્વ.શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીને અપાયો જે તેમના પત્નીએ સ્વીકાર્યો. આખા આ અવોર્ડ વિતરણ કાર્યક્રમનું સંચાલન શ્રી હરીશ્ચંદ્ર જોશીએ કર્યું અને અવોર્ડ જુદા જુદા ક્ષેત્રની જય વસાવડા,અર્ચન ત્રિવેદી,તુષાર શુક્લા,માધવ રામાનુજ વગેરે જાણીતી હસ્તીઓ દ્વારા અર્પણ કરાયાં. પુરસ્કાર વિતરણને અંતે પરમ પૂજ્ય શ્રી મોરારિબાપુએ પ્રાસંગિક અભિવ્યક્તિ દરમ્યાન પોતાના એક જુદાજ સ્વભાવ અને સ્વરૂપનું દર્શન કરાવ્યું! બાપુ ખૂબ સારા મૂડમાં હતાં અને તેમણે દરેક અવોર્ડ વિજેતા મહાનુભાવોનો આછેરો પરિચય આપી તેમનાં વિશે રસ પડે તેવી વાતો કરી. બાપુએ તેમની જુવાનીમાં તલગાજરડામાં તેમણે જોયેલી આશા પારેખ અને હેલન અભિનીત ફિલ્મોની વાત કરી અને લોકોને રમૂજી ટૂચકા કહી ખૂબ હસાવ્યાં પણ ખરાં! મારા પપ્પા એ ફરી નાનક્ડો ભવાઈનો અંશ રજૂ કર્યો અને તે જોયા-સાંભળ્યા બાદ બાપુએ પણ પ્રખ્યાત બનેલાં ગુજરાતી ગીત 'ભાઈ...ભાઈ...ભલા મોરે રામા...' ગાઈ ફરી લોકોને હળવા મૂડમાં લાવી દીધાં! ઓસ્માણ મીરે પણ પોતાના બુલંદ કંઠમાં સરસ ગીતની થોડી પંક્તિઓ ગણગણાવી.
                            

                            


                             

                             



                                 

          આ બધી હળવી મસ્તી મજાક બાદ બાપુએ દેશનાં યુવાનોને હનુમાનજીની જેમ ત્રણ સાંકેતિક કૂદકા મારી જીવન સફળ અને સાર્થક કરવાની શીખ આપી. તેમણે હનુમાનજીને પણ કલા-સંગીતનાં શોખીન ગણાવ્યાં-ઓળખાવ્યાં જેની આપણને બહુધા જાણ નથી. હનુમાનજીને આપણે માત્ર રામજીના પરમ ભક્ત તરીકે જ ઓળખીએ છીએ પણ તેમના આ નવા પાસાની બાપુએ સૌને ઓળખ કરાવી. સમગ્ર કાર્યક્રમ ખુબ માણવાલાયક રહ્યો.

                               

          અસ્મિતા પર્વનાં અવિસ્મરણીય અનુભવની વાત અહિ પૂરી થઈ. પણ હું અને પપ્પા આ કાર્યક્રમ બાદ દોઢ દિવસ સુધી મહુવામાં રોકાયા હતાં એ વિશેની વાત આવતા સપ્તાહનાં બ્લોગમાં કરીશ.
(સંપૂર્ણ)

રવિવાર, 12 એપ્રિલ, 2015

અસ્મિતા પર્વનો અવિસ્મરણીય અનુભવ (ભાગ - ૧)


૧૮ વર્ષથી શ્રી મોરારિબાપુના આશિર્વાદથી ગુજરાતનાં મહુવા-તલગાજરડા ખાતે યોજવામાં આવતા સાહિત્યસંગોષ્ઠિ,કાવ્યાયન અને શાસ્ત્રીય સંગીત- નૃત્યમહોત્સવના મહાપર્વ એવા અસ્મિતા પર્વમાં આ વર્ષે હાજર રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. મારા પિતા ઘનશ્યામ નાયક ‘રંગલો’ ને ભવાઈ કલાની અસ્મિતા જાળવી રાખવા અને આ ક્ષેત્રે તેમની આજીવન સેવા બદલ આ વખતના અસ્મિતા પર્વમાં મોરારિબાપુના હસ્તે હનુમાન જયંતિને દિવસે નટરાજ પુરસ્કાર અપાયો અને આ શુભ ઘડીએ હું પણ તેમની સાથે હતો. આ સમગ્ર  યાદગાર અનુભવની વાત આજે આ બ્લોગ થકી કરવી છે.

આ અનુભવ એટલો સુખદ અને અવિસ્મરણીય બની રહ્યો કે હું મૂંઝવણમાં છું કે અમારાં આત્મીયતાપૂર્વક કરાયેલા હ્રદયસ્પર્શી આતિથ્ય વિશે વાત કરું કે આ સુંદર કાર્યક્રમનાં જેટલાં શ્રેષ્ઠતમ કક્ષાનાં અંશ મેં માણ્યા એ વિશે લખું કે આટલાં મોટા એવા આ સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજન વિશે ચર્ચા કરું કે પછી હ્રદયથી જેમનાં માટે માન ઉપજ્યું છે એવા મહાત્મા રામકથાકાર પરમપૂજ્ય શ્રી મોરારિબાપુની મહત્તા અને આ કાર્યક્રમ દરમ્યાન મેં જોયેલા બાપુના જુદાજ સ્વરૂપ વિષે વાત કરું એ વિચારે મારૂં મન ચકરાવે ચડી જાય છે!

અસ્મિતા પર્વ તારીખ પહેલીથી ચોથી દરમ્યાન આયોજિત હતો જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની આસ્થા ચેનલ પર કરાયું હતું. પપ્પાનું સન્માન કાર્યક્રમના અંતિમ ચરણમાં ચોથી એપ્રિલે હતું. અમે મુંબઈથી ભાવનગરની ૩ તારીખની ફ્લાઈટ બુક કરી હતી. જેમનું પપ્પા સાથે જ અભિવાદન કરાવાનું હતું એવા સિને કલાકાર જીતેન્દ્ર અને ટી.વી.તથા સિને કલાકાર અંજન શ્રીવાસ્તવ (જેમને આપણે 'વાગલેકી દુનિયા'ના શ્રીમાન વાગલે તરીકે આજે પણ ઓળખીએ છીએ)પણ અમારી સાથે એ જ ફ્લાઈટમાં હતાં. ભાવનગર ઉતર્યાં એટલે અમને લેવા માટે ગાડી તૈયાર ઉભી હતી. દોઢ-બે કલાકમાં મહુવા પહોંચ્યા એટલે ગુરુકુલ નામની બાપુ દ્વારા ચલાવાતી સંસ્થાના નયનરમ્ય હરીત વાતાવરણમાં આવેલ સુંદર બંગલા-નિવાસો પૈકીની તુલસી કુટીરમાં અમારાં સ્વાગત માટે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંભાળી રહેલાં બાપુના ભક્ત-કાર્યકરો તૈયાર હતાં. જેમનું અવોર્ડ દ્વારા સન્માન થવાનું હોય એ મહાનુભાવોના ભોજનથી માંડી બધીજ સગવડ-સુવિધાઓનું ધ્યાન એક દંપતિ રાખે. સાથે જ આ કાર્યક્રમનું આયોજન સંભાળી રહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કેટલાક ટ્રેઇની યુવાનો તો કેટલાક અહિ જ ગુરુકુલમાં વસતા યુવાનો ખડે પગે દરેક મહેમાનની સેવામાં સતત હાજર. એક યુવાન ઓરિસ્સાથી આવેલો તો બીજો કોલકાતાથી.ત્રીજો એક યુવાન જયપુરથી તો વળી એક અમદાવાદનો!

ગુરુકુલથી પાંચેક કિલોમીટર દૂર તલગાજરડા ખાતે હનુમાન મંદિરનું પવિત્ર મનોરમ પ્રાંગણ - ચિત્રકૂટધામ. આ બે જગાઓએ સમગ્ર કાર્યક્રમ વહેંચાયેલો. કેટલાક કાર્યક્રમ ગુરુકુલનાં પ્રાંગણમાં નાળિયેરી અને આંબાનાં ઝાડો વચ્ચે ઉભા કરાયેલા ખાસ મંચ પર તો અન્ય કેટલાક કાર્યક્રમો ચિત્રકૂટધામનાં મંદિરમાં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી પ્રતિમાના ચરણોમાં ઓટલા જેવા મંચ પર! રામલીલા ફિલ્મમાં લીલાના મહેલ જેવા ઘરના સેટની કલ્પના કદાચ સંજય લીલા ભણસાલીને આ સુંદર મંદિરનું પ્રાંગણ જોઈને આવી હશે! કલાત્મક કોતરણી વાળા સ્તંભો,ભવ્ય પ્રાંગણ અને તેમાં વચ્ચે મોટું ઝાડ, આસપાસ અન્ય વ્રુક્ષો અને તેમની છાયામાં ઓરડીઓ-ઓટલાં.ખુબ સુંદર હતી ચિત્રકૂટધામની આ નયનરમ્ય છબી! ટેક્નોલોજીનો પણ અહિં સુભગ સમન્વય જોવા મળ્યો!મંદિરના પ્રાંગણ બહાર બે મોટા સફેદ પડદા ગોઠવેલા જેના પર મંચ પરથી ભજવાઈ રહેલાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાય.શ્રેષ્ઠ કક્ષાનાં સાઉન્ડ ઇક્વિપ્મેન્ટ્સ દ્વારા દૂર બેઠેલો પ્રેક્ષક કે શ્રોતા પણ કલાકારનો કે સાહિત્યકારનો સ્વર કે વાદ્યનું સંગીત સ્પષ્ટપણે સાંભળી શકે! અનેક દેશોમાં આસ્થા ચેનલ પરથી આ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ પણ લાખો લોકોએ ઘેરબેઠાં નિહાળ્યું-માણ્યું.

કાર્યક્રમનાં સફળ,સુચારૂ અને સરસ આયોજન અને સંચાલન માટે દૂર દૂર થી બાપુ-ભક્તો-અનુયાયીઓ અહિ પધાર્યાં હતાં. બધાંએ અમારા ત્રણેક દિવસનાં નિવાસ દરમ્યાન અમારી નાની મોટી જરૂરિયાતોનું સતત ધ્યાન રાખી અમારી એવી પરોણાગત કરી જે અમે ક્યારેય નહિ ભૂલી શકીએ.ઘરનું જ પણ અતિ સ્વાદિષ્ટ ભોજન એ રીતે પીરસાય કે તમે ગદગદ થઈ જાવ,સ્વાદ સાથે એમાં સાત્વિકતા અને પ્રેમ પણ ભળેલાં હોય જેનો અનુભવ થયા વગર ન રહે. બાપુના ભક્ત અનુયાયી કાર્યકરો સતત આ બે જગાઓ વચ્ચે કારના કાફલા સાથે મહેમાનોની અવરજવર માટે ખડે પગે હાજર. સમગ્ર આયોજનમાં ક્યાંય થાક,કંટાળો કે કોઈ નકારાત્મક લાગણીનું દર્શન ન થાય.

અમે ૩જી તારીખે ભાવનગરથી મહુવા પહોંચીને ભોજન પતાવ્યું ત્યાર બાદ બપોરે પપ્પા રૂમમાં આરામ કરવા પહોંચ્યા અને હું ગુરુકુલના કેમ્પસમાં લટાર મારવા બહાર આવ્યો.ભોજન દરમ્યાન વાતચીત કરતાં માલૂમ પડ્યું કે ગઈ બપોરે હિમાલી વ્યાસ નાયક,ઓસમાણ મીર અને ચિંતન ઉપાધ્યાયે તેમના સુંદર કંઠે ગુરુકુલના વાતાવરણને સૂરમય બનાવ્યું હતું.અમે પહોંચ્યા એ દિવસે બપોરે ત્યાં કવયિત્રીઓની મહેફીલ જામવાની હતી.સમગ્ર કાર્યક્રમનું એકંદર સંચાલન સાહિત્યકાર અને બાપુના ખાસ એવા કવિ હરિશ્ચંદ્ર જોશી કરી રહ્યા હતા.મેં થોડાં-ઘણાં આંટા માર્યાં ત્યાં જ કવયિત્રીઓની બેઠક શરૂ થઈ અને હરિશ્ચંદ્ર ભાઈએ કાર્યક્રમનો દોરીસંચાર યુવા સાહિત્યકાર કવયિત્રી છાયા ત્રિવેદીને સોંપ્યો.

        માત્ર મહિલાઓ પોતાની રચનાઓનું પઠન કરવાની હોય એવા આ કાર્યક્રમને માણવાની મારા જેટલી જ મજા એ કાર્યક્રમ માણી રહેલાં સેંકડો શ્રોતાઓને પણ આવી હશે એ હું તેમના હાકારાત્મક હોંકારાઓ અને દાદના સાદ પરથી પામી શક્યો! બાપુ પોતે પણ આ કાર્યક્રમ માણી રહ્યા હતા.મને ખુબ સારૂ લાગ્યું એ જોઇને કે બાપુ એક મહાન મોટા સંત હોવા છતાં કલા અને સાહિત્યના આટલા મોટા કદરદાન છે.તેઓ આ સમગ્ર પર્વનાં બધાં જ કાર્યક્રમો દરમ્યાન પોતે હાજર રહી કલાકારો-સાહિત્યકારોને બિરદાવતાં જ નહોતાં, એ બધાં કાર્યક્રમોને પોતે રસપૂર્વક માણતા પણ હતા!




કવિતાનો એ કાર્યક્રમ પત્યાં બાદ પપ્પા અને અંજનજી એ બાપુને મળવા જવાનું નક્કી થયું હતું પણ કાર્યક્રમ પત્યા બાદ બાપુ પોતે સામે ચાલીને તેમને મળવા તુલસી કુટીરમાં પધાર્યાં.કેટલી નમ્રતા! હું પ્રથમ વાર બાપુને પ્રત્યક્ષ જોઈ-મળી રહ્યો હતો.એક અનેરી ધન્યતા અને પવિત્રતાની લાગણી થઈ તેમને મળીને. દસેક મિનિટ બાપુએ પપ્પા અને અંજનજી સાથે વાતચીત કરી.મેં પણ મારા તાજેતરમાં પ્રકાશિત થયેલા 'ઇન્ટરનેટ કોર્નર' કટાર પર આધારીત ત્રણ પુસ્તકો કથાકળશ,સ્પર્શ અને ઉપહારની ભેટ બાપુના ચરણોમાં ધરી અને તેમના આશિર્વાદ પ્રાર્થ્યાં. ત્યાં હાજર દરેક વ્યક્તિ એક અનેરી હકારાત્મકતા અને અનેરાં ભક્તિભાવ,પવિત્રતાની અનુભૂતિ કરી રહી હતી.બાદમાં બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થઈ ગયા જ્યાં મોડી સાંજે ઉસ્તાદ અમજદઅલીખાન સાહેબ સરોદની મીઠી સૂરાવલિઓ છેડી સંગીતની જાદૂઈ તાકાતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાના હતા.

(ક્રમશ:)

બુધવાર, 8 એપ્રિલ, 2015

વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા ૨૦૧૫ અને ભારતીય ક્રિકેટ ટીમ

         મારી પણ એવી હ્રદયપૂર્વકની ઇચ્છા હતી કે આ બ્લોગ તમે વાંચતા હોવ ત્યારે વિશ્વ કપ ૨૦૧૫ની ફાઈનલ મેચમાં ૨૦૧૧માં મેળવેલો વિશ્વકપ જાળવી રાખવા ભારત ન્યૂઝીલેન્ડ સામે ઝઝૂમી રહ્યું હોય! પણ આપણી દરેક ઇચ્છા કંઈ થોડી પૂરી થાય છે? એમ થાય એવી અપેક્ષા રાખવી પણ અનુચિત છે.

સ્વભાવિક છે અગાઉની સાતે મેચ શાનદાર રીતે જીતી જવા બાદ સૌને જાણે ખાતરી જ થઈ ગઈ હતી કે હવે તો સેમિ ફાઈનલ મેચ આપણે જ જીતવાના.પણ ત્યાં જ આંચકા જનક હાર મળી. તમે એક સપનું પૂરું થવાની આશામાં બેઠા હોવ અને હોઠ સુધી આવેલો પ્યાલો છિનવાઈ જાય એમ કારમો પરાજય તમારા એ સ્વપ્નને ચકનાચૂર કરી નાંખે ત્યારે તમે હક્કાબક્કા થઈ જાવ,પણ આજ પાઠ આપણે સૌએ શિખવાનો છે જીવનમાં પણ. સ્વપ્ન જુઓ એને પૂરું કરવા તનતોડ મહેનત કરો,પણ એ સદાયે પૂરું થશે જ એવી અપેક્ષા ન રાખો.
ખેર આતો એક રમત હતી.પણ એવી રમત જે ભારતની રગોમાં વહે છે.ભલે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોય પણ દરેક ભારતીય ક્રિકેટ સાથે એક અજોડ નાતો ધરાવે છે.મારા જેવા ક્રિકેટ રમવા કે જોવામાં લેશ માત્ર રસ ન ધરાવતા ભારતીય પણ વર્લ્ડ કપ જેવી મહત્વની મેચો વખતે ક્રિકેટના રંગમાં રંગાયા વિના રહી શકે એમ નથી.
સેમિફાઈનલ મેચના દિવસે જે જોયું ,અનુભવ્યું તેની વાત આજે આ બ્લોગમાં કરવી છે.
કેટલાં દિવસોથી ક્રિકેટઘેલા ભારતીયો જાણે આતુરતાપૂર્વક ૨૬ માર્ચની રાહ જોઈ રહ્યાં હતાં! ૨૫મીથી વોટ્સએપ પર ક્રિકેટને લગતા સંદેશાઓ-જોક્સ ફરતાં થઈ ગયાં હતાં.'બોસ,મારા દૂરનાં સગાનું મરણ થયું છે કે હું બિમાર છું કે મારા પરિવારમાંથી કોઈક માંદુ છે' એવા બહાના ૨૬મીની રજા માટે ઓફિસગરાઓ શોધવા લાગ્યાં હતાં! ૨૬મીની સવારે પણ જાણે રાષ્ટ્રીય રજા હોય એવું સડકો પર અને મુંબઈ લોકલમાં વર્તાતું હતું. મોટાભાગનાં ઓફિસગરાઓએ રજા પાડી તેઓ સવારથી પોતપોતાનાં કે મિત્રોનાં ઘરે ટી.વી.સામે ગોઠવાઈ ગયાં હતાં.જે લોકો રજા પાડી શકે તેમ નહોતાં તેમણે ઓનલાઈન ટ્વીટર કે અન્ય વેબસાઈટ ખોલી રન બાય રન અપડેટ્સ મેળવવાનું શરૂ કરી દીધું હતું.હું પણ સવારથી ટ્વીટર પર સક્રીય હતો. વિશ્વભરમાંથી મોકલાઈ રહેલાં લાખો ટ્વીટ્સ સંદેશાઓમાં ભારતીય ટીમને સપોર્ટ કરવાનો લોકોનો ઉત્સાહ છલકાતો દેખાઈ આવતો હતો.
ઓસ્ટ્રેલિયાના ૩૨૮ રન થઈ ગયા ત્યારે પણ લોકોમાં જાણે ગજબનો આત્મવિશ્વાસ (કે વધુ પડતો વિશ્વાસ ?) છલકાતો હતો. ઇન્ડિયા જાણે જીતવાનું જ છે એમ #IndiaJeetega , #WontGiveItBack , #BleedBlue , #IndVsAus જેવા હેશટેગ્સ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતાં અને તેનો ઉપયોગ કરી લાખો લોકો ભારતીય ખેલાડીઓ સુધી પોતાની શુભેચ્છા પહોંચાડી રહ્યાં હતાં.ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર પણ ઓસ્ટ્રેલિયા ખુદ રમી રહ્યું હોવા છતાં પ્રેક્ષકોમાં ૭૦ ટકા જેટલા ભારતીયો ઇન્ડિયાને ચિયર કરી રહ્યાં હતાં.પણ એક પછી એક ભારતીય ટીમની વિકેટ પડવા માંડી અને ભારતીય શુભચિંતકોની ચિંતા પણ વધતી ચાલી. અનુષ્કા શર્મા બિચારી તદ્દન બિનજરૂરી ટીકા અને વિવાદનું કારણ બની.વિરાટ કોહલીની મેચ જોવા તે ખાસ ઓસ્ટ્રેલિયા સુધી લાંબી થઈ પણ વિરાટની રમત મેગી બનવા જેટલા સમય કરતા પણ ટૂંકી નિવડી અને બીજી કમનસીબી ભારત હાર્યું આથી ટ્વીટર અને વોટ્સ એપ પર તો બિચરી અનુષ્કા નવાણી કૂટાઈ ગઈ અને લોકોએ તેને પનોતી અને ના જાણે શું શું કહી નવાજી.બુદ્ધિના બારદાન કમાલ આર.ખાન જેવા નિષ્ફળ મૂર્ખે લોકો ને અનુષ્કાના ઘર પર પથ્થરો ફેંકવા ઉષ્કેર્યા. સેલીબ્રીટી બન્યાની આ આકરી કિંમત તેણે ચૂકવવી પડી છે.
કેપ્ટન ધોની રમી રહ્યો હતો ત્યાં સુધી ભારતની જીતવાની આશા જીવંત હતી પણ જેવો તે આઉટ થયો કે ભારતની જીતવાની આશા પર પણ પાણી ફરી વળ્યું અને લોકોમાં તેમજ ઓનલાઈન પર પણ જેમ પ્રદર્શિત થવા માંડ્યું એમ દુ:ખ,ક્રોધ,નિરાશા વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ફેલાવા માંડી અને અંતે દસે ભારતીય ખેલાડીઓ આઉટ થઈ જતાં ભારતનો ૯૫ રને કારમો પરાજય થયો.
સફળ થાઓ તો કોઈ મેચમાં કેવી વ્યૂહરચના હતી,શું ખોટું થયું કે કઈ નાની નાની ભૂલો થઈ તેની નોંધ લેતું નથી.પણ તમે હાર્યા કે આખું જગત તમારી નાનામાં નાની ભૂલને ખોતરી ખોતરી શોધી કાઢે અને પછી સૂફિયાણી સલાહો આપવા બેસી જાય છે. મિડીયા પણ રાઈનો પહાડ કરવાનું ચૂકતી નથી.એક ન્યૂઝ કંપનીએ તો #ShamedInSydney જેવા હેશટેગ સાથે ટી.વી.અને ઓનલાઈન માધ્યમોમાં ચર્ચાવિચારણા અને બિનજરૂરી વિષ્લેષણ શરૂ કરી દીધું.આમ કર્યું હોત તો સારૂં થાત અને તેમ કર્યું હોત તો આટલા રન થાત.ફલાણાએ કેચ છોડવો જોઇતો ન હતો અને ઢીકણાએ ફિલ્ડીંગ આમ નહિ ને તેમ કરી હોત તો આપણે કદાચ જીતી શક્યા હોત.આ બધી વ્યર્થ ચર્ચાનો કોઈ અર્થ ખરો?
ધોનીનાં ઘરની બહાર સુરક્ષા વધારી દેવી પડી આ બાબત આપણી પ્રજાની અસહિષ્ણુતા દર્શાવે છે.
હું પણ ભારત હારી ગયું એ બદલ ખેદ અનુભવી રહ્યો હતો ત્યાં એક મિત્રનો સરસ મેસેજ આવ્યો એ વાંચ્યા બાદ મારો અભિગમ તરત બદલાઈ ગયો.એ મેસેજ આ પ્રમાણે હતો "ટીમ ઇન્ડિયા,તમે ખુબ સારી રમત રમી છે અને અમે સૌ તમારી સાથે જ છીએ.૭ મેચમાં સતત જીતતા રહી ૭૦ વિકેટ લેવી એ કોઇ નાની સિદ્ધી નથી. ટીમ ઇન્ડિયા અમને તમારી જરૂર છે.તમે નિરાશ થશો નહિ,વર્લ્ડ કપ મેચ પણ આખરે એક રમત જ હતી."
આવા જ અન્ય એક સંદેશમાં પણ ખુબ સારી વાત કહેવામાં આવી હતી કે હે ભારતીયો આપણાં જ ક્રિકેટ ખેલાડીઓના મજાકમશ્કરી કરતાં સંદેશા કે વિડીયો મોકલતા નહિ કારણ એમાં તેમનું તો અપમાન થશે જ પરંતુ આપણે આપણાં જ ભાઈ-બંધુ-ખેલાડીઓ સાથે કેવું વર્તન કરીએ છીએ એ વ્રુત્તિ છતી થશે. આપણે ભારતીય થઈને આપણાં જ દેશનું ખરાબ થાય કે દેખાય તેવા કોઈ કામ કરીશું નહિ ને કરવા દઈશું નહિ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ એક ખુબ સારા ટ્વીટ સંદેશ દ્વારા ભારતીય ખેલાડીઓને સારી રમત બદલ અભિનંદન પાઠવતાં વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પણ આખરે એક રમત હોઈ તેમાં  હારજીત ચાલ્યા કરે એવું આશ્વાસન વ્યક્ત કર્યું.
આ વર્લ્ડ કપ મેચો અગા ઉ આપણાં ખેલાડીઓ સતત હારી રહ્યાં હતાં. કોઈ એમ પણ નહોતું ધારતું કે આપણે ક્વાર્ટર ફાઈનલ સુધી પહોંચી શકીશું પણ આપણે સેમિફાઈનલ સુધી પહોંચ્યા કારણ તેઓ રમ્યાં અને ચેમ્પિયન્સ ની જેમ રમ્યાં. આપણે પહેલાં તેમને કહ્યું વર્લ્ડ કપ નહિ જીતો તો ચાલશે પણ  પાકિસ્તાન સામે જીતી લાવો અને એમણે આપણી એ ઇચ્છા પૂરી કરી.આપણે અગાઉ ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે જીત્યા  નહોતાં, એ પણ તેમણે કરી બતાવ્યું.
આખી દુનિયા કહેતી હતી તેઓની બોલિંગ ખરાબ છે અને તેમણે વર્લ્ડ કપની સાત મેચોમાં સામી બધી ટીમોની દસે-દસ વિકેટ લઈ બતાડી. સેમિફાઈનલમાં ભલે તેમણે આપણને નિરાશ કર્યા હોય પણ તેમણે જે આપ્યું છે તેની કિંમત  પણ ઓછી આંકવી જોઇએ નહિ.
ટીમ ઇન્ડિયાને આદર આપો. ધોનીની ટીમને આદર આપો. તમારી એક રજા વેડફાઈ ગઈ એવો બળાપો કાઢતી વખતે યાદ રાખજો ધોની એ પહેલી વાર પિતા બન્યો હોવા છતાં હજ સુધી પોતાની નવજાત દિકરીનું મોઢું પણ જોયું નથી.આ છે તેની રમત પ્રત્યેની સમર્પિતતા.
આપણે ટીમ ઇન્ડિયાને સાથ આપવો જોઇએ.જ્યારે તેઓ જીતીને આવે ત્યારે આપણે તેમને સત્કારીએ પણ હારે ત્યારે ધૂત્કારીએ એ આપણી સંસ્ક્રુતિ નથી,આપણાં મૂલ્યો નથી.
આપણને ભારતીય ક્રિકેટ ટીમનાં ચાહક હોવાનું ગૌરવ હોવું જોઇએ.

ગેસ્ટ બ્લોગ : આશા - પ્રથમ સોપાન

                                                                               
                                                                                                  -  વર્ષા તન્ના

આપણામાં કહેવત છે કે ‘આશા અમર છે’. આ અમરત્વના વાઘા પહેરેલી આશા સૌને ગમે છે. સૌ તેને પોતાના હૈયાના એકાદ ખૂણામાં સંઘરી રાખે છે. આશા ભલે અમર હોય પણ તે અમૃત  માનવીએ માનવીએ પોતાનું રૂપ બદલે છે. 

આશા નાના બાળકો માટે માતાના હાલરડાંમાં ઘુંટેલો કસુંબો છે. જીજાબાઇએ આ કસુંબો શિવાજી મહારાજને વીરરસમાં ઘોળી પાયો હતો. તેવી રીતે કલ્પના ચાવલાની માએ આશાને પરીના હાલરડાંમાં ઘોળી પાયો હશે જેથી તેની આશાએ શ્રધ્ધાનું સ્વરૂપ લીધું અને તેને અવકાશયાત્રી બનવાનો મનસૂબો જડ્યો. આમ અડીખમ આશા જ્યારે શ્રધ્ધાનું રૂપ લે છે ત્યારે તે એ અદભૂત કાર્ય બને છે.  

નવી વસ્તુ શીખવાનું પ્રથમ સોપાન છે આશા.  વગરનો માનવી સાવ જડ કે રોબોટ બની જાય છે. જો આશા મનના એકાદ ખૂણામાં સંઘરાયેલ કે સચવાયેલ હશે તો તે આપણને આપણી પરિકલ્પનાના આકાશમાં ધ્રુવનો તારો બની આપણને રસ્તો દેખાડશે.  

આમ જોઇએ તો આશા દરિયાની ભરતી છે.આશા પાનખરની વસંત છે કે  આકાશમાં મલકતો ચંદ્ર છે. સવારનું સાચું પડતું શમણું છે. પાનખરમાં દરેક ઝાડને વસંત આવવાની આશા છે. આશા એ ભૂરા સમુદ્રના ફીણનો એક પરપોટો છે. જે મોજુ તૂટ્યા પછી પણ એક કાળા ખડક પર મોતીની જેમ ચમક્યા કરે છે. આશા  એ પાવનમયી ગંગામા વહેતો મૂકેલો દીવો છે જે અનંતના ઓવારા સુધી ટમક્યા કરે છે.  
આશા એકાંતનું ઘરેણું છે. જો એકાંતમાં આપણે આપણી આશાનું મનન કર્યા કરીએ તો આશા પૂરી થવાનો રસ્તો આપણને ચોક્કસ મળે છે. જેને આપણે ‘પોઝીટીવ  થિંકીંગ’ કહીએ છીએ.આશામાં જ્યારે શ્રધ્ધા ઉમેરાય ત્યારે તે આશા સૌદર્યવતી બને છે. અહલ્યા ભલે શીલા થઈ ગઇ છતાં તેનીઆશામાં રહેલી શ્રધ્ધાથી જ તે ફરી પાછી અહલ્યા બની. તેવી રીતે શબરીની આશામાં શ્રધ્ધા ભળી એટલે રામને તેના એંઠા બોર ખાવા માટે પણ પધારવું પડ્યું.  આમ આશાએ કોઇપણ વસ્તુ મેળવવા માટેની સીડી છે. જો ચડતાં ચડતાં પડી જઇએ તો પણ આપણે ફરી ચડવાનું શરુ કરીએ છીએ આપણી સફળતાની આશા સાથે. 

                                                                                              - વર્ષા તન્ના

શનિવાર, 21 માર્ચ, 2015

ભારત - બંધોનો દેશ ?


આપણો દેશ ભારત એકબંધોના દેશ’નું બિરૂદ પામે તેવી પરિસ્થિતી સર્જાઈ છે. અહિ જો નદી પરના બંધો બાંધવાની વાત હોત તો આવકારદાયક અને ફાયદાકારક સાબિત થાત.પણ અહિં આપણા સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં કેટલાક અમલમાં મૂકાઈ ચૂકેલાં અને કેટલાક જે અમલમાં મૂકવા વિચારાઈ રહ્યું છે એવા પ્રતિબંધોની વાત થઈ રહી છે.
સૌથી વિવાદાસ્પદ બંધ તાજેતરમાં ભારત સરકારે નિર્ભયા ડોક્યુમેન્ટરી પર મૂક્યો છે જે માત્ર દેશમાં નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાસ્પદ બન્યો છે. એક સમયે  ખુદ જાતીય શોષણનો ભોગ બની ચૂકેલી બ્રિટનની એક મહિલા લેઝલી ઉડવીને  બળાત્કારીની વિકૃત માનસિકતા છતી કરવા ડોક્યુમેન્ટરી નિર્ભયાના માતાપિતાની સંમતિ લઈ, જરૂરી પરવાનગી સત્તાવાળાઓ પાસેથી લઈને બનાવી અને જ્યારે તે દુનિયા સમક્ષ જાહેર થવાની ઘડી આવી ત્યારે આપણાં દેશનાં કેટલાક  લોકોએ તે પૂરેપૂરી જોયા વગર તેનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો. સરકારે પણ ડોક્યુમેન્ટરી ના દેખાવ પર પ્રતિબંધ ફરમાવી દીધો. વાત જરા વધુ પડતી છે.આપણે કોઈ વાત સાંભળ્યા વિના,વાર્તા વાંચ્યા વિના કે દ્રષ્ય જોયા વિના કઈ રીતે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી શકીએ? કઈ રીતે તેના માટે વિરોધ નોંધાવી શકીએ? લોકશાહી દેશમાં આવા પ્રકારનો પ્રતિબંધ આવકાર્ય નથી. ડોક્યુમેન્ટરી પરનો પ્રતિબંધ જોકે મોડો પડ્યો અને લાખો લોકોએ તે યુટ્યુબના માધ્યમથી જોઈ લીધી. મારા મતે ડોક્યુમેન્ટરી મેકરનો ભાવ અગત્યનો છે. તેનો ઉદ્દેશ બળાત્કારીને પ્રોત્સાહન આપવાનો કે તેને હીરો બનાવી જગ સામે પ્રસ્તુત કરવાનો બિલકુલ નથી. નહિતો નિર્ભયાના ખુદના માતાપિતા કઈ રીતે ડોક્યુમેન્ટરી બનવા દેવા માટે સહમતિ આપે અને તેમાં પોતાની કમનસીબ પણ બહાદુર દિકરીની સાચી ઓળખ છતી કરે? પ્રતિબંધ મૂકવો તો આમ પોતાના ઘરમાં કંઈક ખોટું ઘણાં વર્ષોથી બનતું હોવા છતાં તે માટે કોઈ નક્કર સખત પગલા લેવાને બદલે ઢાંકપિછોડો કરવા જેવી વાત થઈ.
થોડા મહિના અગાઉ ભારતનાં રાજધાની અને પ્રધાનમંત્રી,રાષ્ટ્રપતિના નિવાસ્થાન  તેમજ સંસદ ગૃ જ્યાં આવેલાં છે એવા દિલ્હીમાં ફરી એક યુવતિ પર મધરાતે ઉબેર ટેક્સીમાં ડ્રાઈવર દ્વારા બળાત્કાર થયો. બળાત્કારની  સજાનો જાણે કોઈને ડર નથી.રોજ અખબારોમાં હવે તો બાળકો અને વ્રુદ્ધ મહિલાઓ પર બળાત્કારનાં ચોંકાવનારા સમાચાર પણ એક કરતા વધુ સંખ્યામાં વાંચવામાં આવે છે. ઉબેર રેપ કેસના ત્વરીત પ્રતિભાવ રૂપે સરકારે ફરી દિશામાં કોઇ નક્કર પગલાં લેવાને બદલે ઓનલાઈન કેબ સેવા પર પ્રતિબંધ મૂકી દીધો. ટેક્સી સેવા વાળાઓને લાયસન્સ આપતી વેળાએ તેનાં ડ્રાઈવર ભરતી કરતી વેળાએ ધારા-ધોરણો, તપાસ વગેરે કેટલાં કડક છે તે અંગે નિયમો સખત બનાવવાની જગાએ કેબ એપ્સ પર પ્રતિબંધ મૂકી દેવો અવ્યાજબી છે.  

અન્ય એક પ્રતિબંધ મહારાષ્ટ્ર સરકાર મૂકવા વિચારી રહી છે છે દુકાનોમાં પૂતળાઓને અંતઃવસ્ત્રોમાં ઉભા કરવા ઉપર. તેઓ માને છે આવા પૂતળાઓ જોઇ કામવાસના ભડકી ઉઠે છે અને લોકો બળાત્કાર કરવા પ્રેરાય છે!

બીજો એક પ્રતિબંધ ખાસ્સી ચર્ચામાં રહ્યો હતો ફિલ્મોમાં અમુક શબ્દો પર પ્રતિબંધ. નવી રચાયેલી સેન્સર સર્ટીફિકેશન કમિટીએ એક ફતવો બહાર પાડ્યો જેમાં ચૂંટી ચૂંટીને ખરાબ શબ્દો સામેલ કર્યા અને જણાવ્યું આમાંનો કોઈ શબ્દ ફિલ્મોમાં નહિ ચાલે. અપશબ્દો સિવાયનાં બોમ્બે , લેસ્બિયન જેવા કેટલાક શબ્દો પણ યાદીમાં સમાવિષ્ટ હતાં!  થોડું વધુ પડતુ લાગે છે. કોઈ નેતા જાહેરમાં લાખોની મેદની વચ્ચે હરામખોર કે હરામજાદા જેવા શબ્દોનો પ્રયોગ કરે સામે કોઈ પગલા નહિ પણ ફિલ્મોમાં આવાં શબ્દો નહિ ચાલે! લોકલ ટ્રેન કે બસમાં,રસ્તા પર કે ગમે તે જાહેર સ્થળે મોટેથી વાત કરતી વખતે પુરુષો આજુબાજુમાં મહિલા કે બાળકો હોય તેની પરવા કર્યા વગર બિન્ધાસ્ત અપશબ્દોનો છૂટ થી પ્રયોગ કરતાં હોય છે. જરૂર છે ત્યાં સંયમ દાખવવાની. ફિલ્મો કે વાર્તામાં પણ જોકે બિનજરૂરી અપશબ્દોના પ્રયોગનો હું હિમાયતી નથી,પણ અભિવ્યક્તિ અને સર્જનાત્મકતાના માધ્યમમાં અમુક શબ્દો પર પ્રતિબંધ મૂકવો કેટલી વ્યાજબી છે? શબાના આઝમી કહ્યા મુજબ સેન્સર બોર્ડ નું કામ ફિલ્મોમાં કાપકૂપીનું નહિ, વિદેશમાં હોય છે તેવી રેટિંગ પદ્ધતિ પ્રમાણે ફિલ્મોને તેમનાં વિષયવસ્તુ અને કન્ટેન્ટ મુજબ જે-તે વયજૂથ માટે તેને વર્ગીકૃ કરવાનું હોવું જોઇએ.

ફિલ્મોમાં કલાકારો સિગારેટ પીતા હોય એવા દ્રષ્યો પર પ્રતિબંધ મૂકનાર સરકારને જાહેર જનતાની તબિયતની ખરેખર ફિકર હોય તો તમાકુ કે સિગારેટ પર સીધો પ્રતિબંધ શા માટે મૂકાતો નથી? આવકની એક દિશા બંધ થઈ જાય માટે કે પછી ફિલ્મોમાં સિગારેટ વાળા દ્રષ્યો પર પ્રતિબંધ પણ માત્ર દેખાડા પૂરતો કે દિશામાં કોઈક પગલાં તો લેવાયાં છે!   
 
         મહારાષ્ટ્રમાં ગૌમાંસ પર, ચોક્કસ દિવસોએ દારૂ પર  કે કેટલીક બિનસરકારી સંસ્થાઓ પર વિદેશી ફંડ સ્વીકારવા પર પ્રતિબંધ અને આવા તો કઈ કેટલાયે પ્રતિબંધો વિશે વાત કરવા બેસીએ તો એક બ્લોગ ઓછો પડે! ઘણાંખરાં પ્રતિબંધો પાછળના મૂળ ઉદ્દેશ અંગે શંકા ઉઠે એવા પ્રતિબંધો હોય છે. લોકશાહી દેશને આવા અવિચારી પ્રતિબંધો શોભે ખરાં?