Translate

લેબલ 'varsha tanna' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'varsha tanna' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 3 જાન્યુઆરી, 2016

ગેસ્ટ બ્લોગ : આંસુ


- વર્ષા તન્ના


મનના દાબડામાં ક્યાંક છૂપાવેલ એવા કૂકા જે ટૂંટિયુંવાળીને બેઠા છે તે ક્યારેક દાબડામાંથી નીકળીને  મનના આંગણમાં આપણી સાથે રમવા આવે છે  તો ક્યારેક આપણે તેને બોલાવીએ છીએ  કૂકા એટલે આપણા આંસુ.

હદયની સંવેદનાનો સંઘેડાઘાટ ઉતાર આપણા આંસુ છે. નિખાલસ હદયનું આખેઆખું ચિત્ર આંસુમાં કોતરાઇ જાય છે. આંસુએ  આપણા હદયની સંવેદના ભલે હોય છતાં આંખ એનું સરનામું છે.શબ્દ અને મૌન વચ્ચેની લિપિ કે રવ છે આંસુ.

કોઇક વખત આંસુ મલકે છે તો કોઇક વખત આંસુ છલકે છે. હરખ અને પ્રસન્નતાના વાઘા પહેરીને પણ આંસુ ઊભરાય છે. તો કોઇવાર વેદનાના સરોવરના કમળ બની ખીલે છે આંસુ

આંખોને આપણે દરિયો કહીએ તો તેમાં આંસુની ભરતીને ઓટ આવ્યા કરે છે. તેને આભના શશીના કિરણો સાથે દોસ્તી નથી. પણ મનની સંવેદનાની સાથે ગોઠડી કરે છે. આમ જૂઓ તો આંસુએ માનવીને આપેલું ઈશ્વરનું વરદાન છે. લાગણીને વ્યક્ત કરવાની ભાષા છે જે મૌનમાં ઘૂંટાઇને સુગંધિત બને છે.

આંસુ આદ્ર હદયની નિશાની છે. આંસુમાં ગંગાજળની પવિત્રતા છે. જ્યારે હદયથી પસ્તાવો થાય છે ત્યારે આપોઆપ આંખ છલકાઇ જાય છે. તેને રોકવા માટે શબ્દો તો નકામા પડે છે. પાંપણની દીવાલ પણ રોકી શકતી નથી. તે બધા બંધન તોડી છલકાઇ જાય છે. અને જ્યારે  પવિત્રતા પણ છેતરાઇ જાય છે ત્યારે મગરના આંસુ બને છે. અને આંસુ નથી પણ મૌનની ગરિમાને હરી લેતો સુનામી છે.

કેટલાય આંસુ પાછળ ઉષાની કોમળતાં હોય છેતો કેટલાય આંસુ દરિયાને કિનારે આવેલા ખડક જેવા જડ એટલેકે  કઠણ હોય છે. તેમાં કશો બદલો લેવાની ભાવના આપોઆપ કોતરાઇ જાય છે. ત્યારે તેની પવિત્રતાની ગાંઠ છૂટી જાય છે અને તે મેલા થાય છે. આમ આંસુ તે આપણા હદયની લિપિ છે. હદયને વાંચવા માટે  આંસુને સમજવા જરૂરી છે. શબ્દોની રમતથી સામેવાળી વ્યક્તિને છેતરી શકાય છે. આંસુ    ઘણી વખત આવો ખેલ ઉઘાડો પાડી દે છે. હા, પણ એક વાત છે કે આંસુ હરખના હોય કે દુ:ખના કે કોઇપણ પ્રસંગના પણ તેનાથી તેની પવિત્રતા ઓછી નથી થતી. આપણે ત્યાં આજે ગંગા મેલી થઇ ગઇ છે તેને મેલી કરવાવાળા પણ આપણે છીએ. તેવીજરીતે મગરના આંસુ વહાવી આપણે આંસુની પાવનતાને મેલી કરીએ છીએ. બાકી આંસુ તો ક્યારેય અપવિત્ર હોય નહીં. કારણકે તે હદયના ઊંડાણથી ઉદભવી આપણી નજરને એક નવી દ્રષ્ટિ આપે છે

 આંસુ ઇશ્વરનું એવું વરદાન છે. જેનાથી દરેક વ્યક્તિ પોતપોતાની લાગણી આલેખે છે. ભલે તે કિનારે આવતી બધી વસ્તુને પોતાનામાં સમાવી લે છતાં વરદાન સૌ કોઇ ચાહે છે. છતાં કેટલાકને મળતું નથી તે એક વૈજ્ઞાનિક વિષય છેઆપણે તેને વૈજ્ઞાનિક નહીં બનાવતાં માત્ર હદયિક બનાવીએ તો તેની લિપિ જરૂર ઉકેલી શકીશું.


- વર્ષા તન્ના

બુધવાર, 8 એપ્રિલ, 2015

ગેસ્ટ બ્લોગ : આશા - પ્રથમ સોપાન

                                                                               
                                                                                                  -  વર્ષા તન્ના

આપણામાં કહેવત છે કે ‘આશા અમર છે’. આ અમરત્વના વાઘા પહેરેલી આશા સૌને ગમે છે. સૌ તેને પોતાના હૈયાના એકાદ ખૂણામાં સંઘરી રાખે છે. આશા ભલે અમર હોય પણ તે અમૃત  માનવીએ માનવીએ પોતાનું રૂપ બદલે છે. 

આશા નાના બાળકો માટે માતાના હાલરડાંમાં ઘુંટેલો કસુંબો છે. જીજાબાઇએ આ કસુંબો શિવાજી મહારાજને વીરરસમાં ઘોળી પાયો હતો. તેવી રીતે કલ્પના ચાવલાની માએ આશાને પરીના હાલરડાંમાં ઘોળી પાયો હશે જેથી તેની આશાએ શ્રધ્ધાનું સ્વરૂપ લીધું અને તેને અવકાશયાત્રી બનવાનો મનસૂબો જડ્યો. આમ અડીખમ આશા જ્યારે શ્રધ્ધાનું રૂપ લે છે ત્યારે તે એ અદભૂત કાર્ય બને છે.  

નવી વસ્તુ શીખવાનું પ્રથમ સોપાન છે આશા.  વગરનો માનવી સાવ જડ કે રોબોટ બની જાય છે. જો આશા મનના એકાદ ખૂણામાં સંઘરાયેલ કે સચવાયેલ હશે તો તે આપણને આપણી પરિકલ્પનાના આકાશમાં ધ્રુવનો તારો બની આપણને રસ્તો દેખાડશે.  

આમ જોઇએ તો આશા દરિયાની ભરતી છે.આશા પાનખરની વસંત છે કે  આકાશમાં મલકતો ચંદ્ર છે. સવારનું સાચું પડતું શમણું છે. પાનખરમાં દરેક ઝાડને વસંત આવવાની આશા છે. આશા એ ભૂરા સમુદ્રના ફીણનો એક પરપોટો છે. જે મોજુ તૂટ્યા પછી પણ એક કાળા ખડક પર મોતીની જેમ ચમક્યા કરે છે. આશા  એ પાવનમયી ગંગામા વહેતો મૂકેલો દીવો છે જે અનંતના ઓવારા સુધી ટમક્યા કરે છે.  
આશા એકાંતનું ઘરેણું છે. જો એકાંતમાં આપણે આપણી આશાનું મનન કર્યા કરીએ તો આશા પૂરી થવાનો રસ્તો આપણને ચોક્કસ મળે છે. જેને આપણે ‘પોઝીટીવ  થિંકીંગ’ કહીએ છીએ.આશામાં જ્યારે શ્રધ્ધા ઉમેરાય ત્યારે તે આશા સૌદર્યવતી બને છે. અહલ્યા ભલે શીલા થઈ ગઇ છતાં તેનીઆશામાં રહેલી શ્રધ્ધાથી જ તે ફરી પાછી અહલ્યા બની. તેવી રીતે શબરીની આશામાં શ્રધ્ધા ભળી એટલે રામને તેના એંઠા બોર ખાવા માટે પણ પધારવું પડ્યું.  આમ આશાએ કોઇપણ વસ્તુ મેળવવા માટેની સીડી છે. જો ચડતાં ચડતાં પડી જઇએ તો પણ આપણે ફરી ચડવાનું શરુ કરીએ છીએ આપણી સફળતાની આશા સાથે. 

                                                                                              - વર્ષા તન્ના