- વર્ષા તન્ના
મનના દાબડામાં ક્યાંક છૂપાવેલ એવા કૂકા જે ટૂંટિયુંવાળીને બેઠા છે તે ક્યારેક દાબડામાંથી નીકળીને મનના આંગણમાં આપણી સાથે રમવા આવે છે તો ક્યારેક આપણે તેને બોલાવીએ છીએ આ કૂકા એટલે આપણા આંસુ.
હદયની સંવેદનાનો સંઘેડાઘાટ ઉતાર એ આપણા આંસુ છે. નિખાલસ હદયનું આખેઆખું ચિત્ર આ આંસુમાં કોતરાઇ જાય છે. આંસુએ આપણા હદયની સંવેદના ભલે હોય છતાં આંખ એ એનું સરનામું છે.શબ્દ અને મૌન વચ્ચેની લિપિ કે રવ છે આ આંસુ.
કોઇક વખત આંસુ મલકે છે તો કોઇક વખત આંસુ છલકે છે. હરખ અને પ્રસન્નતાના વાઘા પહેરીને પણ આંસુ ઊભરાય છે. તો કોઇવાર વેદનાના સરોવરના કમળ બની ખીલે છે આંસુ.
આંખોને આપણે દરિયો કહીએ તો તેમાં આંસુની ભરતીને ઓટ આવ્યા કરે છે. તેને આભના શશીના કિરણો સાથે દોસ્તી નથી. પણ મનની સંવેદનાની સાથે ગોઠડી કરે છે. આમ જૂઓ તો આંસુએ માનવીને આપેલું ઈશ્વરનું વરદાન છે. લાગણીને વ્યક્ત કરવાની ભાષા છે જે મૌનમાં ઘૂંટાઇને સુગંધિત બને છે.
આંસુ એ આદ્ર હદયની નિશાની છે. આંસુમાં ગંગાજળની પવિત્રતા છે. જ્યારે હદયથી પસ્તાવો થાય છે ત્યારે આપોઆપ આંખ છલકાઇ જાય છે. તેને રોકવા માટે શબ્દો તો નકામા પડે છે. પાંપણની દીવાલ પણ રોકી શકતી નથી. તે બધા બંધન તોડી છલકાઇ જ જાય છે. અને જ્યારે આ પવિત્રતા પણ છેતરાઇ જાય છે ત્યારે મગરના આંસુ બને છે. અને આ આંસુ નથી પણ મૌનની ગરિમાને હરી લેતો સુનામી છે.
કેટલાય આંસુ પાછળ ઉષાની કોમળતાં હોય છે. તો કેટલાય આંસુ દરિયાને કિનારે આવેલા ખડક જેવા જડ એટલેકે કઠણ હોય છે. તેમાં કશો બદલો લેવાની ભાવના આપોઆપ કોતરાઇ જાય છે. ત્યારે તેની પવિત્રતાની ગાંઠ છૂટી જાય છે અને તે મેલા થાય છે. આમ આંસુ તે આપણા હદયની લિપિ છે. હદયને વાંચવા માટે આંસુને સમજવા જરૂરી છે. શબ્દોની રમતથી સામેવાળી વ્યક્તિને છેતરી શકાય છે. આંસુ ઘણી વખત આવો ખેલ ઉઘાડો પાડી દે છે. હા, પણ એક વાત છે કે આંસુ હરખના હોય કે દુ:ખના કે કોઇપણ પ્રસંગના પણ તેનાથી તેની પવિત્રતા ઓછી નથી થતી. આપણે ત્યાં આજે ગંગા મેલી થઇ ગઇ છે તેને મેલી કરવાવાળા પણ આપણે જ છીએ. તેવીજરીતે મગરના આંસુ વહાવી આપણે આંસુની પાવનતાને મેલી કરીએ છીએ. બાકી આંસુ તો ક્યારેય અપવિત્ર હોય નહીં. કારણકે તે હદયના ઊંડાણથી ઉદભવી આપણી નજરને એક નવી દ્રષ્ટિ આપે છે
આંસુ એ ઇશ્વરનું એવું વરદાન છે. જેનાથી દરેક વ્યક્તિ પોતપોતાની લાગણી આલેખે છે. ભલે તે કિનારે આવતી બધી વસ્તુને પોતાનામાં સમાવી લે છતાં આ વરદાન સૌ કોઇ ચાહે છે. છતાં કેટલાકને મળતું નથી તે એક વૈજ્ઞાનિક વિષય છે. આપણે તેને વૈજ્ઞાનિક નહીં બનાવતાં માત્ર હદયિક બનાવીએ તો તેની લિપિ જરૂર ઉકેલી શકીશું.
- વર્ષા તન્ના
વર્ષાબેનનો આંસુ વિશે ગેસ્ટબ્લોગનો લેખ ગમ્યો. મારી લઘુ નવલ 'અધૂરી આત્મકથા 'નાં નિવેદનમાં લખ્યું હતું ------ આ આંસુઓ કોની જિંદગીમાં નથી હોતા? અરે! માણસના જન્મની શરૂઆત જ આંસુથી થાય છે. બાળક જો જન્મતાં રડે નહીં તો ડોક્ટર વ્યાકુળ બનીને એને રડાવવાનો પ્રયત્નો કરશે.એનાં ગાલ પર તમાચા મારશે,એની પીઠ ઠપકારશે. કારણકે તેઓ જાણે છે કે બાળક રડશે તો જ જીવી જશે. આપણે બધાં પણ નવજાત શિશુ જેવા છીએ. સર્જનહાર સતત આપણને ઠપકારતાં કહે છે "થોડું રડી લેશો તો જીવી જશો. " આ રડવું એટલે લાગણી ,સંવેદના અને કરુણાથી જીવવું.
જવાબ આપોકાઢી નાખો