- ખેવના દેસાઈ
આઝાદી
આમ તો આઝાદી ખરી
ખાવા પીવાની, પહેરવા ઓઢવાની, હરવા ફરવાની,
સગવડોથીસભર માહોલમાં સવલત ભર્યું જીવન જીવવાની
આમ તો આઝાદી ખરી
હિંસામુકત જીવવાની
ના ઘા, ના ડામ, ના લોહી નીંગળતા જખમ,
ના ઈજા, ના સજા, ના સોળ ઉઠેલી ત્વચા,
આમ તો આઝાદી ખરી પણ આજ ખરી આઝાદી?
ખરેખર છે આઝાદી
ખુલ્લા મને ખાવાપીવાની?
ખુલાસા વગર હરવા ફરવાની?
ખૂંચતી નજર વગર પહેરવા ઓઢવાની?
પ્રશ્નો પૂછવાની?
પ્રશ્ન વેધક નજરથી મુક્ત રહેવાની?
સગવડો કે સવલતો ને સમંતિ આપવાની?
તડજોડ કે બાંધછોડ વગર નગ્ન સત્યને રજૂ કરવાની?
છે આઝાદી હકારની કે નકારની?
સમઝણ કે સ્વીકારની?
જોઈએ છે એક આઝાદી
અદ્રશ્ય અપરાધભાવથી મુક્ત,
અસ્તિત્વ ટકાવવાની જહેમત થી પર
અસ્તિત્વ નાં ઓચ્છવ ઉજવવાની
*******************************************************
રાત આખી હૈયા ભીતર ધીમું ધીમું કણસી રહી
ઝાકળભીના શમણાં ઓઝલ, બોઝલ વાતો વણસી રહી...
કેવા થઇ ચકચૂર વહ્યાં'તા વરસાદી એ ગીતો માં
પૂર્યા'તાં રંગો એ નવલાં મરજાદી એ ભીંતોમાં
અષાઢ આંખોમાં ને તોયે ચાતક નજરો તરસી રહી.
ઝાકળભીના..
હોય કદી શું દરિયાની લહેરો ને એવો ખ્યાલ?
રેતી સાથે સગપણ શાનાં, બે પળ નું એ વ્હાલ
અફવા થઇ વહેંચાતો આનંદ, પીડા છાતીસરસી રહી
ઝાકળભીના..
રાત આખી....
*******************************************************
અરેરાટી અને અસમર્થતા......એક સ્થાયીભાવ
અવારનવાર જોઉં છું એ લોકોને.....કૈક વિચિત્ર જ દેખાવ છે...
ચામડી જેવું કશું જ નહિ....ફક્ત પોકળ હાડપિંજર જેવા...ધૃણા ઉપજે તેવા..
પેલા હાડપિંજર ઉપર એવા તો થર જામ્યા છે કે હવે તો કશું સ્પર્શે જ ક્યાંથી?? ને સ્પર્શે જ નહિ તો અનુભવે ક્યાંથી??
બિચ્ચચારા કશું કરે જ ક્યાંથી??
સાવ પાણા જેવા...
ના ના પાણા તો ગમે તેવા કાળમીંઢ હોય તોય કાળક્રમે દરિયા ની થપાટો ખાઈને સુંવાળા થઇ જાય..
આ તો એનાથીયે....
વર્ષમાં બે ત્રણ વાર હવાફેર કરવા પોતાના હવા મહેલો માંથી બહાર નીકળે ત્યારે શાંતિ, વિશ્વાસ, એકતા અને મદદ ની બે-ચાર હાથલાકડી હોય એ પણ ઠાલી એમના જેવી જ....
ને એ પોકળ લાકડીઓ ઠોક્યા કરે ... પહેલેથી અધમૂઆ થયેલા હાડમાંસ ના લોચાઓને....
ને એ જ લાકડીઓને ટેકે આ લોચા ફિનિકસ હોવાના ભ્રમમાં ઉડે..
આકાશ છવાઈ જાય આ મજબૂર પક્ષીઓથી .....અને અભિનંદન ના ફુગ્ગાઓથી
ફિનિકસ પક્ષી એટલે નિર્બળતા, કાયરતા અને મજબૂરી નું નવું નામ....અને એ નવા નામ ને વધાવતું આપણું શહેર...વાહ મુંબઈ!!
*******************************************************
મૈત્રી
મૈત્રી એટલે...
ખાલીપાના આકાશમાં એક ભર્યા ભર્યા સ્મિત ની રંગોળી....
એ રંગોળી પાડતી આંગળી ઝાલતાં જ અધૂરી લાગતી હસ્તરેખા માં પૂર્ણતા નો સાથીયો પૂરાય..
ને એ સાથીયા સાથે ચિતરાયા હોય શુભ અને લાભ...
એકબીજા નાં શુભ માં જ મળી જતી લાભની લ્હાણી..
આંખો માં છલકાતાં હોય અબીલ ગુલાલ અને સદા ધબકતી હોય અક્ષત રહેવાની ભાવના .....
મૈત્રી એટલે એકલતા ના શ્રીફળ વધેરી ઉજવાતી મેળા ની હોળી
મૈત્રી એટલે હૃદય ગોખ માં ઝળહળતા દીવડા ની દિવાળી
*******************************************************
આવરણ...
ટ્રેનનાં ડબ્બામાં ચડતાંની સાથે જ એણે એક પછી એક આવરણો ઓઢી લીધાં
ધર્મના, સંસ્કારના, ફરજોના ને અરજોના...
કેટલીક પળો પહેલા કૈંક ખાસ લાગતું એનું વ્યક્તિત્વ..
અચાનક જ ટોળાંમાંનું એક બની ગયું..કે ટોળામાં જ લગભગ ખોવાઈ ગયું
આંજી નાખતું એનું સ્મિત કાળા ઘેરાં અંધકાર પાછળ લપાઈ ગયું
બે આંખો ફક્ત રહી.... પોતાના સરનામાં ને શોધતી...
એ સરનામું એટલે ઘર..જે કદાચ પોતીકું ના પણ હોય...
એને મન એ ઘર એટલે એક ઉંબરો માત્ર....
જેને ઓળંગતાં જ પેલા આવરણો આપમેળે વળગતાં જાય છે
ને મચી પડે છે એને ટોળાંમાની એક બનાવવા
જોકે તોય ટ્રેનનાં ડબ્બામાં બીજા કરતાં એ થોડી જુદી ખરી...
એના આવરણો દેખીતા તો હતાં....
*******************************************************
સ્વયંસિદ્ધા
કશો જ ફેર નથી પડતો
એના યુનિફોર્મનો રંગ ખાખી હોય કે કાળો
એના હાથમાં લાકડી હોય કે લેખણ
એનું સ્કર્ટ ધોળું હોય કે એનો કોટ
એ ધરા ધ્રુજાવે કે ધમણ
એ દિલ જીતે કે દોકડા
ઉંબર ને આ પાર કે પેલે પાર
એના સમરાંગણ જુદા કે જુદા એના કુરુક્ષેત્રો
એક સરખી હોય તો અપેક્ષા
ફરજપરસ્તીની
ઉંબરની બન્ને પાર
સંસ્કાર, સમર્પણ ને શિસ્ત વચ્ચેનું સંતુલન જાળવતાં
સ્વયંસિદ્ધા પુરવાર થવાની
*******************************************************
એના લોહીનો રંગ લાલ નહોતો
એના આંસુ ખારા નહોતા
એની પીડાની કોઈ ભાષા નહોતી
ને કલ્પાંત તોય સંભળાયું
શહેરની સગવડ સાચવવા કુરબાન થતા વધુ એક શહીદનું
રસ્તો પહોળો કરતાં કરતાં સાંકડી થતી જતી માનસિકતામાં કોક ડૂસકું અટવાઇ ગયું
*******************************************************
પ્રશ્ન .........
આજે ફરી ઉગ્યો ...
ધરતી ફાડીને પીપળો ઉગે તેમ
દરરોજ ઉગે છે, ફરી ફરી ઉગે છે
મનમાં ઉગતાં ની સાથે જ ધસમસે છે હોઠ સુધી
ને ત્યાંજ અટકી જાય છે
શરમ, સંકોચ કે સભ્યતા ના ઉંબરે ....
એને ખબર છે એ ઉંબરો ઓળંગતાંજ ...
એક શાંત (!) સ્થગિતતામાં વમળો સર્જાશે
ને એ વમળોમાં વલોવાઈ જશે કંઈ કેટલુંય
ક્ષણભરમાં ....ક્ષણભર માટે જ
ને ફરી પાછી એ જ સ્થગિતતા ..
એટલે એ ક્ષણભંગુર જીવન જીવ્યે જાય છે
પ્રસવ વેદના થી બાળ મૃત્યુ સુધીનું ...
- ખેવના દેસાઈ
તમે એક આદર્શ કવયિત્રી છો ખેવના. બધી જ નારી સહજ સંવેદનાઓને તમે કેટલી સુંદર રીતે વાચા આપી છે. સલામ!
જવાબ આપોકાઢી નાખોબ્લોગમાં તમારી કવિતાઓ વાંચી. ખુબ ગમી. જન્મભૂમિ પ્ર્વાસીની કટાર 'બ્લોગ ને ઝરૂખેથી...' મારી મનપસંદ કોલમ છે.
જવાબ આપોકાઢી નાખોહાર્દિક ભિનંદન ખેવના. તમે આ કાવ્યપંક્તિઓને કાપશો તો તેમાંથી લોહી નિતરશે! તમારે કાવ્યોનું પુસ્તક પ્રકાશિત કરવું જોઇએ.
જવાબ આપોકાઢી નાખો