૨૦૧૫ની
અતિ ચર્ચાસ્પદ રહેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની જોઈ. ખુબ ગમી. પોતાના નામમાં પિતાના નામને બદલે પોતાની માતાનું નામ લખવું પસંદ કરનાર આ ફિલ્મના સર્જક
સંજય લીલા ભણસાલીનો હું ખુબ મોટો ચાહક છું. કહોને હું તેમની કોઈ પણ કૃતિ હોય,તેના પ્રત્યે થોડો પક્ષપાતી છું.
લગભગ
બે દસકા અગાઉ આવેલી તેમની સુપરહીટ ફિલ્મ હમ દિલ દે
ચુકે સનમ દ્વારા આપણી ગુજરાતની ભવાઈને એક કમર્શિયલ હિન્દી
ફિલ્મમાં આંતરરાષ્ટ્રીય ફલક સુધી લઈ જનાર મારા
પિતા ઘનશ્યામ નાયકને એ ફિલ્મમાં વિઠ્ઠલ
કાકાનું પાત્ર ભજવવાની તક આપી એટલે
નહિ પરંતુ તેમની કલા,સંગીત, નૃત્ય દરેક પાસા પ્રત્યેની આગવી સૂઝ અને એ સિનેમાનાં ફલક પર રજૂ
કરવાની તેમની શૈલી અને તેમાં આ પરફેકશનીસ્ટ એવા ફિલ્મસર્જકની
માસ્ટરી પર હું ફીદા
છું! તેમને હીરો કે હીરોઈનને શ્રેષ્ઠ
રીતે પેશ કરતાં આવડે છે. દરેક કલાકાર પાસેથી તેનું શ્રેષ્ઠ કૌવત બહાર કઢાવવાની તેમનામાં કુનેહ છે. ઐશ્વર્યા રાય હમ દિલ દે
ચુકે સનમ પછી ક્યારેય એટલી સુંદર કોઈ ફિલ્મમાં લાગી છે? કે તેની એક્ટીંગ
અન્ય કોઈ ફિલ્મમાં આટલી સુંદર રીતે પેશ થઈ છે? અજય
દેવગન,સલમાન ખાન,રણબીર કપૂર કે પછી રણવીર
સિંહ આ બધાં હીરોના
પણ શ્રેષ્ઠ પરફોર્મન્સ સંજયભાઈની ફિલ્મમાં જોવા મળ્યા છે. દરેક હીરો કે હીરોઈનનું તેમની
ફિલ્મમાં કામ કરવા મળે એવું સ્વપ્ન હોય છે એમ કહેવું
અતિશયોક્તિ ભર્યું નહિ ગણાય. સર્જનાત્મકતા સંજય ભાઈમાં કૂટીકૂટીને ભરેલી છે! અભિવ્યક્તિની
તેમની એક આગવી મૌલિક શૈલી છે.
તેમની
પ્રથમ ફિલ્મ ખામોશી - ધ મ્યુઝિકલથી જ
હું તેમનો પ્રશંસક અને ચાહક બની ગયેલો.આ ફિલ્મ જોતી
વખતે હું જેટલું રડ્યો હોઈશ એટલું કદાચ કોઈ અન્ય ફિલ્મ જોતી વખતે નહિ બન્યું હોય. સંજયભાઈની દરેક ફિલ્મ હ્રદયને સ્પર્શી જતી હોય છે. તેમની
દરેક ફિલ્મમાં એક તડપ,એક
વ્યથાની કથા હોય છે. પછી એ મૂક નાના-સીમાની ખામોશીમાં રજૂ થયેલી વ્યથા હોય કે હમ દિલ
દે ચુકે સનમમાં સલમાનની તડપ,સાવરીયામાં રણબીરનો સાચો પ્રેમ અને વિરહ હોય કે બ્લેકની રાનીની
અબોલ વેદના,દેવદાસ-પારો-ચંદ્રમુખીની દેવદાસમાં વર્ણવાયેલી પ્રેમપીડા હોય કે પછી રણવીર-દીપિકાની રામલીલામાં સમાજનાં બંધનોને લીધે ક્યારેય એક ન થઈ
શક્યાનો ગમ,ગુઝારીશમાં હ્રિતીકની શારીરીક અક્ષમતાને લીધે મજબૂરી હોય કે મસ્તાનીની અપ્રતિમ
પ્રેમ છતાં સમાજ દ્વારા અસ્વીકારને લીધે વેઠવી પડતી એકલતા અને અપાર મુશ્કેલીઓ,યાતનાઓ. કરુણ રસ પણ સંજયભાઈના
પ્યાલામાં પીવો ખુબ ગમે છે.ખામોશી, સાવરીયા,
બ્લેક, ગુઝારીશ વગેરે ફિલ્મો ભલે બોક્સઓફિસ પર ટંકશાળ પાડવામાં
સફળ ન રહી હોય
પણ આ બધી ફિલ્મો
મારી સૌથી વધુ પસંદીદા ફિલ્મોની યાદીમાં અગ્રસ્થાને છે. સંગીતની પણ સંજયભાઈમાં ગજબની
સૂઝ છે.તેમની દરેક
ફિલ્મના ગીત મારા મોબાઈલ બદલાવાની સાથે જૂનામાંથી નવા મોબાઈલમાં ટ્રાન્સ્ફર થતાં રહે છે!
તેમની
ફિલ્મોમાં રજૂ થતી ભવ્યતા સામે લોકોનો વિરોધ હોય છે. દેવદાસ-પારો અને ચંદ્રમુખીને તેમણે મહેલ જેવી ભવ્ય કોઠીઓમાં બતાવ્યાં તેના કારણે ભારે વિવાદ થયેલો. મારૂં માનવું છે કે એક
સર્જક જ્યારે મૂળ હાર્દ જાળવી વાર્તાને પોતાની રીતે રજૂ કરવા થોડી છૂટછાટ લઈ તેને પોતાની
આગવી દ્રષ્ટીથી રજૂ કરે તેમાં શા માટે કોઈએ
વાંધો લેવો જોઇએ?
ફિલ્મો
લાર્જર ધેન લાઈફ હોય છે.દેવદાસની વાર્તામાં
ભવ્યતાનું છોગું ઉમેર્યું એમાં શા માટે કોઈએ
વિરોધ નોંધાવવો જોઇએ?મૂળ વાર્તામાં કદાચ પારો અને ચંદ્રમુખી ક્યારેય મળ્યા નહોતાં પણ સંજયભાઈએ તેમને
સાથે નચાવ્યાં અને બે સ્ત્રીઓની વેદના
વહેંચી સાથે ઉત્સવની જેમ ઉજવવાની અભિવ્યક્તિને લીધે જ તો બોલિવુડને
એક શ્રેષ્ઠ ગીતની ભેટ મળી જેમાં બે જાજરમાન અભિનેત્રીઓ
એકસાથે સુંદર નૃત્ય કરતી જોવા મળી.
બાજીરાવ-મસ્તાનીમાં પણ પ્રિયંકા અને
દીપિકાને પિંગા ગીતમાં એક સાથે નૃત્ય
કરતાં દર્શાવાયા છે એ બાબતનો
ઘણો વિરોધ થયો છે એમ કહીને
કે કાશીબાઈ અને મસ્તાની ક્યારેય એકમેક સમે રૂબરૂ આવ્યાં જ નહોતા અને
અશ્લીલ દેખાય તેવા વસ્ત્રો પહેરી નૃત્ય કરવું તો દૂર રહ્યું
પણ કાશી બાઈને પગે સહેજ ખોડ હતે અને તેમણે ક્યારેય નાચ કર્યો જ નહોતો.સર્જક
તરીકે થોડી છૂટછાટ લઈ,એક જ
પતિની બે પત્નીઓ થોડી
વાર માટે દુ:ખ અને
એકમેક પ્રત્યે વૈમનસ્યની ભાવના ભૂલાવી મહારાષ્ટ્રની લોકપરંપરા દર્શાવતું એક સુંદર ગીત,પરંપરાગત વસ્ત્રો પહેરી રજૂ કરે એમાં શા માટે વિરોધ
નોંધાવવો જોઇએ?
બાજીરાવ-મસ્તાની ફિલ્મની વાત કરું તો સંજયભાઈની અન્ય
ફિલ્મોની જેમ જ અહિં પણ
એકે-એક ફ્રેમ પડદા
પરથી આંખ હટાવવાનું મન ન થાય
એટલી સુંદર રીતે રજૂ થઈ છે.ભવ્ય
સેટ્સ, ઓથેન્ટીસીટી, વસ્ત્રો, પાત્રોની બોલચાલની રીત, તે સમયની પરંપરાઓ
આ બધું એટલી મનમોહક રીતે પેશ થયું છે કે એ
દરેક પાસા માટે સંજયભાઈને દાદ આપ્યાં વગર ન રહી શકાય.
લાક્ષણિક
મરાઠી ઢબે સંવાદ બોલતો રણબીર ફિલ્મના દરેક દ્રષ્યમાં છવાઈ જાય છે.કાશીબાઈના પાત્રને
પ્રિયંકા ચોપ્રા દ્વારા ખુબ સારી રીતે ન્યાય અપાયો છે તો દીપિકા પણ મસ્તાનીના પ્રેમ
અને શૌર્ય-ખુમારીને અતિ કાબેલિયતપૂર્વક પશ કરવામાં સફળ રહી છે. નકારાત્મકતાની ઝાંય
ધરાવતું માથે સાચે બોડુ કરાવેલ તન્વી આઝમી દ્વારા ભજવાયેલું બાજીરાવની મા નું પાત્ર
કે બાજીરાવના માનીતા પ્રધાનના પાત્રમાં મિલિન્દ સોમણ, બાજીરાવના ભાઈ અને મોટા પુત્રની
ભુમિકાઓ ભજવતા હિન્દી ફિલ્મક્ષેત્રે ઓછા જાણીતા કલાકારો દરેકનું પાત્રાલેખન પણ અતિ
સુંદર રીતે થયું છે.
યુદ્ધ
સમયે બાજીરાવ જ્યારે મસ્તાનીને મદદ કરવા જાય છે ત્યારે શિંગડા
પર દીવા લગાડાયેલા એકસાથે દોડતાં અસંખ્ય બળદોનું દ્રષ્ય હોય કે એન્ટ્રી સમયે
હરણીની જેમ ભાગી રહેલી પ્રિયંકાના મોટી સુંદર રંગોળી પર પગ પડી
જતાં પોતાને જ ટપલી મારવા
વાળો સીન, પાણીમાં ચાલી દીપિકાને અને અન્ય એક દ્રષ્યમાં રઝા
મુરાદને મળવા જઈ રહેલ રણબીર
કે તોફાનમાં ભારે વર્ષા- મસ્તાનીને મળવા જઈ રહેલ બાજીરાવ,
પુણેમાં રાજાનો મહેલ કે શીશઘર કે
મસ્તાની મહલ,દરેક ગીત અને દરેક નૃત્ય,આ ફિલ્મનું દરેકેદરેક
પાસુ દર્શકના મન પર અમીટ-ઘેરી છાપ છોડી જાય છે.ફિલ્મનો અંતિમ
સીન દેવદાસના છેલ્લા સીન જેટલીજ ઉત્કટતા અને લાગણીઓથી સભર બન્યો છે.
મુસ્લીમ
હોવા છતાં મસ્તાની બાઈ ગુડી પડવાના દિવસે મસ્તાની મહેલની અગાશીમાં પવિત્ર ગુડી મુકે છે કે પછી
મરાઠી પરંપરાગત નવવારી સાડીમાં સજ્જ થઈ કંકુ-હળદરનો
ચાંલ્લો લગાડી કાશીબાઈને મળવા જાય છે.આ બધી
બારીકાઈથી જોવા-નોંધવા લાયક ચીજો વિરોધકારોને નહિ દેખાતી હોય?
મહારાષ્ટ્રના
એક મહાન યોદ્ધા વિશે આ ફિલ્મના માધ્યમથી
આજની પેઢીને માહિતગાર કરાવવા બદલ તેમજ મરાઠી પાર્શ્વભૂમિ ધરાવતી એક ઉમદા ફિલ્મ
બોલિવુડને ભેટ આપવા માટે સંજય લીલા ભણસાલીને સલામ!
સંજય લીલા ભણસાલી પરના તમારા સુંદર બ્લોગ બદલ આભાર. હું પણ તેમનો ખુબ મોટો ચાહક છું. તે ખરેખર સર્જનાત્મક માસ્ટર છે. તેમની દરેક ફિલ્મોમાં દરેક કલાકારનો શ્રેષ્ઠ દેખાવ અને ઉત્તમ કલા-દિગ્દર્શન જોવા મળે છે. ઐશ્વર્યા રાય વિશેનું તમારું અવલોકન સાવ સાચું છે. સલમાન ખાન ની ખામોશીની ભૂમિકા માટે પણ એ જ વાત લાગુ પડે છે. નાના પાટેકર જેવા કલાકારને મૂંગાનો રોલ આપી તેની પાસેથી પણ શ્રેષ્ઠ કામ કઢાવવાનું કામ તો સંજય ભાઈ જેવા દિગ્ગજ જ કરી શકે.તમારો આ લેખ સંજય ભાઈ સુધી પહોંચવો જોઇએ.
જવાબ આપોકાઢી નાખોસંજય લીલા ભણસલી નો બ્લોગ ખુબજ સરસ રીતે વર્ણવ્યો....વાહ! એક જીનિયસ ફિલ્મ સર્જક, રૂપેરી પડદાના એક સુંદર કસબીકાર. ફિલ્મ નિર્માણ ની તેમની લાજવાબ યાત્રાનું વર્ણન ખરેખર તારીફ લાયક રહ્યું... દરેક લેખ ની જેમ આ લેખ પણ યાદગાર હતો.
જવાબ આપોકાઢી નાખો'બ્લોગને ઝરૂખેથી'માં સંજય લીલા ભણસાલી પરના તમારા બ્લોગ દ્વારા એક ઉમદા ફિલ્મ ક્રિટિક તરીકે કલમબાજી પૂરવાર થઈ. બાજીરાવ મેં હજુ સુધી જોઈ ન હતી, પણ હવે તમારો રીવ્યુ વાંચ્યા પછી જોવાની ઇચ્છા જરૂર કરીશ.
જવાબ આપોકાઢી નાખોફિલ્મ 'ખામોશી - ધ મ્યુઝિકલ' વિશે અનુભવ જણાવ્યો તે જ અનુભૂતિ: એક સંસ્થા તરફથી ફિલ્મ શો યોજાયો હતો. થીએટરમાંથી બહાર નીકળ્યા ત્યારે લગભગ બધાની આંખોમાં આંસુ હતા. હું સમજું છું તેમ આ ભાવ અભિવ્યક્તિને catharsis - ભાવવમન શબ્દ આપીશ. આપણી અંદર ચાલતા ભાવપ્રવાહને પડદા પાછળ કલાકાર વ્યક્ત કરે, ત્યારે આપણે એ પરિસ્થિતિમાંથી પસાર થતા હોવાની લાગણી અનુભવીએ.
બાકી 'હમ દિલ દે ચૂકે...' 'દેવદાસ', 'બ્લેક' વગેરે ઉત્કૃષ્ટ કૃતિઓ. ગુજારી જોવાની કેમ રહી ગઈ એ હું સમજી નથી શક્યો. જરૂર જોઈશ.