સ્વભાવિક છે અગાઉની સાતે મેચ
શાનદાર રીતે જીતી જવા બાદ સૌને જાણે ખાતરી જ થઈ ગઈ હતી કે હવે તો સેમિ ફાઈનલ મેચ આપણે
જ જીતવાના.પણ ત્યાં જ આંચકા જનક હાર મળી. તમે એક સપનું પૂરું થવાની આશામાં બેઠા હોવ
અને હોઠ સુધી આવેલો પ્યાલો છિનવાઈ જાય એમ કારમો પરાજય તમારા એ સ્વપ્નને ચકનાચૂર કરી
નાંખે ત્યારે તમે હક્કાબક્કા થઈ જાવ,પણ આજ પાઠ આપણે સૌએ શિખવાનો છે જીવનમાં પણ. સ્વપ્ન
જુઓ એને પૂરું કરવા તનતોડ મહેનત કરો,પણ એ સદાયે પૂરું થશે જ એવી અપેક્ષા ન રાખો.
ખેર આતો એક રમત હતી.પણ એવી રમત
જે ભારતની રગોમાં વહે છે.ભલે આપણી રાષ્ટ્રીય રમત હોકી હોય પણ દરેક ભારતીય ક્રિકેટ સાથે
એક અજોડ નાતો ધરાવે છે.મારા જેવા ક્રિકેટ રમવા કે જોવામાં લેશ માત્ર રસ ન ધરાવતા ભારતીય
પણ વર્લ્ડ કપ જેવી મહત્વની મેચો વખતે ક્રિકેટના રંગમાં રંગાયા વિના રહી શકે એમ નથી.
સેમિફાઈનલ મેચના દિવસે જે જોયું
,અનુભવ્યું તેની વાત આજે આ બ્લોગમાં કરવી છે.
કેટલાં દિવસોથી ક્રિકેટઘેલા ભારતીયો
જાણે આતુરતાપૂર્વક ૨૬ માર્ચની રાહ જોઈ રહ્યાં હતાં! ૨૫મીથી વોટ્સએપ પર ક્રિકેટને લગતા
સંદેશાઓ-જોક્સ ફરતાં થઈ ગયાં હતાં.'બોસ,મારા દૂરનાં સગાનું મરણ થયું છે કે હું બિમાર
છું કે મારા પરિવારમાંથી કોઈક માંદુ છે' એવા બહાના ૨૬મીની રજા માટે ઓફિસગરાઓ શોધવા
લાગ્યાં હતાં! ૨૬મીની સવારે પણ જાણે રાષ્ટ્રીય રજા હોય એવું સડકો પર અને મુંબઈ લોકલમાં
વર્તાતું હતું. મોટાભાગનાં ઓફિસગરાઓએ રજા પાડી
તેઓ સવારથી પોતપોતાનાં કે મિત્રોનાં ઘરે ટી.વી.સામે ગોઠવાઈ ગયાં હતાં.જે લોકો રજા પાડી
શકે તેમ નહોતાં તેમણે ઓનલાઈન ટ્વીટર કે અન્ય વેબસાઈટ ખોલી રન બાય રન અપડેટ્સ મેળવવાનું
શરૂ કરી દીધું હતું.હું પણ સવારથી ટ્વીટર પર સક્રીય હતો. વિશ્વભરમાંથી મોકલાઈ રહેલાં
લાખો ટ્વીટ્સ સંદેશાઓમાં ભારતીય ટીમને સપોર્ટ કરવાનો લોકોનો ઉત્સાહ છલકાતો દેખાઈ આવતો
હતો.
ઓસ્ટ્રેલિયાના ૩૨૮ રન થઈ ગયા
ત્યારે પણ લોકોમાં જાણે ગજબનો આત્મવિશ્વાસ (કે વધુ પડતો વિશ્વાસ ?) છલકાતો હતો. ઇન્ડિયા
જાણે જીતવાનું જ છે એમ #IndiaJeetega , #WontGiveItBack , #BleedBlue , #IndVsAus જેવા
હેશટેગ્સ ટ્વીટર પર ટ્રેન્ડ થઈ રહ્યાં હતાં અને તેનો ઉપયોગ કરી લાખો લોકો ભારતીય ખેલાડીઓ
સુધી પોતાની શુભેચ્છા પહોંચાડી રહ્યાં હતાં.ઓસ્ટ્રેલિયાની ભૂમિ પર સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ
પર પણ ઓસ્ટ્રેલિયા ખુદ રમી રહ્યું હોવા છતાં પ્રેક્ષકોમાં ૭૦ ટકા જેટલા ભારતીયો ઇન્ડિયાને
ચિયર કરી રહ્યાં હતાં.પણ એક પછી એક ભારતીય ટીમની વિકેટ પડવા માંડી અને ભારતીય શુભચિંતકોની
ચિંતા પણ વધતી ચાલી. અનુષ્કા શર્મા બિચારી તદ્દન બિનજરૂરી ટીકા અને વિવાદનું કારણ બની.વિરાટ
કોહલીની મેચ જોવા તે ખાસ ઓસ્ટ્રેલિયા સુધી લાંબી થઈ પણ વિરાટની રમત મેગી બનવા જેટલા
સમય કરતા પણ ટૂંકી નિવડી અને બીજી કમનસીબી ભારત હાર્યું આથી ટ્વીટર અને વોટ્સ એપ પર
તો બિચરી અનુષ્કા નવાણી કૂટાઈ ગઈ અને લોકોએ તેને પનોતી અને ના જાણે શું શું કહી નવાજી.બુદ્ધિના
બારદાન કમાલ આર.ખાન જેવા નિષ્ફળ મૂર્ખે લોકો ને અનુષ્કાના ઘર પર પથ્થરો ફેંકવા ઉષ્કેર્યા. સેલીબ્રીટી
બન્યાની આ આકરી કિંમત તેણે ચૂકવવી પડી છે.
કેપ્ટન ધોની રમી રહ્યો હતો ત્યાં
સુધી ભારતની જીતવાની આશા જીવંત હતી પણ જેવો તે આઉટ થયો કે ભારતની જીતવાની આશા પર પણ
પાણી ફરી વળ્યું અને લોકોમાં તેમજ ઓનલાઈન પર પણ જેમ પ્રદર્શિત થવા માંડ્યું એમ દુ:ખ,ક્રોધ,નિરાશા
વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ફેલાવા માંડી અને અંતે દસે ભારતીય ખેલાડીઓ આઉટ થઈ જતાં
ભારતનો ૯૫ રને કારમો પરાજય થયો.
સફળ થાઓ તો કોઈ મેચમાં કેવી વ્યૂહરચના
હતી,શું ખોટું થયું કે કઈ નાની નાની ભૂલો થઈ તેની નોંધ લેતું નથી.પણ તમે હાર્યા કે
આખું જગત તમારી નાનામાં નાની ભૂલને ખોતરી ખોતરી શોધી કાઢે અને પછી સૂફિયાણી સલાહો આપવા
બેસી જાય છે. મિડીયા પણ રાઈનો પહાડ કરવાનું ચૂકતી નથી.એક ન્યૂઝ કંપનીએ તો #ShamedInSydney
જેવા હેશટેગ સાથે ટી.વી.અને ઓનલાઈન માધ્યમોમાં ચર્ચાવિચારણા અને બિનજરૂરી વિષ્લેષણ
શરૂ કરી દીધું.આમ કર્યું હોત તો સારૂં થાત અને તેમ કર્યું હોત તો આટલા રન થાત.ફલાણાએ
કેચ છોડવો જોઇતો ન હતો અને ઢીકણાએ ફિલ્ડીંગ આમ નહિ ને તેમ કરી હોત તો આપણે કદાચ જીતી
શક્યા હોત.આ બધી વ્યર્થ ચર્ચાનો કોઈ અર્થ ખરો?
ધોનીનાં ઘરની બહાર સુરક્ષા વધારી
દેવી પડી આ બાબત આપણી પ્રજાની અસહિષ્ણુતા દર્શાવે છે.
હું પણ ભારત હારી ગયું એ બદલ
ખેદ અનુભવી રહ્યો હતો ત્યાં એક મિત્રનો સરસ મેસેજ આવ્યો એ વાંચ્યા બાદ મારો અભિગમ તરત
બદલાઈ ગયો.એ મેસેજ આ પ્રમાણે હતો "ટીમ ઇન્ડિયા,તમે ખુબ સારી રમત રમી છે અને અમે
સૌ તમારી સાથે જ છીએ.૭ મેચમાં સતત જીતતા રહી ૭૦ વિકેટ લેવી એ કોઇ નાની સિદ્ધી નથી.
ટીમ ઇન્ડિયા અમને તમારી જરૂર છે.તમે નિરાશ થશો નહિ,વર્લ્ડ કપ મેચ પણ આખરે એક રમત જ
હતી."
આવા જ અન્ય એક સંદેશમાં પણ ખુબ
સારી વાત કહેવામાં આવી હતી કે હે ભારતીયો આપણાં જ ક્રિકેટ ખેલાડીઓના મજાકમશ્કરી કરતાં
સંદેશા કે વિડીયો મોકલતા નહિ કારણ એમાં તેમનું તો અપમાન થશે જ પરંતુ આપણે આપણાં જ ભાઈ-બંધુ-ખેલાડીઓ
સાથે કેવું વર્તન કરીએ છીએ એ વ્રુત્તિ છતી થશે. આપણે ભારતીય થઈને આપણાં જ દેશનું ખરાબ
થાય કે દેખાય તેવા કોઈ કામ કરીશું નહિ ને કરવા દઈશું નહિ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ
પણ એક ખુબ સારા ટ્વીટ સંદેશ દ્વારા ભારતીય ખેલાડીઓને સારી રમત બદલ અભિનંદન પાઠવતાં
વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પણ આખરે એક રમત હોઈ તેમાં
હારજીત ચાલ્યા કરે એવું આશ્વાસન વ્યક્ત કર્યું.
આ વર્લ્ડ કપ મેચો અગા ઉ આપણાં
ખેલાડીઓ સતત હારી રહ્યાં હતાં. કોઈ એમ પણ નહોતું ધારતું કે આપણે ક્વાર્ટર ફાઈનલ સુધી
પહોંચી શકીશું પણ આપણે સેમિફાઈનલ સુધી પહોંચ્યા કારણ તેઓ રમ્યાં અને ચેમ્પિયન્સ ની
જેમ રમ્યાં. આપણે પહેલાં તેમને કહ્યું વર્લ્ડ કપ નહિ જીતો તો ચાલશે પણ પાકિસ્તાન સામે જીતી લાવો અને એમણે આપણી એ ઇચ્છા
પૂરી કરી.આપણે અગાઉ ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે જીત્યા નહોતાં, એ પણ તેમણે કરી બતાવ્યું.
આખી દુનિયા કહેતી હતી તેઓની બોલિંગ
ખરાબ છે અને તેમણે વર્લ્ડ કપની સાત મેચોમાં સામી બધી ટીમોની દસે-દસ વિકેટ લઈ બતાડી.
સેમિફાઈનલમાં ભલે તેમણે આપણને નિરાશ કર્યા હોય પણ તેમણે જે આપ્યું છે તેની કિંમત પણ ઓછી આંકવી જોઇએ નહિ.
ટીમ ઇન્ડિયાને આદર આપો. ધોનીની
ટીમને આદર આપો. તમારી એક રજા વેડફાઈ ગઈ એવો બળાપો કાઢતી વખતે યાદ રાખજો ધોની એ પહેલી
વાર પિતા બન્યો હોવા છતાં હજ સુધી પોતાની નવજાત દિકરીનું મોઢું પણ જોયું નથી.આ છે તેની
રમત પ્રત્યેની સમર્પિતતા.
આપણે ટીમ ઇન્ડિયાને સાથ આપવો
જોઇએ.જ્યારે તેઓ જીતીને આવે ત્યારે આપણે તેમને સત્કારીએ પણ હારે ત્યારે ધૂત્કારીએ એ
આપણી સંસ્ક્રુતિ નથી,આપણાં મૂલ્યો નથી.
આપણને ભારતીય ક્રિકેટ ટીમનાં
ચાહક હોવાનું ગૌરવ હોવું જોઇએ.
'વિશ્વકપ ક્રિકેટ અને ભારત' બ્લોગને અંતે લખેલી (ધોનીની પિતા બન્યા છતાં નવજાત દિકરી કરતાં વધુ પ્રાથમિકતા પોતાની ફરજને આપવા વાળી) વાત સોનામાં સુગંધ સમાન હતી.કદાચ અન્ય કોઈ વર્તમાનપત્ર કે સમાચારમાં આ વાત પર ભાર મૂકાયો નથી.
જવાબ આપોકાઢી નાખોઆપણે ભારતીયો અતિ સંવેદનશીલ છીએ. આપણે જ ભારતીય ક્રિકેટરોને જ્યારે તેઓ સફળ થાય ત્યારે વધારે પડતા ચગાવીએ છીએ અને તેઓ નિષ્ફળતા પામે ત્યારે આશ્વાસનની જગાએ તેમને લાત મારી નીચે ઉતારી પાડવામાં કોઈ કમી રાખતાં નથી.
- ડો.ભરત પાલણ