૧૮ વર્ષથી શ્રી
મોરારિબાપુના આશિર્વાદથી ગુજરાતનાં મહુવા-તલગાજરડા ખાતે યોજવામાં આવતા સાહિત્યસંગોષ્ઠિ,કાવ્યાયન
અને શાસ્ત્રીય સંગીત- નૃત્યમહોત્સવના
મહાપર્વ એવા અસ્મિતા પર્વમાં આ વર્ષે હાજર રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. મારા
પિતા ઘનશ્યામ નાયક ‘રંગલો’ ને ભવાઈ કલાની અસ્મિતા જાળવી રાખવા અને આ ક્ષેત્રે તેમની
આજીવન સેવા બદલ આ વખતના અસ્મિતા પર્વમાં મોરારિબાપુના હસ્તે હનુમાન જયંતિને દિવસે નટરાજ
પુરસ્કાર અપાયો અને આ શુભ ઘડીએ હું પણ તેમની સાથે હતો. આ સમગ્ર યાદગાર અનુભવની વાત આજે આ બ્લોગ થકી કરવી છે.
આ
અનુભવ એટલો સુખદ અને અવિસ્મરણીય બની રહ્યો કે હું મૂંઝવણમાં છું કે અમારાં આત્મીયતાપૂર્વક
કરાયેલા હ્રદયસ્પર્શી આતિથ્ય વિશે વાત કરું કે આ સુંદર કાર્યક્રમનાં જેટલાં શ્રેષ્ઠતમ
કક્ષાનાં અંશ મેં માણ્યા એ વિશે લખું કે આટલાં મોટા એવા આ સમગ્ર કાર્યક્રમના સુવ્યવસ્થિત
આયોજન વિશે ચર્ચા કરું કે પછી હ્રદયથી જેમનાં માટે માન ઉપજ્યું છે એવા મહાત્મા રામકથાકાર
પરમપૂજ્ય શ્રી મોરારિબાપુની મહત્તા અને આ કાર્યક્રમ દરમ્યાન મેં જોયેલા બાપુના જુદાજ
સ્વરૂપ વિષે વાત કરું એ વિચારે મારૂં મન ચકરાવે ચડી જાય છે!
અસ્મિતા
પર્વ તારીખ પહેલીથી ચોથી દરમ્યાન આયોજિત હતો જેનું જીવંત પ્રસારણ દૂરદર્શનની આસ્થા
ચેનલ પર કરાયું હતું. પપ્પાનું સન્માન કાર્યક્રમના અંતિમ ચરણમાં ચોથી એપ્રિલે હતું.
અમે મુંબઈથી ભાવનગરની ૩ તારીખની ફ્લાઈટ બુક કરી હતી. જેમનું પપ્પા સાથે જ અભિવાદન કરાવાનું
હતું એવા સિને કલાકાર જીતેન્દ્ર અને ટી.વી.તથા સિને કલાકાર અંજન શ્રીવાસ્તવ (જેમને
આપણે 'વાગલેકી દુનિયા'ના શ્રીમાન વાગલે તરીકે આજે પણ ઓળખીએ છીએ)પણ અમારી સાથે એ જ ફ્લાઈટમાં
હતાં. ભાવનગર ઉતર્યાં એટલે અમને લેવા માટે ગાડી તૈયાર ઉભી હતી. દોઢ-બે કલાકમાં મહુવા
પહોંચ્યા એટલે ગુરુકુલ નામની બાપુ દ્વારા ચલાવાતી સંસ્થાના નયનરમ્ય હરીત વાતાવરણમાં
આવેલ સુંદર બંગલા-નિવાસો પૈકીની તુલસી કુટીરમાં અમારાં સ્વાગત માટે આ સમગ્ર કાર્યક્રમનું
આયોજન સંભાળી રહેલાં બાપુના ભક્ત-કાર્યકરો તૈયાર હતાં. જેમનું અવોર્ડ દ્વારા સન્માન
થવાનું હોય એ મહાનુભાવોના ભોજનથી માંડી બધીજ સગવડ-સુવિધાઓનું ધ્યાન એક દંપતિ રાખે.
સાથે જ આ કાર્યક્રમનું આયોજન સંભાળી રહેલા ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના કેટલાક ટ્રેઇની
યુવાનો તો કેટલાક અહિ જ ગુરુકુલમાં વસતા યુવાનો ખડે પગે દરેક મહેમાનની સેવામાં સતત
હાજર. એક યુવાન ઓરિસ્સાથી આવેલો તો બીજો કોલકાતાથી.ત્રીજો એક યુવાન જયપુરથી તો વળી
એક અમદાવાદનો!
ગુરુકુલથી
પાંચેક કિલોમીટર દૂર તલગાજરડા ખાતે હનુમાન મંદિરનું પવિત્ર મનોરમ પ્રાંગણ - ચિત્રકૂટધામ.
આ બે જગાઓએ સમગ્ર કાર્યક્રમ વહેંચાયેલો. કેટલાક કાર્યક્રમ ગુરુકુલનાં પ્રાંગણમાં નાળિયેરી
અને આંબાનાં ઝાડો વચ્ચે ઉભા કરાયેલા ખાસ મંચ પર તો અન્ય કેટલાક કાર્યક્રમો ચિત્રકૂટધામનાં
મંદિરમાં હનુમાનજીની પંદર-વીસ ફૂટ ઉંચી પ્રતિમાના ચરણોમાં ઓટલા જેવા મંચ પર! રામલીલા
ફિલ્મમાં લીલાના મહેલ જેવા ઘરના સેટની કલ્પના કદાચ સંજય લીલા ભણસાલીને આ સુંદર મંદિરનું
પ્રાંગણ જોઈને આવી હશે! કલાત્મક કોતરણી વાળા સ્તંભો,ભવ્ય પ્રાંગણ અને તેમાં વચ્ચે મોટું
ઝાડ, આસપાસ અન્ય વ્રુક્ષો અને તેમની છાયામાં ઓરડીઓ-ઓટલાં.ખુબ સુંદર હતી ચિત્રકૂટધામની
આ નયનરમ્ય છબી! ટેક્નોલોજીનો
પણ અહિં સુભગ સમન્વય જોવા મળ્યો!મંદિરના પ્રાંગણ બહાર બે મોટા સફેદ પડદા ગોઠવેલા જેના
પર મંચ પરથી ભજવાઈ રહેલાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ દર્શાવાય.શ્રેષ્ઠ કક્ષાનાં સાઉન્ડ
ઇક્વિપ્મેન્ટ્સ દ્વારા દૂર બેઠેલો પ્રેક્ષક કે શ્રોતા પણ કલાકારનો કે સાહિત્યકારનો
સ્વર કે વાદ્યનું સંગીત સ્પષ્ટપણે સાંભળી શકે! અનેક દેશોમાં આસ્થા ચેનલ પરથી આ કાર્યક્રમોનું
જીવંત પ્રસારણ પણ લાખો લોકોએ ઘેરબેઠાં નિહાળ્યું-માણ્યું.
કાર્યક્રમનાં
સફળ,સુચારૂ અને સરસ આયોજન અને સંચાલન માટે દૂર દૂર થી બાપુ-ભક્તો-અનુયાયીઓ અહિ પધાર્યાં
હતાં. બધાંએ અમારા ત્રણેક દિવસનાં નિવાસ દરમ્યાન અમારી નાની મોટી જરૂરિયાતોનું સતત
ધ્યાન રાખી અમારી એવી પરોણાગત કરી જે અમે ક્યારેય નહિ ભૂલી શકીએ.ઘરનું જ પણ અતિ સ્વાદિષ્ટ
ભોજન એ રીતે પીરસાય કે તમે ગદગદ થઈ જાવ,સ્વાદ સાથે એમાં સાત્વિકતા અને પ્રેમ પણ ભળેલાં
હોય જેનો અનુભવ થયા વગર ન રહે. બાપુના
ભક્ત અનુયાયી કાર્યકરો સતત આ બે જગાઓ વચ્ચે કારના કાફલા સાથે મહેમાનોની અવરજવર માટે
ખડે પગે હાજર. સમગ્ર આયોજનમાં ક્યાંય થાક,કંટાળો કે કોઈ નકારાત્મક લાગણીનું દર્શન ન
થાય.
અમે
૩જી તારીખે ભાવનગરથી મહુવા પહોંચીને ભોજન પતાવ્યું ત્યાર બાદ બપોરે પપ્પા રૂમમાં આરામ
કરવા પહોંચ્યા અને હું ગુરુકુલના કેમ્પસમાં લટાર મારવા બહાર આવ્યો.ભોજન દરમ્યાન વાતચીત
કરતાં માલૂમ પડ્યું કે ગઈ બપોરે હિમાલી વ્યાસ નાયક,ઓસમાણ મીર અને ચિંતન ઉપાધ્યાયે તેમના
સુંદર કંઠે ગુરુકુલના વાતાવરણને સૂરમય બનાવ્યું હતું.અમે પહોંચ્યા એ દિવસે બપોરે ત્યાં
કવયિત્રીઓની મહેફીલ જામવાની હતી.સમગ્ર કાર્યક્રમનું એકંદર સંચાલન સાહિત્યકાર અને બાપુના
ખાસ એવા કવિ હરિશ્ચંદ્ર જોશી કરી રહ્યા હતા.મેં થોડાં-ઘણાં આંટા માર્યાં ત્યાં જ કવયિત્રીઓની
બેઠક શરૂ થઈ અને હરિશ્ચંદ્ર ભાઈએ કાર્યક્રમનો દોરીસંચાર યુવા સાહિત્યકાર કવયિત્રી છાયા
ત્રિવેદીને સોંપ્યો.
માત્ર મહિલાઓ પોતાની રચનાઓનું પઠન કરવાની હોય
એવા આ કાર્યક્રમને માણવાની મારા જેટલી જ મજા એ કાર્યક્રમ માણી રહેલાં સેંકડો શ્રોતાઓને
પણ આવી હશે એ હું તેમના હાકારાત્મક હોંકારાઓ અને દાદના સાદ પરથી પામી શક્યો! બાપુ પોતે
પણ આ કાર્યક્રમ માણી રહ્યા હતા.મને ખુબ સારૂ લાગ્યું એ જોઇને કે બાપુ એક મહાન મોટા
સંત હોવા છતાં કલા અને સાહિત્યના આટલા મોટા કદરદાન છે.તેઓ આ સમગ્ર પર્વનાં બધાં જ કાર્યક્રમો
દરમ્યાન પોતે હાજર રહી કલાકારો-સાહિત્યકારોને બિરદાવતાં જ નહોતાં, એ બધાં કાર્યક્રમોને
પોતે રસપૂર્વક માણતા પણ હતા!
કવિતાનો
એ કાર્યક્રમ પત્યાં બાદ પપ્પા અને અંજનજી એ બાપુને મળવા જવાનું નક્કી થયું હતું પણ
કાર્યક્રમ પત્યા બાદ બાપુ પોતે સામે ચાલીને તેમને મળવા તુલસી કુટીરમાં પધાર્યાં.કેટલી
નમ્રતા! હું પ્રથમ વાર બાપુને પ્રત્યક્ષ જોઈ-મળી રહ્યો હતો.એક અનેરી ધન્યતા અને પવિત્રતાની
લાગણી થઈ તેમને મળીને. દસેક મિનિટ બાપુએ પપ્પા અને અંજનજી સાથે વાતચીત કરી.મેં પણ મારા
તાજેતરમાં પ્રકાશિત થયેલા 'ઇન્ટરનેટ કોર્નર' કટાર પર આધારીત ત્રણ પુસ્તકો કથાકળશ,સ્પર્શ
અને ઉપહારની ભેટ બાપુના ચરણોમાં ધરી અને તેમના આશિર્વાદ પ્રાર્થ્યાં. ત્યાં હાજર દરેક
વ્યક્તિ એક અનેરી હકારાત્મકતા અને અનેરાં ભક્તિભાવ,પવિત્રતાની અનુભૂતિ કરી રહી હતી.બાદમાં
બાપુ ચિત્રકૂટધામ જવા રવાના થઈ ગયા જ્યાં મોડી સાંજે ઉસ્તાદ અમજદઅલીખાન સાહેબ સરોદની
મીઠી સૂરાવલિઓ છેડી સંગીતની જાદૂઈ તાકાતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાના હતા.
(ક્રમશ:)
I think i am the happiest person to see my nattu kaka pujya ghanshyambhai nayak is honoured by pujya bapu.i feel very happy for nayak family members.wellwisher admirer and ordinary person and huge fan of nattu kaka.jsr jsk
જવાબ આપોકાઢી નાખોઅસ્મિતા પર્વમાં હું હાજર તો નહોતો , પણ તમારા લેખનો પ્રથમ ભાગ વાંચતાં એવું લાગ્યું કે હું એ સમયે હાજર હતો. આદરણીય ઘનશ્યામભાઈનું સન્માન થયું, એ બદલ તેમને હાર્દિક અભિનંદન! સમગ્ર પ્રસંગનો બ્લોગ દ્વારા રસાનુભવ કરી ખુબ સારૂં લાગ્યું.
જવાબ આપોકાઢી નાખો- જયસિંહ સંપટ