Translate

રવિવાર, 20 ઑક્ટોબર, 2013

કાસનો ખાસ પ્રવાસ ! (ભાગ - ૨)


વાડ ધરાવતાં કાસના મેદાનમાં સાંકડા પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં જ સામે જાંબલી રંગના ફૂલોની જાણે મખમલી ચાદર પથરાયેલી હતી.આ દ્રશ્ય જોઈને મનને એક અનેરા આનંદની અનુભૂતિ થઈ. ઠંડી ઠંડી હવા ચહેરા પર અનેરા સ્પર્શની લાગણી જન્માવી રહી હતી. નમ્યા ગેલમાં આવી જઈ નાચવા-કૂદવા લાગી હતી. અન્ય ફોટોગ્રાફીના રસિયા મિત્રો ફોટો અહિ લેવો કે ત્યાં લેવો,આ પોઝમાં લેવો કે તે પોઝમાં એ બધી પળોજણમાં વ્યસ્ત થઈ ગયાં. ઘણી વાર માણસ સૌંદર્યને માણવા કરતાં તેને કચકડામાં કેદ કરવામાં વ્યસ્ત થઈ જતાં એ સૌંદર્યનો ખરી લુત્ફ ઉઠાવવાનું ચૂકી જતો હોય છે. પણ કદાચ અહિં આવું નહિ બનતું હોય કારણ અહિં તો અફાટ સુંદરતા ચોમેર વિખરાયેલી પડી હતી.જાણે ફોટોગ્રાફીના રસિયાઓને ઇજન ન આપી રહી હોય કે 'પાડ પાડ...મારા જેટલા ફોટા પાડવા હોય એટલા પાડ...હું પણ નહિ ધરાઉં અને તને પણ નહિ ધરાવા દઉં.!"


 


જાંબલી ફૂલોથી થોડે દૂર પીળા ચટ્ટક ફૂલોનો દુપટ્ટો જાણે પ્રકૃતિ રૂપી સુંદર યુવતિ હવા સાથે લહેરાવી રહી હતી! આ બધાં ફૂલો કદમાં સૂક્ષ્મ હતાં પણ તેમની નજાકત અને સુંદરતા અપાર હતાં. એનો જાણે મોટી સંખ્યામાં આ ફૂલો હોઈ ગુણાકાર થતો હતો! બીજા ભૂરા રંગના નાનકડા ફૂલો પર તો જાણે સાચે જ, સ્પર્શે અતિ મૂલાયમ મખમલ મૂકેલું હતું,પીળા પીળા નાના પરાગ તંતુનાં કણો એ ફૂલોની સુંદરતામાં વધારો કરતાં હતાં.કલાક બે કલાક ફર્યા બાદ એકાદ ટેકરીના છેડે અમે કૂંડાળુ બનાવી ભાખરવડીનો નાસ્તો કરવા બેઠા. ત્યાં 'સ્ટીક ઇન્સેક્ટ' નામનો સળી જેવો દેખાતો લીલો તિતિઘોડો અમને કંપની આપવા ઉડી આવ્યો! આસપાસ પતંગિયા તો ઉડાઉડ કરી જ રહ્યાં હતાં! નાસ્તો કરી ફરી ચાલવાનું શરૂ કર્યું ત્યાં અમારા ગ્રુપમાંનો સુકુ હાથમાં કરચલો પકડી લાવ્યો! અમારી સાથેના મોટા ભાગના લોકો બિનશાકાહારી હતાં એટલે મને એક ઘડી તો લાગ્યું કે સુકુ જાણે એ કરચલાને મોઢામાં મૂકી કાચો ને કાચો ખાઈ જશે! પણ ના એ, માત્ર એવો પોઝ આપી ફોટો પડાવતો હતો! પછી એણે કરચલાને ફરી પાછો ઘાસમાં છોડી મૂક્યો.પછી અમે બધાં છૂટા છવાયા ફરવા માંડ્યા. હું અને અમી નમ્યાને લઈ જાંબલી-ગુલાબી ફૂલોની જાજમ વચ્ચે જઈ બેઠાં. અહિં ફૂલો કચડાઈ ન જાય એ માટે વચ્ચે વચ્ચે નાનકડી કેડીઓ બનાવેલી હતી. શહેરની દોડધામ ભરી જિંદગીનો થાક પણ જાણે અમારા ભેગો બેઘડી આરામ કરવા થંભી ને બેઠો! થોડે દૂર કેટલાક ફૂલો પર સંશોધન કરનારા વિદ્યાર્થીઓ ચોરસ લાકડાની જાળી જેવા કોઈક સાધનથી ફૂલોની ચાદર પર સંશોધન કરી રહ્યા હતાં. થોડે દૂર અમારી સાથેના અનિકેત અને સ્વપ્ના પણ તેમના તોફાની આયુષ સાથે પોરો ખાવા બેઠા બેઠા કદાચ પોતાના હનીમૂનની યાદો વાગોળી રહ્યા હતાં!


અહિં સમય અતિ મંદ ગતિએ વહી રહ્યો હોય એવો અહેસાસ થતો હતો. બે-ત્રણ કલાક ફર્યા બાદ ધરાઈ ધરાઈને અહિંના ફૂલોની સુંદરતાનું પાન કર્યા બાદ અને ધરાઈ ધરાઈને ફોટા પાડ્યા બાદ અમે બહાર આવ્યા ત્યારે સારી એવી ભીડ થઈ ગઈ હતી. અમને બે ફાયદા થયા.એક તો શનિવાર હતો એટલે ભીડ ઓછી હતી અને અમે વહેલી સવારે આવી ગયા હતાં એટલે અમને શાંતિથી કાસ પાઠાર પ્રદેશની લિજ્જત માણવાનો મોકો મળ્યો.



અહિં પ્યોર વેજ હોટલ મળવી તો મુશ્કેલ હતું છતાં અમારા પ્રવાસ આયોજકો પ્રશાંત અને સુનિલ કોઈક હોટલમાં પાંચ વેજ અને નવ નોન-વેજ થાળીની વ્યવસ્થા કરતા આવ્યાં.આમતો નાહ્યા વગર આપણે કેવા બેબાકળા અને અસ્વસ્થ થઈ જઈએ પણ અહિં સવારે સ્નાન કર્યું જ ન હોવા છતાં કાસની આબોહવા અને ફૂલોએ જાણે અમારામાં તાજગી ભરી દીધી હતી અને અમે નાહ્યા નહોતા તેનો અહેસાસ જ થવા દીધો નહોતો! જમવા બેઠા. ઠીક ઠીક એવા ભાણામાં ફુલાવરનું શાક ખાતા ખાતા મારા કોળિયામાં લાંબી જાડી સળી જેવું કંઈક દેખાયું. થેન્ક ગોડ એ કોળિયો મેં સીધો મોઢામાં ન મૂકતા થોડી વધુ બારીકાઈથી એ વસ્તુનું નિરીક્ષણ કર્યું. મેં તેને હાથમાં લઈ ધ્યાનથી જોયું તો માલૂમ પડ્યું કે એ જાડી સળીને બંને બાજુએ નાના નાના પગ હતાં.એ હતો શાક ભેગો બફાઈ ગયેલો ફુલાવરના શાકમાં ઘણી વાર જોવા મળતો કીડો! સોનાની થાળીમાં લોઢાના મેખ સમા એ અનુભવે મારી જમવાની મજા બગાડી મૂકી! કદાચ કોઈ નોન-વેજ ખાતી વ્યક્તિને આ ઇયળ જોઈ (કે કદાચ ચાવી પણ જઈ) ખાસ ફરક પડ્યો ન હોત! પણ મને અ પછી ખાવાનું ભાવ્યું નહિ!
 

જમ્યા બાદ અમે છૂટા છવાયા આસપાસની લીલોતરીમાં ફરવા નિકળી પડ્યા.દૂર લગભગ જમીનદોસ્ત થઈ ચૂકેલા ઝાડના થડ પર ચડી અમે થોડા ઘણાં ફોટા પડાવ્યા અને પછી બધાં હોટલની પાછળ ટેકરી જેવા હરિત વિસ્તાર તરફ ગયાં.અહિં નું દ્રષ્ય પણ નયનરમ્ય હતું. દૂર લીલાછમ મેદાન વચ્ચે વટાણા જેવડું દેખાતું એક સુંદર એકલું મંદિર હતું.ટેકરી પરથી સારી એવી નિચાઈ પર અને ખાસ્સુ દૂર દેખાતું એ મંદિર અમને જાણે બોલાવી રહ્યું હતું અને અમે બધાએ એ તરફ દોટ મૂકી! મિનિ-ટ્રેકીંગ કરી થોડી જ વારમાં તો અમે એ મંદિર સુધી પહોંચી પણ ગયા! ઝોળાઈદેવીના દર્શન કર્યાં.બાજુમાં એક નિર્જન, શાંત પણ સુંદર રસ્તો હતો. નિરભ્ર આકાશ પણ સ્વચ્છ અને સુંદર લાગી રહ્યું હતું. અહિં પણ થોડા ઘણાં ફોટા પાડી-પડાવી અમે ફરી પાછા હોટલ સુધી આવી અમારી મિનિ-બસમાં બેઠાં.

અહિંથી થોડે દૂર કોયના નદીનો કિનારો હતો જ્યાં પહોંચતા સારા એવા ટ્રાફીકનો અનુભવ થયો.કાસનો રસ્તો અતિ સાંકડો છે અને અહિં આવતા વાહનોની સંખ્યા ઘણી મોતે આથી તમારે અહિં વહેલા સવારે જ પહોંચી જવું હિતાવહ છે.બીજું આટલે દૂર આવો તો બીજી પણ આસપાસની એક-બે સારી જગાઓએ જવાનું આયોજન કરીને જ આવવું.ખાવાપીવાની પણ પૂરી તૈયારી સાથે જેથી પાછળથી હેરાન ન થવું પડે.
કોયના નદીકાંઠેથે હોડીમાં બેસી બીજે કિનારે જઈ પહોંચ્યા.અડધોકલાક નૌકાવિહાર ઠીકઠીક રહ્યો.પણ કોયનાને બીજે કાંઠે પહોંચ્યા બાદ જે ધમાલ અને મજા કરી છે અને સ્વર્ગીય આનંદની અનુભોતિ કરાવનાર બીજા એક પ્રાઈવેટ કે કસ્ટમાઈઝ્ડ નૌકાવિહાર ની વાત આવતા સપ્તાહે આ કાસ શ્રેણીના ત્રીજા અને અંતિમ બ્લોગમાં

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

કાસનો ખાસ પ્રવાસ ! (ભાગ - ૧)

      અગાઉ ફૂલો વિશે લખેલા એક બ્લોગમાં મેં કાસ નામના ખાસ પ્રદેશની વાત કરી હતી અને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે આ ભૂમિની મુલાકાતે મારે જવું છે.એ ઇચ્છા ગત મહિને પૂરી થઈ!હું, અમી અને નમ્યા સાથે કાસ પઠારના પ્રવાસે જઈ આવ્યો!આ સુંદર અનુભૂતિને મારા બ્લોગ વાચકો સાથે વહેંચ્યા વગર મારાથી રહી શકાય ભલા?

     ઓફિસના એક વડા સાહેબે બે વર્ષ પહેલા મને કાસ વિશે માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના સતારા નજીક આવેલ આ મેદાન પ્રદેશની ભૂમિ પર દર ચોમાસાને અંતે એકાદ મહિના માટે ખાસ પ્રકારના ફૂલોની રંગબેરંગી ચાદર પથરાઈ જાય છે અને હજારો પ્રકૃતિપ્રેમીઓ આ સમયગાળા દરમ્યાન એ પ્રદેશની મુલાકાત લે છે.મારા મનમાં ત્યાં જવાની ઇચ્છાનું બીજ રોપ્યા બાદ મારા એ સિનિયર ઓફિસર તો વ્યસ્તતાને કારણે હજી સુધી ત્યાંની મુલાકાત લઈ શક્યા નથી પણ તેમણે બતાવેલા માર્ગે હું ચાલી આવ્યો!

     ઈન્ટરનેટ પર ઓનલાઈન સર્ચ કરી ‘ભ્રમન્તી૩૬૫’ નામના પ્રકૃતિપ્રેમી ટ્રેકીંગ કરાવતા ગ્રુપની માહિતી શોધી કાઢી અને તેમનો સંપર્ક કરી મારૂં નામ સપરિવાર તેમના કાસ તેમજ અન્ય નજીકના સ્થળોના બે દિવસીય પ્રવાસ માટે નોંધાવી દીધું. બોરિવલીથી ૨૦મી સપ્ટેમ્બરની રાતે મિનીબસમાં અમારો પ્રવાસ શરૂ થયો એ અગાઉ જ અમારૂં મોબાઈલ પર વ્હોટ્સ એપ ગ્રુપ બની ગયેલું જેના દ્વારા અમે સાથે પ્રવાસ કરનારાઓ એકબીજાના નામોથી પરિચિત થઈ ગયેલા. આ ગ્રુપ પર જ શુક્રવારની સાંજે સતારા નજીક ભૂસ્ખલનની અફવાનું ખંડન પણ આયોજકોએ સતારામાં તેમના સંપર્ક સૂત્રો દ્વારા કરી લીધું અને ફૂલો પણ ખીલ્યા અને ખિલેલા હોવાની માહિતી મેળવી લીધી.

      કુલ તેર જણમાં અમે ત્રણ અને અન્ય એક પરિવાર તેમના આઠ વર્ષના બાબા સાથે જોડાયેલો એટલે ત્રણ વર્ષની નમ્યાને પણ કંપની મળી ગઈ.અન્ય મિત્રો નવી મુંબઈથી અમારી સાથે જોડાયા અને બે આયોજક યુવાનો સહિત અમારો કુલ તેર જણનો કાફલો જયેશ નામના કાબેલ યુવાન દ્વારા ચલાવાયેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસમાં કાસ જઈ પહોંચ્યો શનિવારની વહેલી સવારે. પાછળથી જાણવા મળ્યું કે જયેશ વ્યવસાયે ડ્રાઈવર નહોતો પણ ટેમ્પો-ટ્રાવેલરના માલિકનો દોસ્ત હોવાથી અને તે પોતે પણ પ્રકૃતિનો ચાહક હોવાથી અમારી મિની બસ હંકારવા તે તૈયાર થઈ ગયો હતો. ડ્રાઈવિંગ તેનું પેશન હતું.

      આઠેક કલાકની મુસાફરી બાદ વહેલી ધૂમ્મસ મઢી સવારે કાસ થી હજી તો અમે પંદરેક કિલોમીટર દૂર હતાં પણ આસપાસનું દ્રષ્ય એટલું બધું મનમોહક અને સુંદર જણાયું કે જયેશે બસ એક બાજુએ લગાડી અને અમે બધા નીચે ઉતરી પડ્યાં! હવા એટલી જોરથી વહી રહી હતી કે કોઈ માયકાંગલું શરીર ધરાવનાર વ્યક્તિ તો ઉડી જાય! ખૂબ ઠંડી લાગી રહી હતી. લીલાછમ પહાડો થી ઘેરાયેલા આ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવ વસ્તીના એંધાણ નહોતા. હા,કાસમાં દર્શન દેનારા ફૂલો અહિંથી જ દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી પણ અહિ તે છૂટા છવાયા અને અલ્પ પ્રમાણમાં જોવા મળતા હતાં.આ સૂક્ષ્મ ફૂલોનો રંગ એટલો ભડક અને મનભાવન હતો કે તેમને જોતા વેત સ્પર્શીને તેમની પાસે જ બેસી ધરાઈને તેમને જોયા કરવાનું મન થાય! બાજુમાં એક સાધના મગ્ન યોગી પુરુષ જેવું એકલું વ્રુક્ષ ટટ્ટાર ઉભું હતું અને તેના પર્ણો હવામાં વિંઝાઈ સૂસવાટા જેવો અવાજ ઉભો કરતાં હતાં. કોઈ ધસમસતી વહેતી નદીનું પાણી જેવો અવાજ ઉભો કરે તેવો અવાજ! અહિં પંદરેક મિનીટ પસાર કર્યા બાદ ફરી અમે બસમાં બેસી આગળ વધ્યાં ત્યાં થોડે દૂર મરાઠી ફિલ્મ અને નાટકોના જાણીતા અભિનેતા શિવાજી સાટમ ખુલ્લી તાજી હવામાં મોર્નિંગ વોક લેતા નજરે ચડ્યા અને અમારી સાથે આ પ્રવાસમાં જોડાયેલી શ્રદ્ધા નામની યુવતિ બસમાં બેઠા બેઠા જ આનંદથી ઉછળી પડી! તે એમની જબરદસ્ત ફેન હતી.


 

      કાસ પહોંચ્યા ત્યારે હજી બરાબર અજવાળું પથરાયું નહોતું એથી અમે થોડા આગળ જઈ ચા નાસ્તો કરી લીધા બાદ,અહિં પાછા ફરવાનું નક્કી કર્યું. આ પ્રદેશમાં દૂર દૂર સુધી ખાવાપીવાની હોટલ ન મળે એટલે ચાનાસ્તા કે લંચ ડિનર માટે તમારે પ્રોપર પ્લાન બનાવીને જ આવવું પડે. અમે કાસથી બીજા સાત આઠ કિલોમીટર આગળ એક હોટલમાં ગરમાગરમ કાંદાપોહા (પૌઆ) અને મિસળનો નાસ્તો તેમજ ચાપાણી પતાવ્યા અને મિની બસમાં ફરી પાછા ગોઠવાઈ કાસ તરફ આવવા શરૂઆત કરી.પણ ના બધા બસની અંદર નહિં. બસમાં સામાન ગોઠવવાની રેક, બસની બહાર ઉપર છાપરે હતી તેમાં ગોઠવાઈને છ સાત જણે બસની ઉપર ખુલ્લી હવામાં પ્રવાસની મજા માણી! (‘ચલ છૈયા છૈયા’માં શાહરુખ અને મલ્લિકા જેમ ટ્રેનના છપરા પર નાચતા કૂદતા આનંદ માણતા હતા એમ!) નમ્યા એ પણ બસના છાપરે ચડવા પ્રયત્ન કર્યો હતો પણ તે પડી જતાં તેની દાઢી પર સહેજ વાગ્યું અને દાંતમાંથી જરાક લોહી નિકળવા લાગ્યું એટલે અમી અને તે ગભરાઈ ગયાં અને અમે ત્રણે બસમાં નીચે જ બેઠા બેઠા પ્રવાસ કર્યો.



      કાસ પાસે આવ્યા ત્યારે સૂર્યોદય થઈ ગયો હોવા છતાં ગાઢ ધૂમ્મસ છવાયેલું હતું. કાસની લગભગ હજારેક હેક્ટર જેટલી જમીન પર લગભગ સાડા આઠસો જેટલા વિવિધ પ્રકારના ફૂલો અને વનસ્પતિ ઉગે છે. આ ફૂલો જ્યારે વર્ષા રૂતુ વિદાય લેવાની હોય, તે સમયે માત્ર બે થી ત્રણ સપ્તાહ માટે જ ખીલે છે. કાસ નામની વનસ્પતિ પરથી જ આ જગાનું નામ કાસ પડ્યું જેના પાન લીલા હોય છે પણ ચોક્કસ રૂતુમાં તે લાલ રંગના થઈ જાય છે. યુનેસ્કોએ આ વિસ્તારને આટલો વિશિષ્ટ હોવાને લીધે હેરીટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે અને અહિ દિવસના અમુક જ સંખ્યા જેટલા લોકોને પ્રવેશ અપાય છે. આખા વિસ્તાર ફરતે વાડ બનાવેલી છે અને તેમાં ટિકીટ ખરીદીને જ પ્રવેશ મેળવી શકાય છે. અહિ જવા માટે ઓનલાઈન બુકીંગની પણ સુવિધા છે. કેમેરાથી ફોટોગ્રાફી કરવા માટે તમારે કેમેરા ફી ચૂકવવી પડે છે.પણ અંદર પ્રવેશ્યા બાદ આ સુંદર જગા ફોટોગ્રાફરો માટે તો જાણે સ્વર્ગ સાબિત થાય છે. અનેક જાતજાતના ફૂલોની આસપાસ વચ્ચે અનેક વિધ પોઝ આપી તમે ફોટા પડાવતા ધરાઓ જ નહિ એટલી હદે આ જગાએ સુંદરતા ઠેરઠેર વેરાયેલી-પથરાયેલી જોવા મળે છે.

 
 
  
   
(ક્રમશ:)

રવિવાર, 6 ઑક્ટોબર, 2013

ગેસ્ટ બ્લોગ : નાનાં નાનાં પ્રયત્નોથી પરિવર્તન


-     સુજાતા શાહ, મુંબઈ

                        મારી દિકરી  અને  જમાઈ બાંદરાથી  અંધેરી તેમના ઘરે રીક્ષામાં જતા હતા . મારા જમાઈ હેમલે  રીક્ષાવાળાને કહ્યું ," ભાઈ, જો તું ટ્રાફીકનો એકપણ નિયમ નહિ તોડે અને બિનજરૂરી હોર્ન નહિ વગાડે તો હું તને ભાડા કરતાં 10 રૂ . વધારે આપીશ."

                રીક્ષાવાળાએ હસીને કહ્યું ," સાહેબ , મને પણ નિયમપૂર્વક  રીક્ષા ચલાવવી ગમે છે, પરંતુ  મારા સાથીદારોનું અનુકરણ કરું છું - ક્યારેક અનિચ્છાએ પણ કરવું પડે છે. હું નિયમમુજબ રીક્ષા ચલાવીશ , તમારે કોઈ બક્ષિશ આપવાની જરૂર નથી ."

                તેણે  બરાબર નિયમાનુસાર રીક્ષા ચલાવી , ક્યાંય  સિગ્નલ પણ તોડ્યું નહિ. જુહુ  જંકશન પર સિગ્નલ લાલ બત્તી બતાવતું હતું છતાં થોભવાની જગાએ બધા વાહનચાલકો વાહનો મનસ્વીપણે  હંકારતા હતાં . રીક્ષાવાળાએ પાછળ ફરી હેમલને પૂછયું ,"સાહેબ, હવે શું કરું ?" હેમલે  કહ્યું શાંતિથી માર્ગ કાઢીને ચાલ . રીક્ષાવાળાએ એમ કર્યું .

                રીક્ષા અંધેરી પહોંચી ગઈ એટલે ભાડું આપતી વેળાએ હેમલે રીક્ષાવાળાને બક્ષિશ આપી.પણ રીક્ષાવાળાએ તેનો વિવેકથી અસ્વીકાર કર્યો. હેમલે તેને બક્ષિશ સ્વીકારવા ફરી ફરી વિનંતી કરી. છેવટે હેમલના આગ્રહ ને માન આપી તેણે બક્ષિશ સ્વીકારી. હા, બધા રિક્ષાવાળા આવા સારા હોય જરૂરી નથી  પરંતુ આપણે આવો પ્રયત્ન કરતાં રહેવું જોઈએ. બને ત્યાં સુધી નિયમોનું પાલન કરવું જોઇએ. જે નિયમોનું પાલન કરે છે તેને પ્રોત્સાહન આપવું જોઇએ. હંમેશાં  સરકાર ને કે સમાજને ગાળો આપવા કરતાં આવા થોડા થોડા નાનાં નાનાં પ્રયત્નોથી બદલાવ આવી શકે તો શું ખોટું?

-       સુજાતા શાહ, મુંબઈ (sujatasshah@hotmail.com)

રવિવાર, 29 સપ્ટેમ્બર, 2013

ઓલ ધ બેસ્ટ 'ધ ગુડ રોડ'!


ગયા સપ્તાહે શનિ-રવિની રજાઓમાં ફરવા ગયેલો. ત્યાં નેટવર્ક પ્રાપ્ય હોવાને લીધે મોબાઈલ પર ઇન્ટરનેટ એક્સેસ કરી શકાયું નહિ.પણ રવિવારે સાંજે પ્રવાસેથી પાછા ફરતી વેળાએ પુણે નજીક ચાની ટપરી પર ચા-નાસ્તો કરવા થોભ્યાં ત્યારે મારા મિત્રના મોબાઈલ પર નેટ્વર્ક મળવાનું શરૂ થઈ ગયું અને તેણે મને ખબર આપ્યા કે ગુજરાતી ફિલ્મ ' ગુડ રોડ'ની વિશ્વના ફિલ્મ ક્ષેત્રના શ્રેષ્ઠ ગણાતા ઓસ્કાર અવોર્ડના નામાંકન માટે વરણી થઈ છે. વિશ્વની પંદરેક ભાષાઓની વિદેશી ફિલ્મો સાથે પહેલી વાર આપણી ગુજરાતી ભાષાની ફિલ્મ શ્રેષ્ઠ વિદેશી ભાષાની શ્રેણીમાં પહેલી પાંચ શ્રેષ્ઠ ફિલ્મ તરીકે પસંદગી પામવા માટે સ્પર્ધા કરશે. આ એક ખુશીના સમાચાર ગણાય.પણ મારા મિત્રે ટકોર કરી ઇરફાન ખાનની 'લંચબોક્સ'ને આ ગુજરાતી ફિલ્મે મ્હાત આપી છે અને તે પણ ભારતીય ફિલ્મની ઓસ્કાર માટે પસંદગી અર્થે  નિમાયેલી ઓગણીસ જ્યુરી મેમ્બર્સની સર્વાનુમતે સહમતિ સધાયા બાદ ' ગુડ રોડ'ની પસંદગી થઈ છે. અર્થાત હિન્દી વિશ્વરૂપમ, ઇંગ્લીશ વિંગ્લીશ તથા ઓસ્કારમાં પસંદગી માટે સૌની ફેવરીટ મનાતી લંચબોક્સ તથા અન્ય ભારતીય ભાષાની પણ કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોને પસંદ કરતા બધાં ઓગણીસ સભ્યો સર્વાનુમતે એક ગુજરાતી ફિલ્મની પસંદગી કરે તો એમાં કંઈક સારૂં ચોક્કસ હોવું જોઇએ. નહિતર એકાદ જ્યુરી મેમ્બર તો અન્ય કોઈ વિકલ્પ પર પસંદગી ઉતારે?

આમ છતાં સમાચાર જેવા જાહેર થયા કે વિવાદનો જાણે મધપૂડો છંછેડાયો! કરણ જોહર થી અનુરાગ બાસુ જેવા હિન્દી ફિલ્મ જગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ ટ્વીટર પર ' ગુડ રોડ'ની પસંદગી માટે આક્રોષ ઠાલવ્યો .કદાચ એમણે ફિલ્મ જોઈ પણ નહિ હોય તેમ છતાં તેમણે ૧૯ મેમ્બરની જ્યુરીના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો!

દરેક વર્તમાન પત્રમાં અંગે ચર્ચા-વિવાદ શરૂ થઈ ગયો. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે મેં જાણ્યું કે ગુજરાતના કેટલાક સિનેજગત સાથે સંકળાયેલા લોકોએ ગુજરાતી ફિલ્મની ઓસ્કારમાં નામાંકન માટે પસંદગી સામે વિરોધ નોંધાવવા જાહેર માર્ગ પર ધરણા ધરવાનું નક્કી કર્યું. તેઓની દલીલ એવી છે કે ફિલ્મમાં ગુજરાત અને કચ્છને ખરાબ ચિતરવામાં આવ્યા છે.ફિલ્મમાં હાઈવે પે ચાલતી વેશ્યાગિરી,બાળકોની કુપ્રવૃત્તિમાં સંડોવણી અને અઢળક ગાળોનો સમાવેશ કરાયો છે.એકાદ વર્તમાનપત્રમાં એવો પણ દાવો કરાયો છે કે ગુજરાતમાં આવી પ્રવૃત્તિનું બિલકુલ અસ્તિત્વ નથી.

ફિલ્મોમાં ક્યારેય ગાળોનો સમાવેશ થતો નથી? અંગ્રેજી ફિલ્મોમાં પણ ગાળોનો છૂટથી ઉપયોગ થાય છે માટે ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ફિલ્મમાં ગાળો હોય બાબત તેના આટલા બધા વિરોધ માટે પૂરતી નથી.વેશ્યાગિરી અને બાળકોની એમાં સંડોવણી પણ અગાઉ ઘણી ફિલ્મોમાં પ્રદર્શિત થઈ ચૂકી છે.સમાજમાં આવું દૂષણ હોય તેની ચિંતા કરવાની હોય નહિ કે તેનું ચિત્રીકરણ કરી સમાજનો આયનો દેખાડનાર ફિલ્મનો વિરોધ નોંધાવવનો હોય.આવા દૂષણને જડમૂળથી ઉખેડી નાંખવાના પ્રયાસો વિરોધકારોએ કરવાના હોય તો સમાજની સાચી સેવા થઈ ગણાય.

ફિલ્મોકે ટી.વી.માં ઘણી વાર કોઈક બાબત દર્શાવવાનો દિગ્દર્શકનો હેતુ કંઈક જુદો હોય અને કેટલાક ખણખોદિયાઓ એમાં જોવાનું જોઈને વાતને આડે પાટે ચડાવી ક્યારેક સસ્તી પ્રસિદ્ધી માટે તો ક્યારેક ગાંડી ધર્મપ્રિયતા સાબિત કરવાના પ્રયાસો પોતાનો જાહેર વિરોધ પ્રગટ કરતા હોય છે.

ફિલ્મને બોક્સઓફિસ પર સાવ નબળો પ્રતિસાદ મળ્યો હતો.છતાં ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે પણ થોડો ઘણો ઉહાપોહ મચ્યો હતો.ફિલ્મ વિરુદ્ધ જાણે કેટલાક તત્વો આદુ ખાઈને પાછળ પડી ગયા હોયેવો ઘાટ જણાય છે.મને ફિલ્મ જોવાની સારી એવી ઉત્કંઠા જાગી છે અને જોત વેત જો મને યોગ્ય જણાશે તો એક બ્લોગ વિશે પણ લખીશ.

હું તો ચોક્કસ એવી આશા રાખું છું કે ' ગુડ રોડ' શ્રેષ્ઠ વિદેશી ભાષી ફિલ્મનો ઓસ્કાર ભારત માટે જીતી લાવે! ઓલ બેસ્ટ ' ગુડ રોડ'!

ફિલ્મોની જેમ સિક્વલ(પછીની) અને પ્રિક્વલ(પહેલાની) ફિલ્મ સમી બીજી ફિલ્મ રજૂ થાય છે તેમ આજના બ્લોગના પ્રિક્વલ સમો બ્લોગ આવતા સપ્તાહના ગેસ્ટ્બ્લોગ પછી મારા પ્રવાસ વિશે લખીશ જેનો મેં આજના બ્લોગની શરૂઆતમાં ઉલ્લેખ કર્યો હતો!પ્રવાસ ટુ કાસ!