Translate

મંગળવાર, 15 ઑક્ટોબર, 2013

કાસનો ખાસ પ્રવાસ ! (ભાગ - ૧)

      અગાઉ ફૂલો વિશે લખેલા એક બ્લોગમાં મેં કાસ નામના ખાસ પ્રદેશની વાત કરી હતી અને એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે આ ભૂમિની મુલાકાતે મારે જવું છે.એ ઇચ્છા ગત મહિને પૂરી થઈ!હું, અમી અને નમ્યા સાથે કાસ પઠારના પ્રવાસે જઈ આવ્યો!આ સુંદર અનુભૂતિને મારા બ્લોગ વાચકો સાથે વહેંચ્યા વગર મારાથી રહી શકાય ભલા?

     ઓફિસના એક વડા સાહેબે બે વર્ષ પહેલા મને કાસ વિશે માહિતી આપી હતી કે મહારાષ્ટ્રના સતારા નજીક આવેલ આ મેદાન પ્રદેશની ભૂમિ પર દર ચોમાસાને અંતે એકાદ મહિના માટે ખાસ પ્રકારના ફૂલોની રંગબેરંગી ચાદર પથરાઈ જાય છે અને હજારો પ્રકૃતિપ્રેમીઓ આ સમયગાળા દરમ્યાન એ પ્રદેશની મુલાકાત લે છે.મારા મનમાં ત્યાં જવાની ઇચ્છાનું બીજ રોપ્યા બાદ મારા એ સિનિયર ઓફિસર તો વ્યસ્તતાને કારણે હજી સુધી ત્યાંની મુલાકાત લઈ શક્યા નથી પણ તેમણે બતાવેલા માર્ગે હું ચાલી આવ્યો!

     ઈન્ટરનેટ પર ઓનલાઈન સર્ચ કરી ‘ભ્રમન્તી૩૬૫’ નામના પ્રકૃતિપ્રેમી ટ્રેકીંગ કરાવતા ગ્રુપની માહિતી શોધી કાઢી અને તેમનો સંપર્ક કરી મારૂં નામ સપરિવાર તેમના કાસ તેમજ અન્ય નજીકના સ્થળોના બે દિવસીય પ્રવાસ માટે નોંધાવી દીધું. બોરિવલીથી ૨૦મી સપ્ટેમ્બરની રાતે મિનીબસમાં અમારો પ્રવાસ શરૂ થયો એ અગાઉ જ અમારૂં મોબાઈલ પર વ્હોટ્સ એપ ગ્રુપ બની ગયેલું જેના દ્વારા અમે સાથે પ્રવાસ કરનારાઓ એકબીજાના નામોથી પરિચિત થઈ ગયેલા. આ ગ્રુપ પર જ શુક્રવારની સાંજે સતારા નજીક ભૂસ્ખલનની અફવાનું ખંડન પણ આયોજકોએ સતારામાં તેમના સંપર્ક સૂત્રો દ્વારા કરી લીધું અને ફૂલો પણ ખીલ્યા અને ખિલેલા હોવાની માહિતી મેળવી લીધી.

      કુલ તેર જણમાં અમે ત્રણ અને અન્ય એક પરિવાર તેમના આઠ વર્ષના બાબા સાથે જોડાયેલો એટલે ત્રણ વર્ષની નમ્યાને પણ કંપની મળી ગઈ.અન્ય મિત્રો નવી મુંબઈથી અમારી સાથે જોડાયા અને બે આયોજક યુવાનો સહિત અમારો કુલ તેર જણનો કાફલો જયેશ નામના કાબેલ યુવાન દ્વારા ચલાવાયેલી ટેમ્પો ટ્રાવેલર મિની બસમાં કાસ જઈ પહોંચ્યો શનિવારની વહેલી સવારે. પાછળથી જાણવા મળ્યું કે જયેશ વ્યવસાયે ડ્રાઈવર નહોતો પણ ટેમ્પો-ટ્રાવેલરના માલિકનો દોસ્ત હોવાથી અને તે પોતે પણ પ્રકૃતિનો ચાહક હોવાથી અમારી મિની બસ હંકારવા તે તૈયાર થઈ ગયો હતો. ડ્રાઈવિંગ તેનું પેશન હતું.

      આઠેક કલાકની મુસાફરી બાદ વહેલી ધૂમ્મસ મઢી સવારે કાસ થી હજી તો અમે પંદરેક કિલોમીટર દૂર હતાં પણ આસપાસનું દ્રષ્ય એટલું બધું મનમોહક અને સુંદર જણાયું કે જયેશે બસ એક બાજુએ લગાડી અને અમે બધા નીચે ઉતરી પડ્યાં! હવા એટલી જોરથી વહી રહી હતી કે કોઈ માયકાંગલું શરીર ધરાવનાર વ્યક્તિ તો ઉડી જાય! ખૂબ ઠંડી લાગી રહી હતી. લીલાછમ પહાડો થી ઘેરાયેલા આ પ્રદેશમાં દૂર દૂર સુધી માનવ વસ્તીના એંધાણ નહોતા. હા,કાસમાં દર્શન દેનારા ફૂલો અહિંથી જ દેખાવાની શરૂઆત થઈ ગઈ હતી પણ અહિ તે છૂટા છવાયા અને અલ્પ પ્રમાણમાં જોવા મળતા હતાં.આ સૂક્ષ્મ ફૂલોનો રંગ એટલો ભડક અને મનભાવન હતો કે તેમને જોતા વેત સ્પર્શીને તેમની પાસે જ બેસી ધરાઈને તેમને જોયા કરવાનું મન થાય! બાજુમાં એક સાધના મગ્ન યોગી પુરુષ જેવું એકલું વ્રુક્ષ ટટ્ટાર ઉભું હતું અને તેના પર્ણો હવામાં વિંઝાઈ સૂસવાટા જેવો અવાજ ઉભો કરતાં હતાં. કોઈ ધસમસતી વહેતી નદીનું પાણી જેવો અવાજ ઉભો કરે તેવો અવાજ! અહિં પંદરેક મિનીટ પસાર કર્યા બાદ ફરી અમે બસમાં બેસી આગળ વધ્યાં ત્યાં થોડે દૂર મરાઠી ફિલ્મ અને નાટકોના જાણીતા અભિનેતા શિવાજી સાટમ ખુલ્લી તાજી હવામાં મોર્નિંગ વોક લેતા નજરે ચડ્યા અને અમારી સાથે આ પ્રવાસમાં જોડાયેલી શ્રદ્ધા નામની યુવતિ બસમાં બેઠા બેઠા જ આનંદથી ઉછળી પડી! તે એમની જબરદસ્ત ફેન હતી.


 

      કાસ પહોંચ્યા ત્યારે હજી બરાબર અજવાળું પથરાયું નહોતું એથી અમે થોડા આગળ જઈ ચા નાસ્તો કરી લીધા બાદ,અહિં પાછા ફરવાનું નક્કી કર્યું. આ પ્રદેશમાં દૂર દૂર સુધી ખાવાપીવાની હોટલ ન મળે એટલે ચાનાસ્તા કે લંચ ડિનર માટે તમારે પ્રોપર પ્લાન બનાવીને જ આવવું પડે. અમે કાસથી બીજા સાત આઠ કિલોમીટર આગળ એક હોટલમાં ગરમાગરમ કાંદાપોહા (પૌઆ) અને મિસળનો નાસ્તો તેમજ ચાપાણી પતાવ્યા અને મિની બસમાં ફરી પાછા ગોઠવાઈ કાસ તરફ આવવા શરૂઆત કરી.પણ ના બધા બસની અંદર નહિં. બસમાં સામાન ગોઠવવાની રેક, બસની બહાર ઉપર છાપરે હતી તેમાં ગોઠવાઈને છ સાત જણે બસની ઉપર ખુલ્લી હવામાં પ્રવાસની મજા માણી! (‘ચલ છૈયા છૈયા’માં શાહરુખ અને મલ્લિકા જેમ ટ્રેનના છપરા પર નાચતા કૂદતા આનંદ માણતા હતા એમ!) નમ્યા એ પણ બસના છાપરે ચડવા પ્રયત્ન કર્યો હતો પણ તે પડી જતાં તેની દાઢી પર સહેજ વાગ્યું અને દાંતમાંથી જરાક લોહી નિકળવા લાગ્યું એટલે અમી અને તે ગભરાઈ ગયાં અને અમે ત્રણે બસમાં નીચે જ બેઠા બેઠા પ્રવાસ કર્યો.



      કાસ પાસે આવ્યા ત્યારે સૂર્યોદય થઈ ગયો હોવા છતાં ગાઢ ધૂમ્મસ છવાયેલું હતું. કાસની લગભગ હજારેક હેક્ટર જેટલી જમીન પર લગભગ સાડા આઠસો જેટલા વિવિધ પ્રકારના ફૂલો અને વનસ્પતિ ઉગે છે. આ ફૂલો જ્યારે વર્ષા રૂતુ વિદાય લેવાની હોય, તે સમયે માત્ર બે થી ત્રણ સપ્તાહ માટે જ ખીલે છે. કાસ નામની વનસ્પતિ પરથી જ આ જગાનું નામ કાસ પડ્યું જેના પાન લીલા હોય છે પણ ચોક્કસ રૂતુમાં તે લાલ રંગના થઈ જાય છે. યુનેસ્કોએ આ વિસ્તારને આટલો વિશિષ્ટ હોવાને લીધે હેરીટેજ સાઈટનો દરજ્જો આપ્યો છે અને અહિ દિવસના અમુક જ સંખ્યા જેટલા લોકોને પ્રવેશ અપાય છે. આખા વિસ્તાર ફરતે વાડ બનાવેલી છે અને તેમાં ટિકીટ ખરીદીને જ પ્રવેશ મેળવી શકાય છે. અહિ જવા માટે ઓનલાઈન બુકીંગની પણ સુવિધા છે. કેમેરાથી ફોટોગ્રાફી કરવા માટે તમારે કેમેરા ફી ચૂકવવી પડે છે.પણ અંદર પ્રવેશ્યા બાદ આ સુંદર જગા ફોટોગ્રાફરો માટે તો જાણે સ્વર્ગ સાબિત થાય છે. અનેક જાતજાતના ફૂલોની આસપાસ વચ્ચે અનેક વિધ પોઝ આપી તમે ફોટા પડાવતા ધરાઓ જ નહિ એટલી હદે આ જગાએ સુંદરતા ઠેરઠેર વેરાયેલી-પથરાયેલી જોવા મળે છે.

 
 
  
   
(ક્રમશ:)

1 ટિપ્પણી:

  1. કાસ પ્રવાસનો બ્લોગ વાંચી મુંબઈના સુધાબેન શાહે કાસમાં જોવા મળતા ખુબ સુન્દર પુષ્પોના થોડા ઘણાં ફોટા ઇમેલ દ્વારા મોકલી આપ્યા છે. તેમનો આભાર!

    જવાબ આપોકાઢી નાખો