Translate

રવિવાર, 27 ઑક્ટોબર, 2013

કાસનો ખાસ પ્રવાસ! (ભાગ - 3)


         માથે છાપરું ધરાવતી હોડીમાં બેસી અડધો કલાકમાં અમે બામનોલી નામની જગાએથી કોયના નદીમાં નૌકા વિહાર કરી સામે છેડે પહોંચ્યા. ત્યાં સામે કિનારે એકાદ-બે કલાક બાદ અમારી મિની બસ અલગ રસ્તેથી અમને લેવા આવી પહોંચવાની હતી. એક-બે કલાક અમે એકમેક સાથે વાતો કરી,નમ્યાની નિતનવી રમતો જોતા જોતા અને પછી પોતે બે જૂથ પાડી કબડ્ડી જેવી રમત રમી પસાર કર્યાં. રમતમાં વચ્ચે કૂંડાળામાં મૂકેલી ખાલી બોટલ ફરતે બંને સામસામે ઉભેલા જૂથમાંથી એક એક ખેલાડી આવે અને બોટલની આસપાસ ગોળગોળ ફરી બોટલ ઉઠાવી પોતાના જૂથ ભણી દોડી જાય. દરમ્યાન જો સામે વાળો ખેલાડી બોટલ ઉંચકીને ભાગી રહેલા ખેલાડીને અડી જાય તો અડનાર ખેલાડીની ટીમ ને એક પોઇન્ટ મળે.પણ જો બોટલ ઉઠાવી દોડી જનાર ખેલાડી સામે વાળા ખેલાડીના અડ્યા પહેલા પોતાના જૂથ પાસે પહોંચી જાય તો તેની ટીમને એક પોઇન્ટ મળે. રમતને અંતે જેને વધુ પોઇન્ટ્સ મળ્યા હોય તે ટીમ જીતી જાય! જીત-હાર તો ઠીક પણ રમત રમતી વખતે ઝડપથી ભાગવાના જોશમાં પહેલા કાસ પ્રવાસનો આયોજક સુનિલ ચત્તાપાટ થઈ ગયો. પછી સ્વપ્ના અને પ્રણાલી જમીન દોસ્ત થઈ ગયાં! હું યે પડતા પડતા બચ્યો પણ અમારી ટીમ માટે એક પોઇન્ટ જમા કરાવી અમારી ટીમને વિજયી બનાવવામાં મારો ફાળો નોંધાવી શક્યો! સુનિલને તો ખૂબ વાગ્યું હતું પણ પાસેની દુકાનમાંથી હળદર મળી તે લગાડતા લોહી વહેતું બંધ થઈ ગયું.અહિં દુકાનો ચલાવતા ગ્રામવાસીઓ ખૂબ ઉમળકાભેર અમને આવકારતા હતાં.ગ્રામજનોની લાક્ષણિકતા અમને સ્પર્શી ગઈ.સરસ મજાની મસાલેદાર ચા પીધી અને હજી તો ચાર વાગ્યા હોવાનું આશ્ચર્ય અનુભવતા બેઠા બેઠા વાતો કરતા હતાં ત્યાં અમારી બસ આવી પહોંચી.અમને એટલી ખબર હતી કે અમે કોઈક ઉતારે રાતવાસો કરવા જઈ રહ્યા હતા અને પહેલા અમારે હજી એક નૌકાવિહારનો આહલાદક અનુભવ માણવાનો હતો. બસમાં બેઠા અને મહાબળેશ્વર તરફ જતાં માર્ગે અમે આગળ વધ્યાં.સાથે બાઈક પર અમારો બીજો કાસ પ્રવાસ આયોજક પ્રશાન્ત ઉતારાના યુવાન માલિક સાથે બેસી બસચાલક જયેશને આગળ દોરી રહ્યો હતો. કલાકેકમાં અમે એક પહાડો વચ્ચેના માર્ગ પર ઝાડી જેવા રસ્તા પાસે ઉતર્યાં. જયેશે બસ લઈ સીધા ઉતારે પહોંચવાનું હતું અને અમારે થોડું ટ્રેકીંગ કરી નદી કિનારે પહોંચી બીજી હોડીમાં બેસી ઉતારા સુધી પહોંચવાનું હતું.

 

સૂર્યાસ્ત થવામાં હતો અને જ્યારે અમે ટેકરી જેવા વિસ્તારમાં નીચે ઉતરતા નદી તરફ જવા ચાલવાની શરૂઆત કરી ત્યારે વાતાવરણ અતિ અતિ સુંદર હતું. કાદવ કીચડ વાળી પથરાળ જમીન પર ચાલવાની મજા આવી રહી હતી. નદી કાંઠે પહોંચ્યા ત્યારે હોડી અમારી વાટ જોતી તૈયાર ઉભી હતી.
બામનોલી વાળી હોડી મશીન-એન્જીન દ્વારા ચાલતી હતી અને માથે છાપરું પણ ધરાવતી હતી આથી તેમાં ખાસ મજા આવી નહોતી પણ હોડી ખુલ્લી હતી અને હલેસા દ્વારા ચલાવવાની હતી.અમે બધા ગોઠવાઈ ગયાં ત્યાર બાદ બે ગ્રામજનો હલેસા મારી હોડી ચલાવવાની શરૂઆત કરી. નૌકા વિહારનો અનુભવ અત્યાર સુધીમાં મેં  કરેલા દરેક નૌકા વિહારના અનુભવ કરતાં શ્રેષ્ઠ હતો.સ્વર્ગીય આનંદની અનુભૂતિ અમે સૌ કરી રહ્યા.વાદળીયા વાતાવરણમાં સાંજે અમે જાણે કોઈ જુદી દુનિયામાં પહોંચી ગયા હોઇએ એવો અનુભવ થઈ રહ્યો હતો.એક ગ્રામજને અતિ કર્ણપ્રિય એવા મરાઠી ભજન પોતાના મોબાઈલ પર મૂક્યા હતાં.તે સાંભળવાની સાથે સાથે અમે અલક મલકની વાતો પણ કરી રહ્યા હતાં.ભૂત થી માંડી ત્યાંના ખેતરો અને પાક વિશેની તો જંગલી પ્રાણીઓથી માંડી ગ્રામજીવન વિશેની અનેક વિષયો પરની વાતો ચાલી રહી હતી.મેં અને બીજા પણ મિત્રોએ હલેસા પર હાથ અજમાવવાનો પ્રયત્ન કર્યો.ફોટા પાડ્યા.ચોક્લેટ્સ-બિસ્કીટ્સ ખાધા અને ખાસ તો અમે સૌ એકબીજાની વધુ નજીક આવ્યા,મિત્રો બની ગયાં.મને જેસલમેરમાં ઊંટ પર સવારી કરતી વેળાએ, મેડીટેશન કરતી વખતે થાય તેવી પરમ શાંતિ અને સ્થિરતાની લાગણીનો અનુભવ થયો હતો, તે અનુભવનું અહિ પુનરાવર્તન થયું. સઘળા ટેન્શન,શહેરી ભાગદોડથી અમે જોજનો દૂર નદીના શાંત વહેણમાં ભ્રમણ કરી રહ્યા હતાં.અંધારૂ થઈ ગયું અને પોણો-એક કલાક વિતી ગયો ત્યારે અમારી નૌકા બીજા કિનારે પહોંચી અમે અને તપોલા નામના ગામે જઈ પહોંચ્યા.અહિં બાઈક પર આવેલ પ્રશાન્ત, અમારા યજમાન વિજય તથા બસચાલક જયેશ અમારી રાહ જોતા ઉભા હતાં.તેમણે અમને હોડીમાંથી ઉતરવામાં મદદ કરી અને અમે ત્યાંથી તપોલાના અમારા ઉતારે  જવા ચાલવું શરૂ કર્યું. રસ્તો નાનકડા ગામમાંથી થઈને પસાર થતો હતો અને અમે ગ્રામજનોના ઝૂપડા જેવા ઘરોમાં ત્યાંના ગ્રામ જીવનની ઝાંખી મેળવતા ચાલતા ચાલતા પહોંચી ગયા અમારે ઉતારે.મહારાષ્ટ્ર સરકારે 'એગ્રો ટૂરિઝમ' યોજના હેઠળ શહેરીજનો માટે, ઘણાં લીલાછમ ગામો અને પર્વતીય વિસ્તારોમાં એક-બે દિવસ ગ્રામજનો સાથે  તેમના ઘરોમાં રહી તેમના જીવનનો હિસ્સો બની તેમની દૈનિક ઘટમાળનો ભાગ બનવાનું શક્ય બનાવ્યું છે.ભ્રમન્તિ૩૬૫ જૂથે અમારા માટે આવા એક આવાસને પસંદ કર્યું હતું. તપોલાના ગામમાં અતિ સુંદર જગાએ  ચાર-પાંચ ઓરડા ધરાવતું ઘર બધી શહેરી સગવડો ધરાવતું હતું જેથી દરેક લોકો પોતપોતાની પસંદ મુજબ રજાની મજા માણી શકે.અમે બધાએ ગરમ પાણીથી સ્નાન કરી સરસ મજાની ચા પીધી અને ગરમા ગરમ ભજિયાની લિજ્જત માણી. ત્યારબાદ બહાર વરંડામાં પાથરેલી ખુરશીઓ પર બેસી અમે ફોર્મલ રીતે એકમેક થી પરિચિત થયાં. બધાએ પોતપોતાના શોખ અને વ્યવસાય,પ્રવૃત્તિ વિશે જણાવ્યું. અમારી પરિચયવિધી પતી ત્યાં સુધીમાં રાતનું જમવાનું પણ તૈયાર હતું.ચારપાંચ ગ્રામજનોએ અમારા માટે સ્વાદિષ્ટ રસોઈ બનાવી હતી. ફુદા-પતંગિયા જેવા સેંકડો જીવડા આમતેમ ઉડાઉડ કરતાં હતાં પણ તેમણે અમને બહાર ખુલ્લામાં જમવા બેઠા હોવા છતાં હેરાન કર્યા નહિ જેમ આખા દિવસ દરમ્યાન વરસાદે પણ અમને બિલકુલ હેરાન કર્યા નહોતા એમજ! ડીનર બાદ અમે ડી.જે. ના ઘોંઘાટ કરતા એકબીજા સાથે બેસી વાતચીત કરી ત્યાં ગાઢ અંઅધકારમાં સમય પસાર કરવાનું પસંદ કર્યું. થોડી વાર વાતચીત કર્યા બાદ ડમ્બ-શેરાડ્સની રમત રમી (જેમાં કંઈ બોલ્યા વગર માત્ર હાથ હલાવી ,અભિનય કરી હીન્ટ્સ દ્વારા કોઈ ફિલ્મનું નામ દર્શાવવાનું અને જોનારા તે સાચુ નામ શોધી કાઢે.) રમત રમવાની પણ ખૂબ મજા પડી અને અમે એકબીજાના ઇશારા-અભિનય જોઈ પેટ ભરીને હસ્યા પણ ખરાં! પછી બધાં સૂઈ ગયાં.સપરિવાર આવેલા મને અને અનિકેતના પરિવારને તેમજ શ્રદ્ધાને એક રૂમ ફાળવાયો હતો અને અન્યો પણ ચાર-પાંચના જૂથમાં જુદા જુદા ખંડમાં સૂઈ ગયાં.ક્યારે સવારના વાગી ગયા તેની ખબર પડી! રાતે ઘસઘસાટ અને મીઠી ઉંઘ આવી.

બીજા દિવસે સવારે નિત્યક્રમ પતાવી કાંદા પોહાનો સરસ નાસ્તો કર્યો અને ચા પાણી પીધા બાદ જ્યારે ઘરની બહાર આવ્યા ત્યારે તપોલાના સુંદર ઘરનું આખું અલગ સ્વરૂપ જોવા મળ્યું જે રાતે દેખાતા તેના સ્વરૂપ કરતા તદ્દન નોખું હતું. ઘર થોડા નીચાણવાળા ભાગમાં હતું. ટેકરા જેવા ભાગ પર ચડી ઉપરના ખેતરોમાં ઉંચા ઉંચા લીલા ઘાસ વચ્ચે ફોટા પડાવ્યા. ત્યાં, જીવનમાં પહેલી વાર બટાટાના છોડ જોયાં.ત્યાંના ગ્રામજનોની મુશ્કેલીઓ અને વિદ્યાર્થીઓને શાળાએ જવા પહાડ પર ચાર-પાંચ કિલોમીટર ચઢીને જવા તેમજ મોટા ધોરણની નિશાળ તો અતિ દૂર હોવાની વાત વિજયભાઈ સાથે કરી રહ્યાં હતાં ત્યાં નીચેથી પ્રશાન્તે બૂમ પાડી કે અન્ય સ્થળે ફરવા જવા માટે ઓલરેડી અડધો પોણો કલાક મોડું થઈ ગયું હતું!અમે બધા વિજયભાઈના ઘર અને પરિવાર સાથે ગ્રુપ-ફોટા પડાવ્યા બાદ સામાન સાથે બસમાં બેઠાં. બસમાં બેસી મહાબળેશ્વર જવાના એ સુંદર લીલાછમ ધુમ્મસભર્યાં માર્ગ પર બસ સુંદર ગીતો વગાડતી દોડી રહી હતી.પછી સતારાના માર્ગો પર થઈ બસ અમને સજનગઢ નામના ડુંગરે લઈ ગઈ.

ગુજરાતના અંબાજી ખાતે ગબ્બર પર્વત પર જેમ નવસો-હજાર પગથિયા ચઢી માતાજીની જ્યોતના દર્શન કરી શકો એમ અહિ સજનગઢમાં પણ આશરે એટલાં જ પગથિયા ચઢી ઉપર જાઓ એટલે શિવાજી મહારાજના ગુરુ એવા સ્વામી સમર્થ રામદાસજી નો આશ્રમ છે.
 આશ્રમમાં દર્શન કર્યા બાદ ત્યાં ભંડારામાં બપોરનું સ્વાદિષ્ટ સમૂહભોજન લીધું અને અમૃતસરના સુવર્ણમંદિરમાં લંગારમાં લીધેલા બપોરના ભોજનની યાદ તાજી થઈ ગઈ.

ત્યાંથી નીચે ઉતર્યા બાદ અમે પ્રખ્યાત એવા જળધોધ જોવા થોસેગઢ નામની જગાએ આવ્યાં.સુંદર મજાના રૂ ની પૂણી જેવા સફેદ જળધોધ જોઈ અનેરી લાગણી થઈ.



 
 જે જગાએ ધોધ જોવાનું પ્લેટફોર્મ બનાવ્યું છે તેની બંને બાજુએ ખાસ્સી ઉંચાઈએથી પડતા ધોધ જોવા એ પણ એક લહાવો હતો.
અહિં કાસમાં હતાં એવા જ જાંબલી રંગના કાર્વીના ફૂલો પુષ્કળ માત્રામાં ચારે તરફ દ્રષ્યમાન થતાં હતાં. કદમાં નાના હોવાં છતાં આ પુષ્પો વિશિષ્ટ રચના અને શોભા ધરાવતા હતાં.

ત્યાંથી પાછા ફરતાં, રસ્તામાં મોટી મોટી અનેક પવનચક્કીઓ જોઈ. ત્યારબાદ બસમાં ધમાચકડી મચાવતા મચાવતા અમે મુંબઈ પાછા ફર્યા અને અમારી કાસની ખાસ યાત્રા પૂરી થઈ.આ યાત્રા અનેક રીતે ખાસ હોઈ અમારા સૌ માટે અવિસ્મરણીય બને રહેશે.

(સંપૂર્ણ) 

6 ટિપ્પણીઓ:

  1. વિકાસભાઈ, તમારો કાસનો બ્લોગ ખૂબ સુંદર રહ્યો.તમારી નાનકડી દિકરીમાં પણ તમે અત્યારથી સારા સંસ્કારના બીજ રોપી રહ્યાં છો એ જાણી ખૂબ સારૂં લાગ્યું.એ પણ મોટી થઈને તમારી જેમ પ્રકૃતિપ્રેમી જ બનશે! અભિનંદન. બસ આમ જ સારૂં સારૂં લખતા રહો.
    - ડો.વંદના ચોથાણી (એસ.એમ.એસ દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  2. કાસ પ્રવાસના ત્રણે લેખો વાંચ્યા. ખૂબ રસપ્રદ લાગ્યાં.
    - હસમુખ વોરા (ફેસબુક દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  3. કાસ પ્રવાસનો બ્લોગ ખૂબ રસપ્રદ રહ્યો.વર્ણન એટલું સુંદર હતું કે ત્યાં જવાનું મન થઈ ગયું!
    તમારો '૨૦૧૩ મુંબઇ મેરેથોન' વિશેનો બ્લોગ જન્મભૂમિ પ્રવાસીમાં વાંચ્યો હતો. હું પણ આ મેરેથોન માં દોડ્યો હતો પાણી ની પ્લાસ્ટીકની ખાલી બોટલો વિશે તમારિ નોંધ ગમી હતી,આ ૨૦૧૪ ના મેરેથોનમાં હું પણ આ બાબતે ધ્યાન રાખીશ.
    - પ્રદીપ પટેલ, સુરત (ફેસબુક દ્વારા)

    જવાબ આપોકાઢી નાખો
  4. મેં જન્મભૂમિ પ્રવાસીમાં તમારો કાસ વિશેનો બ્લોગ વાંચ્યો અને હું પણ આવતા વર્ષે ત્યાં જવા ઇચ્છું છું.શું તમે મને ત્યાં કઈ રીતે અને ક્યારે જવું અને ક્યાં રહેવું તે વિશે માર્ગદર્શન આપી શકશો?
    - પ્રદીપ શુક્લા (પુણે)

    જવાબ આપોકાઢી નાખો
  5. હેલો વિકાસભાઈ,
    હું ની નિયમિત વાચક છું.તમારો સતારા નજીકના કાસ પ્રદેશના પ્રવાસ વિશેનો બ્લોગ મેં વાંચ્યો હતો.
    અમે ૨૮મી ઓક્ટોબર ૨૦૧૩ ના સતારા થઈને ગોવા જવાના છીએ.શું અમને કાસ ના ખાસ ફુલો જોવા મળી શકે? અમે પણ પ્રકૃતિ પ્રેમી છીએ.
    અમે સતારા નજીક રાતવાસો કરી શકીએ એવી કોઈ જગા હોય તો જાણ કરશો.
    આભાર!
    - વર્ષા ગાલા (વડોદરા)

    જવાબ આપોકાઢી નાખો
  6. વર્ષાબેનનો ઇમેલ 'સ્પેમ' ફોલ્ડરમાં ગયો હોવાને લીધે સમયસર તેમને જવાબ આપી શકાયો નહિ પણ તેઓ,પ્રદીપભાઈ શુક્લા અને તેમના જેવા અન્ય પ્રક્રુતિ પ્રેમીઓ કાસ-સતારા નજીક રાતવાસો કરી શકાય તેવી સરસ સગવડભરી જગા માટે વિજય મોરે,સખા નિવાસ,એગ્રો ટૂરીઝમ,તપોલા-મહાબળેશ્વર નો ૯૯૬૯૩૫૭૩૨૦ પર સંપર્ક કરી શકે છે.
    - Vikas Nayak

    જવાબ આપોકાઢી નાખો