રવિવાર, 3 નવેમ્બર, 2013
દિવાળી તથા નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ!
[ 200 લેખ પૂરા થયાં નિમિત્તે ખાસ સંદેશ ]
પ્રિય વાચક મિત્રો,
ફરી એક વાર તમારો આભાર વ્યક્ત કરવાની ઘડી આવી છે. આજે 'બ્લોગ ને ઝરૂખે થી...' ના ૨૦૦ હપ્તા પૂર્ણ થયાં છે. છેલ્લાં લગભગ ચારેક વર્ષથી નિયમિત રીતે અલગ અલગ વિષયો પરના મારા વિચાર,મત-મંતવ્યો આ કટારના માધ્યમથી તમારી સાથે વહેંચતો આવ્યો છું. એ વાતની બેહદ ખુશી છે કે તમે પણ સતત પ્રતિભાવ દ્વારા - ઇમેલ કરીને કે ફોન કરીને કે રૂબરૂમાં મને પ્રોત્સાહિત કર્યો છે. ચાલીસ જેટલા ગેસ્ટ બ્લોગ્સ થકી તમારામાંના કેટલાક મિત્રોએ પણ તમારા વિચારો આ પ્લેટફોર્મ થકી અન્યો સાથે શેર કર્યા છે એ વાતનો પરમ આનંદ અને સંતોષ છે.આ કટાર પર આધારીત એક પુસ્તક 'સંવાદ' પણ ગૂર્જર ગ્રંથરત્ન પ્રકાશન સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. આ બધું આપના પ્રેમ અને સહકાર વગર શક્ય ન બન્યું હોત. બસ આપનો પોઝીટીવ ફીડબેક સતત વર્ષાવ્યે રાખજો! લખતાં રહેજો,વાંચતા રહેજો અને વંચાવતા રહેજો. સારા વિચારો વધુ ને વધે ફેલાવતા રહેજો.
- વિકાસ ઘનશ્યામ નાયક
---------------------------------------------------------------
દિવાળી તથા નવા વર્ષની અઢળક શુભેચ્છાઓ!
થોડાં વર્ષો અગાઉ દિવાળી સમયે ટપાલી ખાસ્સી ડીમાન્ડમાં રહેતા! તેઓ એક સાથે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવતી ટપાલોનો ઢગલો લઈ આવે અને તગડી બક્ષિષ લીધા બાદ તે બધી ટપાલો તમને સોંપે! પણ હવે ટપાલી સામાન્ય દિવસો સહિત દિવાળીમાં પણ ભાગ્યેજ જોવા મળે છે. થોડા વર્ષો સુધી એસ.એમ.એસ સંદેશાઓએ લઈ લેધીલા ટપાલના સ્થાનને હવે 'વ્હોટ્સ એપ' અને 'વી ચેટ' જેવી મોબાઈલ મેસેન્જર સેવાઓએ જોખમાવ્યું છે! વળી 'વ્હોટ્સ એપ' અને 'વી ચેટ' પર મોકલી શકાતા આ સંદેશા મફત પણ હોય છે સાથે જ ચિત્રો,તસવીરો કે અતિ લોકપ્રિય નિવડેલા નાનકડાં સ્માઈલીઝ જેવા આઇકન્સ પણ ભરપૂર માત્રામાં પ્રાપ્ય છે અને એ વાપરી સંદેશ તૈયાર કરવામાં ખાસ કોઈ કૌશલ્યની પણ જરૂર પડતી નથી, પછી કોઈ ટપાલ લખવાની કે એસ.એમ.એસ મોકલવાની જફામાં પણ શા માટે પડે?!
ખેર, મને પણ વ્હોટ્સ એપ પર દિવાળી અને નવા વર્ષના અનેક શુભેચ્છા સંદેશ મળ્યાં પણ તેમાંના કેટલાક ખરેખર હ્રદયસ્પર્શી હતાં અને ખરેખરો સંદેશ આપનારા હતાં. આવા કેટલાક સુંદર સંદેશાઓની આજે બ્લોગ થકી તમારા સૌ સાથે વહેંચણી કરીશ!
જ્યારે કોઈ બાળકને પોતાના પિતાનો મોંઘેરો(!) સમય જોઇતો હોય અને પિતા પોતાનો મોબાઈલ બાજુ પર મૂકી દે કે ટી.વી સ્વીચ ઓફ કરી દે અને પોતાનો ૧૦૦ ટકા સમય બાળકને આપે ત્યારે એ ક્ષણ બાળક માટે ધન છે. જ્યારે લગ્નજીવનના વીસ વર્ષ બાદ પણ પતિ પત્ની ને કહે 'I Love You' અને પૂરી પ્રમાણિકતાથી પત્નીને તે જેવી છે તેવી સ્વીકારી તેની પ્રશંસા કરે ત્યારે એ ક્ષણ પત્ની માટે ધન છે. જ્યારે માતાપિતા ઘરડા થઈ ગયા હોય અને તેમને તમારા ધ્યાનની, પ્રેમની અને કાળજી તેમજ દયાની જરૂર હોય અને તેમના સંતાનો તરફથી એ તેમને પ્રાપ્ત થાય ત્યારે માતાપિતા માટે એ ક્ષણ ધન છે. ઇશ્વર તમારા જીવન અને વિશ્વને આવા ખરા ધનથી ભરી દે જે તમારા જીવનને જીવવા લાયક અને માણવા લાયક બનાવી દે એવી પ્રાર્થના...'હેપ્પી ધનતેરસ'!
આ દિવાળીએ જ્યારે તમે નવી નવી વસ્તુઓની ખરીદી કરી પાછા ફરતા હોવ ત્યારે તમારી ખરીદેલી ચીજ વસ્તુઓની વાત રીક્ષા કે ટેક્સીમાં કરવાનું ટાળશો. ડ્રાઈવર જો એ સાંભળશે તો તેને લઘુતા ગ્રંથિનો અનુભવ થશે તેને ખરાબ લાગશે કે તે આ બધી વસ્તુઓ પોતાના બાળકો કે પરિવાર માટે ખરીદી શકવા સક્ષમ નથી.જ્યારે તમે તમારા બાળકો માટે ફટાકડા ખરીદો ત્યારે તેમાંથી થોડા તમારા બાળકના હાથે જ તમારા વોચમેનને અપાવજો જેથી એ તે પોતાના બાળકોને ફોડવા આપી શકે.જ્યારે તમારા ઘેર કામ કરતી બાઈ ઘર સાફ કરતી હોય ત્યારે તેની બાજુમાં ઉભા રહી તેને મદદ કરજો કારણ તેણે આ દિવાળીએ બે ઘરોની સફાઈ કરવાની છે. તમે જ્યારે મિઠાઈ બનાવો ત્યારે થોડી તમારા ઘેર આવતા કચરવાળાને આપજો જેથી તેના હાથમાં થોડા સમય માટે સહી,પણ કચરા સિવાય કંઈક બીજું જોવા મળે! તમારી દિવાળી હેપ્પી અને નવું વર્ષ સમ્રુદ્ધ જ બની રહેશે પણ તમારા કરતાં કમનસીબ એવા બીજા ઘણાં છે,તેમને માટે એવું નહિ હોય,તેમને એનો અહેસાસ ન થવા દેવાનો પ્રયાસ કરજો. તેમના પર તમારો પ્રેમ વરસાવજો.આ વર્ષે દિવાળીમાં માત્ર તમારા ડાયાબિટીસ, પ્રદૂષણ અને ક્રેડીટ કાર્ડના બિલ ને જ વધવા ન દેશો, થોડા સ્મિત પણ વધારશો! હસજો,સ્મિત રેલાવજો,પ્રેમ અને ખુશીઓ ફેલાવશો...
આ વર્ષે પેલા દિવા,રંગોળી કે કંકુ વેચતા બાળકો સાથે પૈસાનો ભાવતાલ કરશો નહિ કે નવા વર્ષે વહેલી સવારે શુકન કે આસોપાલવના તોરણ વેચવા આવતા ગરીબ યુવાન કે યુવતિ પાસે શુકન કે તોરણ સસ્તામાં માગશો નહિ. કારણ આ લોકો તેમને મળતા થોડા ઘણા નફા કે રૂપિયામાંથી કંઈ બંગલો કે મહેલ બાંધી લેવાના નથી. તેઓ પણ માત્ર પોતાના કુટુંબ સાથે તમે જેમ તમારા પરિવાર સાથે મનાવો છો એમ દિવાળીનો આ પ્રકાશમય તહેવાર જરા વધુ સારી રીતે ઉજવવા ઇચ્છે છે એટલું જ! તેઓ આ રીતે પેટીયું રળે છે. આપણે જ્યારે ટાટા,બિરલા કે અંબાણી પાસે થી કંઈક ખરીદીએ ત્યારે તો ભાવતાલ કરતા નથી તો પછી આ ગરીબો પાસેથી કોઈક વસ્તુ ખરીદતી વખતે શા માટે? તેમના ચહેરા પર સ્મિત લઈ આવો. તેમની સાથે ભાવતાલ ન કરશો.આ સંદેશ તમારા મિત્રો સુધી પણ પહોંચાડશો.
આ અને આવા અનેક અર્થસભર સંદેશા વાંચી ખૂબ સારૂં લાગ્યું.
મારી એક મિત્રે પાંચસો રૂપિયાની મીઠાઈ ખરીદી અને બજારમાં જઈ દિવા,રંગોળી વગેરે વેચી રહેલા ગરીબ લોકોના તેમની બાજુમાં રમી રહેલાં બાળકોમાં એ મીઠાઈ વહેંચી દીધી. અને એ આપ્યા પછી તેના હૈયામાં એક વિશેષ પ્રકારના આનંદનું ઘોડાપૂર ઉમટ્યું! જ્યારે તેણે મારી સાથે આ વાત શેર કરી ત્યારે એ સાંભળી મને પણ ખરેખર ખૂબ આનંદ થયો! કોઈ ને કંઈક નિસ્વાર્થ ભાવે આપીએ ત્યારે સાચી ખુશીનો અનુભવ થાય છે. એ પણ ક્યારેક માણી જો જો!
દિવાળીનું પર્વ આપણાં સૌના જીવનમાં સાચો પ્રકાશ રેલાવે અને નવું વર્ષ આપણા સૌ માટે મંગલમય નિવડો એવી શુભેચ્છા !
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
વાહ! ૨૦૦ હપ્તા પૂરા કરવા બદલ અભિનંદન!
જવાબ આપોકાઢી નાખો- ભાવેશ ગુડકા, (ગૂગલ પ્લસ પર)
I Love love this post
જવાબ આપોકાઢી નાખોI Love love this post
જવાબ આપોકાઢી નાખો