Translate

Tuesday, November 19, 2013

બસ મુસાફરીનો કડવો અનુભવ


થોડા વખત અગાઉ અમદાવાદથી મુંબઈ આવવાનું થયું. આમ તો મને લાંબા સમયની મુસાફરી માટે બસ કે અન્ય વાહન કરતાં રેલવે ટ્રેન વધુ ફાવે. પણ આજ કાલ મહિનાઓ અગાઉ રેલવેની ટિકીટ બુક કરી હોય તો તત્કાલ દ્વારા કે અન્ય કોઈક રીતે રેલવેની ટિકીટ તાત્કાલિક મેળવવી અશક્ય છે. આથી દિવસે બસમાં અમદાવાદથી મુંબઈ આવવાનું નક્કી કરવું પડ્યું.  પપ્પાએ દિપ ટ્રાવેલ્સ નામની કોઈ ટ્રાવેલ સંસ્થાની .સી.સ્લીપર ટિકીટ મારા માટે બુક કરી દીધી.

રાતે દસ વાગે પાલડીથી બસ શરૂ થવાની હતી તેની જગાએ એ સાડા દસે આવી અને લગભગ પાંચેક મિનિટમાં ત્યાંથી ઉપડી.મારો સ્લીપર કોચ ઉપર હતો અને હું તેમાં ગોઠવાઈ ગયો.સાથે પાંચ-સાત વયસ્ક ગુજરાતીઓનું એક ગૃપ મારી સામીને બર્થ્સ પર હતું.અમદાવાદથી કેટલાક જુવાનિયાઓ મુંબઈ આવી રહ્યા હતા.એક ઉત્તર ભારતીય સ્માર્ટ બોલકો માર્કેટીંગનો વધુ લાગે તેવો એચ.આર. ક્ષેત્રે કામ કરતો શશાંક શર્મા નામનો યુવાન હતો.એક દમના દર્દી એવા બહેન હતાં.નાનકડા સંતાન સાથે એક દંપતિ પણ બસમાં હતું અને સિવાય પણ ઘણાં એકલદોકલ પ્રવાસીઓ મળીને સારી એવી મિક્સ પ્રજા બસમાં ટ્રાવેલ કરી રહી હતી.

બસ ઉપડી તેની પાંચેક મિનિટમાં કોઈકે પાછળની બેઠક પરથી બૂમ પાડી કે .સી. બરાબર ચાલુ નથી.ગુજરાતી લબરમૂછીયા જુવાન ડ્રાઈવરે એવો ઉડાઉ જવાબ આપ્યો કે બસ હજી શરૂ થઈ છે એટલે ધીરે ધીરે .સી. સિસ્ટમ ઠંડક પકડશે.દસ-પંદર મિનિટ થઈ હશે ત્યાં બીજે સ્ટોપેથી થોડા વધુ પ્રવાસીઓ બસમાં ચડ્યા.ફરી ચાલુ થયા બાદ બીજી વીસેક મિનિટ માંડ થઈ હશે ત્યાં બસ ફરી અટકી.મેં સમય પસાર કરવા લેપટોપ પર ફિલ્મ શરૂ કરી હતી.આથી મને ખબર પડી પણ લગભગ પંદર વીસ મિનિટ બીજી નિકળી ગઈ છતાં બસ હલી નહિ એટલે બારી બહાર જોયું તો થોડા ઘણાં પ્રવાસીઓ બસ નીચે ઉતરેલા દેખાયા.ત્યારે લાગ્યું કે કંઈક ગડબડ છે..સી.બસમાં ઉપરની કેબિન બંધ કરીને બેઠા હોવ એટલે આવું થાય.બધાંથી દૂર - જુદો એક અલાયદો ખૂણો તમને મળી જાય.બસ જો અટક્યા વગર સરસ દોડતી દોડતી તમને તમારા ગંતવ્ય સ્થાને પહોંચાડી દે તો પ્રોબ્લેમ નહિ! પણ મારી બસમાં નક્કી કોઈક પ્રોબ્લેમ આવ્યો હતો. આથી જરૂર કરતાં વધુ સમય એક સ્થાને ઉભી હતી અને પ્રવાસીઓ હાઈવે વચ્ચે જે ઠેકાણે સાઈડમાં બસ ઉભી હતી ત્યાં નીચે ઉતરી આંટા મારી રહ્યા હતાં. હું પણ નીચે ઉતર્યો ત્યારે જોવા મળ્યું કે તેઓ માત્ર આંટા નહોતા મારી રહ્યાં પણ અકળાઈ પણ ગયાં હતાં. રાતના બારેક વાગ્યા હતાં અને અંધારી રાતે હાઈવે પર અમારી બસ ખોટકાઈ પડી હતી.પેલાં ગુજરાતી વયસ્કો આગળ પલાંઠી વાળી કે પગ લાંબા કરી રસ્તા પર બેસી ગયાં હતાં.એક બાજુએ અન્ય વાહનો સડસડાટ ગતિએ આગળ વહી રહ્યા હતાં અને રસ્તાની એક બાજુએ સાઈડમાં અમારી બસના પ્રવાસીઓ ઉંચાનીચા થઈ રહ્યાં હતાં.મેં આગળ જઈ હકીકત જાણવા પ્રયાસ કર્યો કે વાત શું હતી. બે ગુજરાતી યુવકો પાછલા સ્ટોપે બસમાં ચડ્યા હતાં અને બસ હાઉસફુલ હોવાને કારણે બ્લેકના ઉપરના પૈસા આપી કેબિનમાં ડ્રાઈવરની બાજુમાં બેસી પ્રવાસ કરી રહ્યા હતાં. તેમણે ચાલુ બસે તણખા ઝરતાં જોયા હતાં અને કંઈક બળવાની વાસ આવતી હોવાની ફરિયાદ પણ ડ્રાઈવરને કરી હતી પણ તેણે ગણકારી નહોતી અને થોડી ક્ષણોમાં બસ અટકી પડી. .સી. નો વાયર બળી ગયો હતો અને બસ પેકમપેક હોવાથી કોઈ બારી વગેરે ખુલ્લી હોવાને લીધે હવાની અવર જવર તો થઈ શકે એમ નહોતી એટલે બધાં પ્રવાસીઓએ ફરજિયાત હાઈવે પર બસમાંથી નીચે ઉતરી જવું પડ્યું.અડધો પોણો કલાક વિતી ગયો ત્યાર બાદ દીપ ટ્રાવેલ્સનો પંજાબી પાઘડી ધારી માલિક .સી. ના બળી ગયેલા વાયરને રીપ્લેસ કરવા મેકેનિકને લઈ આવી પહોંચ્યો  પણ વાત એમ બની કે વાયર કંઈક જુદા સ્પેકિફિકેશન્સ ધરાવતો હોવાને લીધે બસ તો ચાલુ થઈ શકે એમ હતી પણ .સી. ચાલુ થઈ શકે એવી સ્થિતીમાં નહોતું.તેણે અમને સૌને મનાવ્યા એમ ખાતરી આપીને કે તેણે બીજી .સી. બસને સુરતથી સામેથી રવાના થવા આદેશ આપી દીધો છે અને અમને તે સામે રસ્તામાં અડધો પોણો કલાકમાં મળશે ત્યાં અમારે બધાએ તેમાં શિફ્ટ થઈ જવાનું.અમારી પાસે અન્ય વિકલ્પ પણ શો હતો? સમય બચાવવાના ચક્કરમાં અમે તેની વાતમાં આવી જઈ .સી. વગર ગરમીમાં શેકાતા શેકાતા બે-એક કલાકની બીજી મુસાફરી ખેડી નાંખી. બસની સાંઠગાંઠ હશે એવી એકાદ હોટલ પાસે કોઈની ઇચ્છા નહોતી છતાં બસ ડ્રાઈવરે ઉભી રાખી. કદાચ જે થોડી ઘણી ઘરાકી હોટલવાળાને થાય અને એમાંથી થોડુંઘણું કમિશન બસ વાળાને મળે. વીસેક મિનિટ અહિ ખોટી વેડફાઈ ગઈ. ફરી બસ શરૂ થઈ અને માંડ દસ-પંદર મિનિટ બાદ લગભગ વડોદરા પાસે ડ્રાઈવરે બસ ફરી સાઈડમાં ઉભી રાખી.અહિ કોઈ ગેરેજ હતું. ડ્રાઈવરે ત્યાં જઈ જરૂરી વાયર શોધવા પ્રયાસ કર્યો. અમને અહિ ખબર પડી કે પાઘડી ધારી દીપ ટ્રાવેલના માલિકે અમને ઉલ્લુ બનાવ્યા હતાં.સામેથી કોઈ બસ સુરત પાસેથી રવાના થઈ નહોતી.ડ્રાઈવર અમારા બધાના કહેવાથી તેને વારંવાર તેના મોબાઈલ પર નંબર જોડવા પ્રયત્ન કરી રહ્યો હતો પણ મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાયો હતો.ડ્રાઈવર પાસે માલિકના ઘરનો નંબર નહોતો. દીપ ટ્રાવેલની કોઈ હેલ્પલાઈન જેવું કંઈ હતું નહિ અને તેની ઓફિસમાં રાતના સાડાત્રણ - ચારે કોણ હાજર હોય? અમારા બધાના દિમાગનો પારો છેલ્લી પાયરી પર હતો.પોલીસ થાણું નજીક હતું અને ત્યાંથી બે ચાર પોલીસે આવી અમારી વિતક કથા સાંભળી-ડ્રાઈવરને ખખડાવ્યો પણ ફરિયાદ નોંધી કારણ માટે અમારે અમદાવાદ જવું પડે એમ અમને સૂચવાયું. પેલા બોલકા એચ.આર.વાળા શશાંક શર્માએ તો એવી વાતો કરી જાણે તે મુંબઈ પહોંચ્યા બાદ  દીપ ટ્રાવેલને નામશેષ કરી દેશે. ફેસબુક પર મૈ 'હેટ દીપ ટ્રવેલ' પેજ બનાઉંગા - આપ સબ ઉસ્કો લાઈક કરના ઔર સારી ટ્રાવેલ વેબ્સાઈટ્સ પે દીપ ટ્રાવેલ કો સબ્સે ઝ્યાદા નેગેટીવ ફીડબેક દેના એવી વાતો જોરશોર થી કરી રહ્યો હતો.નાના છોકરાવાળું ફેમિલી અટવાયું અને અકળાયું હતું.એક બહેન દમના દર્દી હતાં અને તેમની હાલત ખરાબ થઈ હતી. કેટલાક લોકો બીજે દિવસે વહેલી સવારે મુંબઈ પહોંચી ઓફિસ કે મીટીંગ અટેન્ડ નહિ કરી શકાય એવા જીવો બાળતા હતાં. કેટલાકે ડ્રાઈવર અને તેના સહાયકને બાનમાં લીધા હતાં. અમને વધુ ગુસ્સો છેતરાયાની લાગણીનો આવતો હતો. પેલા પાઘડી ધારી સુરતથી બસ સામી આવી રહી હોવાનું નર્યું જૂઠ્ઠાણું શા માટે ચલાવ્યુ? તેનામાં માણસાઈનો છાંટો નહોતો. કેટલા લોકો તેની ખરાબ બસ-સર્વિસને કારણે હેરાન પરેશાન થઈ ગયાં હતાં. ગેરેજ આટલું નજીક હોવા છતાં માત્ર થોડા સમય પહેલા પેલી હોટલ પર ખોટી વીસેક મિનિટ વેડફવાની પણ કોઈ જરૂર નહોતી. એકાદ કલાક બસનું રીપેરીંગ કામ ચાલ્યું ત્યાર બાદ બસ શરૂ થઈ - .સી સાથે અને અમારા સૌના જીવમાં જીવ આવ્યો.બધાંએ એકબીજાના સંપર્ક નંબરો લઈ લીધા હતાં અને દીપ ટ્રાવેલને પાઠ ભણાવવાનું નક્કી કરી લીધું હતું પણ .સી. શરૂ થઈ જતાં અને બસ ચાલુ થઈ જતાં સૌ ફરી પોતપોતાની કેબિનો-સીટોમાં ગોઠવાઈ ગયાં.

દોઢેક કલાક બાદ બસ ઉભી રહી અને અમને સૌને નીચે ઉતરી બીજી .સી.બસમાં શિફ્ટ થઈ જવાનું ફરમાન થયું.બસ અટકી હોત કે અટકી હોત પણ અમારે તો અહિં બસ ચેન્જ કરવાની હતી એવું ડ્રાઈવરે જણાવ્યું ત્યારે છેતરાયાની લાગણી ફરી તાજી થઈ ગઈ.શા માટે બસ ટ્રાવેલ્સ વાળાઓ આવી રીતે પ્રવાસીઓને હેરાન કરતાં હશે? બીજી બસ જોકે સારી હતી અને તેમાં પણ .સી. ચાલુ હતું પણ બધી અદલાબદલીની જફા શા માટે? અન્ય ટ્રાવેલ્સની બસોમાં પણ અગાઉ મને આવો અનુભવ થયો છે.મુસાફરોને અગાઉથી  જણાવ્યા વગર, બસચાલકો તેમને આવી અદલાબદલીની ફરજ અડધી મુસાફરી બાદ પાડે એ તદ્દન અયોગ્ય અને અન-પ્રોફેશનલ છે.

ખેર પછીની મુસાફરી તો દીપ ટ્રાવેલની બીજી બસમાં કોઈ મુશ્કેલી વગરની રહી પણ અમે નિયત સવારે સાત-આઠ વાગ્યાની જગાએ મુંબઈ બપોરે દોઢ વાગે પહોંચ્યા અને અનેક અન્ય મુસાફરો પોતાની ઓફિસમાં મોડા પડ્યા કે મહત્વની મિટીંગ ચૂકી ગયાં.

ઉત્સાહમાં એકબીજાના નંબરો લીધા હોવા છતાં કોઈએ ઘટનાના બે-ત્રણ મહિના બાદ પણ મારો સંપર્ક કર્યો નથી. મેં બ્લોગ લખીને સંતોષ માન્યો છે. પણ આપણે આવા જ છીએ.આટલી યાતના ભોગવ્યા બાદ પણ બસ ફરી ચાલુ થઈ અને .સી. શરૂ થઈ ગયું એટલે બધાં  ફરી ભરાઈ ગયા પોતપોતાની કેબિન્સમાં. હેરાન થયાં ,ગાળો આપી,આક્રોષ ઠાલવ્યો પણ પછી આગળ કંઈ નહિ...

બીજું, માણસ જૂઠ્ઠુ ન બોલતાં ભૂલ બદલ શુદ્ધ અને પવિત્ર હ્રદયથી માફી માગી લે તો સામે વાળી વ્યક્તિ કે વ્યક્તિઓ ચોક્કસ તેને માફ કરી દે.ખરો પ્રોફેશનલ આવી ક્ષતિ બદલ ટિકીટના પૈસ પૂરા નહિ તો અડધા પાછા આપી શકે અથવા બીજી એક મુસાફરીમાં રાહત આપી ગ્રાહકોને સાચવી લઈ શકે અને પોતાની બ્રાન્ડ વેલ્યુ ઉભી કરી શકે.માઉથ પબ્લિસીટી માર્કેટીંગનું શ્રેષ્ઠ સાધન છે.પોતાના ખરાબ અનુભવો પણ લોકો અન્યો સાથે શેર કરવાનાં જ છે અને પોતાને થયેલ સારા અનુભવની વાત પણ તેઓ અચૂક અન્યો સમક્ષ કરશે જ.આથી સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં રહેલાંઓએ તો આ વાત પર ખૂબ ધ્યાન આપવું જરૂરી છે.

1 comment:

  1. ગયા સપ્તાહે બ્લોગમાં વર્ણવેલ બસ ઓપરેટર જેવા બસ ઓપરેટરોને પાઠ ભણાવવો જોઇએ.તેમણે પ્રવાસીઓની સુવિધાઓનો ખ્યાલ રાખવો જોઇએ અને તેમને યોગ્ય સેવા પૂરી પાડવી જોઇએ.આશા રાખીએ કે ભવિષ્યમાં કોઇ સાથે બ્લોગમાં વર્ણવેલ અનુભવ જેવા અનુભવનું પુનરાવર્તન ન થાય.
    - હસમુખ વોરા (ફેસબુક દ્વારા)

    ReplyDelete