Translate

સોમવાર, 25 નવેમ્બર, 2013

ગુજરાતી-અંગ્રેજી દેશી-વિદેશી


થોડા સમય અગાઉ એક કાર્યક્રમ માણ્યો.શાળા અને કોલેજના વિદ્યાર્થીઓએ પરફોર્મ કર્યું અને મજા આવી એ કાર્યક્રમ જોવાની.પણ એક મુદ્દા પર આ કાર્યક્રમમાં વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.તેના પર થોડું મનન કરતાં જણાયું કે એ મુદ્દા સાથે હું સહમત નથી. મુદ્દો હતો ગુજરાતી અસ્મિતાની જાળવણી માટે અંગ્રેજી અને વિદેશી એવી સર્વ વસ્તુઓ અને બાબતોને જાકારો આપવાનો.
        કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતની ભવાઈની ઝાંખી જોવા મળી.સંત મહાત્માના વેષમાં વિદ્યાર્થીઓ આવે અને સામા પાત્રોને ઉપદેશ આપતાં સાથે જ પ્રેક્ષકોને સંદેશ આપે એ રજૂઆત પણ ગમી.કાર્યક્રમને અંતે યુવા વિદ્યાર્થીઓ મન ભરીને ગરબે ઘૂમ્યાં અને રાસ રમ્યાં એ પણ ગમ્યું પણ સમગ્ર કાર્યક્રમમાં એક મુદ્દા પર ખૂબ ભાર મૂકાયો કે ગુજરાતીની જાળવણી માટે અંગ્રેજીને જાકારો આપવો,પરદેશ જવું પાપ સમાન છે અને બધી જ પરદેશી વસ્તુઓનું સેવન તદ્દન અયોગ્ય છે આ બાબત મને જરા કઠી.
         આજનો યુગ ગ્લોબલાઇઝેશનનો છે.આજે સમગ્ર દુનિયામાં સામાન્ય હોય એવી એક ભાષાના જ્ઞાનની સખત જરૂર છે. ભારતની જ વાત કરી તો અહિં ઓગણત્રીસ જેટલા રાજ્યો છે અને એ બધાંની અલગ સંસ્કૃતિ અને વિવિધ ભાષાઓ છે. તમે દક્ષિણ ભારતમાં જાઓ અને અંગ્રેજી ન જાણતા હોવ તો તમે મુશ્કેલીમાં મુકાઈ જાવ કારણ ત્યાંના લોકોને હિન્દી રાષ્ટ્રભાષા હોવા છતાં તેનું જ્ઞાન હોતું નથી તેઓ પોતાની માતૃભાષા અને અંગ્રેજી જ જાણતાં હોય છે. આમ આપણને એક ગ્લોબલ લેંગ્વેજ સારી રીતે આવડે એ અનિવાર્ય છે.

અહિં હું એમ નથી કહી રહ્યો કે તમને અંગ્રેજી જ આવડવું જોઇએ અને ગુજરાતીને અભરાઈએ ચડાવી દો.પણ અંગ્રેજીને જાકારો આપી દો એ પણ તદ્દન અવ્યવહારૂ ગણાય.આજના યુગનું બાળક અતિ સ્માર્ટ હોય છે. તેને બે કરતા વધુ ભાષાઓનું જ્ઞાન એક સાથે ચોક્કસ આપી શકાય. અંગ્રેજી A B C D સાથે ગુજરાતી બારાખડી પણ શિખવો. તેને માતૃભાષા પ્રત્યે લગાવ પેદા થવો જ જોઇએ અને તેને એમાં લખતા-વાંચતા પણ આવડવું જ જોઇએ. ગુજરાતી માધ્યમની શાળામાં બાળકને મૂક્યું ન હોય તો પણ તેને ગુજરાતી ભાષાના વર્ગોમાં મોકલી કે ઘરે તેને ગુજરાતી શિખવી તેની માતૃભાષામાં રૂચિ ચોક્કસ પેદા કરી શકાય. તેને દરેક અંગ્રેજી શબ્દોનું ભાષાંતર કરી એ માટેનો ગુજરાતી શબ્દ આવડે એની ખાતરી કરો.આ માટે પહેલા તો એ ગુજરાતી શબ્દોની જાણકારી તેના માબાપને હોય એ જરૂરી છે આથી એ માટે અંગ્રેજી-ગુજરાતી અને ગુજરાતી-અંગ્રેજી શબ્દકોષ (ડિક્ષનરી) વસાવો.ગુજરાતી પુસ્તકો ખરીદો અને તે વાંચો અને તમારા બાળક પાસે વંચાવો.પણ અંગ્રેજી ભાષા પ્રત્યે સૂગ ન રાખો અને તેના પ્રત્યે પણ તમારા બાળકના મનમાં અણગમો પેદા ન કરો.ઉજ્જવળ ભવિષ્ય માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન આવશ્યક બની રહેશે.

        તાજેતરમાં જ એક સર્વેક્ષણ થયું અને તેમાં વિશ્વની શ્રેષ્ઠ વિદ્યાપીઠો,શાળાઓ-કોલેજોની યાદી તૈયાર થઈ. દુ:ખદ અને કમનસીબીભર્યું તથ્ય એ છે કે એમાં ક્યાંય દૂર દૂર સુધી ભારતની કોઈ શિક્ષણ સંસ્થાનું નામ નહોતું. નાલંદા - તક્ષશિલા, શાંતિનિકેતન જેવી શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ જ્યાં હતી તેવા આપણાં ભારતમાં આજે શિક્ષણ માત્ર પૈસા કમાવાનું સાધન બની ગયું છે. ગુણવત્તાના નામે મીંડુ એવી ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં જ વિદ્યાર્થીઓ ભણે એવો દુરાગ્રહ શા માટે? ઓક્સ્ફર્ડ,કેમ્બ્રિજ,માસાચ્યુસેટ્સ વગેરે જેવી વિદેશી શિક્ષણ સંસ્થામાં ઉચ્ચ શિક્ષણ લેવા જવું ચોક્કસ પાપ સમાન નથી જ. આપણે માત્ર વિદેશી વસ્તુઓની નિંદા કરવાને બદલે પહેલા આપણે ત્યાં રહેલી બદીઓને દૂર કરવા પર ધ્યાન આપવું જોઇએ. ભારત પાસે વિશ્વમાં દરેક ક્ષેત્રે શ્રેષ્ઠ બને રહેવાની લાયકાત છે અને તેને ઉભારવાના પ્રયત્નો થવા જોઇએ.

        જ્યાં સુધી પિઝા અને પાસ્તા ખાવાનો પ્રશ્ન છે કે વિદેશી સંસ્કૃતિ અપનાવવાની વાત છે ત્યાં મારો મત એવો છે કે દરેક સારી વસ્તુ પ્રમાણ અને મર્યાદામાં કરી શકાય. ‘અતિ સર્વત્ર વિનશ્યતે’ નો નિયમ યાદ રાખીને ક્યારેક ચેન્જ માટે વિદેશી ખાણું ખાઈ લઈએ કે વેલેન્ટાઈન ડે કે ફ્રેન્ડશીપ ડે ઉજવી લઈએ કે સારા અંગ્રેજી ગીતો સાંભળી તેના પર ક્યારેક પાર્ટી વગેરેમાં ડાન્સ કરી લઈએ તો કોઈ ગુનો નથી થઈ જતો. સારા વિચારો અને સારી વાતો તો બધી જ દિશાઓમાંથી પ્રાપ્ત થવી જ જોઇએ - ગ્રહણ કરવી જ જોઇએ. હા,આપણાં મૂળ-આપણી સંસ્કૃતિને ભોગે નહિ એનો ખ્યાલ રાખવો જોઇએ.

1 ટિપ્પણી:

  1. પ્રિય વિકાસભાઈ,
    તમારો ગુજરાતી-અંગ્રેજી દેશી-વિદેશી બ્લોગ શાંતિથી વાંચ્યો અને મને તેમાં ખૂબ રસ પડ્યો.હાલની પરિસ્થિતી જોતાં એમ જ લાગે છે કે આપણે આપણી માત્રુભાષાને તેમજ આપણી સંસ્કૃતિ ને બચાવવાની જરૂર છે પણ અન્ય ભાષાનેવખોડીને કે અન્ય સંસ્કૃતિ નો તિરસ્કાર કરીએ એ યોગ્ય નથી કારણ દરેક ભાષા અને સંસ્કૃતિ ના પોતાના આગવા લક્ષણો હોય છે.આપણે કેટલાક એવા નક્કર પગલાં લેવા જોઇએ જેથી આપણા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાને આદર આપતાં થાય.જ્યાં સુધી તેઓ માત્રુભાષા પ્રત્યે સન્માન નહિ કેળવતા થાય ત્યાં સુધી નોંધનીય પરિવર્તન નહિ આવે.તેમને ગુજરાતી સંસ્કૃતિ,ભાષા,પરંપરાઓ અને રીતિરીવાજોનો સુયોગ્ય પરિચય કરાવવો જોઇએ.
    તમારા બ્લોગમાં તમે લખેલાં કેટલાક વિધાનો મને ખૂબ ગમ્યાં જેવાકે "આપણે માત્ર વિદેશી વસ્તુઓની નિંદા કરવાને બદલે પહેલા આપણે ત્યાં રહેલી બદીઓને દૂર કરવા પર ધ્યાન આપવું જોઇએ." સામાન્ય રીતે આપણા પોતાના દોષો પ્રત્યે આપણે વધારે ધ્યાન આપતાં નથી અને આપણે તેમની સામે જાણી જોઇને આંખ આડા કાન કરતાં હોઇએ છીએ પણ બીજાઓની ભૂલો શોધવાનું આપણને ખૂબ ગમે છે.આવા પ્રકારનો નકારાત્મક અભિગમ આપણને જીવનમાં સફળતા પ્રાપ્ત કરતાં અટકાવે છે.બીજું તમારૂં એક વિધાન "સારા વિચારો અને સારી વાતો તો બધી જ દિશાઓમાંથી પ્રાપ્ત થવી જ જોઇએ - ગ્રહણ કરવી જ જોઇએ. હા,આપણાં મૂળ-આપણી સંસ્કૃતિને ભોગે નહિ એનો ખ્યાલ રાખવો જોઇએ" પણ ખૂબ સરસ રહ્યું.આપણે આપણી સંસ્કૃતિ ને ભૂલવી જોઇએ નહિ કારણકે એ જ માણસને તેની એક આગવી જુદી ઓળખ આપે છે.
    - જીગર આભાણી (ફેસબુક પર)

    જવાબ આપોકાઢી નાખો