Translate

લેબલ 'sujata shah' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ 'sujata shah' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, 9 સપ્ટેમ્બર, 2018

ગેસ્ટ બ્લોગ : ઈકોફ્રેન્ડલી પ્લાસ્ટિકની ઈંટોનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ

                                                                -  સુજાતા શાહ

           દર વર્ષે કાળઝાળ ગરમીની માત્રા વધતી જાય છે. દૂષિત પર્યાવરણે ઓઝોન વાયુના થરમાં પાડેલા છીદ્રોને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે.દૂષિત પર્યાવરણ ગંભીર સમસ્યાઓ લઇ રાક્ષસની જેમ આપણી સામે ઉભું છે. તેના પડકારાઓ અને હોંકારાઓને આપણે ઝીલવાના છે. તેને વધુ દૂષિત બનતું અટકાવવાની ફરજ આપણાં સૌની છે. આ સજાગતાના સંસ્કાર બાળકોને નાનપણથી આપવાનું સુંદર કામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરાયેલ ગ્લોબલ શેપર્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સંકળાયેલી આપણાં મુંબઈની એક યુવતિ કરી રહી છે જેનું નામ છે - અમીષી પરસરામપુરીઆ. ગ્લોબલ શેપર્સ ઉત્સાહી યુવાનોનું એક નેટવર્ક છે જે સંવાદ,કાર્ય અને પરિવર્તનમાં માને છે અને હાલમાં ૧૮૧ દેશોમાં ૩૭૦ જેટલા હબ્સ ધરાવનાર ગ્લોબલ શેપર્સ સાથે ૭૨૭૪ યુવાન ઉત્સાહી શેપર્સ જોડાયેલાં છે.

આપણે સૌ એમ ધારીએ છીએ કે પ્લાસ્ટિકનો કચરો આપણા ઘરમાં ખાસ નથી થતો, આ વૈશ્વિક સમસ્યા જરૂર છે પણ એમાં આપણો ફાળો નહીંવત છે. ત્યાંજ આપણે ભૂલ કરીએ છીએ. નાની મોટી અનેક વસ્તુઓ ઘરમાં પ્લાસ્ટિકના કચરારૂપે હોય છે જેમકે ચોકલૅટ, મીઠાઈ કે બ્રેડના રેપર્સ. આપણા પોતાના જ ઘરમાં કેટલો બધો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે તેની સજાગતા લાવવા ગ્લોબલ શેપર્સ સાથે સંકળાયેલા અમીષી સહિતના કેટલાક યુવાનોએ અનોખી રીત અપનાવી. તેમણે શાળામાં બાળકો પાસે ઘરમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને લાવવા કહયું. એ બધા કચરાને ધોઈને સાફ કરવામાં આવ્યો. ત્યારબાદ એ કચરાને પ્લાસ્ટિકની બોટલમાં ભરવાનું કહેવામાં આવ્યું. દોઢ લી. ની બોટલમાં ૫૦૦ ગ્રામ જેટલું પ્લાસ્ટિક ગયું. એ કચરાને હાથથી તથા લાકડી વડે દબાવીને ભરાવાથી બોટલ કડક થઇ ગઈ. આમ પ્લાસ્ટિકની ઈંટ તૈયાર થઈ.

અમીષી તથા તેના ગ્લોબલ શેપર્સ સાથીઓએ  ૫૦ શાળાઓમાં જઈ લગભગ ૨૦૦૦ બાળકો સાથે કામ કરી આવી ૭૦૦૦ ઈંટો તૈયાર કરાવી છે. આ ઈંટો આપણી માટીની સામાન્ય ઈંટો જેટલી જ મજબૂત હોય છે. માટી, સુક્કું ઘાસ, ચીકણી માટી આ બધું પ્રમાણસર ભેગું કરવાથી સિમેન્ટની ગરજ સારે છે. આ મિશ્રણને અંગ્રેજીમાં કોબ કહે છે. આ મિશ્રણમાં માટી, ચીકણી માટી તથા ઘાસનું પ્રમાણ તે સ્થળની આબોહવા તથા માટીની ગુણવત્તા પર આધાર રાખે છે. કોબ વિજળી તેમજ અગ્નિ સામે રક્ષણ આપે છે તેમજ ખુબ સારી લવચિકતા ધરાવે છે તેથી તેને સરળતાથી ધાર્યો આકાર આપી શકાય છે. પ્લાસ્ટિકની ઈંટોનું કોબની મદદથી ચણતર કરી શકાય છે. આવી રીતનું ચણતર ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ગ્વાએતમાલામાં ઘણું સામાન્ય છે. ગ્વાએતમાલામાં આ રીતે ૧૧૦ શાળાઓ બની છે. ભારતમાં આ વિચાર નવો છે તેથી મુંબઈમાં હજુ આવી રીતનું બાંધકામ થયું નથી.

અમીષી તથા ગ્લોબલ શેપર્સની મુંબઈ હબના કેટલાક યુવાનોની કોશિશ છે કે મુંબઈમાં જાહેર સ્થળે પ્લાસ્ટીકની ઈંટો અને કોબ દ્વારા બનાવાયેલ નાનકડા મકાનનું ચણતર-બાંધકામ થાય. જેથી આ સંબંધી જાગૃતિ જલ્દી આવી શકે. શરૂઆત સિક્યોરિટી રૂમ જેવા નાના મકાનથી થઈ શકે. એકવાર આ પ્રવૃત્તિને વેગ મળે પછી ઓછા ખર્ચે થતી આવાસ યોજના શહેર તથા ગામડાઓમાં કરી શકાય. હાલ તેમની યોજના સરકારી ગતિવિધિમાંથી પસાર થઇ રહી છે. તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ સફળ થાય તો મોટા પાયે કામ થઇ શકે. આ માટે તેમને માત્ર આર્થિક સહાયની જ નહિ પરંતુ જગાની પણ જરૂર છે. જો કોઈ સંસ્થા,સોસાઈટી કે વ્યક્તિ તેમને જાહેર જગાએ પ્લાસ્ટીકની ઇંટોથી નાનકડી ઓરડી કે શૌચાલય કે કેબિન બનાવવાની પરવાનગી આપે કે એ માટે મદદ કરે તો તેમને એ દ્વારા એક પાઇલોટ પ્રોજેક્ટ મળી રહે જેનો તેઓ એક મોડેલ કે કેસસ્ટડી તરીકે ઉપયોગ કરી આવા વધુ પ્રોજેક્ટ્સ મોટા પાયે મેળવી શકે.

અમીષીએ 'અપસાઇકલરલેબ' નામની બ્રાન્ડથી બાળકો માટે રમતો તૈયાર કરી છે, જેનો મૂળ હેતુ પર્યાવરણને લગતી જાગૃતિ લાવવાનો છે. આ રમતો બોર્ડ તથા કાર્ડ ગેમ રૂપે છે જેમાં ભીનો અને સુક્કો કચરો કેમ છુટ્ટો પાડવો, પાણીનો સંચય, પ્રાણીઓનું સંવર્ધન વગેરે વિષે સમજ અપાય છે. બાળક જયારે ફરી ફરી એક રમત રમે ત્યારે આ બધું આપોઆપ શીખી જાય છે. આમ બાળક ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. અમીષી આ રમતો થકી બાળકોમાં પર્યાવરણને લગતી જાગૃતિ લાવવાની કાર્યશાળાઓ પણ યોજે છે. તેઓએ મુંબઈ ઉપરાંત પુના તથા દિલ્હીમાં આવી કાર્યશાળાઓ કરી ૧૮૦ બાળકો સાથે કામ કર્યું છે. બાળકોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આવી કાર્યશાળા કરવા તેઓ જાય છે. ૨ કલાકની કાર્યશાળા દ્વારા બાળકો વ્યસ્ત રહે છે.
શાળાઓ બાળકોને પર્યાવરણ સંબંધી શીખવવાનું સહેલું અને રસપ્રદ કરવા આ રમતોનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે બાળકો વડીલોને સજાગ કરે છે.

નાના નાના પ્રયત્નો ઘણી વાર વિશાળ પરિણામ લઇ આવી શકે.

તાજેતરમાં જ ગ્લોબલ શેપર્સની વાર્ષિક સભા જીનીવા ખાતે યોજાઈ ગઈ જેમાં આ સંસ્થાના મુંબઈ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ અમીષીએ કર્યું હતું અને તે આ વર્ષ માટે તેના પ્રમુખ તરીકે સેવા આપશે. અમીષી પરસરામપુરીઆના આ કાર્ય અને અભિયાન અંગે વધુ માહિતી મેળવવા તમે www.globalshapers.org વેબસાઈટ્સની મુલાકાત લઈ શકો છો. અમીષીની 'અપસાઇકલરલેબ' બ્રાન્ડ તથા તેની બાળકો માટેની રમતો અંગે વધુ માહિતી મેળવવા તમે  www.upcyclerslab.com વેબસાઈટ્સની મુલાકાત લઈ શકો છો. આ બંને અભિયાન અંગે વધુ માહિતી મેળવવા તમે અમીષીને તેમના ઓફિસના સંપર્ક નંબર 7045225613  પર ૧૧ થી ૬ વાગ્યા સુધીમાં પણ ફોન કરી શકો છો.

- સુજાતા શાહ

બુધવાર, 24 સપ્ટેમ્બર, 2014

ગેસ્ટ બ્લોગ : નાના ઘર દીવડાની વાત

- સુજાતા શાહ
 
એક નાના ઘર દીવડાની વાત કરવાની ઈચ્છા થાય છે. મારી સહેલીની પુત્રી પૌલા જયારે લગ્ન કરી સયુંકત કુટુંબમાં આવી ત્યારે એક કુતરો પણ એ કુટુંબનો સભ્ય હતો. પૌલાએ બીજા  સભ્યોની જેમ બ્રૂનોનું મન જીતી લીધું.
         
એક વાર પાસેના મકાનમાં એક બિલાડીનું બચ્ચું મૃતપાય પડ્યું હતું. પૌલાને જાણ થતાં તે ત્યાં દોડી ગયી. કાગડાઓની જમાત તેને ઘેરી વળી હતી. પૌલા, એ બચ્ચાને ઘરે લઇ આવી, દૂઘ આપી સ્વસ્થ કર્યું . રાતે તેને એક નાના બોક્ષ માં મૂકી મકાન માં મૂકી આવી.. તેના ઘરે કુતરો હતો તેથી બિલાડીની કેમ રાખી શકાય? સાસુજીએ સલાહ આપીકે આમ નીચે બચ્ચાને  રાખવું  એ તો જોખમભર્યું છે. તે બચ્ચું ઘરે આવ્યું,ડોક્ટરને બોલવી તેની સારવાર  કરાવી.બિલાડી વિષે પૌલાને  ઝાઝી માહિતી ન હતી પ્રેમ બધું શીખવી  દેતું હોઈ છે.
       
સહુના આશ્ચર્ય વચ્ચે  કુતરાની અને તેની દોસ્તી જામી ગયી.હવે તે પૌલાના ઘરની સદસ્ય બની ગયી.પેડર રોડ પર,
જ્યાં પૌલા રહે છે,રસ્તા ની બિલાડીને મદદની જરૂર હોઈ ત્યારે લોકો પૌલાને ખબર આપે છે  અને પૌલા મદદ માટે દોડી જાય છે.  હવે,  તેને બિલાડીને અપાતી પ્રાથમિક સારવાર વિષે જાણકારી છે તેથી તે પોતાનાથી બનતી  સારવાર આપે છે. પ્રાણીઓના ડોક્ટર પાસે જરૂરી સારવાર કરાવે છે. તેને લાગેકે આ બિલાડી રસ્તા પર રહેશે તો સાજી નહિ થઇ શકે તો તેને પોતાના ઘરે રાખી સારવાર કરે છે. તે તંદુરસ્ત થઇ જાય પછી તેને એડોપ્શન માટે પ્રયત્ન કરે છે. પૌલા કહે છે," કુતરા પાળનારા ઘણા મળી જાય પરંતુ બિલાડી પાળનારા મળવા મુશ્કેલ છે.તેને માટે સમાજમાં પ્રવર્તી ગેરસમજ જવાબદાર છે. બિલાડી પણ કુતરા જેટલી પ્રેમાળ છે માત્ર તેની પ્રેમ દર્શાવવાની રીત જુદી છે." તેના પ્રયત્નોથી થોડી  બિલાડીઓન ઘર મળ્યા છે. તેની પાસે હાલ પાંચ બિલાડીઓ છે.પૌલાના બાળકો બિલાડીઓ  સાથે રમે અને કાળજી રાખે.
       
પૌલાની સાથે તેના પતિ કપિલ રોજ સવારે પેડર રોડ પર નીકળી રસ્તા પરની પંદરથી વધુ
બિલાડીઓને દૂધ તથા ખાવાનું આપે છે. બિલાડીઓને કેવીરીતે શોધો ના જવાબમાં પૌલા કહે છે,"દરેક બીલાડીઓનો પોતાનો વિસ્તાર  નિશ્ચિત હોઈ છે. અમે  જઈ બૂચાકારીએ અથવા દૂધની બોટલ હલાવી અવાજ કરીએ એટલે ત્યાની બિલાડીઓ દોડતી આવી જાય."આ બિલાડીઓની જરૂર  મુજબ  સારવાર પણ કરે અને ડોક્ટરને  બોલાવી સામાન્ય રીતે આપવામાં આવતા ઇન્જેકશનો અપાવે. આવા  સુંદર કાર્યની સરાહના કરનાર કરતા વખોડનારા વધારે હોય  છે. પૌલા સ્વચ્છતાની પૂરેપૂરી સભાનતા સાથે કામ કરે છે.
બિલાડીઓને ખાવાનું આપવાના પાત્રો ઘરે જાતે સાફ કરે છે.આપણાં બંધારણે પ્રાણીઓ  પર કરુણાનો અધિકાર આપ્યો છે અને કાયદો પણ પ્રાણીઓના કલ્યાણના પક્ષમાં છે એ હકીકત પૌલા સારી રીતે જણાતી હોવાથી લોકોના વિરોધ છતાં તેનું કાર્ય શાંતિથી આગળ ધપાવે છે. હા, ક્યારેક એવું બને કે ધણી મહેનત કરી બિલાડીને સાજી કરી હોય, પણ આતો રસ્તાની બિલાડી,અકસ્માતે મૃત્યુ થાય ત્યારે કોઈ સ્વજન ગુમાવ્યા જેવી લાગણી થાય.
             
પૌલાને સહકાર માત્ર પોતાના પરિવારનો. તેને કોઈ સામાજિક  સંસ્થાનું પીઠબળ નથી કે નથી કોઈ નાણાકીય સહાય. આ ઘર દીવડો સ્વબળે પ્રગટ્યો છે અને આંધીતુફાન વચ્ચે પણ પોતાની જ્યોત અખંડ રાખી શક્યો છે.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

પર્યાવરણ સબંધી જાગરૂકતા અતિ આવશ્યક બનતી જાયછે. સહુએ યથા શક્તિ પ્રયત્ન કરવાની જરૂર છે.
મારા આવા નમ્ર પ્રયાસ વિષે તમને જણાવતા હર્ષ અનુભવું છું. કચરાનું ભીના તથા સુક્કામાં  વિભાજન  કરવું હિતાવહ હોવા છતાં કેટલા લોકો કરે છે? ભીના  કચરામાંથી ઘણી સરળતાથી ઘરે ખાતર બનાવી શકાય  છે. આ વાતની મને જાણ હતી પરંતુ પદ્ધતિ વિષે અજાણ હતી. મારી એક સહેલીએ મને શ્રી અનીલ રંગલાનીનો ફોન નંબર આપ્યો. અનિલભાઈ વ્યવાસિક ધોરણે આ કાર્ય કરે છે.
           
અનિલભાઈએ મને બે મોટ્ટા કૂંડા આપ્યા. એકને માથે એક રહે તેવા. ઉપર ઢાકણ.સાથે ખાસ પ્રકારે બનાવેલા મિશ્રણના પડીકા આપ્યા. આ મિશ્રણ કાળી માટી જેવું છે. જેમાં જરૂરી bectariya  તથા નારીયલના રેસાનો ભૂકો વિગેરે  નાખી મિશ્રણ તૈયાર કરેલું છે. આ પધ્ધતિ ઘણી સરળ છે. પ્રથમ કૂંડામાં લીલો/ભીનો કચરો નાખો. તેને કોઈ નક્કામી વસ્તુની મદદથી ફેલાવી દો.તેની ઉપર મિશ્રણ હાથથી ભભરાવી થર કરો.બસ, રોજના કચરાનો એક થર, એના ઉપર મિશ્રણ એક થર.
પ્રથમ કૂંડું ભરાઈ જાય એટલે તેને નીચે મૂકી ખાલી કૂંડું ઉપર મૂકી તે ભરતા જાઓ. નીચેના કૂંડાને
કશું જ કરવાનું નહિ. જે કાઈ કરવાનું છે તે કુદરત કરશે. ધીમે ધીમે કચરો માટીના રૂપમાં ફેરવાઈ જશે.
આ માટે એ કૂન્ડાના કચરાને બેથી ત્રણ મહિના લાગશે.
           
સારી વાત એ છે કે આટલો કચરાનો સંગ્રહ હોવા છતાં વાસ નથી આવતી, કીડા નથી થતા.
જે ખાતર તૈયાર થશે તેનો ઉપયોગ નવા ખાતર બનાવવામાં થઇ શકે છે. જેમ પહેલી વાર દૂધનું દહીં બનાવવા બીજાનું મેળવણ લાવવું પડે પણ એક વાર આપણું દહીં તૈયાર થઇ ગયું પછી તેનાથી જ ફરી દહીં બનાવી શકી તેવું. કુદરત પણ કમાલ છે ને! દૂ:ખની વાત એ છે કે કોઈને કચરાનું વિભાજન કરવું ગમતું નથી  ,બહેનો ભણેલી હોવા છતાં  છતાં ભીનો કચરો શેને
કહેવાય અને સુક્કો કયો તેની  જાણકારી પણ ઘણા ને નથી હોતી. કામ સરળ બનાવવા એટલું ધ્યાનમાં રાખવાનું કે જે ઈશ્વર સર્જિત છે તે બધું ભીનું અને માનવ સર્જિત છે તે બધું સુક્કું. કોને પડી છે આમ કચરો છૂટો પડવાની?
કુદરતનું લીધેલું જ કુદરતને પાછું આપવાનો આ વ્યાયામ છે. તેના બદલામાં કુદરત અઢળક આપે છે.
રોજ સવારે અમારા મકાનના કચરાના મોટ્ટા ડબ્બામાંથી સુક્કો કચરો વીણતા યુવાનોને જોઈ હૈયું
વલોવાઈ જાય છે. વ્યવસ્થિત રીતે સહુ કચરો છૂટો પાડે અને સુક્કો કચરો વેચીએ તો મકાન
સાફ કરવાવાળા નો પગાર નીકળી જાય અને તે ઉપરાંત પૈસા બચે. સુંદર ખાતર મળે જે મકાનના
બગીચાને હરિત અને સ્વસ્થ રાખે.
મારા આ નમ્ર પ્રયાસમાં સહભાગી થવાનું સૌને નીમત્રણ છે.
-
સુજાતા શાહ.
નં:૯૯૨૦૨૨૫૨૮૦.