દર વર્ષે કાળઝાળ ગરમીની માત્રા વધતી જાય છે. દૂષિત પર્યાવરણે ઓઝોન વાયુના થરમાં પાડેલા છીદ્રોને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાઈ છે.દૂષિત પર્યાવરણ ગંભીર સમસ્યાઓ લઇ રાક્ષસની જેમ આપણી સામે ઉભું છે. તેના પડકારાઓ અને હોંકારાઓને આપણે ઝીલવાના છે. તેને વધુ દૂષિત બનતું અટકાવવાની ફરજ આપણાં સૌની છે. આ સજાગતાના સંસ્કાર બાળકોને નાનપણથી આપવાનું સુંદર કામ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરાયેલ ગ્લોબલ શેપર્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે સંકળાયેલી આપણાં મુંબઈની એક યુવતિ કરી રહી છે જેનું નામ છે - અમીષી પરસરામપુરીઆ. ગ્લોબલ શેપર્સ ઉત્સાહી યુવાનોનું એક નેટવર્ક છે જે સંવાદ,કાર્ય અને પરિવર્તનમાં માને છે અને હાલમાં ૧૮૧ દેશોમાં ૩૭૦ જેટલા હબ્સ ધરાવનાર ગ્લોબલ શેપર્સ સાથે ૭૨૭૪ યુવાન ઉત્સાહી શેપર્સ જોડાયેલાં છે.
આપણે સૌ એમ ધારીએ છીએ કે પ્લાસ્ટિકનો કચરો આપણા ઘરમાં ખાસ નથી થતો, આ વૈશ્વિક સમસ્યા જરૂર છે પણ એમાં આપણો ફાળો નહીંવત છે. ત્યાંજ આપણે ભૂલ કરીએ છીએ. નાની મોટી અનેક વસ્તુઓ ઘરમાં પ્લાસ્ટિકના કચરારૂપે હોય છે જેમકે ચોકલૅટ, મીઠાઈ કે બ્રેડના રેપર્સ. આપણા પોતાના જ ઘરમાં કેટલો બધો પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે તેની સજાગતા લાવવા ગ્લોબલ શેપર્સ સાથે સંકળાયેલા અમીષી સહિતના કેટલાક યુવાનોએ અનોખી રીત અપનાવી. તેમણે શાળામાં બાળકો પાસે ઘરમાંથી નીકળતા પ્લાસ્ટિકના કચરાને લાવવા કહયું. એ બધા કચરાને ધોઈને સાફ કરવામાં આવ્યો. ત્યારબાદ એ કચરાને પ્લાસ્ટિકની બોટલમાં ભરવાનું કહેવામાં આવ્યું. દોઢ લી. ની બોટલમાં ૫૦૦ ગ્રામ જેટલું પ્લાસ્ટિક ગયું. એ કચરાને હાથથી તથા લાકડી વડે દબાવીને ભરાવાથી બોટલ કડક થઇ ગઈ. આમ પ્લાસ્ટિકની ઈંટ તૈયાર થઈ.
અમીષી તથા તેના ગ્લોબલ શેપર્સ સાથીઓએ ૫૦ શાળાઓમાં જઈ લગભગ ૨૦૦૦ બાળકો સાથે કામ કરી આવી ૭૦૦૦ ઈંટો તૈયાર કરાવી છે. આ ઈંટો આપણી માટીની સામાન્ય ઈંટો જેટલી જ મજબૂત હોય છે. માટી, સુક્કું ઘાસ, ચીકણી માટી આ બધું પ્રમાણસર ભેગું કરવાથી સિમેન્ટની ગરજ સારે છે. આ મિશ્રણને અંગ્રેજીમાં કોબ કહે છે. આ મિશ્રણમાં માટી, ચીકણી માટી તથા ઘાસનું પ્રમાણ તે સ્થળની આબોહવા તથા માટીની ગુણવત્તા પર આધાર રાખે છે. કોબ વિજળી તેમજ અગ્નિ સામે રક્ષણ આપે છે તેમજ ખુબ સારી લવચિકતા ધરાવે છે તેથી તેને સરળતાથી ધાર્યો આકાર આપી શકાય છે. પ્લાસ્ટિકની ઈંટોનું કોબની મદદથી ચણતર કરી શકાય છે. આવી રીતનું ચણતર ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને ગ્વાએતમાલામાં ઘણું સામાન્ય છે. ગ્વાએતમાલામાં આ રીતે ૧૧૦ શાળાઓ બની છે. ભારતમાં આ વિચાર નવો છે તેથી મુંબઈમાં હજુ આવી રીતનું બાંધકામ થયું નથી.
અમીષી તથા ગ્લોબલ શેપર્સની મુંબઈ હબના કેટલાક યુવાનોની કોશિશ છે કે મુંબઈમાં જાહેર સ્થળે પ્લાસ્ટીકની ઈંટો અને કોબ દ્વારા બનાવાયેલ નાનકડા મકાનનું ચણતર-બાંધકામ થાય. જેથી આ સંબંધી જાગૃતિ જલ્દી આવી શકે. શરૂઆત સિક્યોરિટી રૂમ જેવા નાના મકાનથી થઈ શકે. એકવાર આ પ્રવૃત્તિને વેગ મળે પછી ઓછા ખર્ચે થતી આવાસ યોજના શહેર તથા ગામડાઓમાં કરી શકાય. હાલ તેમની યોજના સરકારી ગતિવિધિમાંથી પસાર થઇ રહી છે. તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ સફળ થાય તો મોટા પાયે કામ થઇ શકે. આ માટે તેમને માત્ર આર્થિક સહાયની જ નહિ પરંતુ જગાની પણ જરૂર છે. જો કોઈ સંસ્થા,સોસાઈટી કે વ્યક્તિ તેમને જાહેર જગાએ પ્લાસ્ટીકની ઇંટોથી નાનકડી ઓરડી કે શૌચાલય કે કેબિન બનાવવાની પરવાનગી આપે કે એ માટે મદદ કરે તો તેમને એ દ્વારા એક પાઇલોટ પ્રોજેક્ટ મળી રહે જેનો તેઓ એક મોડેલ કે કેસસ્ટડી તરીકે ઉપયોગ કરી આવા વધુ પ્રોજેક્ટ્સ મોટા પાયે મેળવી શકે.
અમીષીએ 'અપસાઇકલરલેબ' નામની બ્રાન્ડથી બાળકો માટે રમતો તૈયાર કરી છે, જેનો મૂળ હેતુ પર્યાવરણને લગતી જાગૃતિ લાવવાનો છે. આ રમતો બોર્ડ તથા કાર્ડ ગેમ રૂપે છે જેમાં ભીનો અને સુક્કો કચરો કેમ છુટ્ટો પાડવો, પાણીનો સંચય, પ્રાણીઓનું સંવર્ધન વગેરે વિષે સમજ અપાય છે. બાળક જયારે ફરી ફરી એક રમત રમે ત્યારે આ બધું આપોઆપ શીખી જાય છે. આમ બાળક ગમ્મત સાથે જ્ઞાન મેળવે છે. અમીષી આ રમતો થકી બાળકોમાં પર્યાવરણને લગતી જાગૃતિ લાવવાની કાર્યશાળાઓ પણ યોજે છે. તેઓએ મુંબઈ ઉપરાંત પુના તથા દિલ્હીમાં આવી કાર્યશાળાઓ કરી ૧૮૦ બાળકો સાથે કામ કર્યું છે. બાળકોના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આવી કાર્યશાળા કરવા તેઓ જાય છે. ૨ કલાકની કાર્યશાળા દ્વારા બાળકો વ્યસ્ત રહે છે.
શાળાઓ બાળકોને પર્યાવરણ સંબંધી શીખવવાનું સહેલું અને રસપ્રદ કરવા આ રમતોનો ઉપયોગ કરે છે. ઘણીવાર એવું બને છે કે બાળકો વડીલોને સજાગ કરે છે.
નાના નાના પ્રયત્નો ઘણી વાર વિશાળ પરિણામ લઇ આવી શકે.
તાજેતરમાં જ ગ્લોબલ શેપર્સની વાર્ષિક સભા જીનીવા ખાતે યોજાઈ ગઈ જેમાં આ સંસ્થાના મુંબઈ ચેપ્ટરનું પ્રતિનિધિત્વ અમીષીએ કર્યું હતું અને તે આ વર્ષ માટે તેના પ્રમુખ તરીકે સેવા આપશે. અમીષી પરસરામપુરીઆના આ કાર્ય અને અભિયાન અંગે વધુ માહિતી મેળવવા તમે www.globalshapers.org વેબસાઈટ્સની મુલાકાત લઈ શકો છો. અમીષીની 'અપસાઇકલરલેબ' બ્રાન્ડ તથા તેની બાળકો માટેની રમતો અંગે વધુ માહિતી મેળવવા તમે www.upcyclerslab.com વેબસાઈટ્સની મુલાકાત લઈ શકો છો. આ બંને અભિયાન અંગે વધુ માહિતી મેળવવા તમે અમીષીને તેમના ઓફિસના સંપર્ક નંબર 7045225613 પર ૧૧ થી ૬ વાગ્યા સુધીમાં પણ ફોન કરી શકો છો.
- સુજાતા શાહ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો