Translate

શનિવાર, 23 ઑક્ટોબર, 2010

કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં...

ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન કરશો નહિં કારણ તમે કોઈને કેવી રીતે ટ્રીટ કરો છો એ તે વ્યક્તિને સદાય યાદ રહેતું હોય છે.અને કોઈ સાથે ખરાબ રીતે વર્તવું પણ શા માટે જોઈએ?આજે દરેકનું જીવન પૂરતા તણાવ,મુશ્કેલીઓ,ચિંતાઓથી ભરેલું હોય જ છે તો પછી સરસ મજાના સચ્ચાઈપૂર્વકના સ્મિત દ્વારા થોડી ખુશી શા માટે ન ફેલાવવી કે કોઈની સાથે સારું વર્તન કરી તેનો મૂડ સુધારી કેમ ન શકીએ?કોઈને સારુ મહેસૂસ કરાવી આપણે કેટલું સારુ અનુભવીએ છીએ એનો અખતરો ક્યારેક કરી જોજો!


કેટલાક લોકો એવું સોગિયુ મોઢુ લઈને ફરતા હોય કે તેમની સાથે વાત કરવાનું મન જ ન થાય.તો કેટલાક ચહેરા તો વળી એટલા ઉદાસી ભર્યા અને ગમગીન હોય કે તેમની સાથે વાત કરવી તો દૂરની વાત, તેમની સામે જોવાનું પણ મન ન થાય.આવા બોસના હાથ નીચે કામ કરતા બિચારા માણસની દુર્દશાની તો કલ્પના જ કરવી રહી!

બીજે છેડે એવા પણ કેટલાક લોકો હોય છે જેમના ચહેરા પર સુંદર મજાનું સ્મિત સદાય રમતું જોવા મળે જેના કારણે તેઓ 'ક્યૂટ' દેખાય છે!આવા લોકો વ્યસ્ત હોય છતાં આપણને મુશ્કેલી સમયે તેમનો સંપર્ક કરવામાં સંકોચનો અનુભવ ન થાય.તેઓ વ્યસ્તતા વચ્ચે પણ સમય કાઢી તમને સસ્મિત આવકારશે.જેને આવો બોસ મળે તેવી વ્યક્તિના સદનસીબનું તો પૂછવું જ શું?

આ બ્લોગ થકી મને થોડા સમય પહેલા થયેલાં બે અનુભવો મારે વર્ણવવા છે,એક સારો અને એક ખરાબ.આ બન્ને અનુભવો પરથી આપણે જોઈ શકીશું કે તમે બીજા સાથે કરેલું વર્તન તેમના પર કેવી અસર કરે છે.

પહેલા સારો અનુભવ.સાત-આઠ વર્ષ પહેલા એન્જિનિયરીંગ ડીગ્રી અભ્યાસ પૂરો કર્યો હતો એ કોલેજમાં એક કામ પડતા જવાનું થયું.જેને સરકારી ઓફિસમાં કંઈક કામ પડ્યું હશે તેમને મોટા ભાગે અતિ ઉદ્ધત અને અમાનવીય વ્યવહાર કરનારા સરકારી કર્મચારીનો અનુભવ થયો હશે.તેઓ સામે વાળા સાથે એવું વર્તન કરે છે કે તેમને ધિક્કારવાનું મન થાય.તેઓના આવા વ્યવહાર અને વર્તનને કારણે જ સરકારી ખાતાની છાપ તદ્દન બગડી ચૂકી છે.તમારું કામ કઢાવવા તમારે કેટલા ભાઈ-બાપા કરવા પડે અને ક્યારેક તો લાંચ વગર તમારું કામ થાય જ નહિં.ભગવાન કરે ને આવ લોકો સાથે આપણો પનારો ક્યારેય ન પડે.

મારી કોલેજમાં ક્લાર્ક તરીકે એક યુવતિ કામ કરતી જે દેખાવે ભલે સુંદર ન હતી પણ તેના ચહેરા પર સદાય રમતું મોટુ સ્મિત અને વાચાળ સ્વભાવને કારણે મને અને તેની સાથે કામ પડ્યુ હોય એવા સૌને તેની સાથે વાતો કરવી ગમતી.તેની સદાય હસતા રહેવા સિવાયની બીજી એક લાક્ષણિકતા એ હતી કે તે બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને નામથી બોલાવતી.જ્યારે જ્યારે અમારે કંઈક ઓફિસનું કામ પડે - રેલવે પાસનું કન્શેસન લેવાનું હોય કે નવા સેમિસ્ટરની ફી ભરવાની હોય,અમારે મંજુમેડમ પાસે જવાનું થાય અને લાંબો સમય કતારમાં ઉભા રહ્યા બાદ જ્યારે અમારો નંબર આવે એટલે સૌને તેમના પોતપોતાના નામથી સંબોધન કરી એ ફોર્મમાં જરૂરી વિગતો ભરવામાં મદદ પણ કરે અને સાથે સાથે બીજી થોડી ઘણી સામાન્ય વાતો કરવાનું પણ ચૂકે નહિં.મંજુમેડમના ચહેરા પરનું સરળ મોટું સ્મિત અને પહેલા નામથી બોલાવી પ્રદર્શિત કરેલી આત્મિયતા સૌને ખૂબ ગમતી અને કતારમાં લાંબા સમય ઉભા રહ્યાનો થાક કે બીજી મુશ્કેલીઓ પણ તેટલા સમય પૂરતી તો ભૂલાઈ જ જતી.તેમનો પોતાનું કામ કરતા કરતા (જેમકે ફોર્મ પર કોલેજનો સ્ટેમ્પ મારતા,ફોર્મમાં અમે કરેલી ભૂલો શોધી તે સુધરાવતા કે પૈસા ગણતાં ગણતાં) સામે વાળા સાથે થોડી વાતચીત કરી તેને સારુ લાગે તેવું વર્તન કરવાનો આ ગુણ આપણે શિખવા જેવો ખરો.

હવે જ્યારે સાત-આઠ વર્ષ પછી મારે કોલેજની ઓફિસમાં જવાનું થયું કે સૌ પહેલા મને મંજુ મેડમ યાદ આવ્યા અને વિચાર આવ્યો શું હજી તે કોલેજની ઓફિસમાં નોકરી કરતા હશે?સાત-આઠ વર્ષનો ગાળો કંઈ ટૂંકો ન કહેવાય!પણ મંજુમેડમ ત્યાં હતાં!અને જેવો હું તેમની પાસે ગયો કે તરત તેઓ તેમના સરળ ટ્રેડમાર્ક સાથે બોલી ઉઠ્યા ,"કેમ છે વિકાસ?" મને એક સુખદ આંચકો લાગ્યો!આટલાં વર્ષો પછી પણ તેમને મારું નામ યાદ હતું!મારા કોલેજ છોડ્યા બાદ હજારો નવા વિદ્યાર્થીઓ એ કોલેજમાંથી પાસ થઈ ચૂક્યા હશે,પણ હજી મંજુ મેડમને મારું નામ યાદ હતું!મેં તેમને સ્મિત આપ્યું અને મારું કામ પતાવી આપવા બદલ તેમનો આભાર માની કોલેજમાંથી વિદાય લીધી,પણ એ દિવસે મને એટલું સારું લાગ્યું કે હું આ નાનકડી સામાન્ય ઘટના ક્યારેય ભૂલી શકીશ નહિં.ક્યારેક તમારી નાનકડી એવી કોઈક વર્તણૂંક દ્વારા તમે સામેની વ્યક્તિને દર્શાવો છો કે તમને તેના પ્રત્યે લાગણી છે,તમે તેમને માન આપો છો,તમને તેની પરવા છે.અને આ એક ઉમદા બાબત છે.તમે કોઈકને સારુ લાગે એવું કંઈક કરો અને જુઓ તમને પણ કેટલું સારુ લાગે છે.

હવે બીજા પ્રસંગની વાત કરું.મારે એક વાર એક ઈ.એન.ટી. (કાન,નાક,ગળાના) ડોક્ટરની મુલાકાત લેવાનું થયું.ક્લિનિકમાં એકાદ કલાક બેઠાંબેઠાં કોઈક કાનના તો કોઈક નાક તો કોઈક ગળાના દર્દીને જોતા જોતા જેમતેમ સમય પસાર કર્યો અને જ્યારે મારો નંબર આવ્યો ત્યારે ડોક્ટરની કેબિનમાં પ્રવેશ્યો ત્યાં જ તેમણે મારી સામે એવી દ્રષ્ટીએ નાંખી કે જે જોઈ મને સારી લાગણી ન થઈ.એક ડોક્ટર જો દર્દીને સ્મિત આપી તેને આવકાર આપે તો તેનું અડધુ દરદ ત્યાં જ ઓછું થઈ જાય.પણ આ ડોક્ટરના તંગ ચહેરા પર એવા કોઈ આવકારના ભાવ નહોતા.મેં મારા દરદ વિષે કહેવું શરૂ કર્યું પણ ડોક્ટરે તેમાં રસ દાખવવોતો દૂર રહ્યું,મારી વાત પણ ધ્યાનથી પૂરે પૂરી ન સાંભળી.તેમણે મને ઉતાવળે એક-બે દવા લખી આપી.મને બે ઘડી માટે તો વિચાર આવ્યો કે મને કંઈક પ્રોબ્લેમ છે કે તે ડોક્ટરને?મેં તે ડોક્ટરની કેબિન છોડી કંઈક અંશે એક અણગમા ભરી લાગણી સાથે.મારો મૂડ બગડી ગયો.આ દિવસ અને ઘટના પણ હું ક્યારેય ભૂલી શકીશ નહિં.હું આ ડોક્ટર પાસે જવાની સલાહ ક્યારેય કોઈને નહિં આપું(બીજા સાથે ખરાબ વર્તન દ્વારા તમે ધંધો પણ ગુમાવો છો!) કે ન તો હું કોઈ સાથે આવું રૂક્ષ વર્તન કરીશ એવો નિર્ણય મેં ત્યારે લઈ લીધો.બીજો પણ એક મહત્વનો પાઠ હું એ દિવસે શીખ્યો.ક્યારેય કોઈની અવગણના કરશો નહિં.ડોક્ટરે મને નિગ્લેક્ટ કર્યો અને મને જે રીતે ખરાબ લાગ્યું તેમ તમે કોઈને નિગ્લેક્ટ કરો છો ત્યારે પણ સામેવાળી વ્યક્તિ ખૂબ દુ:ખની લાગણી અનુભવે છે.

તમારા મિત્ર,સહકર્મચારી,ઘરની વ્યક્તિ,ગ્રાહક કે અન્ય કોઈ પણ વ્યક્તિ તમારી સાથે વાત કરે ત્યારે તેમાં રસ લો અને તેને ધ્યાનથી સાંભળો.દરેક વ્યક્તિને માન આપો.લોકોને હંમેશા યાદ રહે છે કે તમે તેમની સાથે કેવું વર્તન કરો છો.અને યાદ રાખો તમે જે કંઈ આપો છો એ જ ફરીને ક્યારેક તમારી પાસે પાછું આવે છે.



કમેન્ટ્સ:
----------
ખૂબ સાચી વાત કરી છે આ બ્લોગ થકી.આપણે ક્યારેક જીવનમાં આવી નાની નાની વાતો ભૂલી જતા હોઈએ છીએ.

- દેવેન્દ્ર પુરબિયા (બેંગ્લોર)



[મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ બ્લોગ પર દેવેન્દ્ર સિવાય પણ બીજા ત્રણ-ચાર મિત્રોએ રસપ્રદ,સ્વતંત્ર બ્લોગ બની શકે એટલી લાંબી અને સારી તેમજ એકાદ વિરોધાભાસી ગણી શકાય એવી કમેન્ટ્સ પોસ્ટ કરી હતી.તે આવતા સપ્તાહે આ કટારમાં વાંચીશું.]

સદાય હસતા રહો...

મુંબઈની લોકલ ટ્રેનમાં મારા જેવા લાખો પ્રવાસીઓ રોજ સવારે ચિક્કાર ગર્દી અને ગરમી વચ્ચે ભીંસાઈને ઓફિસ જવા નિકળતા હશે.અડધો કલાકની મુસાફરી હોય કે એક કલાકની સમય કાપવા માટે જુદા જુદા લોકો જુદી જુદી તરકીબ અપનાવતા હોય છે.મારા જેવું કોઈક સંગીત સાંભળતું હોય કાનમાં આઈપોડ કે મોબાઈલના ઈયર ફોન ભરાવીને કે પછી મોબાઈલ પર ફટાફટ આંગળા ફેરવી SMS (કે મારી જેમ બ્લોગ!) ટાઈપ કરતા હોય.કેટલાક છાપાની નાનામાં નાની ગડી વાળી તાજા ખબરો,શેરોના ભાવ કે ફિલ્મી ગપશપ વાંચતા હોય તો કેટલાક કોઈક નવલકથાનું રસપ્રદ પ્રકરણ વાંચવામાં મશગૂલ હોય. લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં તો ડબ્બો ખાલી હોય ત્યારે સ્ત્રીઓ શાક સમારતી હોવાનું અને ઊન ગૂંથતી હોવાની પ્રવ્રુત્તિમાં વ્યસ્ત હોવાનું પણ સાંભળ્યું છે!ટ્રેનમાં મુસાફરી કરતી વખતે દિવસભરનું પ્લાનિંગ પણ થઈ શકે!આજકાલ તો કેટલાંય લોકો ટ્રેનમાં બેસવાની જગા હોય ત્યારે લેપટોપમાં ડૂબેલા પણ જોવા મળે છે.ટ્રેન ભરેલી હોય કે ખાલી,મારી મનપસંદ પ્રવ્રુત્તિ છે વાંચન અને મારા મોબાઈલ પર મ્યુઝિક સાંભળવું.


મોબાઈલ પર કે આઈપોડમાં મ્યુઝિક સાંભળવાના અનેક ફાયદા છે. એક તો આ સાધનો કદમાં નાના (તમારા ખિસ્સામાં સમાઈ જાય એવડાં) હોવાથી ટ્રેન ભરેલી હોય તો પણ તમે આરામથી બીજાને ખલેલ પહોંચાડ્યા વગર કાનમાં ઈયરપ્લગ્સ ભેરવી તમારું મનપસંદ સંગીત સાંભળી શકો. કેટલાક યુવાનિયાઓ ખૂબ મોટા અવાજથી ગીત-સંગીત સાંભળતા હોય છે જે તેમના કાન માટે તો નુકસાનકારક સાબિત થાય છે જ પણ આજુબાજુ ઉભેલા સહપ્રવાસીઓને પણ ડિસ્ટર્બ કરે છે. ઘણાં તો બીજાનો વિચાર કર્યા વગર મોટેથી પણ ગીતો વગાડવાના શરૂ કરી દેતા હોય છે. આ ખોટું છે. તમારો સાંગીતનો ટેસ્ટ ગમે તેટલો સારો કેમ ન હોય પણ તમે જાહેર જગાએ બીજાઓનો વિચાર કર્યા વગર આ પ્રમાણે વર્તો એ યોગ્ય નથી. સંગીત હંમેશા ઈયરફોન પહેરીને જ સાંભળવું જોઈએ.

મોબાઈલ કે આઈપોડ પર એક સાથે ઘણાં બધાં ગીતોનો સંગ્રહ થઈ શકે છે, એ પણ યોગ્ય વર્ગીકરણ સાથે. તમે આ ગીતો ક્રમબદ્ધ (એક પછી એક ક્રમમાં) કે આડાઅવળાં ક્રમમાં પણ સાંભળી શકો એવા વિકલ્પ હોય છે.ભજન હોય કે પ્રભાતિયા, તમારી ભાષામાં હોય કે પછી બીજી કોઈ ભાષામાં, ફિલ્મી હોય કે શાસ્ત્રીય સંગીત બધાં જ પ્રકારના ગીતો કે સંગીત તમે મોબાઈલ કે આઈપોડ પર સાંભળી શકો છો.

હજી એક વધુ ફાયદો એ છે કે તમારા સંગ્રહમાં ખૂબ સરળતાથી નવા ગીતો ઉમેરી શકો છો કે ન ગમતા ગીતો ભૂંસી શકો છો. કેટલાંક વધુ આધુનિક મોબાઈલ કે આઈપોડ પર તો એડ્વાન્સ સેટીંગ્સ બદલી એક જ ગીત અલગ અલગ ઈફેક્ટ સાથે સાંભળી શકો છો.

વિચાર કરો, ટ્રેન ખાલી હોય, તમે દરવાજે (એટ્લે કે ફૂટબોર્ડ પર) ઉભા હોવ, તમારું મનપસંદ ગીત તમારાં કાનમાં ફક્ત તમે પોતે સાંભળી રહ્યાં હોવ, વહેલી પરોઢનો સમય હોય કે મોડી સાંજ કે રાતનો સમય હોય ,ગાડી પૂર ઝડપે દોડી રહી હોય તમારા મોં પર હવા વિંઝણો ઢોળી રહ્યો હોય અને તમારી આંખ સામેથી સુંદર દ્રષ્ય પસાર થઈ રહ્યાં હોય!કેટલી સુખકારક કલ્પના છે નહિં!

થોડાં દિવસો અગાઉ હું મારી આદત મુજબ મોબાઈલ પર મારા મનપસંદ ગીતો સાંભળી રહ્યો હતો.તેમાં અચાનક એક ઘણાં લાંબા સમય પહેલા સાંભળેલી જાણીતી ધૂન વાગી.કેટલાક દિવસ પહેલાં જ કમ્પ્યુટર પરથી મેં મારા પ્રિય પણ ઘણાં જૂના ગીતો મોબાઈલ પર ઉમેર્યા હતા. તેમાંનું એક ગીત હતું આ.શબ્દો સાંભળ્યા બાદ યાદ આવ્યું કે એ મારા પ્રિય ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પ્રથમ અને મારી ખૂબ પ્રિય એવી ફિલ્મ 'ખામોશી-ધ મ્યુઝિકલ' નું એક ગીત હતું - 'રે મોજ મે લે ચલો મિલ કે બાજા રે રાજા પોઢે સંભાલ...' ((આ ફિલ્મ આજે પણ કોઈ ચેનલ પર બતાવવામાં આવી રહી હોય તો રીમોટનું બટન એ ચેનલ પર જ અટકી જાય અને હું ફરી એક વાર એ ફિલ્મ

જોવાનું પ્રલોભન રોકી શકતો નથી અને અચૂક એ દરેક વેળાએ પેટ ભરીને રડું પણ આવે છે! અને એ ફિલ્મના દરેક ગીત પણ મને બેહદ પ્રિય છે)

અચાનક સાંભળવા મળેલા મારા આ મનપસંદ ગીતે મને વિચાર કરતો કરી મૂક્યો.કેટલો ઉમદા વિચાર આ ગીત દ્વારા રજૂ થયો છે!તમારામાંના જેમણે આ ફિલ્મ જોઈ હશે તેમને કદાચ આ ગીત ફિલ્મમાં કયા સંજોગોમાં આવે છે તે વિષે ખબર હશે. તમારામાંના જે વાચકોએ આ પ્રેક્ષણીય સંવેદનશીલ ફિલ્મ જોઈ નથી તેમના માટે હું આ ગીતની આસપાસની થોડી વાર્તા કહી દઉં. ફિલ્મમાં એક ખ્રિસ્તી કુટુંબ બતાવાયું છે જેમાં પાંચ સભ્યો હોય છે - એક મૂંગા-બહેરા પતિપત્ની,તેમના બે વહાલસોયા સંતાનો અને ઘરડી વહાલી લાગે તેવી સમજુ દાદીમા. આ પરિવારના બધા સભ્યોને સંગીત ખૂબ વહાલુ છે,પતિ-પત્ની તો બોલી કે સાંભળી પણ શક્તા ન હોવા છતા તેમના ઘરમાં વસાવેલા એક

મોટા પ્યાનોને પોતાની મહામૂડી ગણી તેનું ખૂબ જતન કરે છે.દાદી સૂરીલા મજાના ગીતો ગાઈ પ્યાનો વગાડી તેમાંથે સર્જાતા મધૂર સ્વરોથી પોતાના બન્ને નાનકડા પૌત્ર-પૌત્રીનું મન બહેલાવે છે અને તેમને પણ સુંદર ગીતો ગાતા શીખવે છે.પરિસ્થિતી એવી નિર્માણ થાય છે કે આર્થિક સ્થિતી વણસતા આ કુટુંબે પ્યાનો વેચવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડે છે.બાળકો તો જીવનની વિષમતા અને મુશ્કેલી થોડી સમજી શક્તા હોય છે?તેઓ તો રોકક્કળ કરી મૂકે છે અને તેમના પ્યારા પ્યાનોને લઈ જતા રોકે છે.ત્યારે દાદી પોતાના

વહલુડા બાળકોને તેમની ભષામાં સમજાય એવી રીતે ગાઈને મનાવવાનો પ્રયાસ કરે છે અને આ મજાનું ગીત ફિલ્મમાં આવે છે.તે આ ગીત દ્વારા પ્યાનો લઈ જનાર મજૂરોને વિનંતી કરે છે કે તેઓ પ્યાનો રાજાને ધીરે ધીરે અને પ્રેમથી ઉંચકી લઈ જાય જેથી પોઢેલા પ્યાનો રાજાની ઊંઘમાં ખલેલ ન પડે!પછી તે નાનકડા બાળકોને પ્રેમથી ગાતા ગાતા ન રડવા જણાવે છે કારણ અત્યાર સુધી તે એકલી જ પ્યાનો વગાડતી અને ગાતી હતી પણ હવે પ્યાનોના મધુર સૂરો સમગ્ર વિશ્વ સમક્ષ રેલાશે અને આખું જગત સંગીતમય બની તેના તાલે ગાશે અને ડોલશે!આથી દુખી થયા વગર તે બાળકોને પોતાના પ્યારા પ્યાનો રાજાને હસીને ખુશીથી વિદાય આપવા સમજાવે છે.કેટલો ઉમદા અને ઉદાત્ત વિચાર!

કવિતા કૃષ્ણમૂર્તિએ આ હ્રદયસ્પર્શી ગીતને પોતાના કોકિલકંઠે ગાઈ સંપૂર્ણ ન્યાય આપ્યો છે!ગીતને અંતે સૂરોના આરોહ સાથે ગવાતો આલાપ દાદીના કાળજાને આકરી વેદનાનો સ્પષ્ટ ચિતાર આપે છે.અત્યાર સુધી તો તેણે ભૂલકાઓને સમજાવ્યા-હસીને પટાવ્યા પણ હવે તેને પોતાને કોણ સાંત્વન આપશે?પ્યાનો તો તેનો એક માત્ર સાથી હતો જેના દ્વારા તે પોતાના ભાવ વ્યક્ત કરતી.હવે તેને કોણ સાથ આપશે એ વિચારે તે બાળકોથી છાનું છાનું, પણ મન મૂકીને રડી લે છે.આ વેદના કવિતાજીએ ગીતને અંતે ગવાતા હાઈ પીચ આલાપમાં આબાદ રીતે ઝીલી છે.

આ બ્લોગ અહિં જ પૂરો કરતા હું પણ એટલું જ કહેવા ઇચ્છુ છું કે સદાય હસતા રહો...

બુધવાર, 29 સપ્ટેમ્બર, 2010

મંદિરોમાં વેપારીકરણ

        ભારતમાં બાર જ્યોતિર્લિંગ છે.તેમાંનું એક શ્રી મલ્લિકાર્જુન - હૈદ્રાબાદથી લગભગ ત્રણસો કિલોમીટર દૂર આવેલા ગામ શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર સ્થિત છે.
       પવિત્ર માસ શ્રાવણના સોમવારે જ્યોતિર્લિંગના દર્શનનું અનેરૂં મહત્વ હોવાથી, અન્ય પાંચ મિત્રો સાથે ૧૫ ઓગષ્ટની રજા પણ આવતી હોવાથી મલ્લિકાર્જુનના દર્શનનો લ્હાવો લેવા જઈ પહોંચ્યો શ્રી સૈલમની પવિત્ર ભૂમિ પર.
    શ્રી સૈલમમાં આમ તો અનેક હોટલો-ધરમશાળાઓ હોવા છતાં, રવિવાર-શ્રાવણી સોમવાર-૧૫મી ઓગષ્ટ આ બધું ભેગુ થયુ હોવાથી અમને ક્યાંય રહેવા માટે જગા મળી રહી નહોતી. દરેક જગાએ 'હાઉસ ફૂલ'ના પાટિયા લટકતા હતા.પાંચ-છ કલાક મથ્યા બાદ એક મોંઘી એવી હોટલમાં બે રૂમની વ્યવસ્થા થઈ ગઈ.એક વાતનો સંતોષ હતો કે આ હોટલ મુખ્ય શિવાલયથી સાવ નજીક હતી.રવિવારની મોડી સાંજ થઈ ચૂકી હતી. સ્નાન વગેરે પતાવી અમે મંદિરે દર્શન કરવા જવાનું નક્કી કર્યું. મંદિર જઈ પહોંચ્યા.
    પવિત્ર તીર્થધામે આવેલા કોઈ પણ મંદિરમાં લોકોની ભીડભાડ અને ઘણાંબધા કોલાહલ છતાં, અનેરી પવિત્રતાનો અનુભવ, મનમાં એક અજબની શાંતિ સાથે થતો હોય છે. ભગવાનના દર્શન માટે લાગેલી લાંબીલચક કતાર જોઈને આશ્ચર્ય થતું હતું ત્યાં જ સામેની એક ઓરડીની ભીંત પર દર્શન-આરતી વગેરે માટે કિંમત ભાવ લખ્યાં હતાં એ વાંચી મને આંચકો લાગ્યો. મોટા મોટા મંદિરોમાં લોકોની ભાવના-શ્રદ્ધાને નેવે મૂકીને રીતસર એક પ્રકારનો વેપાર જ ચાલે છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી.'જલ્દી દર્શન' માટે ૫૦ રૂપિયા અને ૧૦૦ રૂપિયાની એમ બે જાતની ટિકીટોની કતાર અને ભગવાનના દર્શન માટેની ટિકીટ વગરની એક સામાન્ય કતાર.આમ કુલ ત્રણ કતારો. સામાન્ય પૈસા વગરની કતાર લાંબીલચક. ૫૦ રૂપિયા વાળી કતારમાં થોડી ઓછી ભીડ અને ૧૦૦ રૂપિયા વાળી કતારમાં સાવ થોડા ભક્તો જોવા મળે! ભગવાનને એક આરતી ચઢાવવાની કિંમત અઢીસો રૂપિયા. સામાન્ય કતારમાં પાંચ-છ કલાક જેવો સમય લાગે એમ હોવાથી અમારે નાછૂટકે પચાસ રૂપિયાવાળી ટિકીટ લેવી પડી.
    ભગવાન શંકરના જ્યોતિર્લિંગના દર્શન થયા પણ દસ ફૂટ દૂરથી અને હજી તો શિવલિંગ પર નજર ઠરે એ પહેલા તો ત્યાં ઉભેલા કાર્યકરોએ અમને હડસેલો મારી દક્ષિણ ભારતીય ભાષામાં આગળ વધવાનો આદેશ આપ્યો.મને ખૂબ દુ:ખ થયું.કેટલે દૂરથી ભગવાનના દર્શન કરવા આસ્થા પૂર્વક હજારો-લાખો ભક્તો અહિં આવે, કેટલાક તો પૈસાવાળી કતારમાં ઉભા રહે અને છતાં ભગવાન સન્મુખ આવે ત્યારે કેટલીક સેકન્ડમાં જ તેમણે ધક્કામુક્કી સહન કરી ભગવાનના દર્શન સરખા થાય-ન થાય છતાં આગળ વધી જવાનું.ખેર અમે નક્કી કર્યું બીજે દિવસે સવારે વહેલા ઉઠી ફરી દર્શન કરવા આવીશું અને ત્યારે ધરાઈને દર્શન કરીશું.પણ બીજા દિવસની સવારે શ્રાવણી સોમવાર હતો એટલે પચાસ રૂપિયાની કતારની ભીડ જોતા અમને ચક્કર આવી ગયા! હવે સો રૂપિયાની ટિકીટ લીધા સિવાય છૂટકો નહોતો.સો રૂપિયા વાળી કતાર પણ કંઈ ટૂંકી નહોતી.અહિં ઉભા ઉભા એક અજબ દ્રષ્ય જોવા મળ્યું.કેટલાક ભક્તો જમીન પર ચત્તાપાટ સૂઈ, ઉભા થઈ ભગવાનનું નામ લેતા બે ડગલા આગળ વધી ફરી પાછા ચત્તાપાટ જમીન પર સૂઈ જતા અને આ ક્રમનું પુનરાવર્તન કરી આગળ વધતા.પુરુષો સહિત કેટલીક સ્ત્રીઓને પણ આ આકરી રીતે આગળ વધતા જોઈ અનેરી લાગણી થઈ.શું આવી રીતે દર્શન કરીને જવાથી ઇશ્વર તેમને વધુ સારું ફળ આપતા હશે?આને શ્રદ્ધા કહેવી કે શ્રદ્ધાનો અતિરેક?કે પછી તેઓમાંના કોઈકે આવી આકરી બાધા-આખડી રાખ્યા હશે તો શું ઇશ્વરે પ્રસન્ન થઈ તેમની મનોકામના પૂર્ણ કરી હશે?અને ત્યારબાદ તેમને આ રીતે બાધા પૂર્ણ કરતા જોઈ ઇશ્વર ખુશ થતા હશે?આવા વિચારો કરતા કરતા આગળ વધતા હતા અને અમારો નંબર આવી ગયો.ભગવાનના જ્યોતિર્લિંગના દર્શન કર્યા ત્યારે જોવા મળ્યું કે એક આખો પરિવાર શિવલિંગની બાજુમાં બેસી તેનો પ્રત્યક્ષ સ્પર્શ કરી પૂજા વિધિ કરી રહ્યો હતો.પૂછતા ખબર પડી કે આ રીતે દર્શન અને પૂજા કરવા તમારે છસો કે હજાર રૂપિયાની ખાસ ટિકીટ ખરીદવી પડે!આ કેવું વિચિત્ર!જે વધુ પૈસા ખર્ચે તેને જ ભગવાનનો સ્પર્શ કરી નજીકથી દર્શન કરવા મળે.દર્શન કર્યા બાદ ટિકીટ વાળા દર્શનાર્થીઓને ખાસ તૈયાર કરેલો પ્રસાદ મળે જ્યારે સામાન્ય, ટિકીટ વગરની કતારમાં ઉભેલા દર્શનાર્થીઓને પ્રસાદ જેવું કંઈ ન મળે! મને થોડી અણગમાની લાગણી થઈ આવી.ભગવાનના પવિત્ર ધામમાં અનુભવેલું આ વેપારીકરણ મને જરાય ના ગમ્યું.

મંગળવાર, 21 સપ્ટેમ્બર, 2010

ઈકોફ્રેન્ડલી ગણપતિબાપ્પા

વાતાવરણમાં સર્વત્ર ઉત્સાહ અને ખુશાલી પ્રવર્તી રહી છે. પર્વોનો મેળો જામ્યો છે - પર્યુષણ, ઈદ અને ગણેશોત્સવ. નવરાત્રિ પછી દિવાળી જેવા બીજા તહેવારો પણ જાણે હવે લાઈનમાં રાહ જોઈને જ ઉભા રહેશે! આપણે સૌએ બધા તહેવારો હર્ષોલ્લાસભેર ઉજવવા જોઈએ પણ વિવેકભાન સાથે.


હું ખુશ છું.કારણ આ બ્લોગ છપાશે ત્યારે સુમુખ(ગણેશ)મારે ઘેર પધાર્યા હશે.હું ખુશ છું એનું બીજું કારણ એ પણ છે કે આ વર્ષે પણ મારા ગણપતિબાપ્પા ઈકોફ્રેન્ડલી છે! આ વર્ષે છાપાઓમાં ઘણી જગાએ ઈકોફ્રેન્ડલી એકદંત(ગણેશ)ની મૂર્તિઓનો ઉલ્લેખ વાંચવા મળ્યો હોવા છતાં લોકોમાં આ વિષે જોઇએ એવી જાગ્રુતિ આવી નથી.મારે જ મલાડમાં કપિલ(ગણેશ)ની ઈકોફ્રેન્ડલી મૂર્તિ શોધવા ઠેર ઠેર ફરવું પડ્યું હતું. કેટલાક દુકાનદારો અને મૂર્તિકારોને તો ઈકોફ્રેન્ડલી શબ્દનો અર્થ પણ ખબર ન હતો. ગજકર્ણક(ગણેશ)ના ઈકોફ્રેન્ડલી અવતાર વિષે જાણ હોય કે ન હોય પણ મૂર્તિકારોને લંબોદર(ગણેશ)ને વિવિધ રૂપ આપવા બેહદ પસંદ હોય એમ લાગે છે! કેટકેટલા અવનવા મોહક અને સુંદર રૂપોમાં વિકટ(ગણેશ) તમને જોવા મળશે!

કોઈ મૂર્તિકાર વિઘ્નનાશ(ગણેશ)ને શંકર ભગવાન સ્વરૂપે કંડારશે તો કોઈ વિનાયક(ગણેશ)ને સાંઈબાબાનું સ્વરૂપ આપશે તો કોઈક વળી તેમને હનુમાનદાદા બનાવી દેશે! હદ તો ત્યારે થઈ જાય જ્યારે કોઈક ધૂની મૂર્તિકાર ધૂમ્રકેતુ (ગણેશ)ને માણસનું સ્વરૂપ આપી દે છે!ગયાં વર્ષે જ મેં એક ગણપતિની મૂર્તિ ચડ્ડી-બૂશર્ટ પહેરેલ વિદ્યાર્થીના સ્વરૂપમાં જોઈ અને બીજી એક શિવાજી મહારાજના સ્વરૂપમાં! હવે આ મને જરા વધુ પડતું લાગે છે.ભગવાનને તેમનું મૂળ સુંદર સ્વરૂપ મૂકીને પામર મનુષ્યના સ્વરૂપમાં મૂકવાની વાત મારે ગળે ઉતરતી નથી.ગણાધ્યક્ષ(ગણેશ)ને આપણે તેમના અસલ સ્વરૂપે જ ન પૂજી શકીએ?હા, મને ગોટીઓમાંથી કે ચોકલેટ કે શ્રીફળ કે શાકભાજી કે સૂકામેવા કે આવી અવનવી વસ્તુઓમાંથી બનાવેલ ભાલચંદ્ર(ગણેશ)ની સર્જનાત્મક મૂર્તિ ગમે છે! ગજાનન(ગણેશ) એક જ ભગવાન છે જે, લોકોને અલગ અલગ હજાર સ્વરૂપમાં જોવા ગમે છે!

વળી પાછા ઈકોફ્રેન્ડલી મૂર્તિની વાત પર આવીએ તો આ મૂર્તિની કિંમત સામાન્ય (પ્લાસ્ટર ઓફ પેરિસની) મૂર્તિઓ કરતાં મોંઘી હોય છે કારણ આ પ્રકારની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસ (જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે) ને બદલે માટીમાંથી કે બીજા પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવા તત્વોમાંથી બનાવવામાં આવે છે.તેના પર રંગ પણ પર્યાવરણ મિત્ર પદાર્થમાંથી બનાવાયો હોય તેવો જ વપરાય છે જે સામાન્ય પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ પર કરાતા ભડક રાસાયણિક પદાર્થોમાંથી બનેલા રંગો જેવો આકર્ષક હોતો નથી.આપણને ભડક અને ભપકાદાર વસ્તુઓનો જ મોહ હોય છે આથી લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદતા નથીં. લોકોમાં પર્યાવરણ વિષે પૂરતું જ્ઞાન કે પ્લાસ્ટર ઓફ પેરિસ અને રાસાયણિક રંગો પર્યાવરણને કેટલું નુકસાન પહોંચાડે છે તે વિષેની સાચી ને સચોટ માહિતિનો પણ અભાવ છે. હવે જ્યારે લોકો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓની સરખામણીમાં સસ્તી અને વધુ આકર્ષક પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ મળતી હોય તો ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ શા માટે ખરીદે?આખરે મૂર્તિકારો પણ એવી જ મૂર્તિ બનાવે ને જે વધુ વેચાય? આથી આપણે જાગ્રુત થઈ ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ.

ઘેર શણગાર માટે પણ જે પદાર્થોનો ઉપયોગ કરીએ તે ઈકોફ્રેન્ડલી જ હોય એવો આગ્રહ રાખવો જોઈએ જેમકે થર્મોકોલ કે પ્લાસ્ટીકને બદલે સાચા ફૂલો, રંગબેરંગી દુપટ્ટાઓ, લોટ, લીલાંછમ છોડ-વેલા વગેરેનો ઉપયોગ કરવા વિષે વિચારી શકાય.

બીજો પણ એક મુદ્દો અતિ મહત્વનો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની મોટી મોટી મૂર્તિઓ જ્યારે દરિયામાં કે બીજા જળાશયોમાં પધરાવવામાં આવે ત્યારે ત્યાં વસતા જળજીવોને હદ બહારનું નુકસાન થાય છે.આપણે વગર વિચાર્યે જૂનો પૂજાનો સામાન વગેરે પણ પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને દરિયામાં પધરાવતા હોઈએ છીએ જેમ ન કરવું જોઇએ.હવે તો સરકાર ગણેશોત્સવ બાદ ગજાનન(ગણેશ)ની મૂર્તિઓના વિસર્જન માટે પણ ખાસ પ્રકારના કૃત્રિમ તળાવ બનાવે છે.બધાએ આ તળાવોનો ઉપયોગ કરવો જોઇએ. મારા એક મિત્રે અમેરિકામાં તેના ઘેર ગણપતિની મૂર્તિ લાવી હતી અને તેણે આ મૂર્તિનું વિસર્જન પોતે જ તેના ઘરના કંપાઉન્ડમાં નાનકડો ખાડો ખોદી તેમાં સ્વચ્છ પાણી ભરી વિધિવત તેમાં કર્યું હતું અને આ પ્રસંગના ફોટા અમે સૌએ જોયા હતાં અને આશ્ચર્ય પણ અનુભવ્યું હતું.

ગણેશોત્સવ શ્રદ્ધાનું પર્વ છે તેમાં દેખાદેખી કે બીજાને આંજી નાંખવા કે બીજા સાથે સ્પર્ધા કરવા બેફામ ખર્ચ જેવા તત્વો ન ઉમેરાવા જોઈએ. વિનાયક(ગણેશ)ની મૂર્તિને વિસર્જન માટે લઈ જતી વખતે પણ લોકો મોટામોટા બેન્ડ અને હવે તો ડી.જે. પાછળ મસમોટો ખર્ચ કરે છે.દારુ પીને બેહૂદા નાચ કરે છે.ગુલાલ સાથે કૃત્રિમ ફીણ અને કોલ્ડડ્રીંકની છોળો ઉડાડે છે. આ બધું ગણેશોત્સવના પવિત્ર પર્વને કલુષિત કરે છે.આ રીતે ભગવાનને યાદ કરવાના ન હોય.

આજે આપણે ગ્લોબલ વોર્મિંગ, ઋતુઓની અનિયમિતતા, ક્યાંક સુકો દુકાળ તો ક્યાંક લીલો દુકાળ જેવી અનેક પર્યાવરણ સંબંધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છીએ ત્યારે જીવનમાં ડગલે ને પગલે આપણે કઈ રીતે પર્યાવરણને થોડું પણ નુકસાન થતાં અટકાવી શકીએ એ વિષે વર્તવુ જોઈએ અને સમજણપૂર્વક કુદરતી સ્રોતોનો ઉપયોગ કરવો જોઇએ.ગ્લોબલ વોર્મિંગ જેવા પરિબળોની પર્યાવરણ પર થઈ રહેલી વિપરીત અસરોને ધ્યાનમાં લઈ આપણે દરેક પર્વની ઉજવણી કરવી જોઈએ કારણ એમ કરીશું તો જ આપણે આવનારા ઘણાં વર્ષો સુધી એમ કરવા જીવતા રહી શકીશું અને આપણી આવનારી પેઢીઓને પણ એમ કરવાની તક પૂરી પાડી શકીશું.

હે વક્રતુંડ, ક્રુષ્ણપિંગાક્ષ, ગજ્વકત્ર, વિઘ્નરાજ, ધૂમ્રવર્ણ ગણપતિ બાપ્પા અમને સૌને સદબુદ્ધિ આપો જેથી અમે આપનો આ તહેવાર તથા બીજા બધાં તહેવારો 'યથાયોગ્ય' રીતે ઉજવી શકીએ!!!

રવિવાર, 29 ઑગસ્ટ, 2010

ગેસ્ટ બ્લોગ : શ્રાવણ મહિનો અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન

                                                                                             - લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે.હવે પર્વના દિવસો ચાલુ થયા. દેવદિવાળી સુધી ઉમંગ તાજો રહેવાનો.જો કે મન ખુશ અને આનંદિત હોય તો સદાયે આનંદ જ છે! દેવ દર્શન,પૂજા અર્ચના,દાન પુણ્યના મહિમાનો આ સમય છે.વર્તમાન સમયમાં ધર્મના ક્ષેત્રમાં માણસનો ભૌતિક દેખાવ,અહમ વૃત્તિ અને આડંબર સાત્વિક્તા અંગે વિચાર માગી લે છે.મારા નમ્ર મતે ધર્મ એ અંગત બાબત છે.જે ભગવાન સાથે આપણે તાર જોડવા પ્રયત્ન કરીએ તેને કરોડોના દાગીના-મુગટથી લાદીએ તો શું એમાંથી એવો સૂર નથી નિકળતો કે જો મેં તને કેટલું આપ્યું!ભૌતિકતામાં ભક્તિ અને ભાવ વિસરાઈ જાય છે.માણસ અજાણતામાં પણ જો બીજાનું શુભ કરે તો તે ધર્મને આત્મસાત કરે છે. હું માણસ મટીને માનવ થાઉં એ જ મારે માટે અર્થપૂર્ણ છે.


હાલમાં આગામી ઓક્ટોબરમાં ભારતમાં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સના આયોજન વિષે ઘણું વાંચવા-જાણવા મળ્યું છે.તેમાં ગેમ્સ સિવાય સર્વ ચીજો ખેલાઈ રહી છે! બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર પછી યુદ્ધ અંગેના ગુનાઓનો ખટલો જે વ્યક્તિઓ સામે નોંધાયો હતો તેઓના બચાવમાં મુખ્ય મુદ્દો એ હતો કે અમુક નિર્ણય તેઓનો ન હતો, તેમણે માત્ર તે નિર્ણયનો અમલ કર્યો હતો - આવો જ કંઈક સૂર હાલમાં રમતના આયોજન અંગેના કથિત કૌભાંડમાં સંડોવાયેલ વ્યક્તિઓનો જોવા મળે છે.આવી અયોગ્ય સરખામણી માટે માફી ચાહું છું પણ આથી વધુ સચોટ સરખામણી મને અત્યારે યાદ આવતી નથી.પ્રજાના ધનનો અમર્યાદ બેફામ વ્યય થતો જોઈને કવિશ્રી ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ - ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે’ - યાદ આવે છે.

ચાલીના રહેણાંક અંગે આજ કટારમાં અગાઉ વિકાસભાઈએ લખેલા સ્વાનુભવના પ્રતિભાવમાં એટલું જ કહીશ કે આવી ચાલીઓમાં રહેનારાઓની જગા નાની હોય છે પણ મન મોટાં હોય છે. આ લેખનકાર્ય માટે મીઠા આગ્રહ અને પ્રોત્સાહન માટે વિકાસભાઈનો આભાર માનતા માનતા મારો આ પ્રથમ બ્લોગ અહિં પૂરો કરું છું.

- લતા બક્ષી, બોરિવલી, મુંબઈ

રવિવાર, 8 ઑગસ્ટ, 2010

સચીન તેંડુલકરના લોહી દ્વારા હસ્તાક્ષર???

થોડા દિવસો અગાઉ છાપામાં એક ખબર વાંચવા મળ્યા કે સચીન તેંડુલકરનું આત્મકથાસમું એક પુસ્તક પ્રકાશિત થવાનું છે જેમાં તેના જીવનની કેટલીક દુર્લભ અને યાદગાર તસ્વીરો પણ સમાવી લેવામાં આવશે. આ પુસ્તકમાં ઘણી આગવી વિશેષતાઓ હશે જેમકે આ પુસ્તકની ફક્ત દસ જ નકલ પ્રકાશિત થવાની છે જેની અંદાજિત કિંમત ભારતીય સાડત્રીસ લાખ રૂપિયા જેટલી હશે.( સારી બાબત એ હતી કે આ રૂપિયા ચેરિટી કાર્યો માટે વપરાશે એવી માહિતી પણ એ ખબર સાથે વાંચી ) પણ આ ખબરનો સૌથી આંચકા જનક ભાગ એ હતો કે સચિને તેના વિષેના આ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા છે.


હવે આ વાંચીને તમે જ કહો વિચિત્ર લાગણી ન અનુભવાય?અજુગતુ ન લાગે?

મને વિચાર આવ્યો સચિન તેન્ડુલકર જેવી મહાન હસ્તિ આવા બાલિશ અને હિચકારીભર્યા ક્રુત્ય માટે શી રીતે તૈયાર થઈ હશે?

નથી મને કોઈ સ્પોર્ટ્સમાં ખાસ રસ કે નથી હું ક્રિકેટપ્રેમી,છતાં સચિન જેવા અજોડ ક્રિકેટ-નિષ્ણાત માટે મને ખાસ માન છે.તે ફક્ત એક મહાન ભારતીય રમતવીર જ નથી પણ ખૂબ સારો અને ઉમદા મનુષ્ય પણ છે.આથી સચિનના લોહિયાળ હસ્તાક્ષર વાળી વાત વાંચી મને એક નકારાત્મક અરેરાટીભરી લાગણી થઈ આવી અને બે ઘડી સચિન માટે પણ થોડા અણગમા અને રોષનો ભાવ ઉપજ્યો.

આ છે પ્રસાર અને પ્રચાર માધ્યમની તાકાત!તે તમારો કોઈક વ્યક્તિ કે વાત વિષેનો દ્રષ્ટિકોણ બદલી નાંખવાની તાકાત ધરાવે છે.

મને સચિન વિષેના, તેના પુસ્તક વિષેના આ સમાચાર વાંચી અણગમાની લાગણી થઈ આવી. છેવટે આ ખબર દરેક નાનામોટાં વર્તમાનપત્રમાં છપાઈ ચૂક્યા બાદ, સચિનનો આ બાબત અંગે ખુલાસો બે-ત્રણ દિવસ બાદ સમાચારપત્રોમાં વાંચવા મળ્યો કે તેણે કોઈ પુસ્તકમાં પોતાના લોહીથી હસ્તાક્ષર કર્યા નથી.હવે પુસ્તકના પ્રકાશકોનો ખુલાસો પણ આવ્યો કે તેમની વાત પ્રસાર માધ્યમોએ ફેરવી તોળીને છાપી છે જેની પાછળ કોઈક ગેરસમજ જવાબદાર છે.જો એમજ હતું તો તેમનો ખુલાસો સચિને કરેલી સ્પષ્ટતા બાદ શા માટે આવ્યો?તેઓ લોહી વાળી જૂઠ્ઠી વાત છપાયા પછી તરત બીજે જ દિવસે પણ આ અફવાનું ખંડન કરી શક્યા હોત ને? પણ તેમણે આ હલ્કા પબ્લિસીટી સ્ટંટનો લાભ ખાંટવો હોય એમ સ્પષ્ટ જણાય છે.

બીજો મુદ્દો પ્રસાર અને પ્રચાર માધ્યમોની નૈતિક જવાબદારીનો છે.શું કોઈ પણ સમાચાર છપતા પહેલાં તેની સચ્ચાઈ વિષે ખાતરી કરી લેવાની તેમની ફરજ નથી? પણ ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં દરેક ન્યૂઝચેનલે કે અખબારે સમાચાર પ્રથમ જાહેર કરવાની જાણે ઘેલછા લાગી છે!

ખેર જે હોય તે,પણ એક વાતનું આશ્વાસન એ મળ્યું કે સચિને લોહીથી સહી કરવાનું નાદાની ભર્યું બાલિશ અને હલ્કું કૃત્ય કર્યું નહોતું!

મંગળવાર, 3 ઑગસ્ટ, 2010

શા માટે ?

મને ઘણી વાર વિચાર આવે છે આ સૃષ્ટિના સર્જનહારે શા માટે સૃષ્ટિનું સર્જન કર્યું હશે?


બ્રહ્માંડ,આકાશગંગા,તારાઓ,ગ્રહો,ધૂમકેતુઓ,આપણી પૃથ્વી વગેરેના સર્જન પાછળ તેનો ઉદ્દેશ શો હશે?શા માટે તેણે પૃથ્વી પર જીવનનું સર્જન કર્યુ હશે? આપણે તો પૃથ્વી સિવાય બીજી કોઈ જગાએ જીવનના અસ્તિત્વ વિષે કંઈ જાણી શક્યા નથી.પણ પૃથ્વી પર જ જીવનનું જે વૈવિધ્ય જોવા મળે છે તેના અભ્યાસ માટે આખું આયખુંયે ઓછું પડે એમ છે.

શા કારણે પહાડો આટલા ઉંચા અને મહાસાગરોના તળિયા અગાધ ઉંડા હશે? તમે આવા કોઈ ડુંગરાની ટોચે કે મહાસાગરના તળિયે પહોંચી પણ જાવ તો ત્યાં અનેરી વિશેષતા અને સુંદરતા ધરાવતા જીવો જોવા મળશે.કેટલું અદભૂત!

મારા ઘેર મેં ઘાસ જેવા દેખાતા 'લીલી' નામના છ કે આંઠ પાંખડી ધરાવતા અતિ સુંદર અને નાજુક ગુલાબી રંગના ફૂલો જેને ફક્ત ચોમાસા દરમ્યાન જ આવે છે તેવી વનસ્પતિ વાવી છે જે મને બેહદ પ્રિય છે. પણ શા માટે આ વનસ્પતિને ફૂલ ફક્ત પહેલો વરસાદ પડી ગયા બાદ જ આવે છે અને પછી આઠ આઠ મહિના સુધી તેને એક પણ ફૂલ આવતુ નથી. આવા જ બાર વર્ષે એક જ ફૂલ આપતા બ્રહ્મકમળ વિષે પણ મેં સાંભળ્યુ છે. શા માટે તેને પણ બાર વર્ષે એક જ વાર ફૂલ આવે છે?

તમને ખબર છે આપણી આ પૃથ્વી પર જ ફક્ત કેટલીક મિનિટોના આયુષ્ય થી માંડી હજારો વર્ષનું આયુષ્ય ભોગવનારા જીવો વસે છે.કેટલાક સૂક્ષ્મ જીવો માત્ર થોડી જ ક્ષણો માટે જીવે છે. સુંદરતાના બેનમૂન દાખલા સમા નાજૂક પતંગિયાનું સરેરાશ આયુષ્ય થોડાં મહિનાઓનું હોય છે તો અચરજકારી ઘટનાની જેમ પતંગિયાઓનો જેમનામાંથી ઉદભવ થાય છે એવી ઇયળ કે પછી કીડી-મંકોડા જેવા અસંખ્ય નાનકડાં જીવો માત્ર ગણ્યાંગાંઠ્યા દિવસો જ જીવે છે તો બીજે છેડે હજારો વર્ષોની વય સુધી જીવનારા કાચબા અને કેટલાંક વૃક્ષો પણ આપણી પૃથ્વી પર જ અસ્તિત્વ ધરાવે છે.આ ભેદ પાછળ પણ સર્જનહારાનો કોઈ આશય ખરો?

દરિયાનું પાણી ખારુ અને નદી-ઝરણાનું પાણી મીઠું શા માટે? આખરે ઝરણાઓ મળીને જ નદી અને નદીઓ ભેગી થઈને જ સાગર બનતા હોય છે ને?

મધમાખીઓ શા માટે મધ ભેગુ કરતી હોય છે? ફૂલોનો રસ ચૂસી ખાલી પૂડો બનાવીને પણ તે રહી શકે ને? પણ તેઓ તો આખું જીવન મધ બનાવવામાં જ પૂરું કરી નાંખે છે!

શા માટે જીવો કે નિર્જીવ વસ્તુઓ દ્વારા ઉત્પન્ન થતા અવાજોમાં વિવિધતા જોવા મળે છે? કેટલાક અવાજો એટલા ધીમા હોય છે (ચામાચિડિયા જેવા જીવો દ્વારા પેદા કરાતા સૂક્ષ્મ અવાજો) કે તે મનુષ્ય તો સાંભળી પણ ન શકે તો કેટલાક અવાજો એટલા ઘોંઘાટિયા અને કર્કશ હોય કે તે સાંભળી કાન ફૂટી જાય! કેટલાક અવાજો એટલા મધુરા હોય કે મન તે સાંભળી પ્રસન્નતાસભર બની જાય તો કેટલાક અવાજો અરૂચિકર પણ જોવા (સોરી સાંભળવા !) મળે. શા માટે તેમાં પણ આટલું વૈવિધ્ય?

આજ રીતે પાંચે પ્રકારની શરીરને થતી અનુભૂતિઓ (જોવું,સાંભળવું,સૂંઘવું,સ્વાદ ચાખવો અને સ્પર્શ કરવો)માં શા માટે આટઆટલી વિવિધતા અસ્તિત્વ ધરાવતી હશે? ઇશ્વર ગૂઢ છે, ગહન છે તે જ રીતે તેના બધાં જ સર્જનો અને તેમાં જોવા મળતી વિવિધતાઓ પણ એટલાં જ ગૂઢ અને ગહન છે.આપણે આ રહસ્યોનો તાગ પામી શકીશું ખરા?

સાથે જ બીજો પણ એક વિચાર તંતુ મારા મનમાં આકાર લે છે.શા માટે કેટલાક મનુષ્યો દયાના દરિયા જેટલા ઉદાર હોય છે તો બીજે છેડે કેટલાંક સાવ ટૂંકા મનના અને સંકુચિત વૃત્તિ ધરાવતા?બધા સારા જ ન હોઈ શકે?શા માટે મનુષ્યના મનમાં લાલચ,ઇર્ષ્યા,માલિકીભાવ,વિકૃતીઓ વગેરે જેવી દુવૃત્તિઓ જન્મતી હશે?બધાને હંમેશા સારા જ વિચારો ન આવી શકે?બધામાં સારા ગુણો જ શા માટે જોવા નહિં મળતા હોય? શા માટે આપણે મનુષ્યો એ પ્રુથ્વી પર સરહદો બનાવી તેના ભાગલા પાડી નાંખ્યા હશે? જેને જ્યાં મન ફાવે ત્યાં વિના બંધન-રોકટોક તે જઈ ન શકે.ગોરા લોકો કાળા લોકો સામે નીચી દ્રષ્ટીએ જુએ.શા માટે આવા ભેદભાવ?શા માટે માણસ યુદ્ધ કરતો હશે?શા માટે આતંકવાદ, માઓવાદ, નક્સલવાદ જેવા વાદો અસ્તિત્વમાં આવતા હશે? શું આખી પ્રુથ્વી પર સુખ અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપિત ન થઈ શકે?

હે ઇશ્વર મારા આ સ્વપ્નને તું ક્યારેય પૂરું કરશે ખરો?