Translate

રવિવાર, 21 મે, 2017

તમારી આંખના ખૂણા ભીના થાય છે?

વોટ્સએપ પર અનેક મેસેજીસ આવતા હોય છે. એમાં કેટલાક મેસેજીસ લાંબા પણ હોય છે પણ એ વાંચવા જેવા હોય છે. ક્યારેક મોકલનાર પોતે જ ટકોર કરી દે છે કે આ સંદેશ લાંબોલચક છે પણ અચૂક વાંચવા જેવો-હ્રદયસ્પર્શી છે. અને આવા મેસેજીસ હું અચૂક વાંચુ છું. કેટલાક આવા મેસેજીસ વાંચીને મારી આંખોના ખૂણા ભીના પણ થાય છે. એમાં વાત જ એવી સંવેદનશીલ હોય એટલે હ્રદયના તાર એ વાંચી ઝણઝણવા જ રહ્યાં!
શહેરમાં રહેનારા વ્યસ્ત લોકો સંવેદના ખોઈ બેસતા હોય છે. તેઓ જીવનના નાના નાના આનંદો માણવાનું ચૂકી જતા હોય છે. પણ વ્યસ્તતા વચ્ચેય પોતાના અંતરાત્મા સાથે થોડો સમય ગાળી, તેને જે ગમે છે એમાં થોડો સમય પસાર કરી,મન પરનો બોજો ઘડીક ઉતારી ફોરા થઈ જઈ સંવેદનાને ધબકતી રાખી શકાય છે.
આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ટી.વી. કે વોટ્સએપના મેસેજીસમાં જોયા-સાંભળ્યા હશે.તેઓ ઘણી વાર વક્તવ્ય આપતી વેળાએ ભાવુક થઈ જાય છે. એમનો સાદ ગળગળો થઈ જાય છે. એ બતાવે છે કે આટલા વ્યસ્ત, આખા દેશનો ભાર પોતાને માથે લઈને જીવનારા ૫૬ની છાતી ધરાવનારા મોદી પણ એક ઋજુ ,સંવેદનશીલ હ્રદય ધરાવે છે. તેમનો એક વિડીઓ હમણાં જોવામાં આવ્યો. તમે જાણો છો મોદી સાહેબ ૨૪ કલાકમાં કેટલું સૂએ છે? સામાન્ય રીતે આપણે ૬ થી ૮ કલાકની ઉંઘ લેવી જોઇએ એમ ડોક્ટર્સ કહે છે.પણ મોદી સાહેબ માત્ર ૩-૪ કલાક જ સૂએ છે.તેમને એક જણે પ્રશ્ન કર્યો કે આટલી ઓછી ઉંઘ લઈને તેઓ આટલા સ્વસ્થ કઈ રીતે રહી શકે છે અને આટલા સ્ફૂર્તિ અને ઉત્સાહ સાથે કઈ રીતે પોતાની જવાબદારી બખૂબી નિભાવી શકે છે? મોદી સાહેબે હસતા હસતા જવાબ આપ્યો કે આનો શ્રેય તેઓ યોગ અને મેડીટેશનને આપે છે.યોગ એટલે કોઈ પણ એક મનગમતી પ્રવૃતિમાં લીન થઈ જવું તે...મેડીટેશનમાં પણ તમે એક વસ્તુ પર જ ધ્યાન કેન્દ્રીત કરો છો, બાકી સઘળું વિસારે પાડી. આનો એક ફાયદો એ છે કે તમે મુસીબતો કે સમસ્યાઓથી ઘેરાયેલા હોવ તો એ બધું થોડા સમય માટે ભૂલી જાવ છો. અને યોગ કે ધ્યાનની ક્રિયા તમારામાં નવી શક્તિનો સંચાર કરે છે અને તમે બમણા જોમથી તમારી સમસ્યાઓ કે મુસીબતો સામે ઝઝૂમી શકો છો.
ફરી પાછા સંવેદનશીલતાના મુદ્દા પર આવીએ. હું કોઈ સુંદર સંગીત રચના સાંભળું કે કોઈ સારી વાર્તા વાંચુ કે ભજવાતી જોઉ ત્યારે પણ મને સંવેદનાતંત્ર ઝણઝણી ઉઠયા નો અનુભવ થાય છે. ઇન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા કોઈ શો માં કોઈ ગરીબ પણ અતિ કૌશલ્યવાન પાત્રની પ્યોર ટેલેન્ટ જોઉ ત્યારે પણ મને અચૂક રડુ આવે છે.ગુઝબમ્પસ કે રૂંવાડા ઉભા થઈ જવાનો આ અનુભવ મારી જેમ ઘણાં સંવેદનશીલ લોકોને થતો હશે. એ સારી બાબત છે. તમારા સંવેદનાના છોડને લીલોછમ રાખવા આથી જ તમારે તમારા શોખ વગેરે માટે થોડો તો થોડો સમય ચોક્કસ ફાળવવો જોઇએ. પછી ભલે એ વાંચન હોય,લેખન હોય, ડાન્સ હોય,કસરત હોય,સંગીત હોય,ટી.વી.-સિનેમા હોય કે અન્ય કોઈ શોખ કે મનપસંદ બાબત.

શનિવાર, 13 મે, 2017

વિચારવા જેવા મુદ્દા

આજે કેટલીક એવી બાબતોની ચર્ચા માંડ​વી છે જે આપણે જાણીએ છીએ કે ખોટી છે છતાં આપણે સૌ અનુસરીએ છીએ અથ​વા ક્યારેક તો એ અંગે વિચારતા પણ નથી કે એ ખોટી છે કે સાચી અને વગર વિચાર્યે અનુસરતા હોઇએ છીએ. કદાચ આ વાંચ્યા બાદ પણ એ વિશે હું કે તમે શું કરી શક​વાના છીએ એ અંગે હું ચોક્કસ નથી પણ કોઈ બાબત અંગે વિચાર કર​વો એ પણ એ બાબતમાં સારું પરિવર્તન લાવ​વાની દિશામાં પ્રથમ પગલું માંડ​વા સમાન છે એમ સમજી એ આજે તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું.
*           સામાન્ય દુકાનમાં કે સ્ટેશન પર પોપકોર્ન દસ,વીસ કે ત્રીસ રૂપિયામાં આપણે સૌ ખરીદતા હોઇએ છીએ પણ એ જ પોપકોર્નના સિનેમાહોલ કે મલ્ટીપ્લેક્સ થિએટરમાં આપણે દોઢસો થી બસો રૂપિયા આપીએ છીએ.
*           સામાન્ય રીતે ચાના એક કપના છ થી માંડી વીસ કે ત્રીસ રૂપિયા આપણે ટપરી કે સામાન્ય હોટેલમાં આપતા હોઇએ છીએ પણ એ જ ચાના એક કપના ફાઈવ સ્ટાર હોટલમાં બસો-અઢીસો રૂપિયા ચૂક​વીએ છીએ. મિનરલ વોટર કે કોલ્ડડ્રીન્ક માટે પણ આ મુદ્દો લાગુ પડે છે.
*           રસ્તે બળબળતી બપોરે પથ્થર તોડ​વાનું કે રસ્તો બાંધ​વાનું કામ કરતા મજૂરને આખો દિવસ તનતોડ મહેનત બાદ મળતું મહેનતાણું માત્ર સો-દોઢસો રૂપિયા જ્યારે વાતાનુકૂલિત ઓફિસમાં બેસી કામ કરતા પ્રોફેશનલનો એક દિવસનો પગાર હજાર થી માંડી લાખ રૂપિયા. બંને માણસ જ છે ને? એક પ્રકારના વ્ય​વસાય માટે ઓછું વળતર કે બીજા માટે વધુ એ નક્કી તો આપણા માન​વસમાજે જ કર્યું છે ને?
*           નિર્ભયા પર સામૂહિક બળાત્કારના કેસનો ચુકાદો ચુ સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સુણાવ્યો જેમા ચાર ગુનેગારોને નીચલી અદાલતે ફરમાવેલી ફાંસીની સજા યથાવત રાખ​વામાં આવી.એક ગુનેગારે તો આત્મહત્યા કરી હતી તેને સજા આપોઆપ મળી ગ​ઈ પણ આ પ્રકરણમાં સૌથી નિર્મમ કામ કરનાર - નિર્ભયાના શરીરમાં સળીયો ઘૂસાડનાર બળાત્કારી સોળ વર્ષની ઉંમરનો હોવાથી તેને ફાંસી નહિ. ઉલટું બે વર્ષ બાળસુધાર ગૃહમાં રહ્યા બાદ તે આજે મુક્ત છે! કાયદામાં આટલી જડતા શા માટે? ખબર છે કે ગુનો કરનાર માનસિક રીતે વિકૃત ગુનેગાર અપકૃત્ય આચરે છે તો તેને માત્ર ઉંમર ઓછી હોવાના મુદ્દાને લ​ઈને ઓછી સજા કે સજા માફી આવો ભેદભાવ કે અન્યાય શા માટે?
*           જાણીએ છીએ દારૂ - શરાબ વગેરે હાનિકારક પદાર્થો છે છતાં તેની દુકાનો , બાર વગેરે કાયદેસર ચાલતા હોય છે. તમાકુનું બીડી કે સિગારેટ દ્વારા સેવન શરીર માટે હાનિકારક હોવા છતા તે પેકેટ પર ચેત​વણી સાથે ખુલેઆમ વેચાય છે, સાર્વજનિક જગાએ કે ઘરોમાં અન્યોની હાજરીમાં બિન્ધાસત પીવાય  છે. તમાકુની ખેતી થાય છે તેના પર અનેક લોકો નભે છે.
*           બાર ગર્લ્સ નાચીને દારૂ પીવા આવતા લોકોનું મન બહેલાવતી હોય એ બાબત બિભત્સ લાગતી હોવા છતા આવા બાર્સ કાયદેસર ચાલે છે. દેહ​વિક્રયના વ્ય​વસાય સાથે પણ આ મુદ્દો લાગુ પડે છે.વેશ્યા વ્ય​વસાય પર નભતી સ્ત્રીને હલકી નજરે જોવામાં આવતી હોવા છતાં પુરૂષો હ​વસ સંતોષ​વા તેમની પાસે જાય છે.
*           જેના પર બળાત્કાર થયો હોય તેવી વ્યક્તિનો એ ઘટનામાં કોઈ વાંક ન હોવા છતાં સૌથી વધુ સહન કર​વાનું તેના જ ભોગે આવે છે.
*           કોઈ વ્યક્તિને એક પુત્રી હોય અને તેને બીજી પુત્રી આવે તો આજે પણ લોકોને એવો જ વિચાર આવે છે કે બીજો પુત્ર આવ્યો હોત તો સારૂ થાત.
*           છોકરો ગાળો બોલે, સિગરેટ પીવે, દારૂ પીએ ત્યારે સમાજ તેના પ્રત્યે એટલું ખરાબ વલણ નથી દાખવતો જેટલું તે આમ કરનાર કોઈ છોકરી હોય તેની સાથે દાખ​વતો હોય.

*           શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે મોંઘીદાટ ચીજ​વસ્તુ ખરીદતી વખતે આપણે ભાવતાલ કે રકઝક કરતા નથી પણ ઘર​-આંઅગણે મહેનત કરી શાકભાજી વેચ​વા આવનાર કે સ્વતંત્ર દુકાન ધરાવનાર વેપારી પાસેથી કોઈ પણ ચીજ વસ્તુ લેતી વેળા આપણે ભાવતાલ કર​વાનું ક્યારેય ચુકતા નથી.

બુધવાર, 3 મે, 2017

ગેસ્ટ બ્લોગ - આત્મસભાનતા

-        ઇલા પુરોહીત

આત્મસભાનતા આ મનુષ્ય જન્મે 'જીવ' ની વિશેષતા છે.અન્ય પ્રાણીજીવનમાં આ ખુબી કુદરતે નથી આપી. એટલે જ માણસ હોવું આ વાત દુર્લભ ગણાવાઈ છે. પશુ પક્ષી પોતે નથી જાણતા કે પોતે વાઘ છે - બકરી છે - ચકલી છે. પણ મને ખબર છે કે હું માણસ છું.
જો કે આ સેલ્ફ અવેરનેસ બાળક મનને નથી ,જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ સ્વજનનોની વાતો અને પાઠો એ શિખતું જાય છે. આ મારા હાથ-મારું નાક-મારા કપડાં-મારા મમ્મીપપ્પા વગેરે. હું અને મારું-તમારું ના પદાર્થ-પાઠો અનુભવે આ સમજણોથી ડેવલપ થતી રહે છે. છતાં અહિં આ હું કોણ અને મારું કહેવાતું આ શરીર શું? - આ ગણતરી પાક્કી થતી નથી.ગણિત ઉકેલાતું નથી.
હા - ગીતાજીએ શરીરને સમજાવવા જરૂર કોશિષ કરી છે કે આ તારું શરીર પણ તે શરીર ઉપર પહેરેલા કપડા જેવું જ છે. સમયાંતરે કપડા બદલવા પડે એમ શરીર પણ બદલવું પડે છે એમ સમજવું.
પણ ‘ખાટલે મોટી ખોટ છે કે ચોથો પાયો નહિ’ એમ આ દેહ અને દૈહિક ઝાકમઝાળમાં દેહનું અસત અને આત્માનું શાશ્વત અસ્તિત્વ - બંનેની ભેળસેળ થઈને આખેઆખું ‘સાંબેલુ સાવરણીએ નિકળી જાય’ છે. જાણે ‘હીરો ઘોઘે જઈ આવ્યો’ એવા હાલ આપણાં થાય છે.
આત્મસભાનતા આવ્યેથી માણસ જરૂર સમજે છે કે સંસારમાં હું એકલો નથી.પશુ-પંખી-વનસ્પતિ-સમગ્ર માનવજાત-આ દશે દિશાઓમાં વસેલ પંચતત્વો ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને મહા જળકોષ આ કુદરતી બક્ષિશો સાથે પણ મારે નિસ્બત છે.
ઉપનિષદ કહે છે તેમ ‘વસુધૈવ કુટુમ્બકમ’ એ ન્યાયે ચાલો ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણો - આ માણસ તરીકે અવતર્યા તેનું ઉત્તમ ફળ છે. આ આખી સમસ્ત સૃષ્ટિ  સાથેનું આપણું અભિન્ન એકત્વ - તો ચાલો આ મૃત્યુ સુધી જીવવા મળેલી સુવર્ણ તકનો સદુપયોગ કરીને જીવતે જીવ મોક્ષની મજા માણીએ.

-        ઇલા પુરોહીત