Translate

બુધવાર, 3 મે, 2017

ગેસ્ટ બ્લોગ - આત્મસભાનતા

-        ઇલા પુરોહીત

આત્મસભાનતા આ મનુષ્ય જન્મે 'જીવ' ની વિશેષતા છે.અન્ય પ્રાણીજીવનમાં આ ખુબી કુદરતે નથી આપી. એટલે જ માણસ હોવું આ વાત દુર્લભ ગણાવાઈ છે. પશુ પક્ષી પોતે નથી જાણતા કે પોતે વાઘ છે - બકરી છે - ચકલી છે. પણ મને ખબર છે કે હું માણસ છું.
જો કે આ સેલ્ફ અવેરનેસ બાળક મનને નથી ,જેમ જેમ એ મોટું થતું જાય તેમ તેમ સ્વજનનોની વાતો અને પાઠો એ શિખતું જાય છે. આ મારા હાથ-મારું નાક-મારા કપડાં-મારા મમ્મીપપ્પા વગેરે. હું અને મારું-તમારું ના પદાર્થ-પાઠો અનુભવે આ સમજણોથી ડેવલપ થતી રહે છે. છતાં અહિં આ હું કોણ અને મારું કહેવાતું આ શરીર શું? - આ ગણતરી પાક્કી થતી નથી.ગણિત ઉકેલાતું નથી.
હા - ગીતાજીએ શરીરને સમજાવવા જરૂર કોશિષ કરી છે કે આ તારું શરીર પણ તે શરીર ઉપર પહેરેલા કપડા જેવું જ છે. સમયાંતરે કપડા બદલવા પડે એમ શરીર પણ બદલવું પડે છે એમ સમજવું.
પણ ‘ખાટલે મોટી ખોટ છે કે ચોથો પાયો નહિ’ એમ આ દેહ અને દૈહિક ઝાકમઝાળમાં દેહનું અસત અને આત્માનું શાશ્વત અસ્તિત્વ - બંનેની ભેળસેળ થઈને આખેઆખું ‘સાંબેલુ સાવરણીએ નિકળી જાય’ છે. જાણે ‘હીરો ઘોઘે જઈ આવ્યો’ એવા હાલ આપણાં થાય છે.
આત્મસભાનતા આવ્યેથી માણસ જરૂર સમજે છે કે સંસારમાં હું એકલો નથી.પશુ-પંખી-વનસ્પતિ-સમગ્ર માનવજાત-આ દશે દિશાઓમાં વસેલ પંચતત્વો ધરતી-અગ્નિ-વાયુ-આકાશ અને મહા જળકોષ આ કુદરતી બક્ષિશો સાથે પણ મારે નિસ્બત છે.
ઉપનિષદ કહે છે તેમ ‘વસુધૈવ કુટુમ્બકમ’ એ ન્યાયે ચાલો ‘જાગ્યા ત્યારથી સવાર’ ગણો - આ માણસ તરીકે અવતર્યા તેનું ઉત્તમ ફળ છે. આ આખી સમસ્ત સૃષ્ટિ  સાથેનું આપણું અભિન્ન એકત્વ - તો ચાલો આ મૃત્યુ સુધી જીવવા મળેલી સુવર્ણ તકનો સદુપયોગ કરીને જીવતે જીવ મોક્ષની મજા માણીએ.

-        ઇલા પુરોહીત

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો