Translate

શનિવાર, 13 મે, 2017

વિચારવા જેવા મુદ્દા

આજે કેટલીક એવી બાબતોની ચર્ચા માંડ​વી છે જે આપણે જાણીએ છીએ કે ખોટી છે છતાં આપણે સૌ અનુસરીએ છીએ અથ​વા ક્યારેક તો એ અંગે વિચારતા પણ નથી કે એ ખોટી છે કે સાચી અને વગર વિચાર્યે અનુસરતા હોઇએ છીએ. કદાચ આ વાંચ્યા બાદ પણ એ વિશે હું કે તમે શું કરી શક​વાના છીએ એ અંગે હું ચોક્કસ નથી પણ કોઈ બાબત અંગે વિચાર કર​વો એ પણ એ બાબતમાં સારું પરિવર્તન લાવ​વાની દિશામાં પ્રથમ પગલું માંડ​વા સમાન છે એમ સમજી એ આજે તમારા સૌ સાથે શેર કરી રહ્યો છું.
*           સામાન્ય દુકાનમાં કે સ્ટેશન પર પોપકોર્ન દસ,વીસ કે ત્રીસ રૂપિયામાં આપણે સૌ ખરીદતા હોઇએ છીએ પણ એ જ પોપકોર્નના સિનેમાહોલ કે મલ્ટીપ્લેક્સ થિએટરમાં આપણે દોઢસો થી બસો રૂપિયા આપીએ છીએ.
*           સામાન્ય રીતે ચાના એક કપના છ થી માંડી વીસ કે ત્રીસ રૂપિયા આપણે ટપરી કે સામાન્ય હોટેલમાં આપતા હોઇએ છીએ પણ એ જ ચાના એક કપના ફાઈવ સ્ટાર હોટલમાં બસો-અઢીસો રૂપિયા ચૂક​વીએ છીએ. મિનરલ વોટર કે કોલ્ડડ્રીન્ક માટે પણ આ મુદ્દો લાગુ પડે છે.
*           રસ્તે બળબળતી બપોરે પથ્થર તોડ​વાનું કે રસ્તો બાંધ​વાનું કામ કરતા મજૂરને આખો દિવસ તનતોડ મહેનત બાદ મળતું મહેનતાણું માત્ર સો-દોઢસો રૂપિયા જ્યારે વાતાનુકૂલિત ઓફિસમાં બેસી કામ કરતા પ્રોફેશનલનો એક દિવસનો પગાર હજાર થી માંડી લાખ રૂપિયા. બંને માણસ જ છે ને? એક પ્રકારના વ્ય​વસાય માટે ઓછું વળતર કે બીજા માટે વધુ એ નક્કી તો આપણા માન​વસમાજે જ કર્યું છે ને?
*           નિર્ભયા પર સામૂહિક બળાત્કારના કેસનો ચુકાદો ચુ સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં સુણાવ્યો જેમા ચાર ગુનેગારોને નીચલી અદાલતે ફરમાવેલી ફાંસીની સજા યથાવત રાખ​વામાં આવી.એક ગુનેગારે તો આત્મહત્યા કરી હતી તેને સજા આપોઆપ મળી ગ​ઈ પણ આ પ્રકરણમાં સૌથી નિર્મમ કામ કરનાર - નિર્ભયાના શરીરમાં સળીયો ઘૂસાડનાર બળાત્કારી સોળ વર્ષની ઉંમરનો હોવાથી તેને ફાંસી નહિ. ઉલટું બે વર્ષ બાળસુધાર ગૃહમાં રહ્યા બાદ તે આજે મુક્ત છે! કાયદામાં આટલી જડતા શા માટે? ખબર છે કે ગુનો કરનાર માનસિક રીતે વિકૃત ગુનેગાર અપકૃત્ય આચરે છે તો તેને માત્ર ઉંમર ઓછી હોવાના મુદ્દાને લ​ઈને ઓછી સજા કે સજા માફી આવો ભેદભાવ કે અન્યાય શા માટે?
*           જાણીએ છીએ દારૂ - શરાબ વગેરે હાનિકારક પદાર્થો છે છતાં તેની દુકાનો , બાર વગેરે કાયદેસર ચાલતા હોય છે. તમાકુનું બીડી કે સિગારેટ દ્વારા સેવન શરીર માટે હાનિકારક હોવા છતા તે પેકેટ પર ચેત​વણી સાથે ખુલેઆમ વેચાય છે, સાર્વજનિક જગાએ કે ઘરોમાં અન્યોની હાજરીમાં બિન્ધાસત પીવાય  છે. તમાકુની ખેતી થાય છે તેના પર અનેક લોકો નભે છે.
*           બાર ગર્લ્સ નાચીને દારૂ પીવા આવતા લોકોનું મન બહેલાવતી હોય એ બાબત બિભત્સ લાગતી હોવા છતા આવા બાર્સ કાયદેસર ચાલે છે. દેહ​વિક્રયના વ્ય​વસાય સાથે પણ આ મુદ્દો લાગુ પડે છે.વેશ્યા વ્ય​વસાય પર નભતી સ્ત્રીને હલકી નજરે જોવામાં આવતી હોવા છતાં પુરૂષો હ​વસ સંતોષ​વા તેમની પાસે જાય છે.
*           જેના પર બળાત્કાર થયો હોય તેવી વ્યક્તિનો એ ઘટનામાં કોઈ વાંક ન હોવા છતાં સૌથી વધુ સહન કર​વાનું તેના જ ભોગે આવે છે.
*           કોઈ વ્યક્તિને એક પુત્રી હોય અને તેને બીજી પુત્રી આવે તો આજે પણ લોકોને એવો જ વિચાર આવે છે કે બીજો પુત્ર આવ્યો હોત તો સારૂ થાત.
*           છોકરો ગાળો બોલે, સિગરેટ પીવે, દારૂ પીએ ત્યારે સમાજ તેના પ્રત્યે એટલું ખરાબ વલણ નથી દાખવતો જેટલું તે આમ કરનાર કોઈ છોકરી હોય તેની સાથે દાખ​વતો હોય.

*           શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે મોંઘીદાટ ચીજ​વસ્તુ ખરીદતી વખતે આપણે ભાવતાલ કે રકઝક કરતા નથી પણ ઘર​-આંઅગણે મહેનત કરી શાકભાજી વેચ​વા આવનાર કે સ્વતંત્ર દુકાન ધરાવનાર વેપારી પાસેથી કોઈ પણ ચીજ વસ્તુ લેતી વેળા આપણે ભાવતાલ કર​વાનું ક્યારેય ચુકતા નથી.

5 ટિપ્પણીઓ:

  1. • ‘વિચારવા જેવા મુદ્દા’ માં સનાતન સત્ય સમા મુદ્દા વાંચવા મળ્યા.કેટલાક મુદ્દા તો આ સમાજના કહેવાતા ગુલાબી ગાલ પર લાલ તમાચા સમાન હતાં.ભારતે જાગવાની જરૂર છે.બ્લોગ ખરેખર આંખ ઉઘાડનારો બની રહ્યો.

    જવાબ આપોકાઢી નાખો
  2. પુષ્પા કિશોર ગાલા13 મે, 2017 એ 07:09 AM વાગ્યે

    ‘વિચારવા જેવા મુદ્દા’ માં વિચાર પ્રેરક વાતો વાંચવાની મજા આવી.એમાં સત્ય રજૂ થયું છે અને આપણે સૌએ ઘણાં મુદ્દા માટે સાચા પગલા અનુસરવાની જરૂર છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. રજનીકાંત વેલજી સાવલા13 મે, 2017 એ 07:10 AM વાગ્યે

    ‘વિચારવા જેવા મુદ્દા’ બ્લોગ લેખ વાંચી ઘણો આનંદ થયો. આ દેશ ને સુધારવો હોય તો પોતાનાથી જ શરૂઆત કરવી પડે. પછી કુટુંબ પછી સગાવહાલા , આપણે સૌએ એમ વિચારવું અને આચરવું જોઇએ કે હું ખોટું કરીશ નહીં, કોઈ ને કરવા દઈશ નહિં. મને ભલે નુકસાન થાય પણ મારા દેશ ને જરા પણ નુકસાન નહીં થવા દઉં. સરકારી પૉલિસી પણ તેવી જ હોય તો કોઈ ની તાકાત નથી કે આ દેશને વિશ્વમાં પ્રથમ દરજ્જે લઈ જતાં કોઈ રોકી શકે.
    કેટલીક વાતો તો આપણે તાત્કાલિક અમલમાં મૂકી શકીએ જેમ કે –
    * હવેથી ચીનનો કોઈ પણ માલ નહીં વાપરુ.
    * ગંદકી કયાંય નહીં કરું.
    * ટૅકસ નિયમિત ભરીશ.
    * જમવાનું જરાપણ બગાડ નહીં કરું.
    * રમકડાં, કપડાં, વાસણો બિનજરૂરી જરૂરી હોય તે જરૂરિયાત મંદ ને આપીશ.

    આ ઉપરાંત ઘણી બધી વસ્તુઓ છે જે પોતે, જીવન સાથી, બાળકો, કુટુંબ, મિત્રો સાથે મળી સાથે કરે,શેર કરે, આજના જમાના પ્રમાણે વ્હોટસ્ અપ, ફેસબુક, મિડિયામાં આપી ,યોગ્ય પ્રચાર કરે તો ઓછી મહનતે વધુને વધુ લોકોને જાણ કરી આ મારા દેશ માટે ફૂલ નહીં પણ પાંખડીનુ કામ કયૉનો સંતોષ લઈ શકે.

    જવાબ આપોકાઢી નાખો
  4. મૃદુલા દેસાઈ13 મે, 2017 એ 07:11 AM વાગ્યે

    ‘વિચારવા જેવા મુદ્દા’ માં વર્ણવેલા દરેક મુદ્દા સાથે હું સંપૂર્ણ રીતે સહમત થાઉં છું. બ્લોગને ઝરૂખેથી વાંચવું ગમે છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. ઘનશ્યામ એચ ભરુચા13 મે, 2017 એ 07:12 AM વાગ્યે

    ‘વિચારવા જેવા મુદ્દા’માં સમજવા જેવા મુદ્દાઓ વર્ણવાયા હતા. આજકાલ આપણે સૌ આપણાં મોભા પ્રમાણે જીવન જીવતાં હોઇએ છીએ. ઘણાં લોકો કેવળ દેખાદેખીમાં અને ફેશનને અપનાવીને સમાજમાં મોટાપણું બતાવીને એક પ્રકારનો બાહ્ય સંતોષ પામતા હોય છે. ભગવાને જે કંઇ આપણને આપ્યું તેમાં સંતોષ રાખી જીવવાની જરૂર છે.આપણાં જીવનમાં સાદગી અને સાદાઇ લાવવાની જરુર છે.કર ભલા હો ભલા નીતિ પ્રમાણે જીવવું જોઇએ.

    જવાબ આપોકાઢી નાખો